RSS

Tag Archives: દાંપત્યજીવન

(553) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૬)

દૃષ્ટિઘૂંટડા
ભરી, રહ્યાં ખામોશ,
ગળ્યાં શું જિહ્વા?

આ લેખકડાએ ‘વલદાની વાસરિકા’ શ્રેણીએ ‘સાહિત્યમાં શબ્દપ્રયોજના’ લેખમાં ધૂમકેતુને તેમની ‘રજપૂતાણી’ વાર્તા સબબે યાદ કર્યા હતા. વાર્તાના અંતભાગે વાક્ય હતું :  અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં, બે તરસ્યા હાથનો ખોબો વાળીને, આ પડતું પાણી ભારે વિહ્વળતાથી પી રહ્યું છે…ઘટક…ઘટક….ઘટક…ઘૂંટડા લે છે.’ આ અંગે મારી ટિપ્પણી હતી : ‘શું અવગતિયા થએલા એ રજપૂતે પીધેલા પાણીના ઘૂંટડાઓનો ઘટક…ઘટક અવાજ વાચકના કાનોમાં દીર્ઘકાળ સુધી ગૂંજ્યા નહિ કરે?’

અહીં આ હાઈકુમાં પાણીના ઘૂંટડાની નહિ, પણ દૃષ્ટિઘૂંટડાની વાત છે. દૃષ્ટિઘૂંટડા પ્રેમીયુગલના એકબીજા પરત્વેના હોઈ શકે, જો આ હાઈકુ હાઈકુકાર પક્ષે બોલાયું/લખાયું હોય તો! વળી બીજી શક્યતા એ પણ હોઈ શકે દૃષ્ટિઘૂંટડા હાઈકુનાયિકાએ ભર્યા હોય, કેમ કે હાઈકુનાયકે ‘રહ્યાં’ અને ‘ગળ્યાં’ એવાં સંબોધનાત્મક માનવાચક ક્રિયાપદો પ્રયોજ્યાં છે.

દૃષ્ટિઘૂંટડા ભરનાર ગમે તે હોય પણ તેણે કે તેમણે સામેની વ્યક્તિના સૌંદર્યનું પાન એવું ઘૂંટડે ઘૂંટડે કર્યું છે કે એ સૌંદર્યપાનની સાથે સાથે જીભ પણ ગળાઈ ગઈ છે, યાને કે હલક નીચે ઊતરી જવાના કારણે તેણે કે તેમણે ખામોશી અખત્યાર કરવી પડી છે. અહીં પ્રણયરસ એવો જામ્યો છે કે ઉભય એકબીજાંની દૃષ્ટિનું પાન કરે છે અને એ ક્રિયા પર્યાપ્ત પણ છે, કેમ કે પ્રણયની અભિવ્યક્તિ શબ્દોની મહોતાજ નથી અને તેથી જ ખામોશી વર્તાય છે.

આમ આ હાઈકુ શૃંગાર અને હાસ્ય એવા બંને રસ ધરાવે છે. ‘ગળ્યાં શું જિહ્વા!’ એ શબ્દોમાં હાસ્ય સમાવિષ્ટ છે. સામેના પાત્રની ચૂપકીદી સામે પ્રશ્ન પુછાય છે, ગળ્યાં શું જિહ્વા?’ અને અહીં વાચકથી સહજપણે મલકી પડાય છે.

* * *

ઢોલ ઢબૂકે,
નાચનિષેધ, કન્યા
ભીડે પલાંઠી!

ચકોર વાચક આ હાઈકુમાં રહેલા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સ્મિતને પારખીને માણી શકે છે, એટલે જ અહીં મેં હાસ્ય નહિ, પણ સ્મિતને અપેક્ષ્યું છે. આનો વાચ્યાર્થ તો સાવ સીધોસાદો આમ થાય છે : ઢોલ ગાજી રહ્યો છે, નાચવાની મનાઈ છે અને કન્યા પોતાની પલાંઠી ભીડી દે છે.

ગામડાની કે શહેરની ગોરી ઉત્સવપ્રસંગે કે લગ્નપ્રસંગે નાચતી હોય છે. શહેરોમાં તો ઢોલની જગ્યાએ નવાં વાદ્યો આવી ગયાં છે, પણ ગામડાંઓમાં તો હજુય ઢોલ જીવંત છે. ગામડાની ગોરી પોતાનું ગમે તે ગૃહકાર્ય કરતી હોય, પણ તેના કાને ઢોલનો અવાજ આવતાં જ તેનાં તનમન થનગની ઊઠતાં હોય છે. આ હાઈકુમાં તહેવાર નહિ, પણ લગ્નપ્રસંગ છે. હવે એક કન્યાને પરંપરા અને વડીલોની મનાઈના કારણે નાચવા ઉપર પ્રતિબંધ છે, કેમ કે એ કન્યા પોતે જ પરણી રહી છે. હવે માયરામાં બેઠેલી એ કન્યાના મનમાં અને તનમાં ઢોલનો ધ્વનિ થનગનાટ જગાડે છે. આ થનગનાટને નાથવા એ પોતાની પલાંઠીને ભીડી દે છે, સંભવ છે કે એણે દાંત પણ ભીંસ્યા હોય! શારીરિક આ ચેષ્ટા કન્યાના નચાઈ ન જવાના મક્કમ ઈરાદાને ઉજાગર કરે છે.

આ હાઈકુ સ્વરચિત હોઈ આત્મશ્લાઘા થઈ જવાનો ભય છતાં હું તટસ્થભાવે કહીશ કે આ હાઈકુકાર તેમના ઉચ્ચતમ લક્ષ્યને સિદ્ધ કરવામાં કામિયાબ રહ્યા છે.

* * *

વરએંજિને,
ઘસડાતી લાડી, ને
અદૃશ્ય ડબ્બા!

આમ જોવા જાઓ તો જિંદગી એક બાળરમત છે, જેવી કે આપણે નાનાં હતાં ત્યારે છુક છુક રેલગાડીની રમત રમતાં હતાં. હિંદુ લગ્નવિધિ પ્રમાણે મંગળફેરા ફરતી વખતે જાણે કે એ જ બાળરમતનું ફરીવાર પુનરાવર્તન ન થતું હોય! આ હાઈકુમાં હાઈકુકારના દૃષ્ટિકેમેરામાં આ દૃશ્ય ઝડપાઈ જાય છે. અહીં ફેરા ફરતી વખતે આગળ રહેતા વરરાજાને ટ્રેઈનનું રૂપક આપવામાં આવ્યું છે. તેને અનુસરતી કન્યા માટેનો વૈકલ્પિક શબ્દ ‘લાડી’ પ્રયોજાયો છે, જે ‘ગાડી’ શબ્દના પ્રતિઘોષ સમો છે અને તેથી તે સહેતુક છે. એંજિન પાછળ ઘસડાતી ગાડીના ડબ્બા અદૃશ્ય રહે છે. આમાં ભવિષ્યે જન્મનારાં બાળકોનો સંકેત છે.

મારી એક ‘ચાર બસ ચાર જ!’ વાર્તામાં આવી જ ગાડીની વાત છે. વરાળએંજિનવાળી ગાડીના એંજિન ઉપર પતિનું નામ, પાણી તથા કોલસાવાળા પૂરક ભાગ ઉપર પત્નીનું નામ અને ચાર ડબ્બા પૈકીના પ્રથમ ત્રણ ડબ્બા ઉપર સંતાનોનાં નામ તથા ચોથા ડબ્બાને અડધો બતાવીને તેના ઉપર ‘અડધિયો ડબ્બો’ લખવામાં આવ્યું છે. મુકત હસ્તચિત્ર ઉપરના આ ચોથા ‘અડધિયા ડબ્બા’નો ભેદ આપ જેવા મારા વિદ્વાન વાચકો માટે સ્વયં સ્પષ્ટ છે, અકલમંદોને ઈશારો કાફી હોય છે, ખરું કે નહિ?

* * *

હલાવી જોયાં,
લાગ્યું ગયાં! ધ્રાસકે
હસી પડતાં!

સુખી દાંપત્યજીવનમાં પતિપત્ની વચ્ચે એમના શયનખંડમાં ધિંગામસ્તી, ટોળટપ્પા અને મજાક મશ્કરી થતાં રહેતાં હોય છે. આપ રસિક વાચકજનો માટે પણ મારે હકારાત્મક જ વિચારવું પડે કે  આપ પણ આ હાઈકુયુગલની જેમ મિત્ર કે સખીભાવે મધુર દાંપત્યજીવન માણતાં હશો. હાઈકુનાયિકા શબવત્ સ્થિતિ ધારણ કરીને નાયકને એવો હળવો આંચકો આપવા માગે છે જાણે કે તેના રામ રમી ગયા છે. નાયક ચિંતિતભાવે ક્ષણભર માની લે છે કે ખરે જ એમ બન્યું હશે અને તેથી તેને હલાવી જુએ છે. પરંતુ નાયિકા તો ઢોંગ કરીને પતિને ચીઢવવા માટે આવી ચેષ્ટા કરે છે અને છેવટે તે ખડખડાટ હસી પડે છે. હાઈકુકાર અને રસદર્શનકાર એક જ ઈસમ હોવા ઉપરાંત તે સ્વવિવેચકની ત્રીજી ભૂમિકાએ આ હાઈકુને બિરદાવે છે, એ સંગીન પાસા ઉપર કે અહીં સર્જક આબેહૂબ અને જાણે કે પ્રત્યક્ષદર્શી હોય તેવું શબ્દચિત્ર ખડું કરવામાં સફળ રહ્યા છે. આ હાઈકુની અન્ય વિશેષતા એ છે કે તે ભાવકના દિલોદિમાગમાં પ્રણયભાવ  એવો જગાડે છે કે તે પોતાની જાતને નાયક કે નાયકની જગ્યાએ ગોઠવી દે છે અને ઘડીભર નિજાનંદ માણી લે છે.

-વલીભાઈ મુસા

 
1 Comment

Posted by on December 18, 2017 in હાસ્યદર્શન

 

Tags: , , , ,

(૫૩૫) હાહાહા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન – (૧ થી ૩)

‘મમ કવિતડાં’ના સંપાદનને આખરી ઓપ અપાઈ રહ્યો હતો, ત્યારે મમ મનડે એક વિચાર સળવળ્યો કે જેમ કોઈ કાવ્યનું રસદર્શન કરાવવામાં આવતું હોય છે, તેમ કેટલાંક પસંદગીનાં હાસ્ય-હાઈકુઓનાં હાસ્યદર્શનો વાચકોને કરાવ્યાં હોય તો ‘વલદા’ કેમનું રહે અને આ પ્રકરણ લખાવું શરૂ થઈ ગયું. જો કે હું માનું છું કે સાહિત્ય કે કોઈપણ કલાને અખંડ જ સુપેરે માણી શકાય અને એનું પૃથક્કરણ (Dissection) તો એના મર્મને, એના સૌંદર્યને હણી જ નાખે. આમ છતાંય કલારસિકોમાં એક એવો મત પણ પ્રવર્તતો હોય છે કે કોઈપણ કલાનું વિવેચન એ પણ આનંદપ્રદ હોય છે અને વાચકોનો એક એવો વર્ગ પણ હોય છે કે જેમને  એ પસંદ પણ પડતું હોય છે. ચાલો ત્યારે, આપણે આ સંગ્રહનાં કેટલાંક પસંદગીનાં એવાં હાસ્ય-હાઈકુઓનાં હાસ્યદર્શનોને માણીએ કે જેમના ઉપર મિત્રોએ ‘હાસ્યદરબાર’ બ્લૉગે હાહાકાર મચાવી દીધો હતો અને વિશ્વગુર્જર વાચકોએ પ્રતિભાવોનો ખડકલો કરી દીધો હતો.

અમેરિકાસ્થિત મારા મિત્ર સુરેશભાઈ જાનીની ભારત મુલાકાત ટાણે તેઓશ્રી અને હું ઋષિકવિ રાજેન્દ્ર શુક્લના નિવાસસ્થાને મળવા ગયા હતા. તેઓ, તેમનાં શ્રીમતી નયનાબેન, સુરેશભાઈ અને હું સાહિત્યની એવી દુનિયામાં ખોવાઈ ગયાં હતાં કે માત્ર અર્ધા જ કલાકની અમારી મુલાકાત ક્યારે મહેફિલ બની ગઈ તેની અમને ખબર પણ ન રહી અને અમારો પૂરા ત્રણ કલાકનો શો બની ગયો. અમારાં યજમાન કવિયુગલની કવિત્વકલાની સામે સાવ વામણા લાગીએ એવા અમે બંને પણ મહેફિલનો રંગ જાળવી રાખવા સંકોચસહ અમારું અપરિપક્વ કવિતડું વચ્ચેવચ્ચે મૂકતા જતા હતા. સુરેશભાઈએ પોતાની ડાયરીમાંથી કેટલીક કૃતિઓ સંભળાવી, તો મેં મારાં કેટલાંક હાઈકુ સંભળાવ્યાં હતાં. મુરબ્બીશ્રી રાજેન્દ્ર શુક્લ અને તેમનાં પત્ની નયનાબેન મારાં નીચેનાં બે હાઈકુ સાંભળીને ખૂબ જ ખુશ થયાં હતાં અને બેવડ વળીને ખડખડાટ હસી પડ્યાં હતાં.

ભોંય પછાડે,
કદલીફલ ત્વચા
ભલભલાને!

***

શ્વાનમાદાએ
હડકવા વોર્ડે જ
પ્રસવ્યાં બચ્ચાં!

મારી આ ઈ-બુકમાં ઉપરોક્ત હાઈકુઓ છે જ અને ત્યાં વાંચવામાં આવતાં  હસવું આવ્યું હોય તો પણ ફરીથી હસી શકો છો, કોઈ નિયમન નથી! વળી એ પણ કહી દઉં કે ઉપરોક્ત કવિયુગલ હસી પડ્યું હતું, માટે તેમના માનમાં તમારી પણ હસવાની ફરજ બની જાય છે તેમ પણ હરગિજ વિચારશો નહિ! હા.હાહા..હાહાહા…

આપ વાચકો વિચારશો કે ઉપર તો એ બંને હાઈકુઓની પ્રસ્તાવના જેવું થયું ગણાય, એમાં હાસ્યદર્શન ક્યાં આવ્યું! વાત સાચી છે! ભદ્રંભદ્રીય શબ્દો ‘કદલીફલ’ અને ‘ત્વચા’ના અનુક્રમે સરળ શબ્દો ‘કેળું’ અને ‘છાલ’ જાણ્યા પછી જ સામાન્ય વાચકને બીજીવાર હસવાનું થાય! અહીં હાઈકુકાર એ અઘરા શબ્દોને સભાનપણે એટલા માટે પ્રયોજે છે કે કોઈ પ્રખર પંડિતને એ વાંચીને થોડી ગલગલી થયા વિના રહે નહિ! બીજા હાઈકુમાં ‘શ્વાનમાદા’ પણ એવો જ શબ્દ છે, જેનો ‘કૂતરી’ એવો અર્થ છે. અહીં પણ પ્રયોજન તો એ જ છે, પણ હાઈકુ રચનાકારનો વિશેષ આશય એ છે કે તિરસ્કારયુક્ત એ શબ્દ જરા ‘શર્કરાવરણીય’ (Sugar coated) બની જાય! કેમ, પ્રાણીઓને પણ સ્વમાન જેવું હોય કે નહિ! સમય, ભરતી અને પ્રસવકાળ કોઈની રાહ જુએ નહિ; અને તે ન્યાયે આ બિચારી શ્વાનમાદા જતી તો હશે પ્રસુતિવિભાગ તરફ જ, પણ…પણ!!!   અહીં હડકવાની સારવાર અને તેનું કારણ પાસેપાસે જ જોવા મળે છે! અહીં કવિ કલાપીની એક કાવ્યકંડિકા પણ યાદ કરવા જેવી ખરી: ’દર્દીના દર્દની પીડા વિધિનેય દીસે ખરી, અરે! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?’

* * * * *

ગાલે  હથેલી!
પ્રિયે, અતીત  ખ્યાલે
કે દાઢ કળે?

જ્યારે વ્યક્તિ વીતી ગયેલા સમયને વાગોળવા બેસે, ત્યારે સહજ રીતે તેની આંગિક ચેષ્ટા ઉપર પ્રમાણે થઈ જતી હોય છે. કાવ્યનાયિકાને ગાલ ઉપર હથેળી દબાવીને બેઠેલી જોઈને કાવ્યનાયક તેણીની મજાક કરી લેવાનું ચૂકતા નથી અને પૂછી બેસે છે કે ‘પ્રિયે, તું અતીતના ખ્યાલે ખોવાઈ ગઈ છે કે પછી તારી દાઢ કળે છે?’ અહીં વાચકની દૃષ્ટિ આગળ સરસ મજાનું શબ્દચિત્ર રચાઈ જાય છે. હાઈકુની કદમર્યાદા ૧૭ અક્ષરની હોય છે અને તેને વાંચતાં વાચકને કદાચ પાંચથી સાત સેકંડ લાગે. હવે આવું હાઈકુ જો હાસ્યરસ નિષ્પન્ન કરતું હોય તો ચહેરા ઉપર ક્ષણિક હાસ્યની લહેર ફરી વળે અથવા ઓષ્ઠ આછેરું સ્મિત કરી બેસે; કંઈ મિનિટો સુધી ખડખડાટ હસી પડવાનું તો બને નહિ ને! હા, જો એ સ્થુળ હાસ્ય હોય તો ટેબલ ઉપર રકાબી ખખડે પણ ખરી, હોં કે!

‘હાસ્યદરબાર’માં મારા મિત્ર દિલીપભાઈ ગજ્જરે આ હાઈકુનું અનુહાઈકુ આવું આપ્યું હતું, ‘જોઈ રમણી, મન અતીત પ્રેમે, ચોકઠું હસે!’; જેના પ્રત્યુત્તરે મેં જણાવ્યું હતું કે, ‘પણ, પૂછું  છું કે ચોકઠું  જડબામાં  હસ્યું  કે પાણીના ગ્લાસમાં? પેલી  ફ્રિજની  ટીવી-Ad ની  જેમ  તે  ખૂલતાં  જ  પાણીના  ગ્લાસમાં  ઠંડીથી  ચોકઠું કડકડવા  માંડ્યું  હતું!’

* * * * *

ધૂમ્રપાનની
ઘૃણા તને! ફૂંકતી
તુંય શિયાળે!

વિશ્વભરમાં ધૂમ્રપાન-નિષેધની ઝૂંબેશ તો જોરશોરથી ચાલી રહી છે, પણ અહીં એ કુટેવનો કોઈ દુષ્પ્રચાર નથી; પણ બીજી જ કોઈક વાત અભિપ્રેત છે! મોટા ભાગના ઠંડા મુલક કે ઉષ્ણ પ્રદેશના કાતિલ ઠંડીવાળા શિયાળામાં માણસ બોલે ત્યારે મોંઢામાંથી વરાળ નીકળતી હોય છે. અહીં ધૂમ્રપાનનો વ્યસની પોતાની બચાવપ્રક્રિયા (Defence mechanism) અજમાવતાં હાઈકુનાયિકાને મજાકમાં કહે છે કે ‘તું પણ શિયાળામાં તો ફૂંકતી જ હોય છે ને!’ આ હાઈકુ જ્યારે ‘હાસ્યદરબાર’ ઉપર મુકાયું હતું, ત્યારે કેટલાંક ગુજ્જુ ભાઈબહેનોએ એ નાયિકા માટે ‘ધૂમ્રમુખી’ અને ‘ધૂમ્રફૂંકી’ જેવાં વિશેષણો પ્રયોજ્યાં હતાં. હાઈકુકારે એ નાયિકાના બચાવમાં આમ જણાવ્યું હતું : ‘શીત  દેશોમાં  અને  અન્યત્ર  શિયાળે  વહેલી  સવારે  સઘળે  ધૂમ્રમુખાઓ-ખીઓ  કે  ધૂમ્રફૂંકાઓ-કીઓ  જ  જોવા  મળે,  કુદરતી ધૂમ્રપાનના  કારણે  જ  તો  વળી! તો પછી આ  હાઈકુનાયિકા  બિચારી  ક્યાંથી  બાકાત રહે, કે તમે બધા લોકો તેના માથા ઉપર માછલાં ધોવા લાગી પડ્યા છો; બોલતા નથી એટલે, હેં!’

* * * * *

ભર નિદ્રાએ
ફરી ગયાં પડખું!
કર્યા શું કિટ્ટા!

જો કોઈ હાઈકુકાર હાસ્યહાઈકુઓ રચવા માટેનો કાચો માલ મોટા જથ્થામાં મેળવવા માગતો હોય તો ‘મધુર દાંપત્યજીવન’ એ મોટી ખાણ ગણાય છે. અહીં હાસ્યાસ્પદ જીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત્ ઘરની અંદરનાં ટીખળો, રમૂજો, રિસામણાં, મનામણાં વગેરે… વગેરે… અત્ર, તત્ર, સર્વત્ર વેરાયેલાં પડ્યાં હોય છે. આ હાઈકુની નાયિકા સામે મેદાને પડેલા પ્રતિભાવકોને તેણીના પક્ષે રોકડું પરખાવી દેતાં હાઈકુસર્જક કહે છે, ‘એ બાપડી ભર ઊંઘમાં હતી અને પડખું ફરી ગઈ, એમાં ક્યાં ‘કિટ્ટા’ ની વાત આવી! વળી એ મૂઓ એટલો મોડા સુધી જાગતો હશે, ત્યારે જ તેણે આ દૃશ્ય જોયું હશે ને! વળી પાછો વિચાર આવે છે કે આપણે એ બિચ્ચારાની દયા ખાવી જોઈએ કે એક સત્તર અક્ષરના નાનકડા ‘આત્મલક્ષી’ હાઈકુડા માટે એણે રાત્યોના ઉજાગરા કર્યા! ‘કુછ પાનેકે લિએ કુછ ખોના પડતા હૈ.’, નહિ!”

* * * * *

કોલ દીધેલ
રોટલા ટીપવાના,
પેઈંગ ગેસ્ટ!

વિધિની વક્રતા તે આનું નામ! પ્રેયસીએ પ્રણયફાગ ખેલતાંખેલતાં પ્રિયતમને વચન તો આપી જ દીધું હતું કે ‘તારા રોટલા તો હું જ ટીપીશ!’ અને સાચે જ એમ બનીને જ રહ્યું! ભાઈને પેલી બાઈના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે જમવાના દહાડા આવ્યા, કેમ કે તે પરાઈ થઈ ચૂકી હતી! વિધાતા પણ કેટલીક વાર ભક્તજનોની પ્રાર્થનાઓના વાચ્યાર્થ પકડીને એમનું યાચેલું જરૂર આપે છે, પણ અન્ય સ્વરૂપે! આવા હજાર દાખલા સાંભળવા મળશે, પણ અહીં સ્થળસંકોચના કારણે ૯૯૮ પડતા મૂકું છું!

એક જણાએ એવું માગ્યું કે મને એવો ધનિક બનાવ કે હું નોટો ગણતાં થાકું અને ભાઈને પહેલા જ ઈન્ટરવ્યુએ બેંકના કેશિયરની નોકરી મળી ગઈ, તો વળી બીજા એક ભાઈને ટ્રાફિક પોલીસની નોકરી એટલા માટે મળી ગઈ હતી કે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમની આગળ અને પાછળ ગાડીઓ જ ગાડીઓ હોય!

આ હાઈકુ આપવામાં હસાવવાનો હેતુ ઓછો છે, પણ સલાહનો હેતુ વધુ છે કે ઈશ્વર પાસે કોઈ વરદાન માગો તો ચારેય બાજુની બધી જ શક્યતાઓનો ખ્યાલ રાખજો, નહિ તો મનની મનમાં જ રહી જશે!

* * * * *
નખ કરડે
થૈ તલ્લીન તું, આવે
વાનરી યાદ!

હાસ્યરસના કવિડા, જોકડા કે લેખકડાઓની એક બૂરી આદત હોય છે કે તેઓ ઓછા કે વત્તા પ્રમાણમાં ઘરવાળી કે ઘરવાળાં બાપડાંઓને પોતાની રચનાઓમાં ઘસડી લાવતા હોય છે. અહીં પણ એ પરંપરાને જાળવવા આ હાઈકુડો જાણીજોઈને પેલી બાપડીને Nail Cutter લાવી આપતો નથી, એટલા માટે કે કોઈક દિવસ  દાંતથી નખ કરડે તો મોટી કોઈ કવિતા નહિ; તો છેવટે હાઈકુ પણ લખી કાઢી શકાય! પણ એ ભાઈ હાસ્યહાઈકુના રસિયાઓને મનોરંજન પૂરું પાડવાની લ્હાયમાં એ પણ ભાન ભૂલી ગયા કે પરોક્ષ રીતે તો તેઓ પોતે પણ ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમનું એક ઉદાહરણ બની રહ્યા છે!

* * * * *

ઘૂંઘટ ખોલે
શૌહર, શરમાતાં
શરમ આવે!

આ હાઈકુનો નાયક છે, શૌહર (ફારસી) – જો જો પાછા મેં ‘ફારસી’ શબ્દ ભાષા દર્શાવવા મૂક્યો છે, એટલે એને ફારસ કરવાવાળો (નાટકિયો) એ અર્થમાં લેતા નહિ!  ‘શૌહર’ના શબ્દકોષે અને મુખવચને ઘણા અર્થ થાય છે – જેવા કે સ્વામી, પતિ, વર, ધણી, ભરથાર,  માટીડો, પિટ્યો, રોયો, ‘એવા એ’, ‘અલ્યા એય’, ‘તમારા ભાઈ’, સંતાન હોય તો ‘બાબલાના બાપા’ (ચોથા ભાગની બા), ‘કહું છું’, ‘સાંભળો છો કે’, અંગ્રેજીમાં Husband  જેનો ધોકલાં ધબેડીને ગુજરાતીમાં એવો ભાવાર્થ લાવી શકાય કે જે હસતાં હસતાં બંડ પોકારે (જા, આ હું નથી કરતો એમ કહીને!), ખાવિંદ (ખાWind – હવા ખા, હવા!) – ‘બસ, બસ ઘણું થઈ ગયું; હવે આગળ વધશો કે!’ એવું તમારા વાચકો પૈકીના કોઈકના ગેબી અવાજે સંભળાયું હોઈ હવે તો મારે આગળ વધવું જ પડશે.

જૂની કોઈક હિંદી ફિલ્મની કડી ‘ઘૂંઘટ નહિ ખોલુંગી, સૈયા તોરે આગે!’ને પેલી બાઈડી બબડી કે એવો આભાસ થયો સમજીને એ શૌહરભાઈ મનમાં ‘જાતમહેનત ઝિંદાબાદ’ કહીને તેણીનો ઘૂંઘટ ખોલે છે. હવે પેલી બાઈ પક્ષે વેવાર તો એ કહે છે કે તેણે શરમાવું પડે! પણ જિંદગીમાં પહેલુંવહેલું શરમાવાનું આવ્યું અને પાછો શરમાવાનો કોઈ અનુભવ પણ નહિ (કેમ કે એ મૂઓ પહેલો જ ધણી હતો!), એટલે બાપડીને શરમાતાં શરમ તો આવી, છતાંય શરમાતાં શરમાતાં પણ તે શરમાઈ ગઈ – જખ મારીને તેને શરમાવું પડ્યું! મનોમન બોલી પણ ખરી, ‘શું કરીએ બાઈ, બધી કન્યાઓની જેમ શરમાવાનો વેવાર તો કરવો પડે ને! બાકી આ બેશરમ ગધેડાએ આ પરણવાના દહાડા લાવવા પહેલાં એટલી બધી ડેટીંગ, વાતચીતની ફેકંફેક અને બેટીંગ કરી છે કે શરમાવાનું કંઈ બાકી રાખ્યું જ નથી!’

* * * * *

સજ્જ ઘરેણે!
મોબાઈલ શોરૂમ!
પિયુ જૌહરી!

આ કોઈ નક્લી ઝવેરાત (અમેરિકન ડાયમન્ડ)ના જમાનાની વાત નથી. ગુજરાતના ગાયકવાડ સ્ટેટ (બરોડા સ્ટેટ)માં ચોરીચખાલીની બાબતમાં લોકો સલામત હતા. ગાયકવાડ મહારાજાની એટલી બધી હાક હતી કે એમ કહેવાય છે કે બકરીના ગળામાં સોનાની હાંસડી પહેરાવીને  તેને ચરવા છૂટી મૂકી દીધેલી અને કોઈ ચોરની માના લાલની તાકાત નહોતી કે એ હાંસડીની ઊઠાંતરી કરે! (“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન પકડે જાતાં કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિંદુસ્તાન!” પંક્તિવાળી એક જૂની કવિતા કોઈને યાદ આવે છે કે?)

આ પૂર્વભૂમિકા આપવી એટલા માટે જરૂરી લાગી કે આ હાઈકુના સંદર્ભે કોઈ માઈનો લાલ એવી શંકા ન ઊઠાવે કે એ ભાયડો પોતાની બાઈડીને ઘરેણેથી લાદીને  આમ કેવી રીતે બહાર ફરવા લઈ જઈ શકે?

લ્યો, હવે આપણા હાઈકુના પાટે ચઢીએ તો અસલી રહેમતુલ્લા સો ટચના સોનાનાં ઘરેણાંથી લદાએલી સાવ જુવાનડી સાંઢણી જેવી એ બાઈડી નખશિખ સોને મઢેલી નિર્ભયતાપૂર્વક હાલી જાય છે અને આ હાઈકુકાર (વલદાભાઈ)ની કલ્પના તો એવી તોફાને ચઢી અને એમને તો એમ જ દેખાવા માંડ્યું કે એ સજ્જ ઘરેણે બાઈડી એ માત્ર બાઈડી જ નહિ, પણ જરઝવેરાતનો  કોઈ  મોબાઈલ  શોરૂમ જાણે  કે રસ્તે ફરી રહ્યો હોય અને સાથે ચાલી રહેલો તેનો પિયુ એટલે કે પ્રીતમ એટલે કે ભાઈડો, એટલે કે … એટલે કે જે ગણો તે…  જાણે ઝવેરી ન હોય!

“McKenna’s Gold” મુવી જેમણે જોયું હશે, ‘Arabian Nights’ની  ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તાઓમાં જેમણે સોનાના ખજાનાઓ વિષે જાણ્યું હશે અને ‘Gold Bug’માંની સાંકેતિક ભાષામાં ખજાનાની શોધ માટેની ચિઠ્ઠી જેમણે વાંચી હશે; તેમના ગળે આ હાઈકુની નાયિકારાણીનાં ઘણામાં ઘણાં માત્ર એકાદ બે કિલોનાં ઘરેણાંની વાત સાવ આસાનીથી ઘીથી  લથબથ શીરાની  જેમ  ગળે ઊતરશે  જ તેમ માની  લેવાનું મન મનાવીને  હું  મારી  મરજીથી  અત્રેથી  વિરમું છું. તથાસ્તુ! ધન્યવાદ!

(ખાસ આ રાજસ્થાની શબ્દ એટલા માટે પ્રયોજું છું કે રાજસ્થાની લોકોને સોનું ખૂબ પ્રિય હોય છે!)

* * * * *

‘સાંભળો છો કે!’
સાંભળવાનું ગમે
થઈ બધિર!

‘તમે સાંભળો છો કે નહિ?’ ધ્રુવપંક્તિવાળું અમારા સ્થાનિક સમાજમાં પ્રચલિત એવું આ એક નિર્દોષ લગ્નગીત છે. નિર્દોષ એટલા માટે કે ફટાણા (Nasty) પ્રકારનું બીભત્સ કે અશ્લીલ એ ગીત ન હોવા ઉપરાંત અન્ય કોઈ એવું એકેય લગ્નગીત આ સમાજમાં સાંભળવા નહિ મળે કે જે લોકમર્યાદાનું  ઉલ્લંઘન  કરતું  હોય  કે  કોઈ ઔચિત્યભંગ  થતો હોય! ‘તમારા શેંને ફૂટ્યા કાન? તમે સાંભળો છો કે નહિ?’ આગળ વળી આવે છે ‘અમે તો કહી કહીને થાક્યાં, તમે સાંભળો છો કે નહિ?’ લગ્નપ્રસંગે વર અને કન્યાપક્ષે નિર્દોષ આનંદ લૂંટવા માટે સવાલ-જવાબ રૂપે આવાં ગીતોની રમઝટ બોલાતી હોય છે.

મારા  વિદ્વાન વાચકોને  મારી ઉપરોક્ત પ્રસ્તાવના કદાચ અપ્રસ્તુત લાગશે, પણ મારા મને એ સહેતુક છે; એટલા માટે કે પેલી કન્યા આ લગ્નગીતની ધ્રુવવપંક્તિને જીવનભર પદ્યમાં તો નહિ, પણ ગદ્યમાં પોતાના પતિને સંભળાવ્યે જ રાખે છે. ‘સાંભળો છો કે!’ એ ‘Three in one’ વિધાન છે. એક, નામ બોલવાના વિકલ્પે અધ્યાહાર સંબોધન; બે, પોતાની વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી તાકીદ; અને ત્રણ, કાં તો સાચે જ પતિમહાશય  બધિર (બહેરા)  હોય  પણ  ખરા!

પરંતુ, આપણા હાઈકુ-Hero તો ‘સાંભળો છો કે!’ વારંવાર સાંભળવા માટે જાણી જોઈને બહેરા થવા ઇચ્છે છે. કારણ? કાં તો પેલી બહેનડ કોકિલકંઠી હોય, કાં તો પછી તે ગળે રૂપાની ઘંટડી બાંધીને ફરતી હોય; જે હોય તે, પણ ભાઈજીને ભાર્યાનો મધુર અવાજ સાંભળવો ગમે છે. તો વળી સામા પક્ષે જીવનભર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રયોગ તો કરવામાં નહિ આવી રહ્યો હોય કે પેલા ભાઈ ખરે જ માનસિક રીતે બહેરા થતા જાય કે જેથી દાંપત્યજીવનમાં  તેમનું  બોલવાનું  ઓછું  થતું  જાય  અને તેઓશ્રી પેલી ચતુર નારના  કહ્યાગરા  કંથ બની રહે!

* * * * *

કરડી ખાધી
આંગળી તમ યાદે
લોજટેબલે!

જેનો પતિ બહારગામ (વિદેશ) ગયો હોય તેવી સ્ત્રી માટે ગુજરાતીમાં બહુ જ ભારેખમ શબ્દ છે ‘પ્રોષિતભર્તૃકા’ અને આનો વિરોધી શબ્દ છે ‘પ્રોષિતપત્નીક’. સામાન્યત: બધા જ પ્રોષિતપત્નીકો સ્વયંપાકી (જાતે રાંધીને ખાનાર) નથી હોતા, પરિણામે ભાંગ્યાના ભેરુ અને સુખદુ:ખના સાથી તરીકે તેમના માટે લોજ  જ  સહારો બની રહે છે. ‘રાણાજીના ભાલે ભાલો’ ન્યાયે હું પણ મોટા ભાગના ગુજ્જુઓની જેમ અંગ્રેજી શબ્દ Lodge નો અવળો અર્થ અહીં ‘વીશી’ જ કરું છું; બાકી, Lodge નો ખરો અર્થ ‘નિવાસ-સ્થાન’ અને Boarding નો અર્થ ‘વીશી કે ભોજનાલય’  થાય  છે.

આપણે હાઈકુ માથે આવીએ તો અહીં હાઈકુનાયક લોજના ટેબલે ભોજન આરોગી રહ્યા છે, પણ પત્નીનો વસમો વિયોગ તેમને સતાવી રહ્યો છે. પત્નીની યાદમાં ખોવાઈ ગએલા તેઓશ્રી મોંઢામાં કોળિયો મૂકતાં પોતાની આંગળીને બચકું ભરી બેસે છે. પત્નીની વિવિધ ભૂમિકાઓમાં એક છે ‘ભોજ્યેષુ માતા’; પણ વીશીનો મહારાજ ગમે તેવું ઉત્તમ ખાવાનું બનાવે, તો પણ પોતાની મૂછો અને મર્દાના વેશભૂષાના કારણે તે ‘માતા’ તો શું ‘માસી’ (માશી= મા જેવી)નું સ્થાન પણ ન જ લઈ શકે!

નોંધ : –

‘પ્રોષિતપત્નીક’ જેમાં વાર્તાનાયક છે, તેવી નર્મમર્મ શૈલીમાં લખાએલી શ્રી રા. વિ. પાઠક સાહેબ (દ્વિરેફ) ની વાર્તા ‘જક્ષણી’ વાંચવા જેવી છે.

* * * * *

ભલે રૂઠ્યાં, ના
મનાવું, લાગો મીઠાં,
ફુલ્યા ગાલોએ!

દાંપત્યજીવનમાં સંવાદિતાનું સાતત્ય પણ કેટલીકવાર અભાવું બની જતું હોય છે. થોડીક વિસંવદિતા પણ કોઈકવાર એટલા માટે જરૂરી બની જાય છે કે જેથી સંવાદિતાનું પરીક્ષણ થતું રહે. દંપતી વચ્ચે થતી હળવી નોકઝોક, ખેચમતાણ કે ટપાટપી (ટપલાટપલી નહિ, હોં કે!) સુખી દાંપત્યને પોષક બની રહે છે. આપસી મતમતાંતરો કે મતભેદોનું નિવારણ હળવાશથી કરવામાં આવે તો ઉભયની વચ્ચે કોઈ મનભેદનું કારણ રહેતું નથી. આથી જ તો આપણા હાઈકુનાયક કોઈ કારણે રિસાયેલી પત્નીને મનાવવાના બદલે તેને એ જ સ્થિતિમાં ચાલુ રહેવાનું એમ કહીને સૂચવે છે કે તેણી ફુલ્યા ગાલોએ મધુર લાગે છે. કહેવાની જરૂર ખરી કે હાઈકુનાયકના આ વિધાનથી હાઈકુનાયિકા હસી પડ્યા વગર રહી શકી હોય! સ્ત્રીને માનુની અર્થાત્ માનભૂખી પણ ગણવામાં આવે છે. તેણીનો આ સંવેગ એટલો નાજુક અને સંવેદનશીલ હોય છે કે તે નાના બાળકની જેમ પળવારમાં રિસાઈ પણ જાય અને પળવારમાં મનાઈ પણ જાય!

વૃદ્ધજનો, વનિતાઓ અને વ્હાલસોયાં(શિશુઓ)ને રિસાવવાં આસાન છે, પણ રિઝવવાં મુશ્કેલ છે. મારી જેમ શીઘ્ર હાસ્યકવિ નહિ તો છેવટે હાસ્યહાઈકુકાર કે પછી ફોસલાવ કે પટાવકલામાં પાવરધા પુરવાર થઈ શકો તો એ કામ ડાબા હાથના ખેલ જેવું આસાન પણ બની શકે છે!

* * * * *

ધૂપવર્ષાએ,
શકટ ઓઢે શ્વાન!
મિથ્યા ગર્વ ક્યાં?

ભક્ત  કવિ  નરસિંહ  મહેતા  ઝૂલણા  છંદમાંના  પોતાના  એક  પ્રભાતિયામાં   આમ  કહે  છે :

‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જ્યમ શ્વાન તાણે!’

ગાડા નીચે ચાલતું શ્વાન મિથ્યા ગર્વ કરે છે એમ કહીને કે પોતે જ ગાડું ખેંચે છે! વાસ્તવમાં એવું નથી, કેમ કે સૌ કોઈ જાણે છે અને ખુદ શ્વાન પણ જાણે છે કે શકટને ખરેખર તો ધોરીડા (બળદ) જ ખેંચી રહ્યા છે! બળદોની ગરદનો ઉપર ધૂંસરી મંડાએલી છે, નહિ કે શ્વાનની ગરદન ઉપર!  એ  જમાનામાં કોઈ મેગ્નેટિક ધૂંસરી અથવા એ શ્વાનના ગળે એવો કોઈ મેગ્નેટિક પટ્ટો હોવાની પણ શક્યતા નથી. વળી બે Bullock Power જેટલા વજનવાળા એક ગાડાને એક Dog Power વાળું અને વળી તેવું એક જ પ્રાણી ગાડું ન જ ખેંચી શકે!

ઘણીવાર શ્રાવ્ય હકીકત કરતાં દૃશ્ય હકીકત વધારે સંગીન હોય છે. પણ, અહીં તો દૃશ્ય હકીકત જ પહેલી નજરે ખોટી પડે છે. અહીં કવિશ્રીનું અનુમાન છે કે એ શ્વાન મનોમન એમ વિચારતું હશે અને પોતાના મનને એ રીતે મનાવતું હશે! આવી  ધારણા  ઉપર એક  દૃષ્ટાંત તરીકે એ દૃશ્યની મદદ  લઈને  માનવજાતની  અજ્ઞાનતાની ઠેકડી ઊડાડવામાં આવી છે.

પણ… પણ…અહીં એ દૃશ્ય ઉપરના ઉપરોક્ત  હાઈકુના હાઈકુકારની ધારણા તો સાવ જુદી જ છે. ધોમધખતા ઉનાળામાં કે વર્ષા ઋતુમાં માનવી જેમ છત્રી ઓઢે છે, બસ તે જ રીતે એ દેશી છતાં બુદ્ધિશાળી એ શ્વાનને એક ગામથી બીજે ગામ જવું છે.  નજર સામે જ ચાલ્યા જતા એ ગાડાનો પોતે લાભ ઊઠાવે છે! જય હો!

-વલીભાઈ મુસા

 

 

Tags: , , , , , , , , , , , , , ,

(310) હાસ્ય હાઈકુ : 29 – હાદના દાયરેથી (25)

(310) હાસ્ય હાઈકુ : 29 – હાદના દાયરેથી (25)

સંસારઘાણી,

વરવધૂ ફેરવે

લગ્નમંડપે!

હિંદુ લગ્ન પ્રસંગે અગનસાખે સાત ફેરા ફરવાના વિધિવિધાનને અનુલક્ષીને લખાએલા આ હાઈકુમાં સંસારને ઘાણીનું રૂપક આપવામાં આવ્યું છે. એક સમયે ખાદ્ય કે અખાદ્ય તેલ માટે બળદ વડે ચલાવવામાં આવતી ઘાણીમાં તેલીબિયાંને પીલવામાં આવતાં હતાં, પરંતુ આજે તો યાંત્રિક રીતે તેલ કાઢવામાં આવે છે. .

લગ્નમંડપની આ અલ્પકાલીન ઘાણી વરવધૂ બંને સાથે મળીને ફેરવે છે, એટલે તેમના આ કાર્યમાં સરળતા રહેવા ઉપરાંત સાત જ ફેરા ફરવાના હોઈ ફેરા ફરવાનું કામ જલ્દીથી આટોપાય છે. સપ્તપદીના આ ફેરા જાણે કે એક રિહર્સલ માત્ર જ છે, ખરી સંસારઘાણી ફેરવવાનું કામ તો હવે પછીથી શરૂ થનાર છે. જીવનનિર્વાહ માટે દ્રવ્યોપાર્જન કરવું, સાંસારિક અન્ય જવાબદારીઓનું વહન કરવું, પ્રજોત્પત્તિ કરવી, તેમનું પાલનપોષણ કરવું વગેરે જવાબદારીઓની ઘાણી જીવનભર ફેરવ્યા જ કરવી પડતી હોય છે.

કૃષિજગતમાં એમ કહેવાય છે કે બળદ પાસેથી ખેતીનું દરેક પ્રકારનું કામ લઈ શકાય, જેમ કે હળે જોતરવા, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જોડવા વગેરે. આમ બળદ પાસેથી ખેતીને લગતાં સઘળાં કામની અદલાબદલી થઈ શકે અને તે દરેક કામ સક્ષમતાથી પાર પણ પાડે. પરંતુ એ જ બળદને જો ઘાણીએ જોતરવામાં આવે તો પછી તે અન્ય કશાય કામનો રહે નહિ. ઘાણીના બળદની દુનિયા સીમિત થઈ જાય છે, તે દિવસરાત ગમે તેટલો ચાલે પણ ઠામનો ઠામ જ રહેતો હોય છે. બસ, આમ જ પતિપત્ની જેવાં સંસારઘાણીએ જોતરાય અને પછી તો જીવનભર તેમણે સંસારઘાણી ફેરવ્યે જ જવી પડતી હોય છે. દાંપત્યજીવનનું આ કઠોર સત્ય છે અને આ સત્યને જીવનભર જીરવવું પડતું હોય છે.

સંવાદિતા, સાહચર્ય, પરસ્પરમયતા, પ્રસન્નતા, સમાજલક્ષી જીવન, પ્રવૃત્તિશીલતા અને ફરી પાછી પ્રારંભની એ જ દૃઢિકરણ માટેની સંવાદિતા એવાં આ સાતેય સૂત્રોમાં પતિ-પત્ની વચ્ચે દાંપત્ય જીવનમાં કેવું સમાયોજન હોવું જોઇએ તથા તે માટે કેવી રીતે જીવવું જોઇએ તેનું સ્પષ્ટ માર્ગદર્શન અપાયું છે અને આડકતરી રીતે એવું પણ કહેવાયું છે કે આ બધું સાથે મળીને જ થઇ શકે. આમ સંસારઘાણીએ જોતરાએલાં ઉભય પતિપત્નીએ કદમ મિલાવીને પરસ્પરના સહયોગથી જીવવાનું હોયછે. સુખમય દાંપત્યજીવન સંવાદિતા ઉપર આધારિત છે, જરા સરખી પણ વિસંવાદિતા જીવનને ઝેર બનાવવા સમર્થ નીવડતી હોય છે.

-વલીભાઈ મુસા

 

Tags: , ,

(243) હાસ્યહાઈકુ : 21 – હાદના દાયરેથી (16)

ભલે રૂઠ્યાં, ના

મનાવું, લાગો મીઠાં,

ફુલ્યા ગાલોએ!

દાંપત્યજીવનમાં સંવાદિતાનું સાતત્ય પણ કેટલીકવાર અભાવું બની જતું હોય છે. થોડીક વિસંવદિતા પણ કોઈકવાર એટલા માટે જરૂરી બની જાય છે કે જેથી સંવાદિતાનું પરીક્ષણ થતું રહે. દંપતી વચ્ચે થતી હળવી નોકઝોક, ખેચમતાણ કે ટપાટપી (ટપલાટપલી નહિ, હોં કે!) સુખી દાંપત્યને પોષક બની રહે છે. આપસી મતમતાંતરો કે મતભેદોનું નિવારણ હળવાશથી કરવામાં આવે તો ઉભયની વચ્ચે કોઈ મનભેદનું કારણ રહેતું નથી. આથી જ તો આપણા હાઈકુનાયક કોઈ કારણે રીસાએલી પત્નીને મનાવવાના બદલે તેને એ જ સ્થિતિમાં ચાલુ રહેવાનું એમ કહીને સૂચવે છે કે તેણી ફુલ્યા ગાલોએ મધુર લાગે છે. કહેવાની જરૂર ખરી કે હાઈકુનાયકના આ વિધાનથી હાઈકુનાયિકા હસી પડ્યા વગર રહી શકી હોય! સ્ત્રીને માનુની અર્થાત્ માનભૂખી પણ ગણવામાં આવે છે. તેણીનો આ સંવેગ એટલો નાજુક અને સંવેદનશીલ હોય છે કે તે નાના બાળકની જેમ પળવારમાં રીસાઈ પણ જાય અને પળવારમાં મનાઈ પણ જાય!

વૃદ્ધજનો, વનિતાઓ અને વ્હાલસોયાં(શિશુઓ)ને રિસાવાવાં આસાન છે, પણ રીઝવવાં મુશ્કેલ છે. મારી જેમ શીઘ્ર હાસ્યકવિ નહિ તો છેવટે હાસ્યહાઈકુકાર કે પછી ફોસલાવ કે પટાવકલામાં પાવરધા પુરવાર થઈ શકો તો એ કામ ડાબા હાથના ખેલ જેવું આસાન પણ બની શકે છે!

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , , , ,

(226) હાસ્યહાઈકુ : ૧૧ – હાદના દાયરેથી (૬)

મસ્તાના હાદજનો,

વાલીડા-ડીઓ આજકાલ કાંઈ ખીલે છે, હાસ્ય દરબારમાં! ઘણીવાર તો હાદમાં હદ કરી નાખે છે, પણ મજા તો ખરેખર ખૂબ પડે છે. Free Style કુસ્તી જેવું! હમ્બા દીધે જ રાખો ફાવે તેમ અને ફાવે તેવું! દે ધનાધન… દે ધનાધન….

પણ હવે મૂળ વાતે આવું તો તમારા માટે હાહા- ૧૧ નું નજરાણું થોડા સમયમાં જ પેશે ખિદમત થશે. મધુર દાંપત્યજીવનના પ્રસંગો, કટાક્ષો, શબ્દચિત્રો, ઘર બહારનાં અને ક્વચિત ઘરની અંદરનાં ટીખળો, રમુજો, રિસામણાં, મનામણાં વગેરે વગેરે વગેરે (ત્રણ વખત વગેરે બોલાઈ/લખાઈ ગયું!) Auction ની જેમ એક વાર, બે વાર અને ત્રણ વાર; તો બીજી વાતો મેલો પડતી અને હાસ્ય હાઈકુ- ૧૧  કરો વાંચવા શરૂ …..

હાસ્ય હાઈકુ – ૧૧

ભર નિદ્રાએ

ફરી ગયાં પડખું!

કર્યા શું કિટ્ટા!

– વલીભાઈ મુસા (ભારતીય ઓળખે)

– Musa William (વિદેશી ઓળખે)

નોંધ:- તરબુચે છરી પડે કે છરીએ તરબુચ પડે, કામ તો એકનું એક હોયે!

હાસ્યદરબાર

 

Tags: , , , , , ,