તકતી – ગાલગાગા ગાલગાગા ગાલગા
માનવી તું કોક દી હરખાય છે
તો વળી કો દી દિલે હિજરાય છે
પાંચ જણ વચ્ચે વળી વખણાય છે
તો વળી તું કો સમે નિંદાય છે
એકધારી જિંદગી હોતી નથી
તો પછી તું શીદને ગભરાય છે
દોઢડાહ્યો ચોગણો ખરડાય છે
માત્ર ડાહ્યો મસ્ત હાલ્યો જાય છે
દુશ્મનોથી બીવું ના કો દી ભલા
જીભ જો તુજ દાંતમાં સચવાય છે
ચોતરફ વેરી ભલે ઘેરી વળે
વાડ તોયે ખેતરો લહરાય છે
જીવવાની કળ ‘વલી’ તેં પારખી
એટલે તો હર પળે મલકાય છે
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૦૫૧૨૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા. ૦૬૧૨૧૭)
[…] Click here to read in English […]