અત્રતત્રસર્વત્ર વેરવિખેર એવાં હાસ્યમોતીની કંઠમાળા આપ સૌ રસિક વાચકોના કંઠે આરોપતાં મંદમંદ મલકાટસહ અકથ્ય એવા અંતરાનંદની અનુભૂતિ થઈ રહી છે, વલદાને આ લેખશ્રેણીના પ્રારંભ થકી ! બ્લોગપરિભાષાએ જેને ‘Page’ એવું નામાભિધાન પ્રાપ્ત થયું છે તેવા તેને ‘પૃષ્ઠ’ શબ્દે ભાષાંતરિત કરીને અસહ્ય એવા ભારક્ષમ (ભારેખમ) શબ્દો થકી પાંડિત્યસભર પ્રારંભિક પરિચ્છેદ પીરસી રહ્યો છું, એ પ્રયોજનાર્થે કે અગ્રભાગે લેખિનીકૌશલ્ય થકી તરલ એવં સરલ એવા લેખનમહીં ન પામશો આવું ભદ્રંભદ્રીય પઠન પુન: !
(સરલાનુવાદ : ઠેરેઠેર વેરાયેલાં હાસ્યમોતીનો હાર આપ સૌ રસિક વાચકોના ગળે પહેરાવતાં ‘વલદા’ને આ લેખશ્રેણી શરૂ કરતાં ચહેરા ઉપરના મલકાટ સાથે અવર્ણનીય એવો હૃદયમાં આનંદ થઈ રહ્યો છે. બ્લોગની પરિભાષામાં જેને Page (પેજ) તરીકે ઓળખાવવામાં આવે છે, તેનું ‘પાનું’ શબ્દમાં ભાષાંતર કરીને ત્રાસદાયક એવા ભારેખમ શબ્દો વડે પંડિતાઈ શૈલીએ આ પ્રથમ ફકરો એ હેતુસર લખી રહ્યો છું કે આગળ આવનારા મારા સહજ અને સરળ ભાષામાંના લેખોમાં આવું ભદંભદ્રીય લખાણ ફરી વાંચવા નહિ મળે !)
# # # # #
(૧) કોમ્પ્યુટરથી સાવ અજાણ એવા એ મહાશય નવા જ ખરીદેલા કોમ્પ્યુટરને ગોઠવતાં બરાબરના ગૂંચવાયા. સર્વિસ પ્રોવાઈડરને ફોન જોડીને તેમણે કહ્યું, ‘હું પાંચ વર્ષનો છોકરો હોઉં તેમ સમજીને મને સમજાવો કે મારે શું કરવું ?’ સામેવાળા ટેકનિશિયને જવાબ આપ્યો, ‘ઓકે દીકરા, તું તારી મમ્મીને ફોન આપ તો વારુ !’ (Lena Worth – RD)
* * * * *
(૨) જંગલના રાજા સિંહે કેટલાંક પ્રાણીઓને વારાફરતી Jokes (ટુચકા) કહી સંભળાવવાનો હૂકમ છોડ્યો અને સાથેસાથે તાકીદ પણ કરી કે ‘જો કોઈની પણ Joke ઉપર બાકીનાં પ્રાણીઓમાંથી એકાદ પણ હસશે નહિ, તો તેને ફાડી ખાઈશ.’ સર્વ પ્રથમ વાંદરાએ Joke કહી સંભળાવી. બધાં પ્રાણી હસ્યાં, સિવાય કે કાચબો. સિંહે વાંદરાને ફાડી ખાધો. હાથીનો વારો આવ્યો અને તેના કિસ્સામાં પણ એમ જ થયું. સિંહે હાથીને ચીરી નાખ્યો. આમ કરતાંકરતાં બધાં પ્રાણીઓ સિંહના શિકારનાં ભોગ થતાં રહ્યાં. છેવટે વાઘનો વારો આવ્યો અને તેની Joke ની શરૂઆત થતાંની સાથે જ કાચબો ખડખડાટ હસી પડ્યો. સિંહે કહ્યું કે ‘હજુ તો વાઘની Joke શરૂ પણ થઈ નથી અને તું કેમ હસી પડ્યો ?’ કાચબાએ જવાબ આપ્યો, ‘વાંદરાની Joke સાચે જ મજાની હતી !’ (Ian Roman – RD)
* * * * *
(૩) ડોક્ટરે દર્દીની છાતી થપથપાવતાં કહ્યું,’ચિંતા કરશો નહિ. એક અઠવાડિયામાં તો આ સોજાને હું મટાડી દઈશ.’ દર્દીએ કહ્યું, ‘છાતીના આ ભાગે નહિ, સર ! આ તો મારું Wallet (પાકિટ) છે !!!’ (Roberto Tascheri – RD)
* * * * *
(૪) ‘ડોક્ટર સાહેબ, મારી પત્ની અસાધ્ય એવા કોઈક ભ્રમણાના રોગથી પીડાય છે.’
’તમને શી રીતે ખબર પડી કે તમારી પત્નીને આ તકલીફ છે ?’
’તેણી એક જ મુદ્દા ઉપર અને વર્ષના એ જ દિવસે છેલ્લાં દસ વર્ષથી બોલ્યે જ જાય છે.’
’તેણી શાના વિષે બોલ્યે જાય છે ?’
’બસ, તેણી તેના જન્મદિવસની ભેટ માગ્યે જ જાય છે !’ (Than Wai – RD)
* * * * *
(૫) પત્નીના જન્મદિવસે તેણીને ભેટ આપવા માટે ભાયાએ સરસ મજાનો કોફી માટેનો Mug (પ્યાલો) ખરીદ્યો, જેના ઉપર લાલ રંગના હૃદય ઉપર ‘I love you’ લખેલું હતું. પત્નીએ હાથમાં ભેટ સ્વીકારતાં ઠંડો પ્રતિસાદ આપ્યો. ‘કેમ કેમ, ડાર્લિંગ ? બસ, સાવ આમ જ !’ પત્નીએ Mugને ફેરવીને ભાયાને પાછળના ભાગના શબ્દને વંચાવ્યો, જ્યાં લખ્યું હતું ‘દાદીને !’ (David Gilbert – RD)
* * * * *
(૬) મારી કાર અધવચ્ચે બંધ પડતાં મેં જોયું તો સ્પાર્ક પ્લગ બદલવો જરૂરી હતો. મારી સાથેના મારા બંને પુત્રોને મેં કહ્યું કે, ‘અલ્યા શીખો કે સ્પાર્ક પ્લગ કેવી રીતે બદલાય છે ? ભવિષ્યે તમારી પોતાની કારમાં તમે આવું સામાન્ય રીપેરીંગ કરી શકો.’ મારા આઠ વર્ષના પુત્રે કહ્યું, ‘પપ્પા, મારે આ શા માટે શીખવું જોઈએ ? શું મારી પત્ની એ કામ નહિ કરી શકે ?’ (Marlene Lindberg – RD)
* * * * *
-વલીભાઈ મુસા
(Abridged, adapted, summarized, edited and translated from “‘Reader’s Digest”(July – 2001) – All credit goes to ‘Copy Right’ possessors.)
[…] Click here to read in English […]