સામાન્ય સંજોગોમાં એવું બને તો નહિ જ કે કોઈ ઈસમ પોતાની માતૃભાષાને ભૂલી જાય ! હા, કેટલાક એવા વિશિષ્ઠ સંજોગો હોઈ શકે; જેવા કે બાળક પોતાની માતૃભાષા બરાબર બોલતાં પણ શીખ્યું ન હોય અને સંજોગોવશાત્ તેનો ભાષા સાથેનો સંપર્ક તૂટી જાય અથવા માણસ દીવાનું થઈ જાય અને ચૂપકીદી ધારણ કરી લે. જોકે એ દિવાની વ્યક્તિ કોઈક વાર લવારા કે બબડાટ કરવા માંડે તો ઘણું કરીને પોતાની માતૃભાષામાં જ કરશે.
અત્રે મારો ભાષાવિજ્ઞાનને સમજાવવાનો કોઈ આશય નથી. વળી મારા લેખમાંના શીર્ષકમાંના મારા જ પ્રશ્નનો કોઈ હકારાત્મક, નકારાત્મક કે બેમાંથી એકેય નહિ એવો કોઈ જવાબ હાલ પૂરતો હું આપવા પણ નથી માગતો. અહીં તો બસ મારી લેખશ્રેણીમાં વેબગુર્જરીએ વિષયોની બાબતમાં મને મોકળું મેદાન આપ્યું છે, શબ્દાંતરે આ શબ્દોમાં કે ‘ધાર્યું વલીભાઈનું થાય !’ અને તદનુસાર આજે હું ઉપસ્થિત છું, આપ સૌ વેગુવાચકો સમક્ષ અનૌપચારિક એવા ગમ્મતમજાકમાં કરેલા એક પ્રયોગ સાથે !
વાત આમ હતી.
એ દિવસોમાં હું બકરાની જેમ તમાકુવાળાં પાન ચાવવાના વ્યસનમાં સપડાએલો હતો. અમદાવાદ ખાતેના મારા યજમાનને ત્યાં સવારનો નાસ્તો પતાવીને લટાર મારવા જવાના બહાને નજીક્માંના એક મદ્રાસીની પાનની દુકાને જઈ ચઢ્યો હતો. દુકાન ઉપર સોળેક વર્ષનો છોકરો બેઠેલો હતો. મેં તેને કહ્યું, ‘વન્નુ બિડા પોયલે.’, જેનો ગુજરાતી ભાષામાં અર્થ થતો હતો : ‘એક તમાકુવાળું પાન.’
પેલા છોકરાએ મને તેનો હમવતની ભાઈ સમજીને અહોભાવથી મારી સામે જોઈને મારું પાન બનાવવાનું શરૂ કર્યું. તેણે મને હિંદીમાં જ પૂછ્યું, ‘આપ મદ્રાસ(ચેન્નાઈ)સે હૈં ?’
મેં તામિલમાં જ જવાબ વાળ્યો, ‘આમામ (Aamaam)- હા’. વળી મેં આગળ હાંક્યું, ‘નાલ કુણ્ડે સાપડી ઈરગે ઈણ્ણપ્પા પરિયમગેલે !’
તેણે પાન ઉપર કાથાની ડંડી ફેરવવાનું અટકાવતાં આશ્ચર્યસહ મને હિંદીમાં જ કહ્યું, ‘સાબ, જરા ફિરસે બોલિયે.’
મેં મારા એ જ વાક્યનું પુનરાવર્તન કર્યું.
‘આપ બોલતે તો તામિલ હી હૈ, પર મેરી સમજમેં ક્યોં નહિ આતા ? અભી થોડી દેરમેં મેરે પિતાજી આએંગે, આપ ઉનસે બાત કરના. વો યહાં ગુજરાતમેં અપને તામિલભાઈસે બાત કરકે ખુશ હો જાએંગે.’ પરંતુ તેને શંકા તો હતી જ કે હું તામિલ નહિ, પણ કોઈક ભળતી ભાષા જ બોલું છું. તેણે મને અજમાવવા માટે તામિલ ગિનતી (આંક) બોલવાનું કહ્યું.
મેં તો કડકડાટ એકથી દસ સુધીની સંખ્યાઓ બોલી નાખી : વન્નુ, રંડ, મુણ, નાલ, અંચી, આર, એળ, એટ, ઉમ્બત, પત્ત.’
‘બિલકુલ સહી ! આપ તામિલ હી બોલતે હૈં !’ તેણે મારી સાચી ગિનતી સાંભળીને સંતોષ વ્યક્ત કર્યો.
પણ વળી પાછો તે વહેમાયો અને હું અગાઉ જે બોલ્યો હતો તે ફરીથી બોલવાનું મને કહ્યું. આ વખતે તેણે મને ધીમેધીમે એકએક શબ્દ છૂટો પાડીને બોલવાનું કહ્યું. તે કોઈ પણ રીતે મારા એ કથનને સમજવા માટે ઉત્સુક હતો.
મેં મારા એ જ કથનને ધીમેધીમે કહી સંભળાવ્યું, ‘‘નાલ કુણ્ડે સાપડી ઈરગે ઈણ્ણપ્પા પરિયમગેલે !’
એ બિચારો માથું ખંજવાળતો જ રહ્યો. મેં ફરી વાર એ જ કથનને બોલી બતાવીને વધારામાં ઉમેર્યું : ‘વેલાયુથમ પાલયમ ઊક્કારંગો વાંગો પો ઊટકાર’
‘બિલકુલ સહી સાબ, આપ તામિલ હી બોલતે હૈં. જૈસે કિ ‘ઊક્કારંગો’કા મતલબ હોતા હૈ ‘આઓ’, ‘વાંગો’કા મતલબ હોતા હૈ બૈઠો, વૈસે હી ‘પો’ યાને કે ‘જાઓ’. પર આપ અભી પહેલે જો બોલે ઉસમેં ‘વેલાયુ’ જૈસા વો જરા ફિરસે બોલના.’
મે કહ્યું, ‘વેલાયુથમપાલયમ.’
એને બિચારાને ક્યાં ખબર હતી કે તે અંગ્રેજીમાં સત્તર અક્ષરવાળા તામિલનાડુ રાજ્યના કોઈ શહેર કે ગામનું એ નામ હતું : ‘Velayuthampalayam.’
હું ૧૯૫૯ની સાલમાં એસ.એસ.સી. પછી તરત જ હાર્ડવેરના ધંધાની જાણકારી મેળવવા માટે મદ્રાસ ગએલો હતો અને એકાદ માસના રોકાણ દરમિયાન કેટલાક તામિલ શબ્દો શીખ્યો હતો. એ સાચા તામિલ શબ્દોની સાથે કેટલાક તામિલનો આભાસ ઊભો કરાવે તેવા ખોટા શબ્દો જોડીને હું પેલા છોકરાને ગૂંચવી રહ્યો હતો. હું સૂંઠના ગાંગડે ગાંધી (To be a grocer with just a single dry ginger !) બની બેઠો હતો !
વળી પાછો તેને અકળાવી નાખતાં એકી શ્વાસે હું એનું એ જ લાંબુંલાબું ફરી વાર બોલી ગયો હતો : ‘નાલ કુણ્ડે સાપડી ઈરગે ઈણ્ણપ્પા પરિયમગેલે વેલાયુથમપાલયમ ઊક્કારંગો વાંગો પો ઊટકાર – વન્નુ, રંડ, મુણ, નાલ, અંચી, આર, એળ, એટ, ઉમ્બત, પત્ત.’
અને એ બિચારાએ પોતાના હાથ ઊંચા કરતાં શરણાગતી સ્વીકારી લીધી હતી આ શબ્દોમાં કે ‘સાબ, મૈં આઠ સાલકા થા તબ હમ મદ્રાસસે ગુજરાત આ ગયે થે. પિછલે આઠ સાલસે હમ મદ્રાસ ગએ હી નહિ હૈ ! મુઝે લગતા હૈ કિ મૈં શાયદ મેરી માદરી જબાન તામિલ ભૂલ ગયા હું ! હાલાંકિ ઘરમેં સબ તામિલ હી બોલતે હૈં ફિર ભી મૈં પરેશાન હું કિ આપકી તામિલ મેરી સમજમેં ક્યોં નહિ આતી ?
એ છોકરાના પિતાજી આવી જાય અને મારું પોલ પકડાઈ જાય તે પહેલાં મેં તેને ‘પોઈતુ વારેન (આવજો)’ કહીને ચાલતી પકડી હતી.
સાથીઓ, અહીં ભલે મેં તામિલ ભાષા અંગેની ઘટના કહી સંભળાવી હોય, પણ એ કોઈ પણ માતૃભાષાને એટલી જ સરખી લાગુ પડે ! મેં પેલા છોકરાને તેની માતૃભાષા ભુલવાડી તો ન હતી, પણ તેને વ્હેમના વમળમાં એવો ઘૂમરીએ ચઢાવ્યો હતો કે તેણે કબૂલ્યું હતું કે તે તેની માતૃભાષા ભૂલી ગયો લાગે છે !
પરંતુ સામાન્ય સંજોગોમાં એવું તો કદીય ન બને કે કોઈ ઈસમ પોતાની માતૃભાષાને સાવ જ ભૂલી જાય !
-વલીભાઈ મુસા
[…] ક્રમશ: (7) […]