RSS

Tag Archives: ચારિત્ર્ય

(446) Best of 5 years ago this month Nov., 2009 (31)

Click on

Bahlool Dana, a Gem in Rags

A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)

ઘણા સમય પહેલાં ….

ફાનસવાળાં સન્નારી

આત્મહત્યા

ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

-Valibhai Musa

 

 

Tags: , , ,

(૩૨૪) મખમલી સુખશય્યા બની કંટકશય્યા! (નવલિકા)

(૩૨૪) મખમલી સુખશય્યા બની કંટકશય્યા! (નવલિકા)

કાળી કાજળશી રાત્રિ જામી છે. શહેરની શેરીઓ નિદ્રા લઈ રહી છે. શેરીઓના ખોળે શ્વાન પણ નિદ્રાધીન છે. એક ગલીનાં ઘરોની બંને હરોળથી અલિપ્ત એવા છેડાના બંગલા સમા એક મકાનના શયનખંડમાંની મખમલી સુખશય્યામાં એક મુલાયમ નારીજીવ તરફડિયાં ખાય છે, કેમ કે નિંદર તેની વેરણ થઈ ગઈ છે.

એ કમળા છે, સેન્ટ્રલ એક્સાઈઝમાં નોકરી બજાવતા ગોવર્ધનની અર્ધાંગના. આજે તો તે એક અન્ય અર્થમાં પણ અર્ધાંગના જ છે, કેમ કે ગોવર્ધન નોકરીની ટુર ઉપર હોઈ તે પ્રોષિતભર્તુકા છે! ટાવરે અગિયારના ટકોરા પાડ્યા ત્યાં સુધી તો તે ઓરડાઓમાં આંટા મારતી જ રહે છે. તે ઊંઘવા માટે પથારીમાં કરવટો બદલ્યે જતી અનેકવાર લાઈટ ચાલુબંધ કરે છે, પણ તેની સઘળી કોશીશો મિથ્યા પુરવાર થાય છે. તેના જીવને ચેન નથી, જાણે કે પથારીમાં શૂળો ભોંકાઈ ન રહી હોય!

કમળાની બેચેની એ ગોવર્ધનના વિરહની નિપજ નથી, પણ કેટલાક દિવસથી તેના મનમાં ઘર કરી ગએલી તેની મેલી મુરાદને પાર પાડવાનો આ તો એક તલસાટ છે. આજનો જોગસંજોગ એ તો તેના માટે સાહજિક એવી અનુકૂળતા સમાન છે કે જે થકી જો સામા પક્ષે હકારાત્મક પ્રતિભાવ મળે તો તેમાં તેનું ધાર્યું પાર પડવાની પૂરેપૂરી ક્ષમતા રહેલી છે. સામો પક્ષ  એટલે કે આ  જ  બંગલામાંના  પાસેના ખંડોમાં પોતાની  જેમ ભાડુઆત  તરીકે રહેતો પ્રોષિતપત્નીક પાડોશી આનંદલાલ જ તો! તેની પત્ની વિમળા કોઈક કારણોવશાત્ કેટલાક દિવસોથી પિયર ગએલી છે. કમળા પોતાનાં કલ્પનાચક્ષુઓ વડે વચ્ચેના અવરોધક એક માત્ર બારણાને પાર કરીને તરવરતા યૌવનના સ્વામી એવા આનંદલાલ તરફ લોલુપતાભરી મીટ માંડી રહી છે. વચ્ચેનું બારણું આમ તો બંને બાજુએથી રાત્રિ દરમિયાન પોતપોતાની તરફેથી બંધ જ રહે છે, પણ દિવસ દરમિયાન તો અવરજવર માટે એ બારણું ખુલ્લું જ રહેતું હોય છે. તેમના પારિવારિક આત્મીયતાના એવા સંબંધો છે કે શેરીનાં અન્ય કુટુંબો માટે તેઓ ઈર્ષાનું કારણ બની રહે!

બંને કુટુંબો વચ્ચે વિશ્વાસ અને મિત્રાચારીના સંબંધો છતાં કમળાપક્ષે ચારિત્ર્યવિષયક સ્ખલન થવા માટેનું મલિન વિચારબીજ તેના માનસમાં થોડાક સમયથી રોપાઈ ચૂક્યું છે. ભ્રમરવૃત્તિ એ માત્ર કોઈ એવા પુરુષોનો ઈજારો નથી હોતો એ અહીં કમળા દ્વારા સાબિત થઈ રહ્યું છે. ગોવર્ધન કરતાં આનંદલાલમાં એવું તો શું વિશેષ આકર્ષણ છે કે જેના કારણે પોતે અવૈધ સંબંધો થકી અધ:પતનની ઊંડી ગર્તામાં ધકેલાઈ જવા તત્પર બની છે? ગુણિયલ એવા ગોવર્ધન પક્ષે અપવાદરૂપે ખોતરીને કાઢી શકાય તેવી એકમાત્ર ક્ષતિ કદાચ એ હોઈ શકે કે તે કમળા સાથે સહશયન અને પ્રણયક્રિડાની સઘળી ચેષ્ટાઓ અજમાવતો હોવા છતાં દેહસુખની પરાકાષ્ઠાની બાબતે તે કમળા સાથે જળકમળવત્ જ રહે છે. આ માટે જાતીયવિષયક તેની કોઈ ખામી કે ઉણપ જવાબદાર નથી, પણ મધુરજની વખતે માણેલા અપવાદરૂપ એ રોમાંચક દૈહિક આનંદ પછી કમળાની સંમતિસહ થએલી સમજૂતીના એક ભાગરૂપ તેનું આ આત્મસંયમી વર્તન છે.

બ્રહ્મચર્ય અને તે થકી જ સંતતિનિયમન એવી ગોવર્ધનની અમર્યાદ ઘેલછા જ કમળાની વિકારવૃત્તિને બહેલાવવા માટે જવાબદાર છે. કમળાની સ્ત્રીસહજ શરમાળ પ્રકૃતિ અને વસ્લની રાતે જ મુકાએલી ગોવર્ધન તરફની એકપક્ષી દરખાસ્ત સામે સેવાએલી કમળાની ચૂપકીદીને દિલી સંમતિ સમજી બેઠેલા ગોવર્ધને સ્ત્રીમાનસને સમજવામાં મોટી ભૂલ કરી દીધી છે અને એ જ ભૂલ કમળા પાસે આજની તેમના દાંપત્યજીવન માટેની ગોઝારી એવી આ રાત્રિએ અક્ષમ્ય મહાભૂલ કરાવવા માટે નિમિત્તરૂપ બની રહી છે. કુવિચારોથી ક્લુષિત થએલા કમળાના માનસને વધુ ક્લુષિત કરવા માટે આજની રાતનું આ એકાંત અને અનુકૂળતા ઘીમાં અગ્નિ નાખવાનું કામ કરે છે.

સંયમ અને સંતતિનિયંત્રણની નિત્ય સારંગી વગાડ્યે જતા ગોવર્ધનને એ વાતની પણ ખબર રહેતી નથી કે ભરયુવાનીએ પરીણિત યુગલ અને એમાંય વળી ખાસ તો નારીજીવ વિશેષ કામોત્સુક હોય, ત્યારે સમયાંતરે એ સંવેગનું શમન થતું રહેવું જોઈએ; અન્યથા વ્યક્તિમાં ચારિત્ર્યશૈથિલ્યની મનોવૈજ્ઞાનિક સમસ્યા ઉદભવતી હોય છે. આંતરિક રીતે કામાગ્નિથી બળીઝળી રહેતી, પણ મુખડા ઉપર કૃત્રિમ સ્મિતનો મુખવટો ધારણ કરી રાખતી કમળા ગોવર્ધનને પોતાની ભિન્ન વિચારશરણીથી અજ્ઞાત રાખે તેમાં એ બિચારાનો શો દોષ હોઈ શકે? જે હોય તે પણ કેટલીય રાત્રિઓની કમળાની દૈહિક અતૃપ્ત વાસનાઓ આજે શતમુખે તેના ચારિત્ર્યને ભરખી જવા તત્પર બની છે. આજસુધીની સબળ કમળા આજની આ રાત્રિએ અબળ અબળા બની રહીને ભૂખી વાઘણ સમી હાંફી રહી છે. પોતાનાં વક્ષસ્થળ ઉપર પોતાના બંને હાથ દબાવતી અને ઊના ઊના પોતાના શ્વાસોની આવનજાવન થકી વધ્યે જતા હૃદયધબકાર વચ્ચે કમળા પોતાના દિમાગને સતેજ બનાવે છે અને પોતાના શિકારને ફાંસવાની યોજના વિચારી રહી છે.

બહાર રાત્રિ જામતી જાય છે અને અહીં કમળાના અંતરમાં વિષયવાસના બલવત્તર બની રહી છે. કામાતુર કમળાની કાયા કંપન અનુભવી રહી છે અને એ જ કંપનને બીમારીનું નામ આપી દેવાનો તેના મનમાં વિચાર ઝબકે છે. આનંદલાલના ઉમદા ચારિત્ર્ય અને તેની પત્ની વિમળા સાથેના તેના પ્રેમ અને વફાદારીથી સુપેરે જ્ઞાત એવી કમળાને ખાત્રી છે કે પોતાનું સ્ત્રીચરિત્રનું કોઈ ઉમદા અને અસરકારક નાટક જ આનંદલાલને મહાત કરી શકશે. પાપાચાર પ્રતિ પ્રયાણના પહેલા પગલા રૂપે પોતે ધ્રૂજતા હાથે પોતાના તરફની બારણાની સાંકળને અવાજ થવા દીધા સિવાય મહામુસીબતે ખોલી દે છે, કેમ કે આજે તેને રોજિંદી સહેલાઈથી બંધ થતી અને ખુલતી એની એ જ સાંકળ માનસિક દબાણ હેઠળ ભારેખમ લાગી રહી છે.

અભિસારિકાની પૂર્વતૈયારીની જેમ અડધી રાત્રિએ કમળા શૃંગારમેજે બેસીને અરીસામાં પોતાના દેહસૌંદર્યને નિહાળે છે અને ઊંડો નિસાસો નાખે છે. થોડીવાર સુધી પોતાનાં હાથનાં આંગળાંમાં પોતાના કેશ રમાડ્યા પછી સૌંદર્ય પ્રસાધનો વડે કમળા શૃંગાર સજવા માંડે છે, જાણે કે આજે તેની સોહાગરાત ન હોય! એકબીજાના ઓરડાઓમાં છૂટથી અવરજવર થતી હોવાના કારણે કમળા જાણે છે કે આનંદલાલનો પલંગ વચ્ચેના દરવાજાની દિવાલને સંલગ્ન જ છે અને પોતાનો ધીમો અવાજ પણ તેને જગાડી શકવા સમર્થ છે.

આનંદલાલને તેના ચારિત્ર્યમાંથી ચલિત કરવો આસાન નહિ રહે તેવું માનતી કમળા તેને જગાડવા પહેલાં પોતાના મલિન ઈરાદાને સફળ રીતે પાર પાડવા માટેની જરૂરી માનસિક કવાયત શરૂ કરી દે છે. સર્વ પ્રથમ તો પોતે છાતીમાં દુખાવો અને ગભરાટના બહાનાસર શેક કરવા માટેની રબરની થેલી મંગાવશે. આનંદલાલના પોતાના ખંડમાં આવી જવા પહેલાં તેણે રજાઈ ઓઢીને કૃત્રિમ રીતે કણસવાનું ચાલુ કરવું પડશે. ત્યાર પછી અસહ્ય વેદના સાથે માથું દુખવાના નાટકના ભાગ તરીકે તેણે આનંદલાલ પાસે પોતાનું માથું દબાવડાવવાનું રહેશે. આમ વાસનાની ઉત્તેજનાના કારણે ગરમ થઈ ચૂકેલા લોહી થકી શારીરિક કંપન સાથે પોતાના દાંત કકડાવીને પોતાની બિમારીની વાસ્તવિકતાને વધુ મજબૂત બનાવવી પડશે. પોતે અર્ધબેભાન હોવાના અભિનય સાથે આનંદલાલના બંને હાથોને કાંડામાંથી પકડી લઈને પોતાની છાતી સરસા ચાંપી દઈને મસાજ કરવાનું કહેશે. આટલા સુધીની સફળતા પછી પોતે જાણે કે તાવ મગજમાં ચઢી ગયો હોવાના કારણે લવારા કરતી હોય તેમ નફ્ફટાઈપૂર્વક પોતાને આલિંગન દેવાની માગણી મૂકશે, આવા શબ્દોમાં કે ‘મને ચસચસતા આલિંગનથી હૂંફ આપો તો મને સારું થઈ જશે! ગોવર્ધન પણ આવા સમયે એમ જ કરતો હોય છે!’

પોતાના શબ્દછળ અને તબક્કાવારની ગતિવિધિને ગોઠવવામાં માનસિક રીતે વ્યસ્ત એવી કમળાની આંખો સિલીંગ ફેનના મંદમંદ ફેંકાતા પવનના ઘેનમાં ઘેરાવા માંડે છે અને જોતજોતામાં તો તે ચૂપકે ચૂપકે નિદ્રાવસ્થામાં સરી જાય છે. આમ છતાંય તેની નિદ્રાવસ્થામાં પણ તેનું અજ્ઞાત મન તો તેને નૈતિક અધ:પતન તરફ દોર્યે જવા કાર્યાન્વિત રહે જ છે. જાગૃતાવસ્થામાંના કમળાના બેશરમ વિચારો હવે આશ્ચર્યજનક રીતે નિદ્રાવસ્થાની સ્થિતિમાં આનંદલાલ સાથેના સંવાદોમાં તબદિલ થઈ જાય છે અને તેમની વચ્ચે સ્વપ્નીલ ઉગ્ર વાદવિવાદ શરૂ થઈ જાય છે.

નિદ્રાધીન થવા પૂર્વેના કમળાના આખરી અને આભાસી સંવાદખંડ ‘ગોવર્ધન પણ આવા સમયે એમ જ કરતો હોય છે!’ ની સાથે અકલ્પ્ય અનુસંધાન સધાઈ જતાં આનંદલાલ આક્રોશસહ પોતાના તનમાં ધ્રૂજારી અનુભવતો બોલી ઊઠે છે, ‘પણ, હું ગોવર્ધન નથી! મારી વાત સમજાય છે?’

રજ્જુમાં સર્પની ભ્રાંતિની જેમ કમળાનાં સ્વપ્નસંભાષણો અને તેણીના ધારદાર સંવાદોમાંની પ્રબળ દલીલો સામે પરાજયભાવ અનુભવતા આનંદલાલ પાસે તેણીની મોહજાળમાંથી છૂટવા માટે કમળાના ખંડમાંથી ભાગી જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. પરંતુ કમળા આનંદલાલને બંને હાથોએ બળપૂર્વક જકડી રાખતાં પોતાના ભાથામાંથી નવું એક તીર છોડતી હોય તેમ કહે છે કે ‘જો તમે મને તૃપ્ત નહિ કરો તો તમને વિમળાબહેનના સોગંદ છે. મારા હૃદયની આગ ઠાર્યા વિના અહીંથી જશો તો હું અગ્નિસ્નાન કરીશ. આમેય તમારી આગળ હું હલકી તો પડી જ ગઈ છું, તેથી મારે મારું કાળું મોં તમને બતાવવું ન પડે માટે હું જાતે જ મારા શરીર ઉપર કેરોસિન છાંટું અને પછી તમે દિવાસળી ચાંપીને જ સુખેથી જઈ શકો છો!’

કમળાનું આ છેલ્લું બાણ આનંદલાલના હૃદયસોંસરવું વીજળીની જેમ પસાર થઈ જાય છે. તે શિથિલ બનીને ઊભો રહે છે! સાવ હેબતાઈ ગએલો એવો આનંદલાલ હવે તો રડવાનું જ બાકી રાખે છે! કમળાની આત્મવિલોપનની પોકળ ધમકીને પોતે કદાચ વશ ન થાય, પણ અંશત: પણ તેમ બનીને જ રહે તો પોતાની શી વલે થાય? તાજેતરના એક અખબારની પૂર્તિમાંના સત્યઘટનાત્મક ક્રાઈમને લગતા લેખો પૈકીના એક લેખ મુજબની વિકટ પરિસ્થિતિમાં પોતે ફસાયો છે તેવું માનવાની આનંદલાલને ફરજ પડે છે. પેલી ઘટનામાં એક નિર્દોષ માણસની પત્નીની પ્રસુતિટાણે ઘરકામ સંભાળવા આવેલી તેની સગી સાળી જ આવો સંજોગ ઊભો કરીને છેવટે પોતાના બનેવી ઉપર સ્યુસાઈડ નોટ દ્વારા બળાત્કાર થયાનું આળ નાખીને બળી મરતી હોય છે. અદાલતે અંશત: શકનો લાભ આપતાં અને પેલાની યુવાન વયને ધ્યાનમાં લેતાં દેહાંતદંડના બદલે જન્મટીપની સજા ફરમાવી હતી. સ્યુસાઈડ નોટ અને ડાઈંગ ડેક્લેરેશનને સામાન્ય રીતે અદાલતો સાચાં માનીને ન્યાય તોળતી હોય છે, એ ધારણા ઉપર કે મરવાની અણીએ આવેલ કે મરવાનો નિર્ધાર કરેલ કોઈ વ્યક્તિ પોતાના અંત સમયે કદીય ખોટું બોલે નહિ! આ વાત યાદ આવતાં આનંદલાલના શરીરે પરસેવો વળી જાય છે.

પરંતુ, અચાનક કમળાએ વિમળાના નામના આપેલા સોગંદની વાત યાદ આવી જતાં આનંદલાલના માનસપટમાં એક વિચાર ઝબૂકી ઊઠે છે. આનંદલાલને બે જ દિવસ પહેલાંજ પિયર ગએલી વિમળા સાથે ટેલિફોનિક થએલી વાતચીત યાદ આવી જાય છે. પોતે પિયરથી ક્યારે પાછી ફરશે તેના જવાબમાં તેણે તો સરપ્રાઈઝ જ આપવાની વાત કરી હતી, પણ એ વાતને બદલી નાખતાં આનંદલાલ કમળાને કહે છે કે ‘મને હાલ જ યાદ આવે છે કે રાતના સાડાબાર વાગી ચૂક્યા છે અને વિમળા રાબેતા મુજબ હમણાં જ રાતની છેલ્લી લોકલમાં આવ્યા ભેળી જ છે. હવે તેણી આપણને પાપાચાર આચરતાં રંગે હાથે ઝડપી લે તે કરતાં બહેતર તો એ જ રહેશે કે આપણે…!’

સ્વપ્નમય હાલતમાં ઉચ્ચારાએલો આ આખરી સંવાદ અધવચ્ચે જ કપાઈ જાય છે અને સાચે જ આનંદલાલના ઘરની કોલબેલ અને તેના પલંગ પાસેની ટિપોઈ ઉપરનો સેલફોન એમ બેઉ એકી સાથે રણકી ઊઠે છે! માન્યામાં ન આવે તેવી રીતે કમળાની નિદ્રાવસ્થામાંની સ્વપ્નવત્ પરિસ્થિતિ જોગાનુજોગ વાસ્તવિકતા સાથે ફેરબદલ અને સંકલિત થઈ જાય છે.

આનંદલાલ સફાળો જાગી જતાં કમ્પાઉન્ડના દરવાજા ઉપરની લાઈટ ચાલુ કરે છે અને અહીં કમળા પણ પોતાના દુ:સ્વપ્નમાંથી ઝબકીને જાગી જાય છે. તે પોતાના પલંગમાં પડી પડી પોતાના ખંડની બારીમાંથી દરવાજા તરફ જૂએ છે તો વિમળા જમીન ઉપર સામાન મૂકીને રિક્ષાનું મીટર જોવા માટે વાંકી વળેલી હોય છે. કમળા પોતાના ચહેરા ઉપરના અકથ્ય એવા ભાવ સાથે રિક્ષાવાળાને પોતાના વોલેટમાંથી ભાડું ચૂકવતી વિમળાને અનિમેષ નજરે જોઈ રહે છે!

વિમળાના ઓચિંતા આગમનને નૈતિક અધ:પતનમાંથી ઊગરી જવા માટેની અણધારી ગેબી મદદ સમજતી કમળા હળવેકથી પથારીમાંથી ઊભી થાય છે અને પોતાના તરફની ખોલી નાખેલી સાંકળને ફરી નકૂચે ચઢાવી દે છે. પશ્ચાત્તાપનાં આંસુ સાથે હીબકાં ભરતી અને મનોમન ક્ષમા પ્રાર્થતી કમળા શયનખંડની દિવાલ ઉપરના ગોવર્ધનના ફોટોગ્રાફને ડીમ લાઈટે નિહાળી રહે છે. વેદનામય વિચારોના પ્રભાવે જેની મખમલી સુખશય્યા કંટકશય્યામાં પરિવર્તિત થઈ ચૂકી છે તેવી વ્યથિત કમળા શેષ રાત્રિ દરમિયાન લાખ પ્રયત્ને પણ ઊંઘવા માટે અસમર્થ પુરવાર થાય છે અને સવાર પડી જાય છે.

-વલીભાઈ મુસા


 

Tags: , , ,