
આહ કો ચાહિએ ઇક ઉમ્ર અસર હોતે તક (શેર ૫ થી ૬)
હમ ને માના કિ તગ઼ાફ઼ુલ ન કરોગે લેકિન
ખ઼ાક હો જાએઁગે હમ તુમ કો ખ઼બર હોતે તક (૫)
[તગ઼ાફ઼ુલ= અવગણના; ખ઼ાક=માટી]
ગ઼ઝલના અન્ય શેરની સરખામણીએ આ શેર સરળ છે તો ખરો, પણ તેમાં ઘુંટાયેલી આશિકી અને દર્દ એવાં તો સંવેદનશીલ છે કે બીજા મિસરાના પઠન વખતે ભાવક એવો તો ભાવવિભોર બની જાય કે જાણે તે પોતે જ અવસાન પામી ચૂક્યો છે અને હાય અફસોસ કે માશૂકાને તેની ખબર સુદ્ધાં પણ નથી! મૌલિક અને અલૌકિક સાહિત્યસર્જનની એ તો ખૂબી હોય છે કે તેમાં ભાવક સર્જકનો હમદર્દ બની રહે છે.
પ્રથમ મિસરાના પઠનમાં ‘લેકિન’ શબ્દ આવે ત્યાં સુધી માશૂકની જેમ આપણે પણ આશાવાદી રહીએ છીએ અને પાકો યકિન ધરાવીએ છીએ કે તેણી માશૂકની અવહેલના કદીય કરશે નહિ; પરંતુ ‘લેકિન’ શબ્દ આપણા અને માશૂકના ભ્રમનો ભુક્કો બોલાવી દે છે કે માશૂકા એવી તો કઠોર છે કે તે કદીય દાદ આપશે નહિ. અહીં ગ઼ાલિબની શબ્દ પાસેથી કામ લેવાની કાબેલિયત તો જુઓ કે ‘લેકિન’ શબ્દ માત્ર જ આપણને ઘણું કહી જાય છે.
બીજા મિસરામાં હૃદયને હલાવી નાખતી માશૂકની વેદના એવી રીતે પડઘાય છે કે માશૂકાની બેરહમીનો કરુણ અંજામ માશૂકના મોતથી જ આવશે. આમ માશૂક માશૂકાને આગાહ કરતાં જણાવે છે ભલે તેમની ચાહતનો પ્રતિભાવ ન મળે તોય તેઓ તો જીવનભર પોતાના પક્ષે માશૂકાને ચાહતા જ રહેશે. વળી આમ ને આમ ચાહતાં ચાહતાં જ મોત આવી જશે અને માશૂકાને આ સમાચારની જાણ થવા પહેલાં તો કબ્રમાં દફન થતાં તેમનું અસ્તિત્વ માટીમાં ફેરવાઈ પણ ગયું હશે. આખીય ગ઼ઝલમાં આપણે જોઈએ છીએ કે ‘હોતે તક’ રદીફને દરેક શેરમાં પૂર્ણ ન્યાય અપાયો છે.
કોઈ મીમાંસકો આ શેરને માશૂકના માશૂકા તરફના ટોણા કે કટાક્ષ તરીકે જુએ છે. તેમનું માનવું એમ છે કે માશૂક માને તો છે જ કે એક વખત એવો આવશે કે માશૂકાનો પ્રેમ તેમના તરફ ઊભરાશે તો ખરો, પણ તે એટલું બધું મોડું થઈ ગયું હશે કે માશૂક કબ્રમાં માટી થઈ ગયા હશે! અહીં આપણે ગુજરાતી કવિ ઉમાશંકર જોશીના ‘બળતાં પાણી’ કાવ્યની અંતિમ પંક્તિ ‘અરે એ તે ક્યારે ભસમ સહુ થઈ જાય પછીથી’ને સાંકળી શકીએ. સંક્ષિપ્તમાં આ કડીને સમજીએ તો નદીના જન્મદાતા પહાડમાં લાગેલા દવને હોલવવા માટે નદી ઝડપથી વહીને, સમુદ્રમાં ભળીને, વાદળ બનીને વરસવા ઇચ્છે છે, પણ ત્યાં સુધીમાં તો બધું બળીને ભસ્મ થઈ ગયું હશે!
* * *
પરતવ-એ-ખૂર સે હૈ શબનમ કો ફ઼ના કી તા‘લીમ
મૈં ભી હૂઁ એક ઇનાયત કી નજ઼ર હોતે તક (૬)
[પરતવ-એ-ખ઼ુર= સૂર્યનાં કિરણો; શબનમ= ઝાકળ; ફ઼ના= મરી ફીટવું; ઇનાયત= કૃપા, મહેરબાની]
ગ઼ાલિબ તેમના શેરમાં ઉપમાઓ (Similes) અને દૃષ્ટાંતો આપવામાં માહિર છે, વળી એ ઉપમાઓ કે દૃષ્ટાંતો ચીલાચાલુ ન હોતાં વિશિષ્ઠ હોઈ કાબિલે તારીફ પણ હોય છે. પ્રાકૃતિક દૃશ્યો પરત્વેની તેમની અવલોકનશક્તિ ગજબની હોય છે. વળી ભાષાના અલંકારો તેમના કથનને સંપૂર્ણ રીતે સહાયક બની રહે છે. શેરના પ્રથમ મિસરામાં ગ઼ાલિબ વૃક્ષોનાં પાંદડાં કે ફૂલની પાંખડીઓ ઉપર વહેલી પરોઢે બાઝતાં ઝાકળબિંદુ અને ઊગતા સૂર્યનાં કિરણો વચ્ચેના તાલને સમજાવે છે. સૂર્યનાં કિરણો પાસેથી એ ઝાકળબિંદુઓ દરરોજ ફના થવાની જાણે કે તાલીમ લે છે, વળી માત્ર તાલીમ જ નહિ, ફના થઈ પણ બતાવે છે. અહીં આપણે જ્યારે ગ઼ાલિબને ઉપમાઓના બાદશાહ તરીકે ઓળખાવતા હોઈએ, ત્યારે આપણે પણ આપણી કલ્પનાશક્તિને થોડીક ધારદાર બનાવીને આ શેરના અર્થઘટનમાં યથાશક્તિ યોગદાન આપી શકીએ. અહીં કલ્પી શકાય કે ઝાકળબિંદુઓ સૂર્યનાં કોમળ કિરણોના સ્પર્શને ઝંખે છે. તેમની આ ઝંખનાનો ઉદ્દેશ કદાચ એ હોઈ શકે, કે તેમના કલેવર ઉપર નાનકડું પણ એક મેઘધનુષ્ય સર્જાઈ જાય અને તેમનું અલ્પકાલીન જીવન ધન્ય બની જાય. ખેર, હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ તો આ મિસરામાં ઝાકળના અસ્તિત્વની કાળમર્યાદા બતાવાઈ છે. સૂર્યકિરણોનો સ્પર્શ થયો ન થયો અને તે ઝાકળ બિદું બાષ્પ બનીને હવામાં ભળી જાય છે, હાલ સુધી જે દૃશ્યમાન હતું તે અદૃશ્ય બની જાય છે.
હવે ગ઼ાલિબ શેરના પ્રથમ મિસરામાંના દૃષ્ટાંતને આધાર બનાવીને પોતાની કેફિયત રજૂ કરે છે. માશૂક માશૂકાને પૂર્ણત: પામવાની આશા તજી દઈને તેની માત્ર કૃપાદૃષ્ટિને સ્વીકાર્ય ગણી લે છે. ‘મૈં ભી હૂઁ’ એવા એકાક્ષરી ત્રણ શબ્દો મિતભાષી હોવા છતાં તે ‘મારું પણ અસ્તિત્વ’ એમ સમજાવી જાય છે. પેલા ઝાકળના બિંદુની જેમ જ માશૂકાની રહેમનજરની એક ઝલક જોવા મળી જાય કે પછી તરત જ માશૂક ફના થઈ જવા તૈયાર છે. આમ માશૂકનું અસ્તિત્વ જે ટકી રહ્યું છે; તેનો એકમાત્ર આશય છે, માશૂકાની અમીદૃષ્ટિને જીવનની આખરી પળે માણી લેવાનો. આ મિસરાનો બીજો ઇંગિત અર્થ આમ પણ લઈ શકાય માશૂકાની રહેમનજરની આખરી ઝલક જોવા મળ્યાના આનંદના અતિરેકમાં તે માશૂકના મોતનું કારણ પણ બની જાય!
કવિવર રવીન્દ્રનાથ ટાગોરના બંગાળી ભાષામાં લખાયેલા કાવ્ય ‘ઝાકળબિંદુ’ને ઝવેરચંદ મેઘાણીએ એ જ શીર્ષકે ગુજરાતીમાં અનુવાદિત કર્યું છે, જેની પ્રારંભની પંક્તિઓ આ પ્રમાણે છે : ‘ઝાકળના પાણીનું બિંદુ, એકલવાયુ બેઠું’તુ; એકલવાયુ બેઠું’તુ, ને સૂરજ સામે જોતું’તું; સૂરજ સામે જોતું’તું, ને ઝીણુંઝીણું રોતું’તું; સૂરજભૈયા, સુરજભૈયા, હું છું નાનું જળબિંદુ’ આ કાવ્યમાંનો વિચાર પણ આપણા મિસરામાંના વિચાર સાથે સુસંગત છે, કેમ કે બંનેમાં છેવટે તો ઝાકળબિંદુ ફના થાય છે.
* * *
– મિર્ઝા ગ઼ાલિબ ( ગ઼ઝલકાર) (ક્રમશ: ભાગ-૪)
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક – 79)
* * *
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
[…] ક્રમશ: (7) […]