Tag Archives: ચા
(૪૨૬) તાંહળેતાંહળે પીજો ! (હાસ્યકાવ્ય)
(અછાંદસ)
રબારી વાસે,
સંવાદ ભજવાય બે જણ વચાળે કંઈક આવો :
‘ભાયા, ઊંટના લબડતા હોઠની જ્યમ મોંઢું લટકાઈને ચ્યમ બેઠો સે ?’
‘અલ્યા બીજલિયા, ઊંટ ખોવાયું સે !’ ચેહરો વદે.
’તીં કાંઈ હોધખોળ્ય કરી કે બસ ઈંમ બગલમું હાથ ઘાલીનં બેહી રિયો સે !’
’આખો વગડો ફરી વળ્યો, લ્યા, પણ કાંય પતોપજેરું મળતું નથ !’
’અલ્યા બગલમાં સોરું અનં ગોંમમું ઢોલ વગડાવવા જેવું તો નથ થ્યું !’
‘તારા કેવાનો અરથ હું લ્યા ?’
‘એટલ કે, ઘેર આવી તો નથી ગ્યું ને !’
‘અલ્યા, ઘેર તો ગુડાંણો સું ! અનં વાડોય જોઈ વળ્યો, હંધાંય ઊંટ પણ ગણી લીધાં, બે બે વાર !’
’એમ કર્ય, તું દસેક કપ દેહાઈણી પાહે ચા મેલાવ્ય અને હું ભઈબંધોને પકડી લાવું સું,
ફરી વગડો ખૂંદી વળીએ ! ગદ્ધીનું ચ્યમ નોં જડે ?’ વદે બીજલ.
* * *
‘અલ્યા, બધા ઘરમું ચ્યમ પેહી જ્યા સો, અનં ફેદમફેદ કરીનં હું હોધો સો ?’ પૂછે દેહાઈણી.
‘પુસ્ય તારા ચેહરિયાને, તમારુ ઊંટ હોધાં સ વળં !’ એક કડિયલ જવાન વદે.
’અલ્યા, અતારના પોરમાં અફેણકહુંબો વધારે સબડક્યો સે કે શું,
ઘરમાં ઊંટ ? બધાની ચસકી તો નથ ન !’
‘આ તો વગડે રખડવા પેલાં ઘર જોઈ લેવું હારું !’ એક કહેવાતો ડાહ્યો વદે.
’તમે દહે જણા પેલા ડૂબી મરેલા અવગતિયા તો નથં કે !’
’એ કુંણ વળી ?’
’દહ માથોડાં નદીમું હઉના વરાડે એક આવે ઈમ કેઈનં ડૂબી મર્યા’તા તીં વળી !’
’અમે એ નથં ! લૂલી હલાયા વગેર અમારી ચા મેલ્ય અને કોંમ કરવા દે.’ ચેહરો વદે.
’પણ મન હાંભળસો કે, અકલના દેવાળિયાઓ; પણ..પણ,,, ચેહરા, મોરિયામાં હું ઢૂંઢે સે ?’
’ઊંટ જ તો વળી !’
’અલ્યા, એવડું મોટું ઊંટ અને મોરિયામાં ! અરે રોંમ, તમે તો સોકરાંય વટ્યા !’
’જોય લેવામું હું ખાટુમોળુ થાય, હંતોક તો થઈ જાય એક વાતનો !’
’અરે મુઆઓ, મનં બોલવા તો દિયો. પશાદા’ના કુએ મીં ઈનં બોંધી આઈ સુ !’
’હેં પણ ચ્યમ અનં ચ્યારં ?’ ચેહરો પૂછે.
’તમે *ખરચે જ્યા તા તાણં. ઘેઘુર લેબડો હોર્યો સે ઈંયાં, ચારો લાદવો’તો, ઈ વેગાઈ મારાથી **ઝેકર્યો જ નઈ 1’
‘પણ મારી વાટ્ય તો જોવી’તી, મુઈ !’
’પણ પશાદાઈ કીધું, ભાગ્ય’લી મેંનડી, નીં તો બીજો હાવરી જાહે !’
‘હત્તારીની ! પણ, હાંભળ્યું કે ? આ કોઈનં કેતી નીં, ની તો અમારી ફજેતી થાહે !’
‘ભલ, અસ્તરીની જાત તોય મું તો નીં કું, પણ તમ ***મોરિયામાં ઊંટ હોધવાવાળા સોકરડોંનો હું ભરુંહો, તમે જ ભહી મરસો !’,
હાથના લહેકે મેનાં દેહાઈણીએ હસતાંહસતાં મેણું માર્યું.
શરમના માર્યા ટપોટપ સૌ વિખરાવા માંડ્યા,
પણ ચેહરો કે’ કે ‘અલ્યા, ચા પીનં જોવ !’
‘તમ બેઉ તાંહળેતાંહળે પીજો, એ રોંમ રોંમ !’
-વલીભાઈ મુસા
(તાંહળું = તાંસળું (પિત્તળનું છીછરું વાસણ)*ખરચુ = જાજરૂ ; ઝેકારવું = ઊંટ બેસાડવું ; ***મોરિયો = માટીનો ઘડો)
નોંધ : –
“બાઈબલમાં છે કે ‘ઈસુએ કહ્યું હતું કે ‘ધનવાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશે એના કરતાં ઊંટ સોયના નાકામાં થઈને જાય એ સહેલું છે.’”. આ ક્થનની યાદ આવી જતાં ઉપરોક્ત કાવ્યરચના સર્જાઈ ગઈ છે.
(‘વેબગુર્જરી’ ઉપર પ્રકાશિત તા.૦૨-૦૩-‘૧૪)
[…] એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી […]