તકતી – ગાલગા * 4 (મુતદારિક મુસમન સાલિમ)
કાગનો વાઘ છે, વાતમાં દમ નથી,
ચિત્રનો વાઘ છે, એ કંઈ જમ નથી.
જામ શરબત તણો હાથમાં છે લીધો,
માનશો ના ભલે, કિંતુ એ રમ નથી.
આગ ભડકાવતા શાસકો ખુદ પછી,
શાંતિને યાચતા શાઠ્ય એ કમ નથી.
કોમને કોમથી ડારવી છળ થકી,
સેક્યુલર શબ્દ શું શાબ્દિક ભ્રમ નથી?
રાજકારણ બન્યું મિન્ટ બીજું જ તો,
ખાયકી તેઉની શ્યામધન સમ નથી?
લોકશાહી બિચારી વહાવે લહૂ,
દૂઝતા ઘાવનો કોઇ મરહમ નથી?
ચોરને સોંપવું ચોરનું પકડવું,
ખેલ જોઈ ‘વલી’ શું તને ગમ નથી?
(રમ= એક પ્રકારનો દારૂ; સેક્યુલર= બિનસાંપ્રદાયિક; મિન્ટ=ટંકશાળ)
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૦૩૦૧૧૮)