(આ અગાઉ મારી ‘વલદાની વાસરિકા’શ્રેણીએ “હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૧/3)”, “હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૨/3)” અને “હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૩/3)” શીર્ષકે ત્રણ લેખ આપ્યા હતા, જેમાં હળવા અંદાજમાં મારાં કેટલાંક હાસ્યહાઈકૂમાંથી હાસ્યદર્શન કરાવવામાં આવ્યાં હતાં. હવે એ જ સિલસિલો મારી નવીન શ્રેણી ‘વ્યંગ્ય કવન’માં ચાલુ રહેશે, જેનું શીર્ષક તો એ જ રહેશે, પણ તેના છેડે ક્રમાંક (૪) આપ્યો છે અને તે પ્રમાણે આગળ વધતો રહીશ. ધન્યવાદ. – વલીભાઈ મુસા)
* * *
તવ ઉંબરે
થૈ પગલૂછણિયું
સ્પર્શું તળિયાં!
‘દુનિયાના શાહ’ (શાહજહાં)એ પ્રેમના પ્રતીક રૂપે મોમતાજ (મીણના તાજ!) માટે કંઈક ઘુમ્મટ અને મિનારાવાળી કબર બનાવી તેવું હમણાં હાદ ઉપર વાંચવામાં આવ્યું છે! લખનારે ભલે લખ્યું; પણ અમારો વેધક સવાલ છે પેલા ‘દુનિયાના શાહ’ભાઈને, કે તેમણે પ્રજાના પૈસે કંઈક બનાવ્યું તો ખરું, પણ તેઓ પોતે મોમતાજની યાદમાં કંઈ બન્યા ખરા? ફકીર, જોગી, જતિ, ફૂલ, અગરબત્તી, મીણબત્તી, દિવાસળીની પેટી વગેરેમાંથી ગમે તે કંઈ!
પ્રેમદીવાનાઓ કે પ્રેમદીવાનીઓની અવનવી આરજુઓ કે પરિકલ્પનાઓથી આપણે સુવિદિત છીએ; કોઈ પ્રિયતમાના આંગણિયે મોર બની કલા કરવા ચહે, તો કોઈ પ્રિયતમના ઘરના છાપરે કોયલ બની ટહુકવા માગે; કોઈ ફૂલ બની ફોરમ ફેલાવવા ઇચ્છે, તો વળી કોઈ આ, તે કે પેલું થવા ઝંખે!
આપણા હાઈકુ-હીરો(Hero)એ માશુકાના ઘરે એવી કોઈક તુચ્છ વસ્તુ બનવાની તમન્ના કરી છે. તેઓશ્રી એ તુચ્છ વસ્તુ બન્યા કે ન બન્યા એ વાત બે નંબરમાં, પણ તે બનવા માટેનો ઈરાદો તો તેમણે અવશ્ય કર્યો છે; જે સૌ વાચકોને એ હાઈકુ વાંચવાથી સમજાઈ તો ગયું જ હશે, કેમ ખરું ને!
* * *
ધબકે ઉર,
પડઘા ઝીલે, પ્રિયા
કે સ્ટેથોસ્કોપ!
સાચાં પ્રેમીયુગલોના દેહ જુદા હોય છે, તેમની છાતીઓનાં પિંજરાં પણ જુદાં જ હોય ને! વળી એ પિંજરાંની માંહ્ય આવેલાં હૃદય પણ નોખાં જ હોય, એ પણ અદ્દલ વાત! પરંતુ હાઈકુકારે પ્રિયતમ અને પ્રિયતમાનાં હૃદયોના ધબકાર તો એકરૂપ જ કલ્પ્યા છે. હૃદયના ધબકારા જાણવા માટે તબીબો સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા હોય છે. પ્રિયતમની પ્રિયા કે પ્રિયાનો પ્રિયતમ એકબીજા માટેનાં જીવતાં જાગતાં સ્ટેથોસ્કોપ જ હોય છે, જે એકબીજાંના હૃદયના ધબકાર ઝીલતાં હોય છે. આ હાઈકુના હાસ્યદર્શન ઉપરાંત બોનસમાં એક આડવાત મૂકીને મારું કામ તમામ કરીશ.
‘એક ડાગટર શાબે ગોમડે દવાખાનું ખોલ્યું. પેનટરને ગુજરાતીમાં પાટિયું બણાવવા કાગળિયામાં લસીને આલ્યું ‘કાન, નાક અને ગળાના ખાસ ડાકટર’.
પેલો પાટિયું ચીતરીને લાયો ‘કાન, નાક અને ગળાના ખાસડા કટર’
એ ‘પેલો’ ઊજાવાળો તો ની હોય! હાહાહા…હાહા..હા,
* * *
મેઘવિરામે,
છત્તર સમેટતાં,
જાણ્યું ખોવાણી!
સામાન્ય રીતે ચોમાસામાં છત્રીઓ ભુલાઈ જતી હોય છે. જ્યારે વરસાદ વરસવો શરૂ થાય, ત્યારે જ આપણને આપણી ભુલાયેલી છત્રી યાદ આવતી હોય છે. પરંતુ, જગતમાં એવા પણ ધૂની માણસો હોય છે કે ધોધમાર વરસાદમાં પલળતા ચાલ્યા જતા હોય કે ઊભા ઊભા પલળતા હોય અને વરસાદ બંધ થયેથી છત્રી બંધ કરવા તેઓ ડાબા હાથે છત્રીનો હાથો પકડીને તથા જમણો હાથ ઊંચો કરીને છત્રી બંધ કરવા માટેની કળ દબાવવાની ચેષ્ટા કરવા જાય, ત્યારે જ તેમને ભુલાયેલી છત્રીની યાદ આવતી હોય છે !
આવા કેટલાક નમૂનાઓના થોડાક વધુ નમૂના જોઈએ!!!
ભરચક બસમાં એક હાથમા પુસ્તકો અને બીજા હાથે સળિયો પકડીને ઊભેલા Absent Minded પ્રોફેસરે ટિકિટ લેવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢવા કન્ડક્ટરની સળિયો પકડી રાખવાની મદદ માગતાં પેલાએ ‘જરૂર, જરૂર, કેમ નહિ’ કહેતાં સળિયો પકડી લીધો અને બસ ખાડામાં ખાબકતાં પ્રોફેસરની શી વલે થઈ હશે તે તો તેઓ જ જાણે! બાકી કંડક્ટરે તો સળિયો મજબૂતીથી પકડી રાખેલો જ હતો.
શેઠે હાથમાં Walking Stick સાથે પોતાના ખંડ તરફ જતાં નોકરને પીવાનું પાણી આપી જવાની સૂચના આપી. ટ્રેમાં પાણી સાથે નોકર ખંડમાં પ્રવેશે છે તો તેના આશ્ચર્ય વચ્ચે પલંગ ઉપર આડી Walking Stick પડેલી છે અને શેઠ બારણા પાસેના ખંડના ખૂણામાં ઊભેલા છે.
ઘણાએ (જાહેરમાં ધૂમ્રપાન નિષેધના કાયદા પહેલાં) ધૂમ્રપાન કરનારાઓને મોઢામાં દિવાસળી અને બીડી કે સિગારેટને ખોખાની ખરબચડી સપાટી સાથે ઘસતા જોયા હશે! [કડક સૂચના : ધૂમ્રપાન તંદુરસ્તી માટે હાનિકર્તા છે. કડક સૂચના પૂરી!]
* * *
પડછાયોયે
લઈને ચાલ્યાં, મૂકી
ટળવળતા!
જેમનામાં નખશિખ રમૂજવૃત્તિ (Sense of humor) હશે, તેઓ જ સત્તર અક્ષરીય આ હાઈકુમાં રહેલા અતિ સૂક્ષ્મ હાસ્યને ગ્રહી શકશે. જો પગના નખથી માથાની શિખા (ચોટી) સુધી રમૂજવૃત્તિ હોવાના બદલે જો હાથના નખથી માથાની ચોટી સુધીની રમૂજવૃત્તિ કોઈનામાં હશે તો તેટલા ઓછા પ્રમાણમાં તેઓ હાસ્યને માણી શકશે. હાથપગના મોજાઓથી નખ ઢંકાયેલા હશે અથવા કોઈને તાજા જ નખ કાપ્યા પછી આ હાઈકુ વાંચવાનું બન્યું હશે, તેમ જ બીજા અથવા એ કોઈએ માથાનો પોષાક (Headdress) પહેરવાના કારણે કોઈના કેશ અને/અથવા ચોટી દૃશ્યમાન નહિ હોય તો તેમને પણ આ હાઈકુમાંના હાસ્યથી હાથ ધોઈ નાખવા પડશે.
દેવો અને દાનવોએ સંયુક્ત સમુદ્રમંથન થકી ચૌદ રત્નો મેળવ્યાં હતાં. અહીં આ હાઈકુના આપણા સંયુક્ત મંથનથી સાહિત્યના નવેનવ રસ તો નહિ, પણ માત્ર અમૃતરૂપી હાસ્યરસ તો અવશ્ય મેળવી શકીશું. અહીં હાઈકુનાયિકા ચાલી જાય છે એમ સીધેસીધું સમજવાના બદલે એમ સમજવું પડશે કે તે નાયકને છોડીને જતી રહે છે. વળી તેણી પાછળ પડછાયો છોડી દઈને એકલી જતી રહી હોત તો પણ હાઈકુનાયક તેણીના પડછાયાથી પણ સંતોષ માની શકે તેમ હતા, પરંતુ અફસોસ કે તેમ થતું નથી. નાયિકાનો પડછાયો દિવસે સામા કે પાછળ સૂરજે અથવા રાત્રિ હોય તો એ જ પ્રમાણેના પ્રકાશે જ પડછાયો શક્ય બને. આમ ધોળા દિવસે અથવા રાત્રિના પ્રકાશે હાઈકુનાયકની નજર સામેથી નાયિકા પડછાયા સમેત ઓઝલ થઈ જાય ત્યારે તેમની વ્યાકુળતાનો હિસાબ આપણા જેવા ત્રાહિતોથી તો માંડી જ ન શકાય. અને એથી જ તો વિરહપીડિત હાઈકુનાયક માટે હાઈકુકારે ‘ટળવળતા’ શબ્દ પ્રયોજ્યો છે!
કવિઓની દુનિયા અને તેમની કલ્પનાઓ નિરાળી હોય છે. જેમ ફાર્માસ્યુટિકલ કંપનીઓ કડવી દવાના પાવડરને કેપ્સુઅલમાં આપે, તેમ કવિઓ પણ શબ્દોની માયાજાળમાં મૂર્ખાઈભરી વાતોને લપેટીને એવી રીતે આપતા હોય છે કે વાચકો આસાનીથી મૂર્ખ બની શકે. આ હાઈકુકારે (બીજા કોઈ નહિ, મેં હોં કે!) પણ વાચકો માટે ‘પડછાયોયે લઈને ચાલ્યાં’ શબ્દો દ્વારા એ જ ખેલ પાડી બતાવ્યો છે! ભલા, કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને પાછળ મૂકી દઈને સ્થળાંતર કરી શકે ખરી! સુજ્ઞ વાચકો, તમને નથી લાગતું કે ‘કહતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના!’
નોંધ : –
વ્હાલાં ‘વેગુ’જનોને વિનંતી કે આ લેખમાં (Temperament) લાવવા માટે કોમેન્ટ બોક્ષમાં Free Style મિજાજે (Mood) વડે સૌ કૂદી પડો અને આનંદ લૂટો. આ પ્રકારની Robbery કાયદા હેઠળ ગુન્હાપાત્ર ગણાતી નથી.
* * *
તાલીસંકેતે
સ્થિર પાદ, લાગી શું
વેક્યુમ બ્રેક?
‘આ હાઈકુના સીધા પઠનમાં હાસ્યનો છાંટોય નથી અને એના વિવેચક (બબુચક!)ના પિષ્ટપેષણમાં તો કંટાળા સિવાય કંઈ જ હાથ લાગશે નહિ!’ એમ પ્રારંભે જ કહી દેવું સારું! તાજેતરમાંજ માર્ક ટ્વેઈન (Mark Twain) ની જન્મજયંતી ગઈ જેમનું આ જ મતલબનું એક વ્યંગકથન હતું – “વિનોદ અથવા રમૂજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું બધું જાણી તો શકીએ, પણ તેનો અંત તો મરેલા દેડકાથી જ આવે!”
પીઠ પાછળથી આવતો તાલીસ્વર એ પુરોગામીઓ માટેનો શ્રાવ્યસંકેત છે અને અનુગામી તાલીવાદક માટે કોઈકનું ધ્યાન દોરવાનું માધ્યમ છે. નગરમાર્ગે આપણી આગળ ચાલ્યા જતા કોઈકને વગડામાં હોઈએ તે રીતે ઘાંટા કાઢીને કે બરાડા પાડીને બોલાવવું એ જંગાલિયતની નિશાની ગણાય અને એટલે જ તો તાલી વગાડીને વાધરી માટે ભેંસ મારવાની જેમ કોઈ એક માટે બધાયને પાછળ જોવડાવવામાં આવે છે. મેટ્રિક પછી તરત જ ધંધા અર્થે મદ્રાસ જવાનું થતાં મારા રમૂજી યજમાન મિત્રે ભરચક માર્ગે ચાલ્યા જતા સઘળા લોકોને તાળી વગાડીને પાછળ જોવડાવ્યું હતું!
ખેર! આપણે આપણા હાઈકુએ આવીએ તો અહીં પ્રણયકાવ્ય, પ્રણયરાગ કે પ્રણયચિત્રની જેમ અહીં પ્રણયતાળી છે! આગળ ચાલી જતી હાઈકુનાયિકાને તેનો પ્રેમીસગલો તાલીસંકેતે જાણ કરે છે કે પોતે તેની પાછળ પાછળ આવી રહ્યો છે. પેલી નારી પણ પોતાના પ્રિયતમની તાળીને પીઠ ફેરવ્યા વગર જ લાખોકરોડો તાળીઓના અવાજોમાં શ્રવણમાત્રથી ઓળખી પાડે છે અને કોઈ વાહનની વેક્યુમ બ્રેકની જેમ તેના પગ ત્યાંને ત્યાં જ સ્થિર થઈ જાય છે!
અહીં મારા ચકોર વાચકો એ દલીલે મને ચૂપ કરવાનો પ્રયત્ન કરશે કે હાઈકુમાંથી ક્યાં એવું ફલિત થાય છે કે તાળી વગાડનાર ભાઈડો છે અને આગળ ચાલ્યે જતી બાઈડી છે! આનો સીધો અને સરળ ખુલાસો એ છે કે જાહેર માર્ગે કદીય કોઈ પૂર્ણ નારી તાળી વગાડે નહિ અને હા, કોઈ અર્ધ નર કે નારી હોય તો એ જુદી વાત છે!!!
નોંધ : –
વ્હાલાં ‘વેગુ’જનોને વિનંતી કે આ લેખમાં લહેરીપણું (Temperament) લાવવા માટે કોમેન્ટ બોક્ષમાં Free Style મિજાજે (Mood) વડે સૌ કૂદી પડો અને આનંદ લૂટો. આ પ્રકારની Robbery કાયદા હેઠળ ગુન્હાપાત્ર ગણાતી નથી.
[…] ક્રમશ: (7) […]