
Category Archives: Humor
( ૩૬૩) ‘વેલકમ, વેલકમ…’ (હાદશ્રેણી-૫)

‘ભણીશ નહિ, તો ભીખ માગીશ! વળી તારું નામ પણ ભીખાલાલ જ છે ને!’ તેમના બીજવર પિતાનું શિખામણ અને તિરસ્કારમિશ્રિત એ વાક્ય તેઓ અનેક વખત સાંભળી ચૂક્યા હતા. વીજળી પછી મેઘગર્જનાની જેમ તેમનાં સાવકાં માતા પણ તે જ વાતની તેટલી જ વાર ટાપસી પણ પૂરી ચૂક્યાં હતાં, ‘એ ભીખ માગશે કે કેમ તેની આપણને ખબર નથી; પણ આપણા માટે તો ભીખ માગવાનો દહાડો આવશે જ, કેમ કે તે કોઈ કામધંધો નહિ કરે અને આપણું બચાવેલું ખવાઈ જશે!’ ભીખાલાલનાં માબાપની વાત સાચી હતી અને તેમને તે વખતે એ વાત સમજાતી પણ હતી, પરંતુ આજ સુધી તેઓ બીજી એ વાત સમજી શક્યા ન હતા કે તેમનું ભણવામાં મન કેમ લાગતું ન હતું! પોતાની ભણવાની મંદ ગતિ માટે ત્રણ પરિબળોમાંથી મુખ્યત્વે કોઈ એક જવાબદાર હોવાની તેમની ધારણા હતી, પણ એ પરિબળ કયું તે આજે પાંત્રીસની ઉંમરે પણ તેમનાથી નક્કી થઈ શક્યું ન હતું. એ ત્રણ શક્યતાઓમાં એક હતી, તેમના શિક્ષકોમાં શિક્ષણકાર્યના કૌશલ્યનો અભાવ; બીજી હતી પોતાનામાં જ શિક્ષણને ગ્રહણ કરવાની શક્તિનો અભાવ; અને, ત્રીજી કદાચ હોઈ શકે, શિક્ષણશાસ્ત્રીઓની અભ્યાસક્રમના માળખાને ગોઠવવાની અણાઅવડત!
ખેર, એ બધી વાતો તો ડો. ભીખાલાલ સેતલવાડીઆના જીવનમાં ભૂતકાળ બની ચુકી હોવા છતાં તેમની વર્તમાનકાલીન સિદ્ધિ પાછળની તેની એહમિયતને જરા પણ ઓછી નહિ જ આંકી શકાય. મૂળે ઉત્તર ગુજરાતના એક ગામડાના સીમાંત ખેડૂતના ગરીબ પરિવારમાં જન્મેલા અને આજે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે પોતાની કોર્પોરેટ હેડ ઓફિસ અને ભારતનાં અગ્રગણ્ય શહેરો અને વિદેશોમાં પણ પોતાની કંપનીની ઓફિસો ધરાવતા તેઓશ્રી આજે પોતાનાં શ્રીમતીજી જીવીબહેન અને પંદરેક જણના રસાલા સાથે કોલાલુમ્પુરની ‘મલેશિયા યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી’ના નિમંત્રણને માન આપીને તેના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવવા તેઓ પોતાના અંગત હવાઈજહાજમાં ત્યાં પહોંચી ગયા છે. તેમના રસાલામાં આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ચાર યુવાન દુભાષીઆ ગુજરાતી છોકરા-છોકરીઓ, ત્રણેક સેક્રેટરી, એક ટુર ઓર્ગેનાઈઝર, બે ગુજરાતી રસોઈઆઓ, બે એસ્કોર્ટ્સ, એક આંતરરાષ્ટ્રીય કાનુની સલાહકાર, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક ફેમિલી ડોક્ટર, બે નર્સ અને વિમાનના કેપ્ટન – સહાયક પાયલોટો – એરહોસ્ટેસો વગેરે મળીને છએક જણનો સ્ટાફ છે. વર્ષ દરમિયાન આવી ચારપાંચ વિદેશી સફર પૈકી એકાદ તો એવી સફર હોય છે કે જેમાં તેમની કંપનીનો ઉપર જણાવેલો અંગત ચાવીરૂપ સ્ટાફ કંપની ખર્ચે કુટુંબ સાથે સફર કરતો હોય છે.
કોલાલુમ્પુરની એ કોન્ફરન્સ અંગે વિશેષ કંઈક જાણવા પહેલાં આપણે ડો. ભીખાલાલ વિષે થોડુંક જાણી લઈએ. સરકારની નવી શિક્ષણનીતિ અનુસાર કોઈ વિદ્યાર્થીઓને કોઈપણ ધોરણમાં નાપાસ કરવાના ન હોઈ તેઓ સડસડાટ ધોરણ દસ સુધી પહોંચી ગયા હતા, પણ બોર્ડની પરીક્ષામાં તેઓ આજ લગી નાપાસ જ રહ્યા હતા. છેવટે તેમણે અભ્યાસ છોડી દઈને નાનકડી ખેતીવાડી સંભાળી લીધી હતી. હાલમાં તેમના નામ આગળ ડોક્ટર એટલા માટે લખાય છે કે તેમને કચ્છડા યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમના ‘ભીખાલાલ’ નામનું રહસ્ય એ છે કે તેમના પિતાની લગભગ આધેડ ઉંમરે તેમની પહેલી પત્નીથી આ મહાશયનો જન્મ થયો હતો. ગામડાંની અંધશ્રદ્ધાઓ અનુસાર તેમણે પોતાનાં કુળદેવીની માનતા માની હતી અને તદનુસાર દીકરો ભીખનો મળ્યો હોઈ ‘ભીખાલાલ’ નામ રાખ્યું હતું. જોગાનુજોગ તેમનાં પત્નીના કિસ્સામાં પણ એવું જ હતું કે તેમના પિતાને પણ કોઈ સંતાન બેત્રણ વર્ષથી વધારે જીવતું ન હતું અને તેમણે પણ એવી જ માનતા માની હતી કે તેમના આગામી સંતાનનું નામ જીવો કે જીવી રાખવામાં આવશે. એ ગમે તે હોય પણ આ બાઈ તેના ‘જીવી’ નામ પ્રમાણે જીવી પણ ગઈ હતી.
ડો. ભીખાલાલનાં માતાપિતાની પોતે ભણવામાં મંદ હોવાના કારણે વારંવાર એકની એક સાંભળવી પડતી ‘ભીખ’ની ટકોરના કારણે તેઓ વ્યગ્ર રહેતા, પણ કદીય માતાપિતા સામે તેમણે ગુસ્સો વ્યક્ત કર્યો ન હતો. પછી તો ૨૦૦૧માં ગુજરાતમાં ભીષણ ધરતીકંપ થયો તેમણે માબાપ અને સર્વસ્વ ગુમાવ્યું. પોતે ખેતરમાં હોવાના કારણે બચી ગયા હ્તા અને માબાપ ઘરમાં દટાઈ મર્યાં હતાં. સ્વર્ગસ્થ માબાપની આગાહી મુજબ ભીખ માગવાનો સંજોગ ઊભો થયો; પણ તે કુદરતી આફતના કારણે, નહિ કે અભ્યાસમાં મંદ હોવાના કારણે! પરંતુ ભીખાલાલે સંકલ્પ કરી લીધો હતો કે માતાપિતાની આગાહી ખોટી પાડવી અને કોઈપણ સંજોગોમાં કોઈની આગળ હાથ લાંબો કરવો નહિ. રાહત માટે સરકારી અને કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓના કેમ્પ નંખાઈ ચુક્યા હતા. એક મોટી સંસ્થાના સંચાલકશ્રીને તેમણે વિનંતી કરી કે તેઓ રાહત કામગીરીમાં સ્વયંસેવક તરીકે સેવાઓ આપવાના બદલામાં મહેનતાણું લેશે, પણ કોઈ મદદ સ્વીકારશે નહિ. ભીખાલાલના જેવું જ જીવીબહેનના કિસ્સામાં પણ બન્યું. જીવીબહેન એક મોટા જાગીરદારની એકની એક પુત્રી હતી. ધરતીકંપમાં પોતે એકલી જ જીવિત રહી હતી. તેણીએ પણ ભીખાલાલ જેવો જ સંકલ્પ કરી લીધો. બંનેએ આફતગ્રસ્તોના પુનર્વસન માટે ખભેખભો મિલાવીને દિવસરાત તનતોડ મહેનત કરી. આમ બંને એક્બીજાના સહવાસમાં આવ્યાં અને છેવટે જીવનસાથી બની ગયાં.
કોલાલુમ્પુર ખાતેની મલેશિયા યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના કેમ્પસમાં દશેક હજાર ડેલિગેટને સમાવી શકતા એક વિશાળ શમિયાણામાં ઉપસ્થિતો શિસ્તબદ્ધ રીતે પોતાની ખુરશીઓમાં ગોઠવાયા છે. સામે ડાયસ ઉપર યુનિવર્સિટી સત્તાવાળાઓ, મલેશિયાના શિક્ષણપ્રધાન, ડો. ભીખાલાલ, તેમનાં શ્રીમતી જીવીબહેન અને તેમના રસાલામાંના મુખ્ય અધિકારીઓ પોતપોતાના સ્થાને ગોઠવાએલા છે. સભાની પ્રારંભિક ઔપચારિકતાઓ પછી ડો. ભીખાલાલ સાથેનો વાર્તાલાપ શરૂ થાય છે. સભાની કાર્યવાહી અંગ્રેજીમાં ચાલે છે, પણ દુભાષિયા તરીકેની ફરજ બજાવતી હોનહાર યુવતી માલિની ડો. ભીખાલાલને અંગ્રેજીમાં થતી ભાષણબાજીને ગુજરાતીમાં સમજાવતી જાય છે. વિશ્વમાં ગમે ત્યાં ડો. ભીખાલાલને જવાનું થાય, પણ ક્યાંય પોતે સળંગ પ્રવચન આપતા નથી હોતા. પોતાની કંપની અને તેની સિદ્ધિઓ વિષે અધિકારીગણનાં પ્રવચનો પછી ડો. ભીખાલાલ સાથે એકાદ કલાક જેટલી પ્રશ્નોત્તરી ચાલતી હોય છે. તેમની શરત હોય છે કે કોઈએ તેમના જીવન અંગેની કોઈ અંગત બાબતો પૂછવી નહિ. વળી મેનેજમેન્ટના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓજ માત્ર પ્રશ્નો પૂછી શકે. છેલ્લો અડધો કલાક પત્રકારો માટે ફાળવવામાં આવતો હોય છે. પ્રશ્નકારે સ્ટેજ ઉપર કાપલીમાં પ્રશ્ન મોકલવાનો હોય છે. કંપની સી.ઈ.ઓ. પ્રશ્નને વાંચ્યા પછી યોગ્ય લાગે તો માલિનીને આપે, જે તેણે ડો. ભીખાલાલને ગુજરાતીમાં સંભળાવવાનો હોય અને પછી ડો.શ્રી હપ્તે હપ્તે ગુજરાતીમાં જવાબ આપતા જાય અને માલીની તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને ઓડિયન્સને કહી સંભળાવે. અહીં આ લેખના વાચકો માટે શ્રીમાન ભીખાલાલને આજની સભામાં પૂછવામાં આવેલા અનેક પ્રશ્નો પૈકી સ્થળસંકોચના કારણે કેટલાક જ આપવામાં આવે છે. શ્રોતાઓના પ્રશ્નો અને મિ. ભીખાલાલના પ્રત્યુત્તરો સીધા ગુજરાતીમાં જ આપવામાં આવી રહ્યા છે.
પ્રશ્ન : આપની કંપની ABKS CO. LTd. તરીકે ઓળખાય છે, પણ તેનું Full Form શું છે ?
ડો. ભીખાલાલ : અમારી ભારતીય પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં અમારી કંપનીનું નામ “આંતરરાષ્ટ્રીય ભિક્ષુક કલ્યાણ સલાહકારી કંપની લિમિટેડ” છે. માલિની તેનું અંગ્રેજી વર્ઝન કહી સંભળાવશે.
માલિની : International Beggars’ Welfare Advisory Co. Ltd.
પ્રશ્ન : આપને સાવ નવીન જ ક્ષેત્રની આવી કંપનીની સ્થાપના કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
ડો. ભીખાલાલ : ઈ.સ. ૨૦૦૧માં ગુજરાત (ભારત)માં થએલા ધરતીકંપમાં બરબાદ થઈ ચૂકેલા લોકોનાં દુ:ખદર્દ જોઈને આ વિચાર સ્ફૂર્યો. મારી પત્ની જીવી અને હું પણ એ હોનારતનાં ભોગ બન્યાં હતાં, પણ અમે ભીખ માગવાના મતનાં ન હતાં. દરેક જણ અમારા જેવી સૈદ્ધાંતિક મક્કમતા ધારણ ન પણ કરી શકે!
પ્રશ્ન : આપના વિચાર અને વર્તનમાં વિરોધાભાસ નથી લાગતો? એક તરફ આપ પતિપત્ની બંને ભીખ માગવાના મતનાં નથી, અને બીજી તરફ આપ વિશ્વભરમાં ભિક્ષાવૃત્તિના સામાજિક દુષણને આપની કંપની દ્વારા પ્રોત્સાહિત કરો છો!
ડો. ભીખાલાલ : ભીક્ષા અને સહાય વચ્ચે પાતળી ભેદરેખા છે. જો આ ભેદને તમે પારખી શકશો તો સમજાશે કે અમારી કંપની કે અમારી કંપનીનાં અમે પ્રાયોજકોના વિચાર અને વર્તનમાં કોઈ વિરોધાભાસ નથી જ, નથી.
પ્રશ્ન : આપની કંપની નાણાંકીય સહાય મેળવવા માટે જરૂરિયાતમંદોને કેવી રીતે મદદરૂપ થાય છે?
ડો. ભીખાલાલ : અમારી કંપનીના નાણાંકીય વ્યવસ્થાપન માટેની સઘળી માહિતી વિશ્વની મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ઉપલબ્ધ એવી અમારી માહિતી પુસ્તિકા (Brochure) અને આનુષંગિક સાહિત્ય દ્વારા તમે જાણવા માગો છો તે માહિતી મેળવી શકાશે. આ માટે આપ અમારી અમારી વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. વિશ્વભરની સમાજસેવી સંસ્થાઓને દાતાઓ પાસેથી ફંડ/ડોનેશન મેળવી આપવા માટે અમે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવીએ છીએ. આ માટેનું અમારું UniversalHelping યુનિટ દિવસરાત કાર્યરત હોય છે. વિશ્વસનીયતા એ અમારી અસ્ક્યામત છે અને તેની જાળવણી માટે અમારી કંપની કટિબદ્ધ છે.
પ્રશ્ન : શું આપની કંપની વ્યક્તિગત લાભાર્થીઓ અર્થાત્ ભિક્ષુકોને Franchisee આપે છે ખરી? જો હા, તો તેમને એવો કયો વિશિષ્ટ લાભ થતો હોય છે?
ડો. ભીખાલાલ : હા. એવા Franchiseeને અમારી ઓળખનો લાભ મળે છે. અમે તેમને ટેકનિકલ KnowHow આપીએ છીએ. તેમની જરૂરિયાતને અનુરૂપ અમે તેમને Begging Kit આપીએ છીએ. વિશ્વભરની ભાષાઓનાં અમે ખરીદેલા હક્કોવાળાં ભિક્ષુક ગીતોની Audio Cassette અને ટેપ રેકોર્ડર પૂરાં પાડીએ છીએ. તેમને ક્રેડીટ/ડેબીટ કાર્ડ કે કોઈ પણ પ્રકારના ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા મળતી ભીખ (Alms) અંગેની બેન્કીંગ સુવિધાઓ માટે અમે ગ્લોબલ લેવલે કામ કરતી બેંકો સાથેના અમારા Tie-up થકી તેમને સુવિધાઓ પૂરી પાડીએ છીએ. તેમની બચતોને અમારી કંપનીનાં જ વિવિધ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાવીને તેમને પગભર થવામાં મદદ કરીએ છીએ કે જેથી તેઓ સમય જતાં ભિક્ષાવૃત્તિમાંથી બહાર નીકળી શકે.
પ્રશ્ન : આપની રાષ્ટ્રભાષા હિંદીમાંનાં કોઈ ફિલ્મોનાં બેચાર ભિક્ષાગીતો જણાવશો?
માલિની : (૧) ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા…(૨) તુમ્હારે હૈં તુમસે દયા માંગતે હૈ, તેરે લાડલોં કી દુઆ માંગતે હૈં…(૩) એક પૈસા દે દે, ઓ બાબુ, ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે…(૪) જાયેગા જબ યહાં સે, કુછ ભી ન પાસ હોગા…
પ્રશ્ન : આપની કંપની વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉપરાંત કોઈ દેશો કે તેમની સરકારોને આર્થિક મદદો મેળવવામાં મદદરૂપ થાય છે ખરી?
ડો. ભીખાલાલ : હા, કેમ નહિ? અમારું કાર્યક્ષેત્ર વિશાળ છે. વિશ્વના કેટલાય અવિકસિત અને અર્ધવિકસિત દેશોને તેમની રોજિંદી જરૂરિયાતો અને કુદરતી આફતોના સમયે આર્થિક સહાય મેળવવા અમારા નિષ્ણાતો દ્વારા સલાહસૂચન આપવા ઉપરાંત ઘણીવાર તો Lobbying પણ કરી આપવામાં આવતું હોય છે.
પ્રશ્ન : વ્યક્તિગત રીતે ભિક્ષુકોને ભીખકૌશલ્ય પ્રાપ્ત કરવા માટે કોઈ તાલીમ આપવામાં આવે છે કે કેમ?
ડો. ભીખાલાલ : હા, આ માટે અમે અમારા દેશમાંનાં મુખ્ય શહેરો ઉપરાંત Distant Education પણ આપીએ છીએ. અમારા આ પ્રકારના શિક્ષણના અભ્યાસક્ર્મમાં અમે મનોવૈજ્ઞાનિક, ધાર્મિક, નૈતિક વગેરે મુદ્દાઓને સમાવી લીધા છે. હાલમાં અમારી અભ્યાસક્રમ સમિતિ Internet Begging ઉપર અભ્યાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે આ વિષયને પણ અમારા અભ્યાસક્રમમાં દાખલ કરી દેવા ઉત્સુક છીએ.
પ્રશ્ન : સામાન્ય રીતે આમ ભિક્ષુકોને સફળતાપૂર્વક અને પરિણામલક્ષી ભીખ માગવા માટે આપની કંપની કઈ Tips આપે છે?
ડો. ભીખાલાલ : અમારી કંપનીના શિક્ષણ સચિવશ્રી સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને સાવ સંક્ષિપ્તમાં માહિતી આપશે.
શિ.સ. : (૧) યોગ્ય સ્થળની પસંદગી (૨) સમયની પાબંધી (૩) દાતાની સંવેદનશીલતા અને ઉશ્કેરાટને જગાડવાની આવડત (૪) લોકોને ગ્રામીણના બદલે શહેરી સંબોધનો કરવાં અને ક્યાંક ક્યાંક વળી અંગ્રેજી જેવી ભાષાના શબ્દપ્રયોગો કરવા. (૫) નાની રકમનો વિનયપૂર્વક અસ્વીકાર કરવો. (૬) ખાદ્યસામગ્રી કે જૂનાં પુરાણાં કપડાંના બદલે નાણાંનો જ આગ્રહ રાખવો. (૭) દૈનિક, અઠવાડિક, માસિક અને વાર્ષિક લક્ષાંકો નક્કી કરીને કંપની પાસે મંજૂર કરાવવા.
જીવીબહેન : અમારા શિક્ષણ સચિવશ્રીએ આપેલી Tips કારગત ન નીવડે તો ભિખારીઓએ રાજકારણમાં ઝંપલાવવું જોઈએ કેમ કે ત્યાં ઠાલાં વચનો સામે કિંમતી મત મેળવી શકાતા હોય છે. (સભામાં અટ્ટહાસ્ય પડઘાય છે.)
હવે, સભાસમાપ્તિ પૂર્વેનું દેશવિદેશના પત્રકારોનું પ્રશ્નોત્તરી અને ફોટોગ્રાફી માટેનું Session (સત્ર) શરૂ થાય છે. એક સાથે સેંકડો કેમેરાઓની ફ્લેશગનના આંખને આંજી દેતા ચમકારાઓથી વિશાળ શમિયાણો ઝળહળી ઊઠે છે અને હું એટલે કે શ્રીમાન ફેંકુ ઝબકીને જાગી જાઉં છું.
ડો. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી (રાજાજી)ના અધ્યક્ષપદે હાસ્યદરબારની આમસભા અને ઉમરાવસભાની મળેલી સંયુક્તસભાના ઉપક્રમે વિશ્વભરનાં ગુજ્જુ ભાઈબહેનોના ઈ-નેટ-જોડાણ સાથેના 3-D માધ્યમે યોજાએલા આ સ્નેહસંમેલનમાં શ્રીમાન ‘ફેંકુ’એ આમસભાના રત્ન તરીકેની પોતાની દાવેદારીને યોગ્ય સાબિત કરવા માટે મનઘડત જે કહાની ઘડી કાઢીને પેશ કરી છે, તે બદલ સૌ ‘આફરિન… આફરિન’ પોકારી ઊઠે છે. બધા સમૂહ-ધ્વનિએ હાદની આમસભાનાં સૂચિત ચૌદની સંખ્યામાંનાં રત્નો પૈકીના ચોથા રત્ન તરીકે તેમને સ્વીકારી લેવાની ભલામણ કરે છે અને સર્વાનુમતે શ્રીમાન ‘ફેંકુ’ને હાદરત્ન તરીકે વધાવી લેવામાં પણ આવે છે. રાજાજી પોતાના સ્થાનેથી ઊભા થતાં બોલી ઊઠે છે, ‘Welcome, welcome! Mr. Fenku, Welcome!’.
આમસભાના અધ્યક્ષશ્રી ‘છદા’ ભાઈશ્રી ફેંકુ માટે પોતાની છબરડા વાળવાની કલા કરતાં તેમની ફેંકવાની કલાને ચઢિયાતી દર્શાવીને આમસભાનું પોતાનું અધ્યક્ષપદ ખાલી કરે છે અને મોભાનું તે સ્થાન ગ્રહણ કરવાની વિનંતી કરે છે.
સભાસમાપ્તિની ઘોષણા થાય છે.
-વલીભાઈ મુસા
(૩૫૮) હાસ્યદરબારની અસાધારણ સાધારણ સભાના અસાધારણ ઠરાવો (પ્રહસન – ૪)

(આજરોજે હાસ્યદરબારની અસાધારણ (Extra-ordinary) સાધારણસભા (General Assembly) અમેરિકા ખાતેના ડલાસ રાજ્ય મધ્યે મેન્સફિલ્ડ નામે ઉપનગરે ‘હાદરત્ન – ૨’ બિરૂદધારી એવા સુરેશભાઈ જાની ‘સુરદા’ ના નિવાસસ્થાને ડો. રાજેન્દ્ર ત્રિવેદી ઊર્ફે ‘રાત્રિ’ ઊર્ફે ‘હાદરત્ન – ૧’ ઊર્ફે હિંમતલાલ જોશી (આતા)ના સંબોધનાનુસાર ‘રાજાભાઈ’ એટલે કે ‘રાજા’ કે ‘રાજાજી’ ના પ્રમુખસ્થાને અને સુરેશભાઈ જાની (સુરદા)ના સંચાલનપદે Ash-colored (ભૂખરા) કમાન્ડોના કડક બંદોબસ્ત હેઠળ તેમના રહેઠાણના વિશાળ ભોંયરા (Basement)માં મળી હતી, જેમાં અમેરિકાનિવાસી હાદરત્નો સદેહે અને શેષ હાદરત્નો 3-D વિડિયો કોન્ફરન્સે વિદેહે (અર્થાત્ અપ્રત્યક્ષ) હાજર હતાં. અમેરિકાનાં લગભગ તમામ રાજ્યોમાંથી હાસ્યદરબારના ગુજરાતી ચાહકોમાંથી રાજ્યદીઠ એક પ્રતિનિધિની હાજરી રહી હતી. હાસ્યદરબારમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એમ કોઈ પણ રીતે ન સંકળાએલાં હોય તેવાં મેન્સફિલ્ડનાં સ્થાનિક ગુજરાતી નરનારીઓને મર્યાદિત સંખ્યામાં મફત પાસ આપીને સભાની જીવંત કાર્યવાહી નિહાળવા માટે માળિયામાં ભારતીય બેઠકે બેસવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સભાની કાર્યવાહીના એજન્ડામાં એક માત્ર મુદ્દો એ હતો કે સભાપ્રમુખની મંજૂરીથી હાસ્યદરબારના બંધારણમાં સુધારાથી માંડીને કોઈ પણ ઠરાવ ચર્ચા માટે મૂકી શકાશે. ભૂખરા કમાન્ડોની સેવા લેવા પાછળનો આશયમાત્ર એ હતો કે શાંતિપ્રિય અને ‘હસો અને હસવા દો’ ના સૂત્રને વરેલા એવા હાદજનોની હસીખુશીની આ સભામાં દિવેલ પીધેલાં અને રૂક્ષ ચહેરાધારી કોઈ નરનારીઓ પ્રવેશી ન જાય અને સભાનું કામકાજ હર્ષોલ્લાસ સાથે સમસૂતર અને નિર્વિઘ્ને પાર ઊતરે. આ સભાની જીવંત કાર્યવાહી વિશ્વભરની માત્ર મનોરંજન પીરસતી ગુજરાતી ચેનલો ઉપર પ્રસારિત કરવામાં આવી રહી છે.)
રાત્રિ (હાદરત્નાંક-૧) : મારા પ્રમુખસ્થાનેથી જાહેર કરવામાં આવે છે કે સાધારણસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવે અને સભાસંચાલનની જવાબદારી ભાઈશ્રી સુરદા નિભાવે.
સુરદા (હાદરત્નાંક-૨) : આ સભામાં ૧ થી ૯ ક્રમાંકનાં આખાં અને ૧૦ અ અને ૧૦ બ ક્રમાંકનાં અડધિયાં એવાં સદેહી અને વિદેહી તમામ હાદરત્નો, હાસ્યદરબારના ચાહકોના પ્રતિનિધિઓ, વિવિધ ટી.વી. ચેનલો/અખબારોના રિપોર્ટરો, માળિયા સ્થિત પ્રેક્ષકવૃંદ અને અત્રે સંબોધનમાં બાકી રહી જતાં હાસ્યદરબારને લાગતાં-વળગતાં સુબાનુઓ અને સુમર્દોને આ સભામાં આવકારતાં પરમાનંદ અનુભવું છું. આ સભામાં યથાસમયે Surprise (સાનંદાશ્ચર્ય) આપવાના આશયે એક ભાઈને હાલ પૂરતો તેમનું નામ અધ્યાહાર રાખીને આવકારું છું. સર્વ પ્રથમ તો આપણા હાસ્યદરબારના બંધારણને અનુલક્ષીને કોઈ સભાજન જરૂરી ઠરાવો પસાર કરાવવા માગતા હોય તો હું તેમને વિનંતી કરું છું કે તેઓ વિના સંકોચે મુક્ત ચર્ચા માટે પોતાનો ખરડો મૂકી શકે છે.
ચીમનભાઈ (હાદરત્નાંક-૫) : આપણે ઈંગ્લેન્ડની શાસનપદ્ધતિ અનુસાર હાસ્યદરબારના સર્વોચ્ચ વડા એટલે કે ‘રાજા’ તરીકે ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો રાજ્યાભિષેક કરીએ. રાજાને સલાહસૂચન માટે ઉમરાવસભા અને આમસભાની જોગવાઈ કરીએ. મૂળભૂત નવ રત્નો પૈકી ડો. રાજેન્દ્ર ત્રિવેદીને ‘રાજા’ના સ્થાને ગોઠવતાં ખાલી પડતી તેમની જગ્યાએ માનાર્હ રત્ન તરીકે ડો. ચન્દ્રવદન મિસ્ત્રીને ગોઠવતાં આ નવેય રત્નોની ઉમરાવસભા રચવામાં આવે. Mr. Lawyer અને Mr. Liar ને અડધિયાના બદલે આખાં ગણી લેતાં તેઓ બંને અને ભવિષ્યે વિવિધ અને વિશિષ્ઠ પ્રતિભાઓ ધરાવતાં નવીન જે કોઈ રત્નો ઈન્ટર્વ્યુ થકી ઉમેરાતાં જાય તે સઘળાની આમસભા બનતી જાય. આમસભાનાં આ રત્નોની સંખ્યા અમર્યાદિત અથવા આ સાધારણસભાને યોગ્ય લાગે તે રાખવામાં આવે. મારા આ ખરડાને જો નવેય મૂળભૂત રત્નો સર્વાનુમતે સ્વીકારી લે તો આ મુસદ્દા અંગે કોઈ ચર્ચાને સ્થાન ન આપવામાં આવે. પરંતુ તેઓમાંના કોઈ એકાદનો પણ વિરોધ મત હોય તેવા સંજોગોમાં જ આજની આ સાધારણ સભામાં ચર્ચા કરીને મતદાન કરવામાં આવે અને આમ સર્વાનુમતે કે બહુમતીએ ઠરાવ પસાર કરવામાં આવે. હાલ સુધીમાં આમસભામાં માત્ર બે જ સભ્યો છે, પણ ભવિષ્યે જો તેમની સંખ્યા ઉમરાવ સભા કરતાં વધે તેવા સંજોગોમાં કોઈ વાર્ષિક કે અસાધારણ સાધારણ સભા ન બોલાવતાં ‘રાજા’ માત્ર આમસભા અને ઉમરાવસભાના સલાહસૂચન મુજબ હાસ્યદરબારનું સંચાલન કરે તેવી દરખાસ્ત હું મૂકું છું.
(સાધારણ સભાના તમામે તમામ સભ્યો એકી અવાજે આમસભાનાં રત્નોની મહત્તમ સંખ્યાના મુદ્દા સિવાયના તમામ મુદ્દાઓને અનુલક્ષીને ‘ચીમનભાઈનો ખરડો મંજૂર… મંજૂર’ એમ બોલી ઊઠે છે.)
સુરદા (હાદરત્નાંક-૨) : સર્વ પ્રથમ તો ડો. રાત્રિની ‘રાજા’ તરીકેની નિયુક્તિ બદલ આપણી સાધારણ સભા વતી ‘રાજા’ તરીકેનું તેમનું નામાભિધાન કરનાર વડીલ આતાશ્રીનો અને પછી સર્વાનુમતે ચીમનભાઈના આમસભાની રત્નસંખ્યા સિવાયના સંપૂર્ણ ખરડાને યથાવત્ મંજૂર કરનાર આ સાધારણ સભાનો આભાર માનું છું. આપણી ઉમરાવસભામાં ડો. ‘રાત્રિ’ની ખાલી પડેલી જગ્યાએ નિયુક્ત થએલા ડો. ‘ચમિ’ને હું આવકારું છું. વળી આ પણ કેવો જોગાનુજોગ છે કે ડોક્ટરની જગ્યાએ ડોક્ટર આવે છે. મેં સાધારણ સભાના સંચાલનનો કાર્યભાર સંભાળતાં યથા સમયે Surprise (સાનંદાશ્ચર્ય) આપવાના આશયે એક ભાઈનું નામ અધ્યાહાર રાખીને મેં જેમને આવકાર્યા હતા તેમને હવે તેમના ‘છબરડાદાસ’ નામે પણ હાલ પૂરતા બિનસત્તાવાર હાદરત્ન તરીકે તેમને આવકારતાં આનંદ અનુભવું છું. બિનસત્તાવાર એટલા માટે કે Mr. Lawyer અને Mr. Liar ની જેમ તેમણે આજની હાદસભામાં હાદરત્ન તરીકેની નિયુક્તિ માટે ઈન્ટરવ્યુ આપવો પડશે. ઈન્ટરવ્યુ લેનાર ઓથોરિટી તરીકે ઉમરાવસભા રહેશે અને હવે ઉમરાવસભાને વિનંતી કરવામાં આવે છે કે હાલ તરત જ આજની જ આ સભામાં તેઓશ્રીનો ઈન્ટરવ્યુ લેવાનું શરૂ કરવામાં આવે.
રાજાજી (રાત્રિ) : ભાઈશ્રી આપનું નામ શું અને આપ હાલમાં ગુજરાતમાં વસો છો કે પછી NRG હોઈ વિદેશમાં વસો છો? વળી, એ પણ જણાવી દો કે તમે એવી કઈ વિશિષ્ટતા ધરાવો છો કે જેથી તમને હાસ્યદરબારની આમસભામાં હાદરત્ન તરીકેનું સ્થાન આપવામાં આવે ?
છબરડાદાસ : મારું નામ ‘છબરડાદાસ’ તો સુજાજીએ જાહેર કરી જ દીધું છે અને હું OSG (Out State Gujarati) છું. હું ભારતમાં જ પણ પાડોશી રાજ્ય ગુજરાતમાં, I mean, રાજસ્થાનમાં રહું છું. મારાથી જાણેઅજાણ્યે વાણીએ અને વર્તને એટલા બધા છબરડા વળી જાય છે કે લોકોએ મને છબરડાદાસનું બિરૂદ આપ્યું છે. તેમણે આપેલું નામ મને યથાર્થ લાગતું હોઈ સરકારી ગેઝેટમાં મારા એ નામને છપાવીને મેં મારા એ જ નામને કાયદેસર બનાવ્યું છે અને મને એ નામનો ગર્વ પણ છે.
પ્રજ્ઞાબેન (હાદરત્નાંક-૮) : ભાઈશ્રી છબરડાદાસજી, તમારા પ્રથમ ઉવાચે જ અને બોડી લેન્ગવેજે અમને એવું લાગે તો છે જ કે તમે મનમાં કંઈક અને બોલવામાં સાવ જુદું જ બોલીને બાફતા હશો. આરોગ્યજાળવણીમાં બાફેલું સઘળું આવકાર્ય ગણાતું હોય છે, પણ બોલચાલમાં બાફેલું હાનિકારક નીવડતું હોય છે. આજની સભા આગળ તમારા જીવનના બેચાર નોંધપાત્ર છબરડા કહી બતાવો કે જેથી તેની ગુણવત્તા નક્કી કરીને તમારા ‘છબરડાદાસ’ નામને અમે માન્ય રાખીએ અને હાદરત્ન તરીકેની તમારી ઉમેદવારી અંગે અમે વિચારી પણ શકીએ.
છબરડાદાસ : એક વાત પહેલેથી જ જણાવી દઉં કે ભલે હું ગમે તેવા છબરડા વાળતો હોઉં, પણ પછી તરત જ હું વાતને વાળી લેવાની આવડત પણ ધરાવું છું અથવા તો ઘણીવાર મારા સદનસીબે હું મોટી મુસીબતમાંથી બચી જતો પણ હોઉં છું. એકવાર અમદાવાદની એક જાહેર મુતરડીમાં વિચારોની ધૂનમાં મહિલા વિભાગમાં પ્રવેશી ગયા બદલ સફાઈ કરનારી બાઈએ મને હડફાવ્યો, ત્યારે મારે માફી માગતાં કહેવું પડ્યું હતું કે ‘શું કરું બહેન, મને ખબર જ હતી કે હું ખોટા સ્થાને પ્રવેશી રહ્યો છું, પણ પુરૂષ વિભાગની મોટી લાઈનના કારણે તમે મારી મજબુરી સમજી શકશો કે મારે એ કેમ કરવું પડ્યું હશે!’ મારા બચાવનામાને સાંભળીને એ ભલી બાઈ હસી પડી હતી.
હરનિશ જાની (હાદરત્નાંક-૩): જૂઓ ભાઈ, અમે તમારા છબરડાઓના છૂટક બનાવો સાંભળવાના બદલે તમારા જીવનમાં કોઈ એવો દિવસ આવ્યો હોય કે જ્યારે તમે તે આખા દિવસ દરમિયાન છબરડાઓની પરંપરા સર્જી બેઠા હોવ તે સાંભળવું અમને ગમશે. જરા યાદ કરીને એવા કોઈ દિવસના સઘળા ઘટનાક્રમને કહી સંભળાવો અને અમારું માનવું છે કે તમારું એ એક જ દિવસનું પરાક્ર્મ કદાચ તમને હાદરત્ન બનાવી પણ દે!
છબરડાદાસ : મારે એ દિવસને યાદ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે એ દિવસ તો મારા જીવનમાં જીવનપર્યંતનો સંભારણાનો દિવસ બની રહ્યો છે. વળી મને આશા પણ છે કે છેક ભારતથી હાદરત્ન બનવા માટેની મારી અહીં સુધીની સફર મારા એ દિવસના બયાનથી જ ફળદાયી બની રહેશે.
કાસિમભાઈ (હાદરત્નાંક-૭) : હવે સમય ગુમાવ્યા વિના અને વાતમાં વધારે પડતું મોણ નાખ્યા વિના સીધે સીધું ભાખી દો અને અમારી ઉત્સુકતાને સંતુષ્ટ કરો.
છબરડાદાસ : એ મારો કોલેજકાળના બી.એ.ના બીજા વર્ષની યુનિવર્સિટી પરીક્ષાનો કમનસીબ પહેલો દિવસ હતો. પરીક્ષાના સમગ્ર કાર્યક્રમમાં એ દિવસ જ એવો બુંદિયાળ હતો કે અમારે બે પેપર હતાં. રાત્રે બાર વાગ્યા સુધી અર્થશાસ્ત્ર – ૧ નું વાંચન કર્યા બાદ પાંચેક કલાકની ઊંઘ મળી રહે તે માટે પાંચ વાગ્યાનું એલાર્મ મૂકીને સૂઈ ગયો. મારો રૂમ પાર્ટનર સાયન્સનો વિદ્યાર્થી હોઈ તેની પરીક્ષા મોડેથી હોવાના કારણે વાંચન માટે તે વતનમાં ગયો હતો અને રૂમમાં હું એકલો હતો. તે દિવસે મારું બીજું પેપર ઈતિહાસ – ૧ નું હતું. સવારે હોસ્ટેલની લોબીમાં કોલાહલના કારણે હું ઝબકીને જાગી ગયો અને મનમાં નરસિંહ મહેતાનું એક પ્રભાતિયું શબ્દાંતરે ગવાઈ ગયું કે ‘જાગીને જોઉં તો એલાર્મની ઠેસી નીચી દીસે નહિ!’. એલાર્મ ન વાગવાનું કારણ સમજાઈ ગયું હતું. ઘડિયાળમાં સાત વાગી ચૂક્યા હતા. હું રઘવાયો થઈને મળત્યાગગૃહે પ્રવેશ્યો. શૌચક્રિયાનો પ્રારંભ થઈ ગયા પછી ‘પાણી પીને ઘર પૂછવા’ જેવું આત્મજ્ઞાન થયું. નળમાં પાણી આવે છે કે નહિ તેની ચકાસણી કરવા ગરમ અને ઠંડા એમ બંને પ્રકારના નળોને અજમાવી જોયા. પાણીના બદલે હવા નીકળતાં હાઈસ્કૂલ સુધીના વિજ્ઞાનના જ્ઞાને ‘દિલકો બહલાનેકે લિયે ગાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી કલ્પના કરાવી કે કાશ બંને નળમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુઓ નીકળતા હોત તો ઓક્સિજનવાળો અડધો અને હાઈડ્રોજનવાળો પૂરો નળ ખોલીંને ધડાકા સાથે હું પાણી મેળવી શક્યો હોત. લગભગ સવારના સાત અને આઠની વચ્ચે હંમેશાં આમ જ બનતું હોય છે, કારણ કે હોસ્ટેલના મોટા ભાગના સૂર્યવંશીઓ આ સમયગાળામાં જ સ્નાન કરતા હોઈ ટાંકીનું તળિયું દેખા દેતું હોય છે. સદભાગ્યે હું અર્થસાસ્ત્રની નોટબુક લઈને અંદર ગયો હોઈ પાણી આવ્યું ત્યાં સુધીમાં મેં મારા વિહંગાવલોકને આજના અર્થશાસ્ત્ર – ૧નું રિવિઝન કરી લીધું હતું. આમ મારા મુલ્યવાન સમયનો દુર્વ્યય થયો ન હતો, પરંતુ વર્ડ્ઝવર્થની કવિતાની પેલી કડી કે ‘Sweet are the uses of adversity’ ની જેમ મેં સમયનો સદુપયોગ કરી લીધો હતો. ઈતિહાસ – ૧નું પેપર બપોર પછી હોઈ રિસેસનો એક કલાક તેના ઉપર નજર ફેરવી લેવા માટે પૂરતો રહેશે તેમ માનીને ઇતિહાસના પુસ્તકને હું સ્પર્શ્યો પણ ન હતો.
હું એચ.કે. કોલેજનો વિદ્યાર્થી હતો, પણ મારો બેઠક નંબર એચ.એ. કોલેજમાં હતો. મેં દસ વાગે હોસ્ટેલમાં જઈને ઝડપથી જમી લીધું અને તૈયાર થઈને રસ્તા ઉપર જઈ એક ઓટો ઊભી રખાવીને મેં તેને એચ.એ. કોલેજે લઈ જવાનું કહીને મેં મારું વાંચવાનું ચાલુ કરી દીધું. મારા દુર્ભાગ્યે ઓટોવાળાએ મને એચ.એલ.ના દરવાજે ઊભો કરી દીધો. પોણા અગિયાર વાગી ચૂક્યા હતા અને સદભાગ્યે મેં એ ઓટો જતી ન્હોતી કરી.
મેં એને કહ્યું, ‘અરે ભાઈ, આ તો એચ. એલ. કોલેજ છે. જૂઓ ભાઈ, આપણે કોઈ બહસ કરવી નથી કે આપણા બેમાંથી કોની ભૂલ છે, પણ હવે કોઈને પણ પૂછીને તમે જલ્દી મને એચ.એ. કોલેજે પહોંચાડો.
તેણે કહ્યું, ‘મારે એ કોલેજનું કોઈનેય શા માટે પૂછવું પડે? મને ખબર જ છે કે તે લો ગાર્ડન સામે છે. ભલા માણસ, તમે વાંચવાની ધૂનમાં એચ.એલ. કોલેજ જ બોલેલા અને તમને હું અહીં લાવ્યો છું.’
‘મેં તમને કહી જ દીધું છે કે આપણે બહસ કરવી નથી અને મારી પાસે તે માટે સમય પણ નથી. ભાઈ, ઓટો જલ્દી હંકારો. મારી જિંદગીનો અને કેરિયરનો સવાલ છે.’ મેં કહ્યું.
અગિયાર અને દસ મિનિટે હું પરીક્ષાખંડમાં દાખલ થયો અને સુપરવાઈઝરે મને ઉત્તરવહી અને ઇતિહાસનું પ્રશ્નપત્ર આપી દીધું. મેં કહ્યું, ‘અરે સાહેબ, તમારી ભૂલ થાય છે. આજનું પહેલું પેપર તો અર્થશાસ્ત્રનું છે!’ વર્ગમાંના બધા વિદ્યાર્થી ખડખડાટ હસી પડ્યા.
મારી પરીક્ષાના પહેલા જ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું મારે થયું. ખેર, મેં મારા મષ્તિષ્કની બોધાવસ્થાની ઉપલી સપાટી ઉપર અંકિત થએલી અર્થશાસ્ત્રની અટપટી વ્યાખ્યાઓ અને આંકડાઓની માયાજાળને નીચેના સ્તરે ધકેલીને ઇતિહાસના વાંચનને સજીવન કરવાનો પ્રયત્ન કર્યો. મારા આશ્ચર્ય વચ્ચે સંભવત: સ્વર્ગસ્થ મુરે અને પંડિત સુખલાલજી જેવા ઇતિહાસકારોના આત્માઓએ મારા ચિત્તપ્રદેશ ઉપર એવો જડબેસલાક ચોકીપહેરો ગોઠવી દીધો હતો કે પેલા અર્થશાસ્ત્રના વિચારો માથું ઊંચકી શકે નહિ. આમ સમય પૂરો થવાના બપોરના બે વાગ્યા સુધી હું ઉત્તરવહીમાં કોણ જાણે પણ શુંનું શું લખતો જ રહ્યો. મારા સુપરવાઈઝર વચ્ચે વચ્ચે મારા લખાણને જોવા આવતા હતા અને સ્મિત કરતા કરતા પાછા પોતાની ખુરશીમાં ગોઠવાઈ જતા હતા. તેઓશ્રી થોડીકવાર માટે પોતાની આંખો બંધ કરીને જાણે કે મારા માટે પ્રાર્થના કરતા હોય તેવું મને લાગ્યું હતું. તેમની પ્રાર્થના કદાચ વદ્યસ્તંભ ઉપર સ્થિત એવા ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના જેવી હોઈ શકે કે ‘હે સરસ્વતી દેવી, તું તારી સહાયક એવી પરીક્ષાદેવીને આ વિદ્યાર્થી વતી ભલામણ કરી દેજે કે તેણી આ છોકરાને માફ કરી દે, કેમ કે તે શું લખી રહ્યો છે તેની તેને બિચારાને કોઈ ખબર હોય તેવું મને લાગતું નથી!’
દસ મિનિટ પહેલાં સમય પૂરો થવા આવ્યાની ચેતવણીના બે ડંકા પડ્યા ત્યારે તો મેં છેલ્લો પ્રશ્ન લખવો જ શરૂ કર્યો હતો. છેલ્લે આખો ઘંટ પડ્યા પછી પણ સુપરવાઈઝર અને મારી વચ્ચે ખેચંખેચના કારણે ઉત્તરવહી ફાટી ન જાય ત્યાં સુધી તેને પકડી રાખીને લખ્યા જ કર્યું હતું.
ખેર, મારી વધારે કરૂણ દાસ્તાન તો હવે શરૂ થાય છે. વચ્ચે એક કલાકની રિસેસ હતી. ગાર્ડનમાંની ‘Busy Bee’ રેસ્ટોરન્ટમાંની એક કડક મીઠી આખી ચા મારા પેટમાં ઠાલવીને હું બગીચાના એક ખૂણા તરફ ગયો. ત્યાં એક ઝાડના છાંયા નીચે બેસીને મારી અર્થશાસ્ત્રની નોટનાં પાનાં ઊથલાવતો હતો, પણ વહેલી સવારથી હાલ સુધીના મારા છબરડાઓ વિષેના વિચારો મારો પીછો છોડતા ન હતા. મારી વિચારકડીઓને ઉચ્છેદવા માટે મેં બગીચાની લોન ઉપર લંબાવીને સહજ રાજયોગની જેમ મારી ભૃકુટી વચ્ચે મારા ધ્યાનને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. હું પરીક્ષાના માનસિક દબાણ હેઠળ હોવા છતાં મારી રાત્રિઓના ઉજાગરાના કારણે કે પછી ગમે તે કારણે હું ચિર નિદ્રામાં પોઢી ગયો હતો. છેક સાંજે લગભગ છએક વાગ્યે બગીચામાં ટહેલવા આવેલાઓના અવાજોના કારણે હું ઝબકીને જાગી ઊઠ્યો. મને કોઈએ કહેવું ન પડ્યું, પણ હું સમજી ગયો હતો હું મારું અર્થશાસ્ત્ર-૧ નું પેપર ગુમાવી બેઠો હતો. જેમ ઢોળાએલા દૂધ અને વેડફાએલા પાણી ઉપર અફસોસ કરવો વ્યર્થ ગણાય, બસ તેમ જ, મેં મારા મનને મનાવી લીધું હતું.
પછી તો હોસ્ટેલે જઈને સરસામાન તૈયાર કરીને વતનના ગામડે ચાલ્યા જવા માટે હું ગીતામંદિર બસ સ્ટેન્ડે થરાદવાળી બસમાં બેસી ગયો હતો. મેં સિદ્ધપુરની ટિકિટ માગી તો મશ્કરા કંડક્ટરે હસતાં હસતાં કહી સંભળાવ્યું કે ‘તમારો આ જ બસમાં સિદ્ધપુર જવાનો આગ્રહ હોય તો માત્ર સોએક રૂપિયાની ટિકિટ થશે અને આવતી કાલે બપોરે તમે સિદ્ધપુર પહોંચી શકશો. મારા ભાઈ, આ તો થરાદ-સુરત બસ છે, નહિ કે સુરત-થરાદ!’
હું કટાણું મોં કરીને બસમાંથી નીચે ઊતરી જઈને બસસ્ટેન્ડના બાંકડે જઈ બેઠો. થોડીવાર પછી શટલિયા જીપગાડીનો કમિશન એજન્ટ આવ્યો, તેણે બસભાડાના ભાવેભાવ બસ કરતાં એકાદ કલાક વહેલો સિદ્ધપુર પહોંચાડી દેવાની લોલીપોપ બતાવીને અને મારો સરસામાન ઊંચકી લઈને મને રીતસર હાઈજેક જ કરી લીધો હતો. આજનો આખો દિવસ એક એકથી ચઢિયાતા છબરડાઓમાં પસાર થયો હોઈ મને લાગ્યું કે હું ઘરે એકાદ કલાક વહેલો પહોંચી જઈશ અને રાહતનો દમ લઈશ; પણ ના, હજુ સુધી મારી પરેશાનીઓ મારો પીછો છોડવા માગતી ન હતી, કલાકેકની અમારી જીપયાત્રા થઈ હશે અને અમારી જીપગાડીના ટાયરને પંક્ચર થયું. અમને બધાને જીપગાડીમાંથી નીચે ઊતરી જવાનો આદેશ થયો. જીપગાડીના ડ્રાઈવરના સહાયકે ચપટી વગાડતાં કહ્યું કે ટાયર બદલવાનું મારા માટે તો દસ જ મિનિટનું કામ, પણ આ શું? સ્પેર ટાયરમાં હવા જ ન હતી. બીજા મુસાફરો તો એક પછી એક એમ કરીને નાનાં કે મોટાં વાહનોને રોકતા ગયા અને રવાના થતા રહ્યા. અમારી જીપગાડીમાં ડ્રાઈવર, તેનો સહાયક અને હું એમ ત્રણ જ જણ છેલ્લે વધ્યા હતા. મારી પાસે મારા ગાદલાનો વીંટો હતો અને આ પરિસ્થિતિમાં હું કોઈ બીજું વાહન પકડી શકું તેમ ન હતો. આખરે પેલો સહાયક પંક્ચર પડેલા મૂળ ટાયરને નજીકના હાઈવે ઉપરના કોઈક સ્થળે જઈને ઠીક કરાવી લાવ્યો. આમ મારી પેલી કહેવાતી એક કલાકની સમયબચત ધોવાઈ ગઈ હતી. લગભગ અડધી રાતે આમ સરસામાન સાથે મને ઘરે આવેલો જોઈને માતાપિતા અને ભાઈભાભી પરેશાન હતાં. મારી ભૂખ મરી ગઈ હોઈ મેં જમવાની ના પાડી દીધી હતી. ‘આમ અચાનક કેમ આવવાનું થયું?’ ના જવાબમાં તેમને સવારે ખુલાસાવાર વાત કરવાની હૈયાધારણ આપીને મેં પથારીમાં લંબાવ્યું હતું, ત્યારે ભીંતઘડિયાળે રાતના બારના ટકોરા પાડ્યા હતા. એ કાળે હાલની સેમેસ્ટર પદ્ધતિ પ્રચલિત ન હોઈ મારે એક વર્ષ સુધી કૌટુંબિક ખેતીના વ્યવસાયમાં બળદિયાઓનાં પૂંછડાં આમળીને મદદરૂપ થવાનું હતું.
આ છે મારી છબરડાઓની પરંપરાના અપશુકનિયાળ એ એક જ દિવસની કરમકહાણી! હાદની ઉમરાવસભાનાં આપ સૌ વડીલોએ હવે વિચારવાનું રહે છે કે હું મારા ‘છબરડાદાસ’ ઉપનામે હાદરત્નની પસંદગીને પાત્ર ઠરું છું કે કેમ!
રાજાજી : ભાઈશ્રી છબરદડાદાસજી, મને પેલી ઉક્તિ ક્યાંક વાંચ્યાનું યાદ આવે છે કે ‘ જેની ચા બગડી તેની સવાર બગડી, દાળ બગડી તેનો દિવસ બગડ્યો, પાપડ બગડ્યો તેનો મહિનો બગડ્યો, અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું; પરંતુ જેની સાસુ/વહુ બગડી તેનો જન્મારો બગડ્યો!’ તમારી દાસ્તાન ખરેખર પેલી ‘ચૌબીસ ઘંટે’ જેવી જ બની રહી. કોઈક સરક્યુલર રૂટની બસના પાટિયામાં જેમ લખેલું હોય કે ‘લા.દ.થી લા.દ.’ અથવા ‘પાલનપુરથી પાલનપુર’; બસ, તેવી જ રીતે તમારી ચોવીસ કલાકની દાસ્તાનને પણ ‘રાતના બારથી રાતના બાર સુધી’ તરીકે ઓળખાવી શકાય. ખેર, ઉમરાવસભાનાં ભાઈબહેનો, ભાઈજાન છબરડાદાસને હાદરત્નનું બિરૂદ આપવા તથા તેમને આમસભામાં નિયુક્ત કરવા અંગે આપ સૌનો શો મત છે?
(ઉમરાવસભાના બધા સભ્યો એક અવાજે સ્ટેન્ડીંગ ઓવેશન (Standing ovation) થકી તાળીઓના ગડગડાટ વચ્ચે હાથ ઊંચા કરીને બોલી ઊઠે છે, ‘છબરડાદાસને હાદની આમસભામાં ‘હાદરત્ન’ તરીકે પ્રસ્થાપવામાં આવે છે.’)
Mr. Liar : આજના અપવાદે હું સાચું બોલું છું અને મારા જોડિયા મિત્ર Mr. Lawyer ને ભલામણ કરું છું કે અમારી આમસભાના અધ્યક્ષ તરીકે મિ. છબરડાદાસને નિયુક્ત કરવામાં આવે, કેમ કે છેવટે જોવા જઈએ તો અમે બંને તો અડધિયાં રત્નો જ કહેવાઈએ ને! આખું રત્ન તો મિ. છબરડાદાસ જ ગણાય! ભાઈશ્રી ‘છદા’ (હાદપ્રણાલિકાએ સંક્ષિપ્ત સંબોધન), તમને અધ્યક્ષસ્થાને રહીને પણ છબરડા વાળવાની છૂટ છે, કારણ કે આપણા સાથી Mr. Lawyer તમારા ગમે તેવા છબરડાને પોતાની દલીલો દ્વારા યથાર્થ સાબિત કરી બતાવશે.
Mr. Lawyer : મારા મિત્ર Mr. Liar વડે મૂકવામાં આવેલી મિ. છબરડાદાસને આમસભાના અધ્યક્ષસ્થાને નિયુક્ત કરવાની દરખાસ્તને અનુમોદન આપું છું. વળી, માત્ર એટલું જ નહિ પણ તેઓશ્રી હાલ જ પોતાના હોદ્દાને ગ્રહણ કરવા અધ્યક્ષની ખુરશીમાં બિરાજમાન થાય ત્યાં સુધી કર્ટન કોલ (Curtain Call) રસમે સકળ સભાજનો પોતપોતાના સ્થાને ઊભા થઈ જાય તેવી હું વિનંતી કરું છું. ધન્યવાદ.
ભરતભાઈ પંડ્યા (ભભૈ/હાદરત્નાંક-૪) : ભાઈશ્રી છબરડાદાસને અંગત રીતે હું ખાસ એટલા માટે આવકારું છું કે મારા રમુજી ટુચકાઓ ટાઈપ કરતી વખતે મારાથી પણ જોડણીના છબરડા વળી જતા હોય છે. આમ છબરડા વાળવાના સમાન લક્ષણે અને ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ ઉક્તિએ અમે ‘એક ડાલકે પંછી’ જ હોઈ અમારી વચ્ચેના સંબંધો ઠીકઠીક જામશે.
(શ્રીમાન છબરડાદાસ ધૂમ્રપાન માટેના હુક્કાના ધ્વનિની જેમ તાળીઓના ગડગડાટ વચ્ચે અધ્યક્ષની ખુરશી ગ્રહણ કરે છે. છબરડાદાસ પોતે પોતાનો જ બરડો થાબડતા પોતાની Three – Fold સિધ્ધિ બદલ ગર્વભરી મુખમુદ્રાએ લોકોનું અભિવાદન ઝીલે છે.)
રાજાજી : આજની આ અસાધારણ સાધારણ સભામાં આમસભાની રત્નસંખ્યા અંગેના બાકી રાખેલા મુદ્દા અન્વયે ઠરાવ મૂકું છું કે આપણા હાસ્યદરબારની આમસભા માટે આગામી નવીન સુધારો ન કરવામાં આવે ત્યાં સુધી હાદરત્નોની ચૌદની મહત્તમ સંખ્યાને ઠરાવવામાં આવે. આપણે દેવો અને દાનવોએ કરેલા સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થએલાં ચૌદ રત્નોના આંકને અહીં આપણે સ્વીકારીએ, કેમ કે આપણા હાસ્યદરબાર માટેનાં રત્નો મેળવવા માટે આપણે પણ એવું જ સમુદ્રમંથન નહિ તો મનોમંથન પણ કરવું જ પડશે ને!
(સમગ્ર સાધારણસભા હાથ ઊંચા કરીને આમસભા માટેનાં ચૌદ રત્નોની મહત્તમ સંખ્યાને ગ્રાહ્ય રાખે છે)
મહેન્દ્રભાઈ શાહ (હાદરત્નાંક-૬) : આજની સભાની કાર્યવાહી દરમિયાન ભેદી મૌન ધારણ કરી રહેલા મિ. વલદાને વિનંતી કરું છું કે તેઓશ્રી આજકાલ પોતાની વ્યંગ કવિતાઓ અને હાસ્યહાઈકુઓ દ્વારા અમદાવાદ ખાતે ખૂબ ખીલી રહ્યા હોવાના સમાચાર મળે છે તે મુજબ આજની સભાની સમાપ્તિપૂર્વે વિડિઓ સ્ક્રીને પોતાની કોઈક રચના રજૂ કરીને બધાયનાં દિલ બહલાવે.
વલદા (હાદરત્નાંક-૯) : તો સાંભળો :
‘હવે ઊઠશો કે?’
(અછાંદસ)
‘હવે ઊઠશો કે?’
ભરનિદ્રાએ હલબલી ઊઠ્યો શ્રીમતી ગર્જને!
’ધરતીકંપ થયો શું?’
’ના, ધરતી ફાટી નથી! ગઈ રાતનું દૂધ ફાટ્યું!’
’તો?’
’તો…શું વળી? ભાગો શેરીનાકે લઈ તપેલી,
લાવી દ્યો દૂધ અડધો લીટર’
‘તપેલી નાની લાવ્યા, સાહેબ,
દઉં ચારસો મિલીલીટર?’
ધનજી દૂધવાળો બોલ્યો.
’ના, ભાઈ, ના
હૂકમ તેણીનો નહિ ઊથાપું.’
’પણ, છલકાશે!’
’ભલે છલકતું, દઈ દે પૂરું તું તારે!’
વાત ખરી પડી, દૂધ છલકતું પ્રત્યેક ડગલે.
’છલકો મા બચુ છલકો મા, મોંઘેરાં તમે!’ વીનવું હું.
પણ, ના માને એ લગીરે!
હવે સહેજ મોટા અવાજે વદું હું,
’ખરીદ્યું તને ચાલીસના ભાવે, મફતિયું નથી તું!’
કોઈ અસર નહિ, એ તો બસ મક્કમ હતું છલકવા!
હવે ક્રોધ મુજ ચરમ સીમાએ અને તાડુકી ઊઠ્યો,
’ક્યારનો વીનવું, છલકો મત, છલકો મત, તો ય તું છલકે!
તો લ્યો ફિર છલકો!’ કહી છલકાવ્યું એને,
બંને હાથોએ તપેલી હલાવી,
જાણે થયો મુજ હસ્તે કંપ!
(અધ્યક્ષસ્થાનેથી સભાસમાપ્તિની ઘોષણા થાય છે.)
– વલીભાઈ મુસા
(૩૩૮) વ્યંગ્ય કવન (અવલોકન) – શરદ શાહ

તારીખ ૨૭મી માર્ચ, ૨૦૧૨નો દિવસ. આજે ઓફિસમાં વાર્ષિક બોર્ડ મિટિંગ હતી, એટલે રોજ કરતાં થોડા વહેલા ઓફિસે પહોંચવાની ગણતરી હતી. બરાબર ૧૦.૩૦ મિનિટે મોબાઈલની રીંગ વાગી અને ફાળ પડી કે નક્કી કોઈ ડાયરેક્ટરે અગત્યનાં ચાલી રહેલાં કેટલાંક કામો અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યો હશે. પણ, ત્યાં તો સામે છેડેથી મધુર અવાજે વલીદા બોલ્યા, ‘અસ્સલામો અલયકુમ, શરદભાઈ’. અધ્ધર જીવ હેઠે બેઠો અને વલીદાની સલામનો જવાબ આપીને મેં તેમના ખબરઅંતર પૂછ્યા. વલીદા બોલ્યા. ‘ક્યાં છો? રૂબરૂ મળવા આવવું છે. હું અહીં વી.એસ. હોસ્પિટલ પાસે છું.’ સાંભળતાં જ વળી ફાળ પડી ને થયું કે,’ વલીદાને પણ બોર્ડ મિટિંગને દિ’ જ મળવાનું મુહૂર્ત નીકળ્યું?’. પણ વળી પાછા વલીદા માટેના આદર અને પ્રેમે મારા દિમાગ ઉપર કબજો જમાવ્યો અને મેં તેમને મૃદુ અવાજે કહ્યું, ” તમે કાપડિયા ગેસ્ટહાઊસ બહાર ઊભા રહો, હું તમને લેવા આવું છું.”
થોડીવારમા હું વલીદાને ઓફિસે તેડી લાવ્યો. વલીદા સાથેની મારી બીજી પ્રત્યક્ષ મુલાકાત હતી અને આજે તેઓ થોડા વધુ યુવાન દેખાતા હતા. થોડી ઔપચારિક વાતો પછી વલીદાએ પ્લાસ્ટિકની થેલીમાંથી તેમની હાસ્યરચનાઓનુ બિલાડું કાઢ્યું અને મને કહ્યું, ‘શરદભાઈ, તમારે આ પુસ્તિકાની પ્રસ્તાવના લખવાની છે.”
અણધારી આ અરજે મને આશ્ચર્યમાં મૂકી દીધો. મનમા થયું કે ખરેખર વલીદા આજે મુહૂર્ત જોયા વગર જ નીકળ્યા છે અને ભેખડે ભરાણા છે. સામાન્ય રીતે લેખકો કે કવિઓ પ્રસ્તાવના લખવાની વિનંતિ કોઈ પ્રસિધ્ધ સાહિત્યકાર, વિચક્ષણ ભાષાવિદ કે કવિવરને કરતા હોય છે, પણ વલીદાએ મને કયાં કારણોસર પસંદ કર્યો હશે તે મારા માટે હજુ સુધી રહસ્ય જ છે.
પ્રથમ તો એ કે હું કોઈ સાહિત્યકાર નથી કે કવિ પણ નથી અને પુસ્તકો વાંચવાનો હું શોખીન પણ નથી. બીજું એ કે મેં જેટલાં પુસ્તકો વાંચ્યાં છે તેની પ્રસ્તાવના કદીય વાંચી નથી ક્યારેક ભૂલમાં કોઈ પ્રસ્તાવના વંચાઈ ગઈ હોય તો મને હંમેશાં એવું લાગ્યા કર્યું છે કે પ્રસ્તાવના લખનારે અનિવાર્યપણે પુસ્તકના લેખક કે કવિનાં વખાણ જ કરવાં જરુરી હોય છે. વળી સાચું કહું તો મને આવી ભાટ-ચારણના જેવી નૈસર્ગિક કલા પણ હસ્તગત નથી. ફરી પાછા વલીદા માટેના મારા દિલી પ્રેમે અને આદરભાવે ઊછાળો માર્યો અને મને થયું કે વલીદાએ પ્રસ્તાવના માટે મને પસંદ કર્યો છે, તો તેની પાછળ જરૂર કંઈક કારણ તો હશે જ.
આમ કારણો શોધવામાં મારી કેટલીક રાત્રિઓની નિંદર બગડી. છેવટે મેં મારા મનને મનાવ્યું કે મારે મારી નિંદર બગાડવાની કોઈ જરૂર નથી. મને જેવું આવડશે તેવું લખીશ અને ભલેને વલીદાની કે વાચકોની નિંદર બગડતી! બહુ બહુ તો મારી મૂર્ખામીભરેલી પ્રસ્તાવના વાંચીને લોકો હસશે. આમેય વ્યંગ્યકાવ્યોની આ કૃતિ દ્વારા વલીદાનો આશય વાચકોને હસાવવાનો જ છે, તો ભેગાભેગું મારું અણઘડ લખાણ પણ તેમના એ કાર્યમાં મદદરૂપ થશે. આમ કવિ તરીકે તેમણે લખેલાં વ્યંગ્ય કાવ્યોને આ પ્રસ્તાવનાના લેખક તરીકે અન્ય વાચકોથી પહેલાં અને વલદા પછી બીજા ક્રમે તરત જ તેમને વાંચવાનો લ્હાવો મળ્યો છે તો મનમાં એમ ગાઈને મારા કાર્યમાં આગળ વધું કે ‘આજનો લ્હાવો લીજિએ રે, કાલ કોણે દીઠી છે?’ ચાલો ત્યારે, વલીદાનાં કાવ્યોનું પઠન કરતાં કરતાં થોડા હળવા થઈએ, જીવનમાં થોડા હાસ્યના રંગો ભરીએ. હાસ્યના ફુવારા ન ઊડે તો કાંઈ નહી, પણ બેચાર મુસ્કાન મુખ પર છવાય તો પણ વલીદાનો પ્રયાસ સફળ થએલો ગણાશે.
વલીભાઈ નો જન્મ અને ઉછેર કાણોદર (પાલનપુર) નામના નાનકડા ગામમાં થયો. તેમણે એમ એ.સુધીનુ ભણતર અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય સાથે કર્યું. મૂળ સાહિત્યનો જીવ પણ સંસારઘાણીએ જોતરાયો અને ધંધા અર્થે તેમજ સામાજિક કાર્યો અર્થે તેઓ પાલનપુર તેમજ અમદાવાદ શહેર સાથે ખૂબ સંકળાયેલા રહ્યા અને સાથે સાથે વિદેશની યાત્રાઓ પણ કરી. આમ તેમનાં કાવ્યોમાં ગ્રામ્યજીવન અને શહેરી જીવનના બધા રંગો પુરાયા છે. તેમણે ક્યારેક પોતાનાં કાવ્યોમાં ગ્રામ્યજીવનની વાતો વણી છે, કયારેક તેમણે તળપદી પાલનપુરી ભાષાનો પ્રયોગ કર્યો છે, તો વળી ક્યારેક તેમણે અંગ્રેજી મિશ્રિત ગુજરાતી (ગુગલીશ)માં કાવ્યો રચ્યાં છે. જીવનના ઘણા બધા પ્રસંગો કે જેમાંથી હાસ્યરસ નિષ્પન્ન થતો હોય તે સઘળા તેમની ઝીણી નજરથી ચુકાયા નથી. વિવિધ ઘટનાઓ અને પાત્રોને કલમબદ્ધ કરતા રહીને તેમણે તેમનાં આ સઘળાં કટાક્ષ કે વ્યંગકાવ્યોને એવી રીતે રચ્યાં છે કે વાચક એકલો એકલો મરક મરક હસ્યા કરે અને વાંચ્યા કરે. વ્યંગ અને હાસ્ય એકબીજાનાં પૂરક બની રહ્યાં છે અને તેમાં જ વલીભાઈની સર્જકતાની ખૂબી અને સફળતાનાં દર્શન આ કાવ્યસંગ્રહમાં થયા સિવાય રહેતાં નથી.
આ સંગ્રહમાંનાં વલીભાઈનાં તમામ કાવ્યો અછાંદાસ એટલે કે છંદવિહીન છે. હાસ્ય કે વ્યંગ કાવ્યો શાર્દૂલવિક્રીડિત કે મંદાક્રાન્તા જેવા છંદોમાં જરા અજુગતા પણ લાગે! આમેય માણસ હસે છે કે રડે છે, ત્યારે ક્યાં મલ્હારમાં કે દિપકરાગમાં હસે કે રડે છે? તો પછી, હસવા માટે કોઈ છંદબધ્ધ કાવ્યની જરુર ખરી? કદાચ આજ ફિલસુફી વલીભાઈની અને તેમના જેવા અછાંદસ કાવ્યો લખનારા કવિઓની હશે! આથી જ તેમનાં કાવ્યો થોડી જુદી જ ભાત પાડે છે.
“હાઈકુ” આમ તો જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. ઝેન ગુરુઓએ હાઈકુ શૈલીમાં અધ્યાત્મનાં અનેક ગુઢ રહસ્યોને વણી લીધેલાં જેના પરિણામે હાઈકુ જગવિખ્યાત બન્યું. વલીદાએ ક્યાંક હાઈકુ તો ક્યાંક હાઈકુ-સોનેટનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને નાનીનાની ઘટનાઓને રમુજથી ભરી દીધી છે.
“નાસ્ય નાથિયા”માંનાં આવાં ૧૧ હાઈકુઓ રમૂજી ફજેતાની ગાથા કહી જાય છે. શિશિરની ઠંડીમાં ઠંડો પવન ન લાગે તે માટે ઊંધો કોટ પહેરેલા પતિને શ્રીમતીજી દ્વિચકડિયાની પાછલી સીટે બેસાડીને લઈને નીકળે છે. રસ્તામાં પતિ સાથે કંઈક વાત કરતાં પ્રત્યુત્તર ન મળ્યો એટલે તેણી સ્કૂટરને પાછું વાળે છે, એમ વિચારીને કે રસ્તામાં તેણીનો.પતિ ક્યાંક ફંગોળાઈ ગએલો હોવો જોઈએ. બેએક ગાઉ પાછળ જઈને દ્વિચકડિયાને પડતું નાખીને તેણી લોકોના ટોળામાં પેસે છે. ચિત્તભ્રમ થઈ ગએલા પેલા પરોપકારી જીવો ઊંધા પહેરેલા કોટના કારણે પેલા પતિમહાશયની ગરદન સીધી કરવાના પ્રયાસ કરે છે. શ્રીમતીજી મીઠા ક્રોધ અને છણકા ભર્યા સ્વરે ટોળાને ટપારે છે અને ઘટસ્ફોટ કરે છે, “નખોદિયાઓ બૂટ તો જૂઓ!’, પરંતુ નસીબજોગે વોટરબેગમાંથી પાણીનો છંટકાવ કરતાં પતિ ‘ઉમૈડો’ કરે છે અને આમ કાવ્યનો સુખદ અંત આવે છે બસ, આવી સીધી સાદી વાતને શબ્દોની રમતનો સ્પર્શ અપાતાં ‘વાહ, વલીદા વાહ!’ બોલ્યા વગર રહેવાશે નહિ..
તો વળી એક વિશેષ મજેદાર હાઈકુ-સોનેટ કાવ્ય છે, ’મિષ્ટ દાંપત્યે’. તેમાંનો ‘બાઝવું’ શબ્દ દ્વિઅર્થી છે; બાઝવું એટલે ઝગડવું અને ભેટવું! કાવ્યના અંતિમ હાઈકુમાંના ‘સુખ સહીશું!’ શબ્દો લાજવાબ છે. સુખ અને સંતોષમાં સમાપન પામતા કાવ્યમાં પેલા ‘બાઝવું’ ના દ્વિતીય અર્થ ’ભેટવું’ને વાચકે અધ્યાહાર સમજી લેવાનો છે અને એવી ઉભયના આલિંગનની ચેષ્ટાને પણ કલ્પી લેવાની છે. પતિપત્નીના મધુર સંવાદોથી કાવ્ય પણ મધુર બન્યું છે. જો કે લગ્નનાં વરહ-બે વરહ પછી પણ આવા સંવાદો ભાગ્યે જ સાંભળવા મળે, ત્યાં અહીં તો નાયક-નાયિકાને પરણ્યા પછી ત્રણ ત્રણ છોકરાં જન્મી ચૂક્યાં છે! લયલા-મજનુ પણ પરણી ગયાં હોત તો આવી જ વાતો કરતાં હોત અને સુખદુ:ખમાં એકબીજાનો સાથ નિભાવતાં હોત! વાચકોએ આ કાવ્યને ખરેખર જો માણ્યું હોય, તો એવું નથી લાગતું કે તેમણે પોતાના પ્રિયજન સાથે આવા મધુર સંવાદો કરતા રહીને પોતાના દાંપત્યજીવનને પણ મધુર બનાવી લેવું જોઈએ..
આ સંગ્રહની બધી જ રચનાઓ ‘અછાંદસ’ છે, કોઈપણ .જાતના અવરોધ વગર વહ્યે જતી સરિતા જેવી! કેટલીક રચનાઓ સુદીર્ઘ હોઈ; ડોકટરે મોટા ટિકડા આપ્યા હોય અને ગળતાં ગળતાં તકલીફ તો પડે, પણ એકવાર તે અંદર ઊતરી ગયા પછી તેનો સુપ્રભાવ શરૂ થઈ જાય; બસ તેમ જ આ કાવ્યોના એવા જ સુપ્રભાવની અનુભૂતિ ભાવકને થયા સિવાય રહેતી નથી.
“લ્યો રે, ઘર આંગણે લ્યો રે” એક એવું સરસ મજાનું વ્યંગકાવ્ય છે કે જેમાં આરોગ્ય ક્ષેત્રની આપણા દેશની સાંપ્રત સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી છે. શહેર ભણી ભાગતા ડોક્ટરગણ શહેરોમાં તો ઉભરાવા માંડ્યા છે અને ગામો તેમની સેવાઓથી વંચિત છે. આવા એક શહેરમા સવારની અર્ધનિંદર અવસ્થામાં પથારીમાં પડ્યા પડ્યા રોજબરોજ આવતા ફેરિયાઓના અવાજની સાથે સાથે ફેરીએ આવેલા એક ડોક્ટરનો અવાજ સંભળાય છે, ”કોઈ ઈન્જેક્શન તો લગવાઓ! કોઈ દવાઈયાં તો લિખવાઓ!’. આ હાક સુણી ભડવીર વલીભાઈ પથારીમાંથી સફાળા જાગી જાય છે અને આપણી અને ડોકટરોની પણ ઊંધ ઊડાડી નાખે છે!
વ્યંગ બીજાઓ ઉપર કરવો તો સહેલો હોય છે, પણ વલીદા પોતાની જાત ઉપર પણ વ્યંગ કરી જાણે છે તે તેમના એક બીજા કાવ્ય ‘હવે ઊઠશો કે?માં જોવા મળે છે. વલીદા કહ્યાગરા કંથ જેવા લાગે છે, પણ પાછા ઘરકામ બાબતે ભોટ પણ ખરા જ!. મોટાભાગના પુરુષોની જેમ પત્નીની આજ્ઞાનું પાલન કરતા દૂધ લેવા તો નીકળે છે, પણ પાત્રની પસંદગીમા ભૂલથાપ ખાઈ જાય છે. છેવટે ખરાખરીનો ખેલ શરૂ થાય છે, એ જાણવા માટે તો વાચકોએ કાવ્ય જ વાંચવું પડશે. આવા જ એક જાણીતા હાસ્યટુચકાના.બે ખુદાબક્ષ રેલ્વે મુસાફરો ટિકિટચેકરને કેવી રીતે ઉલ્લુ બનાવતા હોય છે તે અહીં રસળતી કાવ્યમય ભાષામાં રજૂ થાય છે, ત્યારે લાગે છે કે સોનાની નકશીદાર તાસકમાં કોઈએ તાંબુલનુ બીડું મૂક્યું હોય અને તેની અંદર ખીચડી ભરી હોય! .
આપણા બધાનો મુસાફરી દરમ્યાન અનુભવ હોય છે કે આપણે જે ટ્રેનમાં કે બસમાં બેઠા હોઈએ તેની બાજુની બસ કે ટ્રેન ઉપડે તો એક આભાસ ઊભો થતો હોય છે, જાણે આપણી બસ કે ટ્રેન ઉપડી હોય! આવી જ એક કથા છે એક માજીની, પણ માજી મહામાયા નીકળે છે! માટે જ તો વલીદાએ કાવ્યનુ નામ રાખ્યું છે ‘જરા કહેશો, ડોકરીનો આઈક્યુ!’ આ ડોકરી જ્યારે કંડક્ટરને કહે છે કે,” ચેવો બણાયો! હી હી હી!’, ત્યારે જ આપણને પણ ખબર પડે કે આપણો આઈક્યુ કેટલો છે!
પારિજાતના ગજરામાં પહાણો છુપાવી તેને કેમ મારવો તે એક કલા છે. આ કલા શીખવી હોય તો પઠન કરો, ‘પેલાના રૌદ્ર સ્વરુપે!’નું. કાવ્યના અંતે ‘પેલાએ પેલાને મુક્કો માર્યો’ તેવું વાંચ્યા પછી પણ ખબર ન પડે કે કયા પેલાએ કયા પેલાને મુક્કો માર્યો હશે! ખાસ્સું વિચાર્યા પછી મેં અનુમાન કર્યું કે નક્કી ધૈર્યપૂવક સુસંસ્કૃત ગાળો જે સાંભળતો હતો, તેણે જ મુક્કો માર્યો હશે. આવું વાંચીને વલીદા મને મુક્કો ન મારે તો સારું!. કાવ્યનો રસાસ્વાદ ખુદ જ માણી લ્યો, હું બધું જ કહી દઈશ તો તમે પણ મને મુક્કો મારવા દોડશો!
ભારતમાં સૌથી વધારે રમૂજ કોઈ ખાસ કોમ કરતાંય વધારે સરકાર અને રાજકારણિયાઓ ઉપર થતી હોય છે. એક કાવ્ય ‘થોડુંક દાઝે તો ખરું ને!’નું મથાળું વાંચીને એમ થાય કે કોઈ અણઘડ રસોડાની રાણીની મજાકની વાત હશે, પણ કાવ્ય વાંચીએ ત્યારે જ સમજાય કે અરે, આ તો પાંચ વર્ષે ચૂંટણી ટાણે જ દર્શન દેતા મતભિક્ષુકોની ઠંડા કલેજે ઊડાડેલી ઠેકડી છે; વળી તે પણ એક અબુધ ગણાતા ગામડિયા કાકાના મુખે મુકાએલા ગામઠી ભાષાના શબ્દોના લુફ્ત સાથે વ્યંગ અને હાસ્યનો કેવો સમન્વય!
છોરા-છોરીએ જાતે પોતાના લગ્નની સમસ્યા ઉકેલી ન હોય અને એકદમ પરણવાની ઉંમરે પહોંચી જાય, ત્યારે હાલના યુગમાં માબાપની હાલત કફોડી થઈ જતી હોય છે. એ તો જે દીકરી કે દીકરાનો બાપ તેમના માટે યોગ્ય પાત્ર શોધવાની પ્રક્રિયામાંથી પસાર થયો હોય તે જ આવી વ્યથાને સમજી શકે! આવી જ એક સુ-વર શોધવાની સામાજિક પ્રક્રિયામાં કેવા છબરડા વળે છે અને મુરતિયાના કેવાં હાલ થાય છે તે જાણવા તમારે ‘મિત ભાષાએ કહું?’ એ વાંચવાનું કહેવા મારે પણ મિત ભાષાએ જ કહેવું પડશે!
કહેવાય છે ને કે રંગના તો ચટકા હોય, કુંડાં ન હોય! વલીદાનાં કેટલાંક કાવ્યોનો ચટકો તો અહીં માણ્યો, પણ ભરપેટ ભોજન માટે તો તમારે બાકીનાં કાવ્યો જાતે જ વાંચી લેવાં પડશે. આ હાસ્ય કે વ્યંગ કાવ્યો હોઈ તેમની સાચી મજા માણવા શબ્દકોશ અને ભેજાંને કોરાણે મૂકી દેવાં પડશે! મને વિશ્વાસ છે કે ખુલ્લા મને અને હળવા મિજાજે આ લઘુ કાવ્યસંગ્રહ વાંચવામાં આવશે તો આપ સૌ વાચકો મન ભરીને આનંદ માણી શક્શો અને એમ થશે તો જ વલીદાનો પ્રયાસ પણ સફળ થએલો ગણાશે..
બાકી તો આ ” ન ભૂતો, ન ભવિષયતિ” જેવી મારી આ પ્રસ્તાવના વાંચીને આપ સૌ વાચકો પ્રસન્ન થાઓ કે પસ્તાળ પાડો તે સઘળી જવાબદારી વલીદાના શિરે! આમેય તેમનુ શિર ખમે તેવું મજબુત તો છે અને આપ વાચકો પણ હસતાં હસતાં થોડું સહી લેશો તેવી અભ્યર્થના સાથે વિરમું છું.
શેષ શુભ,
પ્રભુશ્રીના આશિષ,
શરદ શાહ
નોંધ :-
શરદભાઈના મારા કાવ્યસંગ્રહ ‘વ્યંગ્ય કવન’ ના ઉપરોક્ત અવલોકનમાંનાં મને ઉદ્દેશીને કરવામાં આવેલાં બે વિધાનોને યથાવત્ રજૂ કરીને પછી જ તેનો પ્રત્યુત્તર હું વાળીશ.
એક, ‘પણ વલીદાએ આ અવલોકન માટે મને કયાં કારણોસર પસંદ કર્યો હશે તે મારા માટે હજુ સુધી રહસ્ય જ છે.’: અને બે, ‘વલીદાએ આ કામ માટે મને પસંદ કર્યો છે, તો તેની પાછળ જરૂર કંઈક કારણ તો હશે જ!’
ઉપરોક્ત બંને વિધાનોનો મારો એક જ સામાન્ય જવાબ એ છે કે રેસના ઘોડાઓનો ઇતિહાસ જાણીને દાવ લગાવનારા મોટી રકમો હારી જતા હોય છે, તો વળી કોઈ નસીબદાર ખેલાડીઓ અજાણ્યા ઘોડાઓ કે ટટ્ટુઓ ઉપર નાની રકમો લગાવીને મોટાં ઈનામો જીતી જતા હોય છે. આ મતલબનું મારું એક હાસ્યકાવ્ય પણ છે. આ પણ એક ચમત્કાર જ કહેવાય કે કાવ્ય પહેલું લખાય અને તેને અનુરૂપ તેવી ઘટના પછી બને.
આ તો ગમ્મત ખાતર આમ લખ્યું છે અને તેથી મારા વાચકોને કોઈ ગેરસમજ ન કરવાની વિનંતિ સાથે ગંભીરતાપૂર્વક શરદભાઈ વિષે સાવ સંક્ષિપ્તમાં એટલું જ કહીશ કે તો તેઓશ્રી Think Tank છે. ગુજરાતી બ્લોગ જગતમાં વિદ્વતાપૂર્ણ પ્રતિભાવો લખનાર કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓમાં તેમનું નામ મોખરે છે. સૌને એ વાત જાણીને નવાઈ લાગશે કે તેઓશ્રી પોતાનો ગુજરાતી કે અંગ્રેજી એવો કોઈ બ્લોગ ધરાવતા નથી. ઝાઝું તો શું કહું, પણ તેમની સાથેનો સંવાદ એ જીવનનો લ્હાવો બની જાય! મારી તેમની સાથેની પ્રથમ પ્રત્યક્ષ મુલાકાત બેએક કલાકની રહી હતી અને તેટલો લાંબો સમય આંખના પલકારામાં જાણે કે પસાર થઈ ગયો હોય તેવું મને અને મારા દીકરા અકબરઅલીને લાગ્યું હતું. સુફીવાદનું વિશદ જ્ઞાન ધરાવતા તેઓશ્રીએ છૂટા પડતી વખતે અમને ‘Zikra – Sufies from Turkey & Iran (Jallaluddin Rumi) ની એક CD પણ આપી હતી. આજ સુધી મારા માટે અફસોસની વાત એ રહી છે કાશ અમારી એ મુલાકાતની વિડિઓ કે ઓડિઓ કેસેટ કરી લેવામાં આવી હોત તો કેવું સારું થયું હોત!
-વલીભાઈ મુસા
(૩૩૫) મારી કલમે હું

[…] ક્રમશ: (7) […]