RSS

Tag Archives: જમીનસુધારણા

(૪૨૩) એક ધ્રુવપંક્તિ ઉપરનો મારો પ્રતિભાવ

મિડલ-ઈસ્ટ ક્રાઈસિસ

♥ પંચમ શુક્લ

ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે,
આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે!

 રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી;
પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી,
એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!

તણખામાં ભડકો ને ભડકામાં વિશ્વ ખાખ થાવાની ના કોઈને ધારણા;
હાથ પગ તાપી ને ઓઢી રજાઈ એય! સૂવાની સહુને છે એષણા,
મીંઢી કહો કે પછી મસ્તરામ અલગારીનિયતિ નરી વંઠેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!

૧-૧૨-૨૦૦૯

પ્રતિભાવ :

કાવ્યકૃતિના વાંચન પછી મૌન ધારણ કરવાનું મુશ્કેલ લાગ્યું આ પંક્તિ થકી કે “ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે”! આજે વિવેચને ન જતાં ‘આ’માં ‘તે’ કે ‘તે’માં ‘આ’ જેવાં બે દ્વંદ્વની વાત કરવી છે અહીં, હાસ્ય નિષ્પન્ન કરવા માટે જ તો વળી! વાંચકોને લાગશે કે અહીં મધ્ય પૂર્વની કટોકટી જેવી ગંભીર અને વિષાદમય પરિસ્થિતિમાં હાસ્યની છોળો ઊડાડવી એટલે વિવાહમાં મરશિયા ગાવા જેવી ધૃષ્ટતા ન ગણાય! ભાઈ-બાઈ, જે ગણાય તે ભલે ગણાય; હું તો કહીને જ રહીશ. મારે કાવ્યના વિષયવસ્તુ સાથે નહિ, પણ પંચમભાઈની આ પંક્તિ પૂરતી તેના અર્થ કે ભાવની ચમત્કૃતિ સાથે જ નિસ્બત છે.

[મારે હાંસિયા (કૌંસ)માં હાલ તો એટલું લખવું જ પડશે કે મ.પૂ.ની કટોકટી એ પશ્ચિમના દેશોના દિમાગમાંની ઈરાક અને અફઘાનિસ્તાનવાળી ભ્રામક પેદાશ જ છે. અહીં ‘તેં નહિ તો તારા બાપદાદાઓએ પાણી બોટ્યું હશે!’ જેવી પેલા વરુએ બકરાને ફાડી ખાવા પૂર્વે કહ્યા જેવી મલિન ઈરાદા ધરાવતી રાજનીતિપ્રેરિત આ સુફિયાણી વાત છે! અહીં તેમના માટે તો વિવાહમાં મરશિયા નહિ, પણ મરશિયા ગાવાની દુ:ખદ વેળામાં વિવાહનાં ગીતો ગાવાની મજાકભરી તેમની ધૃષ્ટતા છે!!!]

આટલા સુધીની આડવાતના અતિ વિસ્તારની ગુસ્તાખી બદલ માફી સાથે મૂળ મુદ્દે આવું તો પંચમભાઈની આ પંક્તિમાંની વાત ‘પગમાં બુટ!’ કે ‘બુટમાં પગ!’ જેવી તો ન જ ગણાય, કેમ કે તેમાં તો શું કહેવામાં આવી રહ્યું છે તે સમજાય છે! પણ, અહીં બીજી એક એવી વાત છે કે જેમાં એ કળવું મુશ્કેલ લાગશે કે “….”. જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ?”

“ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે!” ને એવી રીતે સમજી શકાય કે ‘લાંચરુશ્વતનો ઘાટ ઘડ્યા પછી અને તેને પાર પાડ્યા પછી કે તે પહેલાં લેતીદેતીની પ્રક્રિયાના થતા આ વ્યવહારને ભલેને ઈનામ, બક્ષિસ, મહેનતાણું કે ચાપાણી જેવાં જૂજવાં નામ આપવામાં આવતાં હોય પણ અંતે તો એને ભ્રષ્ટાચાર જ કહેવાય!!!!!


Thanks Valibhai.

જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ” .

વલીભાઈ, તમે તો ગીતના ધ્રુવપદને તરત સમજી શકાય એવી વિડંબના દ્વારા નવો આયામ આપી દીધો. (પંચમ શુક્લ)

-વલીભાઈ મુસા

 

 

Tags: , , , , , ,