જાણીતા સાહિત્યકાર અને ‘વેબગુર્જરી’ ઉપર કેટલાંક પુસ્તકોનો પરિચય આપનાર ડૉ.યોગેન્દ્ર વ્યાસ સાહેબનો ઈ-નેટ ઉપર વિગતે પરિચય પામવા જતાં મારે ક્રિસ્ટોફર કોલમ્બસ જેવું થયું ! ભારતના બદલે અમેરિકા પહોંચી જનાર એ જણની જેમ હું પણ વ્યાસ સાહેબના પરિચયના બદલે તેમના દ્વારા જ લખાએલ કલાપીના વિખ્યાત ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ વિષેના GGN ઉપરના તેમના લેખ “‘ગ્રામ્યમાતા’– એક હૃદયસ્પર્શી કાવ્ય” તરફ વળી ગયો અને આમ એ ખંડકાવ્ય વિષેના મારા જ્ઞાનમાં થોડીક વૃદ્ધિ થવા પામી. ગુજરાતી મુખ્ય વિષય સાથે સ્નાતક કક્ષાએ કલાપીને ભણતાં મેં જાણ્યું હતું કે એ ખંડકાવ્યનું મૂળ શીર્ષક ‘શેલડી’ હતું, જે પાછળથી ‘ગ્રામ્યમાતા’ બદલાઈ જવા પામ્યું હતું. મારા નમ્ર મતે ‘ગ્રામ્યમાતા’ના બદલે ‘ગ્રામમાતા’ શીર્ષક વધારે યોગ્ય ગણાવું જોઈએ, જેવી રીતે કે ‘ગ્રામ્યસેવક’ના બદલે પહેલી જ નજરે ‘ગ્રામસેવક’ શબ્દ વધુ યોગ્ય લાગે છે. વળી ‘ગ્રામ્ય’ અને ‘ગ્રામ’ શબ્દો તેમના પદપ્રકારો અને અર્થોની રીતે પણ એકબીજાથી અલગ પડે છે. વિશેષમાં કહું તો ‘કલાપીનો કેકારવ’ કે ‘કલાપીનો કાવ્યકલાપ’ પૈકીની કોઈ એકની કોઈક આવૃત્તિમાં ‘ગ્રામમાતા’ શીર્ષક વાંચ્યાનું મને ઝાંખું સ્મરણ પણ છે.
‘ગ્રામ્યમાતા’ના સ્રોત સબબે આગળ વધીએ તો પાંચસો-સાતસો વર્ષ પહેલાં મેરુતુંગ નામે થઈ ગએલા એક જૈન વિદ્વાન દ્વારા લોકસાહિત્ય ઉપરથી રચાએલા ‘ઇક્ષુરસપ્રબંધ’ સુધી આપણે પહોંચવું પડે. ‘મેરુતુંગ’ એ સંજ્ઞાવાચક નામ છે, પણ જેનો અર્થ થાય છે ‘પર્વતનું શિખર’. આ કૃતિ પુસ્તકરૂપે કે ઈ-નેટ ઉપર પણ પ્રાપ્ય ન હોઈ તેની રજેરજ કથાવસ્તુ તો નહિ જાણી શકાય, પણ ‘ગ્રામ્યમાતા’ના સ્રોતને જાણવાના હેતુ પૂરતા આપણે વિચારીએ તો ‘ઇક્ષુ’નો અર્થ ‘શેલડી’ થાય છે અને આમ શીર્ષકનો અર્થ થાય ‘શેલડીના રસનો પ્રબંધ (વ્યવસ્થા)’. આમ કલાપીના ‘ગ્રામ્યમાતા’ કાવ્યના વિષયવસ્તુને ‘ઇક્ષુરસપ્રબંધ’ના અર્થ સાથે મેળ પડતો હોઈ કાવ્યનો સ્રોત સુનિશ્ચિત થઈ જાય છે. વળી આ કાવ્યમાંની રહસ્યમય ઘટનાનું સામ્ય અંગ્રેજ કવિ વર્ડ્ઝવર્થ (Wordsworth) ના એક કાવ્ય“Goody Blake and Harry Gill” સાથે પણ સધાય છે.
‘ગ્રામ્યમાતા’ કાવ્યથી અજાણ વાચકો માટે એ કાવ્યનો સાવ સંક્ષિપ્તે સાર આપું તો, સરસ મજાના પ્રાકૃતિક વાતાવરણમાં શેલડીના એક ખેતરે અશ્વારૂઢ એક યુવાન આવે છે. વયોવૃદ્ધ ખેડૂતયુગલ શગડી પાસે તાપતું બેઠું છે. પેલો યુવાન પીવાનું પાણી માગે છે. વૃદ્ધા પેલા યુવાનને શેરડીના ખેતરના શેઢે લઈ જાય છે. એક શેરડીના સાંઠામાંથી છૂરી વડે એક માત્ર કાતળી કાપતાં જ શેરડીરસથી પ્યાલો ભરાઈ જાય છે. હજુ પોતાની તરસ છીપી ન હોઈ તે યુવાન રસનો બીજો પ્યાલો માગે છે. પરંતુ આ વખતે કેટલીય કાતળીઓ કાપવામાં આવતી હોવા છતાં પ્યાલામાં રસનું એકેય ટીપું પડતું નથી. વૃદ્ધા રડતીરડતી બોલી ઊઠે છે કે, ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; નહિ તો ના બને આવું !’. આ સાંભળતાં જ પેલો યુવાન વૃદ્ધાના પગે પડીને માફી માગતાં બોલી ઊઠે છે, ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ ! એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’. શેરડીના રસનો પહેલો પ્યાલો પીતી વખતે એ યુવાન કે જે રાજા પોતે જ હોય છે તેના મનમાં એવો કુવિચાર આવતો હોય છે કે એ વિસ્તારના સુખી એવા ખેડૂતો પાસેથી વધુ કર કેમ ન લેવો જોઈએ ? હવે એ રાજા પશ્ચાત્તાપ કરીને વૃદ્ધાને ફરી શેરડીની કાતળી કાપવાનું કહે છે અને આ વખતે બહોળા રસ થકી પ્યાલો છલકાઈ જાય છે. આમ કાવ્ય સુખાંત પામે છે.
અન્નદાતા ગણાતા એવા ખેડૂતો પરત્વે શાસકોએ દયાભાવ રાખવો જોઈએ એવા સંદેશને અભિવ્યક્ત કરતા આ કાવ્યની પ્રેરણા કવિ કલાપીને વર્ડ્ઝવર્થના ઉપર દર્શાવાએલા કાવ્ય “Goody Blake and Harry Gill” ઉપરથી પણ મળી હોવાનું મનાય છે. બંને કાવ્યોમાં કેટલુંક સામ્ય તો કેટલોક વિરોધાભાસ જોવા મળે છે. કલાપીના કાવ્યમાં એક પક્ષે ખેડૂત સ્ત્રી અને સામા પક્ષે રાજા છે, તો વર્ડ્ઝવર્થના કાવ્યમાં એક પક્ષે ગૂડી બ્લેક (Goody Blake) નામે વયોવૃદ્ધ ગરીબ સ્ત્રી છે અને સામા પક્ષે હેરી ગિલ (Harry Gill) નામે ધનિક માણસ છે. બંને કાવ્યોના અંત તપાસતાં વિરોધાભાસ એ જણાય છે કે કલાપીના કાવ્યમાં રાજાના પશ્ચાત્તાપ પછી કાવ્યમાં સુખાંત સર્જાય છે, તો વર્ડ્ઝવર્થના કાવ્યમાં પેલી ગરીબ સ્ત્રીએ ઈશ્વરને પેલા ધનિક વિરુદ્ધ કરેલી બદદુઆના પરિણામે એ ધનિક જીવનભર તેને મળેલા શ્રાપનો ભોગ બની રહે છે.
વાત એમ હોય છે કે ઠંડીથી ધ્ર્રૂજતી ગૂડી બ્લેક હેરી ગિલના વાડામાંથી લાકડાં ચોરવા જાય છે અને તેણી હેરી ગિલના હાથે જ ઝડપાઈ જાય છે. જોકે તેણીને કોઈ સજા તો કરવામાં આવતી નથી હોતી, માત્ર તેણીને બાવડેથી પકડી લેવામાં આવે છે. તેણીના હાથમાંથી લાકડાં પડી જતાં હોય છે. ગૂડી બ્લેકને પોતાની મજબુરીના કારણે ચોરી કરતાં પકડાઈ જવું અને આમ અપમાનિત થવું એ જ મોટી સજા લાગતી હોય છે. તેણી પડી ગએલાં લાકડાં ઉપર પોતાનાં ઢીંચણ ટેકવીને ઈશ્વરને પ્રાર્થે છે આ શબ્દોમાં કે “God ! who art never out of hearing, O may he never more be warm !” અર્થાત્, ‘હે ઈશ્વર, તું કદીય કોઈની પ્રાર્થના સાંભળ્યા વગર રહેતો નથી હોતો, તે (હેરી ગિલ) કદીય પોતાના બદનમાં હૂંફ કે ગરમી પ્રાપ્ત કરવા ન પામો ! ‘ગરીબની હાય, કદી ન ખાલી જાય !’ એ ઉક્તિ પ્રમાણે ગમે તેટલાં ઊની વસ્ત્રો ધારણ કરવા છતાં, ગરમ ધાબળાઓ ઓઢવા છતાં અને અનેક ઉપાયો અજમાવવા છતાં હેરી ગિલ જીવનભર પોતાના બદનમાંની અસહ્ય ઠંડીથી પીડાતો રહે છે.
આંતરેઆંતરે વિવિધ ગેય અને અનોખા એવા અનુષ્ટુપ જેવા આવતા જતા છંદોમાં રચાએલું ‘ગ્રામ્યમાતા’ ખંડકાવ્ય એ ખંડકાવ્યોના પિતા ગણાતા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’નાં ખંડકાવ્યો સાથે માનભેર ઊભું રહી શકે તેવું સર્વગુણે બળૂકું ખંડકાવ્ય છે. આમેય કવિશ્રી કાન્ત અને કલાપી એકબીજાના સમકાલીન, સમવયસ્ક અને સમભાવી મિત્રો હતા. આમ એ બેઉ મિત્રોનાં કાવ્યો એકબીજાની અસર ઝીલ્યા વગર રહી શકે ખરાં !
આ લઘુલેખના વાંચન પછી સાહિત્યરસિક એવાં વેબગુર્જરીજનો પ્રારંભે જ આપેલા સ્રોતે કવિ કલાપીના આ ખંડકાવ્ય ‘ગ્રામ્યમાતા’ને પણ વાંચ્યા વગર રહી શકશે ખરાં ?
ભલામણ : સુરેશભાઈ જાનીના ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ ઉપર વીડિયોરૂપે ગમતીલી આ રચના “‘ગ્રામમાતા’- કલાપી- નવા સ્વરૂપમાં“ને અવશ્ય માણો.
અંગ્રેજી કાવ્યની લિંક: Goody Black and Harry Gill – by William Wordsworth
ગુજરાતી કાવ્યની લિંક : શ્રી વિશ્વદીપ બારડના બ્લૉગ “ફૂલવાડી” પર “ગ્રામ્યમાતા- કલાપી”
[…] Click here to read in English […]