RSS

Tag Archives: એલાર્મ ઘડિયાળ

(૪૧૮) હાસ્યમોતીની કંઠમાળા (૫)

(૨૯) મારી મિત્ર કામે જવા મોડી પડી હતી અને તેથી ગાડી ઝડપથી હંકારી રહી હતી. વચ્ચે ટ્રાફિક પોલિસે તેને અટકાવી, ત્યારે તેણે આજીજીપૂર્વક કહ્યું કે ‘મારી પાસે સમય નથી અને આમેય હું મોડી પડી છું.’ પોલિસે  ટિકિટબુક કાઢતાં કહ્યું, ‘મેડમ, ચિંતા કરશો નહિ. હું ઝડપથી લખી શકું છું !’ (Bona Sijabat – RD)

(30) મારા પતિએ ૮૨ વર્ષની ઉંમરે પહેલીવાર પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી. પાસપોર્ટ એજન્ટે  જન્મનું પ્રમાણપત્ર માગ્યું. તેમણે કહ્યું, ‘મારો જન્મ ક્યાંય નોંધાવેલો ન હોઈ એ મેળવવું શક્ય નથી.’ એજન્ટે માર્ગ બતાવ્યો, ‘તો પછી તમને જન્મ અપાવનાર ડોક્ટરનું નોટરી સમક્ષનું સોગંદનામું રજૂ કરો.’ (Elgarda Ashliman – RD)

(૩૧) મારા પતિએ હૃદય બદલવાની શસ્ત્રક્રિયા કરાવી હતી. તેમને હંમેશાં ડર રહ્યા કરતો હતો કે માણસનું શરીર ઘણીવાર આવા બાહ્ય અવયવોને જલ્દી સ્વીકારી લેતું નથી હોતું. એક દિવસે હાંફળાફાંફળા કપડાં પહેરીને પોતાના શયનખંડમાંથી બહાર આવીને હાશકારો કરતાં મને કહ્યું, ’મને આજે તો ડર લાગી ગયો હતો કે ફરી મારા ઉપર હૃદયરોગનો હૂમલો થઈ ચૂક્યો છે, કેમ કે હું મારો ડાબો પગ ઉપાડી શકતો ન હતો. પરંતુ પછી મે નીચે જોયું તો મારા ડાબા પગના બુટની દોરી ઉપર મારો જમણો પગ મુકાઈ ગયો હતો !’ (Pamela Kent – RD)

(૩૨) મારા કોમ્પ્યુટરમાં અચાનક કંઈક ખરાબી થઈ ગઈ હતી. હું તેને ઠીક કરવા મથામણ કરી રહ્યો હતો, ત્યાં તો મારા એક વિદ્યાર્થીએ મને તરત જ જણાવી દીધું કે, ‘તમારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ખરાબ થઈ ગઈ છે.’ મેં તરત જ કોમ્પ્યુટર સર્વિસ એજન્સીને ફોન કરીને જણાવી દીધું કે ‘ મારું કોમ્પ્યુટર કામ કરતું નથી. તેની હાર્ડ ડિસ્ક ખરાબ થઈ ગઈ છે.’ સામેથી કહેવામાં આવ્યું, ‘જો કે હાલમાં તો કોઈ માણસને મોકલી શકાય તેમ નથી, પણ તમને તમારા કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ખરાબ થઈ ગયાની ખબર શી રીતે પડી ?’ મેં જવાબ આપ્યો, ‘મારા એક વિદ્યાર્થીએ મને આમ કહ્યું છે.’ તરત જ જવાબ મળ્યો, ‘તો તો હમણાં જ કોઈક માણસને મોકલી દઉં છું !’ (Rolf  Eklund – RD)

(૩૩) એક માતાએ તેના દીકરાની શિક્ષિકાને કહ્યું, ‘મારો હેરી બહુ જ લાગણીશીલ છોકરો છે. તમારે તેને સજા કરવાની જરૂર પડે, તો તમારે તેની પાછળની પાટલીના છોકરાને એક તમાચો જડી દેવો. આમ કરવા માત્રથી જ તે ગભરાઈ જશે !’ (James Mcminn – RD)

(૩૪) ડેવ ઓફિસે મોડો પડ્યો. બોસે ગુસ્સાથી પૂછ્યું, ‘આજે મોડા પડવાનું તમારું મોટું કયું બહાનું છે, તે જણાવશો જરા ?’ ડેવે સાવ હળવેથી જવાબ આપ્યો, ‘સર, અમારા એલાર્મ ઘડિયાળે ઘરમાં મારા સિવાય બધાંને જગાડી દીધાં !’ બોસે આગળ પૂછ્યું, ‘એ સમજાવશો જરા કે એ કેવી રીતે ?’ ડેવે ઠાવકાઈથી કહ્યું, ‘સર, અમારા કુટુંબમાં અમે આઠ જણ છીએ અને ઘડિયાળના એલાર્મને સાત ઉપર ગોઠવવામાં આવ્યું હતું !’ (Jovelyn  Alcantara – RD)

(૩૫) મારા ભાઈ ટેરીને તેના પ્રિન્સીપલે અનેક ચેતવણીઓ આપી હોવા છતાં દરરોજ  તે સ્કૂલના મેદાનનાં ઝાડો ઉપર ચઢી જતો હતો. છેવટે પ્રિન્સીપલે કંટાળીને અમારા ઘરે ફોન કર્યો. મારી માએ ફોન ઉપાડ્યો. પ્રિન્સીપલે કહ્યું, ’હું ટેરીના પપ્પા સાથે વાત કરવા માગું છું.’ માએ જવાબ આપ્યો, ‘સોરી, એ હાલમાં ફોન ઉપર નહિ આવી શકે. તે અમારા બગીચાના ઝાડ ઉપર ચઢીને સૂકી ડાળીઓને કાપી રહ્યા છે.’ (Joanne Robinson – RD)

-વલીભાઈ મુસા

(Abridged, adapted, summarized, edited  and translated  from “Reader’s Digest” [(August, October –  2002) – All credit goes to ‘Copy Right’ possessors.)]

 

 
2 Comments

Posted by on January 24, 2014 in લેખ, હાસ્ય

 

Tags: , , ,

(૪૦૯) હાસ્યમોતીની કંઠમાળા (૨)

(૭) મારા કાર શોરૂમમાં એક યુગલે આવીને એક કાર પસંદ કરી લીધી. અમારી વચ્ચે ભાવની રકઝક એક આંકડાએ અટકતાં મેડમ બોલી ઊઠ્યાં, ‘અમે મર્યાદિત આવક ધરાવતાં હોઈ આટલી ઊંચી કિંમત અમને નહિ પોષાય.’ છેવટે મેં ક્વોટેશન ઉપર જ્યારે મારો આખરી ભાવ લખી નાખ્યો, ત્યારે મેડમે તેને વાંચવા માટે હાથ લંબાવતાં મારી નજર તેમની આંગળી ઉપરની મુલ્યવાન હીરાની વીંટી ઉપર પડી. મેં તરત જ તેમને આવી સુંદર વીંટી પહેરવા બદલ અભિનંદન આપ્યા કે તરત જ પેલા મહાશયે ક્વોટેશન પેપર ઉપર સોદો મંજૂર હોવા બદલની સહી કરતાંકરતાં પેલાં મેડમને સંબોધીને ધીમા અવાજે ગણગણાટ કર્યો, ‘ તારે વીંટી ઘરે મૂકીને નહોતું આવવું જોઈતું, ગાંડી !’ (Brad Macomber – RD)

(૮) પોતાનો દીકરો અને દીકરી એક મહિનાના આંતરે પરણી ગયા પછી એ મેડમને તેમની બહેનપણીએ પૂછ્યું,’કહે તો ખરી, તારી દીકરીનો વર કેવો છે ?’ મેડમે જવાબ આપ્યો, ‘સરસ મજાનો ! મારી દીકરીને સવારે મોડા સુધી ઊંઘવાનું કહે છે, બ્યુટી પાર્લરમાં જવાનો આગ્રહ કરે છે અને દરરોજ રાત્રે હોટલમાં જ જમવાનું ભારપૂર્વક કહે છે !’ પેલી બહેનપણીએ તેમની પુત્રવધૂ વિષે તેમને પૂછતાં એ મેડમ નિસાસો નાખતાં બોલે છે, ‘શું કહું, અલી બાઈ ! એ તો મોડી ઊઠે છે, તેનો મોટા ભાગનો સમય બ્યુટી પાર્લરમાં વેડફે છે અને હમેશાં હોટલમાં જ જમવા જવાની જીદ પકડે છે !’ (Sabeen – RD)

(૯) મારી પ્રસુતિના અંતિમ સમયે મારો પતિ અને હું ‘આર્મિ મેડેકલ સેન્ટર’માં દાખલ થવા ગયાં. મને લાગ્યું કે હું વીસેક મિનિટમાં બાળકને જન્મ આપી દઈશ. અમારે દશેક મિનિટ સુધી રિસેપ્શન હોલમાં રાહ જોવી પડી. આ ગાળા દરમિયાન અમારી પાસે એક નર્સ આવી અને તેણીએ પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘મારું નામ કેપ્ટન સ્મિથ છે, પણ તમે મને લિસા તરીકે બોલાવી શકો છો.’ મારા પતિ વચ્ચે ટપકી પડતાં બોલી ઊઠ્યા, ‘હું ચેપ્લિન બાર્કલે છું અને તમે પણ મને ક્લિટ નામે બોલાવી શકો છો.’ મને અસહ્ય વેદના થતી હોવા છતાં મારાથી બોલ્યા વગર ન રહેવાયું અને મેં કહ્યું, “મારું નામ હોલી છે, પણ થોડાક જ સમય પછી તું મને ‘મોમ’ તરીકે બોલાવી શકે છે !” (Holly Barclay – RD)

(૧૦) એક યુગલના બેડરૂમમાં એક ઘૂસણખોર દાખલ થઈ ગયો. તેણે કહ્યું, ‘તમે લોકોએ જ્યારે મને જોઈ જ લીધો છે, તો હવે હું તમને ઠાર મારીશ.’ સૌ પ્રથમ તેણે પેલી મેડમ સામે હથિયાર તાકતાં કહ્યું, ‘ચાલો, પહેલાં હું જાણી તો લઉં કે હું જેને ઠાર મારું છું, તેનું નામ શું છે ! બોલો, તમારું નામ શું છે ?’ મેડમે જવાબ આપ્યો, ‘એલિઝાબેથ.’ પેલાએ કહ્યું, ‘તો તો હું તમને ન મારી શકું, કેમ કે મારી માનું નામ એલિઝાબેથ જ છે.’ હવે પેલો તેણીના પતિ તરફ પોતાની પિસ્તોલ ધરીને કહે છે, ‘જલ્દી બોલો, તમારું નામ શું ?’ પેલાએ ગભરાતા અવાજે જવાબ આપ્યો, “મારું નામ ‘જો’ (Joe) છે, પણ મારા મિત્રો મને ‘એલિઝાબેથ’ નામે બોલાવે છે !”  (Unknown – RD)

(૧૧) એક વિદ્યાર્થીએ પાલતુ પ્રાણીઓના સ્ટોરમાલિકને પૂછ્યું, ‘તમારી પાસે ૨૬૫ વંદા, એક કોળ (મોટો ઉંદર), તેર કરોળિયા અને ચાર નાના ઉંદર છે ?’ સ્ટોરમાલિકે જવાબ આપ્યો, ‘મારી પાસે નાના ઉંદરડાઓ તો છે, પણ બાકીના માટે પ્રોબ્લેમ થશે; પણ, ભાઈ જરા કહેશો તો ખરા કે એ બધાં તમારે શા માટે જોઈએ છે ?’ પેલા વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ‘હું મારું ભાડાનું મકાન ખાલી કરું છું. મારો મકાનમાલિક આગ્રહ સેવે છે કે હું જ્યારે એ મકાનમાં દાખલ થયો ત્યારે તે જે સ્થિતિમાં હતું તે સ્થિતિમાં જ મારે ખાલી કરવાનું છે !’ (Mia Lucassen Claessens – RD)

(૧૨) ‘એક નવીજ જાતનું એલાર્મ ઘડિયાળ બજારમાં મળે છે, જે અવાજ કરતું નથી. તે પ્રકાશ આપે છે અને તમે જ્યાં સુધી જાગો નહિ ત્યાં સુધી તેનો પ્રકાશ વધતો જ જાય છે !’ સામેવાળાએ કહ્યું, ‘હા, મારી પાસે એ છે. તમે ‘બારી’ની વાત તો નથી કરતા ?’ (Jay Leno – RD)

(૧૩) ઓછાં મુસાફરો સાથે વિમાનના ઊડવા પહેલાં તેના કર્મચારીએ હળવી મજાક કરતાં ઉતારુઓને કહ્યું, ‘સજ્જનો અને સન્નારીઓ, આપ સૌ બારી પાસેની બેઠકો ઉપર ગોઠવાઈ જાઓ કે જેથી અમારા હરીફોને એમ લાગે કે અમારું વિમાન પેસેન્જરોથી ભરેલું છે. આપના સહકાર બદલ આભાર. (Maria Figueiredo – RD)

– વલીભાઈ મુસા

(Abridged, adapted, summarized, edited  and translated  from “Reader’s Digest”(November – 2001) – All credit goes to ‘Copy Right’ possessors.)

 
1 Comment

Posted by on January 7, 2014 in લેખ, હાસ્ય

 

Tags: , , , ,