RSS

Tag Archives: કાસદ

(587) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૭ (આંશિક ભાગ – ૨)તસ્કીં કો હમ ન રોએઁ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબવલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગતાંક આંશિક ભાગ – ૧ ના અનુસંધાને ચાલુ)

તસ્કીં કો હમ રોએઁ                      

તુઝ સે તો કુછ કલામ નહીં લેકિન નદીમ
મેરા સલામ કહિયો અગર નામાબર મિલે ()

(કલામ= વચન, શબ્દ, કથન; નદીમ= મિત્ર, સાથી; નામાબર= કાસદ-સંદેશાવાહક)

અર્થઘટન અને રસદર્શન :

આ શેરમાં સંવાદકીય સ્પર્શ છે, પરંતુ તેમાં ‘વણકહી’ કોઈ એવી બાબત છુપાયેલી છે કે જે કોઈક પેટા-ઘટના ઘટી હોવાનો સંકેત આપે છે અને આપણે વાચકોએ તે માટેની કલ્પના જ કરવી રહી. અહીં માશૂક તેના સંદેશાવાહક પરત્વે કંઈક ગુસ્સામાં હોય તેમ લાગે છે. આ ગુસ્સાનું કારણ એ હોઈ શકે કે એ કાસદ દ્વારા માશૂકાને પહોંચાડવાનો સંદેશો તેના સુધી પહોંચ્યો જ ન હોય! માશૂકા તરફથી સંદેશાનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં કાસદની સંદેશો પહોંચાડવા માટેની બેદરકારી સાબિત થતી હોવાનું જણાય છે. માશૂકા સુધી સંદેશો ન પહોંચવાનું બીજું કારણ એ પણ હોઈ શકે કે તેણે સંદેશો દબાવી દીધો હોય! આમ થવા પાછળ માશૂકને એક એવી શંકા થાય છે કે એ સંદેશાવાહક પોતે જ એ માશૂકાની મોહિનીમાં ગિરફ્તાર થયો હોય. આ વાતને સાવ દેશી શબ્દોમાં એમ સમજી-સમજાવી શકાય કે ભૂખ્યા સાથે ભાત મોકલવામાં જેમ એવું જોખમ રહેલું છે કે તે પોતે જ એ ભોજનને આરોગી જાય! અહીં કાસદ પક્ષે એમ જ બન્યું હોવાની માશૂક શંકા સેવે છે અને તેથી જ તે થોડાક આક્રોશમાં અને થોડાક વ્યંગમાં માશૂકાને સંબોધતા હોય તેમ પોતાની હૈયાવરાળ કાઢતાં તેને કહે છે કે ‘હે સાથી, તને મારે કોઈ જ કલામ (શબ્દો) કહેવા નથી; પરંતુ હા, કદી મારો મોકલેલો કાસદ (પત્રવાહક) તારી પાસે આવી જાય તો તેને મારા સલામ જરૂર પાઠવજે!’

શેરના પહેલા મિસરામાંના શબ્દો ‘તુઝ સે તો કુછ કલામ નહીં’ મુહાવરા રૂપે બોલાયા હોય તેમ લાગે છે, જેનું  અર્થઘટન થાય કે ‘હવે મારે તને કશું જ કહેવાનું નથી.’ આ શુષ્ક શબ્દો પાછળ માશૂક રિસાયા હોવાનો ભાવ વર્તાય છે. માશૂકાનું નકારાત્મક વલણ કે સંદેશા સામેનું મૌન માશૂકને અકળાવે છે. એક તરફ પોતે તેના વિરહમાં તરફડી રહ્યા છે અને બીજી તરફ તેમની થતી ઉપેક્ષા તેમના આળા હૃદયને વધારે વ્યથા પહોંચાડે છે અને તેથી જ તેઓ ઓરતો કરતા હોય તેમ તેની સાથેનો સાવ છેડો ફાડી નાખવા જેવી ભારે વાત કરી બેસે છે. વાસ્તવમાં તો માશૂક આ શબ્દો દ્વારા ભીતરી સંદેશો તો એ જ આપતા લાગે છે કે તેઓ હજુય તેની પાછળ દિવાના છે જ, પણ નાછૂટકે જ તેમને એવાં કઠોર વેણ સંભળાવવાં પડે છે. આ શેરમાં બીજી ‘કલામ’ અને ‘સલામ શબ્દોની પ્રાસ-ચમત્કૃતિ નોંધનીય છે. આ બંને શબ્દો પરસ્પર પડઘાય છે અને તેથી આ શેરને ગ઼ાલિબના ઉમદા શેરોમાં સ્થાન મળી રહે છે.

* * *

તુમ કો ભી હમ દિખાએઁ કિ મજનૂ ને ક્યા કિયા
ફુર્સત કશાકશગ઼મપિન્હાઁ સે ગર મિલે ()

(ફુર્સત= અવકાશ; કશાકશ-એ-ગ઼મ-એ-પિન્હાઁ= આંતરિક દુ:ખોની ખેંચમતાણ)

અર્થઘટન અને રસદર્શન :

આ શેરનો શબ્દાર્થના આધારે ભાવાર્થ તો આમ જ થઈ શકે કે ‘શું અમે તમને (માશૂકાને) એ પણ બતાવીએ કે મજનૂએ શું કર્યું? મારાં આંતરિક દુ:ખોની ખેંચમતાણમાંથી મને જો રાહત મળે તો હું એ પણ કરી બતાવું.’ પરંતુ આવું માત્ર શાબ્દિક અર્થઘટન પર્યાપ્ત ન ગણાય. પદ્યમાં તો ઓછા શબ્દોમાં લાંબી વાતને ઘટ્ટ (Condensed) કરીને મૂકવામાં આવે, પણ વાસ્તવમાં એ વાત તો વિસ્તૃત જ હોય.

શેરના પ્રથમ મિસરામાં  સ્પષ્ટતા (Lucidity) હોઈ તેના અર્થગ્રહણ માટે કોઈ લમણાઝીક કરવી પડે તેમ નથી. હા, એટલું ખરું કે કોઈ લૈલા-મજનૂની પ્રેમકહાણી વિષે જાણતું ન હોય તો એ હકીકત જાણવાની મૂંઝવણ રહે કે મજનૂએ શું કર્યું હશે. ચાલો, આપણે આ શેરને સમજવા પૂરતી લૈલા-મજનૂ વિષેની થોડીક માહિતી મેળવી લઈએ. સાતમી સદીમાં એ વખતના અરેબિઆમાં આ પ્રેમકહાણી ઘટી મનાય છે. આ પ્રેમકહાણી ઉપર આધારિત પુષ્કળ સાહિત્ય અને ચલચિત્રો નિર્માણ પામ્યાં છે. શીરીં-ફરહાદ, રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, શેણી-વિજાણંદ કે શાહઝાદા સલીમ-અનારકલીની જેમ લૈલા-મજનૂની જોડી પણ સાચાં પ્રેમીયુગલો માટે આદર્શ ગણાય છે. પ્રેમીયુગલોના જીવનમાં યાતનાઓ સહજ હોય છે. લૈલા-મજનૂ એવું પ્રેમીયુગલ છે કે તેમનું મિલન થતું નથી અને તેથી તેમને ‘કુંવારાં પ્રેમી (Virgin Lovers) તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમકહાણીનાં આ પાત્રો મદરસા (નિશાળ)માં સાથે ભણતાં હોય છે અને આમ તેઓ કિશોરાવસ્થાથી જ એકબીજાના પ્રેમમાં છે. લૈલા અમીર ઘરાનાની દીકરી છે, મજનૂ ગરીબ છે. આ બંને એકબીજાંને અનહદ ચાહે છે. લૈલાનાં કુટુંબીજનો તેને અન્યત્ર પરણાવી દે છે. મજનૂ લૈલાના નામનો પોકાર કરતો દીવાનો થઈને ભટક્યા કરે છે. દુનિયા તેને મજનૂ (દીવાના) તરીકે જાહેર કરે છે, સતાવે છે અને પથ્થરમારો પણ કરે છે. આખરે તે રણમાં ચાલ્યો જાય છે અને ત્યાં જ મરણ પામે છે. બીજી એક રિવાયત મુજબ લૈલાના ભાઈ કે પિતાએ મજનૂની હત્યા કરી હોવાનું મનાય છે. સામા પક્ષે લૈલા પણ મજનૂના વિરહમાં મૃત્યુ પામે છે. આમ આ પ્રેમી યુગલનું મિલન થતું નથી.

હવે આપણે ગ઼ાલિબના આ શેર ઉપર આવીએ. અહીં માશૂક પોતાની માશૂકાને મજનૂનો હવાલો આપીને જણાવે છે કે તેમની મનોદશા પણ મજનૂના જેવી જ છે. તે કહે છે કે હું પણ મજનૂની જેમ કરી શકું છું, પણ પોતે પોતાનાં અન્ય આંતરિક દુ:ખો વચ્ચે એવા ઘેરાયેલા છે કે તે એમ નથી કરી શકતા. તેઓ પણ મજનૂ જેટલા જ દુ:ખી છે અને તેથી તેઓ પણ મજનૂની જેમ તેમનું જુનૂન (ઘેલછા) પ્રદર્શિત કરી શકે છે, પણ સંયમ જાળવી લે છે. આમ માશૂક માશૂકાને એ બતાવવા માગે છે કે ભલે ને તેઓ મજનૂના જેવી દીવાનગી પ્રદર્શિત નથી કરી શકતા, પણ તેમની દિલની હાલત તો મજનૂના જેવી જ છે. આમ અહીં ઈશારો કરવામાં આવે છે કે એ  માશૂક મજનૂના જેવો દીવાનગીનો બાહ્ય દેખાવ નથી કરી શકતા અને તેથી તેનો મતલબ એ નથી કે તેઓ મજનૂની સરખામણીમાં ઓછા પ્રેમી છે. અહીં ગ઼ાલિબનાં આંતરિક દુ:ખોમાં તેમની આર્થિક દુર્દશા અને સંતાનવિહિનતાને સમજી શકાય છે.

બીજી પંક્તિમાંના કશાકશ શબ્દને સમજી લઈએ. ક્શાકશ એ મૂળ શબ્દ ‘કશ’ ઉપરથી બનેલો છે, જેનો અર્થ થાય છે, ખેંચાણ કે વિસ્તરણ. આમ કશાકશ એટલે ચિંતાઓ અને વ્યાધિઓમાં ખેંચાઈ જવું, ઘેરાઈ જવું. આમ છતાંય આપણી આ ગ઼ઝલનો નાયક પોતાનાં દુ:ખોને મજનૂના કરતાં પણ વધારે પીડાદાયક ગણે છે. મજનૂ તો તેનાં દુ:ખોને તેની જાહેરી દીવાનગીના માધ્યમે દુનિયા આગળ પોતે રજૂ કરી શકે છે અને તેથી તેની વ્યથા લોકોને સમજાય છે. પરંતુ આપણો ગ઼ઝલનાયક તો છૂપાં દુ:ખોથી પિડાઈ રહ્યો હોઈ તે પોતાનાં દુ:ખોની માત્રા દુનિયાને કે માશૂકાને બતાવી શકતો નથી.

* * *

મિર્ઝા ગ઼ાલિબ

                                                         (ક્રમશ: ભાગ – ૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , , ,

(584) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૧૪ (આંશિક ભાગ – ૧) જૌર સે બાજ઼ આયે પર બાજ઼ આએં ક્યા… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

જૌર સે બાજ઼ આયે પર બાજ઼ આએં ક્યા (શેર ૧ થી ૪)

જૌર સે બાજ઼ આએ પર બાજ઼ આએઁ ક્યા
કહતે હૈં હમ તુઝ કો મુઁહ દિખલાએઁ ક્યા (૧)

(જૌર= જુલ્મ, અત્યાચાર, અન્યાય; બાજ઼ આના= કોઈ કામથી હાથ ખેંચી લેવો, અટકી જવું, ત્યાગવું)

અર્થઘટન અને રસદર્શન :

માશૂકા એકરાર કરતાં માશૂકને કહી તો દે છે કે હું જુલ્મ (અન્યાય)થી દૂર થઈ જવા માગું છું, પરંતુ માશૂકને પ્રશ્ન થાય છે કે હકીકતમાં તેનાથી થયેલા જુલ્મથી વાસ્તવમાં તે મોઢું ફેરવી દેશે ખરી કે? અહીં જુલ્મ કે અન્યાયનો ઇંગિત અર્થ એ સમજવાનો છે કે તેણે માશૂકની તેના પરત્વેની મહોબ્બતની અત્યાર સુધી અવગણના કરી છે, મહોબ્બતનો ઇઝહાર (કબૂલવું) કર્યો નથી અને તે રીતે તેણે માશૂક ઉપર એક જાતનો માનસિક જુલ્મ આચર્યો છે. માશૂકના પ્રશ્નનો માશૂકા તરફનો જવાબ શેરના બીજા મિસરામાં એ રીતે મળી જાય છે કે જુલ્મ કરી બેઠેલી એ માશૂકા ખરેખર તો માશૂકથી દૂર ચાલી જવા નથી જ માગતી કેમ કે તેનાથી થઈ ગયેલી ખતા (ભૂલ)થી એ એવી શરમિંદગી અનુભવે છે કે તે પોતાનું મોઢું નહિ જ બતાવી શકે. અહીં ‘ક્યા’ શબ્દ દ્વિઅર્થી બને છે. એક અર્થ પ્રમાણે એમ થાય કે ‘હું શું મોઢું બતાવું?’, એટલે કે તે મોઢું બતાવવાને લાયક નથી. ‘ક્યા’નો બીજો સંભવિત અર્થ એ પણ થાય કે ‘હું મારું મોઢું બતાવું કે?’. પાછળનો માશૂકાનો ‘ક્યા’નો અર્થ માશૂકને આશાવાદી બનાવે છે કે હજુ તો એ માશૂકા તેમનાથી સાવ દૂર થઈ ગઈ નથી જ, જેમ કે તે હજુ તો પૂછે છે કે ‘શું તમારાથી હું દૂર થઈ જાઉં કે?’ ‘ક્યા’નો પહેલો અર્થ નિશ્ચિતતા બતાવે છે કે માશૂકા માશૂકથી કિનારો કરી જ દેવા માગે છે કેમ કે તે કબૂલે છે કે તેનાથી થયેલી ખતા એવી તો છે કે હવે પોતાનું મોઢું બતાવવાને લાયક નથી. આમ તરબૂચ ઉપર છરી પડે કે છરી ઉપર તરબૂચ પડે પણ પરિણામ તો એક જ આવશે કે તરબૂચ કપાશે જ. બસ એમ જ ‘ક્યા’ના અર્થની બંને અર્થચ્છાયાઓનું પરિણામ તો એક જ મળે છે કે માશૂકા માશૂકને સદંતર તજી દેવા નથી જ માગતી, કેમ કે માશૂક પક્ષે થયેલી તેની સંભવિત ખતાને નજર અંદાઝ કરી દેવામાં આવે તો માશૂકા માશૂકને છોડી ન પણ દે. જો કે અહીં અગત્યની એક વાત સમજવી રહી કે માશૂકા પર્દાનશીન હોઈ એ પોતાનું મોઢું તો કઈ રીતે બતાવી શકે? આ વાતનું સમાધાન એ રીતે મેળવી શકાય કે અહીં ‘મોઢું બતાવવું’ એ રૂઢિપ્રયોગ તરીકે છે. ગ઼ાલિબના રત્ન સમાન અનેક શેર પૈકીનો આ શેર છે અને તેમના જેવા સિદ્ધહસ્ત ગ઼ઝલકારો જ આવા શેર રચી શકે. આ આખીય ગ઼ઝલ અનોખા એવા અંદાઝમાં લખાઈ છે કે જ્યાં શાયર અને ભાવક વચ્ચે માશૂકા સબબે સંવાદ થતો રહે છે. આ પહેલા જ શેરમાં ‘કહતે હૈ’ માં ‘વો’ અધ્યાહાર સમજવું પડે અને તેથી શાયર સામેના ભાવકોને સંબોધતા હોય અને માશૂકા તરફ હાથ લંબાવેલો રાખીને બોલતા હોય એવું શબ્દચિત્ર નજર સમક્ષ ખડું થાય  છે.

* * *

રાત દિન ગર્દિશ મેં હૈં સાત આસમાઁ
હો રહેગા કુછ ન કુછ ઘબરાએઁ ક્યા (૨)

(ગર્દિશ= ચક્કર);

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ઝલના આ શેરમાં માશૂક તરફી માશૂકાને હૈયાધારણ છે કે સાત આસમાન રાત અને દિવસ ચક્કર કાપ્યા જ કરતાં હોય છે અને માનવીના જીવન ઉપર તેમની કંઈક ને કંઈક અસર પડતી  હોય છે. ગ઼ાલિબ કદાચ આ ધારણાના આધારે માશૂકાને જણાવે છે કે ચક્કર કાપતાં એ આસમાનોના કારણે જીવનમાં કંઈક અવશ્ય થશે જ અને આમ તેનાથી ન ગભરાવાનું કે કોઈ ભીતિ ન અનુભવવાનું જણાવે છે. અહીં ગ઼ાલિબનો આશાવાદ એ વર્તાય છે કે કદાચ ને માશૂકા અને તેમના વચ્ચેની દૂરી સમેટાઈ જાય અને તેમનું મિલન થાય પણ ખરું!

અહીં ‘ગર્દિશ’નો ભાષાકીય અર્થ તો ‘ચક્કર કાપવું’ જ થાય, પણ તેના રૂપક કે પ્રતીકાત્મક ધ્વનિત અર્થો ‘કમનસીબી’ કે ‘દિશાહીન ભટકવું’ એમ પણ થાય. વળી શેરની બીજી પંક્તિમાં પહેલા શેરના ‘કયા’ના બે અર્થની જેમ અહીં ‘ઘબરાએં ક્યા’ના પણ બે અર્થ થઈ શકે છે. એક, ‘શું ગભરાવું?’ અને બે, ‘ગભરાઈએ કે?’. સામાન્ય રીતે ગ઼ઝલોમાં પંક્તિની વચ્ચે જરૂરી જગ્યાએ વિરામચિહ્ન તરીકે અલ્પવિરામ સિવાય ક્યાંય કોઈ જગ્યાએ અન્ય વિરામચિહ્નો મૂકવામાં આવતાં નથી હોતાં અને તેથી શબ્દોના લઢણ ઉપરથી જ જે તે ભાવાર્થ ગ્રહણ કરવો પડતો હોય છે.

(ગ઼ાલિબના આ શેર સાથે મળતું આવતું હિંદી ફિલ્મ ‘રેશમી રૂમાલ’નું રાજા મેંહદી અલી ખાન રચિત ગીત કે જે મુકેશના ખરજ અવાજે ગવાયેલું છે અને ખૂબ જ લોકપ્રિય બનેલું છે તે આખા ગીતને પરિશિષ્ઠમાં એટલા માટે આપીશ કે તે જીવનમાંની હતાશાને ખંખેરીને હિંમત આપતું પ્રેરણાદાયી ગીત છે. આ શેર અને ગીતમાં લગભગ સામ્ય હોવાનો જોગસંજોગ હોય કે ગીત ગ઼ાલિબના આ શેર ઉપર આધારિત હોય, જે હોય તે, પણ તેની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે : “ગર્દિશ મેં હોં તારે, ન ઘબરાના પ્યારે”)

* * *

લાગ હો તો ઉસ કો હમ સમઝેં લગાવ
જબ ન હો કુછ ભી તો ધોકા ખાએઁ ક્યા (૩)

(- – -)

અર્થઘટન અને રસદર્શન:

ગ઼ઝલના આ શેરમાં ગ઼ાલિબનું બુદ્ધિચાતુર્ય ફરી એકવાર જોવા મળે છે. વ્યુત્પત્તિશાસ્ત્ર પ્રમાણે આ બંને શબ્દો એક જ મૂળમાંથી ઉદ્ભવે છે. પરંતુ આગળવાળામાં પાછળવાળા કરતાં વધારે અર્થસમૃદ્ધિ જોવા મળે છે. ગણિતશાસ્ત્રની પરિભાષામાં કોઈ બે આકૃતિઓ વચ્ચેનું પ્રમાણ નક્કી કરવા માટે તેમની અંગરૂપ એકરૂપતા નક્કી કરવામાં આવે છે. ‘લાગ’ અને ‘લગાવ’ શબ્દો ‘લગ્ગ’ ધાતુ (લાગવું) ઉપરથી બનેલા છે. ‘લાગ’ એટલે તક (એકત્ર થવા માટેની જ તો!) અને ‘લગાવ’ એટલે ‘જોડાણ કે ઝોક’ થાય. ગ઼ઝલની પ્રથમ પંક્તિમાંના ‘લાગ’ અને ‘લગાવ’ શબ્દો ઉચ્ચારાત્મક અને અર્થનિર્ધારણ એમ બંને રીતે યથાર્થ બને છે.

શેરનો અર્થ દેખીતી રીતે જ સ્પષ્ટ જ છે, જુઓ ને એકેય અઘરો શબ્દ પણ નથી અને છતાંય તેના ઇંગિત અર્થને પકડવો થોડોક કષ્ટદાયી છે. માશૂક ખિન્ન ભાવે ફરિયાદ કરે છે કે માશૂકા સાથે હજુય પૂરી ઓળખ થઈ નથી અને તેની સાથે કોઈ લગાવ પણ સધાયો નથી. હવે માશૂક માશૂકા પરત્વેના આવા અધૂરા સંબંધને  સાચો કે વિશ્વસનીય માનીને તેની તરફ આગળ વધે તો તેમાં ધોખો ખાઈ જવાની પૂરી દહેશત છે. અને તેથી જ શેરના ‘ક્યા’ રદીફ દ્વારા પોતે એમ જણાવે છે કે શું આમ હું લાગ કે લગાવ વગરની ખોટી ભ્રમણામાં રહીને માશૂકાથી ધોખો ખાઉં ખરો, છેતરાઉં ખરો? આમ આ શેર ચાહક માટે મનભાવન બની રહે છે.

* * *

હો લિએ ક્યૂઁ નામા-બર કે સાથ સાથ
યા રબ અપને ખ઼ત કો હમ પહુઁચાએઁ ક્યા (૪)

(નામા-બર= પત્રવાહક, કાસદ)

અર્થઘટન અને રસદર્શન :

એક સરસ મજાનો શેર કે જે આપણને હળવું સ્મિત કરાવ્યા સિવાય રહે નહિ. ગ઼ાલિબ એવો કાબિલ શાયર છે કે ઘણીવાર એના ભવ્ય કલ્પનામઢિત શેર ઉપર આપણે વારી જઈએ. અહીં માશૂકની હરકતમાં ગમ્મતભર્યું ગાંડપણ જોવા મળે છે. માશૂક પોતાની માશૂકા તરફ પોતાનો પ્રેમપત્ર લઈને કાસદને મોકલે છે અને સાથે સાથે તે પણ કાસદના પગલે પગલે તેને અનુસરતો માશૂકાના દ્વાર સુધી જાય છે. આ શબ્દચિત્ર આપણા માનસ ઉપર ઉપજાવવામાં શાયર કાબિલે તારીફ રૂપે સફળ રહ્યા છે. શેરના બીજા મિસરામાં ગ઼ાલિબ ખુદાને સંબોધતાં આમ કહે કે ‘યા રબ, શું હું પોતે જ માશૂકાને મારો ખત પહોંચાડીશ કે શું?’ અહીં માશૂકના એક પ્રકારના માનસને રજૂ કરવામાં આવ્યું છે. અહીં ઘણા વ્યંજનાર્થ પણ મળી રહે છે. માશૂકની અધીરાઈ, તેના કાસદ ઉપરના વહેમ ઇત્યાદિને સમજી શકાય. અધીરાઈ એ છે કે કાસદ તેમના સંદેશાને ત્વરિત પહોંચાડે છે કે કેમ અને વળી વહેમ એ પણ હોઈ શકે કે કાસદ પોતે જ ખલનાયક બની જઈને તેમના બદલે તે પોતે જ માશૂકા તરફ ખેંચાઈ તો નહિ જાય ને! આ વહેમમાંથી પણ વળી પાછો બીજો વ્યંજનાર્થ એ પણ મળી શકે કે માશૂકાનું સૌંદર્ય જ એવું છે કે કદાચ કાસદ જ બેવફા બની જઈને તેના તરફ ઢળી ન જાય! આ માનવસ્વભાવ છે અને ઘણા પ્રેમીઓના કિસ્સામાં આમ બની શકતું પણ હોય છે. ગ઼ાલિબ માનવસ્વભાવનો પારખુ છે અને તેથી જ તે આવા ઉમદા શેર રચી શકે છે. શાયરના આ શેર બદલ પણ તેને બેસુમાર  ધન્યવાદ ઘટે છે.

મિર્ઝા ગ઼ાલિબ  (ગ઼ઝલ ક્રમાંક – ૪૭)                                                                                                                                                                 (ક્રમશ: આંશિક ભાગ -૨)

* * *

પરિશિષ્ઠ :

ગર્દિશ મેં હોં તારે, ન ઘબરાના પ્યારે
ગ઼ર તૂ હિમ્મત ન હારે, તો હોંગે વારે ન્યારે
ગર્દિશ મેં હોં તારે…

મુઝકો મેરી આશા, દેતી હૈ દિલાસા
આયેંગી બહારેં ચલી જાએગી ખ઼િજ઼ા
હો, આસ્માં યે નીલા-નીલા કરે હૈ ઇશારે
ગર્દિશ મેં હોં તારે…

બાજ઼ુઓં મેં દમ હૈ, ફિર કાહે કા ગ઼મ હૈ
અપને ઇરાદે હૈં, ઉમંગેં હૈં જવાં
હો, મુશિલેં કહાઁ હૈં, ઉમ્હેં મેરા દિલ પુકારે
ગર્દિશ મેં હોં તારે…

દુનિયા હૈ સરાય, રહને તો કહ્મ આએ
આયા હૈ તો હઁસી-ખુશી રહ લે તૂ યહાઁ
હો, સુરમા હૈ જ઼િંદગી જો કાઁટોં મેં ગુજ઼ારે
ગર્દિશ મેં હોં તારે…

(કૃતિ યથાતથ લીધેલ છે, ભાષાભૂલ સુધારેલ નથી.)

– રાજા મેંહદી અલી ખાન

ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) Courtesy : kavykosh.com
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 942161 84977

નેટજગતનું સરનામુઃ

William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

 

Tags: , , , , ,