RSS

Tag Archives: નૂર

(590) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૦ (આંશિક ભાગ – ૨) દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ (શેર ૪ થી ૭)

જબ કિ તુઝ બિન નહી કોઈ મૌજૂદ
ફિર યે હંગામા એ ખુદા ક્યા હૈ (૪)

(હંગામા= તોફાન)

અર્થઘટન અને રસદર્શન :

આ ચોથા શેર સાથેના આગામી ત્રણેય શેર સીધા પારલૌકિક માશૂકા એવા ઈશ્વર-અલ્લાહને સંબોધીને વ્યક્ત થયા છે, પરંતુ ગિલા-શિકવા તો માશૂકા અંગેના જ છે. દિલના દર્દને દૂર કરવા માટેની માશૂકની આરજૂ, ગમગીની અંગેના કારણ સામેની માશૂકાની ચૂપકીદી કે પછી એ ચૂપકીદી તોડીને માશૂકને સીધો સવાલ કરવાથી માશૂકાએ દૂર રહેવું એવી આ સઘળી ફરિયાદો ઈલાહી સમક્ષ રજૂ થાય છે. આ ચોથા શેરમાં તો માશૂક ખુલ્લી રીતે દિવ્ય એવા ઈશ્વરને કહે છે કે તું તો હર જગ્યાએ મોજુદ હોય છે, તારાથી કશું જ છૂપું નથી હોતું અને આમ છતાંય આ બધો ખળભળાટ, પ્રક્ષોભ કે ઉત્પાત જે થઈ રહ્યો છે તે બધું શું છે? આ ખળભળાટ એટલે બીજું કંઈ નહિ, માશૂકાની માશૂક પરત્વેની ઉદાસીનતા; જેના કારણે માશૂકને બેચેની રહ્યા કરે છે અને તેથી તેના દિલોદિમાગમાં ઉથલપાથલ થયા કરે છે. ઈશ્વર સર્વવ્યાપી છે એનો મતલબ એ કે  વિશ્વની સઘળી સૂક્ષ્મ કે સ્થુળ ઘટનાઓ અને પદાર્થો; એ બધાં, કવિ કલાપીની એક ગ઼ઝલના શબ્દો ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ની જેમ કહીએ તો, તેમની પાછળ તેની (ઈશ્વરની) મોજુદગી હોય જ છે. આમ આ ચોથા શેરમાં માશૂક ઈશ્વરને કહે છે કે મારા મારી માશૂકા સાથેના મારા તાલૂકાત(સંબંધ)નો તું તો ચશ્મદીદ ગવાહ છે તેમ છતાંય અમારી વચ્ચે આ કશ્મકશ કેમ સર્જાઈ રહી છે?

સંક્ષિપ્તે કહેતાં ઈશ્વરનું અસ્તિત્વ સઘળે છે, નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તે અખિલ બ્રહ્માંડમાં છે. માનવી પોતાના માથે તૂટી પડતી આફતો કે નિષ્ફળતાઓ ટાણે છેવટે ઈશ્વરનું શરણ શોધે છે અને આ જ આ શેરની ફલશ્રુતિ છે.

* * *

યે પરી ચેહરા લોગ કૈસે હૈં
ગમજ઼ા-ઓ-ઇષ્વા-ઓ-અદા ક્યા હૈ (૫)

(પરી ચેહરા= પરી જેવા રૂપવાન ચહેરા; ગમજ઼ા-ઓ-ઇષ્વા-ઓ-અદા= આંખના ઈશારા અને હાવભાવ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ ગ઼ઝલના આ પાંચમા શેરમાં બ્રહ્મજ્ઞાનમાં સરી પડતા લાગે છે. સુફી મત પ્રમાણે ઈશ્વર સિવાય સઘળું ભ્રામક (Illusory) છે, તેમ છતાંય ગ઼ાલિબ તો માને છે કે એ બધું ભ્રામક હોવા છતાંય દૃશ્યો, ધ્વનિઓ કે પછી લાગણીઓ આપણા ચિત્તને તો મોહિત કરી જ દેતાં હોય છે. આ શેર અને આગામી બે શેરમાં કેટલીક ભાવાત્મક, સૂક્ષ્મ અને સ્થુળ બાબતોની યાદી સાથે ગ઼ાલિબ ઈશ્વરની સત્યતા અને તેના અસ્તિત્વને પુરવાર કરે છે. શેરના પહેલા મિસરામાં સ્વરૂપવાન લોકો અને પછી તરત જ બીજા મિસરામાં એમના આંખના ઈશારા અને હાવભાવ જોઈને શાયર આશ્ચર્યભાવ અનુભવતાં એ ઈશ્વરને પૂછી બેસે છે કે આ બધું શું છે! અગાઉ જણાવ્યા મુજબ આ ‘ક્યા હૈ’ પ્રશ્નમાં વિધાન સમાયેલું છે અને એ વિધાન છે કે ‘હે ઈશ્વર, આ તારી જ લીલા છે.’ લોકોના આંખોના ઈશારા કે હાવભાવમાં કેટલી બધી વિવિધતાઓ હોઈ શકે છે. આપણે માત્ર આંખોના ઈશારાઓમાંની  વિવિધતાઓને વર્ગીકૃત કરીએ તો તેમાં આપણે લોલુપતા, પ્રેમ, કરુણા, ક્રોધ, તિરસ્કાર, સંતોષ, વાત્સલ્ય, વિકાર એવા કોણ જાણે કેટકેટલા ભાવોને આપણે સમજી શકીએ. આ જ પ્રમાણે વ્યક્તિ જે કંઈ હાવભાવ પ્રદર્શિત કરે છે તેમાંથી પણ આપણને કેટકેટલા સંકેતો મળતા હોય છે. આમ સૌની આંખો તો તેમની રચનાની રીતે એક સમાન હોય છે, સૌનાં શારીરિક અંગોનાં હલનચલન પણ સરખાં જ થતાં હોય છે; અને તેમ છતાંય એ સઘળાંમાં કેવી કેવી ભિન્નતાઓ જોવા મળે છે. આ સઘળું ભાવાત્મક કે સૂક્ષ્મ જે કંઈ અનુભવાય છે તેની પાછળ ઈશ્વરનો જ હાથ હોય છે. આમ ઈશ્વરને રહસ્યમય ગણાવાયો છે. તેના ભેદને કોઈ પામી શકતું નથી અને તેથી જ તો કોઈ તત્ત્વચિંતક કહે છે કે ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં મારી બુદ્ધિ અણુના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’

* * *

શિકન-એ-જ઼ુલ્ફ઼-એ-અમ્બારી ક્યોં હૈ
નિગાહ-એ-ચશ્મ-એ-સુર્મા-સા ક્યા હૈ (૬)

(શિકન-એ-જ઼ુલ્ફ઼-એ-અમ્બારી= આકાશનાં ઘટાટોપ વાદળો જેવી જુલ્ફાંની લટ; નિગાહ-એ-ચશ્મ-એ-સુર્મા= સુરમો આંજેલી આંખોમાંથી નીકળતી નજર)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબના આ શેરને ચર્ચાની એરણ ઉપર લેવા પહેલાં ફરી એક વાર આપણે કવિ કલાપીની ગ઼ઝલ ‘આપની યાદી’ના આ શેરને યાદ કરીએ :

“માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!”

ઇશ્કે હકીકીની ગ઼ઝલના આ શેરમાં ઈશ્વરના સ્વરૂપને ગૂઢ અર્થમાં સમજતાં એ ફલિત થાય છે કે દુન્યવી માશૂકાના ચહેરાના સૌંદર્યમાં કે પછી બાગબગીચાઓમાં ખીલતાં ફૂલોમાં પણ ઈશ્વરનું સૌંદર્ય પરોક્ષ રીતે સમાયેલું છે. આપણા ગ઼ાલિબ પણ ગ઼ઝલના આ છઠ્ઠા શેરમાં માશૂકાના શ્યામ કેશની લટમાં કે તેની સુરમો આંજેલી આંખોમાં પણ પરોક્ષ રીતે ઈશ્વરદર્શન જ કરે છે. માશૂકાની કેશલટને મેઘભર્યાં કાળાં ડિબાંગ વાદળો સાથે સરખાવીને શાયર એ બંને વચ્ચેની શ્યામરંગી સામ્યતા જ નથી બતાવતા,પણ આપણને એ કેશલટમાંથી ઉદ્ભવતી ચમક કે ઝાંયને પણ દૃષ્ટિગોચર કરાવે છે. વળી એ જ પ્રમાણે સુરમાની લકીર ખેંચેલી આંખોમાંથી પણ એવી જ ચમક કે આભા પ્રગટતી હોય છે. આમ માશૂકાની એ કેશલટની ઝાંય કે સુરમો આંજેલી આંખોમાંથી નીકળતી નજર એ જ્યોતિનું સૂક્ષ્મ સ્વરૂપ છે. ઈશ્વરના રૂપની જુદાજુદા ધર્મોએ આપેલી વિભાવનાઓ પ્રમાણે તેને જ્યોતિ (હિંદુ મત), નૂર (ઈસ્લામ મત) કે Light (ક્રિશ્ચિયાનિટી મત) સ્વરૂપે ગણવામાં આવ્યો છે. આમ માશૂકાની કેશલટની ઝાંય કે ચમક કે પછી તેની આંખોમાંથી પ્રગટતી આભા એ બધાંને ગ઼ાલિબ પરમ જ્યોતિ સ્વરૂપ એવા ઈશ્વરના અંશ સમાન ગણીને આશ્ચર્યભાવ પ્રગટ કરે છે અને પૂછે છે કે ‘આ બધું શું છે?’

              * * *

સબ્જ઼ા-ઓ-ગુલ કહાઁ સે આયે હૈં
અબ્ર ક્યા ચીજ઼ હૈ હવા ક્યા હૈ (૭)

(સબ્જ઼ા-ઓ-ગુલ= હરિયાળી અને ફૂલો; અબ્ર= વાદળ, મેઘ)

અર્થઘટન અને રસદર્શન :

ગ઼ાલિબ આ શેરમાં ઈશ્વર-અલ્લાહની મહાનતા દર્શાવવા માટે ચાર ઉદાહરણો આપે છે; હરિયાળી, ફૂલો, વાદળ અને હવા. ઈન્સાન આ ચાર તો શું કોણ જાણે અનંત એવાં કેટકેટલાંય ઈશ્વરનાં સર્જનો ઉપર ગોર (મનન-ચિંતન) કરે તો તેના અસ્તિત્વ અને તેની અપરંપાર શક્તિઓ વિષે તેને કોઈ સંદેહ રહે નહિ. વરસાદના પાણી અને અને અન્ય સ્રોતોના સિંચન થકી માનવી પૃથ્વીપટ ઉપર હરિયાળી નિહાળી શકે છે. ધરતીના ગર્ભમાં સચવાયેલાં એ બી ઊગી નીકળે છે અને મનહર હરિયાળી લહેરી ઊઠે છે. આવું જ ફૂલો વિષે છે, જ્યાં આપણને રંગબેરંગી અને અવનવા આકારનાં ફૂલો જોવા મળે છે. વર્ષા ઋતુમાં વાદળો આમથી તેમ દોડાદોડ કરતાં અને અનરાધાર વરસાદ વરસાવીને પ્રાણીમાત્ર માટે ઘાસચારા, વૃક્ષો અને અનાજ ઉપલબ્ધ કરાવે છે. કોઈ વાર મંદ, કોઈવાર સ્થિર, તો વળી કોઈવાર પવનરૂપે ગતિશીલ બનતી હવા એ વિધાતાનું એવું સર્જન છે કે જે અદૃશ્ય છતાં અનુભવી શકાય છે. આ બધાં ખાલિક (સર્જનહાર)ની ખલકત (સર્જનો) છે, પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. આમ ગ઼ાલિબ ગ઼ઝલના ક્રમાંક ૫ થી ૭ સુધીના શેરમાં ‘ક્યા હૈ’ના પ્રશ્ન સાથેના આશ્ચર્યભાવ વડે આપણને ઈશ્વરની મહાનતાનું દર્શન અને તે અંગેનું ચિંતન કરાવે છે. કોઈક ચિંતક માનવીને ઉદ્દેશીને કહે છે કે, ‘તું માત્ર તારી નજરને જમીન ઉપર ખોડીને ન ચાલ, પણ આસપાસ અને ઉપર જો; તને પ્રકૃતિમાં ઈશ્વરની મહાનતાની પ્રતીતિ થયા સિવાય રહેશે નહિ.’

ગ઼ાલિબે આ ત્રણેય શેરમાં સર્વશક્તિમાન ઈશ્વરની મહાનતાને સમજાવવા માટેનાં પસંદ કરેલાં ઉદાહરણોને વર્ગીકૃત કરીએ તો આ પ્રમાણે જોવા મળશે. પાંચમા શેરમાં સ્વરૂપવાન ચહેરા, આંખોના ઈશારા અને હાવભાવોમાં ઈશ્વરના અસ્તિત્વને સમજાવાયું છે, જે સૂક્ષ્મ છે. છઠ્ઠા શેરમાં સ્થુળ એવી માશૂકાના કેશની લટ અને કાજળમઢી તેની આંખો જે દૃશ્યમાન છે, પણ આંખની નજર એ સૂક્ષ્મ છે. સાતમા શેરમાં દૃશ્યમાન હરિયાળી, ફૂલો અને વાદળાં છે તથા અનુભવજન્ય સૂક્ષ્મ એવી હવા છે. આમ ગ઼ાલિબ કૃતિ પાછળ પરોક્ષ રીતે કર્તા એટલે કે ઈશ્વર એવા તેની ઓળખ આપવા માટે આ ત્રણેય શેરમાં સ્થુળ અને સૂક્ષ્મ એવાં બંને પ્રકારનાં ઉદાહરણોને પ્રયોજે છે.

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૧૬૩)                                                        (ક્રમશ: ભાગ – ૩)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
(૬) Courtesy –  urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

 

Tags: , , ,