વિશ્વના કોઈપણ ભાષી સાહિત્યમાં આપણને પ્રતિકાવ્યો કે અનુકાવ્યો મળશે. પ્રતિકાવ્ય સામાન્ય રીતે તેને કહેવાય કે કોઈ કવિએ લખેલા કોઈ એક કાવ્યના પ્રત્યુત્તર રૂપે અન્ય કોઈ કવિએ લખેલું કાવ્ય. તો વળી, અનુકાવ્ય એ એવું કાવ્ય હોય છે કે જે અગાઉના કોઈ કવિએ લખેલા કાવ્ય જેવું જ અન્ય કાવ્ય બીજા કોઈ કવિ દ્વારા સર્જવામાં આવ્યું હોય. ગુજરાતી સાહિત્યમાં પ્રતિકાવ્ય અને અનુકાવ્યનાં ઉદાહરણોમાં અનુક્રમે ‘આંધળી માનો કાગળ’ અને ‘દેખતા દીકરાનો જવાબ’ તેમ જ ‘તું મહાકાવ્ય’ અને ‘તું મહાનાયી’ને ગણાવી શકાય.
મારી ‘સમભાવી મિજાજે’ શીર્ષકે તૈયાર થતી જતી વિવેચનલેખોની ઈ-બુક માટેના આ પ્રયોગશીલ સહિયારા ભાષ્યને મારા માનવંતા વાચકો સમક્ષ મૂકતાં હું હર્ષની લાગણી અનુભવું છું. સદરહુ ભાષ્ય માટેનાં કાવ્યો છે ‘એવુંયે બને !’ અને ‘એવું ના બને !’ જેમના રચયિતા અમેરિકાસ્થિત મારા કવિમિત્રો છે, અનુક્રમે રમેશભાઈ પટેલ અને સુરેશભાઈ જાની. આ બંને કાવ્યોમાં માત્ર શીર્ષકસામ્ય જ નહિ, પણ અર્થ અને ભાવસામ્ય પણ છે; અને તેથી જ તો ‘એવું ના બને !’ને ‘એવુંયે બને !’ના અનુકાવ્ય તરીકેની ઓળખ આપવામાં આવી છે. મારી આ વાતના સમર્થનમાં બંને કવિઓના તેમનાં કાવ્યો ઉપરની તેમની પોતાની જ ટિપ્પણીના શબ્દો આ પ્રમાણે છે : રમેશભાઈ લખે છે, “મારા ‘ત્રિપથગા’ કાવ્યસંગ્રહના વિમોચનપ્રસંગે મારા કાવ્ય ‘એવુંયે બને!’ના શ્રીમતી પ્રતિમાબેન અને પુષ્પાબેન રાવલની જુગલબંધીમાં ગવાએલા એ ગાનના ગુંજારવને પોતાના મનમાં ઝીલીને સુરેશભાઈએ પોતાના બ્લોગ ‘કાવ્યસૂર’ ઉપર પોતાની અનુરચના ‘એવું ના બને !’ મૂકી.” તો વળી, સુરેશભાઈ પણ પોતાના આ શબ્દોમાં લખે છે કે “મારા ‘ત્રિપથગા’ના વિમોચનપ્રસંગેથી મારા એક સ્નેહીજનના ઘરે પાછા ફર્યા બાદ બપોરની વામકુક્ષિ દરમિયાન મારા મનમાં ‘એવું ના બને !’ રચના ઊભરી આવી હતી.”
આ બંને કાવ્યો ઉપરના સહિયારા ભાષ્ય ઉપર જવા પહેલાં ચાલો આપણે એ બંને રચનાઓને અવલોકીએ :
એવુંયે બને !
વસંત પધારે ને ફૂલડાં ના હસે, એવું ના બને !
પૂનમનો ચંદ્ર આભે ખીલે, ને સાગર હેલે ના ચઢે,
એવું ના બને !
મેહુલિયો ગાજે ગગને, મોરલો ટહુકા ના કરે
બોલો એવું બને? એવું ના બને !
ગુલાલની છોળો ઊડે, ને હોળી યાદ ના આવે,
એવું ના બને !
રણ યુધ્ધે કોઈ લલકારે, ને ભારતીય લાલ પડકાર ના ધરે,
એવું ના બને !
બંસરી મધુરી વાગે વૃંદાવને, ને મોહન મનમાં ના રમે,
બોલો એવું બને ? એવું ના બને !
દીપમાલા ઘરને ચોખટે ઝગમગે, ને દિવાળી યાદ ના આવે,
એવું ના બને !
ગાંધીવિચાર વિશ્વવાટે વિચરે, સત્યઅહિંસાનો સંદેશ ના ખીલે,
એવું ના બને !
જયશ્રી સીયારામ હોઠે રમે ને, હનુમંત દેવ હૄદયે ના રમે,
બોલો એવું બને ? એવું ના બને !
નારદજીનું નામ પડે, ને નારાયણમંત્રનું રટણ ના ગુંજે,
એવું ના બને !
મહિસાગર સાગરશા છલકાય, ને વતન મહિસા યાદ ના આવે,
એવું ના બને !
‘આકાશદીપ’ની કલમ ઉપડે ને, ભારતીય સંસ્કૄતિ ના છલકે,
બોલો એવું બને ? એવું ના બને !
– રમેશ પટેલ(આકાશદીપ)
એવુંયે બને !
મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહુકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને ? એવુંયે બને !
નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને ? એવુંયે બને !
બળબળતી હોય આગ દુખતા દિલે,
શીતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને ? એવુંયે બને !
મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે – એવું ના બને ? એવુંયે બને !
કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને ? એવુંયે બને !
વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને ? એવુંયે બને !
ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને ? એવુંયે બને !
– સુરેશભાઈ જાની (કાવ્યસૂર)
હવે, મારા પોતાના ભાષ્ય તરફ આગળ વધવા પહેલાં સુરેશભાઈ જાનીના પોતાના શબ્દોમાં ઉભય કાવ્યો ઉપર અભિવ્યકત કરેલા તેમના મનોભાવોને આપણે પ્રથમ જાણી અને માણી લઈએ :
“આ કાવ્યના ‘એવું ના બને !’ એવા નાનકડા વાક્યમાં કેટકેટલા ભાવ છુપાયેલા છે ? કશાકની અભિપ્સા સાથે શંકાકુશંકા પણ છે. નાનકડો ભય છે, તો વળી મોટે ભાગે ન થતું હોય તેવા ભવિતવ્યને સાકાર કરવાની ઝંખના છે. વળી, ‘એ ઝંખના એળે તો નહીં જાય ને !’ તેવી વિભાવના પણ છે.
મારા કાવ્ય ‘એવુંયે બને !’માં પણ આવી જ ભય અને શંકાપૂર્ણ આશા છે. એ થાય એમ લાગતું તો નથી પણ, કદાચ એમ થાય પણ ખરું !’. બન્ને સાથે મળીને માનવસહજ નબળાઈઓથી ભરેલા મનના બળને મજબૂત કરવાનો પ્રયાસ છે. આ કોઈ મહામાનવ કે અલૌકિક શક્તિઓથી ભરેલા અવતારી પુરુષનો મહિમા નથી; પણ આપણા સૌના જેવા સામાન્ય માણસોની અંતરની થોડીક હલબલતી અભિલાષાઓ – ‘छोटी सी आशा’ છે. આમ આ બે પંક્તિઓ મળીને આપણી નબળી ચેતનાને એક નવું બળ પૂરું પાડે છે. બે બહેનોએ રમેશભાઈનું ગીત ગાયું, ત્યારે મારા મનમાં આવા જ મિશ્ર ભાવ પ્રગટ્યા હતા.”
હવે, આપ સૌ વાચકોને રસદર્શન કરાવવા સુરેશભાઈના બ્લોગ ‘કાવ્યસૂર’ ઉપર મુકાએલા તેમના કાવ્ય ‘એવુંયે બને !’ ઉપર મેં આપેલા મારા પ્રતિભાવને અત્રે અક્ષરશ: રજૂ કરું છું :
“શ્રી સુરેશભાઈ,
કુશળ હશો.
મને તો તમે અને રમેશભાઈ બંને જાદુગર જ લાગ્યા! ‘એવું ના બને-એવુંય બને’ ને અંગ્રેજીમાં Burden Line (Refrain) કહેવાય, પણ તમે લોકોએ તો એ શબ્દોને એવા હળવા બનાવીને રમાડી નાખ્યા કે શ્રોતા/વાંચકો/વિવેચકો પણ એમના ગુંજનમાં ઘેલા બનીને મનોમન નાચી ઊઠે ! પંક્તિએ પંક્તિએ ઉદ્દીપનો બદલાતાં રહે અને ધ્રૂવ પંક્તિનો એ જ પ્રશ્ન અને તેનો પ્રત્યુત્તર યથાવત્ રહીને પુનરાવર્તિત થતો રહે અને છતાંય જરાયે ના કઠે. તમારી રચનાને પ્રતિકાવ્ય નહિ, પણ અનુકાવ્ય કહેવાય; પ્રતિકાવ્યો તો શોધકને અનેક મળે, પણ અનુકાવ્યો તો જવલ્લે જ મળે.
ધ્રૂવ પંક્તિની જાદુઈ અસર મારી જેમ અન્યોએ પણ એવી મહેસુસ કરી હશે કે તેમની સામે એક એવું શબ્દચિત્ર આકાર પામે કે જ્યાં ચકળવકળ અને કુતુહલપૂર્ણ આંખે કોઈ માસુમ બાળક વડીલજનને પૂછે ‘એવું ના બને ?’ અને પેલા પરિપક્વ વડીલજન ગંભીર મુખમુદ્રાએ જાણે કે જવાબ વાળતા હોય, ‘હા, એવું પણ બને!’. સામાન્ય રીતે ‘કાર્યકારણ’નો સિદ્ધાંત શરતોને આધીન હોય છે, જ્યારે ‘જોગસંજોગ’ તો ભાગ્યાધીન હોય છે અને એવી ઈચ્છાપૂર્તિ ટાણે ગેબી મદદો પ્રાપ્ત થયાના નાનામોટા કરિશ્માઓ ઘણાના જીવનમાં બનતા હોય છે.
કવિ વિવિધતાપૂર્ણ અપેક્ષિત પ્રસંગો અને પરિસ્થિતિઓ દર્શાવતા જાય છે અને તેમનાં સમાધાનો માટેની શક્યતાઓ પણ સુચવતા જાય છે, એ સઘળામાં કવિની લયતંતુની જાળવણી માટેની દરકાર અને તેની માવજત અનન્ય રીતે ઝળકી ઊઠે છે. કાવ્યની અભિવ્યક્તિમાં એક ખૂબી એવી પણ છુપાએલી છે કે કાવ્યભોક્તાને ખબર પણ ન પડે અને અજાણતાં જ તેના માનસમાં જીવન પરત્વેનો હકારાત્મક અભિગમ કેળવાતો અને વિકસતો જાય.
કાવ્યનાં બધાં જ કંડિકાયુગ્મ સોનેમઢ્યા જેવાં છે એટલે તેમની પરસ્પરની સરખામણી કોઈકને અન્યાય કરી બેસે. આમ છતાંય મને મારા એક સમભાવી આકર્ષણના કારણે આ કંડિકાઓ વિશેષ ગમી છે :
“નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને ? એવુંયે બને !”
અતિવિસ્તારનું જોખમ ઊઠાવીને પણ મારા સમભાવી આકર્ષણને સમજાવી દઉં, મારા જ આ હાઈકુ વડે :
”ઢોલ ઢબુકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી!”
વિદ્વાન કોમેન્ટવાચકોએ જાતે જ જાણી લેવું પડશે છે કે ‘તે કન્યાને નાચનિષેધ કેમ છે અને તે કેમ પલાંઠી ભીડી દે છે ?’ અહીં તેની ચર્ચાને અવકાશ નથી.
ગુણાનુરાગી,
વલીભાઈ મુસા”
મારા ઉપરોક્ત પ્રતિભાવને સુરેશભાઈ મને ક્ષોભ થાય તેવા પોતાના આ શબ્દોમાં બિરદાવતાં લખ્યું હતું કે “વલીભાઈ જેવા ઉચ્ચ કક્ષાના વિચારક અને લેખક આપણા બેની કવિતા માણે, એ આપણા બન્નેનું પરમ સૌભાગ્ય છે. “‘મુસા’ એટલે મોઝીસ – ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ ચલચિત્રના દૃષ્ટા !”
સુરેશભાઈના મારા માટે વપરાએલા ‘ઉચ્ચ કક્ષાના વિચારક અને લેખક’ શબ્દો મને ભારે પડતાં મારે એ બંને મિત્રોને સંબોધતાં આ શબ્દોમાં લખવું પડ્યું હતું :
“શ્રીશ્રી સુરેશભાઈ અને રમેશભાઈ; કે પછી, શ્રીશ્રી રમેશભાઈ અને સુરેશભાઈ (!)
દ્વિધા છે જગજાહેર કે વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? બસ એવું જ કંઈક છે, મારા પ્રારંભિક સંબોધનમાં ! મારે મન (આપ બંનેની સત્તાવાર ઉઁમરની જાણ નથી અને એ ગૌણ છે) આપ બંને મહાનુભાવ છો, સાહિત્યક્ષેત્રે. સાહિયમાં મારું લેખિત કોઈ જ પ્રદાન નથી અને ક્રિકેટર વિનુ માંકડની જેમ ઝળકવા માટેનો સમય હાથમાંથી સરકી ગયો. માંકડને વિશ્વયુદ્ધોના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શુન્યાવકાશ નડ્યો અને મેં ધંધાવ્યવસાયના વિકાસમાં ગળાડૂબ રહ્યો હોવાના કારણે દસકાઓ સુધી સાહિત્યનો સથવારો છોડ્યો, પણ તેના પરત્વેનો પ્રેમ અકબંધ રાખીને !
મૂળ મુદ્દે આવું તો પરમ સૌભાગ્ય કોનાં એ તો આપણ ત્રણેયને સારી રીતે જાણનાર કોઈ ત્રાહિત જ નક્કી કરી શકે. વળી ઘણી બાબતો એવી હોય છે કે અનિર્ણિત રહેતી હોય છે, વાંચો આ મારું હાઈકુ :
આંગળી ઝાલી
શિશુજરઠ ચાલે,
કોણ સહારો ?
જીવનમાં ગંભીરતા અને હળવાશને સાથે લઈને સાત દાયકા પૂરા કરવાની સમીપે છું, ઈશ્વરેચ્છા હશે તો ! સમયાનુસાર રમુજ કરી લેવી એ મારી આદત કે વ્યસન છે !
અંતે એટલું જ કહીશ કે ચણાનો છોડ હોય, ઝાડ નહિ; અને તમે લોકોએ ‘પરમ સૌભાગ્ય’ શબ્દોથી ૮૦ કિલોથી વધુ વજન ધરાવનાર માણસને (મને) તેને ઝાડ સમજીને ઉપર ચઢાવી દીધો ! એ ચણાનો છોડ મારું વજન ખમશે ખરો !
શામળના નામ વિષેના છપ્પાની જેમ ‘ભૂપ (નામધારી) ભીખંતો દીઠો’. મુસા (મોઝીઝ) પ્રભુના પયગંબર હતા, મારી વિસાત શી ?
આવી બધી ચર્ચાઓમાં મને તો મજા પડે છે, સામે આવું કંઈક વળતું આવે તો ઓર મજા પડે! યુવાનવયે વોલીબોલનો પ્રખર ખેલાડી હતો, એટલે કહું છું કે વળતો બોલ જ ન આવે તો રમત કેવી રીતે જામે!
ધન્યવાદ.”
જામી પડેલી આ સઘળી ચર્ચામાં કેલિફોર્નિઆનિવાસી ડો. ચન્દ્રવદન મિસ્ત્રી પોતાની કાલીઘેલી કાવ્યરચના લઈને કૂદી પડ્યા હતા. તેમના કાવ્યના ભાવવાહી શબ્દો આ પ્રમાણે છે :
“એવું ના બને ! એવુંયે બને !”
બસ, આટલા જ શબ્દોની શરૂઆતથી,
શું બનતું એ જ મારે કહેવું……
પહેલ હતી, રમેશભાઈની,
પોસ્ટ કાવ્ય-રચના હતી સુરેશભાઈની,
અનેક પ્રતિભાવો બાદ,
પધાર્યા અહી, વલીભાઈ…..
નર્તન..અને વલી ઢોલનાદે, આવે રમેશભાઈ,
વગર વરસાદે ભીંજવી, સુરેશને એ લાવે,
મુસાને “મોઝીસ” કહેતા, વલીભાઈ આવે,
“નથી ઝાડ, છું ચણાનો છોડ હું “કહે વલી,
ત્યારે, વલી શબ્દોને ચૂંટી…..
અંતે, ચંદ્ર કહે……
આ તો વોલીબોલની રમત રમાય છે,
બોલ દિશાઓ બદલે, ‘ને રમત રમાય છે
અને ખુશી છે ચંદ્રહૈયે…
એવું ના બને ! એવું યે બને !
– ચન્દ્રવદન
ચન્દ્રવદનભાઈની કાવ્યરચનાના અનુસંધાને મારાથી ઉત્સાહભેર આમ લખાઈ ગયું હતું :
“સુરેશભાઈ,
આ એકદમ શું થઈ ગયું કે લાંબા વિરામે બધા ચર્ચામાં કૂદી પડ્યા ! મને લાગે છે કે લોકો ‘એવું ના બને, એવુંયે બને !’ શબ્દોને તકિયા કલામ તરીકે વાપરતા તો નહિ થઈ જાય ને ! એમ થાય તો સારું, લોકોનો આત્મવિશ્વાસ વધશે; અને એના જશનાં પોટલાં તમારે એકલાએ જ બાંધવાં પડશે, અમે કોઈ મદદે નહિ આવીએ ! પણ હા, રમેશભાઈને જરૂર બોલાવજો !”
સુરેશભાઈએ મારા અગાઉના પ્રતિભાવમાં ઉલ્લેખાએલા મારા હાઈકુ અંગેના ‘નાચનિષેધ કેમ ?’ પ્રશ્નનો જવાબ સંક્ષિપ્તમાં આમ આપ્યો હતો : “સામાજિક આચારસંહિતા/બંધનો !”. સુરેશભાઈના આ જવાબને સ્વીકારતાં મેં વિશેષ આમ લખ્યું હતું : “આપનું સામાન્ય સંજોગોમાંનું અનુમાન સાચું છે. અહીં વિશિષ્ટ સંજોગ છે, અર્થાત્ હાઈકુનાયિકા સ્વયં લગ્નમંડપે વધૂ તરીકે છે. અન્યોના લગ્ન પ્રસંગે મુક્ત રીતે નાચી શકતી આ કન્યા પોતાના જ લગ્નપ્રસંગમાં નાચી શકતી નથી, પ્રોટોકોલ નડે છે ! ઢબુકતો ઢોલ તો નાચવા પ્રેરે છે, પણ સંયમ જાળવવા પોતાની પલાંઠીને ભીડી દે છે, રખેને પોતે નાચી ન પડે !”
અત્રે બંને કાવ્યો ઉપરનું સહિયારું સંયુક્ત ભાષ્ય પૂર્ણ થાય છે. આશા સેવું છું કે આ સઘળી ચર્ચા આપ સૌ સાહિત્યરસિકોને અવશ્ય ગમી હશે. ધન્યવાદ.
– વલીભાઈ મુસા
[…] Click here to read in English […]