RSS

Tag Archives: એમ્બ્યુલન્સ

(૪૪૨) અવિસ્મરણીય અને સ્તુત્ય એક કાર્યક્રમની ઝલક

કાણોદર યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એ હતો, ‘વયોવૃદ્ધ સ્નેહસંમેલન દિવસ’ કે જેને ‘ન ભૂતો’ તો કહી શકાશે, પણ ‘ન ભવિષ્યતિ’ તો નહિ જ કહી શકાય; કેમ કે એ તરવરિયા યુવાનિયાઓએ તેમનો દૃઢ સંક્લ્પ જાહેર કરી દીધો છે કે આગામી આ પ્રકારના દિવસો તો ભવ્યાતિભવ્ય રીતે ઊજવાતા જ રહેશે.

૨૯મી ઑગસ્ટ, ૨૦૧૪ના એ દિવસે કાણોદરના મેડિકલ એરિયા આગળના એ ખુલ્લા મેદાનમાં પાંચપાંચ લક્ઝરી બસો હારબંધ લાગી ચૂકી હતી. આ બસો પૈકીની એક બસ પાલનપુરની લાયન્સ ક્લબના સૌજન્યથી પ્રાપ્ત થઈ હતી, જેના વર્તમાનકાલીન પ્રેસિડેન્ટ કાણોદરના વતની લા.શ્રી યાસીનભાઈ બંગલાવાળા છે. કેટલાંય અંગત વાહનો અશક્ત વયોવૃદ્ધોને પોતપોતાનાં નિવાસસ્થાનોએથી આ પ્રસ્થાન સ્થળ સુધી લાવવા માટે અવરજવર કરી રહ્યાં હતાં. આ સંમેલન સ્થાનિક રીતે ઊજવવાના બદલે દૂરના કોઈક પ્રાકૃતિક સ્થળે ઊજવાય તેવો ‘કાયુફા’નો દૃઢ સંકલ્પ હતો અને તેથી જ કાણોદરથી પચાસેક કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાના જાસોરની પહાડીઓ વચ્ચે આવેલા રમણીય સ્થળ બાલુન્દ્રાના મહાકાય તળાવકાંઠાની પસંદગી કરવામાં આવી હતી.

આજના આ દિવસના રંગારંગ કાર્યક્રમને ‘આખે દેખ્યા અહેવાલ’ની જેમ અત્રે પ્રસ્તુત કરવામાં તો આવશે જ, પણ આ દિવસની ઊજવણી માટેની પૂર્વતૈયારીઓની એક ઝલક દેશવિદેશમાં વસતાં કાણોદરીજનોને અને મારા બ્લોગવાચકો માટે રસપ્રદ બની રહેશે. આ કાર્યક્રમના આયોજન માટે છેલ્લા ચારચાર મહિનાથી દરરોજ એકત્ર થતા રહેતા સૌ કોઈ ‘કાયુફા’ના સભ્યોનો ઉત્સાહ અનેરો હતો. પ્રત્યેક કુટુંબોમાં રૂબરૂ જઈને એ વયોવૃદ્ધોની માત્ર નોંધણી જ નહિ, પણ એમનાં કુટુંબીજનોને લાગણીપૂર્વક વિનંતીઓ કરવામાં આવી હતી કે તેમનાં વડીલજનોને એમની સેવાસુશ્રૂષાની તક પૂરી પાડવા માટે અને એક દિવસીય પ્રવાસનો એમને આનંદ અપાવવા માટે તેમની જવાબદારી હેઠળ તેમને સોંપી દેવામાં આવે. આમ અઢીસો જેટલાં વયોવૃદ્ધોની યાદી તૈયાર થઈ ચૂકી હતી. આમાંનાં કેટલાંક વયોવૃદ્ધો તો એવાં હતાં કે તેમણે એમના દીર્ઘકાલીન જીવન દરમિયાન કદીય આ પ્રકારના કાર્યક્રમને માણ્યો ન હતો. એક વૃદ્ધા તો અંધ હતાં અને બીજા એક વૃદ્ધ તો પક્ષાઘાતના કારણે પાંચેક મિનિટે એકાદ ડગલું ભરી શકે તેવા અશક્ત હતા. એવાં કેટલાંક તો એટલાં બધાં વયોવૃદ્ધ હતાં કે જે પોતાની પંચ્યાસી-નેવું વર્ષની વય વટાવી ચૂક્યાં હતાં.

હવે આપણે લક્ઝરી બસોના અડ્ડા પાસે આવી જઈએ. આયોજકોનું એટલું સરસ આયોજન હતું કે દરેક વડીલજનને અગાઉથી જ તેમના બસનંબરની જાણ કરી દેવામાં આવી હતી અને તેમની બેઠકોની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. વિધુર કે વિધવા એકલ વૃદ્ધજનને બાદ કરતાં જે અખંડિત યુગલો હતાં, તેમને શક્યત: પાસેપાસે બેઠકો ફાળવવામાં આવી હતી કે જેથી તેઓ એકબીજાંની સસ્નેહ કાળજી લઈ શકે અને પોતાના સુખદ યૌવનકાળને વાગોળી શકે.

મૂળ વાતના તંતુએ જોડાઈએ તો બસમાં સ્થાન ગ્રહણ કરતાં જ દરેક પ્રવાસીએ કોઈ વિમાનમાં સફર કરતાં હોય તેવો ભાવ અનુભવ્યો હતો. એરહોસ્ટેસની જેમ દરેક બસમાં બબ્બે બસહોસ્ટેસ બસના પગથિયે સત્કારવા માટે હાજર હતાં. તેમણે સ્મિતમઢ્યા ચહેરે પીપરમીંટ અને વિવિધ સ્વાદયુક્ત ગોળીઓની ટ્રે દરેકના સામે ધરી દેતાં એકએક બેબી મિનરલ વૉટરની બૉટલ અને ગાર્બેજ માટે પોલિથિનબેગ આપી દીધાં હતાં. પેય પાણીની બેબીબૉટલ પાછળનો તેમનો ખ્યાલ (Concept) એ પણ કદાચ હોઈ શકે કે બુઢ્ઢાપણ અને બાળપણ એક સમાન !!! હા.હાહા..હાહાહા…

એકાદદોઢ કલાકની સફર દરમિયાન હસીમજાક, ટોળટપ્પા, ગીતગાન અને રમુજી ટુચકાઓના આદાનપ્રદાન થકી બધાંને એવો અહેસાસ થયો હતો કે આંખના પલકારામાં સૌ ગંતવ્યસ્થાને પહોંચી ગયાં. બસોમાંથી ઊતરતાં જ જંગલમાં મંગલ જેવું દૃશ્ય નજરો સામે ખડું થઈ ગયું હતું. કોણ જાણે કેટલાય દિવસોની મહેનત હશે, પણ ત્યાં કોઈ લગ્નપ્રસંગ હોય તેવો વિશાળ શમિયાણો જોવા મળ્યો. વૃદ્ધજનોને જમીન ઉપર બેસવું ન ફાવે તેવી ચિંતા સાથે હારબંધ ખુરશીઓ મૂકવામાં આવેલી હતી. ઠંડા મિનરલ વૉટરના કેરબા અને પાણીના પ્યાલાઓ મોજુદ હતા. ગામના કેટલાય ફોટોગ્રાફરો અને સ્માર્ટ મોબાઈલધારકો તસ્વીરો ઝડપી રહ્યા હતા અને ત્વરિત ઑસ્ટ્રેલીઆ, કેનેડા,અમેરિકા અને કેટલાય દેશોમાં વસતાં કાણોદરનિવાસી કુટુંબોને એ તસ્વીરો પહોંચાડવામાં આવી રહી હતી. વચ્ચે પાર્ક થએલી એસ.ટી. બસોના બેક ગ્રાઉન્ડમાં તમામનો સમૂહ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો. બપોરના ભોજન પહેલાંનો બેત્રણ કલાકનો સમયગાળો દરેકને મુક્ત રીતે વિહરવા, આપસમાં વાતો કરવા અને પોતપોતાને ઠીક લાગે તેવાં વર્તુળોમાં પસાર કરવા માટે આપવામાં આવ્યો હતો. ભાઈબહેનોના એક જૂથમાં એક સન્માનીય વયોવૃદ્ધશ્રીએ ફરમાઈશ થતાં ‘આંધળી માનો કાગળ’ કાવ્યને ભાવસભર રીતે ગાઈસંભળાવીને બધાંની આંખોમાં અશ્રુ છલકાવી દીધાં હતાં. ચારસોએક જેટલાં પગથિયાં ચઢીને નજીકની પહાડી ઉપરના કેદારનાથના મંદિરની મુલાકાત લેવા ઇચ્છુક સશક્ત વૃદ્ધોને પહાડની તળેટી સુધી પહોંચાડવા માટે બસો ફેરા કરી રહી હતી. કોઈ અઠે દ્વારકા સમજીને આગળ વધ્યાં ન હતાં, કોઈક અડધેથી પાછાં વળી ગયાં હતાં તો કેટલાંકે તો વળી મંઝિલને સર કરી બતાવી હતી.

બપોરના જમવાના સમય પહેલાં ગરમાગરમ ગોટા અને ચટાકેદાર ટૉમેટો કેચ-અપ સાથે ઈન્ડીઅન ટૉનિક સમી, રાષ્ટ્રીય પીણા તરીકે ખ્યાતનામ અને કાણોદરિયાં માટે તો ગળથૂથીથી જ પ્રિય એવી ચાહતભરી ચાની કીટલીઓ ડિસ્પોજેબલ ગ્લાસો સાથે ફરી રહી હતી. ગણ્યાંગાંઠ્યાં ચા ન પીનારાં માટે દૂધ આપવામાં આવતું હતું, તો વળી મધુપ્રમેહ (Diabetes)નાં દર્દીઓ માટે શર્કરામુક્ત ચાની વ્યવસ્થા પણ હતી. બપોરના ભોજન (Lunch) માટે ‘કાયુફા’ના સભ્યો દ્વારા જ સ્વયંપાકી રસોઈ તૈયાર કરવામાં આવી હતી. સંપૂર્ણ અને શુદ્ધ શાકાહારી ભોજનમાં રાજા સમાન ચુરમાના લાડુ (Sweet Balls)ની મુખ્ય વાનગી હતી. વૃદ્ધોને ચાવવામાં તકલીફ ન પડે તે માટે સૂકા મેવા (Dry fruits)ને ઝીણા કચરવામાં આવ્યા હતા. જાહેર જમણોમાં સમુદાયના જ નિષ્ણાત રસોઈઆઓ દ્વારા બનાવવામાં આવતી સ્વાદિષ્ટ દાળની લઘુ આવૃત્તિ અહીં મોજુદ હતી. આંગળામાં જ વેરાઈ જાય તેવી કૂણીકૂણી રોટલીઓ અને ઉમદા ચાવલમાંથી બનાવવામાં આવેલો વેજિટેરિઅન પુલાવ જેને લૂખો ખાવાનું મન થાય તેવો બન્યો હતો. પંગતમાં બેસીને તથા ટેબલખુરશી ઉપર બેસીને જમવાની વ્યવસ્થા હતી. લેડીઝ ફર્સ્ટ પછી પુરુષવર્ગનો વારો આવ્યો હતો. વગડા કે જંગલમાં વધુ ભૂખ લાગે તે ન્યાયે બધાંએ ઝાપટીને ખાધું હતું.

જમ્યા પછીની વામકુક્ષિ અને હળવી ગમ્મતમજાકો દ્વારા બપોરના સાડાત્રણ વાગ્યા સુધીનો સમય પસાર કરવાનો હતો. બપોરની ચાની ટેવ ધરાવનારાં સૌ કોઈની સરભરા માટે ચાની કીટલીઓ વણથંભી ફરી રહી હતી. મિનિટેમિનિટની કાળજી લેનારાં ‘કાયુફા’નાં યુવકયુવતીઓના ચહેરાઓ આનંદથી છલકાતા હતા. બહેનો પણ અનેક પ્રકારની મહિલાઓ અને બાળકલ્યાણને લગતી પ્રવૃત્તિઓ કરતા સ્થાનિક મહિલામંડળનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. વડીલોની સેવાભાવના અને તેમના પ્રત્યેના અહોભાવના ભાગરૂપે એક ફરજરૂપે અંજામ અપાતા આ કાર્ય માટે કોઈપણ વડીલજન મોંઢેથી આભાર શબ્દનો ‘આ’ અક્ષર પણ ન ઉચ્ચારે તેવી વિનંતીઓ વારંવાર કરવામાં આવી રહી હતી. સંસ્થાના પદવીધારકો પણ પ્રશંસનીય નમ્રતા બતાવતાં કહેતા જતા હતા કે આ સમગ્ર કાર્યક્રમ દરેક સંસ્થાસભ્યના સહિયારા પારિશ્રમિક, આર્થિક અને સમયભોગના ફળસ્વરૂપે પાર પડ્યો હોઈ કોઈ વ્યક્તિવિશેષ નહિ પણ નામી-અનામી કે પ્રત્યક્ષ-પરોક્ષ સૌ કોઈ તેના યશભાગી છે. આમ વ્યક્તિગત નામજોગ કોઈ ઉલ્લેખ ન કરવાની પણ વિનંતી કરાઈ હતી.

લગભગ સાંજે ચાર વાગ્યે મનોરંજન કાર્યક્રમ શરૂ થયો હતો. લા.શ્રી યાસીનભાઈ બંગલાવાળાના મિત્રવર્તુળમાંથી કાણોદર ગામને પોતાના વતન સમાન ગણતા શ્રી કનુભાઈ જોષી, ટી.વી. કાર્યક્રમો અને અન્ય પ્રોગ્રામો થકી ગુજરાતભરમાં જાણીતા હાસ્યકલાકાર શ્રી ભરતભાઈ રાવલ, મધુરકંઠી ગાયક શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, લા.શ્રી કનુભાઈ દવે અને લા.શ્રી મહેન્દ્રભાઈ કશ્યપ કાર્યક્રમમાં સહભાગી અને સહયોગી બન્યા હતા. લા.શ્રી કનુભાઈ દવેએ ચારિત્ર્યઘડતરને ઉજાગર કરતું નાનકડું વક્તવ્ય આપ્યું હતું. લાયન્સ ક્લબ, પાલનપુરના સહયોગથી પ્રાપ્ત થએલી મ્યુઝિક સિસ્ટમ સાથેના સહગાન ઉપરાંત હાસ્યટુચકાઓ અને જાદુના પ્રયોગો દ્વારા સૌને ભરપુર મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. ચાની કીટલી તો અક્ષયપાત્રની જેમ સભામાં ફર્યે જતી હતી. કનુભાઈ જોષીએ પોતાના વક્તવ્યમાં પાલનપુર ખાતે છેલ્લાં પાંચેક વર્ષોથી ચલાવવામાં આવતી તેમની સેવાભાવે ચલાવાતી હાસ્યક્લબનો પરિચય આપ્યો હતો. તેમણે તંદુરસ્ત અને તનાવમુક્ત જીવન જીવવા માટે માનવજીવનમાં હાસ્ય કેટલું ઉપકારક છે તેની માહિતી અને પ્રયોગો કરી બતાવવા ઉપરાંત કાણોદર ખાતે એ પ્રવૃત્તિ શરૂ કરવા માટેનો પૂરો સહકાર આપવા માટેની ખાત્રી પણ આપી હતી. વચ્ચેવચ્ચે જે તે કાર્યક્રમો આપતા જતા મિત્રોને પ્રોત્સાહન રૂપે બાળઉછેર માટેની લાયન્સ ક્લબ, પાલનપુર દ્વારા પ્રકાશિત પુસ્તિકા પુરસ્કારરૂપે આપવામાં આવ્યે જતી હતી. વળી ઑગસ્ટ મહિનામાં જન્મેલાં વયોવૃદ્ધોનું બહુમાન કરીને તેમને પણ આ પુસ્તિકાઓ ભેટરૂપે આપવામાં આવી હતી.

મનોરંજન કાર્યક્રમ પછી તરત જ વિદાય થવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. સૌ કોઈ ભાવવાહી સ્વરે અને હસ્તધૂનને એકબીજાંની વિદાય લઈને પોતપોતાની બસોમાં ગોઠવાયાં હતાં. પાછા ફરતાં કોઈના ચહેરા ઉપર કોઈ થાક વર્તાતો ન હતો. સવારે સૌ આવ્યાં હતાં તેવા જ તાજગીસભર ચહેરે અને પ્રફુલ્લ મિજાજમાં સૌ કોઈ હતાં. વળતાં પણ સવારની જેમ જ બસમાં હળવાશભરી ચેષ્ટાઓએ અને દિલ્લગીસભર વાતો કરતાંકરતાં સૌ કાણોદર પરત ફર્યાં હતાં. બસો ઊભી રહી કે તરત જ બધાંને જલ્દી ન ઊતરી પડવાની વિનંતી કરવામાં આવી હતી, કેમ કે હજુ બધાંને છેલ્લું એક સરપ્રાઈઝ આપવાનું બાકી હતું. બાલુન્દ્રા ખાતે લેવાએલી સમૂહતસ્વીરને કાણોદર ખાતે તાત્કાલિક મોકલી દેવામાં આવી હતી, જેના ઉપર જરૂરી પ્રક્રિયા કરીને તેને મોટા કદની ફ્રેમોમાં મઢી દેવામાં આવી હતી અને પ્રત્યેક યુગલ કે વ્યક્તિને આપી દેવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજિના સમુચિત ઉપયોગની અને તેની ત્વરિતતાની આનાથી વધારે સારી મિસાલ કઈ હોઈ શકે.

IMG_1720

સમાપને, સમગ્ર કાર્યક્રમના આયોજકોનો આભાર માનવાનો નિષેધ હોઈ એ ઔપચારિકતામાં ન પડતાં એટલું તો અવશ્ય કહીશ કે આ લેખના શીર્ષક પ્રમાણે વિશ્વબંધુત્વની ભાવના તરફની આ કાર્યક્રમ દ્વારા એકાદ ડગલું પણ આગળ વધવાની યુવકયુવતીઓની કોશિશ, ભલે ને પોતાના જ સમુદાયથી શરૂ થઈ હોય, હજુ આગળ વિસ્તરશે તે નિ:શંક છે. આમેય આ યુથ ફાઉન્ડેશને સાર્વજનિક સમાજોપયોગી એવા રક્તદાન કાર્યક્રમો, રોગનિદાન યજ્ઞો, નેત્રશિબિરો, એમ્બ્યુલન્સસેવા, મધ્યમવર્ગીઓને રાહતદરે અને ગરીબોને તો મફત દવા મળી રહે તેવાં રાહતભંડોળો, મનોરંજન કાર્યક્રમો અને અંધજનમંડળ જેવી સંસ્થાઓને ફંડપ્રાપ્તિ માટે સહાયભૂત થવા જેવાં અનેક કાર્યોને અંજામ આપ્યો જ છે.

એક વાત સૌ કોઈથી સુવિદિત હશે જ કે માનવતાનાં આવાં કાર્યોમાં નાણું એ તો અનિવાર્ય અંગ હોય છે અને એવા કોઈ મનોરંજન કાર્યક્રમો દ્વારા કે સીધી રીતે આ ફાઉન્ડેશન જ્યારે ફંડફાળાની લોકો સમક્ષ ટહેલ નાખે, ત્યારે સુખી અને સમૃદ્ધ લોકોએ તેમની ઝોળી છલકાવી દેવી જોઈએ. નાણાંનો ભોગ આપવો તો આસાન છે, પણ સમયનો ભોગ આપવો એ નાનીસૂની વાત નથી. પોતપોતાના નોકરીધંધામાં વ્યસ્ત એવાં ‘કાયુફા’ના સભ્યો પોતાના તરફના અંગત ફંડફાળાઓ ઉપરાંત આ જે વિશેષ જદ્દોજિહાદ કરી રહ્યાં છે, તેમને પીઠબળ પૂરું પાડવું તે સ્થાનિક અને વિદેશસ્થિત ગ્રામજનોની નૈતિક ફરજ બની રહે છે.

– વલીભાઈ મુસા

નોંધ : –

મનોરંજન કાર્યક્રમમાં આમંત્રિત કલાકારોને પ્રાધાન્ય આપવાનું હોઈ સમયના અભાવે મારું એક હાસ્યકાવ્ય પ્રસ્તુત થઈ શક્યું ન હતું, જે નીચે આપવામાં આવે છે.

કૌન ગીરા ? (વ્યંગ કાવ્ય)

Fallen Man

(અછાંદસ)

‘કૌન ગીરા ?’
‘અરે ! કૌન ગીરા ?’
બંગલેમેં કોઈ હૈ કિ નહિ !
કમબખ્ત સબ નૌકર ચાકર ભી મર ગએ કિ ક્યા ?
કોઈ સુનતા કયોં નહિં !
મૈં પૂછતા હું કિ અભીઅભી કિસીકે ગીરનેકી આવાજ આઈ,
બતાઓ તો સહી કિ વહ કૌન ગીરા ?
એક ચાકર દૌડતા આયા ઔર કહને લગા,
માલિક આપ ગીરે હૈ !
સચમુચ મૈં ગીરા હું ?
હાં જી, આપ હી ગીરે હૈ, કોઈ શક હૈ કિ ક્યા !
નહિ, નહિ ! અબ તો કોઈ શક નહિ !
ક્યોં કિ અબ મૈં દર્દ મહસુસ કર રહા હું !
લગતા હૈ, ભારી ચોટ લગી હૈ, ઊઠા ભી નહિ જાતા !
સબ મિલકે મુઝે ઊઠાઓ,
ઔર પલંગમેં લે લો, સમ્હાલના,
ફિરસે મત ગીરાના, વરના મુઝે ફિરસે પૂછના પડેગા,
કૌન ગીરા?
– વલીભાઈ મુસા

 

 
4 Comments

Posted by on September 1, 2014 in અહેવાલ

 

Tags: , , , , , , , , , , , ,