RSS

Tag Archives: દેવકીમા

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

[ડિસ્ક્લેમર – આ લેખ સંપૂર્ણતયા એક ‘નિકમ્મા’ માણસનો આત્મલક્ષી (જાત અંગેનો) વાહિયાત લેખ છે. બ્લૉગવાચકના વાંચનની હરેક પળ કિંમતી હોય છે, તે એની જાણ બહાર ન હોવા છતાં; એ આ ધૃષ્ટતાપૂર્ણ હરકત કરવા કૃતનિશ્ચયી છે ! તો વાચકમિત્રો એને બકવા દો ! (‘વલદા’ ઊર્ફે ‘વિલિયમ’ના આત્માનો અવાજ!]

*   *   *   *   *   *

સર્વ પ્રથમ તો હું આપ સૌ વાચકોને માત્ર ભલામણ જ કરું છું (કોઈ આગ્રહ નથી, હોં !) કે આ ‘નિકમ્મા’ માણસનો ‘નિકમ્મો’ લેખ વાંચવા પહેલાં કે પછી પણ અનુકૂળતાએ તેનો એક લેખ મારો જન્મદિવસ –નવી નજરેને નજરતળે કાઢી લેશો. આમ કરવાથી મિરઝા ગાલિબના આ મતલબના એક શેર “મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !” – (વાચ્યાર્થ ન લેતાં એના ગૂઢાર્થને પામવા જેવો છે !) પ્રમાણે તમે કંઈક ફાયદામાં રહેશો !

હવે મારા બકવાસને શરૂ કરવા પહેલાં પોતાના ચિંતનપ્રધાન લેખોથી વાચકોના ચારિત્ર્યઘડતર માટે અખબારોમાં મુલ્યવાન વાંચનસામગ્રી પીરસતા વિખ્યાત સાહિત્યકાર શ્રી કૃષ્ણકાન્ત ઉડનકટના (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ) લેખના એક ઉમદા અંશને તેમની સંમતિની અપેક્ષાએ નીચે આપી રહ્યો છું, જે મારા આગળ આવનારા લખાણને સહ્ય બનાવવા માટે અગાઉથી બેલીરૂપ બની રહેશે !

“રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે ? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે ? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી !”

સર્વપ્રથમ તો મારા ઉપરોક્ત લેખને ન વાંચનારાઓની જાણ માટે કહી દઉં કે મારી જન્મતારીખ ૭મી જુલાઈ છે અને વર્ષ છે, ૧૯૪૧. ચાલુ વર્ષના જ ગત જુલાઈની ૭મી તારીખે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ્યો હતો. આમ તો હું મારાં સદગત ત્રણેય માવીતરને હરપળે મારા સાન્નિધ્યમાં જીવંત જ અનુભવતો હોઉં છું, પરંતુ એ દિવસે મારાં શ્રીકૃષ્ણનાં દેવકીમા સમાં મારાં નૂરીમા (My biological mother)ની વિશેષ યાદ આવી ગઈ. (અમારાં ‘જશોદામા’ અર્થાત ‘મલુકમા’ વિષેનો એક લેખ જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય !’ શીર્ષકે મારા બ્લોગ ઉપર વિદ્યમાન છે જ.). નૂરીમાની યાદ આવવાનું કારણ એ હતું કે તેમનું અવસાન ૧૯૭૩ની સાલમાં થયું હતું. જો કે એમની મૃત્યુ તારીખ તો ૦૪-૦૧-૧૯૭૩ જ હતી અને ‘૭૩’ના આંકડા સિવાય અહીં અન્ય કોઈ સામ્ય ન હતું. પરંતુ આંકડાશાસ્ત્રમાં રસ ધરાવતા એવો હું એ તારીખને મારી આદત મુજબ ૭૩-૦૧-૦૪ ગોઠવી બેઠો અને મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વલદા, આ તો ૭૩ વર્ષ ૧ માસ અને ૪ દિવસ જેવું થયું ન ગણાય !’ ! પછી તો તરત જ મેં મારી જન્મતારીખમાં ૧ માસ અને ૪ દિવસ ઉમેરી દીધા અને જુલાઈ માસના ૩૧ દિવસને ધ્યાનમાં રાખીને નવીન તા.૧૧-૦૮-૧૪ને તારવી કાઢી. હવે આ તારીખને મારે શું સમજવું, એમ વિચાર કરતાંકરતાં મને લાગ્યું કે આને હું મારી નવીન જન્મતારીખ તો ન જ બનાવી શકું; કેમ કે કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ તો નિશ્ચિત હોય છે, અફર હોય છે. મારો વિચાર આગળ ધપ્યો અને હું મનોમન તા.૧૧-૦૮-૧૪ને મારી મૃત્યુ તારીખ ધારી બેઠો.

આજે મારા મૃત્યુ માટેની ધારેલી તા.૧૧-૦૮-૧૪ છે અને આજે આ જ તારીખે આ લેખ લખી રહ્યો છું. હું લખતાંલખતાં આટલા સુધી આવ્યો છું અને કોમ્પ્યુટરના ઘડિયાળમાં જોઉં છું, તો ભારતીય સાંજના ૫:૪૦ નો સમય બતાવે છે. હજુ તો મધ્ય રાત્રિના બાર વાગે તારીખ બદલાશે. જો હું અવસાન પામ્યો તો આજની તા.૧૧-૦૮-૧૪ એ મારી મૃત્યુતારીખ બની રહેશે, જેની સાથે મારા મૃત્યુ પછી મારે તો કોઈ મતલબ રહેશે નહિ; કેમ કે હું તો અનંતની યાત્રાએ પહોંચી ગયો હોઈશ ! વળી હું જીવતો રહ્યો, તો પણ આ તારીખ મારા માટે કોઈ ખપની રહેશે નહિ; સિવાય કે એક હાસ્યાસ્પદ તુક્કા તરીકેની મારા માટેની એક તારીખ ! પણ હા, તા.૧૨-૦૮-૧૪નું મારા માટે એક મહત્ત્વ રહેશે ખરું; કેમ કે મારા અંગત મતે જીવતદાન પામ્યા પછીની ફક્ત મારા માટેની જ એ મારી નવીન જન્મતારીખ તો જરૂર હશે !

આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , ,