RSS

Tag Archives: દયારામ

(610) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૬ (આંશિક ભાગ – ૩) હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ (શેર ૭ થી ૧૦)

 

 

 

વો ચીજ઼ જિસ કે લિએ હમ કો હો બિહિશ્ત અજ઼ીજ઼
સિવાએ બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ ક્યા હૈ (૭)

[બિહિશ્ત= સ્વર્ગ, જન્નત; અજ઼ીજ઼= પ્રિય, પ્યારું; બાદા-એ-ગુલ્ફામ-એ-મુષ્ક-બૂ= ગુલાબી રંગનો કસ્તુરીની સુગંધવાળો શરાબ]

આ શેરના સાની મિસરામાંનો ‘સિવાએ’ અર્થાત્ ‘સિવાય’ શબ્દ એવો છે, જે આ શેરને બે ઇંગિત અર્થોએ  દ્વિઅર્થી બનાવે છે. પહેલા ઇંગિત અર્થ પ્રમાણે શાયર કહે છે કે એ ચીજ કે જે મેળવવા માટે અમને જન્નત અત્યંત પ્યારી છે અને તે ચીજ સામે ગુલાબી રંગના કસ્તુરીની સુગંધવાળા શરાબની કોઈ વિસાત નથી. ઇસ્લામ મજહબમાં શરાબને હરામ ઠરાવેલ છે. હવે જે પરહેજગાર બંદાઓ આ દુનિયામાં શરાબથી દૂર રહે છે, તેમના માટે જન્નતમાંના હવ્ઝ-એ-કૌસરનો વાયદો કરવામાં આવ્યો છે. ‘કૌસર’ નામનું એવું નિર્દોષ પીણું કે જેના હોજ ભરેલા હશે અને તેના પીવામાં શરાબ કરતાં પણ વધારે લિજ્જત હશે. તેના સેવનથી ભાન ભુલાશે નહિ અને છતાંય અનેરો આનંદ લૂંટી શકાશે. આમ અહીં ‘વો ચીજ’ જેને અધ્યાહાર રાખવામાં આવી છે, તેને હું મારા મતે પહેલા ઇંગિત અર્થમાં પીણાના બદલે પીણું એમ ‘કૌસર’ને સમજું છું, કેમ કે દુન્યવી શરાબ કરતાં પણ ચઢિયાતી વસ્તુ જન્નતનું ‘કૌસર’ જ હોઈ શકે.

હવે દ્વિતીય ઇંગિત અર્થ મુજબ પીણાના સામે પીણાના બદલે અન્ય કોઈ ચીજ અર્થાત્ બાબતને જો લેવી હોય તો સ્ત્રીસુખને લઈ શકાય. જે પાક બંદાઓ આ દુનિયામાં વ્યભિચારથી દૂર રહ્યા છે, તેમના માટે ‘હૂર’ એટલે કે સ્વરૂપવાન સ્ત્રી, અપ્સરા કે પરીનો જોડા તરીકે પ્રાપ્ત થવાનો વાયદો કરવામાં આવ્યો છે. ‘હૂર’  શબ્દની તફસીર (સમજૂતી) મુજબ આ લોકની પોતાની પત્નીઓ જ સ્વરૂપવાન સ્ત્રીઓ સ્વરૂપે જન્નતમાં જીવનસાથી બની રહેશે. આમ શાયર જન્નત પ્રિય હોવાના કારણ રૂપે સંભવિત આ બે બાબતો પૈકી કોઈ એક એટલે કે ‘કૌસર’ અથવા ‘હૂર’ને ‘વો ચીજ’ તરીકે પ્રસ્થાપિત કરે છે. આમ આ  ચીજ (કૌસર/હૂર)ના કારણે શાયરેને જન્નતમાં જવા માટેની ઉત્કંઠા છે અને જન્નતના એ અનેરા સુખને દુન્યવી શરાબ કરતાં ચઢિયાતું જણાવ્યું છે.

હવે આ શેરને ઇંગિત અર્થોના બદલે જો સીધા અર્થમાં સમજીએ તો શાયર માર્મિક રીતે એમ કહે છે કે અહીંની શરાબની મહેફિલમાં જે લુત્ફ (આનંદ) મળે છે તેવો આનંદ જો જન્નતમાં ન જ મળવાનો હોય તો શા માટે આપણે જન્નતની તમન્ના રાખવી જોઈએ. હવે જો આપણે આ અર્થમાં આ શેરને લેવા માગતા હોઈએ તો પેલા દુન્યવી શરાબને સ્થૂળ અર્થમાં ન સમજતાં તેને આધ્યાત્મિક અર્થમાં ઈશ્વરની યાદ કે તેના જિક્ર (રટણ)ના શરાબ અર્થાત્ નશાના અર્થમાં સમજવો પડે અને આમ આ શેર ઇશ્કે મિજાજી (દુન્યવી પ્રેમ)ના બદલે ઇશ્કે હકીકી (ઈશ્વરીય પ્રેમ) બની જાય છે. સુફીવાદ પ્રમાણે ઈશ્વર માશૂકા રૂપે પ્રાપ્ત થતો હોય તો સાધક માટે જન્નત ગૌણ બની જાય છે. ઈશ્વરની ભક્તિ ઈશ્વરપ્રાપ્તિ માટે જ હોવી જોઈએ, તેની ખુશનૂદી માટે હોવી જોઈએ; નહિ કે જન્નતની પ્રાપ્તિ માટે કે જહન્નમની આગથી બચવા માટે. એથી જ તો કહેવાય છે કે એવા સાચા ભક્તો કે બંદાઓના મતે જન્નતને આગ ચાંપી દેવામાં આવે કે જહન્નમને ઠારી દેવામાં આવે તો પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. છેવટે તો જન્નત કે જહન્નમ એ તો ઈશ્વરની મખલૂક (સર્જન)માં જ આવે, જ્યારે ઈશ્વર તો ખાલિક (સર્જનહાર) છે. સર્જનહાર આગળ તેનાં સર્જનો ગૌણ બની જાય છે. આમ ઈશ્વરનું નૈકટ્ય એ જ પરમ લક્ષ હોવું જોઈએ અને તેથી જ ગુજરાતી કવિ દયારામે પણ ગાયું છે કે ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ  જાવું’.

* * *

પિયૂઁ શરાબ અગર ખ઼ુમ ભી દેખ લૂઁ દો-ચાર
યે શીશા-ઓ-ક઼દહ-ઓ-કૂજ઼ા-ઓ-સુબૂ ક્યા હૈ (૮)

[ખ઼ુમ= લાકડાનું દારૂ સંઘરવાનું બેરલ;  શીશા= શરાબની બાટલી કે સુરાહી; ક઼દહ= કટોરો, વાડકો; કૂજ઼ા= સાંકડા મોંવાળું માટેનું પાત્ર; सुबू= શરાબનો ઘડો]

ગ઼ઝલનો આ શેર આપણને મરક મરક સ્મિત કરાવે તેઓ રમૂજી છે. શેરના અર્થઘટન ઉપર આવવા પહેલાં પૂર્વભૂમિકા રૂપે આપણે મયખાના સાથે સંકળાયેલાં પાત્રો વિષેની જાણકારી મેળવી લઈએ. મયખાના (દારૂનું પીઠું)માં શરાબને સંઘરવા કે પાવા-પીવા માટેનાં નાનાંથી મોટાં પાત્રો હોય છે. સૌથી મોટામાં મોટું પાત્ર લાકડાનું બેરલ હોય છે કે જેમાં વિપુલ પ્રમાણમાં શરાબને સંઘરવામાં આવતો હોય છે. ત્યાર પછીનાં મોટાથી નાનાં પાત્રો જેવાં કે ઘડો, કૂજો, કટોરો, સુરાહી વગેરે સાકી (શરાબ પાનાર) કે શરાબપાન કરનારના ઉપયોગનાં પાત્રો હોય છે. આ બધાંયમાં ઓછા કે વધુ પમાણમાં શરાબ હોય છે અને શરાબની મહેફિલમાં આ બધાં પાત્રો વડે શરાબીઓને સાકી કે ખાદિમ દ્વારા શરાબ આપવામાં આવતો હોય છે.

હવે આપણે શેરના અર્થઘટન ઉપર આવીએ. અહીં શાયર અર્થાત્ શરાબી કહે છે કે હું શરાબ પીવા પહેલાં બેચાર શરાબનાં બેરલને ચકાસી લઉં કે તેમાં પૂરતી માત્રામાં શરાબ ભરેલો છે કે નહિ! આમ કરવા માટેનું પ્રયોજન એ કે શરાબી પોતે પિયક્કડ (વધારે પ્રમાણમાં દારૂ પીનારો દારૂડિયો) છે અને એવું ન બને કે પીવામાં બરાબરની મજા આવી રહી હોય અને બેરલમાં દારૂ ખૂટી પડે. અત્રે એ સમજી લેવું જરૂરી છે કે શાયર એક માત્ર શરાબી નથી, પૂરી મહેફિલ જામેલી છે અને આમ ઝાઝા શરાબી હોઈ બેરલમાંનો શરાબ ખૂટી પણ  પડે! વળી ‘બેચાર’ બેરલ ચકાસી લેવાં એટલે કે જુદાજુદા પ્રકારના શરાબનાં બેરલ હોવાના કારણે એકથી વધારે ચકાસવાં પડે. અહીં સાની મિસરામાં ‘ક્યા હૈ’ રદીફને બખૂબી નિભાવવામાં આવ્યો છે. બેરલમાંના શરાબના જથ્થાને તપાસી લીધા પછી અને તેમાં પૂરતા પ્રમાણમાં હોવાનું માલૂમ પડ્યા પછી નાનાંનાનાં પાત્રોમાં શરાબ છે કે નહિ અથવા તેમાં કેટલા પ્રમાણમાં શરાબ છે તે ચકાસવાનો કોઈ મતલબ રહેતો નથી. ગુજરાતીમાં કહેવત છે કે કૂવામાં હોય તો હવાડામાં આવે, તદનુસાર બેરલમાં હશે તો અન્ય પાત્રો અને છેલ્લે પીનારની પ્યાલી સુધી તો એ શરાબ આવવાનો જ છે.

ઉર્દૂ શાયરીમાં શરાબની હાજરી હોય જ અને જો તેને ઉઠાવી લેવામાં આવે તો શાયરીમાં કશું જ બાકી રહે નહિ. આ શેર શરાબીઓની એ વર્તણૂકને ઉજાગર કરે છે કે તેઓ ગમે તેટલા પ્રમાણમાં તેનું પાન કરે તો પણ તેઓ અતૃપ્ત જ રહે!

* * *

રહી ન તાક઼ત-એ-ગુફ઼્તાર ઔર અગર હો ભી
તો કિસ ઉમીદ પે કહિએ કિ આરજ઼ૂ ક્યા હૈ (૯)

[તાક઼ત-એ-ગુફ઼્તાર= વાત કરવાની શક્તિ; આરજ઼ૂ= મનોકામના, ઇચ્છા]

દુ:ખના અસહ્ય બોજ હેઠળ દબાયેલા, માનસિક રીતે ભાંગી પડેલા અને સાવ ઉદાસીન થઈ ગયેલા માશૂક પોતાની હાર સ્વીકારતાં કબૂલ કરે છે કે તેઓ માશૂકા સાથે કોઈપણ વાતચીત કરવા માટેની શક્તિ ગુમાવી બેઠા છે. વળી પાછા હૈયાધારણ દર્શાવતાં કહે છે કે માની લો કે દિલ ખોલીને વાત કરવાની તાકાત પાછી મેળવી લીધી છે, તો પણ કઈ આશાએ માશૂકાને એમ કહેવું કે તેમના દિલની મનોકામના શું છે, આખરે પોતે શું ઇચ્છે છે? બીજા સાની મિસરામાં માશૂકની નાઉમેદી જે વર્તાય છે તે માટેની એવી કલ્પના કરવી રહે કે અત્યાર સુધી દૂર ભાગતી રહેલી એ માશૂકા હાલ સન્મુખ તો છે, પણ તે જડ પૂતળા જેવી સ્થિતપ્રજ્ઞ અને એકદમ અક્કડ સ્થિતિમાં! માશૂકાના ચહેરા ઉપર પોતાના પરત્વેનો કોઈ મહોબ્બતનો ભાવ દેખા દેતો ન હોઈ માશૂક ખામોશી ધારણ કરવાનું મુનાસિબ સમજે છે અને તેની આરજૂ વિષેની પૃચ્છા કરવાનું માંડી વાળે છે. આમ શેર ઉલ્લાસમય ન રહેતાં સાવ વિષાદમય બની રહે છે અને આમાં જ ગ઼ઝલમાંના ભાવના ચઢાવઉતારની ખૂબી સમાયેલી છે.

* * *

હુઆ હૈ શહ કા મુસાહિબ ફિરે હૈ ઇતરાતા
વગર્ના શહર મેં ‘ગ઼ાલિબ’ કી આબરૂ ક્યા હૈ (૧૦)

[શહ= બાદશાહ; મુસાહિબ=દરબારીજન]

ફરી એકવાર ગ઼ાલિબના ઉમદા મક્તા શેર પૈકીનો વધુ એક શેર આપણને અહીં મળે છે. આ શેર જ્યારે તત્કાલીન બાદશાહની મહેફિલમાં તેમના મુરબ્બીવટ હેઠળ રજૂ કરવામાં આવ્યો હશે, ત્યારે તેને કેટલી બધી દાદ (પ્રશંસા) મળી હશે તેની તો આપણે માત્ર કલ્પના જ કરવી રહે છે. કેવું ભવ્ય અભિવાદન એ બાદશાહનું કે જેના દરબારીજન માત્ર હોવાથી પોતાને આટલાં બધાં માનસન્માન મળી રહ્યાં છે તેવો ગ઼ાલિબ એકરાર કરે છે. આથી જ તો ગ઼ાલિબ શાહ સાથે બેસવા-ઊઠવાના નિકટતમ સંબંધોના કારણે જ ગર્વ અનુભવે છે અને છાતી કાઢીને ચાલી શકે છે.

હવે બીજા મિસરામાં ગ઼ાલિબ નિખાલસભાવે સ્વીકારે છે બાદશાહની મહેફિલમાંની પોતાની હાજરી હોવાના કારણે જ તેઓ ખ્યાતનામ થયા છે, વર્ના તેમની શહેરમાં શી આબરૂ કે હૈસિયત છે! અહીં ચકોર પાઠકને   ગ઼ાલિબના આ વિધાન પાછળ રહેલો છૂપો કટાક્ષ અને હળવો આક્રોશ સમજાયા વગર રહેશે નહિ. ગ઼ાલિબ તેમના સમયના ઉમદા શાયર છે અને તેમની શાયરીને શાહ સાથેના સાન્નિધ્યના આલંબન વગર પણ પ્રશંસા મળવી જોઈતી હતી તેવી તેમની ખેવના અહીં ડોકાય છે. આમ આ બીજા મિસરાનું વિધાન એક રીતે તો વક્રોક્તિમાં રજૂ થયેલું જણાઈ આવે છે.

આમ છતાંય ગ઼ાલિબ સ્વીકારે છે કે આબરૂદાર ગણાવાના દુનિયાના માપદંડોમાં પોતે ઊણા ઊતરે છે. તેમની નિર્ધનતા, શરાબ અને જુગારની લત આદિ તેમના વ્યક્તિત્વનાં ઉધાર પાસાં છે, જે તેમના માટે આબરૂદાર ગણાવામાં બાધક નીવડે છે. આ સમીક્ષક નમ્રપણે  માને છે કે નિર્ધનતાને અવગણતાં બાકીની બે કુટેવો ગ઼ાલિબના મુસ્લિમ હોવાના નાતે અલબત્ત ખરાબ તો છે જ, કેમ કે ઇસ્લામમાં આ બંને આદતોને હરામ ઠરાવવામાં આવેલ છે; પરંતુ આ આદતો જાતને જરૂર નુકસાન પહોંચાડનારી છે, પણ તેનાથી અન્યોને કોઈ હાનિ પહોંચતી નથી. ચોરી, હત્યા, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, દંગાફસાદ આદિ ગુનાહિત પ્રવૃત્તિઓની અસર સામેની વ્યક્તિ કે વ્યક્તિસમૂહો ઉપર થતી હોય છે અને તેથી ગ઼ાલિબની ત્રુટિઓ સ્વનુકસાનકારક જ હોઈ તેમને  અંશત: ક્ષમ્ય ગણી-ગણાવી શકાય.

આ અંતિમ મક્તા શેર સાથે ગ઼ાલિબની ગ઼ઝલ અહીં પૂરી થાય છે. આખી ગ઼ઝલમાંના પ્રત્યેક શેરમાંનો રદીફ ‘ક્યા હૈ’ અર્થસભર બની રહેવા ઉપરાંત તેમાં જે તે કથન સાથેનો તેનો અનુબંધ (Co-relation) પણ જળવાઈ રહે છે. ચાલો ત્યારે આપણે આ  ગ઼ઝલના મત્લા શેર – હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ, તુમ હી કહો કિ યે અંદાજ઼-એ-ગુફ઼્તગૂ ક્યા હૈ – ને ગણગણતાં અને તેને માણતાં માણતાં આપણે છૂટા પડીએ. (સંપૂર્ણ)

* * *

– મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – 179)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , , , ,

(607) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન – ૩૩ (આંશિક ભાગ – ૫) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ)  – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૧૨ થી ૧૪)

 

 

 

 

 

 

ફિર હુએ હૈં ગવાહ-એ-ઇશ્ક઼ તલબ
અશ્ક-બારી કા હુક્મ-જારી હૈ (૧૨)

[ગવાહ-એ-ઇશ્ક઼= પ્રેમનો સાક્ષી-શાહેદ(Witness); તલબ= ઉત્કટ ઇચ્છા, તલપ; અશ્ક-બારી = આંસુ વહાવવાં; હુક્મ-જારી = ફરમાન, આજ્ઞા]

વળી પાછો આ શેરમાં ‘ગવાહ’ શબ્દનો ઉલ્લેખ થાય છે, જે કોર્ટકચેરીઓ સાથે સંબંધિત છે. આ અગાઉના શેરમાં ઉલ્લેખાયા મુજબ માશૂકનું જીર્ણશીર્ણ દિલ ઇશ્કની અદાલતમાં વાણીરૂપે  ફરિયાદ કરી શકતું નથી, કેમ કે તે વિદ્ધ (વીંધાયેલું) છે અને તેથી માત્ર આહ જ નાખી શકે છે. આમ છતાંય એ આહને ફરિયાદ ગણી લેવામાં આવે છે અને મુકદ્દમાને ગ્રાહ્ય રાખવામાં આવે છે. હવે જ્યારે મુકદ્દમો ચાલવા ઉપર છે, ત્યારે માશૂકના માશૂકા સાથેના ઇશ્કના ગવાહને હાજર થવાનું જણાવાય છે. હવે ચશ્મદીદ ગવાહ તેની નિર્ણાયક ગવાહી આપે તે જરૂરી છે અને એ ગવાહી માત્ર શુષ્ક શબ્દોમાં જ નહિ, પરંતુ તે ભાવવાહી પણ બની રહેવી જોઈએ. ગવાહના દિલમાં અનુકંપાના ભાવ ત્યારે જ જાગી શકે જ્યારે કે તે માશૂકને રડતો જુએ. ગવાહના દિલને પિગાળાવવા માટે માશૂકનું મૌન રહેવું અને માત્ર દિલમાંથી આહનું નીકળવું એ પર્યાપ્ત ન ગણાય; અને તેથી જ તો માશૂકનું દિલ તેમની આંખોને આંસુ વહાવવાનું  ફરમાન છોડે છે. ગ઼ાલિબ તેમની ઘણી ગ઼ઝલોમાં લોહીનાં આંસુએ રડવાનો ઉલ્લેખ કરે છે. અહીં પણ આપણે કલ્પી શકીએ કે માશૂકનું દિલ ઘવાયેલું હોઈ તેની રૂધિરાભિસરણની ક્રિયા મંદ પડતી હોઈ તે શરીરશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આંસુના બદલે આંખોમાંથી લોહી પણ વહાવે. આમ માશૂકાએ માશૂકના દિલને ચોટ પહોંચાડી હોઈ તે લોહીનાં આંસુએ રડે તો પેલો ચશ્મદીદ ગવાહ પણ વધુ સહસંવેદનશીલ બની જાય અને તે તેની અસરકારક ગવાહી આપે, કે જેથી ઇશ્કની અદાલતનો ચુકાદો માશૂકની તરફેણમાં આવે.

* * *

દિલ ઓ મિજ઼્ગાઁ કા જો મુક઼દ્દમા થા
આજ ફિર ઉસ કી રૂ-બકારી હૈ (૧૩)

[મિજ઼્ગાઁ = પાંપણ, પલક;  મુક઼દ્દમા = કોર્ટખટલો, દાવો; રૂ-બકારી = સુનાવણી]

ગ઼ઝલના કત’અ: (ખંડ)નો આ આખરી એટલે કે પાંચમો  શેર છે. આ પ્રકારના શેરની સંખ્યા પાંચથી વધારે હોતી નથી. આના પછી આવતો આખરી શેર એ કત’અ: પૈકીનો નહિ, પણ આખીય ગ઼ઝલનો મક્તા શેર છે.

આપણે અગાઉના ચારેય શેરમાં અજીબોગરીબ આ મુકદ્દમામાં ફરિયાદી અને આરોપી તરીકે અનુક્રમે માશૂક અને માશૂકાને ગણતા આવ્યા છીએ. પરંતુ અહીં આખરી આ કત’અ: શેરમાં રહસ્યોદ્ઘાટન થાય છે કે આ  મુકદ્દમો માશૂકના ઘવાયેલા દિલ અને માશૂકાની કાતિલ પાંપણોની વચ્ચે છે. વળી એ પણ સ્પષ્ટ થાય છે કે અહીં જે ગુનાહ (Crime)ની વાત છે, તે એ છે કે માશૂકાની ફરફરતી પાંપણોની નખરાબાજીએ જ માશૂકના દિલને વીંધી નાખ્યું છે. આમ આ ઘાતકી કૃત્યના કારણે જ અહીં ફોજદારી ગુનો બન્યો છે અને તેથી જ તો પહેલા કત’અ: શેરમાં ગ઼ાલિબે ‘ફ઼ૌજદારી’ શબ્દ પ્રયોજ્યો છે. આ  ગ઼ઝલમાં આફરીન…આફરીન પોકારીને ફિદા થઈ જઈએ તેવી શાયરની અહીં શાનદાર કલ્પના છે.

બીજા સાની મિસરામાંના ‘આજ ફિર’ શબ્દો ખૂબ જ સૂચક છે. આનો અર્થ એ સમજાય છે કે મુકદ્દમાનો આ પહેલો દિવસ નથી, પણ આ અગાઉ તેની અનેક પેશીઓ થઈ ચૂકી છે અને કદાચ હજુ પણ ચાલુ જ રહેશે. આ દાવો જ કંઈક એવો અટપટો છે કે તેનો જલ્દી કોઈ ઉકેલ આવે તેવું લાગતું નથી. આખી ગ઼ઝલમાં અને ખાસ તો આ પાંચેય કત’અ: શેરમાં પુનરાવર્તિત આવતો ‘ફિર’ શબ્દ સૂચવે છે આ મુકદ્દમાનો અંત કોર્ટની  એક જ પેશીમાં આવનાર નથી, પણ એ સતત ચાલ્યા જ કરશે. અહીં આપણી વર્તમાનકાલીન ન્યાયિક વિલંબની સમસ્યા પડઘાતી હોય તેવું નથી લાગતું! આ તો એક વાત થાય છે. આમ છતાંય આ ગ઼ઝલના પાઠકો પોતાના તરફથી ચુકાદો આપવા માટે સ્વતંત્ર છે; તેઓ ઇચ્છે તો માશૂકાને નિર્દોષ જાહેર કરે કે પછી તેને કસુરવાર ઠરાવીને માશૂકની તરફેણમાં ચુકાદો આપે.

આ ગ઼ઝલના વિષય સાથે અલ્પાંશે સામ્ય ધરાવતી ગુજરાતી કવિ દયારામની ‘ઝઘડો લોચનમનનો’ કાવ્યકૃતિ છે, જેમાં બુદ્ધિ ન્યાય આપે છે. જો કે ત્યાં ઝઘડો એ છે કે નંદકુંવરની સાથે પ્રથમ પ્રીત કોણે કરી,  લોચને (આંખે) કે મને અર્થાત દિલે? ત્યાં આંખ અને દિલ ગોપીનાં જ છે; જ્યારે અહીં પાંપણો અર્થાત્   આંખ માશૂકાની, તો દિલ માશૂકનું છે. પરંતુ આપણે તો ગ઼ાલિબની આ ગ઼ઝલમાં આખરી ચુકાદાને અનિર્ણિત જ સમજવો રહ્યો.

* * *

બે-ખ઼ુદી બે-સબબ નહીં ‘ગ઼ાલિબ’
કુછ તો હૈ જિસ કી પર્દા-દારી હૈ (૧૪)

[બે-ખ઼ુદી =  આત્મવિસ્મૃતિ, બેહોશી, લાપરવાહી, બેકાળજી, દીવાનગી; બે-સબબ = કારણ વગર; પર્દા-દારી = ગુપ્તતા, બુરખો ધારણ  કરવો તે, (અહીં)  પોતાની વાત છુપાવવી]

આખીય ગ઼ઝલનો આ મક્તા શેર છે. અગાઉ કહેવાયું છે કે ગ઼ાલિબની ગ઼ઝલોના મક્તા શેરની નિસરણી બનાવવામાં આવે તો તે આપણને જન્નત સુધી પહોંચાડે. આ વિધાનના અનુસંધાને હું કહીશ કે એ નિસરણીનાં પગથિયાં પૈકી ગ઼ઝલના આ શેરને આપણે રમણા (વિશ્રામ માટેનું નિસરણીનું  પહોળું પગથિયું) તરીકે ઓળખાવી શકીએ. આ શેર એવો તો મનભાવન છે કે આપણે રાહતનો દમ લઈ શકીએ.

આ શેરને વાચ્યાર્થમાં આમ લઈ શકાય કે દીવાનગી કે લાપરવાહી કોઈ કારણ કે હેતુ વગર હોઈ શકે નહિ, જરૂર તેની પાછળ એવું કંઈક હોવું જોઈએ કે જે છુપાવવામાં આવતું હોય. અહીં જો આપણે આ શેરના માત્ર વાચ્યાર્થને જ પર્યાપ્ત ગણીશું, તો તેમાં રહેલા વ્યંજનાર્થને આપણે અન્યાય કરી બેસીશું. વળી આ શેરના  બંને મિસરાને સમગ્રતયા સમજતાં તેમાંથી માત્ર એક જ નહિ, પણ બે વ્યંજનાર્થ પ્રાપ્ત થશે. પહેલું અર્થઘટન આમ થશે : પર્દા પાછળ કંઈક છે એટલે કે પર્દા પાછળ કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, જે શેરના નાયકની દીવાનગી કે બેહોશીના કારણરૂપ છે. બીજું અર્થઘટન આમ પણ થઈ શકે કે દીવાનગી પોતે જ એક પર્દો છે કે જે દ્વારા કંઈક છુપાવવામાં આવી રહ્યું હોય અને તેથી દીવાનાપણું દેખાડવું એ વિનાકારણ હોઈ શકે નહિ. આમ આ શેરમાં સંભવત: બંને રીતે વક્રોક્તિ વ્યક્ત થતાં શેરનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. અહીં કાર્યકારણના સિદ્ધાંતને પ્રયોજવામાં આવ્યો છે. ‘કાર્યકારણ’ એટલે કોઈ કાર્ય કારણ વગર અસ્તિત્વમાં આવી શકે નહિ.

આ શેર પૂરતો ‘બેખુદી’ શબ્દને હજુ વધુ સાચા અર્થમાં સમજવો હોય તો મારા મતે તેનો અર્થ ‘જાણીજોઈને લાપરવાહી કે દીવાનગી બતાવવાનો ડોળ કરવો’ એમ લેવો પડે. ઉર્દૂ ગ઼ઝલોમાં ‘બેખુદી’ શબ્દપ્રયોગ ખૂબ થતો હોય છે, જે માશૂકની એ પ્રકારની માનસિક સ્થિતિને ઉજાગર કરે છે કે જ્યાં આત્મભાનનો અભાવ હોય. આ શેર પૂરતા ‘બેખુદ’ શબ્દને હજુ વધારે સારી રીતે સમજવો હોય તો તેના વિકલ્પે ‘ધૂની (Crazy)’ શબ્દ લઈ શકાય. આમ ‘બેખુદી’ એટલે ‘ધૂનીપણું’ કે ‘ધૂન’ એમ સ્વીકારવું પડે.

ગ઼ઝલોમાં ઇશ્કેહકીકી (દૈવી પ્રેમ) અને ઇશ્કેમિજાજી (સાંસારિક પ્રેમ) વર્ણવાય છે. મારા મતે આ ગ઼ઝલમાંના આખરી મક્તા શેરને ઇશ્કેહકીકી સ્વરૂપે સમજવો રસપ્રદ થઈ પડશે. અલ્લાહ (ઈશ્વર)નાં સિફત (ગુણ) વિષયક  સર્વશક્તિમાન, દયાળુ વગેરે જેવાં અનેક વિશેષણો જેવું ‘બેનિયાઝ (બેપરવાહ, સ્વતંત્ર) પણ એક વિશેષણ છે. ઈશ્વર-અલ્લાહ સ્વતંત્ર છે, તે કોઈની પરવાહ કરતો નથી. સૃષ્ટિમાં ઘટતી સર્વ ઘટનાઓ હરીચ્છાને આધીન હોય છે. હવે ઈશ્વર-અલ્લાહ નિરંજન-નિરાકાર હોઈ એ અદૃશ્ય સ્વરૂપે પણ અસ્તિત્વ તો ધરાવે જ છે, જેને નકારી ન શકાય. આમ તેની પર્દાદારી પાછળ પણ કોઈ રાજ (રહસ્ય) હોવું જોઈએ, જે માત્ર એ જ જાણતો હોવો જોઈએ.

Note:

I hope that any veracity or difference of opinion in my interpretation or exposition of this last couplet (Sher) will be excused if it is otherwise understood by the experts of Ghalib’s creation or anybody else.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ                                                                            (સંપૂર્ણ)

(ગ઼ઝલ ક્રમાંક – 165)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

Tags: , , ,

(૩૫૧) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ  હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.

હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી.  મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક  દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.

ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyric is a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે/ સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’. મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને  નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.

ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે  જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા!  કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.

રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં  આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ‘સ્પંદન’ સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ  દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ ‘ધરતી મેહુલિયાના સુભગ મિલને, મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’ થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’  અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને  માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.

કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે  ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના  અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે: ‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ/મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી  અજવાળું’ આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાંઆપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી ‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય/ સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’ તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.

કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત  એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો: ‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ / આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.

કવિએ ગુજરાત અને  ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત  ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે.  કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ  બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.

વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર  કેટલાંક રમુજી કાવ્યો પૈકી  મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે: ‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર / ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ / હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’. ‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ  ભગવાન શંકરના તાંડવ નૃત્યને  અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે: ‘તાંડવલીલા / ત્સુનામી ને ભડકા / સ્તબ્ધ દુનિયા’!

હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા   વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની  ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.

બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને  વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને  વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.

અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.

‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે  વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!

મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન  હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share  કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.

“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.

“વિરાટ બ્રહ્માંડમાં  દીઠી ધરા મારી સલુણી,
રમે નભે  દૃષ્ટિ તો  હૈયે  રમે કોટિ કહાણી,
હશે  જ કેવો  રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ,  આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’

“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)

મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી  શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું.  જય હો!

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , , , , ,