RSS

Tag Archives: ન્યુટન

(૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્! – ૪ (ક્રમશ:)

[આ હળવા લેખમાં તર્ક અને હકીકતનું સંમિશ્રણ છે. લેખનું શીર્ષક સૂચક છે. એ અંગે તર્ક કરવાની દરેક વાચકને છૂટ છે. આ લેખ જનકલ્યાણ અર્થે નિ:સ્વાર્થ ભાવે લખાયો છે એટલું જ હાલમાં તો હું કહીશ!!!]

#  #  #  #  #

એ એક ઝાડ હતું અને એ પણ વળી સફરજનનું જ. તેની નીચે માણસ બેઠો હતો, ખુરશીમાં જ તો; યુરોપિયન દેશોમાં વાણ ભરેલા ખાટલા ન હોય! તેનું નામ ન્યુટન હતું. એ ઝાડ કોઈ પહાડ કે જંગલમાં નહિ હોય, કેમ કે એટલે દૂર સુધી કોઈ બેસવા માટેની ખુરશી ઊંચકીને ન લઈ જાય! આમ માની લેવું પડે કે એ ઝાડ તેના આંગણા કે વરંડાના બગીચામાં હશે કે પછી તેના ફાર્મહાઉસની વાડીમાં. એ ઝાડ ગમે ત્યાં હોય પણ એ ઘટનામાં હોવું જરૂરી હતું. એ ઝાડ સફરજનનું હોવાના બદલે એવા કોઈ વજનદાર ફળનું હોત તો ચાલી શકત, પણ માણસ તો ન્યુટન હોવો જ જરૂરી હતો. ન્યુટન જ એટલા માટે કે એ વિચારશીલ માણસ હતો. એ પાછો મારા જેવો બુઠ્ઠા મગજવાળો માણસ ન હતો. (અહીં જો કે હું ‘મારાતમારા જેવો બુઠ્ઠા મગજવાળો’ એમ લખીને તમને પણ મારી સાથે સાંકળવાનો હતો, પણ હું તમને બક્ષું છું.). એ વૈજ્ઞાનિક ભેજાવાળો માણસ હતો. માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલાઓ પણ આ વાત જાણે છે, એટલે એને ખેંચીખેંચીને મારા અને તમારા ભેજાનું દહીં નહિ કરું. વાતની ફલશ્રુતિ ઉપર આવી જાઉં તો તેણે એ ઘટના ઉપરથી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધી કાઢ્યો. વળી સફરજનનું એ ફળ એણે ખાઈ પણ લીધું હશે, જે તેના માટે અમરફળ પુરવાર થયું અને એ ન્યુટન અમર થઈ ગયો.

સામાન્ય ઘટનાઓ અને તેમને આનુષંગિક તર્કપ્રક્રિયાઓ થકી કેવી કેવી વૈજ્ઞાનિક શોધો થતી હોય છે, નહિ? બીજા જણે વળી ચાની કીટલીના વરાળથી ઊંચાનીચા થતા ઢાંકણ ઉપરથી વરાળની શક્તિનો ક્યાસ કાઢી લીધો અને વરાળ એંજિંન શોધી કાઢ્યું. ત્રીજાએ વળી ફલાણું શોધી કાઢ્યું, ચોથાએ ઢીકણું શોધી કાઢ્યું; તો વળી પાંચમાએ પૂછડું શોધી કાઢ્યું, તો છઠ્ઠાએ બાંડણું! આ બધા બોલીના શબ્દો છે એટલે કદાચ બધા શબ્દોના અર્થ જાણવા ન પણ મળે, માટે શબ્દકોશને આરામની સ્થિતિમાં જ રાખજો. હવે મારે ‘ગલીમેં ગલી’ એવી અંદર આવ્યે જતી હજાર ગલીઓને ગાઈ બતાવવા માટે ઘેલા થયેલા ગાયક જેવી ટાંટિયાખેંચ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું નથી, એટલે આગળ ગણતરી કરાવ્યા વગર વાતને વીંટો વાળીને આગળ વધું છું. પરંતુ આપ સૌએ એક વાત નોંધવી રહે કે આ બધી મહાન શોધો સામાન્ય ઘટનાઓમાંથી નિપજી છે. ઘટનાઓ ભલે સામાન્ય હતી; પણ એ ઘટનાઓના સાક્ષી અસામાન્ય હતા, તેમના તર્ક પણ અસામાન્ય હતા.

આપણે બોલચાલમાં ‘તર્ક નહિ તો તુક્કો’ શબ્દો પ્રયોજતા હોઈએ છીએ અને આ શબ્દોનું અર્થઘટન સમજવા  કોઈ તર્ક કે તુક્કો લડાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કેમ કે તેમાંનો અર્થબોધ સ્વયં સ્પષ્ટ અને સ્વયંસિદ્ધ છે. તર્કમાં ગંભીરતા હોય છે, ઊંડાણ હોય છે, ઔચિત્ય હોય છે, પરિણામલક્ષિતા હોય છે, તેમાં કંઈક તથ્ય હોય છે, તેમાં ક્રમિકતા હોય છે; જ્યારે તુક્કો અગંભીર, છીછરો, અનુચિત, પરિણામવિહીન, ક્ષુલ્લક અને આડેધડ વિહરનારો હોય છે. તર્ક કરવા માટે અક્ષમ માણસ તુક્કા લડાવતો હોય છે, જે હાસ્યાસ્પદ બની રહે છે અને કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી હોતું. વૈજ્ઞાનિક શોધો એ તર્કની પેદાશ હોય છે, નહિ કે તુક્કાઓની! આમ છતાંય તુક્કાને ઉતારી પાડી શકાય નહિ, કેમ કે તુક્કા લડાવતાં લડાવતાં કોઈકવાર તર્ક હસ્તગત થઈ જતો પણ હોય છે. આમ તુક્કાને તર્કનો જનક ગણવો પડે. જનક એટલે બાપ, હોં કે !.

જગતભરના દેશોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સંશોધનો ચાલ્યા કરે છે અને હજારો લાખો સંશોધન વૈજ્ઞાનિકો દિવસરાત કામ કરતા હોય છે. જે તે દેશોની સરકારો અવનવાં સંશોધનો માટે અઢળક નાણાંની ફાળવણી પણ કરતી હોય છે. મને પણ આવા સંશોધક થવાના અભરખા જાગ્યા હતા, પણ કોલેજનાં પગથિયાં નહિ જોયેલા એવા મને એ સંશોધન કેન્દ્રોવાળા પટાવાળા તરીકે પણ રાખે નહિ. આ વાત મારે સમજી લેવી જોઈએ અને હું સમજી પણ ગયો, કેમ કે હું થોડોક સમજદાર હતો ને! હવે મારા માટે એક જ વિકલ્પ બાકી રહેતો હતો કે મારે અંગત રીતે કોઈક સંશોધનકાર્ય કરવું. વળી સંશોધન એવું હાથ ધરવું કે જેમાં ખાસ કંઈ  ખર્ચ હોય નહિ, કોઈ મોંઘી સાધનસામગ્રી કે મશિનરીની જરૂર પડે નહિ; કે પછી કોઈ કાચી કે પાકી પ્રયોગશાળા પણ બાંધવી પડે નહિ. સંશોધન માટે તર્ક દ્વારા સંશોધનનો વિષય મળી રહે અને મગજ એ મારી પ્રયોગશાળા બને. આમ આવા ઝીરો બજેટથી મેં મારું કામ શરૂ કરવાનું વિચાર્યું.

મેં હમણાં કહ્યું ને કે સર્વપ્રથમ મારે સંશોધનનો કોઈ વિષય મેળવવા માટે તર્ક લડાવવો પડે અને એ માટે મેં ખૂબ મથામણ કરી, પણ મને ઠોસ એવો કોઈ તર્ક લાધ્યો નહિ. છેવટે એમ વિચાર આવ્યો કે મારે મારી પોતાની તર્કશક્તિને વેડફી નાખવાના બદલે અન્ય કોઈના તર્કનો સીધો લાભ લઈને સંશોધન માટેનો વિષય મેળવી લેવો અને પછી મારે એ જ તર્કને આગળ વધારતા રહેવું. સંશોધનો માટેના આવા તર્કો પ્રારંભે હાસ્યાસ્પદ લાગતા હોય છે અને તેથી સ્વાભાવિક છે કે કોઈ આપણી માગણી સામે સ્વમુખે પોતાનો તર્ક રજૂ કરે નહિ. પછી તો મેં આંખ અને કાન ખુલ્લાં રાખીને મિત્રો વચ્ચે બેસવાનું શરૂ કર્યું.

અમારા મિત્રમંડળમાં કોઈને દારૂ કે એવા ઘાતક પદાર્થોના સેવનનું વ્યસન નહિ; પણ હા, એક મિત્ર હતો જે તમાકુ ચાવવાનો વ્યસની હતો. બીજા મિત્રોને અને મને એના આ વ્યસનની સૂગ ન હતી, પણ અમારામાં એક જણ એવો હતો કે જે પેલાનું તમાકુનું વ્યસન છોડાવી દેવા માટે હંમેશાં તેના મગજની નસો ખેંચ્યે જતો હતો. એકવાર તેણે અમારી રાત્રિબેઠકમાં પેલાને આક્રોશમય અવાજે કહ્યું કે ‘તમાકુ તો ગધેડાં પણ ખાતાં નથી!’ અને હું ઝબકી ઊઠ્યો. મને મારા સંશોધનનો વિષય મળી ગયો  હતો અને મેં કામ હોવાનું બહાનું બતાવીને એ લોકોને છોડીને હું ઘરે પહોંચી ગયો. મારા સંશોધનના પ્રારંભની એ પહેલી રાત્રિ  હતી. મેં પેલા ન્યુટનના ‘સફરજન નીચે જ પડ્યું અને ઉપર કેમ ન ગયું’ એવા તર્કની જેમ ગધેડા અને તમાકુને સંલગ્ન મારો તર્ક લડાવવાનું શરૂ કર્યું. અચાનક પ્રાથમિક શિક્ષણ વખતની કોઈક કવિતાની એક લીટી યાદ આવી ગઈ : ‘સક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ જ હરે’. આનો અર્થ સમજતાં લાગ્યું કે જેમ સાકર ખાવાથી ગધેડું તરત જ મરી જાય, તેમ મારા મિત્રના કહેવા મુજબ તમાકુ ખાવાથી પણ ગધેડું તત્કાલ મરી જતું હશે અને તેથી જ તે તમાકુ ખાતું નહિ હોય. આનો મતલબ એમ થાય કે સાકર અને તમાકુ બંને ગધેડા માટે ઝેર સમાન હોવાં જોઈએ.

મારો તર્ક પાણીના રેલાની જેમ આગળ વધવા માંડ્યો. સાકર અને તમાકુથી ગધેડું મરે, પણ માણસ મરે નહિ અને મરે તોયે તરત જ મરે નહિ, કેમ કે તે માણસ માટે હળવું ઝેર રહેતું હશે. આ હળવું ઝેર લાંબા ગાળે માણસને મધુપ્રમેહ કે કેન્સરની બિમારીમાં અવશ્ય સપડાવે અને છેવટે તો તે મરે જ. પરંતુ મારે તો  માણસ વિષે વિચારવાનું છે જ નહિ, કારણ કે એ તો વિષયાંતર થયું ગણાય. વળી અન્ય પ્રાણીજગતની તુલનાએ આજકાલ તેમનાથી પણ બદતર થતા જતા માનવી વિષે તો શાનું વિચારવાનું જ હોય!  મારે તો ગધેડા વિષે જ વિચારવાનું છે, નહિ કે માણસ વિષે; પછી ભલે ને તે માણસ ગધેડા જેવો કેમ ન હોય!

હવે આપણે તમાકુ અને/અથવા સાકરથી ગધેડું મરે એમ માનીએ એ પહેલાં એક શંકા ઊઠાવવી પડે કે એ પ્રાણીનું કલેજું શું શરીરમાંથી બહાર નીકળીને ક્યાંય ચરવા જતું રહેતું હશે! સૌના ભણવામાં આવ્યું જ છે કે મનુષ્ય કે પ્રાણીમાત્રના શરીરના આંતરિક અવયવોમાં કલેજું વિષશોષક છે. એ પોતે બિચારું ટુકડેટુકડા ન થઈ જાય ત્યાં સુધી એ ઝેરને શોષી લઈને એ પ્રાણીના જીવને બચાવી લેવાનો પ્રયત્ન કરે છે. આત્મહત્યા કરનારાઓનું પોસ્ટમોર્ટમ થાય ત્યારે મરનારનું કલેજું તપાસવામાં આવતું હોય છે જેથી ઝેરના કારણે મૃત્યુ થયું છે નહિ તે નક્કી થાય. જોયું? મારો તર્ક પણ ગધેડું જેમ સીધું ન ચાલે તેમ આડોઅવળો ફંટાતો જાય છે, માટે મારે મારા તર્ક આગળ ગાજર લટકાવવું પડશે. લ્યો ત્યારે, મારા તર્ક આગળ ગાજર ધરીને હું ગધેડા અને તમાકુ; અથવા ગધેડા અને સાકરનાં પરસ્પર બાપે માર્યાં વેર જેવા મુદ્દાને ડચકારીને આગળ હંકારું.

વૈજ્ઞાનિક સંશોધનમાં જેમ ચોકસાઈ અતિ આવશ્યક ગણાય છે તેમ મારું પણ આ તર્કવિજ્ઞાન છે એટલે તમને ચોકસાઈ હેઠળ કહેવું પડશે કે અગાઉ સાકર કહેવાયું છે એટલે કોઈએ તેને માત્ર ગાંગડાવાળી સાકર જ એમ સમજી લેવાનું નથી, ખાંડને પણ સાકર ગણવી પડે. ખાંડ અને સાકર જોડિયા બહેનો જ ગણાય. બસ એમ જ, તમાકુ સેવનના પણ અનેક પ્રકાર છે અને તે સઘળાયને તમાકુ હેઠળ જ ગણવા પડે. હવે આપણે મૂળ મુદ્દે આવીએ તો ઝેરની માત્રા વધી જાય ત્યારે જ તે ઘાતક નીવડે. એટલે જ તો પેલું કલેજું શરીરમાંથી બહાર નીકળી જઈને ક્યાંય ચરવા નહિ, પણ શરીરની અંદર જ રહીને બહાદુર યોદ્ધાની જેમ મરવા માટે તત્પર રહેતું હોય છે.

વચ્ચે એક વાત જણાવી દઉં કે હવે હું માત્ર તમાકુ અંગેની ચર્ચા કરીશ અને સાકર કે ખાંડને ટાળીશ. બંનેમાં ઝેર હોવાની વાત સાબિત થઈ જ રહી છે ત્યારે એનાં તારણો બંનેને સરખાં લાગુ પડશે જ. જો કે સાકર/ખાંડને કીડીમંકોડાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ કેમ છે અને એ જીવોને મધુપ્રમેહ થતો હશે કે કેમ તે અલગ ચર્ચાનો વિષય હોઈ આપણે એ મુદ્દાને અભરાઈએ મૂકીને હાલ તો કામનું જ વિચારીએ. સાકર કે ખાંડને સફેદ ઝેર ગણવામાં આવે છે અને આવા સફેદ ઝેરમાં મીઠા અને સોડાનો પણ સુમાર થતો હોય છે. ગુજરાતીમાં આ મતલબનું એક જોડકણું પણ છે કે “ખાંડ, મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય, નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય.”

બ્રહ્માંડના ગ્રહો ગોળગોળ ફર્યે જતા હોય છે, પણ પોતાની ધરીને જાળવી રાખતા હોય છે. આપણે જમીન ઉપર બે પગ રહે તેટલી જગ્યાનું કૂંડાળું દોરીને તેમાં ઊભા રહીને ફૂદડી ફરવા માંડીએ તો થોડી જ વારમાં કૂંડાળા બહાર નીકળી જતા હોઈએ છીએ. બસ, આવું જ મારે અહીં થઈ રહ્યું છે કે થઈ જાય છે. આ સંશોધનની મુખ્ય ધરી તમાકુ છે અને એ ધરીને આમ વચ્ચે વચ્ચે છોડી દેવી એ તર્કવિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે અતાર્કિક હોઈ આપ વાચકોની માફી માગીને હવે તમાકુના મુદ્દે જ વળગી રહેવાની ખાત્રી સાથે આગળ વધીશ.

મારા મિત્ર દ્વારા બોલાયેલા વાક્ય ‘તમાકુ તો ગધેડાં પણ ખાતાં નથી.’માંનો ‘પણ’ શબ્દ એ સૂચવે છે કે બીજાં પ્રાણીઓ પણ તમાકુ નહિ ખાતાં હોય, કેમકે તમાકુનાં ખેતરોને વાડ હોતી નથી. અહીં ગધેડાના ‘પણ’ સાથેના ઉલ્લેખથી અન્ય પ્રાણીઓની સરખામણીએ તે કંઈક અપ્રિય કે તિરસ્કૃત છે તેવું દર્શાવીને કહેવાવાળાએ તમાકુના વ્યસનીઓને મહેણું માર્યું લાગે છે કે “ફટ્  ભૂંડાઓ, ઢાંકણીમાં પાણી લઈને; નહિ તો છેવટે હથેળીમાં પાણી લઈને અને તેમાં નાક ડુબાડીને મરી જાઓ, કેમ કે ‘તમાકુ તો ગધેડાં પણ ખાતાં નથી!’”

સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા દર વર્ષે ૩૧મી મેના દિવસને ‘ વિશ્વ તમાકુ વિરોધી દિન’ (No Tobacco Day) તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. અગાઉ વિષયાંતર ન થવા દેવાની ખાત્રીને પળભર ભૂલી જઈને તમને પૂછવાનું મન થાય છે કે આમ ને આમ યુનોવાળા વર્ષના બધા જ  દિવસોને કોઈક ને કોઈક દિન તરીકે જાહેર કરતા જશે, તો ત્યાર પછી રાત્રિઓનો વારો આવશે કે શું? વિશ્વમાં એટલી બધી સમસ્યાઓ વધતી જાય છે કે વર્ષની બધી જ રાત્રિઓ પણ પૂરી થયેથી કદાચ એવું પણ ન બને કે વર્ષના કોઈ એક દિવસ કે રાત્રિને બેત્રણ વિષયો સાથે સાંકળવામાં આવે? આ તો જરા એક વાત થઈ.

વિશ્વભરમાં ઉજવાતા ‘તમાકુ વિરોધી દિન’ની ઉજવણીના અનુસંધાને કેટલાક દેશો તમાકુના વાવેતર ઉપર જ પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યા છે. તા. ૧૯૧૦૧૪ના એક ગુજરાતી અખબારના સમાચાર મુજબ આપણી ભારત સરકાર પણ આ દિશામાં વિચારતી થઈ હતી, પણ ખેડૂતોનાં આંદોલનોના ભય હેઠળ એ વિચાર કોરાણે મુકાઈ ગયો હોય તેમ લાગે છે. વાત પણ સાચી છે કે એક તરફ ખેડૂતો દેવામાં ડૂબતા જઈને આત્મહત્યા કરતા હોય, ત્યારે વધુ નફો આપતા તમાકુના વાવેતર ઉપર પ્રતિબંધ મૂકવો તે તો એમ થવા જેવું ન થાય કે કોઈને આપણે તેના હાથપગ બાંધીને તરવાનું કહીએ! હા, એ બની શકે કે તમાકુ કરતાં પણ વધુ આવક મેળવી આપતા પાકો માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમને શક્ય તેટલી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. વળી જનજાગૃતિ સિવાય માત્ર કાયદાઓ ઘડ્યે જવાથી ધાર્યું પરિણામ ન જ આવી શકે. આપણા ગુજરાતમાં ૨૦૧૪ના વર્ષમાં સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામમાં અંદાજે ૬૦૦ વીઘા જમીનમાં તમાકુની ખેતી કરતા ૧૧૦ ખેડૂતોએ તમાકુની ખેતી ન કરવાનો તમાકુ નિષેધ દિને જ સંકલ્પ કર્યો હતો, જેના પ્રણેતા ગુજરાત કૃષિ એવોર્ડ વિજેતા શ્રી ઈસ્માઈલભાઈ શેરૂ હતા અને તેમની પડખે સરપંચશ્રી જનકભાઈ રાજપૂત હતા.

જો કે આ જનજાગૃતિનો ખ્યાલ પણ ભ્રામક જ છે, કેમ કે કોઈ એક જગ્યાએ જન જાગે તો બીજી જગ્યાએ જન ઊંઘે એવું પણ બને! તા.૦૬૦૨૧૫ના એક સમાચારપત્ર મુજબ હારીજ તાલુકામાં નર્મદા નદીનાં પાણી કેનાલો મારફતે ફરતાં થતાં ખેડૂતો વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચવાળી ખેતી તરફ વળી ગયા છે. હારિજ તાલુકાના એ ખેડૂતોએ છેલ્લાં દસ વર્ષની સરખામણીએ પુષ્કળ પ્રમાણમાં તમાકુની ખેતી કરી છે, જેની જમીન ૭૧૦ હેક્ટર જેટલી થાય છે. માની લો કે તમાકુના વાવેતર ઉપર પ્રતિબંધનો કાયદો અસ્તિત્વમાં આવ્યો, પણ એ તો ‘ખાળે ડૂચા અને દરવાજા ઊઘાડા’ જેવું જ બની રહે. કેફી દ્રવ્યોના માફિયાઓને અન્ય દેશોમાંથી તમાકુ અને તમાકુનાં ઉત્પાદનોની દાણચોરી માટેનું આપણા દેશનું મોટું બજાર મળી રહે.

તમાકુના આ દૈત્યને નાથવાનો એક જ માર્ગ બાકી રહે છે કે તમાકુના ઉપભોક્તાઓને જ તેના સેવનથી દૂર કરવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાઓ મુજબ દુનિયામાં દર વર્ષે ૬૦ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. તમાકુના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને ચીન છે, તો બીજા સ્થાને આપણે છીએ. જો કોઈ વાચકને આ બીજા સ્થાનથી દુ:ખની લાગણી થતી હશે તો મારા માનવા મુજબ તેમને સાંત્વના એ રીતે મળી રહેવી જોઈએ કે પેલા ૬૦ લાખ મરનારાઓમાં છઠ્ઠા ભાગે એટલે કે ૧૦ લાખ આપણે ભારતીઓ છીએ અને આમ આપણે પ્રથમ સ્થાને છીએ! તમાકુના ઉપભોક્તાઓ તો કેટલા લાખ કરોડ રૂપિયા તમાકુવાળાં પાન, ગુટકા, બીડીસિગારેટ કે છીંકણી પાછળ ખર્ચતા હશે તેનો આપણે હિસાબ કરવાની જરૂર નથી, કેમ કે તે એમનાં ખિસ્સાંમાંથી ખર્ચાય છે; પરંતુ ભારત સરકાર તો એ લોકોની સારવાર પાછળ વર્ષે ૧.૫ લાખ કરોડ રૂપિયા બરબાદ કરે છે. તમાકુના સેવનથી મૃત્યુ પામનારા લોકોમાંના ૮૦ ટકા લોકો ગરીબ દેશોના હોય છે. ભારતમાં ૩૫% લોકો તમાકુનું સેવન કરે છે અને તે પણ દિનપ્રતિદિન વધતું જાય છે.

પરંતુ આ બધું જાણ્યા-જણાવ્યા પછી હું તમને પૂછું છું કે શા માટે માણસ વિવિધ રૂપે તમાકુ ખાય છે, વિવિધ રીતે તેનું ધૂમ્રપાન કરે છે અને એક જ રીતે એટલે કે નાસિકા દ્વારા તેને સૂંઘે છે? આ પ્રશ્નનો સીધોસટ જવાબ તમારા વતી હું જ આપી દઉં કે ‘માણસ એ માણસ છે, એ ગધેડો-ડી-ડું નથી!!!’

સુજ્ઞ વાચકો, હું મારા લેખના સમાપનના આરે પહોંચી રહ્યો છું અને આપને યાદ અપાવું કે મેં કહ્યું તો હતું કે હું તર્કવિજ્ઞાનની દિશામાં વિચારી રહ્યો છું. પરંતુ આપ, મેં આંકડાકીય જે કંઈ માહિતી રજૂ કરી છે, તેને તર્ક ન સમજી બેસતા! વળી આ કોઈ સંશોધન છે એમ પણ ન માની લેતા. હું તો આને વીજાણુ માધ્યમે થતી ‘ખણખોદ’ જ ગણું છું. ગૂગલ મહારાજની મફતિયા સેવાઓએ મારાં નાણાં બચાવ્યાં, તો જૂનાપુરાણા કમ્પ્યુટરે મારા તર્કવિજ્ઞાનના સાધન કે મશિન તરીકેનો સાથ આપ્યો, તો વળી મારા વર્કીંગ ટેબલે કે મારા શયનખંડે પ્રયોગશાળાની ગરજ સારી. આ સઘળું મારા માટે પહેલેથી જ ઉપલબ્ધ હતું એટલે આ લેખ પૂરતી ‘ખણખોદ’ ઝીરો બજેટથી જ થઈ ગણાય એમ હું માનું છું, પણ એમ તમને મનાવવાનો લેશમાત્ર પ્રયત્ન તો હું નહિ જ કરું.

-વલીભાઈ મુસા

ઋણસ્વીકાર: નેટમાધ્યમે ગૂગલ સર્ચ દ્વારા પ્રાપ્ત થયેલા અગ્રગણ્ય અખબારો જેવાં કે દિવ્ય ભાસ્કર, સંદેશ વગેરેના લેખો

નોંધ :-

સુજ્ઞ વાચકોને ભલામણ કરવામાં આવે છે કે તમાકુશ્રેણીમાંના મારા નીચે દર્શાવેલા ત્રણ લેખો પણ તેઓ ક્રમસર અચૂક વાંચે. એમાય વળી ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩ને તો અવશ્ય વાંચે કેમ કે તેમાં તમાકુમુક્તિની જાળ રચતા આ લેખક કરોળિયાની ફરી ભોંય ઉપર પટકાઈ ગયાની દાસ્તાન છે. તમાકુશ્રેણીના અત્રે મુકાયેલા  ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્!’ ભાગ – ૪ પછી વળી પાછો એક પાંચમો લેખ આપવાની મારી મહેચ્છા છે, જેનું શીર્ષક હશે ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’. આ પાંચમો લેખ એ મારો તમાકુ શ્રેણીનો આખરી લેખ હશે અને હું આશાવાદી છું કે આમ કંઈ વારંવાર શરમકથા અને સાફલ્યકથા એવા બદલાતા શબ્દોએ મારા માટે તમાકુ અંગે લખવાની આગળ ઉપર કોઈ નોબત નહિ આવે, કેમ કે ત્યારે હું મિત્રો અને કુટુંબીજનો સામે તમાકુને અલવિદા કહીને ઊંચી ગ્રીવાએ જોઈ શકવાની સ્થિતિમાં હોઈશ એવો મારો હાલ પૂરતો તો તાર્કિક ખ્યાલ છે!

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૧  

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા!’ ભાગ-૨

 ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા!’ ભાગ-૩

‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા!’ ભાગ-૫ (સંપૂર્ણ)

 
1 Comment

Posted by on March 19, 2016 in લેખ

 

Tags: , , , , , , , , , ,