‘વેબગુર્જરી’ બ્લોગ ઉપરના મારા ‘વલદાની વાસરિકા’ લેખશ્રેણી હેઠળના લેખ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ ઉપર આવેલા વિવિધ પ્રતિભાવોમાંનો એક પ્રતિભાવ મને યુ.એસ.એ. સ્થિત ભાઈશ્રી મનસુખલાલ ડી. ગાંધી તરફથી મેઈલ દ્વારા મળ્યો હતો. બ્લોગીંગ પ્રવૃત્તિમાં જે તે લેખો ઉપર વાચકોના અરસપરસ વાચકોવાચકો વચ્ચેના અથવા લેખક સાથેના સૌજન્યપૂર્ણ પ્રતિભાવોની જે આપલે થતી હોય છે તે એક સારી બાબત ગણાતી હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર એવી રસપ્રદ ચર્ચાઓ જામતી હોય છે કે ત્રાહિત વાચકોને મૂળ લેખ કે કૃતિ કરતાં વિશેષ તો આવી ચર્ચાઓમાં મજા પડતી હોય છે. બ્લોગજગતમાં તો પ્રતિભાવો વાંચવાના શોખીનોનો એક ખાસ વર્ગ હોય છે. નિખાલસભાવે અને ખુલ્લા મને થતી આવી ચર્ચાઓથી જે તે વિષયની સારી છણાવટ થતી હોય છે અને અન્યોન્યનાં દૃષ્ટિબિંદુઓ જાણવા મળી રહેતાં હોય છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો શ્રી મનસુખભાઈએ ‘બ્લોગપ્રકાશને સજ્જતા’ વિષય ઉપર પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે આપ્યો હતો : “આજરોજે ‘વેબગુર્જરી’ ઉપર તમારો ઉપરોક્ત લેખ વાંચ્યો. તમારી એક રીતે વાત બરાબર છે કે બ્લોગરો ઘણા થઈ ગયા છે અને તેઓએ આત્મમંથન કરવું જોઈએ. વળી તમને નથી લાગતું કે બ્લોગરો ભલે તેમને જે લખવું હોય તે લખે અને જેમને વાંચવું હશે તેઓ જ વાંચશે, અને નહીં વાંચે તેમની આપણે શા માટે ચિંતા કરવી….??? આ બહાને ગુજરાતી તો લખાતું રહેશે ને…??? આમ આ બહાને ‘ગુજરાતી’ પણ જીવતી રહેશે….આ કાંઈ પરીક્ષાનું પેપર થોડું જ છે કે જે લખાય તે બરાબર ચીપીચીપીને જ લખાવું જોઈએ ! દરેકે ‘ફરજિયાત’ વાંચવું અને ટિપ્પણી પણ ‘ફરજિયાત’ લખવાની… એવું થોડું હોય ??? જેમને પણ શોખ હોય તે લખે અને જેઓ લખે છે તે પણ ‘ગુજરાતી’માં જ ને ! પછી અફસોસ કે બળાપો શાને માટે…?.
બીજાઓ માટે ખોટી ચિંતા કરવાના બદલે, તમે જોરદાર લખતાં રહો; અમને ‘ગુજરાતી’ વાંચવાનું ગમે છે, તમારું લખાણ અમને ગમે છે અને અમે ચોક્કસ વાંચતાં રહીશું…..” (Mansukhlal D.Gandhi, U.S.A.)
મનસુખભાઈના ઉપરોક્ત પ્રતિભાવ સામેનો મારો પ્રતિભાવ કે ખુલાસો જે ગણો તે નીચે પ્રમાણે રહ્યો હતો :
“મનસુખભાઈના મેઈલ રૂપે આવેલા પ્રતિભાવને મેં પોતે જ અહીં કોમેન્ટ બોક્ષમાં એટલા માટે મૂક્યો હતો કે જેથી અન્ય વાચકો તેમના દૃષ્ટિબિંદુને પણ સમજી શકે. વળી એ જ પ્રતિભાવના મારા જવાબી પ્રતિભાવ માટે હું Reply હેઠળ આ લખાણ એટલા માટે લખી રહ્યો છું, કે જેથી ચર્ચાના વિષયનું સાતત્ય જળવાઈ રહે.
મનસુખભાઈનો મધ્યમમાર્ગી પ્રતિભાવ છે, જેમાં બ્લોગીંગ પ્રવૃત્તિમાંની બ્લોગરની સજ્જતાને નકારવામાં પણ આવી નથી કે તેને સમર્થન પણ આપવામાં આવ્યું નથી. અહીં દરેકે એ વિચારવાનું રહે છે કે હજારેક જેટલા જ બ્લોગરમિત્રો લાખો કે કરોડોની સંખ્યામાંના ગુજરાતી વાચકોને જ્યારે પોતાનું લખાણ પીરસતા હોય, ત્યારે લખાણની ગુણવત્તા તો જળવાવી જોઈએ કે નહિ ! આપણા ઘરમાંની ગૃહિણી કે ઘરકામ કરવાવાળી બાઈની દાઝેલા દૂધની ચા, ખામીયુક્ત રસોઈ, એઠાં રહી ગએલાં વાસણ કે વેઠ ઊતાર્યા જેવી કપડાંની ઈસ્ત્રી એ બધું ન ચલાવી લેતા હોઈએ તો અહીં તો ભાષાકીય ગંભીર બાબત છે.
મારા લેખમાં જોડણી અંગેની વાતને મેં આત્મપસંદગી ઉપર છોડી છે, પણ એ સિવાયની બાબતોમાં તો જાગરૂકતા હોવી જ જોઈએ ને ! શું આપણે વાક્યરચના કે વ્યાકરણની ભૂલોને પણ ચલાવી લેવા માગીએ છીએ ? શું આપણે અંગ્રેજી ક્રિયાપદોને પણ ગુજરાતી ક્રિયાપદોના વાઘા પહેરાવીશું ? શું આપણે ‘ઊંઘતો હતો’ને ‘સ્લીપતો હતો’ તેમ લખીશું ? શું આપણે અંગ્રેજી કે હિંદીમાં ગમે તેમ લખી શકીએ ખરા ? ગુજરાતી માટે અંગ્રેજીના જેવું Spellingની ઝડપી અને ખામીરહિત ચકાસણી માટેનું કોઈ સક્ષમ સોફ્ટવેર નથી; પણ માનો કે એવું કોઈ સોફ્ટવેર તૈયાર થાય તો પણ શું આપણે તેનો ઉપયોગ નહિ જ કરીએ ? વળી માનો કે આપણે તેનો ઉપયોગ કરવાના જ છીએ તો ભાષાશુદ્ધિનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો નહિ ગણાય ? દુનિયાના જે જે દેશોએ મેટ્રિક પદ્ધતિના તોલમાપનો સ્વીકાર કર્યો છે તેમના સાચાપણાના સ્વીકાર કે ખાત્રી માટે ઈટાલીના મ્યુઝિયમમાં પ્લેટિનમ ધાતુમાં એ બધા એકમોને નમૂના તરીકે મોજુદ રાખવામાં આવ્યા છે.
કોઈપણ ભાષાના શબ્દકોશ ભલે સંવર્ધિત થતા રહેતા હોય, પણ તેનું મહત્ત્વ તો ગણાતું જ રહેતું હોય છે. મારું તો માનવું છે કે શબ્દકોશોમાંથી જોડણીના નિયમોનાં પાનાં કાઢી નાખવાં જોઈએ. જે તે શબ્દની જોડણી ક્યા નિયમથી બની છે તેમાં ઊંડા ઊતરવાના બદલે જે તે શબ્દની જોડણી શબ્દકોશમાં જે છે તે છે જ એમ માની-મનાવી લેવું જોઈએ. ઉદાહરણ તરીકે અંગ્રેજી Station શબ્દમાં tioને ‘શ’ ગણવામાં આવ્યો છે, તો Tuition શબ્દમાં tioની આગળ વધારાનો ‘i’ અક્ષર છે તો છે જ અને તેને કેમ અને શા માટે એવી કોઈ વાત લાગુ પડશે જ નહિ. આ તો આપણું એવું વલણ ગણાય કે માસીએ તો સુઘડ કપડાં પહેરવાં જ જોઈએ, મા તો લઘરવઘર કે ફાટેલાં કપડાંમાં હોય તો પણ ચાલશે. અહીં ‘મા’ એટલે ‘માતૃભાષા’ અને ‘માસી’ એટલે ‘અન્ય ભાષા’ એમ સમજવું રહ્યું.
‘સાહિત્ય’ એ એક કલા છે અને તે અંગે ભવિષ્યે મારો એક લેખ આવશે, પણ અહીં હું એ કહેવા માગું છું કે જો ‘ચિત્રકામ’ને આપણે ‘કલા’ તરીકે સ્વીકારીએ તો ‘મોર’નું ચિત્ર ‘મોર’ જેવું લાગવું જોઈએ અને તો જ તેને બ્લોગ ઉપર મૂકી શકાય. હવે ‘મોર’ તરીકે પહેલી નજરે ઓળખાતું જ ન હોય તેવા કોઈ અણઘડ ચિત્રને આપણે બ્લોગ ઉપર મૂકીશું તો શું આપણે ચિત્રની નીચે એમ લખીશું કે ‘આ મોરનું ચિત્ર છે !’ ? હાલમાં અમદાવાદમાં ‘સપ્તક’ના કાર્યક્રમો ચાલી રહ્યા છે, તો શું જે તે કલાકાર તેમાં કોઈ છબરડા વાળે તો સામે બેઠેલા શ્રોતાઓ એ ચલાવી લેશે ખરા ?
આ બધી વાતોનો સારાંશ એટલો જ છે કે દુનિયાભરની ભાષાઓમાં બ્લોગ લખાય છે અને એ બધી ભાષાઓમાં જો તેમનાં ધોરણો જળવાઈ રહેતાં હોય તો શું ગુજરાતી માટે આપણે આઝાદ છીએ?”
આશા સેવું છું કે આ વિષય ઉપર હજુ પણ વધુ ચર્ચા થતી રહે. ધન્યવાદ.
– વલીભાઈ મુસા
[…] ક્રમશ: (7) […]