RSS

Tag Archives: ગાંધીજી

(૪૬૧) ચકલીઓ : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૨)

Sparrows

In childhood
when we played gilli-danda
Sparrows played beside us
the games that we had not yet learnt
now when my son asks me
Papa “Where can I find a sparrow ?”

Shall I say
they tweet now in alarm clocks and
reside in encyclopedias…

they have lost the game …

–  Mukesh Raval

(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * * * *

clip_image003

ચકલીઓ

(ભાવાનુવાદ)

અવ એ બાલ્યકાળે;
ગિલ્લીદંડો જ્યારે અમે સૌ રમતા,
ત્યારે ચકલીઓ પણ સૌ રમતી અમ પાસ
એવી રમતો કે જે અમે કદીય નહોતા શીખ્યા !

હવે જ્યારે મારો દીકરો પૂછે,
“પાપા, મને ચકલીઓ ક્યાં મળી રહે ?”

ત્યારે મારે કહેવું પડે,
“તેઓ એલાર્મ ઘડિયાળમાં ચીંચીં કરતી, અને
જ્ઞાનકોશમાં વસતી મળી રહે !

એ પોતાની રમત હારી ગઈ છે !”

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(સાભાર : ‘Pots of Urthona’ – A Collection of Poems – Mukesh Raval)

* * * * *

ચકલીઓરસદર્શન

પર્યાવરણ અને પક્ષીપ્રેમીઓની લાગણીઓને વાચા આપતું આ એક વિશિષ્ટ કાવ્ય છે. સૌ કોઈ જાણે છે કે બાલ્યવયમાં માતાપિતા પાસેથી આપણે સાંભળેલી ચકીચકાની વાર્તાનાં એ કાલ્પનિક છતાંય વાસ્તવિક લાગતાં પાત્રો વાસ્તવમાં આજે તો નામશેષ થઈ ગયાં છે. નિર્દોષ, નાજુક અને નમણાં આ પક્ષીઓ હજુ તો ગઈ કાલ સુધી આપણાં ઘરોમાં જે માળા બાંધતાં હતાં તે આજે આપણી નજરથી ઓઝલ થઈ ગયાં છે. કહેવાય છે કે ઠેરઠેર ઊભાં થએલાં મોબાઈલ ફોન માટેનાં ટાવરોનાં જંગલો આ ચકલીઓના વિનાશનું કારણ બન્યાં છે. હજુસુધી તો ક્યાંકક્યાંક આ પક્ષી જોવા મળે છે, પણ આપણે માનવીઓ સજાગ નહિ રહીએ તો તે આવનારા સમયમાં સંપૂર્ણપણે નામશેષ બની જશે.

કવિ પોતાના આ લઘુકાવ્યની શરૂઆત પોતાના જ બાલ્યકાળના સંસ્મરણથી શરૂ કરે છે જ્યારે કે તેઓ પોતાના બાલમિત્રો સાથે ગિલ્લીદંડાની રમત રમતા હતા. એ લોકોની રમતની સાથેસાથે જ એ વખતે ચકલીઓ પણ પોતાની આગવી અને અકળ એવી રમતો રમતી હતી.

હવે કવિ પુખ્તવયે પહોંચતાં પિતા બને છે, ત્યારે બીજી પેઢીમાં પરિસ્થિતિ સાવ જ બદલાઈ જાય છે અને ચકલીઓ જોવા મળતી નથી. કવિને પુત્રના આઘાતજનક પ્રશ્નનો સામનો કરવાની નોબત આવે છે કે, ‘પાપા, ચકલીઓ ક્યાં જોવા મળે ?’. વાચકના હૃદયતલને હચમચાવી નાખતો કવિપિતાનો કટાક્ષપૂર્ણ જવાબ એ છે કે ‘હવે એ ચકલીઓનો મધુર ચીંચીં અવાજ માત્ર એલાર્મ ઘડિયાળમાં જ સાંભળવા મળશે અને તેમને સાકાર સ્વરૂપે જોવી હશે તો જ્ઞાનકોશ (Encyclopedia)નાં પાનાં ઊથલાવવાં પડશે !’ આનો મતલબ એ થાય કે હવે ચકલીઓ ચિત્રસ્વરૂપે જ જોવા મળી શકશે.

કાવ્યાન્તે કવિનો ઘેરો વિષાદ આ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે કે, ‘એ ચકલીઓ પોતાની રમત હારી ગઈ !’; અર્થાત્ માનવજાત અને ચકલીઓ વચ્ચેની રમતમાં બિચારી ચકલીઓ પરાજિત થઈ ગઈ. આ રમત બરાબરિયાઓ વચ્ચેની ન હતી, પણ નિર્બળ અને સબળ વચ્ચેની હતી.

અહીં કવિની કલમની તાકાતનો પરચો એ રીતે જોવા મળી રહે છે કે તે સામાન્ય વાતને અસામાન્ય બનાવી દઈ શકે છે અને એ પણ મર્યાદિત શબ્દોના લઘુકાવ્યમાં ! આ કાવ્ય વાંચતાં પ્રિયકાન્ત મણિયારના ગાંધીજી વિષેના એક લઘુકાવ્યની યાદ આવી જાય છે. એ કાવ્યમાં ફરક માત્ર એટલો જ છે કે ત્યાં નાના ભાઈએ મોટાભાઈને પ્રશ્ન પૂછ્યો હોય છે. એ કાવ્યની પ્રારંભની પંક્તિઓ આ પ્રમાણે હતી :

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
તમે ગાંધીજીને જોયા હતા?’

આ કાવ્યના રસદર્શનના સમાપને હું આવી પહોંચ્યો છું, પણ છેલ્લે છેલ્લે મારા સ્વરચિત આ જ વિષય ઉપરના તાજેતરના એક હાઈકુને અહીં આપ્યા સિવાય હું મારી જાતને રોકી નથી શકતો.

ચકીપ્રજાતિ
સમૂહ ધૂળસ્નાને,
ડૂબી મરી શું ?

ગાગરમાં સાગર સમાવતી કવિની આ લઘુકાવ્યરચના બદલ તેમને ધન્યવાદ.

વલીભાઈ મુસા (રસદર્શનકાર)

 

Tags: , , , , , , ,