પુરોવચન :
‘વલદાની વાસરિકા’ શ્રેણીએ અગાઉ ‘અનુવાદન’ વિષયે આવા જ પ્રશ્નાર્થચિહ્ન શીર્ષકે આવી ગયેલા મારા લેખની જેમ આજે ‘કાવ્ય’ વિષયે એ જ અભિગમે કંઈક લખવાની મારી નેમ છે. વળી આ એક ગહન વિષય હોઈ મારે સંદર્ભ સાહિત્યનો સહારો લેવો પડે તે પણ એક હકીકત છે, કેમ કે વિદ્યાભ્યાસ દરમિયાન વાંચેલું, જાણેલું લગભગ અર્ધી સદી પછી માત્ર યાદદાસ્તના સહારે લખાય તો હકીકતદોષમાં સપડાવાનો ભય રહે. લલિત નિબંધ એ સર્જનાત્મક સાહિત્ય હેઠળ આવે અને ત્યાં તો એના લખવૈયાને કોઈ માનસિક દબાણ હેઠળ રહેવું ન પડે, પરંતુ અહીં તો મારા માટે જવાબદારીભરી ભિન્ન પરિસ્થિતિ છે. જોઈએ વારુ, એ જવાબદારીનાં વહન અને પાલન કેટલા અંશે અત્રે થાય છે, તેની મને અને સુજ્ઞ વાચકોને, લોકબોલીએ કહું તો, ખળે (અર્થાત્ છેલ્લે) ખબર પડશે.
પંડિતયુગના સમર્થ નિબંધકાર આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાના એક નિબંધમાં ઘોડેસ્વારી અંગેનું સરસ મજાનું દૃષ્ટાંત આપતાં સમજાવ્યું છે કે ગુરુત્વમધ્યબિંદુંના સિદ્ધાંતને માત્ર શીખી લેવાથી ઘોડેસ્વારી આવડે નહિ; બસ એવું જ કાવ્યસર્જન અંગે પણ છે. કાવ્યશાસ્ત્ર અંગે પ્રાચીન કે અર્વાચીન મીમાંસકોએ આપેલી વ્યાખ્યાઓ કે નિયમોને કંઠસ્થ કરી લેવાથી કાવ્ય લખી શકાય નહિ. આમ છતાંય સહજ અને સ્વાભાવિક રીતે આત્મસૂઝ દ્વારા ઊર્મિ પ્રગટ થયેથી લખાઈ ચૂકેલું કાવ્ય અપ્રત્યક્ષ રીતે પણ મીમાંસકોએ દર્શાવેલાં લક્ષણો ધરાવતું અને તેનાં લક્ષ્યો પાર પાડતું તો હોવું જ જોઈએ. આમ કાવ્ય એ શાસ્ત્ર ગણાય કે કલા એ બે વચ્ચેના સમાધાનકારી નિષ્કર્ષ ઉપર આવીએ તો આપણે સ્વીકારવું પડે કે કાવ્ય એ બંને છે. કાવ્ય એના સર્જન દરમ્યાન એ જ્ઞાત કે અજ્ઞાતપણે શાસ્ત્રને અનુસરે છે અને સર્જાઈ ગયા પછી એ કલાસ્વરૂપે આપણી સામે પ્રગટ થાય છે. આમ છતાંય કલા એ માત્ર પરિણામ નથી, પણ કાવ્યસર્જનની પ્રક્રિયા દરમિયાન શાસ્ત્ર સાથે એ જોતરાય પણ છે.
ગુજરાતી ભાષા જેમ સંસ્કૃત ભાષામાંથી આવતરણ પામી તેમ ગુજરાતી સાહિત્ય પણ સંસ્કૃત સાહિત્યની અસરને ઝીલ્યા વગર ન રહી શક્યું. આમાંય ખાસ કરીને સંસ્કૃતના મીમાંસા સાહિત્યે તો ગુજરાતી સાહિત્યસર્જનમાં તેનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યસર્જનમાં સંસ્કૃતના એ પ્રખર વિદ્વાનોના જહેમતભર્યા તલસ્પર્શી અભ્યાસનું અચૂક દર્શન જોવા મળે છે. ચાલો, આપણે એ વિદ્વાનોએ કાવ્યતત્ત્વ અન્વયે તેમના વિચારો અને તારણોના પરિપાકરૂપે આપેલી કાવ્ય (વિશાળ અર્થમાં સાહિત્ય)ની વ્યાખ્યાઓનું વિહંગાવલોકન કરીએ. અહીં ભરતથી અભિનવગુપ્ત અને પ્રતીહારેન્દુરાજથી જગન્નાથ સુધીના મોટા ભાગના વિદ્વાનોના કાવ્ય વિષેના અભિપ્રાયોને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (આ માટેના મારા મુખ્ય સંદર્ભગ્રંથનો વિગતે ઉલ્લેખ લેખાંતે કરવામાં આવશે.)
– વલીભાઈ મુસા
* * *
કાવ્યની વ્યાખ્યાઓ :
(૧) ”शब्दार्थौ सहितौ काव्यम् ।” અર્થાત્ – શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે કે એ બંનેનું એકરૂપ થવું એટલે કાવ્ય. (‘કાવ્યાલંકાર’ના સર્જક ‘ભામહ’ મતે)
(૨) ‘સાહિત્યદર્પણ’ના રચયિતા વિશ્વનાથના મતે “वाक्यं रसात्मकं काव्यम् ।” અર્થાત્- રસયુક્ત વાક્ય તે કાવ્ય.
(૩) (હેમચંદ્ર) વળી કાવ્યની વ્યાખ્યા આપતાં જણાવે છે કે “अदोषौ सगुणौ सालंकारौ च शब्दार्थौ काव्यम् ।” અર્થાત્- દોષહીન, ગુણયુક્ત અને સુઅલંકૃત શબ્દ તે કાવ્ય. (વિકિસ્રોત પ્રમાણે આ વ્યાખ્યા જગન્નાથના નામે ‘ रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्’ શીર્ષક હેઠળ रसगङ्गाधरः/आनन १ ગ્રંથમાં જોવા મળે છે.‘વિકિસ્રોત’ સંશોધનાત્મક વેબસાઈટ હોઈ પ્રમાણભૂતતા માટે સુજ્ઞ વાચકોના મત પ્રતિભાવકક્ષમાં આવકાર્ય છે.)
(૪) મમ્મટનો મત કાવ્ય વિષે કંઈક આમ છે: “तददोषौ शब्दार्थौ सगुणावनलंकृति पुनः काव्यापि ।” વળી મમ્મટ કયારેક કાવ્ય અલંકારરહિત હોય એમ પણ ઇચ્છે છે.
(૫) “शब्दार्थौ सहितौ वक्रकविव्यापारशालिनि ।“-“वक्रोक्तिजीवितः” ના સર્જક કુન્તક કાવ્યની વ્યાખ્યામાં વક્રોક્તિ ઉપર ભાર મૂકવા ઉપરાંત “बन्धे व्यवस्थितौ काव्यं तद्विदाहलादकारिणि ।।” દ્વારા આમ પણ કહે છે કે ‘જ્ઞાતાઓને આનંદ આપનાર, તેમજ બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ એ કાવ્ય.’
(૬) પંડિત જગન્નાથ “रसगंगाधर”માં જણાવે છે કે “रमणीयार्थ प्रतिपादकः शब्दः काव्यम्।” અર્થાત્ – શબ્દનું રમણીય રીતે અર્થમાં પ્રતિપાદન કરે તે કાવ્ય.
(૭) દંડી કાવ્યની વ્યાખ્યા આમ આપે છે : ” शब्दार्थौ ईष्टार्थव्यवच्छिन्ना प्रतिपादकः काव्यम् ।” અર્થાત્ – જે સારા અર્થનું વિચ્છેદ પ્રતિપાદન કરે છે તે શબ્દ એટલે કાવ્ય.
(૮) ભરત મુનિએ ‘નાટ્યશાસ્ત્ર’ નામક પોતાની કૃતિમાં ભલે ‘નાટક’ના સ્વરૂપને સમજાવ્યું હોય તેમ છતાંય નાટકો પદ્ય સ્વરૂપે હોય તો તેમને ‘કાવ્યો’ જ સમજવાં પડે અને તેથી જ એ કાવ્યની વ્યાખ્યા પણ બની રહે. નાટકનાં અન્ય અંગોને બાદ કરતાં માત્ર કાવ્ય વિષેના ભરતના વિચારો સમજવાનો પ્રયત્ન કરીએ તો ભરતે કાવ્યસર્જનમાં રસ અને ભાવને પ્રાધાન્ય આપ્યું છે.
(૯) ઉદ્ભટના ‘કાવ્યાલંકારસાર સંગ્રહ’માં અલંકારો વિષેની વિશદ માહિતી સાંપડે છે અને તેણે કાવ્યરચનામાં અલંકારનો વિનિયોગ કરવા ઉપર ભાર મૂક્યો છે.
(૧૦) વામન વિરચિત ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’માં કાવ્યમાં અલંકાર વિષેની ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે. વામનની કાવ્યમાં અલંકાર અંગેની વિચારધારાને તેમના પોતાના સંક્ષિપ્ત આ શબ્દોમાં સમજી શકાય છે કે ‘અલંકાર એટલે કાવ્યમાં સૌંદર્ય આપનાર તત્ત્વ.’ આજકાલ પ્રયોગશીલ કવિઓ ગદ્યકાવ્યો લખે છે. ‘વેબગુર્જરી’માં અગાઉ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : શ્રી બાબુ સુથારનાં ગદ્યકાવ્યો’ આવી ચૂક્યાં છે. ઈ.સ. ૮૦૦ આસપાસના સમયગાળામાં થઈ ગયેલા વિદ્વાન વામને એમના ગ્રંથના અધ્યાય-૩માં કાવ્યના પ્રકારોમાં આમ કહી જ દીધું છે કે ‘કાવ્યં ગદ્યં પદ્યં ચ’ ॥ ૨૧ ॥ અર્થાત્ ‘કાવ્ય ગદ્ય અને પદ્ય એમ બંને પ્રકારનું હોય છે.’
(૧૧) રુદ્રટના ‘કાવ્યાલંકાર’ ગ્રંથમાં કાવ્યપ્રયોજન અંગેના શ્લોકમાં કહેવાયું છે કે ‘વાણીના ઉજ્જવળ પ્રસારવાળો, સરસ કાવ્ય રચનારો મહાકવિ (પોતાના અને) બીજાના પણ ઝળહળતા, સ્ફુટ અને વિપુલ યશને કલ્પ ચાલે ત્યાં સુધી ફેલાવે છે. અહીં કવિ અને કાવ્યની શાશ્વતતા સમજાવવામાં આવી છે.
(૧૨) ‘ધ્વન્યાલોક’ના રચયિતા આનંદવર્ધને ‘શબ્દની વ્યંજનાશક્તિ ઉપર આધારિત ધ્વનિને કાવ્યના આત્મા તરીકે ઘોષિત કર્યો છે.’ તેમણે આ ધ્વનિના ‘રસધ્વનિ’, ‘અલંકારધ્વનિ’ અને ‘વસ્તુધ્વનિ’ એવા ત્રણ ભેદ સ્વીકાર્યા છે.
(૧૩) અભિનવગુપ્તનું કાવ્યશાસ્ત્રમાં મહત્ત્વનું યોગદાન એ છે કે તેમણે કાવ્યમાંથી કેવી રીતે રસ ઉત્પન્ન થાય છે તેનું સૂક્ષ્મ વિવરણ આપીને એમણે કાવ્યની આખી રસનિષ્પત્તિપ્રક્રિયા સમજાવી છે. વળી તેમણે ‘આનંદ એ જ કાવ્યનું અંતિમ ફળ’ એમ દર્શાવીને કાવ્યના શિરમોર સમા આ ઉમદા હેતુનો સ્વીકાર કર્યો છે. આ આનંદની અનુભૂતિ કવિને કાવ્યસર્જન વખતે અને ભાવકને તેના પઠન વખતે થતી હોય છે. મમ્મટ પણ કાવ્યને તત્ક્ષણ પરમ આનંદ આપનાર તરીકે ઓળખાવે છે. વળી આ આનંદને ‘બ્રહ્માનંદ સહોદર આનંદ’ પણ ગણાવાયો છે; અર્થાત્ બ્રહ્મપ્રાપ્તિથી થતા આનંદ જેવો જ આ કાવ્યાનંદ, જાણે કે એ બંને આનંદો એક જ માતાની કૂખે જન્મ્યા હોય એવા (સહોદર).
(૧૪) પ્રતિહારેન્દુરાજ કૃત ‘લઘુકૃતિ’માં કાવ્યમાં ગુણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમના મતે કાવ્ય ‘ગુણસંસ્કૃત શબ્દાર્થ શરીર’ છે.
(૧૫) રાજશેખર રચિત ‘કાવ્યમીમાંસા’માં કાવ્ય અને કવિ વિષેની બૃહદ ચર્ચા છે. કવિ હોવાની આવશ્યક આઠ શરતો છે, જેમને તેમણે કવિત્વની માતાઓ તરીકે સરખાવી છે; જે આ પ્રમાણે છે : સ્વાસ્થ્ય, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વાનો સાથે વાતચીત, વ્યાપક જ્ઞાન, દૃઢ યાદશક્તિ અને ઉત્સાહ.
(૧૬) ‘દશરૂપક’ના કર્તા ધનંજયે વિશેષે તો નાટ્ય વિષે લખ્યું છે. સાહિત્યના નવ રસો પૈકીના શાંત રસને તેઓ નાટ્યના સંદર્ભમાં સ્વીકારતા નથી, કેમ કે એમાં અભિનયક્ષમતા હોતી નથી. આમ છતાંય તેઓ કાવ્યના સંદર્ભે શાંત રસને ગ્રાહ્ય ગણે છે; જેનું કારણ તેઓ એ આપે છે કે કાવ્ય એ માત્ર શબ્દનો જ પ્રાન્ત (વિસ્તાર) છે, અભિનયનો નહિ. આ વાત સાચી પણ છે, કેમ કે નાટકના પાત્રે શાંત રસમાં કોઈ અભિનય આપવાનો રહેતો નથી છે અને આપી શકાતો પણ નથી.
(૧૭) આચાર્ય ક્ષેમેન્દ્ર પોતાના ‘ઔચિત્યવિચારચર્ચા’ ગ્રંથમાં ‘ઔચિત્ય’ને કાવ્યમાં પાયાનું સ્થાન દર્શાવે છે. તેઓ પોતાનો ‘ઔચિત્ય’ વિષેનો વિચાર સમજાવતાં લખે છે કે લોકવ્યવહાર કે કાવ્યમાં અલંકાર ગમે તેટલા આકર્ષક હોય, પણ તે યોગ્ય સ્થાને હોય તો જ શોભે છે. આવું જ તેઓ ગુણ વિષે પણ કહે છે કે ગુણ ગમે તેટલા સુંદર હોય, પરંતુ તે ઔચિત્યયુક્ત હોય તો જ તેમને ગુણ કહેવાય; અન્યથા એ અવગુણમાં જ ખપે. આ વાતના સમર્થનમાં તેઓ સરસ મજાનો રમૂજી શ્લોક આપે છે, જેનો ભાવાર્થ આમ છે : ‘કટિમેખલાને કંઠમાં અને ચમકતા હારને કમર પર ધારણ કરનાર, હાથમાં નૂપૂર અને ચરણમાં કંકણ બાંધનાર, પ્રણામ કરનાર પ્રત્યે શૌર્ય અને શત્રુ પ્રત્યે કરુણા દર્શાવનાર કોણ હાસ્યાસ્પદ બનતા નથી ? ઔચિત્ય વિના નથી અલંકાર શોભતા, કે નથી ગુણ શોભતા.
(૧૮) હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસન’ના રચયિતા છે. એમના મતે કાવ્ય એટલે લોકોત્તર એવું કવિનું કર્મ (સર્જન). તેઓ શબ્દ અને અર્થને કાવ્યમાં ગૌણ સમજીને રસને જ પ્રાધાન્ય આપે છે અને કાવ્યના હેતુ તરીકે પ્રતિભાને મહત્ત્વ આપે છે.
ઉપસંહાર:
છેલ્લે આપણે ગુજરાતના ઇતિહાસના સુવર્ણકાળમાં થઈ ગયેલા ‘કાવ્યાનુશાન’ ગ્રંથના રચયિતા હેમચંદ્રાચાર્ય (ઈ.સ.૧૦૮૯-૧૧૭૩)ના આપણા લેખના વિષયે ‘કાવ્યપ્રયોજના’ પેટાશીર્ષકે આવેલા શ્લોકને યથાતથ ગુજરાતી ભાષાંતરે સમજી લઈને છૂટા પડીએ :
“તત્કાલ થયેલા રસાસ્વાદમાંથી નીપજનારી અને બીજા વિષયોને (ચિત્તપટ પરથી) હટાવી દેનારી જે બ્રહ્માસ્વાદના જેવી પ્રીતિ (અનુભવાય) તે ‘આનંદ’ કહેવાય. કાવ્યનું આ પ્રયોજન બધાં પ્રયોજનોના રહસ્યરૂપ છે ને કવિ તેમ જ સહૃદય ઉભયને લાગુ પડે છે. યશ તો કવિને પક્ષે જ, કારણ કે આવડા મોટા સંસારમાં કાલિદાસ આદિ કવિઓ જો કે ક્યારના ચાલ્યા ગયેલા છે; તેમ છતાં આજ સુધી સહૃદયો દ્વારા વખણાય છે. વેદ, આગમ આદિ શાસ્ત્રો શબ્દપ્રધાન હોય છે ને તેથી (આજ્ઞા આપતા) સ્વામી જેવા હોય છે, પુરાણ પ્રકરણ આદિમાં અર્થ પ્રધાન હોય છે તેથી મિત્ર જેવાં લાગે છે. ત્યારે કાવ્ય (આ બંને પ્રકારના ગ્રંથો કરતાં) જુદા લક્ષણવાળું હોય છે; તેમાં શબ્દ અને અર્થ બંને ગૌણ બને છે ને રસ પ્રધાન બને છે. જેમ પ્રિયપત્ની (પતિમાં) રસ જન્માવીને (તેને) પોતાની સન્મુખે આણીને ઉપદેશે તેમ આવું કાવ્ય પણ ‘રામ વગેરેની જેમ વર્તવું, રાવણ વગેરેની જેમ નહિ,’ એવે પ્રકારે ઉપદેશ આપે છે. આથી આ પ્રયોજન સહૃદયપક્ષે છે.”
ઋણસ્વીકાર :
(૧) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત”ભારતીય સાહિત્યવિચાર મંજૂષા ભાગ ૧ અને ૨ (સંપાદક : ડૉ. રમેશ એસ. બેટાઈ અને સહસંપાદક : ડૉ. નારાયણ એમ. કંસારા (કાવ્યની વ્યાખ્યાઓ ૮ થી ૧૮)
(૨) સાવજરાવ સોઢા, જેમનો બ્લૉગ છે : https://sawajbhumi.wordpress.com/ (કાવ્યની વ્યાખ્યાઓ ૧ થી ૭) અને જેમનો લેખ છે : “કાવ્યશાસ્ત્ર”
(૩) આદર્શ સાર્વજનિક ગ્રંથાલય, કાણોદર (જિ. બનાસકાંઠા) – સંદર્ભગ્રંથો પૂરા પાડવા બદલ.
(૪) विकिस्त्रोतः (સંસ્કૃત વિકિસ્ત્રોત) https://sa.wikisource.org
[…] ક્રમશ: (7) […]