વિશ્વભરની વિવિધ જાતિઓનાં મોટા ભાગનાં લોકો તેમનાં પોતાનાં એક અથવા બીજાં કારણોને લઈને પોતાના કુટુંબમાં દીકરી હોવાનું પસંદ કરતાં નથી આ બાબતે લોકોનાં માનસમાં હકારાત્મક અભિગમ ઉજાગર કરવા માટે યુનોએ ૧૨મી જાન્યુઆરીને ‘આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ’ તરીકે જાહેર કર્યો છે. આ એક લોકોનું એવું વક્રોક્તિયુક્ત માનસિક વલણ છે કે તેઓ એ જાણે તો છે જ કે તેમનો પોતાનો પણ જન્મ કોઈ સ્ત્રીના ગર્ભમાંથી જ થયો છે અને છતાંય તેઓ પોતાનાં કુટુંબોમાં દીકરીના જન્મને અનિચ્છનીય આફત તરીકે ગણે છે.
કુદરત પોતાની રીતે જ જગતમાં પુરુષ અને સ્ત્રીઓના યોગ્ય પ્રમાણને જાળવી રાખે છે અને કુદરતના આવા નિયમ સામે જાણીબૂઝીને કરવામાં આવતી દખલગીરી થકી માનવ સમાજમાં સામાજિક અને નૈતિક એવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. ઈસ્લામના પયગંબરે દીકરીના મરતબાને આ શબ્દોમાં સમજાવ્યો છે કે ‘દીકરી એ માતાપિતાના જનાજા (મૈયત – મોત)ની શાન છે. કુટુંબમાં દીકરી જ માત્ર એવી વ્યક્તિ છે કે કે જે પોતાનાં મૃત માતાપિતાને ભૂલી શકતી નથી અને તે તેમની પાછળ સાચા દિલથી રડતી હોય છે.’ હિંદુ ધર્મશાસ્ત્ર ‘મનુસ્મૃતિ’માં શ્લોક છે : “यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता |”. આ શ્લોક આપણને સ્પષ્ટ રીતે એ સમજાવે છે કે ‘દેવતાઓને ત્યાં જ વાસ કરવાનું બહુ પસંદ પડતું હોય છે કે જ્યાં સ્ત્રીઓને માનસન્માન આપવામાં આવતું હોય.’
માનવસમાજમાં સંપ અને શાંતિ મોટા ભાગે સ્ત્રીના અસ્તિત્વ ઉપર જ અવલંબિત છે; કારણ કે સ્ત્રી સ્વભાવગત જ ઋજુ હૃદયની હોય છે, જ્યારે પુરુષ માનવજીવનને લગતી સંવેદનશીલ સમસ્યાઓને હલ કરવાના પ્રસંગે કંઈક અંશે કઠોર હૃદયનો સાબિત થતો હોય છે.
– વલીભાઈ મુસા
[…] એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી […]