RSS

Tag Archives: પાનખર

(૪૮૬) પ્રિયતમાની જીવંત કબર : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૮) – વલીભાઈ મુસા

The Living Tomb of My Love

Now when my lady you have come to me
With a beggar’s bowl in your hands
I would ask but not my dreams back
And the stolen pieces of my heart
I cannot read the trails of love
In these eyes of stone that reflect
The misery of your frozen past
That turned yourself into a tomb.
Now the spring has gone and will
Come not back as the cycle is over
in this last of the autumn of the tree
The leaves of life have dried and swept
One thing my lady I can do for thee
Once blind my heart, now blind by eyes be

– Mukesh Raval

* * *
પ્રિયતમાની જીવંત કબર

(અછાંદસ)

પિયે, હવે તું જ્યારે આવી જ છે મુજ પાસ
ગ્રહી ભિક્ષાપાત્ર નિજ હસ્તોમાં મને કંઈક અર્પવા
કિંતુ નહિ નહિ જ હું માગીશ પરત મુજ સોણલાં
અને વળી ભગ્ન હૃદય તણા ચોરાયલા કો’ અંશ વા

અવલોકવા હું અસમર્થ અવ પ્રણય તણી ઝલક
તવ જડ પથ્થરશાં નયનો મહીં, જે નિગળતાં
દુ:ખોદર્દો જ તવ થિજાયલા અતીત મહીંથી
કે જેણે બદલી જ દીધી તને સાક્ષાત્ જીવંત કબર મહીં

ઋતુરાજશી વસંત પણ હવે સાવ વહી ચૂકી
નહિ પાછી આવે એ, ક્યમ કે એ ચક્ર તો પૂર્ણ જ થયું
અને એ પૂર્વેની વૃક્ષો તણી પાનખર મહીં
જીવનપર્ણો અવ શુષ્ક બની સાવ ગયાં વિખરી

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)    

રસદર્શન :

પ્રોફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યોની ‘કાવ્ય, ભાવાનુવાદ અને રસદર્શન’ની આ શ્રેણીની ‘નવતર પ્રયાસ’ રૂપી પાઘડીમાં અહીં આ કરૂણપ્રશસ્તિમાં ખપી જાય એવા નિરાળા કાવ્યથી એક વધુ પીછું ઉમેરાય છે. ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ ન્યાયે કાવ્યમીમાંસકોએ પોતપોતાની રીતે પોતાને પ્રિય એવા કોઈ એક સાહિત્યરસને પ્રાધાન્ય આપ્યું છે. પરંતુ આપણા કવિ ‘સર્વરસ સમભાવ’માં માનતા લાગે છે અને તેથી જ તો તેમનાં કાવ્યોમાં વિવિધ રસ માણવા મળે છે. આ કાવ્યમાં કરૂણ અને શૃગારરસનું સંમિશ્રણ છે, જેમાં પ્રાધાન્યે તો કરૂણ રસ જ છે. શૃંગારરસના વિપ્રલંભ (વિયોગ) અને સંભોગ (મિલન) એવા બંને પેટાપ્રકારો અહીં અનોખી રીતે એકબીજા સાથે એવા ઓતપ્રોત થઈ ગયા છે, જેવી રીતે કે બે ઝરણાંનો સંગમ થઈને એક ઝરણું બની રહે અને જેમનાં પાણીને નોખાં ન પાડી શકાય.

કાવ્યનું શીર્ષક આગળ આવનારા વિષાદનો ઈશારો કરે છે અને તેથી જ એ કરૂણ પ્રશસ્તિ બની રહેશે તે સમજાય છે. ‘જીવંત કબર’નો વ્યંજનાર્થ ‘ભગ્નપ્રેમ’ જ હોઈ શકવાની કાવ્યપાઠકને આગોતરી જાણ થઈ જતી હોવા છતાંય તે કાવ્યપઠન માટે પ્રેરાય છે. સામાન્ય રીતે પ્રેમીઓના મિલનમાં આનંદ અને ઉલ્લાસ હોય, પણ અહીં વેદના વર્તાય છે. કાવ્યનાયિકા પોતાના હાથમાં ભિક્ષાપાત્ર ગ્રહીને કંઈક આપવા આવી હોવાનું વાંચતાં વાચકને તેના વાચ્યાર્થ માત્રથી એવી ગેરસમજ થવાની શક્યતા ઊભી થાય છે કે ભલા, ભિક્ષાપાત્ર તો કંઈક મેળવવા માટે દાતાની સામે ધરાય; નહિ કે આપવા માટે ! પણ ના, અહીં અન્ય એ ભાવ અભિપ્રેત છે કે કાવ્યનાયિકા ભિખારી જેવી કોઈ એવી મજબૂરીનો ભોગ બની છે કે જેથી પ્રેમી સાથેના મિલનની કોઈ શક્યતા બાકી રહેતી નથી અને પોતે નિ:સહાય છે. આમ આ કારણે જ કાવ્યનાયકને પ્રિયતમા વિષે કોઈ ફરિયાદ નથી. ઊલટાનો એ સામેથી કહી સંભળાવે છે કે પોતે ભાવી જીવન માટેનાં સેવેલાં સોનેરી સ્વપ્નો કે તૂટી ચૂકેલા પોતાના હૃદયના ચોરાયેલા કોઈ અંશને તેની પાસે નહિ માગે.

કાવ્યનાયક તેની પ્રિયતમાની દયનીય સ્થિતિને પામી જાય છે અને તેથી જ એ સ્વીકારી લે છે કે તેનાં જડ પથ્થર જેવાં ચક્ષુઓમાંથી પ્રેમની કોઈ ઝલક તે નહિ જ પામી શકે. અહીં તો તે સામેથી પોતાનો જીવ બાળતાં કહી દે છે કે તેનાં ભૂતકાલીન દુ:ખોદર્દોએ તેને બિચારીને ખરે જ જીવંત કબરમાં ફેરવી દીધી છે. ‘સાક્ષાત્ જીવંત કબર’ શબ્દો વાચકના હૃદયને હચમચાવી દે છે અને તે પણ એ ભગ્નહૃદયી પ્રેમીયુગલના દુ:ખે દુ:ખી થાય છે. અહીં કવિકર્મની કાબેલિયત એ રીતે પરખાય છે કે ભાવક પણ કાવ્યનાં પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવે છે અને તેમની સાથે તે સમભાવી અને સમસંવેદનશીલ બની રહે છે.

આ કાવ્યના પ્રેમીયુગલે તેમના પ્રેમના આરંભે વસંત ઋતુ જેવો જે સુખદ કાળ પસાર કર્યો હતો, તે હવે ફરી કદીય પાછો આવનાર નથી. વસંત પહેલાંની પાનખર ઋતુમાં જેમ વૃક્ષોનાં પાંદડાં સૂકાઈને જમીન ઉપર ખરી પડે અને પવનથી વિખેરાઈ જાય, બસ તેમ જ, આ યુગલનાં જીવનપર્ણો પણ વિખરાઈ ચૂક્યાં છે.  હવે તેમના માટે પુનર્મિલનની કોઈ શક્યતા બચતી નથી.

કાવ્યની આખરી બે પંક્તિઓને કવિએ નાયક તરફના નાયિકાને આશ્વાસનના ભાગરૂપે પોતાની એક ઑફર તરીકે મૂકી છે, પણ વાસ્તવમાં તો તેમાંથી કાવ્યનાયકની નરી વેદના જ ટપકે છે. અહીં પ્રેમી પોતાના પ્રેમના એ સુખદ કાળને યાદ કરતાં કહે છે કે એ વખતે પોતે પોતાના હૃદયથી અંધ બનીને નાયિકાને પ્રેમ કરી રહ્યો હતો. પરંતુ વર્તમાનમાં સંજોગોએ એવી તો કરવટ બદલી છે કે હવે તેમનું મિલન શક્ય નથી. કાવ્યનાયિકાની દુ:ખદ હાલત કાવ્યનાયકથી જોઈ શકાતી નથી અને તેથી જ તો પોતે કહે છે કે તે પોતાનાં ચક્ષુઓથી પણ અંધ બની જાય કે જેથી જીવંત કબર બની રહેલી એ પ્રેમિકાને દુ:ખમય સ્થિતિમાં જોવાની બાકી ન રહે.

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

કાવ્યની આખરી પંક્તિઓ જોગાનુજોગે ૧૩મી અને ૧૪મી બની રહેતાં અને અચાનક ભાવપલટો આવી જતાં આ કાવ્ય આપણને બાહ્ય લક્ષણે શેક્સ્પિરીઅન ઢબનું (૪+૪+૪+૨=૧૪ પંક્તિઓ) સૉનેટ હોવાનો આભાસ કરાવે છે, પરંતુ વાસ્તવમાં આંતરિક લક્ષણના સંદર્ભે તપાસતાં એમ નથી. પહેલાં ત્રણ ચરણોમાં સૉનેટમાંનો મૂળ વિચાર વિકાસ પામતો હોવો જોઈએ અને તેના સમર્થનમાં ઉદાહરણો અપાતાં રહેવાં જોઈએ. છેલ્લે આખરી બે પંક્તિઓ સાર કે નિચોડરૂપે આવતી હોવી જોઈએ. આપણા આ કાવ્યમાં આંતરિક લક્ષણો પાર ન પડતાં હોઈ તેને કદાચ સૉનેટ ન પણ ગણી શકાય તેવું મારું નમ્ર માનવું છે.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

[Published on ‘Webgurjari’ Dt.22072015]

 

Tags: , , , , ,

(૪૮૩) “સર્જન અને વિસર્જન” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૧)

Boom and Bust

At the core of the sun
a solitary photon wandered around taking
countless random walks.

Meandering erratically for thousands of years
in the sun’s fiery gaseous world
it arrived at sun’s surface.

Now in the freedom of space it travelled
65 million miles at lightning speed to reach
planet earth in just 8 minutes and 20 seconds.

A nanosecond too late to resuscitate
a sole surviving leaf on a late autumn morning
as it fell down from a naked deciduous maple.

-Vijay Joshi

* * * * *

સર્જન-વિસર્જન (ભાવાનુવાદ)

              (અછાંદસ)

ભાસ્કર તણા ઊંડેરા ગર્ભ માંહે
એકાકી કો’ વિદ્યુત ચુંબકીય વિકિરણ શક્તિ તણો અણુ
ચક્રાકારે અહીંતહીં આથડતો અસ્તવ્યસ્ત કંઈ કેટલાંય અંતર સમેટતો

હજારો વર્ષોથી વાંકીચૂંકી નિજ સ્વૈર ગતિએ
નિજ માર્ગે અગ્રે ધપ્યે જતો
ભાસ્કરના પ્રજ્વલિત વાયુરૂપી જગ મહીં
અને આવી પૂગે એ જ ભાસ્કર તણી બાહ્ય સપાટી ઉપરે.

હવે તો ભાસ્કરગર્ભ તણો એ જ અણુ પ્રકાશકિરણ બની
આરંભે નિજ સફર મુક્ત અવકાશ મહીં વીજગતિએ
કાપવા દૂરી સાડા છ કરોડ માઈલ તણી
પૃથ્વીગ્રહે પૂગવા આઠ મિનિટ અને વીસ સેકંડ તણી સમયાવધિ મહીં.

અરે, કિંતુ એ ઢળતી પાનખ૨ પ્રભાતે
અબજાંશ સેકંડ તણા નહિવત્ વિલંબ થકી
એ કિરણ રહે અસમર્થ નવીન પ્રાણ પૂરવા
ખરવા જતા એ નગ્ન મેપલ તરુ તણા પર્ણને !

            – વિજય જોશી (મૂળ કવિ)

       – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

સર્જન અને વિસર્જન – સંક્ષેપ

કાવ્યનું શીર્ષક ‘સર્જન-વિસર્જન’ એ ક્ષણભંગુર, ગતિશીલ અને પરિક્રમિત જગત કે જેમાં ઋતુઓના બદલાવ, વૈયક્તિક લાગણીઓની ચઢાવ-ઉતાર, શાશ્વત એવું જીવન-મૃત્યુનું ચક્ર, સંસ્કૃતિઓની ઉત્ક્રાંતિ-અવક્રાંતિ અને અર્થતંત્રીય બજારોની ચડતી-પડતીની પ્રક્રિયાઓને ઉજાગર કરે છે.

સૂર્યમાંથી ઉદ્ભવતું પ્રકાશકિરણ (અણુ) અને તેનું પૃથ્વી ઉપર થતું આગમન એ પ્રકૃતિની અનિશ્ચિતતા અને અણધાર્યાપણાને દર્શાવે છે. ખરતું પાંદડું અને સૂર્યકિરણ (અણુ)ની સમયસર આવી પહોંચવાની નિષ્ફળતા એ સત્યને સમજાવે છે કે માનવી પેલા પ્રકાશકિરણની જેમ ભલે નિષ્ફળ પુરવાર થાય, પણ તેણે પોતાના સાતત્યપૂર્ણ સંઘર્ષને અટકાવવો જોઈએ નહિ અને પોતાનું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ.

વળી ખરતા પાંદડાને ઉત્કાંતિની પ્રક્રિયાના એક રૂપક તરીકે પણ સમજી શકાય કે કેવી રીતે સજીવો બદલાતા વાતાવરણને અપનાવી લઈને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની તીવ્ર ઇચ્છા ધરાવતાં હોય છે.

નગ્ન વૃક્ષ એ વૃક્ષની ભેદ્યતા દર્શાવે છે; પછી ભલે ને એ પર્ણવિહીન હોય, પણ પ્રાણહીન નથી હોતું.

          – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

 

Tags: , , , , , , , , , ,

(૪૫૬) પ્રિયતમાની જીવંત કબર ! (ભાવાનુદિત કાવ્ય) [7]

The Living Tomb of My Love

Now when my lady you have come to me
With a beggar’s bowl in your hands
I would ask but not my dreams back
And the stolen pieces of my heart

I cannot read the trails of love
In these eyes of stone that reflect
The misery of your frozen past
That turned yourself into a tomb.

Now the spring has gone and will
Come not back as the cycle is over
in this last of the autumn of the tree
The leaves of life have dried and swept

One thing my lady I can do for thee
Once blind my heart, now blind by eyes be

– Mukesh Raval

* * *

પ્રિયતમાની જીવંત કબર

પિયે, હવે તું જ્યારે આવી જ છે મુજ પાસ
ગ્રહી ભિક્ષાપાત્ર નિજ હસ્તોમાં મને કંઈક અર્પવા
કિંતુ નહિ નહિ જ હું માગીશ પરત મુજ સોણલાં
અને વળી ભગ્ન હૃદય તણા ચોરાયલા કો’ અંશ વા

અવલોકવા હું અસમર્થ અવ પ્રણય તણી ઝલક
તવ જડ પથ્થરશાં નયનો મહીં, જે નિગળતાં
દુ:ખોદર્દો જ તવ થિજાયલા અતીત મહીંથી
કે જેણે બદલી જ દીધી તને સાક્ષાત્ જીવંત કબર મહીં

ઋતુરાજશી વસંત પણ હવે સાવ વહી ચૂકી
નહિ પાછી આવે એ, ક્યમ કે એ ચક્ર તો પૂર્ણ જ થયું
અને એ પૂર્વેની વૃક્ષો તણી પાનખર મહીં
જીવનપર્ણો અવ શુષ્ક બની સાવ ગયાં વિખરી

હવે તો ઓ પ્રિયે, તુજ કાજે એટલું જ હું કરી શકું
પૂર્વે અંધ હતો મુજ ઉર થકી અને હવે હું થાઉં અંધ મુજ ચક્ષુ થકી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)    

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,

એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,

પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –

Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-

શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩

 

Tags: , , , , , , ,