RSS

Tag Archives: કલાપી

(૩૯૨-અ) ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગેની કેટલીક અલપઝલપ વાતો

[‘વલદાની વાસરિકા’: સંપાદકીય પરિચય

શ્રી વલીભાઈ મુસા…આ નામ આંખને કે કાનને નવું તો નહીં જ લાગે. એમના બે ભાષામાં લખાતા બ્લૉગ ‘William’s Tales’ અને ‘વલદાનો વાર્તાવૈભવ’ જોયા છે ને ? આપણી વેગુની આ સાઈટની ડાબી બાજુએ ‘વેગુ સમર્થકો’ના બ્લૉગની યાદીમાં આ બન્ને બ્લૉગ નજરે પડશે.  જરૂર મુલાકાતે જજો.

 કોઇને એમ પણ સવાલ થશે એ કે આપણા બ્લૉગભ્રમણવાળાં મૌલિકા દેરાસરી અમને કેમ ત્યાં લઈ ન ગયાં? કબૂલ… કારણ માત્ર એટલું કે તેઓ તો સંપાદકોએ દોરેલી લક્ષ્મણરેખા – “ખબરદાર…! જે લોકો વેબગુર્જરી સાથે સંકળાયેલા હોય એમના બ્લૉગ પર કદી પગ ન મૂકજો!” –ને સાચવીને બ્લોગભ્રમણ કરતાં અને કરાવતાં રહ્યાં છે.

 ઓહો, ત્યારે એમ વાત છે….! હા, સાચી જ વાત છે. વલીભાઈ વેબગુર્જરી સાથે સીધી રીતે સંકળાયેલા છે.

આપણે વલીભાઈના લેખ વેગુ પર, આ પહેલાં પણ વાંચ્યા અને માણ્યા છે. તે લેખોને પણ હવે આ (નવા) વિભાગ ‘વલદાની વાસરિકા’  હેઠળ સાંકળી લીધા છે. અને તેથી જ શીર્ષકમાં (૬)નો આંકડો દૃશ્યમાન છે. હવે આ ક્રમ આગળ વધશે.

જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય તેમ તેમ થતા રહેતા ફેરફારોને અનુરૂપ, તેમના બ્લૉગની લિંક ઉપરાંત હવે એમનાં લખાણો પણ, નિયમિતપણે, વેબગુર્જરીને મળશે….ક્યારેક કોઈ શ્રેણીના ભાગરૂપે, તો ક્યારેક કોઈ નવા વિષય પર લખીને.

 આવો, આજે મંગલાચરણમાં તેમની વાસરિકાનાં પાનાં પર એમણે શું લખ્યું છે તે વાંચીએ…

    –     સંપાદકો, વેબ ગુર્જરી.]

  • * * * * *

વિદ્વાન-વિદુષી ગુજરાતી-ગુજરાતણ ભાઈ-બહેનો,

અલ્પ વિરામે હું ઉપસ્થિત છું, આપ સૌની સામે એવી કેટલીક અલપઝલપ વાતો સાથે કે જેથી આપ સૌ કંઈક હળવાશ અનુભવવાની સાથેસાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય અંગે કંઈક ખૂણાખાંચરાનું વિશેષ જાણી શકો.

(૧) શ્રી જુગલકિશોરભાઈના બ્લોગ ‘Net-ગુર્જરી’ ઉપરના કવિશ્રી સુંદરમ રચિત ‘અનુસ્વાર અષ્ટક’ના વાંચન દ્વારા હળવા મનોરંજન સાથે જોડણીમાંની અનુસ્વારની ગંભીરતાને સુપેરે સમજી શકાશે.

(૨) ગુજરાતી વ્યાકરણમાં એક્વચન/બહુવચન માટેનો કંઈક આવો નિયમ છે : “બે અથવા બેથી વધારેને બહુવચન કહેવાય.” (હિંદીમાં દ્વિવચન પણ છે.) હવે આ નિયમ આ ઉદાહરણમાં ખોટો પડતો લાગશે. એક (૧.૦) રૂપિયો, સવા (૧.૨૫) રૂપિયો, દોઢ (૧.૫) રૂપિયો, પોણા બે (૧.૭૫) રૂપિયા ! અહીં દોઢ (૧.૫) સુધી એકવચન રહે છે, પરંતુ પોણા બેથી (નહિ કે બે થી !) બહુવચન શરૂ થાય છે !!!

(૩) કવિશ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ દ્વારા લિખિત ખંડકાવ્ય “વસંતવિજય”માં ‘કંપમાના પડે/લીધી માદ્રી નરેન્દ્ર ભુજની મહીં” પંક્તિમાંના ‘પડે/લીધી’ શબ્દોને પુસ્તકના છાપકામ દરમિયાન અનેક વાર બદલાવાયા હતા.

(૪) કવીશ્વ્રર દલપતરામ અને એલેકઝાન્ડર કિન્લોક  ફોર્બ્સ વચ્ચે એક ગેરસમજના કારણે વિવાદ ઊભો થયો હતો. ફોર્બ્સને દલપતરામ પાસેથી ગુજરાતી શીખવું હતું. ફોર્બ્સે (અંદાજે લખું છું, સત્તાવાર આંકડો ગૌણ બાબત છે.) રૂ|. ૨૫૦/- ટ્યુશન ફી કહી. દલપતરામે કહ્યું હતું, ‘અમે એક દીકરી સાથે કુટુંબમાં ત્રણ જણ છીએ. મને આટલી ઓછી રકમ નહિ પોષાય.’ પાછળથી ખુલાસો થયો કે ફોર્બ્સે એ રકમ દર મહિને આપવાનું કહ્યું હતું અને દલપતરામ એ રકમને વાર્ષિક સમજ્યા હતા. એ જમાનામાં ખેતસાથીઓનો પગાર વાર્ષિક બોલાતો હતો. આજે અમેરિકામાં નોકરિયાતનો પગાર વાર્ષિક બોલવાનો રિવાજ છે. આંકડો મોટો દેખાડવાનો આશય તો નહિ હોય ને !

(૫) દલપતરામે તેમના કાવ્યસર્જનમાં વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રથમ કડી આ લખી હોવાનું મનાય છે. ‘સાગ (બારસાખ/મોભ)  ઉપર કાગ બેઠો અને રથે (ઘંટીએ) બેઠાં રાણી (પત્ની), બંદા બેઠા માંચીએ (ખાટલે) અને દુનિયા ડહોળે પાણી’ દલપતરામની પ્રારંભિક કાવ્યરચનાઓ જોડકણાં પ્રકારની હતી.

(૬) ઉત્તમ વાર્તાકાર રા. વિ. પાઠકે ‘ખેમી’ વાર્તામાં કોઈ અલંકારો કે એવા કોઈ ભારેખમ વર્ણન વગર માત્ર ‘ખેમી રાંડી’ એવા બે શબ્દો દ્વારા કરુણરસ જમાવ્યો હતો.

(૭) સાહિત્યમાં, ઘણી વાર આલંકારિક પ્રતિકાત્મક શબ્દપ્રયોગો એક અથવા બીજી રીતે તેમ જ યથાવત્ અથવા ઓછા કે વધતા અંશે રૂપાંતરિત સ્વરૂપે મળતા આવતા હોય છે. જ્યારે હું અનુસ્તાક કક્ષાએ અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એકીસાથે મારે ગુજરાતીમાં શ્રી ગોવર્ધનરામ એમ. ત્રિપાઠી રચિત ‘સરસ્વતીચન્દ્ર’ ભાગ-૪ અને અંગ્રેજીમાં Thomas Hardy રચિત ‘The Return of the Native’ વાંચવાનું બન્યું હતું. મેં મારા ગુજરાતી અને અંગ્રેજીના બંને વિભાગીય વડા સાહેબો (HOD)ના ધ્યાને એક વર્ણન તે બંનેમાં સમાન હોવાની વાતને લાવી દીધી હતી. બંને વર્ણનો અનુક્રમે નદી અને પહાડી પગદંડી વિષેનાં હતાં. એ બંનેમાં સામાન્ય શબ્દસમૂહો કે વાક્યો કંઈક આ પ્રમાણે હતાં : “તે (બંને) વયોવૃદ્ધ માણસના માથા ઉપરની સેંથી (Parting line)ની જેમ પસાર થઈ રહ્યાં હતાં.”

(૮) ગુજરાતી સાહિત્યની નંદશંકર તુળજાશંકર મહેતા રચિત પહેલી નવલકથા ‘કરણ ઘેલો’ માંના ‘બાગલાણનો કિલ્લો’ પ્રકરણમાંની છેલ્લી લીટીએ જ ખબર પડે કે આ નવલકથાનું પ્રકરણ છે, નહિ તો એમ જ લાગે કે આ તો ‘કિલ્લા’ ઉપરનો નિબંધ જ છે.

(૯) ગુજરાતી સ્વરોમાં ઇ-ઈ અને ઉ-ઊ ની જેમ ઋ પણ દીર્ઘ હોય છે.

(૧૦) ગુજરાતી ટાઇપરાઇટરમાં કોઈ શબ્દમાં હૃસ્વ ઇ હોય તો તેને પહેલી છાપવી પડતી હતી. દા.ત. દુનિયા (દ્, ઉ, ઇ, ન્, ય્, આ)

(૧૧) અંગ્રેજી ભાષામાં ખ, ઘ, છ, ઠ, ઢ, ણ, ત, ભ, ષ, ળ, જ્ઞ વગેરેના ઉચ્ચારો છે જ નહિ અને તેથી તેના સ્વતંત્ર વ્યંજનો (alphabets) નથી. આ વ્યંજનો માટે આપણે ગુજરાતીમાં h કે hh ની મદદ લેતા હોઈએ છીએ; જેમ કે, kh, gh, chh, th, dh, bh વગેરે.

(૧૨) અંગ્રેજી T ના ત્ અને ટ્ તથા TH ના થ્ અને ઠ્ એમ બંને વિકલ્પો લેવાતા હોઈ જે તે લોકોમાંનાં પ્રચલિત નામોથી કોઈ અજાણ લોકો દ્વારા તલાજીને ટલાજી, ટોડરમલને તોડરમલ, થાનકીને ઠાનકી અને ઠાકોરને થાકોર બોલાવાની સંભાવના રહેતી હોય છે.

(૧૩) ન. ભો. દિવેટિયાના પુત્રનું નાની વયે અવસાન થતાં તેમને થએલી દુ:ખની લાગણીની અભિવ્યક્તિ રૂપે વિખ્યાત ભજનકાવ્ય ‘મંગલ મંદિર ખોલો દયામય’ નું સર્જન થયું.

(૧૪) અરદેશર ફરામજી ખબરદારની પુત્રી તેહમીનાના યુવાન વયે થએલા અવસાનને કારણે શોકમગ્ન કવિએ આપણને ‘દર્શનિકા’ નામે દીર્ઘ કાવ્ય આપ્યું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંના મધુર એવા ઝૂલણા છંદમાં આખું ‘દર્શનિકા’ લખાયું છે. ધર્મ, તત્ત્વજ્ઞાન અને જીવનના મર્મને સમજાવતું આ દીર્ઘ ગેયકાવ્ય ગુજરાતી સાહિત્યનું અણમોલ ઘરેણું છે.

(૧૫) સાહિત્ય કે ચલચિત્રોમાં પ્રણય ત્રિકોણ તો નિરૂપાતો હોય છે, પરંતુ કવિ કલાપીના જીવનમાં દાંપત્ય ચતુષ્કોણ રચાયો હતો. રમા (રાજબા), કેસરબા (આનંદીબા) અને શોભના (મોંઘી) એ ત્રણ સત્તાવાર રાણીઓ અને ચોથા તેમના પોતાના થકી રચાએલા આ ચતુષ્કોણ દ્વારા ગુજરાતી સાહિત્યને આત્મલક્ષી (સ્વાનુભવરસિક) એવું ઉમદા પ્રણયસાહિત્ય મળ્યું.

(૧૬) રા. વિ. પાઠક ત્રણ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા; કવિ તરીકે ‘શેષ’, વાર્તાકાર તરીકે ‘દ્વિરેફ’ અને નિબંધકાર તરીકે ‘સ્વૈરવિહારી’.

(૧૭) જ્યોતીન્દ્ર હ. દવે એક કૉલેજમાં પોતાની પત્ની સાથે વક્તવ્ય આપવા ગયા હતા. તેમણે પ્રારંભિક સંબોધનમાં આમ કહ્યું હતું : ‘ભાઈઓ અને મારી સાથે આવેલી આ એક સ્ત્રીના અપવાદે સઘળી બહેનો !’ તો વળી, અન્યત્ર માત્ર પુરુષોની સભામાં તેમણે આમ કહ્યું હોવાનું અનુમાન કરી શકાય કે ‘ભાઈઓ અને (પોતપોતાના) ઘેર હાજર બહેનો !!!’

-વલીભાઈ મુસા

લેખકશ્રીની પાદ નોંધઃ આ લેખ ભૂતકાલીન સંસ્મરણો ઉપર આધારિત હોઈ તેમાં સ્મૃતિદોષની સંભાવનાઓ રહેલી છે, જે મારી છટકબારી માટે નહિ; પરંતુ એવી કોઈ ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા માટે લખું છું.

 

Tags: , , , , , , , , , , ,

(232) હાસ્યહાઈકુ : ૧૪– હાદના દાયરેથી (૯)

હાદકલાપીનાં પિચ્છસમ સૌ નરનારી,

જય હો! એકાદ મહિનાનો વિરામ સહેતુક હતો. અનેક પીછાં મળીને જ કલાપ બને, એકલદોકલ તો પીછું જ રહે! મિત્રાદિજનો તરફથી પણ હાસ્યને નિરૂપતાં પોસ્ટરૂપે કે કોમેન્ટ રૂપે સરસ મજાનાં હાઈકુ મળ્યાં, આ વિરામના કારણે જ તો! ચન્દ્ર જેવા મુખવાળા ચન્દ્રવદનભાઈનાં પ્રશસ્તિ કાવ્યોની ઘ્રુવ પંક્તિ જેવા કવનપ્રયાસ રૂપે કહું તો “હાસ્ય દરબારનાં હાસ્યહાઈકુને કોણ ન જાણે ? (ટેક)”

હવે પ્રસ્તાવના અને ઉપસંહારની વચ્ચે જ હાઈકુને દબાવીને ‘દાબેલી’ બનાવી લઈએ :

હાસ્યહાઈકુ – 14

નખ કરડે

થૈ તલ્લીન તું, આવે

વાનરીયાદ!

============

હાસ્યરસના કવિડા, જોકડા કે લેખકડાઓની એક બૂરી આદત હોય છે કે ઓછા કે વત્તા પ્રમાણમાં ઘરવાળી કે ઘરવાળાં બાપડાંઓને પોતાની રચનાઓમાં ઘસડી લાવે. અહીં પણ એ પરંપરાને જાળવવા આ હાઈકુડો જાણીજોઈને પેલી બાપડીને Nail Cutter લાવી આપતો નથી, એટલા માટે કે કોઈક દિવસ દાંતથી નખ કરડે તો મોટી કોઈ કવિતા નહિ તો છેવટે હાઈકુ પણ લખી કાઢી શકાય. પણ એ ભાઈ હાસ્યહાઈકુના રસિયાઓને મનોરંજન પૂરું પાડવાની લ્હાયમાં એ પણ ભાન ભૂલી ગયા કે પરોક્ષ રીતે તો તેઓ પોતે પણ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો વિષય (વાંદરા) બની રહ્યા છે!

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , , , , , ,