RSS

Tag Archives: અલ્પવિરામ

(૪૦૦-ક) કૌંસની અંદર, કૌંસની બહાર અને કૌંસમાં કૌંસ !

અમદાવાદ ખાતેની આપણી એક ગુજરાતી બ્લૉગરસભામાં શ્રી જુગલભાઈના એક કથનથી જાણવા મળ્યું હતું કે આપણી ગુજરાતી ભાષામાં વિરામચિહ્નો એ આયાતી માલ (Imported Goods !) છે. તેઓએ તેમના બ્લૉગ ‘Net – ગુર્જરી’ ઉપર ‘ગુજરાતી વ્યાકરણના પાઠો’ શ્રેણીએ વિપુલ પાઠ્યસામગ્રી આપી હોઈ વાચકોને તે વાંચવા માટેનું મારું ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ કમાઈને હું મારા ‘કૌંસ’ વિષયના માર્ગે આગળ ધપું છું.

‘કૌંસ’ ને વિરામચિહ્નોના ભાગ તરીકે ગણી શકાય કે કેમ એ ગહન ચર્ચાનો વિષય હોઈ એ કામ આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યની સભાઓ ઉપર છોડીશું. આમ છતાંય મારા પક્ષે આ મુદ્દા ઉપરની એવી કોઈ છીછરી પણ ચર્ચા કરવાના બદલે હું મારી યથામતિએ અહીં મારા મતનું પ્રસ્થાપન  કરી જ દઉં છું  કે ‘કૌંસ’ને ‘વિરામચિહ્ન’ ગણી શકાય નહિ; કેમ કે અહીં કૌંસમાંના કથનને માત્ર વિરામ આપવાનો આશય નથી હોતો, તેને ગર્ભગૃહ(Innermost Room)માં ઊંઘાડી દેવાનું પણ હોય છે ! જોકે ડૉ. ચંપકભાઈ મોદી અને ડૉ. બેલા શાહ દ્વારા રચિત અને સંકલિત ‘ભાષાશુદ્ધિ અને લેખનકૌશલ્ય’ પુસ્તકના વિરામચિહ્નો પ્રકરણમાં કૌંસને ભાષામાં વપરાતા હોવાનું જણાવાયું છે તથા તેમને વિરામચિહ્નોની યાદીમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.

આપણા માધ્યમિક વિદ્યાભ્યાસકાળમાં ગણિત અને *ભાષાઓમાં પ્રયોજાતા કૌંસના વિવિધ પ્રકારો વિષે આપણે ભણી ચૂક્યા હોવા છતાં આ લઘુલેખની મર્યાદામાં તેને ‘શિરોરેખાંકિત/અધોરેખાંકિત’, ‘નાનો’, ‘મધ્યમ’ અને ‘મોટો’ તરીકે યાદ કરી લઈને તેનાં આ પ્રમાણેનાં ચિહ્નોને પણ જોઈ લઈએ : [ { (—-___) }]. મધ્યમ કૌંસને યાદ રાખવા માટે આપણા ગુરુજનો તેને છગડિયા-બગડિયા કૌંસ તરીકે ઓળખાવતા હતા. ઉપરનાં ‘કૌંસમાં કૌંસ’ ચિહ્નોને હું જ્યારે છાપી રહ્યો હતો, ત્યારે ‘ગલીમાં ગલી’ વાળો એક રમૂજી ટુચકો મને યાદ આવી જતાં હું મલકી ઊઠ્યો હતો. મારા મલકાટને પામવાનો આપ વાચકોનો તલસાટ હું કલ્પી શકું છું અને તેથી તેને અહીં ટૂંકમાં લખી દઉં છું : શાસ્ત્રીય ગીતગાન-સમારોહમાં એક ગાયકે આરોહ-અવરોહ સાથેના આલાપ છેડતાં શરૂ કર્યું, ‘ગલીમેં ગલી; પેહલી ગલીમેં દૂસરી ગલી, દૂસરી ગલીમેં તીસરી ગલી !’. આમ તે ગાતોગાતો ‘પંદ્રહવી ગલીમેં સોલહવીં ગલી !’ સુધી આવ્યો, ત્યારે શ્રોતાઓ ત્રાહિમામ્ પોકારતા ‘બસ કર, બસ કર; હવે આગળ ગા.’ એમ બોલી ઊઠ્યા. પેલાએ વચ્ચે અટકીને કહ્યું કે ‘હજારમી ગલી તો આવવા દો !’. સ્રોતાઓએ એ ગાયકની શી વલે કરી હશે એ તો આપ સૌ વાચકોએ પોતપોતાની રીતે નક્કી કરી લેવું પડશે. અહીં મારું કામ પૂરું થાય છે.

વિવિધ કારણો અને હેતુઓને અનુલક્ષીને લખાતા લખાણમાં વિરામચિહ્નો કે વિભિન્ન કૌંસસંકેતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ એ બધા દૃશ્યસંકેતો  છે અને વક્તા કે વાચકે એ ચિહ્નોના આશય પ્રમાણે યથાયોગ્ય ભાવે કથન કે વાંચન કરવાનું હોય છે. બોલતી કે વાંચતી વખતે એક વાક્ય પૂરું થયા પછી આપણે થોડીક વાર અટકીએ એટલે ત્યાં પૂર્ણવિરામ આવી ગયું એમ સમજી લેવાય, કંઈ દરેક પૂરા થતા વાક્યે ‘પૂર્ણવિરામ’ શબ્દ બોલવાનો હોય નહિ ! આવું જ કૌંસ વિષે પણ સમજવાનું રહેશે. એક ઐતિહાસિક નાટકનો સંવાદ લિખિતરૂપે આમ હતો : “સેનાપતિ : (મ્યાનમાંથી તલવાર ખેંચીંને) હે મારા શૂરા સૈનિકો, યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.”  ‘સેનાપતિ’નું પાત્ર નિભાવતો એક ભોળિયો છોકરો રંગમંચ ઉપર પ્રેક્ષકો સામે પ્રત્યક્ષ ભજવાતા નાટકના એ સંવાદને આમ બોલીને બાફી બેઠો હતો : “સેનાપતિ કહે, કૌંસમાં, મ્યાનમાંથી તલવાર ખેંચીને, કૌંસ પૂરો, હે મારા શૂરા સૈનિકો, અલ્પવિરામ, યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે, પૂર્ણવિરામ!”.

અંગ્રેજીમાં બોલાતી ભાષા માટે ભાર (Stress), તાલ (Rhythm) અને લય (Intonation) વિષે ખૂબ લખાયું છે. આપણી ગુજરાતી ભાષામાં પણ આવા વિષયો ઉપર કોઈ ઓછું લખાણ તો નથી જ. વિરામચિહ્નો અને કૌંસસંકેતોના યથાયોગ્ય લિખિત ઉપયોગ  કે તદનુસાર થતા જે તે કથનોના ઉચ્ચારણના અર્થો કે ભાવોનું ગ્રહણ કેવી રીતે અલગ પડી શકતું હોય છે તે માટેના હિંદીમાં પ્રચલિત એવા આ ઉદાહરણને આપણે  સમજીએ. ‘રોકો મત જાને દો’ એવા આ ચાર શબ્દોને જો આમ લખીએ, ‘રોકો, મત જાને દો.’ તો તેનો જે અર્થ કે ભાવ સમજાય છે, તેનાથી સાવ વિપરિત અર્થ કે ભાવ આપણને ‘રોકો મત, જાને દો.’ માંથી જાણવા મળશે. આ બંને ઉદાહરણોમાં અલ્પવિરામનું સ્થાન બદલવામાં આવ્યું છે. હવે એ જ ચાર શબ્દોને બોલનારો માણસ પોતે જે અર્થ કે ભાવ વ્યક્ત કરવા માગતો હશે તે પ્રમાણે તે ‘રોકો’ કે ‘મત’ પછી બોલવામાં થોડોક અટકશે અને આમ ત્યાં અલિખિત સ્વરૂપે અલ્પવિરામ વિરામચિહ્ન આપોઆપ સમજાઈ જ જશે.

આ લઘુલેખને સમેટતાં પહેલાં મારા આ લેખના શીર્ષકને હળવાશે સમજાવી દઉં : ‘કૌંસની અંદર’ એટલે કોઈ લોકશાહી દેશમાં જે તે મુદ્દા અંગેની પક્ષની બંધબારણે મળતી પક્ષીય બેઠક, ‘કૌંસની બહાર’ એટલે એ જ  મુદ્દાની સંસદમાં થતી ખુલ્લી ચર્ચા અને પત્રકારપરિષદ સમક્ષ થતું નિવેદન; અને, ‘કૌંસમાં કૌંસ’  એટલે પક્ષમાંની ફાટફૂટ કે જૂથબંધી !!!

(* અમારા એસ.એસ.સી.ના ગુજરાતી ભાષાના શિક્ષક પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી રૂઢપ્રયોગને અધોરેખાંકિત કરાવતા, સંધિયુક્ત શબ્દ માટે  નાનો કૌંસ કરાવતા, સામાસિક શબ્દને મધ્યમ કૌંસમાં અને આલંકારિક વાક્યને મોટા કૌંસમાં મુકાવતા; કે જેથી વારંવારના વાંચન દરમિયાન મનોમન વ્યાકરણનું પુનરાવર્તન પણ થતું રહે.)

 

Tags: , , , , , ,