
બાજ઼ીચા-એ-અતફ઼ાલ હૈ દુનિયા મિરે આગે (શેર ૧૨ થી ૧૪)
હૈ મૌજ-જ઼ન ઇક ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ કાશ યહી હો
આતા હૈ અભી દેખિએ ક્યા ક્યા મિરે આગે (૧૨)
[મૌજ-જ઼ન= જલદ વહેતું; ક઼ુલ્જ઼ુમ-એ-ખ઼ૂઁ= ખૂનની નદી]
અર્થઘટન અને રસદર્શન :
ગ઼ાલિબના કોઈક શેર આપણને અર્થઘટનમાં મુશ્કેલ લાગતા હોય છે, તેનું કારણ એ હોય છે કે તેમાં અતિ લાઘવ્ય હોવા ઉપરાંત અગાઉના કોઈ શેર સાથે તેનો પૂર્વાપર સંબંધ હોય છે. તો વળી ઘણીવાર વાક્છટાપૂર્ણ આલંકારિક શૈલીના કારણે મૂળ કથન ગૌણ બની જતાં એવા શેર સમજાતા નથી હોતા અને પરિણામે તેમનાં એકાધિક અર્થઘટનો થઈ શકતાં હોય છે. આમ અંધજન અને હાથીની કહાનીની જેમ દરેક સમીક્ષક પોતાની સમજ પ્રમાણે અર્થ તારવે છે. ગ઼ાલિબના પ્રશંસકો શેર અર્થઘટનના સાચાપણા સુધી ન પહોંચી શકવાના કારણને તેમની મર્યાદા ન ગણતાં તેને મતાંતરક્ષમાની દૃષ્ટિએ કૌશલ્ય તરીકે સ્વીકારે છે.
આ શેરના પ્રથમ મિસરામાં ગ઼ાલિબ તેમના અન્ય શેરમાં ભિન્ન ભિન્ન રીતે પ્રયોજાતા બદનના લહૂને પ્રવેગે વહેતી ખૂનની નદી (ફા.દરિયા) તરીકે ઓળખાવ્યું છે. અહીં માશૂકના શરીરની નસોમાં લોહી એટલું તો પ્રબળ રીતે પરિભ્રમણ કરી રહ્યું છે કે તેમની આંખોમાંથી અશ્રુની જગ્યાએ ધસમસતી નદીની જેમ લોહી વહેવા માંડે છે. ગ઼ાલિબ પોતાના કેટલાક શેરમાં જુદીજુદી રીતે રૂઢિપ્રયોગ તરીકે લોહીનાં આંસુએ રડવાની વાતનો ઉલ્લેખ કરે છે, પરંતુ અહીં તો પરાકાષ્ઠા છે. માશૂકા માશૂકના ઈશ્કની ગહરાઈને સમજી શકી ન હોઈ તેણીએ માશૂકના દિલને વેધક આઘાત પહોંચાડ્યો છે. આમ છતાંય માશૂક એ આઘાતને હળવાશથી લે છે, એમ કહીને કાશ આ આઘાત આખરી હોત તો કેવું સારું થાત! જો એમ હોત તો હું તેને આસાનીથી જીરવી લેત!
ઉપરોક્ત લોહીના આંખો દ્વારા અશ્રુ રૂપે વહેવાના અર્થઘટનના બદલે એમ પણ લઈ શકાય કે તે લોહી બદનમાં જ ફર્યા કરે છે, પણ તેની ગતિ તો ઊછાળા મારતી અને ત્સુનામીની જેમ ગાંડીતુર બનેલી નદી જેવી જ છે. લોહીના પરિભ્રમણની ગતિ અત્યાધિક થઈ જાય, ત્યારે વેદનાની પરાકાષ્ઠા અનુભવાતી હોય છે. માણસ જ્યારે ભયભીત બને, કોઈ માનસિક આઘાત અનુભવે અથવા તો આક્રોશમાં આવી જાય; ત્યારે હૃદયના ધબકારા વધી જતા આવી અસહ્ય બેચેની અનુભવે છે.
શેરના બીજા મિસરામાં માશૂકા તરફથી આઘાત પામેલા માશૂક આપણ ભાવકને સંબોધીને કહે છે કે હજુ તો તમે જુઓ તો ખરા કે આથી પણ વધારે આગળ શું શું આવનાર છે! અહીં ‘ક્યા કયા’ નો પ્રમાણ દર્શાવતો એક અર્થ ‘આગળના દુ:ખ કરતાં વધારે દુ:ખ’ એમ લઈ શકાય, તો બીજા અર્થમાં સંખ્યાત્મક રીતે ‘આગળના કરતાં વધારે કંઈક કેટલાંય દુ:ખો’ એમ પણ સમજી શકાય. આમ પ્રથમ મિસરામાંની મનોવ્યથાને પણ આંબી જાય તેવી આપત્તિજનક ઘટનાઓનો સંકેત બીજા મિસરામાં આપવામાં આવ્યો છે.
નોંધ :-
આ શેરમાંની ‘લહૂ’ને લગતી ગ઼ાલિબની પરિકલ્પનાને અનુરૂપ નીચેના કેટલીક ગ઼ઝલના શેર સરખાવવા અને સમજવા જેવા છે :
રગોં મેં દૌડ઼તે ફિરને કે હમ નહીં ક઼ાઇલ
જબ આઁખ હી સે ન ટપકા તો ફિર લહૂ ક્યા હૈ
ઐસા આસાઁ નહીં લહૂ રોના
દિલ મેં તાક઼ત જિગર મેં હાલ કહાઁ
હૈ ખ઼ૂન-એ-જિગર જોશ મેં દિલ ખોલ કે રોતા
હોતે જો કઈ દીદા-એ-ખ઼ૂઁનાબા-ફ઼િશાઁ ઔર
* * *
ગો હાથ કો જુમ્બિશ નહીં આઁખોં મેં તો દમ હૈ
રહને દો અભી સાગ઼ર-ઓ-મીના મિરે આગે (૧૩)
[ગો= અગર જો; જુમ્બિશ= આમતેમ હલાવવાની ક્રિયા; દમ= શક્તિ, કૌવત; સાગ઼ર-ઓ-મીના= મદિરા રાખવાનું પાત્ર, સુરાહી]
અર્થઘટન અને રસદર્શન :
વળી પાછો આ જ ગ઼ઝલનો સાતમો શેર એ જ મતલબે પણ જુદા અંદાઝમાં અહીં ફરી આવ્યો છે, જે મદિરા અને મદિરાપાનની તારીફને બયાન કરે છે. સાતમા શેરમાંનો શબ્દસમૂહ ’પૈમાના-એ-સહબા’ અને આ શેરમાંનો શબ્દસમૂહ ‘સાગ઼ર-ઓ-મીના’ સમાન અર્થો ધરાવે છે. બંનેમાં ગ઼ાલિબે શરાબને ઉચ્ચતમ પાયરી બક્ષી છે. ગ઼ઝલ સાહિત્યમાં શરાબ અને શાયર એકબીજાના પર્યાય મનાય છે અને તેથી જ તો મોટા ભાગના શાયરો શરાબથી દૂર રહી શક્યા નથી. આપણા ગ઼ાલિબ પણ બાદા-ખ઼્વાર (શરાબી) જુમાતના સભ્ય છે, જેનો તેમણે નિખાલસપણે ઘણા શેરમાં સ્વીકાર કર્યો છે.
આ શેર આપણી આગળ એવું શબ્દચિત્ર રજૂ કરે છે કે જ્યાં શરાબની મહેફિલ જામી છે. તેજ (કડક) શરાબ (Fire-water)ના અતિસેવનથી ગ઼ાલિબ મદોન્મત બની ગયા હોઈ સાથીઓ તેમની નજર સામેથી સુરાહી અને પ્યાલાને હઠાવવા જઈ રહ્યા છે. આ જ ટાણે સાથીઓને એવી હરકત ન કરવાનું કહેવા માટે જાણે આ શેર રચાયો છે.
જ્યાં દાદ ઉપર દાદ આપવાનું મન થાય તેવા આ પહેલા મિસરામાં ગ઼ાલિબ સાથીઓને સંબોધતાં કહે છે કે ભલે ને શરાબના પ્યાલા તરફ હાથ લંબાવવાની મારામાં શક્તિ ન રહી હોય, પણ મારી આંખોમાં હજુ તો દમ છે કે જેના વડે ઓછામાં ઓછો હું શરાબને જોઈ તો શકું છું અને તે રીતે તેના દર્શનમાત્રથી પણ તેનું પાન કર્યાનો અહેસાસ હું કરી લઈશ.
બીજા મિસરામાં પ્રથમ મિસરામાંનું કારણ આપીને ગ઼ાલિબ સાથીઓને સુરાહી કે પ્યાલાને હટાવી લેવાની મનાઈ ફરમાવતાં કહે છે એમને મારી નજર આગળ રહેવા દો, કેમ કે હું મારી આંખો વડે જ તેમાંના શરાબને પી લઈશ. આમ આ આખો શેર એ રીતે કહેવાયો છે કે જે આપણને રસિક રમૂજ પૂરી પાડે છે અને સાથે ગ઼ાલિબનું પિયક્કડપણું કેટલું અમર્યાદ હશે તેની સાબિતી પણ આપે છે. તદુપરાંત આ શેર દ્વારા ગ઼ાલિબે શરાબને ભવ્યતા પણ બક્ષી છે.
આ જ શેરનું બીજું શબ્દચિત્ર ગ઼ાલિબના જીવનના આખરી દિવસોને આધારિત એવું પણ બની શકે કે તેઓ જીવલેણ બીમારીના કારણે એટલા બધા કમજોર થઈ ગયા છે કે તેઓ પ્યાલા તરફ કદાચ તેમનો લકવાગ્રસ્ત હાથ પણ લંબાવી શકતા નથી અને તેથી તેઓ પથારીમાં પડ્યા પડ્યા તેને માત્ર જોઈ રહીને પણ સંતોષ માણી લેવા માગે છે. ગ઼ાલિબના જીવનના આખરી દિવસોને મેં ‘ગ઼ાલિબ પરિચય’માં અગાઉ વર્ણવી દીધા હોઈ અહીં હું તેની પુનરુક્તિ કરતો નથી. ગ઼ાલિબના જીવનને જાણનારાઓને ખબર છે કે તેઓ કેવી દુર્દશામાં જીવ્યા હતા અને તેથી જ તો શરાબ અને શાયરીના સહારે જ તેઓ લાંબું આયુષ્ય જીવી શક્યા હતા.
* * *
હમ-પેશા ઓ હમ-મશરબ ઓ હમરાજ઼ હૈ મેરા
‘ગ઼ાલિબ‘ કો બુરા ક્યૂઁ કહો અચ્છા મિરે આગે (૧૪)
[હમ-પેશા= સમાન કારોબારવાળા; હમ-મશરબ= શરાબ પીવાની સમાન ટેવવાળા; હમરાજ઼= રહસ્યમિત્ર]
અર્થઘટન અને રસદર્શન :
હંમેશની જેમ ગ઼ાલિબનો લહેરી મિજાજે લખાયેલો આ આત્મલક્ષી (સ્વકેન્દ્રી) મક્તા શેર છે. શેરનું સ્વગતોક્તિ (soliloquy) કૌશલ્ય કાબિલેદાદ છે. જાત સાથે વાત કરનાર એકમાંથી બે ઈસમ થતો હોય છે, બસ તેમ જ આ શેરમાં બે ગ઼ાલિબ હોવાનો ભાસ થાય છે; પરંતુ વાસ્તવમાં તેમ નથી, ગ઼ાલિબ તો એક જ છે. તો પછી આપણે એકને શાયર અને બીજાને ગ઼ાલિબ પોતે એમ જ સમજવું પડશે અને તો જ આપણી સમજ ન્યાયી ગણાશે.
ગ઼ાલિબના સમકાલીન કોઈક શાયરે કે શાગિર્દે ઈર્ષાભાવે અથવા તો તેમની માશૂકાએ નફરતના ભાવે તેમને ઉતારી પાડતાં ભલાંબૂરાં વેણ કહ્યાં હશે કે તેમની પીઠ પાછળ નિંદા કરી હશે તેના જવાબરૂપે ચાલાકીભરી રીતે આ શેર લખાયો છે. શેરને આસાનીથી સમજવા માટે આપણે સાની મિસરાને પહેલો લેવો પડશે. શાયર ગ઼ાલિબ કહે છે તમે ‘ગ઼ાલિબ’ને મારી આગળ બૂરો કેમ કહો છો, એ તો મારી નજરે સારો માણસ જ છે. આત્મશ્લાઘાના દોષમાં પડ્યા વગર અને સામેના ટીકાકારના નામનિર્દેશ વગર સ્વબચાવ માટેની ગ઼ાલિબની પ્રયુક્તિ તેમને મોટા ગજાના હોશિયાર ગ઼ઝલકાર તરીકે સાબિત કરે છે.
હવે આપણને ઉલા મિસરામાંથી એ દલીલો જાણવા મળશે કે કયા આધારે શાયર ગ઼ાલિબ વાસ્તવિક ગ઼ાલિબને ‘અચ્છા’ ઈસમ તરીકે ઓળખાવે છે. તે કહે છે કે ‘(૧) અમે બંને સમાન કારોબાર (કામકાજ) કરવાવાળા અર્થાત્ શાયરો છીએ. (૨) અમે બંને શરાબપાનની ટેવવાળા છીએ. (૩) અમે રહસ્યમિત્રો છીએ, એટલે કે એકબીજાના ભેદને જાણવાળા છીએ. ભલા, આટઆટલું સામ્ય અને નિકટતા અમારી વચ્ચે હોય તો એમ એકબીજાને કેમ ન ઓળખી શકીએ! અને તેથી જ હું કહું છું કે ગ઼ાલિબ મારી આગળ અચ્છો ઇન્સાન છે, માટે તેને મારી આગળ બૂરો ન ચીતરો.’ આમ ગ઼ાલિબ પોતાના વક્તવ્યની તરકીબ થકી પોતાનો આત્મબચાવ (Self defence) કરે છે અને તેથી જ તો આ મક્તા શેર અન્ય મક્તા શેરના શિરોમણિરૂપ બની રહે છે.
* * *
– મિર્ઝા ગ઼ાલિબ ( ગ઼ઝલકાર) (સંપૂર્ણ)
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક – 209)
* * *
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
* * *
[…] Click here to read in English […]