RSS

Tag Archives: અબ્રાહમ લિંકન

(603) શબ્દસૃષ્ટિની સફરે – ૧

સુજ્ઞ ગુગમ-સુગમ મિત્રો-ત્રાણીઓ,

આ અગાઉ કપ્તાનશ્રી સુરસિંહજીએ વલદાના હવાલે બે પ્રવૃત્તિઓ કરી હતી, જેમાં સરેઆમ નિષ્કળતા મળી હતી. આ ત્રીજી પ્રવૃત્તિનું સૂરસૂરિયું થવાની તૈયારી હતી અને બાજપાઈભાઈ બાજની ઝડપે આવી પહોંચ્યા તથા હરીશભાઈએ હળવેથી બે શબ્દો સરકાવી દીધા. એ પહેલાં હીઝ હાઈનેસ સુરસિંહજી ઓફ નવરંગપુરા (અમદાવાદ)એ ખુરશીમાં બેઠાબેઠા ખુલ્લા રસોડામાં નજર નાખી અને રાણીબા જ્યોતિજીના બદલે તેમને વાસણો દેખાયાં અને તેમણે તેમને અહીં ફંગોળી દીધાં હતાં.

આપણા કપ્તાનશ્રી એવા નમ્ર છે કે તેઓ પોતાને તુચ્છ સમજે અને અન્યોને ચણાનાં ઝાડ ઉપર ચઢાવીને મહાન બનાવી દે. મને ‘ભાષાશાસ્ત્રી’ તરીકે ઓળખાવનાર એ ઈસમ પોતાના સિવાય અન્ય સૌને, પારકા ભાણે લાડુ સમેતને, મોટા જ સમજે. ભઈલા-લીઓ, ૧૯૬૯માં એમ.એ. (Dropped-પછડાયેલો) એવા આ જણને વ્યુત્પત્તિ જેવા અઘરા વિષયમાં ભણેલું એકાવન વર્ષે ક્યાંથી યાદ રહે! ગુગલની ગુજરાતી માટેની મર્યાદાઓ અને હાથવગાં સંદર્ભ પુસ્તકોના અભાવના કારણે આ કામ મારા માટે પ્રખર લોઢાના ચણા દાંતના ચોકઠા (Denture) વડે ચાવવા બરાબર હોઈ મારે મહદંશે બાહ્ય મદદ લેવી પડી છે. વળી આ પ્રવૃત્તિમાં મારે જ કામ કરવાનું રહે છે, મિત્રો-ત્રાણીઓને તો ખાંસી ખાતા માણસને એકાદ બટન ચગળવા આપી દેવા બરાબર છે. માટે કપ્તાનશ્રીને વિનંતી કે આ પ્રવૃત્તિમાં હું શબ્દો આપું અને અન્યો પોતાને આવડે તેવા જવાબો આપે. આમ થવાથી મારો કાર્યબોજ હળવો રહેશે. આ ફેરફાર થાય તો બરાબર છે, નહિ તો વલદા તરફથી ઈશ્વરાલ્લાહ!

પ્રવૃત્તિખેડૂતના ભાગિયાઓ :

સુરેશભાઈ જાની : થાળી, વાડકી, ચમચી, તપેલું, ખુરશી

આર.એમ. બાજપાઈ : દરિયો અને શેર. આ શબ્દો જે ભાષાઓમાંથી આવ્યા છે, ત્યાં એમનો અર્થ જુદો થાય છે (અનુક્રમે મહાનદી અને વાઘ), જ્યારે ગુજરાતીમાં અર્થફેર થઈ જાય છે. આનું કારણ શું?

હરીશભાઈ દવે : નઘરોળ, કથરોટ

(૧) સુરેશભાઈ જાની :

થાળી : – સ્થાલ (સં) > થાલ (પ્રા.) > થાળ (ગુ) = મોટું વાસણ; થાળી = નાનું વાસણ
વાટકી : – વર્ત (સં) > વર્તુ (પ્રા) > વટ્ટ (જૂ.ગુ.) > વાટકી, વાડકી (ગુ)
ચમચી : – ચુમ્મહ (તુર્કી) > ચમચી, ચમચો (ગુ)
તપેલું (તપેલી) : – આ શબ્દો ‘તપાવવું’ ક્રિયાપદ ઉપરથી બન્યા છે. તપ, તપસ્વી, તાપ, તાવ, તાવવું આ બધા સહોદર શબ્દો છે.
ખુરશી : – કુર્સી (અરબી) > ખુર્સી > ખુરશી

(૨) આર.એમ. બાજપાઈ :

ગુજરાતીમાં દરિયાનો અર્થ સમુદ્ર લેવાય છે, તેનું કારણ એ છે કે નજીકના અર્થવાળા શબ્દોનું પ્રત્યાગમન થતું હોય છે. મોટી નદીઓ ગંગા, બ્રહ્મપુત્ર વગેરે ઘણી જગ્યાએ સાગર જેવી વિરાટ દેખાય છે. બ્રહ્મપુત્રને નદ (નરજાતિ) પણ કહેવાય છે. ઇજિપ્તની નાઈલ નદીને દરિયા-એ-નીલ કહેવામાં આવતી હતી, જે આગળ જતાં દરિયો બની ગઈ! લોકમુખે તાળાં તો શેં દેવાય! મણિલાલ ન. દ્વિવેદી જેવા પ્રખર વિદ્વાન પોતાના ‘મતાંતર’ નિબંધમાં મુસા પયગંબરને લાલ સમુદ્રે માર્ગ કરી આપ્યો તેમ લખે છે. હકીકતમાં નાઈલ નદીએ માર્ગ કરી આપ્યો હતો. નવાઈની વાત એ બની રહી કે ‘દરિયા’માંથી સમુદ્ર તો બન્યો, પણ તે સમુદ્રને નામ પણ અપાઈ ગયું. મુસા અને તેમના અનુયાયીઓની પાછળ ફિરઔનનું લશ્કર આવતું હતું, ત્યારે મુસા પયગંબરે નાઈલના કિનારે આવીને પોતાની અસા (લાકડી, દંડ, છડી) ઊંચી કરી, ત્યારે નાઈલે માર્ગ કરી આપ્યો. બધા સહીસલામત નદીના બીજા કિનારે પહોંચ્યા પછી તેમણે ફરી અસા ઊંચી કરી અને પાણી ભેગું થઈ ગયું, જેમાં ફિરઔનનું લશ્કર ડૂબી ગયું. Ten Commandments ફિલ્મમાં આ દૃશ્ય જોવા મળે છે.

‘શેર’ના અર્થ ફારસીમાં શબ્દકોશ પ્રમાણે સિંહ અને વાઘ એમ બંને બતાવાયા છે. વળી ફારસીમાં જ સિંહ માટે શેર-બબર સામાસિક શબ્દ પણ છે. ગુજરાતી, હિંદી, ઉર્દૂ વગેરે શબ્દકોશમાં શેરનો અર્થ વાઘ પણ છે. મુસ્લિમોના ઈમામ કે ખલિફા હજરત અલીને શેર-એ-ખુદા કહેવામાં આવે છે, ત્યાં પણ વાઘ કે બાઘ સમજવામાં આવે છે. આમ મજાકમાં કહી શકાય કે જંગલના રાજા તરીકેનો હક વાઘનો પણ બને છે! પરંતુ રાજ્યાભિષેક તો આપણે કરીએ છીએ, એ બેઉને તો ખબર પણ નહિ હોય! કોઈને ગમે તે કહી દેવાથી કોઈ ફરક પડતો નથી. અબ્રાહમ લિંકન ( Abraham Lincoln)નું ચાતુર્યપૂર્ણ અને રમુજી એક અવતરણ છે ‘કૂતરાને કેટલા પગ હોય, જો આપણે તેની પૂંછડીને પગ ગણીએ તો? ચાર જ! પૂંછડીને પગ ગણી લેવાથી પૂંછડી પગ બની જાય નહિ!’ ગંભીરતાપૂર્વક કહું તો ભાષાના ઘડવૈયા જે તે ભાષાના ભાષીઓ જ હોય છે. ઘણીવાર કોઈ શબ્દને સામેવાળાએ બરાબર સાંભળ્યો ન હોય અને મનઘડત એ શબ્દ વહેતો થઈ જાય અને છેવટે રૂઢ બની જતાં ચલણી બની જાય છે. વિદ્વાનોના મતે કોઈ ભાષા શુદ્ધ કે અશુદ્ધ હોઈ શકે નહિ. બે જણને સમજાય તે તેમના માટે ભાષા જ છે. ઈશારા કે સંકેત પણ ભાષા જ છે. મારા અંગત મતે તો અશુદ્ધ શબ્દ વધારે વૈજ્ઞાનિક છે. તમે ‘ક્યાં’ને ‘ચ્યાં’ બોલો તો, પાછળવાળો શબ્દ બોલવામાં સરળ પડે છે. ‘ક’ કંઠ્ય વ્યંજન છે, ‘ચ’ તાલવ્ય છે.

(૩) હરીશભાઈ દવે :

કથરોટ (સ્ત્રીલિંગ) : – આનો અર્થ છે, લાકડામાંથી બનેલું થાળી જેવું પાત્ર, જે રોટલી માટેનો લોટ બાંધવા માટે વપરાય છે. હાલમાં ધાતુમાંથી બનેલા આવા પાત્રને પણ કથરોટ કહેવામાં આવે છે. થાળી અને કથરોટમાં ફરક એટલો કે તેમાં કિનારીઓ નાનીમોટી હોય છે. કથરોટમાં લોટ બાંધવાથી લોટ બહાર વેરાય નહિ. આ શબ્દમાં ‘કથ’ કાષ્ટ(સં) ઉપરથી આ પ્રમાણે રૂપાંતર પામ્યો લાગે છે. કાષ્ટ > કાટ્ઠ > કાત્થ > કથ્થ > કથ. હવે પાછળનો શબ્દ પાત્ર સૂચવે છે, જે માટે સંસ્કૃતમાં (કદાચ) વાટી અને મરાઠીમાં (નિશ્ચિતપણે) વાટી શબ્દ છે, જેનો અર્થ ‘વાટકી-વાડકી’ થાય છે. આમ કથરોટ એ મોટું પાત્ર છે. આમ કાષ્ટ અને વટીના ફેરફાર સાથેના સંયોજનથી કથરોટ શબ્દ બન્યો હોવો જોઈએ. કંકાવટી = કંકુ રાખવાનું પાત્ર શબ્દથી પણ ‘વટી’નો અર્થ પાત્ર સમજાય છે. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે : કૂંડું ક્થરોટને નેણે (નીંદે). આનો અર્થ સમજવા પહેલાં વાચ્યાર્થમાં સમજીએ તો કૂંડું ઊંડું હોય છે, જ્યારે કથરોટ છીછરી હોય છે. આમ ઊંડાઈ ઉપર ગર્વ લેતા એ કૂંડાને ખબર નથી કે પોતે માટીમાંથી બનેલું છે, જ્યારે કથરોટ લાકડા કે ધાતુમાંથી બનેલી છે. આમ અહીં અર્થ થાય છે, કોઈ હલકો માણસ ઉમદા માણસની ટીકા કરે. ગુજરાતી લેક્સિકનમાં આ રૂઢિપ્રયોગ ‘કથરોટ કૂંડાને હસે’ એમ છે અને તેનો અર્થ ‘મોટો દોષી નાનાને નિંદે’ આપ્યો છે; પણ સ્પષ્ટતા આપી નથી, તેમ છતાંય અર્થ ઉપરથી સમજી લેવાય.

નઘરોળ : – આ શબ્દ તળપદો લાગે છે. અલ્પાંશે ‘ઓળઘોળ’નો વિરોધી શબ્દ લાગે છે, જેનો અર્થ ‘ઓવારી જવું’ કે ‘વારી જવું’ છે. જો કે બંનેના પદપ્રકાર ભિન્ન છે, માત્ર ઉચ્ચારસામ્ય જ વર્તાય છે. ‘નઘરોળ’નો સીધો અર્થ ગુ.લે.માં મળ્યો નહિ, પણ આડીઅવળી મથામણ કરતાં તેના આ અર્થો મળ્યા : (૧) માત્ર શરીર વધારી જાણેલું. (૨) ચિંતા કે કાળજી વિનાનું, બેદરકાર. (૩) ડહાપણ વિનાનું, ગમ વિનાનું. (૪) આળસુ, એદી. (૫) માનની અપેક્ષા વિનાનું

-વલીભાઈ મુસા

ઋણસ્વીકાર :

(૧) કરીમભાઈ વી. હાડા
(૨) લાડકીબાઈ મુસા (મારું વધુ સારું અડધિયું! – Better Half) – ખાસ ‘કથરોટ’ અને ‘કંકાવટી’ માટેની પૂરક મદદ માટે
(૨) ગુ.લે., ગૂગલ, શબ્દકોશો, સંદર્ભ સાહિત્ય વગેરે

 
 

Tags: , , ,

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

Click here to read in English

આપણા જીવનના કોઈપણ ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવા માટે કે ઉદ્દેશો સિદ્ધ કરવા માટે દૃઢ નિશ્ચયનું આગવું મહત્ત્વ છે. આજનો દૃઢ નિશ્ચય એ આવતી કાલની સફળતા છે. ટોમી લાસોર્ડા (Tommy Lasorda) કહે છે, ‘શક્ય અને અશક્ય વચ્ચેનો તફાવત માણસના દૃઢ નિશ્ચયમાં રહેલો છે.’ આ બધાં દૃઢ નિશ્ચયમાંથી નિપજતાં હકારાત્મક ભવિષ્ય કથનો છે. કોઈપણ માણસ માટે આવું આવું  હજુય વધારે કહેવું આસાન છે. માત્ર એમ કહેવું એ એક બાબત છે અને તેને અમલમાં મૂકવું એ જુદી બાબત છે. તમને જીવનમાં આગળ ને આગળ વધવામાં દૃઢ નિશ્ચયનું ચાલક બળ કે તેની શક્તિ તમને સક્રિય બનાવે છે. ઘણીવાર માણસને પોતાના સંઘર્ષ દરમિયાન ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેથી ઘણીવાર તે નાસીપાસ કે હતાશ થઈ જતો હોય છે. પરંતુ આવા સમયે તમારી દૃઢ નિશ્ચયની શક્તિ એ અવરોધને દૂર કરવા માટેની મદદ કરવા માટે આગળ આવતી હોય છે.

અત્રે હું મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન કે ઘણા એવા મહાન માણસોની વાત કરવા નથી માગતો. એ લોકો તો માનવજાતની ભલાઈ માટેનાં જે સ્વપ્નાં સેવ્યાં હતાં તેમને પોતાના દૃઢ નિશ્ચયના બળે સિદ્ધ કરી શક્યા. સુજ્ઞ વાચકો વિશ્વભરમાં તેમના વિષે લખાયેલાં અઢળક પુસ્તકોમાંથી તેમના વિષેની માહિતી મેળવી શકે છે.

પરંતુ આજનો મારો લેખ તો એક વિદ્યાર્થી વિષેનો છે. અલબત્ત તેણે જે કંઈ સિદ્ધિ મેળવી બતાવી તે પોતાની જ કારકીર્દિ બનાવવા અને તે કારકીર્દિથી જે કંઈ લાભ કે ફાયદા થશે તે માત્ર પોતાના કુટુંબ માટેના જ હોઈ શકે, પણ તેમાંથી મળવા પામનારો બોધપાઠ એ વિશ્વભરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. એક અંગ્રેજી કાવ્યમાં કહેવાયું પણ છે કે પ્રતિકૂળતાઓને પણ તકમાં પરિવર્તિત કરી શકાય છે. આ લેખના નાયકે એ સિદ્ધ કરી બતાવ્યું કે કેવી રીતે કોઈ અશક્ય વસ્તુને દૃઢ નિશ્ચયની તાકાત વડે શક્યમાં બદલી શકાય છે.

હું આ લેખના નાયકને ઓળખાવું તે પહેલાં મારા વાચકોને મારા અગાઉના લેખ ‘એક સજ્જનનું મૃત્યુ’ની યાદ અપાવીશ. અહીં જેની વાત કરવામાં આવનાર છે તે એ જ સજ્જનના પુત્ર અશરફ જ છે. તેની સફળતાની ગાથા વર્ણવવાનો હેતુ માત્ર એ નથી કે તેનાં ગુણગાન ગવાય, પરંતુ એથીય વિશેષ તો એ છે કે વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ કે જે પોતાના માધ્યમિક શિક્ષણમાં બહુ જ ખરાબ પરિણામ આવ્યું હોવાના કારણે કોલેજ શિક્ષણ મેળવવાનું મુલતવી રાખ્યું હોય તેમને પ્રેરણા મળી રહે.

પ્રથમ તો હું અહીં બરાબર બંધ બેસતું હેન્ડરસન (Henderson)નું એક રમૂજી અવતરણ મૂકીશ, જે આ પ્રમાણે છે : પિતાઓ પોતાનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે એટલા માટે મોકલતા હોય છે કે કાંતો તેમણે કોલેજ શિક્ષણ લીધું હોય છે અથવા તો તેઓ કદીય કોલેજનાં પગથિયાં ચઢ્યા નથી હોતા. આપણા આ કિસ્સામાં અશરફના પિતા શ્રીમાન અહમદભાઈ પલાસરા કોલેજમાં ભણવા નહોતા ગયા, કેમ કે તેમને પોતાના માધ્યમિક શિક્ષણ પછી તરત જ એમના કૌટુંબિક ધંધામાં તેમની જરૂરિયાત હોવાના કારણે જોડાવું પડ્યું હતું. તેઓ ભલે કોલેજ શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ એ મતના તો જરૂર હતા કે તેમની ભવિષ્યની પેઢીએ યુનિવર્સિટી શિક્ષણ અવશ્ય મેળવવું જ જોઈએ.

palasara_ashraf.jpgહવે આપણે મિ. અશરફની વાત ઉપર આવીએ. ગામડાંઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું જ્યારે જવલ્લે જ જોવા મળતું હતું, ત્યારે અશરફને તેના વતનની નજીકની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરમાં અને સમાજમાં ઉપકારક થઈ પડે તેવું વતાવરણ ન હોઈ એ દિવસોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું ઘણું મુશ્કેલ લાગતું હતું, કેમ કે મોટા ભાગનાં લોકો માત્ર ગુજરાતી માધ્યમમાં ભણેલાં હોઈ આવા અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં માર્ગદર્શન અને વાતાવરણ  મળી શકતું હતું. શરૂઆતથી જ ભાષાકીય અવરોધના કારણે તેને અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં પાયાની સમજ મેળવવામાં ખૂબ જ મથામણ કરવી પડતી હતી. સમય પસાર થતાં ભણવામાં સારો દેખાવ કરવાના બદલે તેની આ પ્રકારની મુશ્કેલીઓ ઘટવાના બદલે ઉત્તરોત્તર વધતી જ ગઈ. આમ તે ઘણીજ મુશ્કેલીથી તેના વિષયોમાં માંડ ઉત્તીર્ણ થઈ શકતો હતો. જ્યારે તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ધંધાકીય સંજોગોના કારણે તેના કુટુંબને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે અભ્યાસમાં સારો દેખાવ કરવા માટે તેણે ગુજરાતી માધ્યમ અપનાવવું જોઈએ. પરંતુ તેના મરહૂમ પિતાએ તેને અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા ખૂબ સમજાવ્યો. અશરફ કહે છે, ‘શરૂઆતમાં અમદાવાદમાં ધોરણ ચોથામાં અચકાતાં અચકાતાં અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા માટે મેં નક્કી કર્યું, ત્યારે તે મને ખૂબ જ અઘરું લાગવા માંડ્યું અને એ જ માધ્યમમાં ચાલુ રહેવાના મારા મૂર્ખાઈભર્યા નિર્ણય બદલ હું પસ્તાતો હતો. પરંતુ મારા પિતાએ મને એમ કહીને પ્રોત્સાહિત કર્યો હતો કે એ લોકોએ મને અંગ્રેજી માધ્યમમાં એટલા માટે મૂક્યો છે કે જેથી હું અંગ્રેજી વિષય ઉપર સારું પ્રભુત્વ મેળવી શકું અને આગળ જતાં અમારા ધંધામાં મદદરૂપ થવા માટેનો હેતુ સિદ્ધ થઈ શકે. વધુમાં તેમણે કહ્યું હતું કે મારે અન્ય વિષયોમાં વધુ ગુણ મેળવવાની જરાય ચિંતા કરવાની નથી. પાછળથી મેં જાણી લીધું હતું કે તેમણે મને સાવ સાદી સલાહ એટલા માટે આપી હતી કે હું ગમે તે રીતે અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવાના મારા નિર્ણયને વળગી રહું.”

મિ. અશરફે તેની એસ.એસ.સી. (૧૯૯૪) પરીક્ષા સાવ ઓછા એવા ૫૫% ગુણથી પસાર કરી. વળી એમાંય પણ તેનું માનવું હતું કે તેની ઓછી તૈયારી અને અત્યાર સુધીની લેવાયેલી પરીક્ષઓમાંના નબળા દેખાવને જોતાં આ એક કરિશ્મો જ હતો કે જે થકી તેણે એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેને આ તબક્કે એવું લાગ્યું કે હવે પોતાની જિંદગીમાં આગળ ઉપર શું કરવું તેના ઉપર ગંભીર વિચારણા કરવા માટેનો સમય આવી ગયો હતો. હવે તો તેની પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો ભણવાનું જ છોડી દઈને  કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે પછી પોતાના મન  અને આત્માથી ગંભીર બનીને આગળ ભણવું અને અભ્યાસમાં સારો દેખાવ કરી બતાવવો. તેણે આગળ ભણવાનું પસંદ કર્યું અને ઉચ્ચતર માધ્યમિકમાં વાણિજ્ય પ્રવાહને પસંદગી આપીને પોતાનો નોંધપાત્ર દેખાવ બતાવ્યો અને આમ ૭૫% ગુણ સાથે હાયર એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે વળી ફરી પાછા એ નક્કી કરવાનું હતું કે  તેણે કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે આગળ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવું. આ તેના જીવનનો ખૂબ જ અગત્યનો વળાંક હતો. તેને કુટુંબના સભ્યો અને મિત્રો તરફથી કોલેજમાં ભણવા જવા માટેનું પ્રોત્સાહન મળ્યું. છેવટે તેણે આગળ ભણવાનું નક્કી કરી જ લીધું અને તે પણ માત્ર કોમર્સ ફેકલ્ટીનું ગ્રેજ્યુએશન  જ નહિ, પણ તેથીય કંઈક વિશેષ અગત્યનું ભણવું. તેણે વિચાર્યું કે કોમર્સમાંનું માત્ર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ તો એવું બનીને રહી જશે કે ચીલાચાલુ ભણેલા એવા કમનસીબ મોટા સમુદાય ભેગા પોતાની જાતને પણ ભેળવી દેવી કે જેઓ નોકરી કે એવું કંઈક કરવા માટે આમથી તેમ ભટકતા હોય છે અને ભણવામાં કરેલી મહેનતના બદલામાં કશું જ પ્રાપ્ત કરી શકતા નથી હોતા. મારા વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એડવાન્સ કોર્સમાં જોડાવાનું નક્કી કરી જ લીધું. આમ જોઈએ તો તેનો આ નિર્ણય સાંકડા અને નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવા જેવો હતો અને છતાંય તેણે એમાં જ ભણવા માટેનો પોતાનો દૃઢ નિશ્ચય કરી જ લીધો હતો.

અહીં પોતાના આ કઠોર નિર્ણયના પક્ષમાં તેનો હકારાત્મક મુદ્દો એ હતો કે તેનું હવે અંગ્રેજી ભાષા ઉપર નોંધપાત્ર પ્રભુત્વ હતું. તેને ચોક્કસ ખાત્રી હતી કે પોતાના સંઘર્ષના શસ્ત્ર વડે તે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. અને લ્યો ! તેણે પોતાની સી.એ.ની પરીક્ષા પ્રથમ જ પ્રયત્ને સમગ્ર ભારતમાં ૩૩મા ક્રમાંકે નવેમ્બર – ૨૦૦૦માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે ઉત્તીર્ણ કરી લીધી. આ ખાસ પ્રકારની સ્પેશ્યલાઈઝ્ડ પ્રોફેશનલ ડિગ્રી હતી અને હવે તેના માટે ગેજ્યુએશનની એવી કોઈ ડિગ્રી મેળવવી જરૂરી ન હતી. આમ છતાંય તેણે સી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પહેલાં ૧૯૯૯માં જ ૭૦% ગુણે બી. કોમ. પરીક્ષા ઉત્તીર્ણ કરી દીધી હતી. વળી તેને લાગ્યું કે આ ડિગ્રી પર્યાપ્ત નથી અને તેણે ૨૦૦૧માં એલ.એલ.બી. (જનરલ) ડિગ્રી પણ મેળવી લીધી. હવે તેની પાસે સ્પેશ્યલાઈઝ્ડ સી.એ.ની ડિગ્રી સાથે ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ પણ હતી.

આપણા આ લેખના નાયક મહાશય પોતાની સી.એ. (ઈન્ડિયા)ની ડિગ્રીથી સંતુષ્ટ ન હતા, કેમ કે તેઓ પરદેશમાં પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. આ માટે તેણે ૨૦૦૩માં સી.પી.એ. (યુ.એસ.એ.)ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયત્ને તેમાં પણ સફળતા મેળવી લીધી. હવે તે ડબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  અને ડબલ ગ્રેજ્યુએટ હતો. હજુ પણ એ જ ક્ષેત્રની ત્રીજી ડિગ્રી મેળવવાનું તેનું લક્ષ હતું અને તે ડિગ્રી હતી યુ.કે.ની એ.સી.સી.એ., જે એણે ૨૦૦૪માં મેળવી લીધી. હાલમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઓસ્ટ્રેલીઆની ચોથી ડિગ્રી મેળવી લેવાના ફિરાકમાં છે, કેમ કે તેણે હવે ઓસ્ટ્રેલીઆમાં જ સ્થિર થવાનું વિચારી લીધું છે. તેને ખાત્રી છે કે એ પણ થઈને જ રહેશે. આ બધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રીઓ ભેગી કરવાનો તેનો સીધો સાદો તર્ક એ છે કે તે દુનિયાના કોઈપણ ભાગમાં પોતની કારકીર્દિને પ્રસ્થાપિત કરી શકે તેવી ક્ષમતા કેળવાય. વળી ભવિષ્યે અનુકૂળતાએ તે  પોતાના જીવનની કદાચ આખરી એવી ઇન્ડિયાનીની એમ.કોમ.ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરવાની નેમ ધરાવે છે.

હવે આપણે તેણે આ સમયગાળામાં અનેક વૈશ્વિક કંપનીઓમાં પોતાની પ્રોફેશનલ કારકીર્દિ બનાવી છે તેના ઉપર દૃષ્ટિપાત કરીશું.

– ભારતમાં ઓગસ્ટ ૧૯૯૭થી એપ્રિલ ૨૦૦૨ સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફર્મ્સ જેવી કે તૃષિત ચોકસી એન્ડ એસોસિયેટ્સ, યુસુફ સી, મનસુરી એન્ડ કંપની અને મનુભાઈ એન્ડ કંપની.

– કે.પી.એમ.જી. મસ્કત (ઓમાન) કે જે ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં જુન, ૨૦૦૨થી જુલાઈ, ૨૦૦૫ સુધી કામ કર્યું.

– પ્રાઈસ વોટર હાઉસ કૂપર્સ (PwC)  કે જે પણ ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં ઓગસ્ટ-૨૦૦૫થી એપ્રિલ-૨૦૦૬ સુધી કામ કર્યું.

– હાલમાં ડેલોઈટ સિડની (ઓસ્ટ્રેલીઆ) ઓફિસમાં મે ૨૦૦૬થી કામ કરે છે.

અશરફ હાલમાં નીચેનાં પ્રોફેશનલ બોડીઝ/ચેપ્ટરમાં  સભ્યપદ ધરાવે છે.

– ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI – India)
– સિડની ચેપ્ટર ઓફ આઈ.સી.એ.આઈ., સિડની – ઓસ્ટ્રેલીઆ
– કોલોરાડો સ્ટેટ બોર્ડ ઓફ એકાઉન્ટન્સી (licensed CPA) – Co. USA
– એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ  એકાઉન્ટન્ટ્સ (ACCA) – United Kingdom

આટલું જ પૂરતું નથી. તેનું ધ્યાન પોતાની પત્ની રૂબિનાની કારકીર્દિ પરત્વે પણ કેન્દ્રિત છે. તેણી એમ.કોમ. છે અને પોતાના માર્ગ A.C.C.A. (U.K.). ઉપર પ્રયાણ કરી રહી છે. તેણી હાલમાં જ એ પરીક્ષાનાં કુલ ૧૪ પેપર્સમાંથી છેલ્લાં ચાર પેપર્સની પરીક્ષા આપી રહી છે. તેની A.C.C.Aની ડિગ્રી મેળવવા આ ચાર પેપર્સ એક સાથે પાસ કરવાં ફરજિયાત છે.

અહીં આપણે અશરફની સત્ય ઘટનાત્મક કથાને પૂર્ણ કરીએ  છીએ. અશરફ જેવી પરિસ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓ તેમના દૃઢ નિશ્ચય વડે કરેલા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી શકે છે. પોતાના ધ્યેય તરફ આગળ ધપવા માગતા કોઈપણ ઈસમ માટે દૃઢ નિશ્ચયની તાકાત એક ચૂંબકનું કામ કરતી હોય છે કે જેથી તેમાં તે રચ્યોપચ્યો રહીને સિદ્ધિ મેળવી શકે. થોમ્સ આલ્વા એડિસને કહ્યું છે કે ‘કેટલાક જીવનમાં નિષ્ફળ જનારા એવા લોકો હોય છે કે જેમને ખબર નથી હોતી કે તેઓ સફળતાના  કેટલા નજીક છે અને તેઓ પોતાની પ્રવૃત્તિ છોડી દેતા હોય છે. મારા પ્રિય મહાનુભાવ  મિ. ચર્ચિલ પણ કહે છે કે ‘નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળતી હોવા છતાં હતાશ થયા વગર મથામણ ચાલુ રાખવામાં જ સફળતા સમાયેલી છે.’

ઉપરોક્ત લેખ માત્ર વિદ્યાર્થીઓને જ લાગુ પડતો નથી. તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા તમામ પ્રકારના લોકોને એટલો જ લાગુ પડે છે. થિયોડોર રૂઝવેલ્ટ આ અંગેની એક સામાન્ય રીત સમજાવે છે કે, ‘તમારી પાસે જે કંઈ હોય અને તમે જ્યાં પણ હો ત્યાં તમે જે કંઈ કરી શકતા હો તે અવશ્ય કરતા રહો.’

મારા ભલા વાચકો, અહીં મારો લેખ પૂર્ણ થાય છે.

-વલીભાઈ મુસા

(તા.૧૭-૦૭-૨૦૦૭)

તા.ક. મારા વાચકોને એક આશ્ચર્યજનક સમાચાર આપું તો આ લેખ પ્રસિદ્ધ થયા પછી મિ. અશરફે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની C.A. (Australia)ની ચોથી  ડિગ્રી પણ ઉત્તીર્ણ કરી લીધી છે. હવે તેમની લાયકાત આમ વાંચી શકાશે, ” B.Com., LL.B., C.A.(India), C.P.A.(U.S.A.), A.C.C.A.(U.K.), C.A.(Australia). અભિનંદન (લેખક)

(તા.૦૮-૦૮-૨૦૦૭)

(Translated from English version titled as “Power of Determination“ published on July 17, 2007)

 

 

 

Tags: , , , , , ,

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

Click here to read in English

હાલમાં સમગ્ર વિશ્વના લોકોનાં બંધિયાર માનસોની બારીઓને વૈશ્વિકરણના ખ્યાલે ખોલી દીધી છે. સંખ્યાબંધ લોકો પોતાની માતૃભૂમિમાંથી સુખી કૌટુંબિક જીવન જીવવા માટે વધુ અર્થોપાર્જન કરવાના હેતુસર વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. કેટલાક વળી પોતાના વસવાટના સ્થળેથી વિદેશોમાં એટલા માટે કાયમી ધોરણે સ્થાયી થઈ રહ્યા છે કે જેથી પોતાના વર્તમાનકાલીન જીવનમાં માત્ર બદલાવ લાવવાનો પોતાનો શોખ સંતોષાય. આમ દેશાંતર આર્થિક કારણસર હોય કે શોખ ખાતર હોય, પણ તે બધીય રીતે જોતાં એક શુભ વાત છે.

પણ … હું મારું ‘પણ’ મારા વાચકોને નિરુત્સાહી કરવા માટે નથી પ્રયોજી રહ્યો. હું આપ સૌને અગાઉથી માનસિક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરું છું કે સૌ કોઈ દેશાંતર કરવા માટે હંમેશાં તૈયાર રહે, કેમ કે ઈશ્વર એવું ન કરે, પણ એવું દેશાંતર કે જે ભવિષ્યે સૌ કોઈને કરવાની ફરજ પડે.

દુનિયાના દેશો કોઈપણ શાસન પદ્ધતિ જેવી કે લોકશાહી, રાજાશાહી કે સરમુખત્યારશાહી હેઠળ હોય, પરંતુ તેઓ ગમે ત્યારે ક્રાંતિકારી કે રાજકીય કટોકટીમાં આવી શકે છે. તેઓ એવી કટોકટીપૂર્ણ કે અવાંછિત અને દુ:ખદ એવી ખોટી માન્યતાઓ ધરાવવાની પરિસ્થિતિમાં આવી શકે છે, કે જ્યાં અન્યો પરત્વે અસહિષ્ણુતા હોય, રૂઢિગત ધિક્કારની લાગણી હોય, વંશીય હુમલાઓ થતા હોય, નિર્દોષોની સરેઆમ કત્લેઆમ થતી હોય, કહેવાતી જાતિવાદી સફાયાની અરેરાટીપૂર્ણ હિંસાત્મક ઘટનાઓ ઘટતી હોય અથવા તો અન્ય કોઈપણ પ્રકારના ત્રાસ અને જુલ્મ આચરવામાં આવતા હોય. કોઈપણ સમયે આવી માનવસર્જિત આફતો કાં તો શાસક પક્ષ તરફથી પ્રેરિત હોય અથવા શાસિત પ્રજામાંથી ક્રાંતિ કે પરિવર્તનના નામ હેઠળ ઉદ્ભવતી હોય. આપણે લોકો હંમેશાં એવી ખતરનાક પરિસ્થિતિમાં જીવતા હોઈએ છીએ જેમ કે મધુર ગીત ગાતા કોઈ પંખીએ પોતાનાં ઈંડાંને સેવવા માટે તોપના નાળચામાં માળો બાંધ્યો હોય! આજકાલ અચાનક પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે અને સરળ રીતે પસાર થઈ રહેલી માનવ જિંદગી એકદમ હાનિગ્રસ્ત થઈ જતી હોય છે.

જો કે ઈશ્વર આપણને બચાવે, પરંતુ આવા સંજોગો માટે આપણે પોતાની જિંદગી, પ્રતિષ્ઠા અને સન્માન બચાવવા માટે દેશાંતર કરવા માટેનો કઠોર નિર્ણય લેવા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. માણસે ભાગ્યે ફેંકેલા પડકારને ઝીલી લેવા માટે તત્પરતા દાખવવી જોઈએ અને ‘જે થવાનું હોય તે ભલે થાય’ એવી તૈયારી સાથે હિંમતવાન અને સાબદા બની રહેવું પડે.

અહીં હું એક મારા ભલા મિત્ર મિ. જાફરઅલી સુણસરા (જેફ)ની ઓળખાણ આપીશ. તેઓ યુગાન્ડા (આફ્રિકા)માં જન્મ્યા હતા. તેમણે માત્ર પ્રાથમિક શિક્ષણ ભારતમાં લીધું હતું અને અમેરિકામાં સ્થાયી થયા હતા. અમે મિત્રો છીએ, પણ તેથીય વધારે કહું તો છેક ૧૯૫૯થી અમે એકબીજાના ભાઈ સમાન છીએ. મિ. જાફરભાઈના જીવનની ૨૨ વર્ષની કષ્ટભરી જીવનયાત્રાની કહાની આ લેખની મારી પ્રસ્તાવના પછી તરત જ શરૂ થશે, જેમાંની તેમની ધીરજ, તેમનો સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વના ઘણા બધા ગુણોનું મૂલ્યાંકન તમે આપમેળે જ કરી શકશો.

“ધી મોર્નિંગ કોલ” ન્યૂઝ પેપરમાં તા.૦૬ નવેમ્બર, ૧૯૯૪ના રોજ તેના પત્રકાર બોબ વિટમન દ્વારા લખાયેલો નીચે દર્શાવેલા શીર્ષક હેઠળનો લેખ પ્રસિદ્ધ થયો હતો. આ લેખને અહીં એ હેતુસર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે કે જેથી મારા સુજ્ઞ વાચકો તેમાંના સંદર્ભ અને માહિતીને તારવી શકે અને પોતાના જીવનની ગમે તેવી વિષમ પરિસ્થિતિ સામે એક ખડકની જેમ ટટ્ટાર ઊભા રહીને તેનો મુકાબલો કરવા માટેની પ્રેરણા મેળવી શકે.

મારા ભલા વાચકો, હવે આગળ વાંચો અને ખૂબ જ નમ્ર અને અસાધારણ સામર્થ્ય ધરાવતા એવા પ્રખર માનવની બે દસકાઓ કરતાં પણ વધારે સમયની સંઘર્ષ ગાથાના સાક્ષી બનો :

નાગરિકતા વિહોણા એક યુગાન્ડનની ૨૨ વર્ષની કષ્ટદાયક જીવનયાત્રાનો અંત આવશે
(“Stateless” Ugandan’s 22 – year Odyssey will end)

“આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાંના આ જ મહિને મિ. જાફરઅલી સુણસરા યુગાન્ડાના કમ્પાલા એરપોર્ટ ઉપર હજારેક લોકોની લાઈનમાં ઊભેલા હતા. જ્યારે લાઈનમાં તેમનો વારો આવ્યો, ત્યારે પોતાના યુનિફોર્મમાં કડક મિજાજના લાગતા એ ઓફિસરે સુણસરાના યુગાન્ડન જન્મ પ્રમાણપત્રને હાથમાં લીધું અને અને તેના ઉપર એક સિક્કો મારી દીધો. ભૂંસી ન શકાય તેવી જાંબુડિયા રંગની એ શાહી જ્યારે સુકાઈ ત્યારે એ દિવસે જાણે કે શુષ્ક હોય એવા આફ્રિકન સૂર્યના પ્રકાશમાં મિ. સુણસરાએ એક જ શબ્દ વાંચ્યો કે જેને મિટાવવા તેમને બે દસકા જેટલો સમય લાગ્યો. એ શબ્દ હતો “નાગરિકતાવિહીન (Stateless)”.

તે જ દિવસે સુણસરાની ત્રણ ખંડોની કષ્ટભરી જીવનયાત્રા શરૂ થઈ જે છેવટે સાચે જ જૂના લેહ કાઉન્ટી કોર્ટહાઉસના કોર્ટરૂમમાં ગુરૂવારે એ વખતે સમાપ્ત થશે, જ્યારે ૬૧ વર્ષના વયોવૃદ્ધ એવા આ ઈસમ પોતાનો હાથ ઊંચો કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પરત્વેની વફાદારીના શપથ લેશે અને યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે. લેહ કાઉન્ટીના નાગરિકત્વ ડિપાર્ટમેન્ટના ક્લાર્ક મિ. બર્નાડેટ કારવેલના મત મુજબ એ દિવસે સાંજે ૪-૦૦ કલાકે ઓછામાં ઓછા બીજા ૪૮ જણ ખાસ નાગરિકત્વ સમારોહમાં યુનાઈટેડ સ્ટેટ્સના નાગરિક બનશે.

મિ. સુણસરાએ અગાઉ એવું કદીય ધાર્યું નહિ હોય કે તેઓ તેમના જીવનમાં એક દિવસે અમેરિકાના પેન સિલ્વેનિયા રાજ્યના એલન ટાઉન નામના શહેરમાં કાયમી વસવાટ કરશે. મિ. સુણસરા સુખી એવા વ્યાપારી કબીલા અને વિષુવૃત્તીય યુગાન્ડા દેશના વેપારી કુટુંબમાં જન્મ્યા હતા. જ્યારે પૂર્વ આફ્રિકા બ્રિટીશ કોલોની તરીકે હતું, ત્યારે તેમના દાદા ભારતથી યુગાન્ડામાં આવી વસ્યા હતા. બ્રિટીશ સરકાર ગ્રેટ બ્રિટનના તાબા હેઠળના આ દેશમાં ભારતીયો વસવાટ કરીને સરકારને મદદરૂપ થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરતી હતી. લગભગ દસ હજાર જેટલા ભારતીયો યુગાન્ડાની સરકારી નોકરીઓમાં અને તેના વેપારધંધામાં જોડાયા હતા.

પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિ. સુણસરા ૧૯૫૭માં યુગાન્ડાના લિરા ખાતે ‘નોર્થન પ્રોવિન્સ બસ કંપની’માં જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ટિકિટ એક્ઝામિનર, મિકેનિક તથા ટ્રાફિક મેનેજર તરીકે સેવાઓ આપી અને ૧૯૬૫માં કંપનીના સ્ટોક હોલ્ડર અને ડાયરેક્ટર બન્યા.

ઈ.સ.૧૯૬૦માં મિ. સુણસરાએ મદ્રાસ (ભારત)ની એક છોકરી સાથે લગ્ન કર્યાં અને તેમના દાંપત્યકાળમાં તેઓ ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માવતર બન્યાં. સુણસરાને ચાર બેડરૂમનું સરસ મજાનું ઘર હતું, ત્રણ કાર હતી અને રજાઓ દરમિયાન તેઓ નિયમિત રીતે આલ્બર્ટ સરોવર ખાતે ફિશીંગ કરવા જતા. આમ તેઓ સઘળી રીતે સફળ અને સુખી હતા.

પરંતુ ૧૯૭૧માં લશ્કરના ફિલ્ડ માર્શલ ઈદી અમીને સરકારનો કબજો લઈ લીધો અને દેશ અંધાધૂધીમાં ઘેરાઈ ગયો. લશ્કર ગામડાંઓ ઉપર ગેરિલા પદ્ધતિએ ત્રાટકતું અને પોલિસ પણ નાગરિકો ઉપર કેર વર્તાવતી. પોતાના કુટુંબની સલામતી માટે દેશમાં શાંતિ ન સ્થપાય ત્યાં સુધીના સમયગાળા માટે સુણસરાએ પત્ની અને બાળકોને પત્નીના પિયર મદ્રાસ (ભારત) ખાતે મોકલી દીધાં. એ વખતે એમને જરા પણ ખબર ન હતી કે તેઓ પોતાનાં કુટુંબીજનોને આવનારાં ૧૬ વર્ષો સુધી નહિ મળી શકે.

મિ. જેફે સલામતી ખાતર કુટુંબને ભારત મોકલી દીધું એ તેમનું દૂરંદેશીપણું હતું, કારણ કે અમીન ક્રમે ક્રમે લઘુમતી ભારતીઓ ઉપર સખ્તાઈ વધારતો જતો હતો. એક વખતે તો મિ. સુણસરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પૂછપરછ માટે ત્રણ દિવસ સુધી લશ્કરી કેમ્પમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. વળી એ જ વખતે બસ કંપનીના ચિફ એક્ઝ્યુકેટિવ ઓફિસરને પણ પકડી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી તેમનો કોઈ પત્તો-પગેરુ મળ્યાં ન હતાં. જો કે મિ. સુણસરાને ઈજા પહોંચાડ્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પણ તેમનું હવે પછીનું જીવન પહેલાં જેવું રહ્યું ન હતું. તેઓ કદીય પોતાની ઓફિસે પાછા ફરી શક્યા નહિ અને કંપની વિખેરાઈ ગઈ હતી. તેઓ કેટલાક મિત્રો અને સંબંધીઓના ત્યાં લપાતા-છુપાતા રહ્યા. દુ:ખદ બીના તો એ રહી કે તેઓ એક જ સ્થળે બે રાત્રિથી વધારે રહી શક્યા ન હતા.

પછી તો, ઓગસ્ટ ૧૯૭૨માં અમીને જાહેરનામું બહાર પાડી દીધું કે યુગાન્ડામાં વસતા ભારતીયોએ દેશને છોડી જ દેવો પડશે. યુનાઈટેડ નેશન્સે લોકોને દેશમાંથી સહીસલામત બહાર લઈ જવા માટેનો કાર્યક્રમ ઉતાવળમાં ઘડી કાઢ્યો. મિ. સુણસરા અને તેમનું બહોળું કુટુંબ અને લઘુમતીઓમાંના બીજા ૪૫૦૦૦ જેટલા માણસોને યુરોપના જુદાજુદા સ્થળોના આશ્રય કેમ્પોમાં હવાઈ માર્ગે ખસેડી દેવામાં આવ્યા. તેઓને કોઈ રોકડ નાણાં કે ચીજવસ્તુ પણ લેવા દેવામાં ન આવી. વળી આવા દરેકના જન્મ પ્રમાણપત્ર ઉપર યુગાન્ડન અધિકારીઓએ ‘નાગરિકતાવિહીન (Stateless)’ના સિક્કા મારી દીધા. યુનોએ મિ. સુણસરાને નોર્વેમાં વસવાટ આપી દીધો. નોર્વેજિયન સરકારે તેમને દરિયાકિનારે આવેલા બર્ગન શહેરમાં વસવાટ માટે એક એપાર્ટમેન્ટ આપ્યું અને શિપ યાર્ડમાં કામદાર તરીકેની નોકરી અપાવી દીધી. આ સમય દરમિયાન મિ. સુણસરાના બહોળા પરિવારમાંનાં તેમનાં માતા, ભાઈઓ-ભાભીઓ અને તેઓનાં બાળકોએ યુનાઈટેડ સ્ટેટ્સમાં વસવાટ લઈ લીધો હતો. એ લોકોને એલનટાઉનના સેન્ટ જહોન્સ લુથરન ચર્ચે સ્પોન્સર કર્યાં હતાં અને તેમને લેહ વેલીમાં વસાવી દેવામાં આવ્યાં હતાં.

મિ. સુણસરાને નોર્વે પસંદ ન હતું. તેઓ ત્યાંની ઠંડી સાથે અનુકૂલન સાધી શકતા ન હતા. તેમને ત્યાંના લોકો મૈત્રીભાવવાળા ન લાગ્યા. વળી તેઓ શારીરિક રીતે થકવી નાખતા માનવીય શ્રમકાર્યથી ટેવાયેલા ન હતા. તેમને હંમેશાં એમ જ લાગ્યા કરતું હતું કે કુટુંબને બોલાવી લેવા માટે નોર્વે યોગ્ય સ્થળ નથી. આમ જ્યાં સુધી પોતે અન્ય વિકલ્પ ન વિચારી કાઢે ત્યાં સુધી તેમણે કુટુંબને ભારત ખાતે જ રહેવાનું જણાવી દીધું.

મિ. સુણસરા ચિંતનશીલ માણસ હતા. તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેવામાં જરાય સંકોચ અનુભવતા ન હતા. એમણે નોર્વેમાં પાછા ન ફરવાના ઈરાદા સાથે ૧૯૭૬માં અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કરી લીધો. તેમને તેમનાં માતુશ્રી અને ભાઈને મળવા જવા માટે અમેરિકાના અગિયાર અઠવાડિયાંના ટ્રાવેલ વિઝા મળી ગયા અને એ મુદ્દત વીતી ગયા પછી તેઓ કદીય નોર્વે પાછા ફર્યા ન હતા. મિ. સુણસરાને ખબર હતી કે તેઓ યુ.એસ. ઈમિગ્રેશન કાયદાનો ભંગ કરી રહ્યા હતા, વળી સાથે સાથે તેમને એ ખબર પણ ન હતી કે એ સરકારી તંત્ર દ્વારા એ કાયદાઓમાં કેવી અને કેટલી બાંધછોડ થઈ શકે. તેમનું દૃઢ માનવું હતું કે નિરાશ્રિત તરીકેની તેમની કથની યુ. એસ. ઈમિગ્રેશન સત્તાવાળાઓને તેમની દુર્દશામાંથી તેમને ઉગારવાની ફરજ પાડશે અને તેઓ કાયમી ધોરણે અમેરિકાવાસી બની શકશે.

પરંતુ સચ્ચાઈ જે હતી તેની સામે તેમની ધારણા મુજબ કશું બની શક્યું નહિ. તેમણે જ્યારે એ વખતના અમેરિકન પ્રમુખ જીમિ કાર્ટરને પોતાની કરૂણ કથની લખી જણાવી, ત્યારે યુ. એસ. ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી સાવ સંક્ષિપ્ત અને તોછડો જવાબ મળી ગયો કે ‘પ્રમુખને કોઈપણ રીતે કાયદાને સુધારવાની સત્તા નથી.’

બીજી તરફ ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) તરફથી મિ. સુણસરા વિઝાની મુદ્દત કરતાં વધારે સમય અમેરિકામાં રોકાયા હોવા છતાં તેમનો કોઈ પીછો કરવામાં આવ્યો નહિ. આ સમય દરમિયાન મિ. સુણસરાના મિત્રે તેમને એલનટાઉનના કોલેજ હાઈટ્સ બોલેવર્ડ ખાતે આવેલા ‘સેવન ઈલેવન ફુડ સ્ટોર’માં કાઉન્ટર પાછળ નોકરી આપી. વર્ષો પસાર થતાં ગયાં. મિ. સુણસરાને પત્ની બાળકોનો વિયોગ દુ:ખદાયક લાગતો હતો. પછી તો બધાંના હિતમાં ઠીક સમજીને મિ. સુણસરા ફિલાડેલ્ફીઆ જઈને ઈમિગ્રેશન અધિકારીઓ સમક્ષ હાજર થઈ ગયા. એ લોકોએ તેમને દેશ છોડી જવા માટેનો ઓર્ડર હાથમાં પકડાવી દીધો.

પરંતુ અહીં આશ્ચર્યજનક ટેકનિકલ બાબત એ હતી કે તેમને દેશબહાર હાંકી કાઢવા માટે સામે કોઈ દેશ હોવો જોઈએ જે ન હતો. આ ગાળામાં અમીનને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યો હતો. યુગાન્ડામાં હજુય અંધાધૂંધી પ્રવર્તતી હતી, છતાંય તે લોકો મિ. સુણસરાને સ્વીકારવા તૈયાર ન હતા. નોર્વે તેમને પોતાના દેશમાં ફરી પાછા ફરવા દે તેમ ન હતું, કેમ કે એમણે તેમનું જીવન સુખમય બનાવવા માટે તેમને એક તક આપી હતી, જે તેમણે પોતે જ ગુમાવી દીધી હતી. વળી ભારત કે જ્યાં તેમનાં પત્ની રહેતાં હતાં તે પણ તેમને સ્વીકારવા બંધનકર્તા ન હતું. આમ મિ. સુણસરા યુનાઈટેડ સ્ટેટ્સ માટે સમસ્યારૂપ બની ગયા હતા. મિ. સુણસરાના વકીલ તેમના હદપાર થવા માટેના ઓર્ડરમાંની સમયમર્યાદા વધારવા માટેનો કેસ જીતી ગયા હતા. પછી તો આ મુદ્દત વધારો, વળી મુદ્દત વધારો અને મુદ્દત વધારા ઉપર વધુ ને વધુ મુદ્દત વધારા એમ ચાલતું રહ્યું. છેવટે ૧૯૮૪માં ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) દ્વારા તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું કે હવે તેમને દેશ છોડી જવા માટેનો મુદ્દત વધારો નહિ આપવામાં આવે અને તેમણે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાનાં બિસ્તરાં-પોટલાં સાથે દેશનિકાલ થવા માટે તૈયાર રહેવું પડશે.

પરંતુ, ઈમિગ્રેશન અને નેચરલાઈઝેશન સર્વિસ (INS) મિ. સુણસરાને કયા દેશમાં મોકલી આપે તે એક રસપ્રદ મુદ્દો હતો. જો કે આ અવઢવ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહી નહીં અને આ સમયગાળામાં જ એવો માર્ગ નીકળી આવ્યો કે INSની ક્વોટા પદ્ધતિ હેઠળ થોડાક દિવસો બાકી હતા અને અમેરિકામાં કાયમી વસવાટ માટેની તેમના ભાઈ લિયાકતઅલીની સ્પોન્સરશીપ હેઠળ તેમનું નામ નીકળી આવ્યું. જો કે અહીં વાર્તાનો અંત આવતો નથી. કાયદા પ્રમાણે INSની અમેરિકામાં નવેસરથી પ્રવેશ કરવા માટેની એક જરૂરિયાત પૂરી થવી જરૂરી હતી. મિ. સુણસરાએ એક વખત દેશ બહાર નીકળી જઈને ફરીથી અમેરિકામાં દાખલ થવું પડે અને તો જ તેમના કેસના કાગળો પ્રોસેસ થાય અને તેમના કાયમી વસવાટ માટેની ફાઈલ ખુલે.

પરંતુ કાયદાતંત્રની જોગવાઈ-૨૨ હેઠળ મિ. સુણસરા મુસાફરી માટેના માન્ય સાધનિક કાગળો વગર અમેરિકા બહાર જઈ શકે નહિ. અમેરિકા આવા કાગળો આપી શકે નહિ, કેમ કે હજુ સુધી ટેકનિકલી તો તેઓ અમેરિકાના ગેરકાનૂની વસાહતી કહેવાય. આમ છતાંય તેમનું સદ્ભાગ્ય એક ડગલું આગળ આવ્યું અને તેમને તેમની યુવાનવયનો એક મિત્ર ન્યુયોર્કમાં મળી ગયો કે જે મેનહટન ખાતેની યુગાન્ડા કોન્સ્યુલેટ ઓફિસમાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. આ મિત્રની મદદથી ટ્રાવેલીંગ માટેના કામચલાઉ કાગળો મળી ગયા. હવે જે કંઈ થઈ રહ્યું હતું તે ઝડપથી થઈ રહ્યું હતું. હવે તેઓ હવાઈ સફર દ્વારા નોર્વે પહોંચ્યા. નોર્વેના ઓસ્લોમાંની યુ. એસ. કોન્સ્યુલેટ ઓફિસમાં જઈને અમેરિકાના કાયમી વસવાટ માટે સઘળી પ્રક્રિયા પૂર્ણ કરી અને છેવટે તેઓ એક કાયદેસરના અમેરિકાના નિવાસી તરીકે હવાઈયાત્રા થકી ન્યુયોર્ક પાછા ઊડી આવ્યા.

ત્યારપછી લગભગ તરત જ મિ. સુણસરા ૧૬ વર્ષના પોતાનાં પત્ની અને બાળકોના સાથેના વસમા વિયોગ પછી તેમને મળવા અને તેમને અમેરિકા લઈ જવા તેઓ ભારત આવ્યા. વર્ષો સુધીની જુદાઈ બાદ કુટુંબ ભેગું થયું ત્યારે તેમનો મોટો દીકરો મહંમદ ૨૬ વર્ષનો યુવાન બની ગયો હતો. તેમની સૌથી નાની દીકરી નસીમ જ્યારે તેને છેલ્લી જોવામાં આવી હતી ત્યારે તે માત્ર ૧૫ જ મહિનાની બાળકી હતી, તેણે પોતાનું હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કરી દીધું હતું. મિ. સુણસરા ભારત ખાતે એક મહિના કરતાં વધારે સમય સુધી રહ્યા અને એ વસંત ઋતુમાં આખુંય કુટુંબ એલનટાઉન ખાતે એકત્ર થયું.

પછી દીકરી રૂકસાના પરણી ગઈ. તેણી પોતાના પતિ અને એક દીકરી કે જે મિ. સુણસરાની દોહિત્રી થાય તેની સાથે શિકાગો રહે છે. બીજી એક દીકરી શાહેદા મેરિડિયન બેંકમાં કામ કરે છે અને નસીમ કેડર ક્રેસ્ટ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેણી દાંતના ડોક્ટરની આસિસ્ટન્ટ તરીકે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. મહંમદ એમોસ ખાતે હેરિસન અને લેહ સ્ટ્રીટ મુકામે આવેલા ‘ડોન્સ ફુડ સ્ટોર’માં મદદ કરી રહ્યો છે. મિ. સુણસરા અને તેમના ભાઈ લિયાકતઅલી સદરહુ સ્ટોર અને હવે બીજા એક કોલેજ હાઈટ્સ બોલેવર્ડના ‘સેવન ટેન ફૂડ સ્ટોર’ તરીકે ઓળખાતા સાહસમાં ભાગીદાર છે.

પાંચ વર્ષ પછી મિ. સુણસરા અમેરિકાના કાયમી વસાહતી થઈ ગયા અને હવે તેઓ અમેરિકન નાગરિકત્વ મેળવવાપાત્ર બની ગયા છે. તેમણે થોડાક મહિના પહેલાં નાગરિકત્વ મેળવવા માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી દીધી છે. તેઓ આ અઠવાડિયામાં યોજાનારી ઓલ્ડ કોર્ટહાઉસ ખાતેની નાગરિકત્વ મેળવવા માટેની પ્રતિષ્ઠિત ઉજવણીમાં ભાગ લેવા માટેની રાહ જોઈ રહ્યા છે.

મિ. જાફરઅલી સુણસરા માને છે કે છેવટે એક પૂર્ણ વર્તુળ સમાપ્ત થયું.”

છેલ્લે હું જહોન ડ્રિંકવોટર દ્વારા લિખિત નાટક ‘અબ્રાહમ લિંકન’ના એક સંવાદને ટાંકીશ : ‘જ્યારે કોઈ સફળતા પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે કેટલી સહજ લાગતી હોય છે!’

-વલીભાઈ મુસા
(તા.૦૬-૦૬-૨૦૦૭)

સૌજન્ય (Courtesy) : “The Morning Call” (USA)

(Translated from English version titled as “A full circle swallowed 22 years published on June 06, 2007)

 

Tags: , , , , , , , ,