RSS

(626) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૨ (આંશિક ભાગ –૧) બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ (શેર ૧ થી ૩)

બહુત સહી ગ઼મ-એ-ગીતી શરાબ કમ ક્યા હૈ
ગ઼ુલામ-એ-સાક઼ી-એ-કૌસર હૂઁ મુઝ કો ગ઼મ ક્યા હૈ (૧)

[બહુત સહી=  ખૂબ સહન કરી; ગ઼મ-એ-ગીતી= જીવનનું દર્દ;  કૌસર= જન્નતનું શરાબના વિકલ્પે આપવામાં આવનાર બિનમાદક પીણું; ગ઼ુલામ-એ-સાક઼ી-એ-કૌસર= આબ-એ-કૌસરને પાનાર (હૂર-પરી) નો ગુલામ]

ગ઼ઝલનો આ મત્લા શેર છે. આમાં બંને મિસરામાં રદીફ-કાફિયા નિભાવવામાં આવતા હોય છે. અહીં ‘કમ ક્યા હૈ’ અને ‘ગ઼મ ક્યા હૈ’ માં ‘કમ’ અને ‘ગમ’ કાફિયા છે, તો ‘ક્યા હૈ’ રદીફ છે. આખી ગ઼ઝલમાં રદીફ અચલ રહે છે.

શેરના પહેલા મિસરામાંની ગ઼ાલિબની જીવનની ફિલસુફીને અનુમોદન આપતી નરસિંહરાવ દિવેટિયાની આ કડીને યાદ કરીએ: ‘છે માનવીજીવનની ઘટમાળ એવી; દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી!’ ગ઼ાલિબ કહે છે મેં જીવનમાં ઘણાં દર્દ સહન કર્યાં છે અને સહન કરતો પણ રહીશ. દર્દને ભૂલવા માટે શરાબ વ્હારે આવે છે અને આ દુનિયામાં શરાબની કોઈ કમી નથી. ગ઼ાલિબના અંગત જીવનમાં તેઓ ખૂબ જ દુ:ખી હતા. આર્થિક દુર્દશા અને સંતાન ન હોવાના કારણે તેઓ વ્યથિત રહેતા હોવા ઉપરાંત તેમની ખુદ્દારીને પડકારતાં તેમનાં અવારનવાર થતાં રહેતાં અપમાન પણ તેમના માટે અસહ્ય હતાં. આમ પોતાના ગમને ભૂલવા માટે શરાબનું સેવન અને આર્થિક બેહાલી ફેડવા માટેની તેમની જુગારની લત તેમની ખાનદાનીને બટ્ટો લગાડતાં હોવા છતાં તેઓ તેમનાથી દૂર રહી શકતા ન હતા.

બીજા મિસરામાં  ગ઼ાલિબ એવી કલ્પનાનો આનંદ માણતાં કહે છે કે મર્યા પછી પણ અમે તો ન્યાયના દિવસ પહેલાં જન્નતમાંથી વહી આવતાં આબ-એ-કૌસરનાં ઝરણાં થકી જન્નતની બહાર બનેલા સરોવરમાંના પીણાને પાનાર એવી હૂરો (પરીઓ)ના ગુલામ થઈને રહીશું કે જેથી અમે પરિતૃપ્ત થઈએ તેટલી માત્રામાં તેઓ અમને આબ-એ-કૌસર પીરસ્યે જ રાખશે. આમ જ્યારે ઐહિક અને પારલૌકિક જીવનમાં અનુક્રમે શરાબ અને આબ-એ-કૌસર મળી જ રહેવાનાં હોય તો પછી અમારે ગમ કે દર્દથી ગભરાવાની કોઈ જરૂર નથી. અમે તો એવાં દુ:ખદર્દને પણ અમારાં એ પીણાઓમાં ઘોળીને પી જઈશું.   

* * *

તુમ્હારી તર્જ઼-ઓ-રવિશ જાનતે હૈં હમ ક્યા હૈ
રક઼ીબ પર હૈ અગર લુત્ફ઼ તો સિતમ ક્યા હૈ (૨)

[તર્જ઼-ઓ-રવિશ= રીત અને આદત; રક઼ીબ= પ્રેમીનો હરીફ; લુત્ફ઼= આનંદ; સિતમ= જુલ્મ]

ગ઼ાલિબની ઇશ્ક ઉપરની ગ઼ઝલોમાં નોંધપાત્ર બાબત એ જોવા મળે છે કે માશૂકા માશૂકને ગાંઠતી નથી અને હંમેશાં તેને ટટળાવે રાખે છે. આમ પ્રેમીપાત્રો વચ્ચે સંયોગ સધાતો નથી અને, માત્ર અને માત્ર, વિયોગનું જ ચલણ બની રહેતું હોય છે. આ શેરના પ્રથમ મિસરામાં માશૂકાની એવી ચાલાકી જોવા મળે છે કે જે થકી તે માશૂકને પરેશાન કરવામાં કોઈ કસર છોડતી નથી. અહીં માશૂક મૂર્ખ બનતો નથી અને રોકડું પરખાવી દે છે  કે તારી રીતભાત અને આદત કેવાં છે તે હું સારી રીતે જાણું છું. મારી સાથે ક્રૂર વર્તન આચરીને તેનો જાતીય આનંદ લેવો એ તારી આદત બની ગઈ છે.

બીજા મિસરામાં ઉર્દૂ શાયરીમાં પ્રચલિત એવી ‘રક઼ીબ’ની વાત આવે છે. ‘રક઼ીબ’ એટલે ‘માશૂકનો પ્રતિસ્પર્ધી’ કે જે માશૂકાની નજીક જવાનો પ્રયત્ન કરતો હોય છે. વાસ્તવિકતા હોય કે પ્રેમકહાણી, ઉભયમાં ખલનાયકની ઉપસ્થિતિ તો હોય જ અને એ રીતે પ્રણયત્રિકોણ રચાતો હોય છે; જે થકી જ રસનિષ્પત્તિ થતી હોય છે. પહેલા મિસરામાં પરોક્ષ રીતે એ વાત સમજાય છે કે માશૂકા જાણીજોઈને માશૂકને પરેશાન કરવા તે બીજા પાત્રને ચાહવાનો ડોળ કરે છે કે જેથી માશૂકના દિલમાં ઈર્ષાભાવ જાગે અને તેને વ્યથિત જોઈને તેણી આનંદ અનુભવે. પરંતુ માશૂકને માશૂકાની આ હરકતની જાણ છે અને તેથી જ તે માશૂકાને કહે છે કે મારા પ્રતિસ્પર્ધી સાથે પ્રેમનો ખેલ ખેલવામાં તને જો આનંદ મળતો હોય તો મને બતાવ કે જુલ્મ કોને કહેવાશે. અહીં ‘સિતમ ક્યા હૈ’ના અર્થઘટનમાં મત વહેંચાય છે, પરંતુ આ મિસરો ‘રક઼ીબ’ સાથે સંબંધિત હોઈ તેનો અર્થ એવો જ લેવો પડે કે બનાવટી પ્યારથી છેતરાઈને ‘રક઼ીબ’ પણ લુત્ફ઼ તો માણે છે; પરંતુ સચ્ચાઈની જાણ થતાં પોતાના ઉપર જુલ્મ થયાનો તેને અહેસાસ થશે, ત્યારે તેના દિલની કેવી વલે થશે! આમ, આ મિસરામાં માશૂક માશૂકાને લુત્ફ઼ અને સિતમનો ભેદ સમજવાની નસીહત  કરે છે. વળી આ શેરમાં માશૂકનો આશાવાદ તો અધ્યાહાર રીતે પ્રગટ થાય જ છે કે માશૂકા તેમની પોતાની જ છે, પણ તેણી તો માત્ર તેમને સતાવવા જ રકીબ સાથે પ્રેમ હોવાનું છળ કરે છે.

* * *

સુખ઼ન મેં ખ઼ામા-એ-ગ઼ાલિબ કી આતિશ-અફ઼્શાન
યક઼ીં હૈ હમ કો ભી લેકિન અબ ઉસ મેં દમ ક્યા હૈ (૩)

[સુખ઼ન= શાયરી, શબ્દ, વાત; ખ઼ામા-એ-ગ઼ાલિબ= ગ઼ાલિબની કલમ; આતિશ-અફ઼્શાની= જ્વાળામુખી જેવી આગ ઊભરવી;  દમ= ગર્વયુક્ત આનંદ (Pride)]

ગ઼ાલિબની આ ગ઼ઝલનો ત્રીજો જ શેર મક્તા બની જાય છે, હાલાં કિ હજુ નવા ચાર શેર આવનાર છે. સામાન્ય રીતે ગ઼ઝલનો આખરી શેર જ મક્તા હોય, જેમાં ગ઼ઝલકાર પોતાના નામ કે તખલ્લુસને આપતો હોય છે. અહીં એમ ન બનવાનું કારણ એ છે કે દીવાન-એ-ગ઼ાલિબમાં આ ગ઼ઝલના ત્રણ જ શેર સંપાદિત થયા છે, જ્યારે બાકીના ચાર શેર સંશોધકોને ગ઼ાલિબે કોઈકને લખેલા પત્રોમાંથી મળ્યા છે. 

હવે આપણે આ શેર ઉપર આવીએ તે પહેલાં ગ઼ાલિબની અગાઉની એક ગ઼ઝલના આ મક્તા શેરને યાદ કરી લઈએ: “હૈં ઔર ભી દુનિયા મેં સુખ઼ન-વર બહુત અચ્છે, કહતે હૈં કિ ‘ગ઼ાલિબ’ કા હૈ અંદાજ઼-એ-બયાઁ ઔર”. આ બંને મક્તા શેરમાં ગ઼ાલિબના કથનમાં સામ્ય છે, જેની ચર્ચા આપણે વચ્ચે વચ્ચે કરતા રહીશું. પરંતુ હાલ તો આપણે આ મક્તા શેરને માણીશું. પ્રથમ મિસરામાં અધ્યાહાર હોવા છતાં સમજી  શકાય એવા ગ઼ાલિબના કોઈક પ્રશંસક કે પ્રશંસકોના  મુખે તેમની શાયરીની પ્રશંસા કરતા આ શબ્દો મુકાયા છે: ‘ગ઼ાલિબની કલમમાં જ્વાળામુખીમાંથી ઊભરતી આગ જેવી શક્તિ છે કે જે થકી તેઓ દમદાર શાયરી રચી શકે છે.’ ઉર્દૂ એ તહજીબ (શિષ્ટાચાર)ની ભાષા છે અને તેથી જ તો ઉર્દૂભાષીઓ પણ બોલચાલમાં તેની આમન્યા (સભ્યતા) જાળવતા હોય છે. એમ કહેવાય છે કે બે ઉર્દૂભાષીઓ ઝઘડતા હોય તો પણ એકબીજાને ‘આપ’ તરીકે સંબોધતા હોય છે! આપણી કાઠિયાવાડી ભાષામાં પણ ઉર્દૂ જેવી નજાકત (કોમળતા) વર્તાય છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો ગ઼ાલિબના ઉપરોક્ત બંને મક્તા શેરમાં ગ઼ાલિબ અને ગ઼ાલિબની શાયરીની પ્રશંસા અન્ય મુખે થવા દેવાય છે, જેના કારણે ગ઼ાલિબ આત્મશ્લાઘા (આપવડાઈ)ના દોષમાં સપડાયા વગર પોતાના માટે અને પોતાની શાયરી માટે જે કહેવડાવવા માગે છે તે કહી જ દે છે.

બીજા મિસરામાં ‘ભી’ શબ્દ નોંધપાત્ર છે. ગ઼ાલિબ આ મિસરામાં પોતાના કૌશલ્યથી પેલા ચાહકોએ કહેલી વાતને સમર્થન આપે છે આ શબ્દોમાં કે ‘અમને પણ તે વાતનો યકિન  છે, અર્થાત્ અમારી કલમની તાકાતનો અમને પરિચય છે જ.’ હવે આગળ ‘લેકિન’ શબ્દ પણ યથોચિત છે, જે દ્વારા ગ઼ાલિબ કહે છે કે અમે અમારી કલમથી જોશીલું જે કંઈ સર્જીએ છીએ; તેનો પહેલાં જે ગર્વ અને તેમાંથી નિપજતો આનંદ થતો હતો, (લેકિન)  તે હવે થતો નથી. ચાહકોને અમારી શાયરીથી ભલે આનંદ મળતો હોય, પણ અમને તો એ સાહજિક સર્જન જ લાગે છે. આમ આ બીજા મિસરામાં પણ ગ઼ાલિબની કાબેલિયત પરખાય છે કે તેઓ પોતાની સિદ્ધિને આમ સાહજિક બતાવીને છેવટે તો તેઓ પોતાના સર્જનને ઉચ્ચ કક્ષાનું દર્શાવી જ દે છે. મજાકમાં કહી શકાય કે ગ઼ાલિબ ચાહકોને અવળા હાથે કાન પકડાવે છે. મારા એક ગ઼ઝલકાર મિત્ર શ્રી પંચમ શુક્લનું પણ આવું  એક કથન છે કે ‘કવિતા આમેય હાથ અવળો કરીને કાન પકડવાની વસ્તુ જ છે.’                                                                                                         (ક્રમશ: ભાગ-૨)

* * *

મિર્ઝા ગ઼ાલિબ      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક –217)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 
Leave a comment

Posted by on April 30, 2022 in લેખ

 

(625) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૫૧ (આંશિક ભાગ – ૩) બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના (શેર ૭ થી ૯)

ઇશરત-એ-પારા-એ-દિલ જ઼ખ઼્મ-એ-તમન્ના ખાના
લજ઼્જ઼ત-એ-રીશ-એ-જિગર ગ઼ર્ક઼-એ-નમક-દાઁ હોના (૭)

[ઇશરત=આનંદ; ખુશી, ચેન; સુખ, ભોગવિલાસ; પારા= ટુકડો;  ઇશરત-એ-પારા-એ-દિલ=  ખંડિત દિલનો આનંદ; જ઼ખ઼્મ-એ-તમન્ના= તીવ્ર ઇચ્છામાંથી ઉદ્ભવેલો ઘાવ; ખાના= સહન કરવું; લજ઼્જ઼ત-એ-રીશ-એ-જિગર= કલેજાનો તંતુભર આનંદ (આસ્વાદ); ગ઼ર્ક઼-એ-નમક-દાઁ= નમકદાનમાં ડુબાડવું; કાળજાનો કટકો/દિલનો ટુકડો= અત્યંત વ્હાલું]

ગ઼ઝલના આ શેરના વાચ્યાર્થ ઉપર જ માત્ર મદાર રાખતાં શેરનું અર્થઘટન જુદી જ દિશામાં ફંટાઈ જવાની પૂરેપૂરી દહેશતને નકારી નહિ શકાય. ‘પારા-એ-દિલ’, ‘રીશ-એ-જિગર’ અને ‘ગ઼ર્ક઼-એ-નમક-દાઁ’ એવા શબ્દસમૂહો છે, જેના સીધા અર્થો પૈશાચી (Ghoulish) પ્રકારના અને હૃદયમાં જુગુપ્સા કે અણગમો દર્શાવનારા ત્રાસદાયક બની રહેશે; જેને સાહિત્યના નવ રસ પૈકી બીભત્સ રસ તરીકે ઓળખવામાં આવે છે. આટલી સ્પષ્ટતા પછી હવે સમજાઈ જશે કે આ શેરમાં વિપ્રલંભ (વિયોગ) શૃંગારરસ છે, બીભત્સ રસ તો નથી જ નથી.

પહેલા મિસરામાં શાયર કહે છે કે માશૂકાની અવહેલનાથી ખંડિત થયેલું અમારું દિલ આરજૂની અધુરપના ઘાવને ઝીલી લેવા હજુય સક્ષમ છે અને એમાં જ અમને બેહદ ખુશી છે. માશૂકાની બેરહમી ભલે ને અમને જખ્મ આપે, પણ અમે તો એ જખ્મને પણ અવસરમાં ફેરવી નાખનારા છીએ. માશૂકા પક્ષે થતી અમારી અવગણનાને અમે ત્રાસદાયક ન ગણતાં તેને આનંદમય જ ગણીએ છીએ. સુજ્ઞ વાચકને એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે એ તો કેવી રીતે બની શકે કે માશૂકને માશૂકાની નફરતમાં પણ આનંદની અનુભૂતિ થાય! તો મારો જવાબ એ છે કે કંઈ જ નહિ, એટલે કે પ્રેમ કે નફરત કંઈ જ નહિ, હોવા કરતાં નફરત માત્ર હોવી પણ બહેતર છે. અંગ્રેજીમાં આપણે કહેતા જ હોઈએ છીએ કે ‘Something is better than nothing.’  અર્થાત્ ‘કશું જ ન  હોવા કરતાં કંઈક હોવું બહેતર છે. કોઈ ફિલ્મી ગીતની આ મતલબની કડી પણ મારી વાતને સમર્થન આપે જ છે કે ‘પ્યાર નહિ, તો નફરત હી સહી!’.   

બીજા મિસરામાં તો શાયર વળી માશૂકાના નફરતના જખ્મને  હજુય વધુ ઘેરો બનાવવા અપ્રત્યક્ષ રીતે ‘ઘાવ પર નમક છિડકના’ રૂઢિપ્રયોગનો સહારો લેતા માલૂમ પડે છે. પાકશાસ્ત્રમાં નમકને સબરસ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. કોઈ પણ તીખી વાનગીમાં નમકનું હોવું અનિવાર્ય છે અને તેના વગર વાનગી ફિક્કી લાગે છે. હવે શાયરની ભવ્ય કલ્પના અહીં એ રીતે બંધ બેસે છે કે માશૂકા નફરતના ઘાવને વધુ પીડાદાયક બનાવવા હજુ પણ વધારે એવી કંઈક હરકત કરે કે જે ઘાવ ઉપર નમક છિડકવા જેવી હોય, તો પણ માશૂક તો હસતાં હસતાં જાણે એમ કહી રહ્યા હોય તેમ લાગે છે કે આ તો વધારે સારું થયું કે જે મારા કલેજાને વધારે લિજ્જત આપશે! આમ શેરના બંને મિસરા એકબીજાના પૂરક બની રહે છે. પહેલા મિસરામાંનો ‘ઇશરત’ શબ્દ અને બીજા મિસરામાંનો ‘લજ઼્જ઼ત’ શબ્દ એ બંને શબ્દો સમાનર્થી લાગતા હોવા છતાં તેમના અર્થો વચ્ચે પાતળી ભેદરેખા છે. ‘ઇશરત’નો અર્થ ‘આનંદ’ તો ‘લજ઼્જ઼ત’નો અર્થ ‘આસ્વાદ’  એમ સમજવું પડશે.

* * *

કી મિરે ક઼ત્લ કે બાદ ઉસ ને જફ઼ા સે તૌબા
હાએ ઉસ જ઼ૂદ-પશેમાઁ કા પશેમાઁ હોના (૮)

[જફ઼ા=  અત્યાચાર, તૌબા= પ્રાયશ્ચિત, પશ્ચાત્તાપ; હાએ= અફસોસ દર્શાવતો ઉદગાર; જ઼ૂદ-પશેમાઁ= બહુ જ જલ્દી પસ્તાવો કરવો, શરમિંદગી અનુભવવી; પશેમાઁ= પસ્તાવો  થવો, શરમિંદગી અનુભવવી]

ગ઼ાલિબ માનવીના મનોભાવના પ્રખર અભ્યાસુ છે. માનવવર્તણૂક્ના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવ તેમના ધ્યાન બહાર નથી હોતા. કાર્ય અને કારણ (Cause and effect)ને સુપેરે પિછાણી શકતા ગ઼ાલિબ મનોવિજ્ઞાનના સ્કોલરની જેમ આઘાત પછીના પ્રત્યાઘાતની આગોતરી જાણ મેળવી શકે છે અને આમ આવા કૌશલ્યથી પોતાના શેરને એવા તો પ્રભાવશાળી બનાવે છે અને સામેના વિદ્વાન એવા શ્રોતાઓને એવા શેરને દાદ ઉપર દાદ આપવા માટે વિવશ બનાવી શકે છે.

શેરના પ્રથમ મિસરામાં માશૂક કહે છે કે મારી માશૂકા મને કત્લ કરી દીધા પછી તરત જ તેણે આચરેલા અત્યાચાર બદલ તે શરમિંદગી અનુભવે છે અને પશ્ચાત્તાપ કરે છે. માશૂકા પક્ષે આમ થવું સ્વાભાવિક છે, કેમ કે તે સ્ત્રી હોવાના નાતે ઋજુ દિલ ધરાવતી હોય છે. આવેશમાં થઈ ગયેલા હિચકારા કૃત્ય પછીના માશૂકાના પ્રાયશ્ચિતને માણવું એ તો બલિ બની ગયેલા માશૂક માટેની સુખદાયક ઘડી છે. વળી માશૂકને વિશેષ આનંદ તો એ વાતનો છે કે માશૂકા ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય એ પ્રત્યાઘાત આપે છે. અહીં ભાવકોએ ઘટનાની વાસ્તવિકતાને કોરાણે મૂકવી પડશે, કેમ કે આ તો શાયર છે અને તે મડદાને પણ બોલતું કરી શકે છે.

હવે બીજા મિસરામાંનો ‘હાએ’ શબ્દોચ્ચાર માશૂકમુખે મુકાયેલો સમજવાનો છે અને તે પણ અફસોસના ભાવને વ્યક્ત કરનારો છે. શાયરી હોય કે કવિતા હોય, કુશળ સર્જક કોઈપણ શબ્દ પાસેથી ધાર્યું કામ કઢાવી શકતો હોય છે. અહીં પસ્તાવો કરતી માશૂકાને માશૂક મર્યા પછી જ જોઈ શકે છે અને તેથી માશૂકને આ જ વાતનો અફસોસ થાય છે. તે વિચારે છે કે કાશ માશૂકાની આ દયનીય સ્થિતિ પોતે જીવતાં જ જોઈ શક્યા હોત તો કેવું સારુ થાત! આ મિસરામાંના ‘પશેમાઁ’ શબ્દની પુનરાવૃત્તિ માટેએક મત એમ કહે છે કે તે થકી પસ્તાવાની ક્રિયાને દૃઢ કરવામાં આવી છે. મારા મત પ્રમાણે પ્રથમ ‘પશેમાઁ’ શબ્દ ‘જ઼ૂદ’સાથે છે, જ્યારે બીજો ‘પશેમાઁ’ શબ્દ સ્વતંત્ર છે અને એ બંને સહેતુક છે. માશૂકને કત્લ કર્યા પછીનો તત્કાલીન પસ્તાવો હજુય ચાલુ છે તે આપણને બીજા ‘પશેમાઁ’ શબ્દપ્રયોગથી સમજાય છે.

છેલ્લે એક આડવાત છે, મારા માશૂક અને માશૂકા શબ્દપ્રયોગો અંગેની કે જે અનુક્રમે પ્રેમી અને પ્રેમિકાની ભિન્ન ઓળખ માટે હું પ્રયોજું છું અને જેનો મેં અગાઉ ખુલાસો આપી દીધો છે. ઉર્દૂ શાયરીમાં માશૂક ઉભય નરનારી માટે પ્રયોજાય છે. અંગ્રેજીમાં માશૂક માટે ‘Lover’અને માશૂકા માટે ‘Beloved’ એમ જુદા શબ્દો છે જ.

* * *

હૈફ઼ ઉસ ચાર ગિરહ કપડ઼ે કી ક઼િસ્મત ગ઼ાલિબ
જિસ કી ક઼િસ્મત મેં હો આશિક઼ કા ગરેબાઁ હોના ()

[હૈફ઼= અફસોસ, હાય હાય; ગિરહ= ગાંઠ, ખીસું, સવા બે ઈંચ; ચાર ગિરહ= નવ ઈંચ; ગરેબાઁ= કોલર]

ગ઼ઝલનો આ આખરી મક્તા શેર છે. આ શેરના અર્થઘટન અન્વયે શાયરજગતમાં ઘણી ચર્ચાઓ જામી છે. અત્રે એ બધાં મતમતાંતરો પૈકી વધુ વિશ્વસનીય એવા કેટલાક મતને જ અહીં હું ટાંકીશ. સર્વ પ્રથમ તો  આ શેરની રચના સંદર્ભે ‘આઝાદ’નો એવો મત છે કે ગ઼ાલિબ જ્યારે પોતાના નિવાસસ્થાને જુગાર રમાતાં પકડાયા હતા અને કેટલાક દિવસના જેલવાસ પછી છૂટવાના દિવસે તેમણે પોતાનાં મૂળ કપડાં પહેરી લીધાં હતાં અને જેલ તરફથી આપવામાં આવેલા કુરતાના કોલરને ફાડી નાખીને જમીન ઉપર ફેંકતાં આ શેરની રચના કરી હતી. જો કે ‘મિહર’ આ કપોલકલ્પિત વાતને ઠુકરાવતાં દલીલ આપે છે કે આમ કોઈ કેદી સરકારી કપડાંને ફાડી શકે નહિ. અહીં આપણે એ કુરતું સરકારી હતું કે ગ઼ાલિબનું પોતાનું એને ગૌણ સમજીએ તો માણસ જ્યારે કંટાળ્યો હોય કે ગુસ્સામાં હોય, ત્યારે માથાના વાળ પીંખવા કે વસ્ત્ર ફાડવા જેવી ચેષ્ટાઓ કરતો હોય છે. હવે શાયરીના સંદર્ભે પહેરણના કોલરના ફાડવાની ક્રિયા બે રીતે થઈ શકે; એક, માશૂકાનો વિરહ (Separation) અને બે, માશૂકા સાથેનું મિલન (Union). પહેલા કિસ્સામાં માશૂક પોતે જ  હતાશાના કારણે ઉદભવેલા ગુસ્સામાં પહેરણના કોલરને ખેંચી કાઢે. તો વળી બીજા કિસ્સામાં માશૂકા પોતે જ શરારતમાં માશૂકના કોલરને ફાડી નાખે!    

આટલી પૂર્વભૂમિકા પછી આપણે શેરના પ્રથમ મિસરા ઉપર આવીએ તો પહેલો જ શબ્દ ‘હૈફ’ માશૂકે પોતાને જ સંબોધવા માટે પ્રયોજ્યો છે, સંભવત: આમ  કે ‘અફસોસ, ગ઼ાલિબ’ કે ‘હાય હાય, ગ઼ાલિબ’! હવે તેમની સામે પડેલા કાપડના નવેક ઈંચના ટુકડા સામે જોઈને તે કહે છે કે તેની કિસ્મત વિષે તો શું કહેવું, અર્થાત્ કાપડના એ ટુકડાનું છેવટે તો શું થશે!

બીજા મિસરામાં માશૂક કલ્પના કરે છે કે શક્યત: એ ટુકડો માશૂકના પહેરણનો કોલર પણ બને! હવે જો ખરે જ એમ બને તો એ કાપડના ટુકડાનું સદનસીબ કહેવાય કે તે માશૂકની મનોદશાને બદલવામાં નિમિત્ત બને. છે. શેરના બંને મિસરામાં વપરાયેલા ‘ક઼િસ્મત’ શબ્દ માટે પણ ભિન્ન ભિન્ન મત છે. ‘હામિદ’ નામના તફસીરકાર એમાં ગ઼ાલિબની કોઈ ક્ષતિ હોવાનું માનતા નથી. તેઓ તો માને છે કે ગ઼ાલિબે સમજી વિચારીને જે એ શબ્દને પુનરાવર્તિત કર્યો છે, જેમાં આપણે આનંદ અનુભવીએ છીએ. ‘નૈયર મસુદ’ તો વળી પહેલા મિસરાના ‘ક઼િસ્મત’ શબ્દને ભૂતકાળ સાથે જોડે છે, તો બીજા મિસરામાંનો ‘ક઼િસ્મત’ શબ્દ ભાવીનો સૂચક છે.

સમાપન પૂર્વે કહેતાં આપણને એમ લાગશે કે આ તો સામાન્ય કક્ષાનો શેર છે; પણ ના, સર્વથા એમ નથી જ. ‘નૈયર મસુદ’ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવે છે કે અહીં કાપડના એ ટુકડાની ચાર અવસ્થાઓ નિરુપાઈ છે, જે આમ છે : બિનઅસ્તિત્વ, અસ્તિત્વ, વિકાસ અને વિનાશ; અને વળી પાછી નવાઈની વાત તો એ બને છે કે છેલ્લે એ જ કાપડનો ટુકડો બિનઅસ્તિત્વમાં ફેરવાઈ જાય છે. આ ચારેય અવસ્થાઓને માનવજીવન સાથે પણ લાગુ પાડી શકાય. આપણે બે છેડાની બિનઅસ્તિત્વની સ્થિતિ વચ્ચે આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ. આ સમજવા માટે આપણે એ કલ્પનાનો સહારો લઈ શકીએ કે આપણે સો વર્ષ પહેલાં બિનઅસ્તિત્વમાં હતા, હાલમાં અનિશ્ચિત કાળ માટે આપણે અસ્તિત્વમાં છીએ અને સો વર્ષ પછી આપણે પાછા બિનઅસ્તિત્વમાં ફેરવાઈ જઈશું!                                                               (સંપૂર્ણ)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)      

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક – 18)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags: , ,

(624) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૦ (આંશિક ભાગ – ૨) બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ *વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

image-2

                               

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના (શેર ૪ થી)

જલ્વા અજ઼-બસ-કિ તક઼ાજ઼ા-એ-નિગહ કરતા હૈ
જૌહર-એ-આઇના ભી ચાહે હૈ મિજ઼્ગાઁ હોના (૪)

[જલ્વા= નૂર, તેજ, પ્રકાશ, હુશ્ન, રૂપ; અજ઼-બસ-કિ = આત્યંતિક; તક઼ાજ઼ા-એ-નિગહ = આંખોની માંગ (તકાદો);  જૌહર-એ-આઇના = દર્પણના તેજનો અંબાર; મિજ઼્ગાઁ= નયનપટ; પલક]

આ એક શૃંગાર-રસાભૂષિત શેર છે, જેમાં માશૂકાની અત્યાધિક પ્રશંસા કરવામાં આવી છે. માશૂકાના હુશ્નનો રુઆબ એવો તો બધો જાનલેવા છે કે માશૂકની આંખોની તલબ (માંગ) એવી તો બેસુમાર વધી જાય છે કે તેને જોયા જ કરે, બસ જોયા જ કરે અને તેના સૌંદર્યનું પાન કર્યા જ કરે. આમ શેરનો આ પ્રથમ મિસરો માશૂકાના ચહેરાના નૂરને આકર્ષણના ઉદ્દીપક તરીકે દર્શાવીને તેને એવી કક્ષાએ પહોંચાડી દે છે કે માશૂકની આંખો ઉદ્દીપ્ત થઈ જાય છે કે એ ચહેરાને જોયા સિવાય તેને ચેન ન પડે.

બીજા મિસરામાં વળી માશૂકાના હુશ્નને શાયર હજુય વધુ ઊંચાઈએ લઈ જવા તેને પ્રબળ ગૌરવ બક્ષતાં કહે છે કે એ રૂપલલના પોતાના રૂપને નિહાળવા દર્પણમાં દૃષ્ટિપાત કરે તો, નિશ્ચેતન ગણી શકાય અને છતાંય  તેજનો અંબાર પ્રતિબિંબિત કરવા સમર્થ એવું, એ દર્પણ પણ ઇચ્છવા માંડે કે તે પણ તેની આંખોની પલક બની જાય! અહીં આપણને સંસ્કૃતના પ્રખર કવિ કાલિદાસના શૃંગારરસપ્રધાન શ્લોકોની યાદ આવ્યા વિના રહેશે નહિ. આ મિસરામાંની ગ઼ાલિબની અજોડ કલ્પનાને હજુ વધુ માણવી હોય તો આપણે હાથમાં દર્પણ પકડીને પોતાના ચહેરાને નિરખતી એ લલનાનું શબ્દચિત્ર આપણી નજર સામે ખડું કરવું પડશે. પોતાની આંખોની પાંપણોને પટપટાવતી એ રૂપસુંદરી એવી તો મનમોહક બની રહેશે કે આપણે પણ ગ઼ાલિબની દર્પણ ઉપર થતી તેની અસરની કલ્પનાને સમર્થન આપવું જ પડશે. 

* * *

ઇશરત-એ-ક઼ત્લ-ગહ-એ-અહલ-એ-તમન્ના મત પૂછ
ઈદ-એ-નજ઼્જ઼ારા હૈ શમશીર કા ઉર્યાં હોના (૫)

[ઇશરત= આનંદ; ખુશી; અહલ= લાયક; યોગ્ય; ઇશરત-એ-ક઼ત્લ-ગહ-એ-અહલ-એ-તમન્ના= કત્લગાહ ઉપર કત્લ થવા માટેની ખ્વાહિશની ખુશી; ઈદ= ખુશી, મુસ્લીમોનો તહેવાર; ઈદ-એ-નજ઼્જ઼ારા= દૃશ્યની ખુશી; શમશીર= તલવાર; ઉર્યા= નગ્ન, ખુલ્લું (મ્યાન વગર)]

પ્રથમ મિસરામાં ભગ્નહૃદયી કોઈપણ માશૂક છેવટે તો એમ જ ઇચ્છે કે હવે જીવવાનો કોઈ અર્થ નથી અને જીવન ટુંકાવી દેવું એમાં જ શ્રેય છે. અહીં આ શેરનો માશૂક પણ પોતાની માશૂકાના વિરહમાં તરફડીને દુ:ખી હાલતમાં જીવવા કરતાં કત્લગાહે ગરદન વધેરાવી દઈને શહીદ થઈ જવાનું વધારે પસંદ કરે છે. વળી આ રીતે કત્લ થવાની ખ્વાહિશની પૂર્તતાથી તેને કેટલી ખુશી થશે તે વિષે પૂછવાની ના પાડવાનો મતલબ તો એ જ થાય છે  કે તેને બેહદ ખુશી થશે.

બીજા મિસરામાં એ જ શહાદતનો આનંદ બીજી રીતે એક ભવ્ય કલ્પનાના સહારે વર્ણવાયો છે. પોતાના મસ્તકને વધેરવા માટે ઊગામવામાં આવેલી એ નગ્ન તલવારને જોવાનો આનંદ ઈદના ચાંદને જોવા બરાબર છે એમ માશૂક માને છે. અહીં આપણે ગ઼ાલિબને દાદ આપવી પડશે, તેમની ઈદના ચાંદ અને તલવારની સરખામણી માટે! ઈદના ચાંદના વક્રાકાર અને તલવારના વક્રાકાર વચ્ચે ભૌતિક સામ્ય હોવા છતાં બંને વચ્ચે વિરોધાભાસ તો છે જ કે ઈદનો ચાંદ ખુશી આપે છે, જ્યારે તલવાર તો ક્ત્લ કરી દઈને વ્યથા પહોંચાડે છે. પરંતુ આપણા ગ઼ાલિબ તો ગ઼ાલિબ છે, જે વ્યથાને ખુશીમાં પરિવર્તિત કરી શકે છે; પોતાની એ દલીલ વડે કે માશૂકની દીવાનગી એટલી હદ સુધીની બલવત્તર છે કે તે ઇશ્ક માટે ફના થઈ જવા રાજીખુશીથી તત્પર છે. શાયરોને પ્રિય એવી શમા અને પરવાના જેવી અહીં વાત છે કે જ્યાં પતંગિયાને દીપક પરત્વે એટલો બધો પ્રેમનો લગાવ છે કે તે હોંશેહોંશે તેની જ્યોતમાં બળીને ભસ્મ થાય છે  અને છતાંય તેને કોઈ દુ:ખ પહોંચતું નથી. આમ પ્રેમમાં પ્રાપ્તિ કરતાં બલિદાનનું વિશેષ માહાત્મ્ય હોય છે, જેને  ગ઼ાલિબે આ શેરમાં યથાર્થ સાબિત કરી બતાવ્યું છે. 

* * *

લે ગએ ખ઼ાક મેં હમ દાગ઼-એ-તમન્ના-એ-નિશાત
તૂ હો ઔર આપ બ-સદ-રંગ-એ-ગુલિસ્તાઁ હોના (૬)

[ખ઼ાક= માટી; નશાત= ખુશી; દાગ઼-એ-તમન્ના-એ-નશાત= હર્ષોન્માદ/પરમાનંદની ઇચ્છાના ડાઘ (નિશાનીઓ); બ-સદ-રંગ-એ-ગુલિસ્તાઁ=  બગીચાના શત શત રંગ]

શેરના પ્રથમ મિસરામાં માશૂકની ઇશ્કમાં નિષ્ફળ જવાના કારણે પરિમણેલી હતાશાની પરાકાષ્ઠા અનુભવાય છે. માશૂક કહે છે કે અમે તને હાસિલ કરવાના પરમ આનંદની અધૂરી રહેલી ઇચ્છાઓ સાથે માટીમાં દફન થઈ જઈશું. એ અમારું એવું દુર્ભાગ્ય બની રહેશે કે અમારી પૂરી જિંદગી તને પામવામાં પસાર થઈ હોવા છતાં છેવટે પરિણામ તો શૂન્ય જ રહ્યું.

બીજા મિસરામાં માશૂકની ખેલદિલી જોવા મળે છે કે ભલે અમારા ઇશ્કનો અંજામ અમારા માટે દુ:ખદાયક રહ્યો હોય અને એવી જ દુ:ખમય મનોવેદના સાથે અમે આ દુનિયાથી વિદાય લઈએ, પણ તું તો સલામત જ રહેજે અને તું સ્વયં શત શત રંગબેરંગી ફૂલોથી લહેરાતા એવા બગીચા સમાન થઈ રહેજે, અર્થાત્ સુખી રહેજે. ઉર્દૂ શાયરીમાં ઘણીવાર આ પરિકલ્પના જોવા મળે છે કે ઇશ્કમાં નાકામ રહેલો માશૂક અવસાન પામીને ફૂલો રૂપે લહેરાતો હોય છે. અહીં કૃષિવિષયક એ બાબતને સાંકળી શકાય કે પૂરતું ખાતર (Fertilizer) મળ્યેથી જેમ મોલ માતબર પ્રમાણમાં ઊગી નીકળે છે, તેમ કબ્રમાં દફન થયેલા માશૂકનાં અસ્થિ પણ ફૂલોના લહેરાવા માટે પોષક બની રહે છે. અહીં આપણે સ્વીકારવું જ પડશે કે ગ઼ાલિબને ‘ગ઼ઝલસમ્રાટ’નું બિરુદ અમસ્તુ તો નથી જ આપવામા આવ્યું!                                (ક્રમશ: ભાગ-3)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)            

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક – 18)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags: ,

(623) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૯ (આંશિક ભાગ – ૧) બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના
આદમી કો ભી મયસ્સર નહીં ઇંસાઁ હોના (૧)

[દુશ્વાર= મુશ્કેલ; આસાઁ= સરળ; મયસ્સર= મળેલું; પ્રાપ્ત, (અહીં) સહેલું હોવું; ઇંસાઁ= ઇન્સાન, મનુષ્ય]

ગ઼ાલિબની ગ઼ઝલોમાં વિષય વૈવિધ્ય હોય છે અને તેમાંય વળી કોઈકવાર તો તેઓ દાર્શનિક બની જાય છે અને જીવનદર્શનની ઝાંખી પણ કરાવે છે. આ શેરના પહેલા મિસરામાં ગ઼ાલિબ માનવજીવનની એક વાસ્તવિકતા આપણી સમક્ષ રજૂ કરતાં જણાવે છે કે એ માની લેવું મુશ્કેલ છે કે જીવનમાં દરેક કાર્ય કે લક્ષપ્રાપ્તિ ખૂબ જ  સરળતાથી સિદ્ધ કરી શકાય છે. ઘણીવાર આપણે વણથંભી અથાગ મહેનત કરીએ તો જ સફળતા પ્રાપ્ત થતી હોય છે અથવા એવું પણ બને કે આપણે અંતે નિષ્ફળ જ રહીએ.

બીજા મિસરામાં ગ઼ાલિબની કટાક્ષમય હળવી રમુજવૃત્તિ પ્રગટ થાય છે. ગ઼ાલિબ કહે છે કે જીવનનાં બીજાં અઘરાં કાર્યોની વાત તો જવા દો, પણ માનવી માટેનું સાવ સહેલામા સહેલું કામ જો હોય તો તે એ છે કે તે ખરા અર્થમાં માનવી થઈ બતાવે. પરંતુ આપણે જોઈએ છીએ કે માનવી આ સહેલું કામ પણ કરી શકતો નથી. ઈશ્વરનું ઉમદા સર્જન એટલે માનવી અને છતાંય આપણને ઘણીવાર જોવા મળે છે કે માનવી પશુ કરતાં પણ બદતર પુરવાર થાય છે. ગુજરાતી કવિ ઉમાશંકરે પોતાના એક કાવ્યમાં ગ઼ાલિબની આ જ વાતને ‘હું માનવી, માનવ થાઉં તો ઘણું’ શબ્દોમાં વ્યક્ત કરી છે.

આમ આ શેરનો પ્રથમ મિસરા જીવનના કોઈ પરમલક્ષને પામવા માટે પુરુષાર્થની હાકલ કરે છે, તો વળી બીજો મિસરો માનવીએ માનવ બનીને માનવતાના ગુણને વિકસાવવાની શિખામણ આપે છે. વળી આ શેરમાં આદમી અને ઇન્સાન શબ્દો સમાનાર્થી લાગતા હોવા છતાં ગ઼ાલિબ ‘ઇન્સાન’ શબ્દને પ્રભુત્વ આપે છે, જેનો મતલબ એમ થાય કે ‘આદમી’ તો જન્મથી સૌ કોઈ ગણાઈ શકે; પણ પોતાનામાં ઉમદા ગુણોનું સિંચન કરીને ઇન્સાન બનવું તે વધારે ઉત્તમ છે. મુસ્લિમ અને ખ્રિસ્તી માન્યતા મુજબ હજરત આદમ આ પૃથ્વી ઉપરના પહેલા પુરુષ હતા અને તેમના વંશજો ‘આદમી’ કહેવાયા. આમ ‘આદમી’ શબ્દ ‘આદમ’ ઉપરથી, તો તે જ રીતે ‘મનુજ, મનુષ્ય, માનવ’ શબ્દો ‘મનુ’ ઉપરથી બન્યા છે. ‘મનુ’ને પણ આદિ પુરુષ તરીકે માનવામાં આવે છે અને તેથી ‘આદમ’ અને ‘મનુ’ને બૌદ્ધિકો એક તરીકે જ ઓળખાવે છે.

* * *

ગિર્યા ચાહે હૈ ખ઼રાબી મિરે કાશાને કી
દર ઓ દીવાર સે ટપકે હૈ બયાબાઁ હોના (૨)

[ગિર્યા= રડવું-કકળવું, આંસુ વહાવવાં; કાશાના= નાનું ઘર, ઝૂંપડી; બયાબાઁ= જંગલ]

ગ઼ાલિબની ગ઼ઝલોમાં ઘણા શેર એવા જોવા મળે છે કે જે પહેલા વાંચનમાં સમજવા મુશ્કેલ હોય છે. એવા શેર પૈકીનો આ એક શેર છે, જે સમજાયા પછી આપણને લાગશે કે તેમાં દર્શાવાયેલી પ્રતિકાત્મકતા (Symbolism) કાબિલે તારીફ છે. અહીં આંસુનો પ્રત્યક્ષ જે ઉલ્લેખ છે, જે પ્રતિક બને છે અને તે અપ્રત્યક્ષ એવા બારિશને બયાન કરે છે. તો વળી નાનું ઘર કે ઝૂંપડીનો પ્રત્યક્ષ ઉલ્લેખ જે છે, તે શાયરના  અલ્પ એવા જીવનને અપ્રત્યક્ષ રૂપે દર્શાવે છે. આમ આ શેરમાં બબ્બે રૂપકો છે, જે તેની વિશિષ્ઠતાને ઉજાગર કરે છે. 

પહેલા મિસરામાં ગ઼ાલિબ કહે છે કે મારાં વહેતાં આંસુ મારા નાનકડા ઘર રૂપી મારા અલ્પજીવનની તબાહીને કારણે છે. જેમ બારિશના કારણે મારા નાનકડા ઘરની દિવાલો અને દરવાજાઓમાંથી ટપકતા પાણીના  કારણે જોતજોતામાં એ જમીનદોસ્ત થઈને વેરાન જંગલ જેવી સ્થિતિમાં આવી જાય, બસ તેમ જ મારા અલ્પ જીવનમાં પણ એવાં વિઘાતક પરિબળોએ મારા જીવનને વેરાન કરી દીધું છે, જેના કારણે હું રૂદન કરી રહ્યો છું. મારા જીવનમાં આવી પડેલી એ વેદનાઓ મારા હૃદયને કોરી ખાય છે અને તેથી હું મારા રૂદન ઉપર કાબૂ મેળવી શકતો નથી.

આ શેરના પ્રથમ મિસરામાંના ‘ચાહે હૈ’નો કોઈક અભ્યાસુઓ ‘ઇચ્છે છે’ એવો અર્થ કરે છે, તો વળી કોઈક ‘ભલે છે’ એવો અર્થ તારવે છે. હવે આ તો શબ્દાર્થો થયા કહેવાય, જે ‘ગિર્યા’ અર્થાત ‘રોકકળ’ સાથે બંધ બેસતા નથી. આમ મેં એ શબ્દોના અર્થમાં ઊંડા ઊતર્યા વગર પુખ્ત વિચારણાના અંતે સર્વગ્રાહી (Comprehensive) સારરૂપે આ શેરનું અર્થઘટન કર્યું છે, આમ છતાય શક્ય છે કે કોઈ પાઠકનું મંતવ્ય આનાથી ભિન્ન પણ હોઈ શકે.        

* * *

વા-એ-દીવાનગી-એ-શૌક઼ કિ હર દમ મુઝ કો
આપ જાના ઉધર ઔર આપ હી હૈરાઁ હોના (૩)

[વા-એ-દીવાનગી-એ-શૌક઼=  પ્રેમના ઉન્માદમાંથી ઉદ્ભવતી બેચેની; હૈરાઁ= હેરાન]

પોતાની જાત ઉપર જ મજાક કરતો ગ઼ાલિબનો આ શેર આપણને પણ ઘડીભર મોજ કરાવી જાય છે. પ્રથમ મિસરામાં માશૂક કબૂલ કરે છે કે પોતાનામાં માશૂકા પરત્વેનો પ્રેમ એટલો બધો તો તીવ્ર છે કે તે દીવાનાપણું અનુભવે છે. વળી આ દીવાનગી પણ એવી છે કે જે હરપળ તેમના ચિત્ત ઉપર સવાર થયેલી રહે છે અને તે તેમને એવી ફરજ પાડે છે કે તે માશૂકાની ગલીએ જઈ પહોંચે અને તેની સાથેના મિલનના આનંદને માણે. અહીં માશૂકને જાણ તો છે જ કે માશૂકા તરફથી કોઈ ભાવ મળવાની આશા નથી, તેમ છતાંય પેલી દીવાનગી તેમને માશૂકા તરફ ધકેલે છે.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબની શબ્દ પાસેથી કામ લેવાની શક્તિનો પરિચય ‘ઉધર’ શબ્દપ્રયોગથી જણાઈ આવે છે. અહીં શેરનો પાઠક આપમેળે સમજી જ જાય છે કે ‘ઉધર’ એટલે માશૂકાનું નિવાસસ્થાન. આમ માશૂક કબૂલે છે કે દીવાનગીના પ્રભાવ હેઠળ માશૂકાની દેહલીજ (ઉંબર) ઉપર જાતે જ પહોંચી જવું અને તેની અવહેલનાના કારણે વળી પાછા જાતે જ હેરાન થવું, અર્થાત્ દુ:ખી થવું એ નરી મૂર્ખાઈ છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે પ્રેમદીવાનાઓ આવી મૂર્ખાઈઓ વારંવાર કરતા જ રહેતા હોય છે, એ આશાએ કે કોઈક દિવસે તો તેમનો પ્રેમ રંગ લાવશે જ.

ગ઼ાલિબ આ ગ઼ઝલના દરેક શેરના અંતે આવતા રદીફ ‘હોના’ને બાખૂબી ન્યાય આપે છે, તે આપણા ધ્યાન બહાર રહેવું જોઈએ નહિ. અગાઉ અનેકવાર કહેવાયું છે અને છતાંય અહીં એ વાતને ફરી રજૂ કરું છું કે ગ઼ઝલ એ કોઈ કવિતા નથી કે જે કોઈ એક વિષયને સમજાવે. અલબત્ત ગ઼ઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે તો ખરો, છતાંય તે દરેક શેરના અંતે આવતા રહેતા રદીફના કારણે એક જ ભાવસાતત્યને તો જાળવી જ રાખે છે.                                                                                     (ક્રમશ: ભાગ-૨)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)   

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક – 18)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags: , ,

(622) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૮ (આંશિક ભાગ – ૪) આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૭ થી ૮)

યક નજ઼ર બેશ નહીં ફ઼ુર્સત-એ-હસ્તી ગ઼ાફ઼િલ
ગર્મી-એ-બજ઼્મ હૈ ઇક રક઼્સ-એ-શરર હોતે તક (૭)

[યક= એક; બેશ= વધારે, પુષ્કળ, પૂરતું; ફ઼ુર્સત-એ-હસ્તી= જીવનની અવધિ; ગ઼ાફ઼િલ= અસાવધ; બેપરવા; ગર્મી-એ-બજ઼્મ= મહેફિલમાંની હૂંફ (તાપમાન); રક઼્સ= નૃત્ય, નાચ મુજરો; શરર= ચિનગારી; તણખો, ઝલક; રક઼્સ-એ-શરર= નૃત્યની ઝલક]

આ શેર અને તેની અગાઉના શેરની સરખામણી કરતાં દેખાઈ આવશે કે દૃષ્ટાંત અને મૂળ કથન ઉલટસુલટ મિસરાઓમાં આવે છે. આ પણ ગ઼ાલિબની અભિવ્યક્તિના વૈવિધ્યની એક કળા જ છે ને! વળી આ શેર અગાઉના શેરમાંની માશૂકાની કૃપાનજર સાથે સાતત્ય ધરાવતો હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. જો કે ગ઼ઝલના શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાના લક્ષણને અહીં કોઈ હાનિ પહોંચતી નથી, કેમ કે બંને શેર સ્વતંત્ર ઊભા રહી શકે છે. માત્ર બંને શેર પેલી ‘નજર’ને કેન્દ્રમાં રાખે છે, તેથી જ મેં ઉપર ‘સાતત્ય’ શબ્દ પ્રયોજ્યો છે.    

હવે આપણે આ શેરના પહેલા ઉલુ મિસરાને ચર્ચાની એરણ ઉપર લઈએ, તે પહેલાં  તેના અંતે આવતા ગ઼ાફ઼િલ શબ્દને સમજી લઈએ. આ શબ્દ શેરના કથનના ભાગરૂપ નથી, પણ એ  સંબોધન માત્ર છે જ છે; અને તે પણ શાયરે પોતાની જાત માટે જ પ્રયોજ્યો છે. આ શેર કંઈક આધ્યાત્મિકતાને સ્પર્શતો દેખાય છે, કેમ કે તેમાં માનવજીવનના અસ્તિત્વની ચર્ચા થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો શાયર અહીં પેલી માશૂકાની અમીનજરને મદ્દે નજર રાખીને કહેવા માગે છે કે જીવનની અવધિ અર્થાત્ અસ્તિત્વને ટકાવી રાખવા માટે એ એક નજર પર્યાપ્ત નથી. એ નજર તો એવી ક્ષણિક છે કે જે જીવનને જાળવી રાખવાના એક માત્ર તંતુ તરીકેનું જ કાર્ય બજાવે છે. એ અમીનજર તો અલ્પકાલીન છે અને એ પણ કેવી અલ્પકાલીન તે સમજાવવા માટે શાયર બીજા મિસરામાં એ માટેનું દૃષ્ટાંત આપે છે.

આ બીજા સાની મિસરામાં શાયર આપણી નજર સામે નાચગાનની એક મહેફિલને ખડી કરી દે છે. આવી કોઈ મહેફિલમાં થતા મુજરા કે શેર-ઓ-શાયરીની રમઝટ વાતાવરણને એવું તો હળવું અને  હૂંફાળું બનાવી  દે છે કે તેમાં ભાગ લેનાર સૌ ખુશમિજાજમાં આવી જાય છે. પરંતુ આ ખુશમિજાજી તો ક્ષણિક બની રહે છે, કેમ કે પેલા નૃત્યની ઝલક સમેટાઈ જાય કે તરત જ પેલી ખુશમિજાજી પણ આપોઆપ આટોપાઈ જતી હોય છે.

આમ આખા શેરનું તારતમ્ય તો એ જ ઉપસી આવે છે કે માશૂક માટે માશૂકા તરફની એક માત્ર કૃપાનજર જ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પર્યાપ્ત નથી, પણ તેથીય વિશેષ તો સાન્નિધ્ય સધાય એ પણ જરૂરી છે. આ સાન્નિધ્ય એટલે માશૂકને માશૂકા સાથે અમર્યાદ સ્વાતંત્ર્ય સાથે હળવા મળવાની છૂટ, કે જે આપણી આ ગ઼ઝલના પ્રથમ શેરમાં વર્ણવાઈ છે અને જે છે ‘માશૂકાના કેશની લટને રમાડવા સુધીનો અધિકાર!’.  

* * *

ગ઼મ-એ-હસ્તી કા અસદકિસ સે હો જુજ઼ મર્ગ ઇલાજ
શમ્અ હર રંગ મેં જલતી હૈ સહર હોતે તક (૮)

[ગ઼મ-એ-હસ્તી= જીવનનાં દુ:ખ; જુજ઼= સિવાય; મર્ગ= મૃત્યુ; શમ્અ= મીણબત્તી; સહર= સવાર]

ગ઼ાલિબનો આ મર્મભેદક મક્તા શેર છે. અહીં તેમણે તેમના તખલ્લુસ ‘ગ઼ાલિબ’ના બદલે પોતાના મૂળ નામ ’અસદ’ને  પ્રયોજ્યું છે. આ શેરમાં માનવજીવન સાથે જોડાયેલાં દુ:ખોની નરી વાસ્તવિકતા રજૂ થઈ છે. સુખ અને દુ:ખના તાણાવાણાથી વણાતી જતી આ જિંદગીમાં સુખ ઓછું અને દુ:ખ વધારે હોય છે. કોઈ ગુજરાતી કવિએ ગાયું છે, ‘છે માનવીજીવનની ઘટમાળ એવી; દુ:ખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી!’. ઘણીવાર માનવી એવાં અસહ્ય શારીરિક કે માનસિક દુ:ખોથી જીવનભર પિડાતો રહેતો હોય છે, જેનો કોઈ ઈલાજ નથી હોતો અને તેમને સહન કરી લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ નથી હોતો. આમ છતાંય ગ઼ાલિબ આવાં લાઈલાજ દુ:ખોના આખરી ઈલાજ તરીકે મોતને ગણાવે છે. મોત એ એવું ઔષધ છે કે જેનાથી તમામ દુ:ખોનો એકી ઝાટકે અંત આવી જાય છે. ગ઼ાલિબનો આ જ મતલબનો એક શેર છે, જેના સાની મિસરાના શબ્દો છે : ‘મૌત સે પહલે આદમી ગ઼મ સે નજાત પાએ ક્યૂઁ’. હવે અહીં વિચારવા જેવી અને સમજવા જેવી વાત એ છે એ મોત કુદરતી હોવું જોઈએ. સર્જનહારે આપણને મૂલ્યવાન જિંદગી જીવવા માટે આપી છે, જેને આત્મહત્યા દ્વારા વેડફી નાખવાનો આપણને કોઈ અધિકાર નથી.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબ શમા (Candle) દાખલો આપીને સમજાવે છે કે મહેફિલનું વાતાવરણ હર્ષ કે શોક એવા ગમે તે મિજાજમાં હોય, પણ તે અવિરત પ્રજળ્યા જ કરે છે; અને તેને ત્યારે જ બુઝવવામાં આવે છે, જ્યારે કે સવાર થાય છે. માનવીએ પણ જીવનની દરેક પરિસ્થિતિમાં અડગ રહેવું જોઈએ. જીવનનાં દુ:ખો કાં તો આપણે હયાતિમાં જ સમેટાઈ જશે, નહિ તો છેવટે મોત તો છે જ.

આ ગ઼ઝલ અહીં સમાપ્ત તો થાય છે, પણ ‘હોતે તક’ રદીફનો ઘોષ આપણા જેહનમાં સતત પડઘાયા કરે છે.

(સંપૂર્ણ)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)                                                                                                  

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 79)

* * *

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *