તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા (હઝજ)
સયાનાપન સમજતા જે સમજને શોભનારાઓ
ન સમજે તે અનાડી ને નકામું ગાજનારાઓ
શિકારી છોડતો પંખી જવા ઊડી નભે તોયે
ન ઊડતું એ જરીકેયે કરે શું છોડનારાઓ
થયા આઝાદ આપણ સૌ સદીઓની ગુલામીથી
ન માણો એ સુખોને તો કરે શું તારનારાઓ
નજર સામે મુકાયું હોય મનભાવન જ જમવાનું
ન ખાઓ તો કરી શકતા જ શું ખવડાવનારાઓ
ન જાણે કેટલાયે શઠ અગનના કાકડા લઇને
ભટકતા બાળવાને કાજ લીલું બાળનારાઓ
તમે તો મૂરખા એવા કહેવું શું તમોને તો
છતી લાઠી છતાં શ્વાનોથી કેવું ભાગનારાઓ
અમે તો અમ ખભાએ જળ તણી મશકો લઈ ફરતા
ભલે જે એ કરે અમ તો પ્રજળતું ઠારનારાઓ
બુરાઈનો ભલાઈથી અમે તો આપતા બદલો
કયામત છે ખચિત છેવટ જ એવું માનનારાઓ
‘વલી’ આઝાદ તું જન્મ્યો રહી આઝાદ તું ફરજે
બહાદુર થા કરી લેશે તને શું ડારનારાઓ
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૧૦૧૨૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૧૦ ૧૨૧૭)
[…] Click here to read in English […]