દીપકભાઈ: ‘જ્યાં સુધી ક્રિયાપદો ગુજરાતીનાં હોય ત્યાં સુધી નવા (અન્ય ભાષી) શબ્દોથી ડરવાની જરૂર નથી.’
ઉપરોક્ત વિધાન સામે માત્ર બે ઉદાહરણોથી મારા બે હેતુ સિદ્ધ કરીશ. (૧) પરોક્ષ રીતે ઉપરોક્ત વિધાનનો નમ્રભાવે પ્રત્યુત્તર; અને (૨) સંવેદનશીલ વિષય ઉપર સંવાદ > વિવાદ > વિખવાદ ન સર્જાઈ જાય અને વાતાવરણ ગરમાઈ ન જાય તે માટે હળવું મનોરંજન !
ઉદા.(૧) અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક કક્ષાએ ભણતા બાળકને ઉત્સાહ થતો હોય છે કે શાળાસમય દરમિયાન નોંધપાત્ર કંઈક બન્યું હોય તો ઘરે ખાસ કરીને તેની (ગુજરાતી જ જાણતી) બા આગળ કંઈક આમ કહી સંભળાવે છે કે, “આજે ઈંગ્લીશના પિરિયડમાં અમારાં મેમ એક પોએમ રીડ કરતાં હતાં. ઈન બિટવીન એક છોકરાએ વચ્ચે જમ્પ કરીને મેમને કહ્યું, ‘મેમ મેમ, હું રીડ કરું ? મેમ તો એન્ગ્રી થઈ ગયાં અને તેને આખા પિરિયડ માટે સ્ટેન્ડ અપ કરી દીધો. પેલો બિચારો તો ક્રાઈંગ કરતો રહ્યો, પણ મેમને જરાય પીટી ન આવી. હેં મમા, મેડમે કંઈ ગુડ કર્યું કહેવાય ?”
(૨) એક એન.આર.આઈ. (નોટ રિઅલ ઈન્ડીઅન !!!) અમેરિકામાં જન્મેલા, ત્યાં જ ભણેલા; પણ, ઘરમાં ગુજરાતી ચાલતું હોઈ થોડુંઘણું કોકટેઈલ ગુજરાતી બોલી જાણે. વતનમાં આવ્યા. જ્ઞાતિસંમેલનમાં તેમને કંઈક બોલવાનું કહેવામાં આવ્યું અને તેઓશ્રી આમ બોલ્યા:”લેડીઝ એન્ડ જેન્ટલમેન, આઈ મીન, બહેનો અને ભાઈઓ, આજે આપણા ઓલ્ડ પીપલે, મીન્સ ઓલ ધીઝ કાકાઝે મને રિક્વેસ્ટ કરી કે આઈ શુડ ડિલીવર અ સ્પીચ, સોરી પ્લીઝ, કંઈક સમથીંગ સ્પીક કરું. બટ યુ નો, મને એટલો બધો ગુજરાતી લેન્ગવેજ આવડતો નથી. એની વે, આઈ’લ સ્પીક સ્મથીંગ, સોરી હું કંઈક બોલ્યો છું, નો…નો…બોલીશ ! નામસ્તે ગાયઝ, યુ પીપલ આર ગુડ. (સૂંઘવાનો અભિનય કરતાં) ગુડ સ્મેલ ઓફ …(ચાર આંગળીઓને અંગુઠા સાથે ઊંચે શામિયાના તરફ થપથપાવતાં શબ્દ યાદ કરવાની કોશિશ કરે છે, ત્યાં તો હાઈસ્કૂલમાં ભણતાં છોકરાં એકી અવાજે પ્રચંડ ઘોષે બોલી ઊઠે છે..) શિરો ઓ ઓ…! (ભાયા ભોંઠા પડે છે) થેંક્સ, થેંક્સ, થેંકયુ વેરી મચ. એન્જોય શીરા એન્ડ હેવ અ ગુડ ડે. નામસ્તે. બાય. (ખડખડાટ હસી પડતી મેદનીને સભાસંચાલક અટકાવી નથી શકતા, કેમ કે તેમનું પોતાનું જ હસવું તેમના જ કાબૂમાં ન હતું !)
-વલીભાઈ મુસા
નોંધ : – લાલ અક્ષરોમાં અંગ્રેજીમિશ્રિત કહેવાતાં ગુજરાતી ક્રિયાપદો આપણને એ ચેતવણી આપવા માટે સ્વયંનિર્દેશક છે કે એ બધું બોલચાલ પૂરતું મર્યાદિત હશે, ત્યાંસુધી તો તેને વ્યક્તિગત બાબત ગણીને ચલાવી લઈ શકીશું; પરંતુ એ જ્યારે લિખિત સ્વરૂપમાં દાખલ થઈને ગુજરાતી ભાષામાં રૂઢ થઈ જશે, ત્યારે તેને ‘ભેળસેળ ગુજરાતી’ ભાષા તરીકે ઓળખાવવાના દિવસો આવશે અને એ દુ:ખદ ભવિષ્ય ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી માટે શું લાંછનરૂપ નહિ હોય !
[…] Click here to read in English […]