“આ નેટડે રહીને કીબોર્ડ પર મથનારાં આપણે સૌ શબ્દને પ્રયોજવાની સાથે કેટલી જાગૃતી રાખીએ છીએ તેની તપાસ આપણે જ નહીં કરીએ તો કોણ કરશે ?” (‘શબ્દ માટેની સાધના’ : જુગલકિશોર વ્યાસ- ‘Net-ગુર્જરી’)
‘વલદાની વાસરિકા’ શ્રેણીએ ગુજરાતી ભાષા વિષે તો ઘણી ચર્ચાઓ થઈ, પરંતુ આજે ગુજરાતી સાહિત્યના સંદર્ભે ઉપરોક્ત વિધાનના અનુસંધાને ‘સાહિત્યમાં શબ્દપ્રયોજના’ અંગે કંઈક રસપ્રદ વાતો કરવાનો ખ્યાલ છે. આપણા વિષયમાં પ્રવેશ કરવા પહેલાં આપણે ભાષા અને સાહિત્યના ભેદને સમજી લઈએ તો ઠીક રહેશે.
‘ભાષા’ એ એવા શબ્દો અને એ શબ્દો થકી અભિવ્યક્ત થતી એવી એક નિશ્ચિત વ્યવસ્થા છે કે જે સર્વસામાન્ય રીતે એક જ પ્રકારના સમુદાય, ભૌગોલિક વિસ્તાર કે સંસ્કૃતિ વચ્ચે રહેતા લોકો આપસી વિચાર અને વાણીના વિનિમય માટે મૌખિક કે લિખિત સ્વરૂપે તેને પ્રયોજતા હોય. તો વળી, ‘સાહિત્ય’ વિષે એમ કહી શકાય કે જે વિવિધ ભાષાઓના પોતપોતાના શબ્દોથી બનેલી એવી એક શાબ્દિક કલા છે કે જેના વિવિધ પ્રકારો વડે તેનો સર્જક સામા પક્ષે ભોક્તાઓને પોતાની સંવેદનાઓના સહભાગી બનાવીને આનંદ આપે અને જ્ઞાનોપાર્જન કરાવે. સાવ સરળ શબ્દોમાં સમજીએ તો ભાષા એ સાધન છે, જ્યારે સાહિત્ય એ ભાષાના સાધન વડે સર્જાતું સાધ્ય કે સર્જન છે.
જો સાહિત્ય ભાવકના દિલ અને દિમાગનો કબજો લઈ લે અને તેને સંપૂર્ણ રીતે માણી લેવા માટે તેને મજબૂર કરી દે તો માનવું રહ્યું કે તે સાહિત્ય ઉત્તમ પ્રકારનું છે. અહીં ‘ઉત્તમ’ શબ્દમાં ‘શિષ્ટતા’ના ગુણને પણ સમાવિષ્ટ થએલો સમજવો રહ્યો. અશ્લિલતા પણ એ પ્રકારનું માનસ ધરાવતા વાચકને આનંદ આપી શકે અને તેટલા માત્રથી એવું સાહિત્ય ઉત્તમત્તાની હરોળમાં કદીય બેસી ન શકે. ઉપર મેં ઉત્તમ પ્રકારના સાહિત્ય માટેની કોઈ વ્યાખ્યા આપી છે તેમ સમજવાની કોઈથી ગેરસમજ ન થવી જોઈએ, કેમ કે સાહિત્યને ઉત્તમ કક્ષાએ લઈ જવામાં ઘણાં સહાયક પરિબળો ભાગ ભજવતાં હોય છે. વિવિધ સાહિત્યમીમાંસકોએ રસ, અલંકાર, વક્રોક્તિ, રહસ્યજાળવણી, પ્રવાહિતા, શૈલી, ભાવનિરૂપણ, ગેય કાવ્ય હોય તો ભાવાનુરૂપ છંદબદ્ધતા, અગેય કાવ્ય હોય તો તેના ભાવયુક્ત પઠનની ક્ષમતા આદિને ઉત્તમ સાહિત્યસર્જન માટેનાં આવશ્યક અંગો તરીકે ઓળખાવ્યાં છે. આમ છતાંય કેવા પ્રકારના સાહિત્યને ઉત્તમતાની મહોર મારી શકાય તેવી કોઈ નિશ્ચિત વ્યાખ્યા બાંધી શકાઈ નથી.
અહીં આપણે સાહિત્યમાં ‘શબ્દપ્રયોજના’ની જ ચર્ચા કરી રહ્યા છીએ અને તેથી મારું કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈપણ પદ્ય કે ગદ્ય એવા સાહિત્યપ્રકારના ઉત્તમ સર્જન માટે શબ્દપ્રયોજનની મહત્ત્વની ભૂમિકા રહેતી હોય છે. પહેલી નજરે આમ જોવા જઈએ તો એકલોઅટૂલો કોઈક વ્યંજનો અને સ્વરોના સમન્વયથી બનેલો એવો એ શબ્દ આપણને સહજ અને શુષ્ક ભાસશે; પરંતુ એ જ શબ્દ જ્યારે સિદ્ધહસ્ત સાહિત્યસર્જક દ્વારા તેની સાહિત્યિક રચનામાં યથાસ્થાને, યથાભાવે અને યથાહેતુએ પ્રયોજાશે, ત્યારે તેનું મૂલ્ય અનેકગણું વધી જશે. આ તો એવી વાત થઈ ગણાશે કે રસ્તામાં રખડતો કોઈક પથ્થર કોઈ શિલ્પકારના ટાંકણાથી ઘડાઈને મૂલ્યવાન શિલ્પકૃતિ બની જાય !
સહિત્યસર્જનમાં સર્જક પાસે પોતે જે ભાષામાં સર્જન કરવા માગે છે તે ભાષાના શબ્દો તો તેની પાસે મોજૂદ જ હોય છે, પરંતુ તેણે તો માત્ર યોગ્ય શબ્દોને પસંદ કરીને યોગ્ય રીતે પ્રયોજવાના જ હોય છે. અહીં એક વાત ધ્યાનમાં લેવી ઘટે કે સર્જક કંઈ શબ્દેશબ્દને ચકાસીચકાસીને કે વિચારીવિચારીને પ્રયોજતો નથી હોતો, એ તો એની મેળે નિરૂપાતા જ રહેતા હોય છે. હા, એ ખરું કે એ સર્જક પોતાના સર્જનને આખરી ઓપ આપવા પહેલાંના વાંચન વખતે કોઈક શબ્દોને બદલતો પણ હોય છે. ઉદાહરણ તરીકે, ખંડકાવ્યના મહારથી સમા કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ વિષે એમ કહેવાય છે કે તેમણે ‘વસંતવિજય’ ખંડકાવ્યની આ પંક્તિ ‘કંપમાના પડે માદ્રી નરેન્દ્રભુજની મહીં’માંના ‘પડે’ શબ્દને, ‘લીધી’ અને ‘પડે’ એમ અનેકવાર ફેરબદલ કર્યો હતો. અહીં ખંડકાવ્યને સમજાવવું અસ્થાને હોઈ માત્ર એ બે શબ્દો વચ્ચેના તાત્વિક અર્થોને સાવ સંક્ષિપ્તમાં સમજાવીશ કે જો પાંડુ રાજાએ રાણી માદ્રીને પોતાના બાહુઓમાં ‘લીધી’ એમ લખવામાં આવે તો વસંત ઋતુની માદક અસર પાંડુ ઉપર થઈ ગણાય; જ્યારે ‘પડે’ એમ લખાતાં એ અસર માદ્રી ઉપર થઈ છે એમ સમજાય. વાસ્તવમાં તો સૂક્ષ્મ અને સુંદર એવાં શ્વેત વસ્ત્રોવાળી માદ્રીને જોતાં પાંડુની જ કામવાસના ભભૂકી ઊઠી હતી.
મેં ક્યાંક લખ્યું છે કે શબ્દ તો બિચારો કહ્યાગરો હોય છે અને સર્જક ઉપર જ બધું અવલંબિત હોય છે કે તેને કેવી રીતે પ્રયોજવો. દરેક સર્જક શબ્દના સામર્થ્યને પામવા મથતો હોય છે અને તેનાં કલ્પનાચક્ષુ સામે શબ્દનાં વિવિધ સ્વરૂપો પ્રગટતાં હોય છે. અહીં માત્ર એ જ કહેવાનો આશય છે કે કોઈ પણ સર્જન વાંચક સામે તૈયાર સ્વરૂપે હોય એટલે તેને તે સહજ જ લાગે, પણ સર્જકે તેની સર્જનપ્રક્રિયામાં કેવી મથામણ કરી હોય છે એ તો એ પોતે જ જાણતો હોય છે; જેમ કે પ્રસુતા જ પ્રસવવેદનાને સમજી શકે !
ઊંટ અને ઘોડા જેવાં સવારી માટેનાં પ્રાણીઓને પહેલાં તો લાડકોડથી પળોટવામાં આવતાં હોય છે અને પછી જ તેઓ સવારીલાયક બનતાં હોય છે, બસ એવું જ સાહિત્યકાર માટે શબ્દ અંગે પણ સમજવું રહ્યું. સૉનેટપિતા બ.ક.ઠા.ના ‘ભણકારા’ સૉનેટની ચિરંજીવી આ પંક્તિને અવલોકતાં આપણને ખ્યાલ આવશે કે રેવા (નર્મદા) નદીનાં શાંત જળને વર્ણવવા કવિ પોતાની કલ્પનાને ક્યાં લઈ જાય છે અને કેવા સક્ષમ એવા સામાસિક શબ્દ ‘સ્તનધડક’ને હળવેથી ગોઠવી દે છે. વળી કવિની કલ્પનાની પરાકાષ્ઠા તો એ છે કે મંદમંદ રીતે હાલકડોલક થતી નાવને પેલા સ્તન ઉપરના તલની ઉપમા આપવામાં આવે છે ! અહીં આપણે કવિની ‘ધડક’ શબ્દની પસંદગી ઉપર પણ વારી જવું પડશે; ભલેને તે છંદજાળવણી અર્થે ‘ધડકન’ના વિકલ્પે પ્રયોજાયો હોય ! ‘ધડક’ શબ્દમાં ‘ધડકન’ કરતાં અર્થચમત્કૃતિ વિશેષ હોવાની વાતને નકારી શકાશે ખરી ?
ઉપરોક્ત બે ઉદાહરણોને આપણે સવિસ્તાર સમજી લીધાં. હવે કેટલાંક વિશેષ શબ્દપ્રયોજનોને સંક્ષેપમાં જોઈ લઈએ. નરસિંહ મહેતાના એક પ્રભાતિયામાં કડી છે, ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’. અહીં ‘જેહના’ અને ‘તેહના’ શબ્દોના બદલે ‘જેમના’ અને ‘તેમના’ શબ્દો પ્રયોજાઈ શકાયા હોત, પણ તેમાં લયનો આનંદ પ્રાપ્ત થઈ શક્યો હોત ખરો ? કવિઓ સ્વૈરવિહારી હોય છે અને મનમાં આવે તો તેઓ શબ્દકોશમાંના શબ્દોને નવીન ઓપ પણ આપી દેતા હોય છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ કાવ્યમાં ‘બાબાપુ ના કશુંય ભૂલિયાં…’ કડીમાં ‘ભૂલ્યાં’નું ‘ભૂલિયાં’ કરીને કવિએ કરુણ રસને ઘેરો બનાવ્યો છે. મીરાંબાઈ ‘હંસ’ના બદલે ‘હંસલો’ મૂકે, મેઘાણી પોતાનાં કાવ્યોમાં સમદર, બહેનડ, માવડી, ભાઈયું, સોનલાં, રૂપલાં, બંધુડો જેવા શબ્દો પ્રયોજીને જે તે મૂળ શબ્દોને કેવા લાડ લડાવ્યા છે ! દયારામનો ‘શ્યામ રંગ સમીપે’માં વપરાએલો તળપદો શબ્દ ‘વંત્યાક’ હાસ્ય નિષ્પન્ન કરે, તો વળી શ્રીરામની બાળવયની ચેષ્ટા વર્ણવતા કવિ ભાલણની ‘છબછબ કરતા છેડા પલાળે, પાણીડાં ઢોળે’ માંના ‘પાણીડાં’ શબ્દનું માધુર્ય કંઈ ગાંજ્યું જાય એવું છે ખરું ? ઉત્તરકાલીન કવિઓનાં થોડાંક કાવ્યોને તપાસીએ તો નિરંજન ભગતના કાવ્યના ‘પથ્થર થરથર ધ્રૂજે’ શબ્દો પથ્થરને તો ધ્ર્રૂજાવે છે, પણ સાથે આપણે પણ નથી ધૂજી ઊઠતા ? ઉમાશંકર ‘નદી દોડે’ કાવ્યમાં ‘અરે, એ તે ક્યારે, ભસમ સહુ થઈ જાય પછીથી !’ માં ઉચ્ચારછૂટના આશયે ‘ભસ્મ’ના બદલે ‘ભસમ’ નથી મૂકતા, પણ લૌકિક ઉચ્ચાર તરીકે તેને પ્રયોજીને તેઓ ઉચ્ચ કોટિનું ભાવમાધુર્ય નિપજાવે છે.
આટલા સુધી તો આપણે ગુજરાતીના પદ્યસાહિત્યને અવલોક્યું, થોડુંક ગદ્યસાહિત્ય પણ જોઈ વળીએ. રા. વિ. પાઠક ‘ખેમી’ વાર્તામાં ‘ખેમી રાંડી’ એવા બે શબ્દો વડે જ ‘ધનિયા’ના મૃત્યુનો વાચકને વીજળીક આંચકો આપે છે. છે ને સીધાસાધા બે આ શબ્દો ! લખી શકાયું હોત કે ‘ખેમીએ વૈધવ્યનો કાળો કામળો ઓઢ્યો’, ‘ખેમીના માથાની સેંથીનું સિંદુર લોપાઈ ગયું’, ‘ખેમીના સૌભાગ્યનો ચાંદલો ભુંસાઈ ગયો’ વગેરે…વગેરે; પરંતુ આવાં લાંબાંલાંબાં વાક્યોથી વાચકને ત્વરિત આંચકો આપી શકાયો હોત ખરો ! ગો. મા. ત્રિપાઠી ‘સરસ્વતીચન્દ્ર’માં ‘દુ:ખી હું તેથી કોને શુ ? સુખી હું તેથી કોને શું ?’ જેવા સરળ શબ્દોએ વાચકના હૃદયના તાર કેવા ઝણઝણાવી દે છે ! ધૂમકેતુની ‘વિનિપાત’ વાર્તામાંનું વાક્ય ‘પડે છે ત્યારે સઘળું પડે છે !’ ભુલાશે ખરું ? એ જ ધૂમકેતુની વાર્તા ‘રજપૂતાણી’ના અંતભાગે આવતા વાક્ય ‘ અત્યંત વેદનાભર્યું રજપૂતનું મોં, બે તરસ્યા હાથનો ખોબો વાળીને, આ પડતું પાણી ભારે વિહ્વળતાથી પી રહ્યું છે…ઘટક…ઘટક….ઘટક…ઘૂંટડા લે છે.’ને માણી લઈએ. શું ‘તરસ્યા હાથનો ખોબો !’ એ શબ્દચિત્ર વાચકના માનસપટમાંથી ભુંસાશે ખરું ? શું અવગતિયા થએલા એ રજપૂતે પીધેલા પાણીના ઘૂંટડાઓનો ઘટક…ઘટક અવાજ વાચકના કાનોમાં દીર્ઘકાળ સુધી ગૂંજ્યા નહિ કરે ?
આપણે આ લઘુલેખના સમાપને આવી પહોંચ્યા છીએ. ‘શબ્દ’ શબ્દનો એક અર્થ તો થાય છે, એક કે એકાધિક વર્ણોનો સાર્થ સમૂહ; સાથેસાથે એ પણ યાદ રહે કે તેનો અન્ય અર્થ અવાજ કે ધ્વનિ પણ થાય છે. સફળ સાહિત્યસર્જક પોતાનાં સર્જનોમાં કેટલાક શબ્દોને એવી રીતે પ્રયોજતો હોય છે કે તે બધા માત્ર દૃશ્યમાન જ નથી રહેતા હોતા, બોલતા પણ હોય છે !
[…] ક્રમશ: (7) […]