ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૧ થી ૨)
પ્રસ્તાવના :
સામાન્ય રીતે અને અનિવાર્યપણે ગ઼ઝલના બધા શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. કોઈ ગ઼ઝલકારો દ્વય (જોડી) તરીકે પણ શેર આપતા હોય છે. આમ ભલે કરવામાં આવે પણ એવા જોડકા શેરની ખૂબી તો એ જ રહેવી જોઈએ કે તેઓ ભલે એકબીજાના અવલંબન તરીકે રહેતા હોય પણ તે દરેકનું સ્વતંત્ર અર્થનિર્ધારણ તો જળવાઈ જ રહેવું જોઈએ. ગ઼ાલિબે આ કમાલ તેમની ઘણી ગ઼ઝલોમાં બતાવી છે. ગ઼ાલિબ અને તેમના જેવા સિદ્ધહસ્ત કલમકારો જ આવું કૌશલ્ય બતાવી શકતા હોય છે.
સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા શેર હોવાની ગ઼ઝલના બંધારણની પાયાની શરત અને અપવાદરૂપ શેરની ઉપરોક્ત દ્વય (જોડકા) શેરની વાતથી આગળ વધીને અહીં ગ઼ાલિબ આપણને એવી ગ઼ઝલ આપે છે કે જેમાં એકાધિક શેર ક્રમિક રીતે કથન તત્ત્વથી સંકળાયેલા હોય. આવા શેરની સંખ્યા સામાન્ય રીતે ચાર કે પાંચથી વધારે હોવી જોઈએ નહિ એવું પારંપરિક રીતે સ્વીકારાયું છે. ઘણા ગ઼ઝલકારો પ્રસંગોપાત આ પ્રકારની છૂટ તેમની પ્રશિષ્ટ (Classical) કહી શકાય તેવી ગ઼ઝલોમાં સ્થાપિત સિદ્ધાંતોની ઉપરવટ જઈને લેતા હોય છે. ગ઼ાલિબની આ પ્રકારની કેટલીક પ્રશિષ્ટ ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ વિશેષ નોંધપાત્ર છે એટલા માટે છે કે તે ખરેખર વર્તમાન શ્રોતાઓ માટે મનભાવન બની રહે તેવા કર્ણપ્રિય લયમાં લખાયેલી છે. તદુપરાંત આ ગ઼ઝલનો કાફિયા પણ સરસ રણકાર આપતા અને અંતે ‘આરી’ ઉચ્ચાર પામતા ઉચિત શબ્દોમાં છે.
* * *
ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ
સીના જુયા-એ-જ઼ખ઼્મ-એ-કારી હૈ (૧)
[બે-ક઼રારી= વ્યાકુળતા; સીના= છાતી; જુયા-એ-જ઼ખ઼્મ-એ-કારી= ભરપૂર ઘાવ ઝીલવા માટે ઉત્સુક]
ગ઼ઝલના આ પહેલા જ મત્લા શેર ઉપર નિગાહ પડતાં જ ગુજરાતી કવિ કલાપીની એક કાવ્યપંક્તિની યાદ તાજી થાય છે: “પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ; ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ”. શેરના બીજા સાની મિસરાની ચર્ચા વખતે આપણે આ બાબતે થોડા ઊંડા ઊતરીશું, પરંતુ હાલ તો આપણે ઉલા મિસરા ઉપર આવીએ તેના પહેલાં ગ઼ઝલ શબ્દના અર્થ અને તેના વિષેના વિવિધ મતને સંક્ષિપ્તે સમજી લઈએ. મુહમ્મદ મુસ્તફાખાન મદ્દાહ સંપાદિત ઉર્દૂ હિન્દી શબ્દકોશમાં ‘ગ઼ઝલ’ નો અર્થ આ પ્રમાણે આપ્યો છે. ગ઼ઝલ : (અરેબિક ) (સ્ત્રીલિંગ) = પ્રેમિકા સાથે વાર્તાલાપ. આપણા ગુજરાતી શબ્દકોશમાં પણ તેનો અર્થ : પ્રિય સાથે રમવું કે સ્ત્રીઓ સાથે વાતચીત કરવી અથવા તેમની સાથે વિલાસ કરવો એમ આપેલો છે. ફિરાક ગોરખપુરીએ ‘ઉર્દૂ સાહિત્યનો ઇતિહાસ’માં લખે છે કે ‘તીર ખૂંપેલા હરણની ચીસ એટલે ગ઼ઝલ’. પરંતુ તેમના આ કથનને ઘણા મીમાંસકોએ ઠુકરાવી દીધું છે. હરણના બચ્ચા માટે ‘ગિઝાલ’ અને હરણી માટે ‘ગિઝાલા’ શબ્દો છે તો ખરા; પણ આપણા ‘ગ઼ઝલ’ શબ્દ સાથે તેનું ધ્વનિસામીપ્ય માત્ર જ છે, તેને વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) સાથે કોઈ લેવાદેવા નથી. વચ્ચે વચ્ચે ગ઼ઝલ સાહિત્યને આનુષંગિક આવી આડવાતો હું આપું છું તેનો આશય માત્ર એટલો જ છે કે મારા સુજ્ઞ વાચકોમાં ગ઼ઝલ જેવા ઉમદા સાહિત્યપ્રકાર વિષયક જ્ઞાનવૃદ્ધિ થાય.
શાયર શેરના ઉલા મિસરામાં માશૂકના દિલમાં વધુ એક વ્યાકુળતા કે બેચેની હોવાની વાત જણાવે છે. આ બેચેની શાની છે તે વ્યક્ત કરી શકાય તેમ નથી અને તેથી જ તો ‘કુછ’ શબ્દ પ્રયોજાયો છે. વળી આ વ્યાકુળતા પહેલી વહેલી નથી. આની પહેલાં તેઓ કેટલીક વ્યાકુળતાઓમાંથી પસાર થઈ ચૂક્યા હોવાનું સમજાય છે, જેનો આપણને ‘ફિર’ શબ્દપ્રયોગથી ખ્યાલ આવે છે. વળી પ્રારંભે જ પ્રયોજાયેલો ‘ફિર’ શબ્દ આપણને ભૂતકાલીન આવી જ કોઈ વ્યાકુળતાના સાતત્યમાં આ ગ઼ઝલ લખાતી હોવાનો આભાસ પણ કરાવે છે.
શેરના બીજા સાની મિસરામાં પહેલાં તો અધ્યાહાર રહેલી એ હકીકતને સ્વીકારીને આપણે આગળ વધીશું કે માશૂકના દિલની વિહ્વળતા માટે કારણભૂત એવી કોઈ આઘાતજનક ઘટનાઓ પહેલાં ઘટી હોવી જોઈએ, જેમણે તેના દિલને ઊંડા ઘાવ આપ્યો હોય. હવે અહીં માશૂક તેની ખુમારી દર્શાવતાં કહે છે કે પોતાનો સીનો (છાતી) એવો તો મજબૂત છે કે તે હજુય વિદારક એવા વધુને વધુ ઘાવ ઝીલવા માટે તત્પર છે.
* * *
ફિર જિગર ખોદને લગા નાખ઼ુન
આમદ-એ-ફ઼સ્લ-એ-લાલા-કારી હૈ (૨)
[નાખ઼ુન= નખ; આમદ-એ-ફ઼સ્લ-એ-લાલા-કારી= લાલ રંગનાં (ગુલાલા) ફૂલોની ઋતુનું પુરબહાર આગમન]
ગ઼ાલિબના આ શેરના બંને મિસરાઓમાં પરસ્પર પડઘાતો ભાવધ્વનિ બેમિસાલ છે. ઉલા મિસરાના પ્રારંભના ‘ફિર’ શબ્દથી સમજી શકાય છે કે અગાઉ પણ તેમના નખોએ તેમના જિગર (કલેજા)ને ચીરીને લોહીલુહાણ કરી દીધું હતું અને આજે પણ ફરી એમ જ થઈ રહ્યું છે. નાખુન એટલે એટલે માશૂકાના વિરહની વેદના ફરી એકવાર તેમના હૃદયને વ્યથા પહોંચાડી રહી છે. અહીં આપણે ગ઼ાલિબની નાખુન શબ્દની પસંદગી ઉપર વારી જવું પડે, કેમ કે નાખુન એટલે જેનામાં ખૂન નથી અને તેના કારણે જે તીક્ષ્ણ હથિયારનું કામ કરે છે તેવા એ નાખૂનના ઉઝરડાઓથી જિગરમાંથી ખૂન વહે છે, અર્થાત્ માશૂક વિરહની અપાર વેદના અનુભવે છે.
હવે બીજા મિસરામાં શાયર એ લાલ લોહી સાથે સામ્ય ધરાવતાં ગુલાલા ફૂલોને વર્ણવતાં કહે છે કે એ ગુલાલા ફૂલોની ઋતુનું ભવ્ય આગમન થઈ ચૂક્યું છે અને જ્યાં નજર ફરે ત્યાં ચોમેર લાલાશ દેખાઈ રહી છે. આમ પ્રકૃતિ પણ તેમના દિલના દર્દને સમર્થન આપી રહી છે. અહીં આપણે પહેલા મિસરાના ‘ખોદના’ શબ્દને ફરીવાર ચકાસીને તેને ખેતકાર્ય સાથે જોડીએ તો જિગર એ જમીન બને અને નાખૂન એ હળ (Plough) એમ સમજવું પડે. વળી એ ખેતકાર્યના પાક સ્વરૂપે જિગરમાંથી ઊભરાતું લોહી પ્રાપ્ત થાય છે. તો વળી આ સાની મિસરામાં આપણને જોવા મળશે કે એ ગુલાલા ફૂલો પણ પેલા નાખૂનોની જેમ હળ વડે જમીન ખેડાયા પછી જ અસ્તિત્વમાં આવ્યાં છે. અહીં થોડીક મજાક કરી લઉં તો આ શેરના રસદર્શનને રસસભર બનાવવા માટે મારે પણ મારા દિમાગમાં હળ ચલાવવું પડ્યું છે અને ઊંડું ખેડાણ કરવું પડ્યું છે. (ક્રમશ: ૨)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ
(ગ઼ઝલ ક્રમાંક – 165)
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ