RSS

Tag Archives: દત્તક

(૫૩૭) પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! (વ્યંગ્યકવન / અછાંદસ)

પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!

“’અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
વ્હેલી પરોઢે ચણ ચણીને,
જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં જે કંઈ આપણાં, વ્હાલા;
ન લેવી એર ટિકિટો, દેશવિદેશે ઊડવા કાજે,
બસ, આપણે તો, ભલા, આપણો એરિયા બસ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

મોંઘાંદાટ બકાલાં, જો ને લોકોને લેવાં,
વઘારે તેલ ના મળે, ફેર પ્રાઈસ શોપે લાઇનો લાંબી,
નિજ પરસેવે ન્હાઈ લેવાનું, હાથલારીઓ ખેંચી ખેંચી!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

જો ને પેલો છોરો બિચારો,
વાણ તૂટેલી ખાટલીએ ઘોરે, આખી રાત તન વલોર્યું
તડકો જગાડે તોય ના જાગે, આસપાસ કોલાહલ છતાંયે!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

‘ભૂખ ભૂંડી કે ભીખ?’, એવો વિચાર તજીને
પાઠ ભણે ભીખ માગવા તણા, પડખે નિશાળ છતાંયે;
કકળતું તો હૈયું મારું, તેઉને જોતાં, વાલમ, કેવું તો તેઉનું દુઃખ?
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

હૈયા તણી વાત કહું, માટીડા? પાંખભર આપણાં, વ્હાલા,
કહો તો દત્તક લઈએ, નાગીપુગી એ છોરીને,
મારો તો જીવ બળે છે, પણ આપણે તો લીલાલહેર!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

* * *

“’હા,અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’,
એય ગાંડી, આજ સવારે ચણ ચણતાં, ચણ્યો શું ઝેરી દાણો?
સાનભાન વણી વાત કરે તું, શું છોરીને મારવી તારે?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’

રાંધ્યા વગરનો એ કાચો દાણો, કરાવે બિચારીને ઝાડા,
એ માણસ છે, વ્હાલી, કાચું તો ખાય જો અન્ન,
માવતર પાપે દુઃખી થાતાં,  આપણો ક્યાં વાંક લગાર?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”

“માવતર પાપે? ના સમજાયું, ફોડ પાડીને કરો વાત,
વાંક તેઉનો ને નવસ્તરી ફરે, એ બિચારી છોરીની જાત
પાડાના વાંકે પખાલીને ડામ, એ તો ખોટું સાવ હળાહળ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

“ઊઘાડું કહેતાં શરમ આવે, સમજાવું તોય ખુલ્લંમખુલ્લા,
તેઉની નજરું આગળ, શ્વાનગાડી લાગે ખસી કાજે
તોય, ‘અમે બે, અમારાં બે’ ન જાણે, કેવી નઘરોળ જાત!
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”

“આવું સાવ ઊઘાડું કહેતાં, ના’વી આવી શરમ લગારે?
વાલમડા, હું તો લાજી મરું, ભલે તોય આપણે તો નસીબદાર,
આપણને એવો કાનૂન નોં લાગે, ને આપણે પિંજર બા’ર
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

* * *

“સુણો, જગતનાં નર ને નારી. વાત કપોતજોડી તણી
‘અમે બે, અમારાં બે’ છોડી, બોલો ‘અમે બે, અમારું એક’
નહિ તો પછી વાંઝિયામેણાં, સરકારી બસ ગાડીઓ તૈયાર!!!
‘અલ્યાં સાંભળ્યું કે, સૌ જન, પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!’”

 -વલીભાઈ મુસા

(તા. ૦૭૦૮૧૭)

 

Tags: ,