RSS

Tag Archives: આદમ

(623) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૪૯ (આંશિક ભાગ – ૧) બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના

બસ-કિ દુશ્વાર હૈ હર કામ કા આસાઁ હોના
આદમી કો ભી મયસ્સર નહીં ઇંસાઁ હોના (૧)

[દુશ્વાર= મુશ્કેલ; આસાઁ= સરળ; મયસ્સર= મળેલું; પ્રાપ્ત, (અહીં) સહેલું હોવું; ઇંસાઁ= ઇન્સાન, મનુષ્ય]

ગ઼ાલિબની ગ઼ઝલોમાં વિષય વૈવિધ્ય હોય છે અને તેમાંય વળી કોઈકવાર તો તેઓ દાર્શનિક બની જાય છે અને જીવનદર્શનની ઝાંખી પણ કરાવે છે. આ શેરના પહેલા મિસરામાં ગ઼ાલિબ માનવજીવનની એક વાસ્તવિકતા આપણી સમક્ષ રજૂ કરતાં જણાવે છે કે એ માની લેવું મુશ્કેલ છે કે જીવનમાં દરેક કાર્ય કે લક્ષપ્રાપ્તિ ખૂબ જ  સરળતાથી સિદ્ધ કરી શકાય છે. ઘણીવાર આપણે વણથંભી અથાગ મહેનત કરીએ તો જ સફળતા પ્રાપ્ત થતી હોય છે અથવા એવું પણ બને કે આપણે અંતે નિષ્ફળ જ રહીએ.

બીજા મિસરામાં ગ઼ાલિબની કટાક્ષમય હળવી રમુજવૃત્તિ પ્રગટ થાય છે. ગ઼ાલિબ કહે છે કે જીવનનાં બીજાં અઘરાં કાર્યોની વાત તો જવા દો, પણ માનવી માટેનું સાવ સહેલામા સહેલું કામ જો હોય તો તે એ છે કે તે ખરા અર્થમાં માનવી થઈ બતાવે. પરંતુ આપણે જોઈએ છીએ કે માનવી આ સહેલું કામ પણ કરી શકતો નથી. ઈશ્વરનું ઉમદા સર્જન એટલે માનવી અને છતાંય આપણને ઘણીવાર જોવા મળે છે કે માનવી પશુ કરતાં પણ બદતર પુરવાર થાય છે. ગુજરાતી કવિ ઉમાશંકરે પોતાના એક કાવ્યમાં ગ઼ાલિબની આ જ વાતને ‘હું માનવી, માનવ થાઉં તો ઘણું’ શબ્દોમાં વ્યક્ત કરી છે.

આમ આ શેરનો પ્રથમ મિસરા જીવનના કોઈ પરમલક્ષને પામવા માટે પુરુષાર્થની હાકલ કરે છે, તો વળી બીજો મિસરો માનવીએ માનવ બનીને માનવતાના ગુણને વિકસાવવાની શિખામણ આપે છે. વળી આ શેરમાં આદમી અને ઇન્સાન શબ્દો સમાનાર્થી લાગતા હોવા છતાં ગ઼ાલિબ ‘ઇન્સાન’ શબ્દને પ્રભુત્વ આપે છે, જેનો મતલબ એમ થાય કે ‘આદમી’ તો જન્મથી સૌ કોઈ ગણાઈ શકે; પણ પોતાનામાં ઉમદા ગુણોનું સિંચન કરીને ઇન્સાન બનવું તે વધારે ઉત્તમ છે. મુસ્લિમ અને ખ્રિસ્તી માન્યતા મુજબ હજરત આદમ આ પૃથ્વી ઉપરના પહેલા પુરુષ હતા અને તેમના વંશજો ‘આદમી’ કહેવાયા. આમ ‘આદમી’ શબ્દ ‘આદમ’ ઉપરથી, તો તે જ રીતે ‘મનુજ, મનુષ્ય, માનવ’ શબ્દો ‘મનુ’ ઉપરથી બન્યા છે. ‘મનુ’ને પણ આદિ પુરુષ તરીકે માનવામાં આવે છે અને તેથી ‘આદમ’ અને ‘મનુ’ને બૌદ્ધિકો એક તરીકે જ ઓળખાવે છે.

* * *

ગિર્યા ચાહે હૈ ખ઼રાબી મિરે કાશાને કી
દર ઓ દીવાર સે ટપકે હૈ બયાબાઁ હોના (૨)

[ગિર્યા= રડવું-કકળવું, આંસુ વહાવવાં; કાશાના= નાનું ઘર, ઝૂંપડી; બયાબાઁ= જંગલ]

ગ઼ાલિબની ગ઼ઝલોમાં ઘણા શેર એવા જોવા મળે છે કે જે પહેલા વાંચનમાં સમજવા મુશ્કેલ હોય છે. એવા શેર પૈકીનો આ એક શેર છે, જે સમજાયા પછી આપણને લાગશે કે તેમાં દર્શાવાયેલી પ્રતિકાત્મકતા (Symbolism) કાબિલે તારીફ છે. અહીં આંસુનો પ્રત્યક્ષ જે ઉલ્લેખ છે, જે પ્રતિક બને છે અને તે અપ્રત્યક્ષ એવા બારિશને બયાન કરે છે. તો વળી નાનું ઘર કે ઝૂંપડીનો પ્રત્યક્ષ ઉલ્લેખ જે છે, તે શાયરના  અલ્પ એવા જીવનને અપ્રત્યક્ષ રૂપે દર્શાવે છે. આમ આ શેરમાં બબ્બે રૂપકો છે, જે તેની વિશિષ્ઠતાને ઉજાગર કરે છે. 

પહેલા મિસરામાં ગ઼ાલિબ કહે છે કે મારાં વહેતાં આંસુ મારા નાનકડા ઘર રૂપી મારા અલ્પજીવનની તબાહીને કારણે છે. જેમ બારિશના કારણે મારા નાનકડા ઘરની દિવાલો અને દરવાજાઓમાંથી ટપકતા પાણીના  કારણે જોતજોતામાં એ જમીનદોસ્ત થઈને વેરાન જંગલ જેવી સ્થિતિમાં આવી જાય, બસ તેમ જ મારા અલ્પ જીવનમાં પણ એવાં વિઘાતક પરિબળોએ મારા જીવનને વેરાન કરી દીધું છે, જેના કારણે હું રૂદન કરી રહ્યો છું. મારા જીવનમાં આવી પડેલી એ વેદનાઓ મારા હૃદયને કોરી ખાય છે અને તેથી હું મારા રૂદન ઉપર કાબૂ મેળવી શકતો નથી.

આ શેરના પ્રથમ મિસરામાંના ‘ચાહે હૈ’નો કોઈક અભ્યાસુઓ ‘ઇચ્છે છે’ એવો અર્થ કરે છે, તો વળી કોઈક ‘ભલે છે’ એવો અર્થ તારવે છે. હવે આ તો શબ્દાર્થો થયા કહેવાય, જે ‘ગિર્યા’ અર્થાત ‘રોકકળ’ સાથે બંધ બેસતા નથી. આમ મેં એ શબ્દોના અર્થમાં ઊંડા ઊતર્યા વગર પુખ્ત વિચારણાના અંતે સર્વગ્રાહી (Comprehensive) સારરૂપે આ શેરનું અર્થઘટન કર્યું છે, આમ છતાય શક્ય છે કે કોઈ પાઠકનું મંતવ્ય આનાથી ભિન્ન પણ હોઈ શકે.        

* * *

વા-એ-દીવાનગી-એ-શૌક઼ કિ હર દમ મુઝ કો
આપ જાના ઉધર ઔર આપ હી હૈરાઁ હોના (૩)

[વા-એ-દીવાનગી-એ-શૌક઼=  પ્રેમના ઉન્માદમાંથી ઉદ્ભવતી બેચેની; હૈરાઁ= હેરાન]

પોતાની જાત ઉપર જ મજાક કરતો ગ઼ાલિબનો આ શેર આપણને પણ ઘડીભર મોજ કરાવી જાય છે. પ્રથમ મિસરામાં માશૂક કબૂલ કરે છે કે પોતાનામાં માશૂકા પરત્વેનો પ્રેમ એટલો બધો તો તીવ્ર છે કે તે દીવાનાપણું અનુભવે છે. વળી આ દીવાનગી પણ એવી છે કે જે હરપળ તેમના ચિત્ત ઉપર સવાર થયેલી રહે છે અને તે તેમને એવી ફરજ પાડે છે કે તે માશૂકાની ગલીએ જઈ પહોંચે અને તેની સાથેના મિલનના આનંદને માણે. અહીં માશૂકને જાણ તો છે જ કે માશૂકા તરફથી કોઈ ભાવ મળવાની આશા નથી, તેમ છતાંય પેલી દીવાનગી તેમને માશૂકા તરફ ધકેલે છે.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબની શબ્દ પાસેથી કામ લેવાની શક્તિનો પરિચય ‘ઉધર’ શબ્દપ્રયોગથી જણાઈ આવે છે. અહીં શેરનો પાઠક આપમેળે સમજી જ જાય છે કે ‘ઉધર’ એટલે માશૂકાનું નિવાસસ્થાન. આમ માશૂક કબૂલે છે કે દીવાનગીના પ્રભાવ હેઠળ માશૂકાની દેહલીજ (ઉંબર) ઉપર જાતે જ પહોંચી જવું અને તેની અવહેલનાના કારણે વળી પાછા જાતે જ હેરાન થવું, અર્થાત્ દુ:ખી થવું એ નરી મૂર્ખાઈ છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે પ્રેમદીવાનાઓ આવી મૂર્ખાઈઓ વારંવાર કરતા જ રહેતા હોય છે, એ આશાએ કે કોઈક દિવસે તો તેમનો પ્રેમ રંગ લાવશે જ.

ગ઼ાલિબ આ ગ઼ઝલના દરેક શેરના અંતે આવતા રદીફ ‘હોના’ને બાખૂબી ન્યાય આપે છે, તે આપણા ધ્યાન બહાર રહેવું જોઈએ નહિ. અગાઉ અનેકવાર કહેવાયું છે અને છતાંય અહીં એ વાતને ફરી રજૂ કરું છું કે ગ઼ઝલ એ કોઈ કવિતા નથી કે જે કોઈ એક વિષયને સમજાવે. અલબત્ત ગ઼ઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે તો ખરો, છતાંય તે દરેક શેરના અંતે આવતા રહેતા રદીફના કારણે એક જ ભાવસાતત્યને તો જાળવી જ રાખે છે.                                                                                     (ક્રમશ: ભાગ-૨)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલકાર)   

– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)                                                                                            

(ગ઼ઝલ ક્રમાંક – 18)

* * *

ઋણસ્વીકાર:

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org 

(૬) Courtesy –  urduwallahs.wordpress.com

(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

* * *

 

Tags: , ,

(611) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૭ (આંશિક ભાગ – ૧) હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે   (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે   (શે૧ થી ૩)

 

 

 

 

હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે
બહુત નિકલે મિરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે (૧)

[ખ઼્વાહિશેં= ઇચ્છાઓ; દમ=શ્વાસ, (અહીં) જીવ; અરમાન= મહેચ્છા, તીવ્ર ઇચ્છા]

ગ઼ાલિબનો આ શેર  ગ઼ઝલચાહકોમાં ખૂબ જ પ્રચલિત હોવા ઉપરાંત ગ઼ાલિબના ફિલસુફીયુક્ત ઘણા શેર પૈકીનો પણ આ એક શેર છે. અહીં માનવીની તૃષ્ણાઓની વાત છે. તૃષ્ણાઓ એવી હોય છે કે જે કદીય તૃપ્ત થતી નથી હોતી અને તૃષ્ણાઓનો અંત પણ આવતો નથી. એક તૃષ્ણા સંતોષાય અને દિલોદિમાગમાં બીજી તૃષ્ણાનો જન્મ થાય. આમ છતાંય આ તૃષ્ણાઓનું એક અન્ય સત્ય એ પણ છે કે તૃષ્ણા વગર માનવીના જીવનનું અસ્તિત્વ જ નથી. આમ જીવનને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે જીવન એટલે તૃષ્ણાઓની તૃપ્તિ માટેની મથામણનો સમયગાળો.

હવે ગ઼ાલિબ તૃષ્ણાઓ કે ઇચ્છાઓ વિષે શું કહેવા માગે છે તે સમજીએ. તેઓ કહે છે કે મારી હજારો ઇચ્છાઓ એવી છે કે એ પ્રત્યેક ઇચ્છાની પૂર્તિ થતાં જ મારો જીવ નીકળી જવો જોઈએ. આ શેર તેના અર્થઘટનની દૃષ્ટિએ સંકુલ હોઈ મીમાંસકો તેને જુદી જુદી રીતે સમજે-સમજાવે છે. મારા મતે શાયર તેમની બધી જ ખ્વાહિશોને એટલી બધી મૂલ્યવાન સમજે છે કે તેઓ તેમની પ્રત્યેક ખ્વાહિશની સંતુષ્ટિ માટે અનેકવાર પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર છે. આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ પોતાના દીકરાના ઘરે પારણું બંધાય તેવી ખ્વાહિશ ધરાવતો હોય અને પછી એમ કહે કે હું જીવતાં મારા પુત્ર કે પૌત્રીને એકવાર રમાડી લઉં પછી ભલેને મોત આવે. આમ અહીં એક ખ્વાહિશની સંતુષ્ટિ માટે એક મોતની વાત છે, તેમ શાયર હજારો ખ્વાહિશોની પરિતૃપ્તિ માટે હજારો વાર મરવા તૈયાર છે.

બીજા મિસરામાં ‘અરમાન’ શબ્દનો અર્થ સામાન્ય રીતે ‘ઇચ્છા’ થવા ઉપરાંત ઊંડાણમાં તેનો અન્ય અર્થ ‘મહેચ્છા’ અથવા તો ‘તીવ્ર ઇચ્છા’ એમ પણ થાય. વળી ‘નિકલે’ શબ્દ કે જેનું મૂળ રૂપ ‘નિકલના’ છે તેનો અર્થ અહીં ‘પરિણામ નીકળવું કે સિદ્ધ થવું’ લેવો પડશે અને તો જ આ મિસરાને ખરા અર્થમાં સમજી શકાશે. આમ ગ઼ાલિબ કહે છે કે મારી હજારો સામાન્ય ખ્વાહિશો પૈકી કેટલીક તો અરમાન પ્રકારની એટલે કે ખૂબ જ તીવ્ર ઇચ્છાઓ હતી અને તેમાંની ઘણી બધી સિદ્ધ તો થઈ, પણ અફસોસ કે એ સુખદ પરિણામ લાવનારી એ મહેચ્છાઓ પ્રમાણમાં બહુ ઓછી નીવડી. મારા અગાઉ જણાવ્યા મુજબ અહીં માનવમનની નબળાઈ સિદ્ધ થાય છે. જ્યારે સંતો આત્મોન્નતિ માટે તૃષ્ણાઓના ત્યાગ અને સંતોષનો ઉપદેશ આપતા હોય છે, ત્યારે તેનાથી વિપરિત એવી વાસ્તવિકતા તો આ જ છે કે માનવી તૃષ્ણાઓની નાગચૂડમાં એવો તો ફસાયેલો રહેતો હોય છે, કે તેમાંથી તે મુકત થઈ શકતો નથી.

* * *

ડરે ક્યૂઁ મેરા ક઼ાતિલ ક્યા રહેગા ઉસ કી ગર્દન પર
વો ખ઼ૂઁ જો ચશ્મ-એ-તર સે ઉમ્ર ભર યૂઁ દમ-બ-દમ નિકલે (૨)

[ક઼ાતિલ = કત્લ કરનાર, (અહીં) માશૂકા; ચશ્મ-એ-તર= અશ્રુસભર આંખો, ભીની આંખો; દમ-બ-દમ= હર પલ, સતત; ગર્દન પર રહેવું= અહીં રૂઢિપ્રયોગ તરીકે એવો અર્થ લેવાનો છે કે ગર્દન ઉપર કોઈ આરોપ,  તહોમત કે ઇલ્જામ લાગશે નહિ]

અહીં માશૂક માશૂકાની ઓળખ કાતિલ તરીકેની આપે છે, એ  અર્થમાં કે તેની નજર, તેની અદા અને તેનો રૂઆબ એવાં તો ઘાતક છે કે માશૂકના જિગરને આરપાર વીંધી નાખે છે. હવે આમ જ્યારે તે કાતિલ તો છે જ, તો પછી તેણે મને દૈહિક રીતે જ ખરેખર કત્લ કરી દેવો જોઈએ; કેમ કે ઘાયલ દિલની સ્થિતિમાં જીવવા કરતાં બહેતર છે કે મોતને વહાલું કરવું. હવે માશૂક માશૂકાને હૈયાધારણ આપતાં કહે છે કે તેણે મારું ખૂન કરવાથી જરાપણ ડરવાની જરૂર નથી, કેમ કે તેના ઉપર મારા ખૂનનો કોઈ આરોપ લાગશે નહિ.

બીજા મિસરામાં માશૂકા ઉપર ક્ત્લનો કોઈ આરોપ કેમ લાગશે નહિ તેનું કારણ આપવામાં આવ્યું છે. માશૂક અહીં દિલનો બળાપો કાઢતાં કહે છે કે માશૂકાએ તેમને વિરહમાં જિંદગીભર એવા તો તડપાવ્યા છે કે તેઓ હરપળ લોહીનાં આંસુએ રડતા જ રહ્યા છે. આમ તેમના તનબદનમાં લોહી બાકી રહેવા પામ્યું જ નથી અને તેથી તેમનું મૃત્યુ લોહીના અભાવે થયું હોવાનું ગણાશે, નહિ કે માશૂકાએ તેમને ક્ત્લ કર્યા હોવાના કારણે! આમ માશૂક માશૂકાની ગરદન ઉપર તેમના ખૂનના આરોપ લાગવા ન લાગવા સબબે એવું અભયદાન આપે છે કે તે નિશ્ચિંતપણે આરોપી સાબિત થવાના ભય વગર પોતાનું કામ પાર પાડી શકે છે. અહીં માશૂકના માશૂકા પરત્વેના પ્રેમની પરાકાષ્ઠા જોવા મળે છે. માશૂક માને છે કે ભલે પોતે માશૂકાના હાથે માર્યો જાય, પણ તેના ઉપર કોઈ ઇલ્જામ લાગવો જોઈએ નહિ કે જેથી તેને મૃત્યુદંડ કે આજીવન કારાવાસની કોઈ સજાના ભોગ થવું પડે.

* * *

નિકલના ખ઼ુલ્દ સે આદમ કા સુનતે આએ હૈં લેકિન
બહુત બે-આબરૂ હો કર તિરે કૂચે સે હમ નિકલે (૩)

[નિકલના= બહાર નીકળવું; ખુલ્દ= જન્નત,સ્વર્ગ; બે-આબરૂ હોના= અપમાનિત થવું, માનહાનિ થવી; કૂચે= ગલી (Lane)]

ગ઼ાલિબના સર્વકાલીન ઉત્તમ દસ શેરમાં ગણના થવા પામેલો આ શેર છે. મુસ્લીમ અને ખ્રિસ્તી માન્યતા પ્રમાણે આદમ એ આ જગતના પ્રથમ પુરુષ છે. આથી જ મનુષ્યને આદમી પણ કહેવામાં આવે છે. હિંદુ માન્યતા પ્રમાણે મનુ એ આદિપુરુષ છે અને તેમાંથી જન્મેલા મનુજ-મનુષ્ય કહેવાયા. આપણે મૂળ આદમની વાત ઉપર આવીએ, તો આદમ અને ઈવ (હવ્વા) એ સૃષ્ટિનું પહેલું યુગલ હતું, જેમને માનવજાતના દાદા-દાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના સર્જન પછી તેમને હંમેશ માટે સ્વર્ગમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમને ખ્રિસ્તી મતે કોઈ એક વૃક્ષનું ફળ અને ઈસ્લામ મતે ઘઉંનો દાણો ખાવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. શયતાનના ફરેબથી છેતરાઈને તેમણે ઈશ્વર-અલ્લાહની આજ્ઞાનો ભંગ કર્યો હતો. આમ તેમની સ્વર્ગમાંથી હકાલપટ્ટી થઈ હતી અને તેમને પૃથ્વી ઉપર ફેંકાવું પડ્યું હતું.

શાયર અર્થાત્ માશૂક શેરના આ પ્રથમ મિસરામાં આદમની ઉપરોક્ત ઘટનાને માશૂકા આગળ વર્ણવતાં કહે છે કે અમે આદમનું અપમાનિત થઈને જન્નતમાંથી હાંકી કઢાયાનું સાંભળતા આવ્યા છીએ. વળી તરત જ બીજા મિસરામાં આદમની દયાજનક સ્થિતિ સાથે પોતાની હાલની સ્થિતિને સરખાવતાં તેઓ કહે છે કે અમારે પણ તારી ગલીમાંથી તારા દ્વારા આદમ કરતાં પણ વધારે બેઆબરૂ થઈને નીકળી જવું પડ્યું છે. અહીં જન્નત અને માશૂકાની ગલી અર્થાત્ નિવાસસ્થાનની સરખામણી સમજવા જેવી છે. માશૂકા સાથેનું મિલન (વિસાલ) કે સાન્નિધ્ય જન્નતનું સુખ આપનારું હતું અને માશૂકાની અવગણનાના કારણે એમને અપમાનિત થઈને તેનાથી દૂર થવું પડ્યું છે, જેનું એમને ભારોભાર દુ:ખ છે.

આ શેરના અર્થઘટનમાં નિષ્ણાતો વચ્ચે અંશત: મતાંતર છે. એક મત પ્રમાણે માશૂકનો કહેવાનો મતલબ એ છે આદમના દુર્ભાગ્યની ઘટના તો દૂરના લાંબા ભૂતકાળમાં ઘટી હતી અને અમે હાલમાં એનાથીય વધારે એવી જ  હકાલપટ્ટીની પીડાદાયક વેદના અનુભવી રહ્યા છીએ. બીજા મત પ્રમાણે લોકો આદમની કફોડી હાલત ઉપર દયા ખાય છે, પરંતુ અહીં માશૂક તો એમ માને છે કે તેઓ તો માશૂકાથી પેલા આદમ કરતાં વધારે બદનામ થયા હોઈ તેઓ વધુ દયાને પાત્ર છે. બીજા મિસરાના આરંભે મુકાયેલો ‘બહુત’ શબ્દ પણ  બીજા મતને સમર્થન આપે છે. ગ઼ાલિબના શિષ્ય અલ્તાફ હુસૈન હાલી (ઈ.સ. ૧૮૩૭-૧૯૩૦) દ્વારા લિખિત ગ઼ાલિબનું જીવનચરિત્ર ‘યાદગાર-એ- ગ઼ાલિબ’ માં પણ તેમણે આ ‘બહુત’ શબ્દના વજનને સમજાવતાં નોંધ્યું છે કે ‘બહુત’ શબ્દ આદમ કરતાં પણ માશૂકનું વધારે અપમાન થયાનું જણાવે છે.

(ક્રમશ: આંશિક ભાગ-૨)

* * *

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)

વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગ઼ઝલ ક્રમાંક – 220)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

 

Tags: , , , ,

(548) ભૂલો કરે તું માનવ (ગ઼ઝલ) – ૯

તકતી – ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા (મુઝારીઅ અખરબ)

ભૂલો કરે તું માનવ બહુસંખ્ય જગ મહીં
એ તો ભમાવતી તુજને ખૂબ જગ મહીં

શીખ્યો જરી ન આદમની ભૂલ પારખી
એથી જ તો કરે તું રઝળપાટ જગ મહીં

જન્નત ગુમાવવી જ પડી એક ભૂલથી
બન્યા જ પાયમાલ વ બદહાલ જગ મહીં

શેતાનના ફરેબ થકી છેતરાઇને
ફેંકાવું પડ્યું હાય હવા સાથ જગ મહીં

શેતાન છેતરે તુજને માનવી બની
ઇતબાર કર ન અંધ બની સાવ જગ મહીં

‘માનવ છું, ભૂલ થાય’ કહી એમ જાતને
કરતો ગયો થતી ગઇ ભૂલોય જગ મહીં

અનજાનપણું કરાવતું ભૂલો કદી કદી
એ માફ છે ખચિત જ ભલે થાય જગ મહીં

ભૂલો સતત કરી તું ન નાદાન થા ‘વલી’
આયુષ સકળ સફળ કર થઇ શૂર જગ મહીં

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૧૯૧૧૧૭)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હુંગ્રુપ તા. ૨૧૧૧૧૭)

 

 

 

 

 

 
3 Comments

Posted by on November 30, 2017 in ગ઼ઝલ

 

Tags: , ,