
નીચેની વાત ગળે ન ઊતરે તો પાણીનો લોટો લઈને વાંચશો, પણ આ સાચી હકીકત છે અને તેનો તમારે સ્વીકાર કરવો જ પડશે !!!
દૂર સુદૂર સાવ પછાત એવા અંતરિયાળ ગામના પાદરે જૂના સાડલા અને ધોતિયાં વડે ઘેઘુર લીમડા નીચે મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું. મતદાનપ્રક્રિયા ચાલી રહી હતી. પ્રિસાઈડીંગ ઓફિસર તેના પેપરવર્કમાં રચ્યોપચ્યો હતો. ત્યાં તો એક વૃદ્ધા તેમના ટેબલ પાસે આવીને પેટ ઉપરના સાડીના પાલવને સહેજ ઊંચો કરીને પોતાના પેટ ઉપરનું જાંબુડિયા રંગનું ચોકડીનું નિશાન બતાવતાં કહ્યું, ‘ શાબ, બરોબર હે કે?’
‘અરે માડી! તારું ભલું થાય! પણ ચોકડી તો કાગળિયા માથે કરવાની હતી! કાગળિયું ચ્યોં મૂક્યું?’
‘એ તો શાબ પેટીમાં પધરાવી દીધું. હવં શાબ હું જવ?’
‘પધારો, મારી મા! પણ મને જરા સમજાવશો કે મતના કાગળિયાને અને તમારા પેટ ઉપરના નિશાનને શું લાગે વળગે?’
‘એ તો શાબ, ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું કે પેટ માથે સિકો મારવાનો!’
પેલો પ્રિસાઈડીંગ ઓફિસર માથું ખંજવાળતો વાતનો તાગ મેળવવા મથતો હતો, ત્યાં તો એ પક્ષના ઉમેદવારનો એજન્ટ સાહેબની મૂંઝવણને સમજી ગયો અને બોલી ઊઠ્યો,‘શાબ, એ નખોદિયાઓએ ગાયના પેટ માથે સિકો મારવાનું શિખવાડ્યું હતું. આ બાપડી ડોશીના કાન સુધી એ વાત આવતાં ખાલી ‘પેટ માથે’ થઈ ગયું અને ઈંના મને ગાય અને વાછરડું ચરવા જતાં રિયાં હશે અને ઈં પોતાના પેટ માથે સિકો દબાવી દીધો.’ આમ કહેતાં તે ખીં ખીં હસી પડ્યો.
મતદાન મથકમાંનાં હાજર સૌ કોઈ હસી પડ્યાં, પણ પ્રિસાઈડીંગ ઓફિસર તો ન હસી શક્યો કે ન રડી શક્યો. એ તો મતદાન મથકની બહાર જતી એ વૃદ્ધાને પહોળા મોંઢે જોઈ જ રહ્યો!
– વલીભાઈ મુસા