RSS

Tag Archives: પારિતોષિક

(578) હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

સાહિત્યપ્રેમી મિત્રો,

એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ નિકટતા અનુભવતા રહ્યા હતા. મારી ૨૦૧૧ની અમેરિકાની મુલાકાત ટાણે તેમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો તે જણાવો અને મારાં પત્ની હંસા અને હું તમને મળવા આવીએ. મેં ખૂબ દૂર હોવાના કારણે એમને તકલીફ ન લેવાની વિનંતી કરી અને તેઓ માની ગયા હતા. તેઓ હૃદયરોગના દર્દી હતા અને બાયપાસ વખતના તેમના અનુભવોનો સરસ મજાનો હાસ્ય નિબંધ મને મારી પોતાની ૨૦૧૦ની બાયપાસ સર્જરીને હળવાશથી લેવા માટે મોકલી આપ્યો હતો.

તેમનું સાહિત્યસર્જન વોલ્યુમમાં ઓછું પણ દમદાર વધારે રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર લાગે તેવાં તેમનાં બે હાસ્યપુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ અનુક્રમે તેમનાં માતા અને પિતાના નામે જ નામકરણ ધરાવે છે. આ બે પુસ્તકો થકી રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહીએ તો ‘તેમણે ગુજરાતી હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.’ અનેક ગુજરાતી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત તેમને  ખ્યાતનામ ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ એનાયત થયું છે.

તેમના “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી….” શીર્ષકના હાસ્યનિબંધને મેં આપણી ‘વેબગુર્જરી’ના રવિવારી સર્જનાત્મક સાહિત્ય હેઠળ પ્રકાશિત કરેલ ત્યારે મેં એમને એક અંગત મેઈલ મોકલીને મારો એક સુઝાવ દર્શાવ્યો હતો કે જેમ રણજિતરામ પારિતોષિક હાસ્યલેખકશ્રી જ્યોતીન્દ્ર દવેને મળ્યું હતું અને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તમને મળ્યું છે, તો એ સિલસિલો ચાલુ રાખવા ‘હરનિશ જાની પારિતોષિક’ હાલ  જ જાહેર કરી દો તો કેમનું રહે અને તેઓ ખુશ થઈ ગયા હતા અને વળતા જવાબમાં હાસ્યલેખકની અદામાં લખ્યું હતું કે ‘વલીભાઈ, એ માટે તો મારે પહેલાં મરવું પડે ને!’.

આવા હાજર જવાબી શ્રી હરનિશભાઈ આજે સાચે જ મરી ગયા છે એવા સમાચાર ફેસબુક ઉપર વાંચતાં દિલ ભરાઈ આવ્યું અને બેગમ અખ્તરની ગાયેલી દર્દમય ગ઼ઝલ ‘દિલ તો રોતા હી રહે ઔર આંખસે આંસું ન બહે’ની યાદ આવી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ તેમનું છેલ્લું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ મને મળ્યું હતું, જે હાલ મારા વર્કીંગ ટેબલ ઉપર સામે જ પડ્યું છે.

મારા બ્લોગ ઉપર તેમના પ્રત્યેક હાસ્યલેખમાંથી એકેક વક્રોક્તિ દર્શાવતા લેખના પુરોકથનના શબ્દો આ પ્રમાણે રહ્યા છે:

“આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે!”

ઉપરોક્ત લેખનો લિંક આ પ્રમાણે છે :

https://musawilliam.wordpress.com/2015/02/11/463-a_harnish-jani_diaspora/

ચાલો, આપણે સૌ સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળી રહે અને તેમનાં આપ્તજનોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

વલીભાઈ મુસા    

* * *

 

Tags: , , , ,

(૪૪૭-અ) મહત્તમ નંબરનાં પગરખાંમાં લઘુતમ પગ ઘાલવાની બાળસહજ ચેષ્ટાઓ

‘વેબગુર્જરી’નાં પાને તાજેતરમાં મુકાયેલી મારી નવલિકા ‘પારિતોષિક’ને કોઈ વાચકે ન વાંચી હોય તો તેનો અછડતો ઉલ્લેખ હું અહીં ફરી એટલા માટે કરી રહ્યો છું કે જેથી મારી આજની વાસરિકામાં સૌને સુગમ પડે તે રીતે હું વિષયપ્રવેશ કરી શકું. એ વાર્તાનાં મુખ્ય પાત્રો લેખક (વાર્તાનાયક) અને તેમનાં પત્ની છે. વાર્તાનાયકની ખુદની લખેલી એક વાર્તા પત્નીના નામે એક સામયિકમાં પ્રગટ થાય છે અને તે પારિતોષકને પાત્ર બની જાય છે. કોઈપણ કલા એ કલાકારની બૌદ્ધિક સંપત્તિ છે અને સાહિત્ય પણ એક કલા જ છે. કેટલાક કીર્તિ અને કલદારના ભૂખ્યા માણસો આમપ્રજાને ઘણીવાર ખબર ન હોય એવા અજાણ્યા સ્રોતમાંથી સાહિત્યની ઊઠાંતરી કરીને તેને પોતાના નામે ચઢાવતા હોય છે. આવી છેતરપિંડી એ નૈતિક અપરાધ છે. આ એક ગંભીર મુદ્દો એ વાર્તાનો આધારસ્તંભ છે. જો કે એ વાર્તામાંની ઘટનાની ગૂંથણી એવી રીતે થયેલી છે કે ત્યાં તફડંચી કે ઊઠાંતરી શબ્દો લાગુ પડશે નહિ, કારણ કે વાર્તાનાયકે સ્વૈચ્છિક રીતે એ વાર્તા પત્નીના નામે છપાવવા માટે આપેલી હોય છે. આમ છતાંય સૂક્ષ્મ અર્થમાં વિચારતાં એ દાંપતીય અંગત ચેષ્ટામાં પણ રહેલી અનૈતિકતાને અવગણી શકાય તો નહિ જ.

જગતભરનાં સાહિત્યોમાં કેટલાક લેખકો દ્વારા ક્યાંકક્યાંક આવી તફડંચીઓ કે ઊઠાંતરીઓ વધતા કે ઓછા પ્રમાણમાં થતી આવી છે, થતી રહેતી હોય છે અને થતી પણ રહેશે. આવી અનૈતિક ચેષ્ટાઓ કોઈકવાર પકડાઈ જતી હોય છે અથવા તો વળી મહદ્ અંશે તેમના ઉપર પડદો પડેલો જ રહેતો હોય છે. ફિલ્મનિર્માણમાં પણ જે તે પટકથાના મૂળ સર્જક પાસેથી નાણાંકીય ચુકવણી દ્વારા હક્કો ખરીદવાના બદલે મૂળભૂત સર્જનમાં ફેરફારો કરી નાખવાની પ્રયુક્તિ પણ અજમાવાતી હોય છે. આવી અનૈતિકતાઓ આચરવામાં અગાઉ જણાવ્યા મુજબ કીર્તિ અને કલદારની ભૂખ હોય છે, પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે કેટલાક લોકો આપસી વાતચીતમાં ક્ષુલ્લક એવી આપવડાઈ ખાતર પણ આવી હરકતો કરતા હોય છે. મારા જાતઅનુભવનું એક ઉદાહરણ ટાંકું તો એક ભાઈએ સરસ મજાની પૂર્વભૂમિકા આપીને દલપતરામનું ‘કેડેથી નમેલી ડોશી’ કાવ્ય પોતે જ સર્જ્યું છે, તેમ કહીને મને અક્ષરશ: સંભળાવી દીધું હતું. તેઓશ્રી પાંચ માણસો વચ્ચે બેઠેલા હોઈ મેં તેમને મિથ્યા આનંદ લૂંટવા દીધો હતો અને મને તેમના કાન આમળવા જરૂરી લાગ્યા ન હતા.

અત્રે આ ચર્ચામાં ‘જોગસંજોગ’ની વાતને પણ આપણે સમજી લઈએ. વિશાળ વિશ્વમાં અનેક ભાષાઓ અને અનેક સર્જકો હોય છે. ઘણીવાર જોગસંજોગના પરિણામે સર્જનોના વિષયોમાં સામ્ય આવી જવાની સંભાવના પણ રહેતી હોય છે. દરેક સાહિત્યકાર છેવટે તો પોતાના સમાજમાં જ જીવતો હોય છે. ઘણીવાર ભિન્નભિન્ન સમાજોમાં કેટલીક સામાજિક ઘટનાઓ સમાન રીતે બનતી હોય છે અને એમનાં પરિણામો કે અસરો પણ સમાન જોવા મળે છે. હવે કોઈ એવી એક ઘટના ઉપર વિશ્વના એક ખૂણાનો સર્જક કંઈક સર્જન કરે તો તેને મળતું આવતું સર્જન વિશ્વના બીજા કોઈ ખૂણાનો અન્ય સર્જક પણ કરી શકે. એ બધાંયમાં વિષયોની સામ્યતા સર્જાય, પણ અભિવ્યક્તિઓ તો નોખી જ રહેવાની. આમ આવાં સામ્યોમાં ‘જોગસંજોગ’ હોવાની વાતને સ્વીકારવી જ રહી. આમ છતાંય ચાલાક તફડંચીકારો ‘જોગસંજોગ’ના શકનો લાભ ઊઠાવીને અન્યના તૈયાર ભાણા ઉપર જમવા બેસી જતા હોય છે. જો કે નકલમાં અક્કલ ન વાપરનારાઓ રંગેહાથ ઝડપાઈ જતા પણ હોય છે.

ઉપરોક્ત વાતના સમર્થનમાં એક કાલ્પનિક હળવી વાત હું ટાંકીશ કે જે વાચકોને થોડીક હળવાશનો અનુભવ કરાવશે. એક અંગ્રેજ અફસર ચોમાસાના દિવસોમાં મોડી રાત સુધી કોઈક અગત્યની ફાઈલના કાગળો ઊથલાવી રહ્યો હતો. બીજા દિવસે એણે હાથ નીચેના એક દેશી કારકુનને એ ફાઈલના કેટલાક કાગળોની નકલ કરી આપવાનું કામ સોંપ્યું હતું. પેલાએ ખૂબ જ ચોકસાઈપૂર્વક પોતાની કામગીરી બજાવી આપી હતી, એટલા સુધી કે મૂળ ફાઈલમાં જે કાગળો વચ્ચે જે ફકરાઓ ઉપર જે જાતનું અને જે કદનું જીવડું દબાઈને મરી ગયું હતું, તેવું જ એણે કરી બતાવ્યું હતું ! આમ અન્યનાં લખાણોની બેઠી ને બેઠી નકલ કરનારાઓ કંઈક આવી માનસિકતા ધરાવતા હોય છે. આવાઓને આપણે એવા ઘરફોડ ચોરો સાથે સરખાવી શકીએ કે જેઓ તાળું વાખેલી આખેઆખી તિજોરીને જ ઉપાડી જાય !

જેમ જે તે દેશના અપ્રમાણિક નાગરિકો આવકવેરો ભરવાની બાબતમાં સંપૂર્ણ કરચોરી (Tax evasion) કે અંશત: કરચોરી (Tax avoidance)ની નીતિરીતિ અપનાવતા હોય છે અને જેને સમાજ માનવસહજવૃત્તિ ગણી લઈને હળવાશમાં લઈ લે છે, બસ તેવું જ સાહિત્યચોરોની બાબતમાં પણ સ્વીકાર્ય બનવું જોઈએ ! વળી આવકવેરાના કાયદાઓમાં કરઆયોજન (Tax planning)ને અપરાધ માનવામાં નથી આવતો, તેવું સાહિત્યમાં પણ ગણાવું જોઈએ ! કોઈ સાહિત્યચોર કોઈકની વાર્તા કે નવલકથાને યથાવત્ રાખીને માત્ર માઈક્રોસોફ્ટ વર્ડની Find, Replace with and Replace All સુવિધા વડે આંખના પલકારામાં પાત્રોનાં નામો બદલી નાખે તો તેને કોપીરાઈટનો ભંગ ન ગણતાં તેને વિષયવસ્તુ આયોજન (Text planning)નો દરજ્જો અપાવો જોઈએ ! પદ્યમાં પણ જેને ઉદ્દેશીને એ કાવ્યરચના લખાઈ હોય તે નામની જગ્યાએ અન્ય નામ મૂકી દેવાય તો તેને પણ મૌલિક રચના ગણવી જોઈએ ! સાહિત્યચોરોના લાભાર્થે કોપીરાઈટ અંગેના કાયદાઓમાં એક સુધારો તો તાત્કાલિક અમલમાં આવે તે રીતે કરી લેવો જોઈએ કે કોઈપણ સાહિત્યચોરને Lie detector Testની ફરજ પાડી શકાય નહિ !

પ્રાચીન સાહિત્યોમાં વિવિધ વિદ્યાશાખાઓ ઉપરના અનેક ગ્રંથો રચાયેલા જાણવામાં આવે છે, જેમાં ચોરી કરવાનું શાસ્ત્ર એટલે કે ચૌરશાસ્ત્ર ઉપર પણ વિશદ રીતે લખાયાનું માલૂમ પડે છે. આ શાસ્ત્રમાં ચોરો માટેનાં નૈતિક મૂલ્યો અને આચારસંહિતાઓ, ચોરી કરવા જવા પહેલાંના શુકન અને સારાં ચોઘડિયાં અંગેનાં માર્ગદર્શનો, ચોરીના કામમાં વપરાતાં ‘ગણેશિયો (ખાતરિયું)’ જેવાં સાધનોની રચનાઓ અને ઉપયોગિતાઓ વિષેની વિશદ છણાવટો વગરે સમાવિષ્ટ છે. ચૌરશાસ્ત્ર પાછળનો ઉમદા આશય સમજી શકાય છે કે તેમાં ચોરલોકોનો સમાજના અભિન્ન અંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. ચોરીને પણ એક પ્રકારના વ્યવસાયનો દરજ્જો આપવામાં આવ્યો જણાય છે. ભૂખે મરતા પોતાના પરિવારને જીવાડવા માટે કરવામાં આવતાં ચોરીનાં કામોને અપરાધ ગણવામાં ન આવે તેવો તેમાં દૃઢ ખ્યાલ છે અને તેથી જ તો એવા ચોરોના ચોરીના વ્યવસાય માટે ઉપયોગી એવું એ સાહિત્ય રચાયું હોવું જોઈએ. આ જ વાત સાહિત્યચોરીને પણ લાગુ પાડી શકાય ! સાહિત્યચોરો પણ બિચારા કીર્તિ અને નાણાંની ભૂખમરાની સ્થિતિમાં જીવતા હોય, ત્યારે સમાજે તેમની સાહિત્યચોરીને અપરાધ ન ગણવો જોઈએ. પ્રાચીન વિદ્વાનો જેવી બુદ્ધિપ્રતિભા ધરાવતા મહાસાહિત્યચોરોએ આ વ્યવસાય માટે ઉપયોગી થઈ શકે તેવાં સાહિત્યો પણ રચવાં જોઈએ !

લેખસમાપને હું આવી ચૂક્યો છું અને આ લેખના શીર્ષકને ફરીથી વાચકોના ધ્યાને લાવીને હું લેખની ફલશ્રુતિ સમજાવવા માગું છું. નાનાં બાળકો મોટેરાંઓનાં પગરખાંમાં પગ નાખીને ચાલવાનો પ્રયત્ન કરે; તેમના પગ ઉપડે, પણ પગરખાં તો ઠેરનાં ઠેર જ રહે એવા રમૂજી દૃશ્યને જોઈને આપણે મોટેરાંઓ હસી પડતાં હોઈએ છીએ. બાળકોની એ રમતને આપણે ‘બાળસહજ ચેષ્ટા’ તરીકે સ્વીકારી લઈએ છીએ અને બાળકની એ જ ક્રિયાનું પુનરાવર્તન આપણને વધુ ને વધુ આનંદ આપતું રહે છે. આમ સાહિત્યજગતમાં પણ ધુરંધર સાહિત્યકારોનાં પગરખાંમાં માત્ર પોતાના પગ જ ઘાલવાના પ્રયત્નોના બદલે એ પગરખાં જ ઉપાડી જતા બાલસાહિત્યચોરોને તુચ્છ નજરે ન જોતાં એમની એ હરકતોને બાળસહજ ચેષ્ટાઓ તરીકે સ્વીકારી લેવી જોઈએ ! વળી એટલું જ નહિ, આપણે પણ તેમનું અનુકરણ કરીને એવી ચેષ્ટાઓ શીખવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે જેથી ચોરેલાં સાહિત્યોના ભંડાર વધુ ને વધુ સમૃદ્ધ થતા રહે અને વાચકોને નવીન લેબલવાળી બોટલોમાં જૂનું સિરપ વિપુલ પ્રમાણમાં મળતું રહે !

બ્લૉગજગતમાં પણ કોપે (Copy-Paste) સાહિત્યનો જય હો !!!!!

-વલીભાઈ મુસા

 

Tags: , , , ,