ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.
હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી. મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.
ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyric is a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે/ સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’. મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.
ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.
રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ‘સ્પંદન’ સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ ‘ધરતી મેહુલિયાના સુભગ મિલને, મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’ થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’ અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.
કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે: ‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ/મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું’ આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાંઆપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી ‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય/ સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’ તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.
કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો: ‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ / આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.
કવિએ ગુજરાત અને ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે. કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.
વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર કેટલાંક રમુજી કાવ્યો પૈકી મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે: ‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર / ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ / હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’. ‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ ભગવાન શંકરના તાંડવ નૃત્યને અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે: ‘તાંડવલીલા / ત્સુનામી ને ભડકા / સ્તબ્ધ દુનિયા’!
હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.
બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.
અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.
‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!
મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.
“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.
“વિરાટ બ્રહ્માંડમાં દીઠી ધરા મારી સલુણી,
રમે નભે દૃષ્ટિ તો હૈયે રમે કોટિ કહાણી,
હશે જ કેવો રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ, આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’
“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)
મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું. જય હો!
-વલીભાઈ મુસા
Tags: અવલોકન, આકાશદીપ, આર્મસ્ટ્રોંગ, ઉપાસના, ઋજુ, ગઝલ, જુગલકિશોર વ્યાસ, ત્રિપથગા, દ;લપતરામ, દયારામ, નિરંજન ભગત, ન્હાનાલાલ, પોલાદી, રવીન્દ્રનાથ ટાગોર, વિવેચન, સ્પંદન, think tank
જૂના સમયે લોકોમાં કહેવાતું હતું કે ‘ભાઈ, ઘરનો રોટલો બહાર ખાવાનો છે.’ આજે દૂર-દરાજનાં ગામોમાં જ્યાં હોટલો નથી હોતી, ત્યાં અતિથિસત્કારની ભાવના એવી પ્રબળ હોય છે કે અજાણ્યા પરદેશીની કોઈકના ઘરે જમવાની વ્યવસ્થા થઈ જતી હોય છે. આજનો યજમાન એ આવતી કાલે કોઈકનો મહેમાન બનવાનો જ અને આમ પરોક્ષ રીતે જોવા જઈએ તો કોઈકને ખવડાવેલું આપણને કોઈ ત્રીજી જ વ્યક્તિ તરફથી અથવા સામેની જ વ્યક્તિ તરફથી જ પાછું ખાવા મળી જતું હોય છે. આ છે ઉપરોક્ત મુહાવરાનો ગુઢાર્થ.
સુરેશભાઈ જાની કૃત ‘અવલોકનો’ ઈ-બુકની પ્રસ્તાવના હું જ્યારે લખી રહ્યો છું, ત્યારે આ પ્રસ્તાવનાની પ્રસ્તાવના રૂપે લખાએલા ઉપરોક્ત ફકરા દ્વારા હું એ કહેવા માગું છું કે તમે કોઈકને પ્રસ્તાવના લખી આપો અને તમારી જ કૃતિ ઉપરની પ્રસ્તાવના લખી આપનાર અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ કે સામેની જ વ્યક્તિ તમને મળી આવે. હમણાં તાજેતરમાં જ મારી પોતાની ઈ-બુક્સ માટે કેટલાંક જાણીતાં કે અજનબી મહાનુભાવોએ મને સહૃદયતાપૂર્વક તેમની પ્રસ્તાવનાઓ લખી આપી, તો આજે હું સુરેશભાઈના પુસ્તક માટે પ્રસ્તાવના લખી રહ્યો છું. આમ માનવ જીવનનાં સઘળાં ક્ષેત્રોમા આપસઆપસ કે પરસ્પરના સહકાર થકી જ દુનિયાના વ્યવહારો સ્વયંસંચાલિત યંત્રની જેમ ચાલ્યા કરતા હોય છે.
સુરેશભાઈના બ્લોગ ઉપર જ્યારે ભૂતકાળમાં તેમનાં ‘અવલોકનો’ પ્રસિદ્ધ થઈ રહ્યાં હતાં ત્યારે મેં તેમના ‘કેલેન્ડર’ અવલોકન ઉપર મારો પ્રતિભાવ આપેલો હતો, જેને પછીથી મેં મારા પોતાના બ્લોગ ઉપર પણ પસિદ્ધ કર્યો હતો. મારો એ પ્રતિભાવ એ ખાસ વિષય પૂરતો સીમિત હતો, અહીં મારે સમગ્ર પુસ્તક ઉપર પ્રસ્તાવના લખવાની કામગીરી બજાવવાની છે. આમ છતાંય મારી એ પ્રસ્તાવનાનો કેટલોક અંશ વિશાળ અર્થમાં લઈ શકાય તેમ હોઈ તેને અત્રે પ્રસ્તુત કરીશ.
આપણે આપણા વિદ્યાભ્યાસ દરમિયાન ‘અવલોકન કરવાની ટેવ’ શીર્ષકે એક પાઠ ભણી ગયા હતા. એક વટેમાર્ગુ એક ઊંટવાળાના ખોવાએલા ઊંટની દિશા બતાવી દે છે, જો કે તેણે ઊંટને જોયું સુદ્ધાં ન હતું. પેલો વટેમાર્ગુ પેલા ઊંટવાળાને તેના ઊંટની નિશાનીઓ કહી સંભળાવે છે કે તે ઊંટ ડાબી/જમણી (યાદ નથી) આંખે કાણું, એક પગે લંગડું અને અમુક દાંત પડી ગએલા હોય તેવું હોવું જોઈએ. આ તેની અવલોકન કરવાની ટેવના કારણે શક્ય બન્યું હતું. રસ્તાની એક જ બાજુ તરફનાં અડધાં કરડાએલાં ઝાડનાં પાંદડાં અને જમીન ઉપરના એક પગલાની અધૂરી છાપ એ તેના તારણ માટેનાં સહાયક કારણ (અવલોકનો) હતાં.
સુરેશભાઈનાં અવલોકનો કંઈક એવાં જ છે અને તેથી જ તો તેઓ ગમે તેવા સામાન્ય વિષયને માત્ર અવલોકનના આધારે જ નહિ, પણ સાથે સાથે પોતાની કુદરતી વર્ણન શક્તિના આધારે જીવંત બનાવી શકે છે. જૂના જમાનામાં ગામડે ગામડે પગીઓ મળી રહેતા કે જે પગલાંની છાપનું અવલોકન કરીને ચોરને પકડી પાડવામાં મદદરૂપ થતા હતા. કોઈ નામચીન ચોરનું તો પહેલું જ પગલું જોઈને ચોરનું નામ બતાવી દેતા હતા. આ એમના માટે એ કારણોએ શક્ય બનતું કે તેમની આ કળામાં તેમનો વારસાગત અનુભવ કામે લાગતો હતો અને તેમના સાહજિક કૌશલ્યને કારણે તેમની અવલોકનશક્તિ પણ ધારદાર રહેતી હતી.
સામાન્ય રીતે કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી અર્થાત ધનદોલત અને સાહિત્યનો સહનિવાસ જવલ્લે જ જોવા મળે, બસ તેવી જ રીતે વિજ્ઞાન કે ટેકનોલોજીના માણસ અને સાહિત્યને બારમા ચંદ્રમા જેવું હોય એમ માનવામાં આવતું હોય છે. આ ભાયા ઈલેક્ટ્રીકલ એન્જિનિયર હોય અને સાહિત્યસર્જન કરે એ કોઈના પણ માન્યામાં ન આવે તેવી વાત હોવા છતાં એ એક હકીકત છે. છેલ્લાં દસેક વર્ષથી અમેરિકા ખાતે નિવૃત્ત જીવન ગાળતા આ મહાશય પોતાના વિવિધ બ્લોગ ઉપર સઘળા સાહિત્યપ્રકારે એટલું બધું સાહિત્યસર્જન કર્યું છે કે તે સઘળાને ગ્રંથસ્થ કરવામાં આવે તો ડઝનબંધ પુસ્તકો થાય. વળી તેઓશ્રીએ હજારો બ્લોગ ઉપર પોતાના વિદ્વતાસભર પ્રતિભાવો લખીને એ સઘળા બ્લોગર્સને પ્રોત્સાહિત કર્યા છે. હું પોતે વિનયનના અનુસ્તાક સમકક્ષ ભણતરમાં ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય ભણ્યો હોવા છતાં સુરેશભાઈના ભાષાપ્રભુત્વ સામે વામણો જ પુરવાર થાઉં તેવી મારી નિખાલસભાવે કબુલાત છે.
સુરેશભાઈ મારા મિત્ર છે, મારા બ્લોગીંગ કાર્યમાં મને મદદરૂપ થયા છે, મારી એક ઈ-બુક પણ તેમણે બનાવી આપી છે, મારાં લખાણો ઉપર તેમણે સારા સારા પ્રતિભાવો આપ્યા છે, મારા વિષેના પરિચયલેખો તેમણે લખી આપ્યા છે અને હાલ જે બુકની હું પ્રસ્તાવના લખી રહ્યો છું તે જ બુક પણ મને પોતાને તેમણે અર્પણ પણ કરી છે (જો કે સાહિત્યના શિષ્ટાચાર/Protocol વિરુદ્ધની આ વાત ગણાય, અર્થાત પ્રસ્તાવના લખનાર અને બુકના અર્પણને સ્વીકારનાર એક જ વ્યક્તિ હોઈ શકે નહિ.) – આટઆટલી તેમની સેવાઓ મને પ્રાપ્ત થઈ હોવા છતાં તેમને મારા ઉપર અતુટ વિશ્વાસ કે હું આ બુકની પ્રસ્તાવના તટસ્થપણે લખીશ. આ વાતના અનુસંધાને એક આડવાત કહું તો ‘હાસ્યદરબાર’ ઉપરની ‘હાદરત્નો’ શીર્ષકે સઘળાં રત્નો ઉપરની મારી પરિચયલેખ શ્રેણીમાંના એક રત્ન તરીકેનો મારો પરિચય મેં પોતે જ લખ્યો હતો. ત્યાં સુરેશભાઈના અફસોસના શબ્દો આવા હતા : “વાંચતાં વાંચતાં બહુ જ ક્ષોભ થયો કે, સૌ રત્નોના પરિચય આપનારનો પરિચય આપવાનું સૌજન્ય આ આળસુ અને ભૂલકણા જણને કેમ ન સૂઝ્યું?”
સુરેશભાઈનાં અવલોકનોમાં વિષયવૈવિધ્ય જોતાં આપણું દિમાગ કામ ન કરે કે આ બંકાના મગજમાં એવું કોઈક વિશિષ્ટ લોહચુંબક છે કે શું જે માત્ર ધાતુઓને જ નહિ, પણ પ્લાસ્ટિકની કોથળીઓને પણ પોતાના ભણી ખેંચી લે છે! તેઓ હથોડી અને ટાંકણાંથી ઘરગથ્થુ કડિયાકામ કરતાં કરતાં માણસના મન કે મગજની કાર્યપદ્ધતિને અવલોકીને ‘સારી નરસી આદતો કેટલી ઝડપથી પડી જતી હોય છે?!’ જેવાં સનાતન સત્યો પણ તારવી લે છે. ‘ફૂટેલા ફુગ્ગા’, ‘બુટની તુટેલી દોરી’ અને ‘સ્ટ્રો’ જેવા ક્ષુલ્લ્ક પદાર્થો કે ‘પાણીના પરપોટા’ અને ‘પથ્થર ઉપર લીલ’ જેવાં સુંદરતમ દૃશ્યોમાંથી લેખક તત્વજ્ઞાનીય તારણો એવી સિફતપૂર્વક સહજ રીતે તારવી લે છે કે ક્યાંય કૃત્રિમતા વર્તાય નહિ. વળી આ તારણોના સમર્થનમાં આ કવિરાજ (‘કવિરાજ’ સંબોધન એટલા માટે છે કે વાસ્તવમાં પોતે ‘Moody’ કવિ છે જ!) કોઈ અંગ્રેજી કે હિંદી કાવ્યોની પંક્તિઓને એવી રીતે ટાંકી દે છે કે જાણે કે મુદ્રામાં નગીનાનું જડતર કરવામાં આવ્યું હોય!
હાલમાં ભારતમાં કેરીઓની ભરપુર ઋતુ ચાલી રહી છે. અમારા ભોજનમેજે દરરોજ અને ઓછામાં ઓછો એક ટંક તો આમરસ હોય જ. હવે આ રસ એકદમ મીઠો હોય તો દરેકને ભાવે નહિ અને તેજ રીતે ખાટો પણ ભાવે નહિ. કુશળ ગૃહિણીઓની આવડતના પ્રતાપે ખાનારને જેમ ખટમીઠો રસ મળી રહે, તેમ અહીં હું માત્ર વાચકોને અનુલક્ષીને જ નહિ, પણ ખુદ લેખકના આત્મસંતોષ ખાતર અને એક તટસ્થ વિવેચકધર્મ બજાવવાના ભાગરૂપે મારી આ પ્રસ્તાવનાને ખટમીઠી બનાવીશ. આ બુકલેખક ડગલે ને પગલે આત્મશ્લાઘા કે અન્યો દ્વારા થતી પોતાની પ્રશસ્તિથી દૂર ભાગનાર એવા એ જણને હું નખશિખ ઓળખું છું અને તેથી જ અહીં માત્ર ખોતરી કાઢીને નહિ પણ હકીકતમાં તેમની જે ક્ષતિઓ મને માલૂમ પડી છે તેના ઉપર કોઈપણ જાતનો ઢાંક્પિછોડો કર્યા વગર એમનું અનાવરણ કરીશ.
કોઈ ખંડકાવ્યો કે મહાકાવ્યોના અપવાદ સિવાયના અન્ય લધુ કાવ્યપ્રકારોમાં જેટલું લાઘવ તેટલી કવિની સફળતા અને આમ એવાં કાવ્યોમાંનું લાઘવ એ કાવ્યનું ઘરેણું બની જાય છે. કાવ્ય રચ્યા પછી કવિનું કામ પૂરું થઈ જતું હોય છે અને વાચકપક્ષે એ કાવ્યને સમજવાની કે માણવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. કાવ્યનો વાચક નાના બાળક જેવો હોય છે. નાનું બાળક પણ ઈચ્છતું હોય છે કે તેને કેટલાંક કામો જાતે કરવા દેવામાં આવે. સફળ કવિ પોતાના કાવ્યમાંની ઘણી બાબતોને વાચક ઉપર છોડી દેતો હોય છે. આટલા સુધી તો કાવ્ય અને કવિતાઓની વાતો થઈ. આ વાત સુરેશભાઈ કે તેમના ‘અવલોકન’ને ક્યાં લાગુ પડે? અહીં તો તેઓ લેખક (ગદ્યકાર) છે અને તેમના અવલોકનોનાં લખાણો એ ગદ્યખંડો છે. મારી આ પ્રસ્તાવનાના વિદ્વાન વાંચકો અને ખુદ લેખક મહાશય સમજી શક્યા હશે કે હું શું કહેવા જઈ રહ્યો છું! કેટલાંક શિરમોર સમાં અવલોકનોનું વધારે પડતું લાઘવ તેમની મર્યાદા બની જાય છે. એવા લેખોમાં વાચકની પણ અપેક્ષા હોય છે કે અતિવિસ્તારના દોષમાં સપડાયા વગર લેખકે એ વાતને થોડીક લડાવીને થોડોક વિસ્તાર કર્યો હોત તો કેવું સારું થાત! જો કે આ બાબતે હું સુરેશભાઈ તરફ આંગળી ચીંધુ છું, ત્યારે ત્રણ આંગળી મારી તરફ હોય છે અને મને તેમના આ દોષથી વિરુદ્ધ એવો મારાં લખાણોમાં ક્યાંક ક્યાંક અતિવિસ્તારનો દોષ લાગુ પડે છે. મારા આ દોષની સાબિતી માટે આપ સૌ વાંચકોએ ક્યાંય જવાની જરૂર નથી. ‘હાથ કંગનકો આરસી ક્યા?’ – આ પ્રસ્તાવના એ જ મારી કબુલાતનું જીવંત ઉદાહરણ છે!!!
બીજી, જો કે ગૌણ ગણી શકાય એવી, આ પુસ્તકમાંની સંકલન કે સંપાદનની ખામી એ છે કે અવલોકનના મોટા ભાગના લઘુલેખોમાં પોતે કબૂલ પણ કરે છે તે મુજબ દીર્ઘ રચનાઓ મુકાઈ ગઈ છે. ક્યાંક તેમના આ શબ્દો વાંચવા મળે છે: “ચાર જગ્યાએ અવલોકન શૈલીથી વિચલિત થઈને અવલોકનને અનુરૂપ સ્વપ્નકથા/ સત્યકથા/ નિબંધ પણ સ્વતંત્ર લેખ તરીકે મૂક્યાં છે.” મારા હળવા મિજાજે કહું તો ચડ્ડી પહેરીને લખોટીઓ રમતાં છોકરાં ભેળા આ મોટી ઉંમરના ચાર પાટલુનધારી યુવકો સામેલ થઈ ગયા છે. જો કે લેખનું કદ નાનું હોય કે મોટું હોય તેનાથી કોઈ ફરક પડતો નથી હોતો, કેમ કે બંને દ્વારા લક્ષ તો એક સધાય છે. સુરેશભાઈએ મારા ઉપરની પોતાની મેઈલમાં આ બુકનાં વધારે પાનાં થઈ ગયાં છે તેવી વાત લખી હતી એટલે જ મેં એ ગૌણ વાતને અહીં દોહરાવી છે કે ઈ-બુકમાં તો ઠીક, પણ પોતે આ બુકને મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ કરવાના હોય, ત્યારે આ ચાર લેખને પોતાની અન્ય કોઈ બુક માટે અનામત રાખીને આ બુકનાં પાનાં ઘટાડી શકે છે.
સંસ્કારસિંચન અને ચારિત્ર્યઘડતરને ઉપકારક એવા આ ‘અવલોકન’ પુસ્તકનો દ્વિતીય ભાગ ‘પરિવર્તન’ પેટા શીર્ષકે આપણી સામે છે. લેખક પોતે જ સ્વીકારે છે તે મુજબ આ વિભાગના લેખોને ભલે ‘પરિવર્તન’ વિભાગ હેઠળ મૂકવામાં આવેલા હોય, પણ વાસ્તવમાં તે બધાં ‘અવલોકનો’ જ છે. આ વિભાગના પંદરેક જેટલા લેખ વાંચવા જેવા છે એમ કહેવાના બદલે હું એમ કહું કે આ વિભાગમાંનું પહેલું જ પ્રકરણ ‘પ્રાસ્તાવિક’ માત્ર વાંચશો તો તે મારા માટે પર્યાપ્ત ગણાશે. મારા આ કથન પાછળનું મારું પરોક્ષ કથન તો એ જ છે કે તમે એ સઘળા લેખો વાંચ્યા વગર રહી શકશો નહિ, કેમ કે એ ‘પ્રાસ્તાવિક’ પોતે જ જાદુઈ છે! મીઠાઈ ઉપરના ચાંદીના વરખની જેમ આ પહેલું જ પ્રકરણ આપ સૌને એ વિભાગના બધા જ લેખો વાંચવા લલચાવશે.
‘પરિવર્તન’ વિભાગે લેખકની રજૂઆતમાં આવેલું પરિવર્તન એ છે કે અહીં લેખકે થોડોક ચિત્રોનો સહારો લીધો છે. કેટલાક લેખો ખગોળશાસ્ત્રીય કે અન્ય વિજ્ઞાનની વિદ્યાશાખાઓ ઉપર આધારિત છે. ‘અમેરિકાની ગાંધીગીરીને સ્વીકૃતિ’ લેખમાં માર્ટિન લ્યુથર કિંગ ઉપર ગાંધીવિચારધારાનો પ્રભાવ હોવાની વાત ઉપર અમેરિકી પ્રતિનિધિસભાનો સર્વાનુમતે ઠરાવ એ ‘પરિવર્તન’ શ્રેણીમાં સંપૂર્ણપણે બંધબેસતો લેખ છે. ‘યુદ્ધ-ઉન્માદી (war-maniac) દેશ’ નું બિરુદ પામેલા અમેરિકા માટે ‘અહિંસા’ની વિચારશરણીનો સ્વીકાર એ તે દેશ માટે પણ પરિવર્તનનું પહેલું સોપાન ગણાય.
સમાપને, એક વાત લખવાથી મારી જાતને પરહેજ નથી કરી શકતો. ‘હાસ્યદરબારનાં રત્નો’ના લેખક તરીકે મેં સુરેશભાઈને ‘હાદરત્ન’ તરીકે નીચેના ફકરા થકી ફૂલોમાં ખેંચ્યા હતા: “દેવો અને દાનવોએ મળીને વિરાટ વલોણા વડે સમુદ્રને વલોવ્યો, જેમાંથી ચૌદ રત્નો પ્રાપ્ત થયાં અને જે પૈકીનું ચૌદમા ક્રમે આવતું રત્ન અમૃત ગણાય છે. આ અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવો વચ્ચે મારામારી થતી અને તેથી જ ‘માર’ કે ‘પ્રહાર’ માટે રૂઢિપ્રયોગમાં ‘ચૌદમું રત્ન’ પ્રયોજાય છે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં ગુરુજનો ચૌદમા રતનનો ચમત્કાર બતાવીને ભણાવતા. સુરેશભાઈની પાસે વિવિધ વિષયોનું જ્ઞાન હોવું એ બતાવી આપે છે કે તેઓશ્રી કોઈપણ વિષયના શિક્ષકના ચૌદમા રતનથી વંચિત રહ્યા નહિ હોય!!!” બસ્સો અવલોકનોના વાંચનના અંતે સુજ્ઞ વાંચકો મારી એ વાત સાથે ગંભીરતાપૂર્વક સંમત થશે જ કે ગુજરાતી બ્લોગજગતમાં કોઈ સમયે જો ‘જ્ઞાનરત્ન’નું બિરુદ આપવાનું આયોજન થાય તો તેના હકદાર તરીકે નિ:શંકપણે શ્રી સુરેશભાઈ જ બિનહરીફ પસંદગી પામે.
ધન્યવાદ.
-વલીભાઈ મુસા
Tags: અવલોકન
[…] ક્રમશ: (7) […]