Click here to read in English.
મારા આજના લેખના વિષયમાં છે, મારા સૌથી નાના ભાઈ મરહુમ હાજી ડો. અલીમહંમદ મુસા M.D. (Internal Medicine) કે જે અમેરિકા ખાતે સ્થાયી થયા હતા અને મધ્યાહ્ને સૂર્યાસ્તની જેમ તા.૦૭-૦૭-૧૯૯૪ના રોજ યુવાન વયે અવસાન પામ્યા હતા. તે ભારતમાં જન્મ્યા હતા અને અહીં ખાતે જ એમ. એસ. (જનરલ સર્જરી) સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ અફસોસ કે અમેરિકાની ભૂમિમાં તેમની દફનવિધિ થઈ હતી. તે દિવસ એ મારો પોતાનો જન્મદિવસ હતો અને હું તેમના તરફના અભિનંદનના ફોનની રાહ જોઈ રહ્યો હતો, પણ અમારા ભાગ્યે અમને જુદી જ રીતે માથે વીજળી ત્રાટકે તેવો તેમના અકાળ અવસાનનો આંચકો આપ્યો હતો. અહીં જોગાનુજોગ આંકડાકીય કરિશ્મા એવો બની રહ્યો કે મારો જન્મદિવસ તેમના અવસાનનો દિવસ બની રહ્યો; વળી એટલું જ નહિ, પણ મરહુમનું જન્મનું વર્ષ ૧૯૫૩ હતું અને એ સમયે હું ૫૩ વર્ષનો હતો. વળી બસ એ જ પ્રમાણે મારું જન્મ વર્ષ ૧૯૪૧ હતું અને તેઓ ૪૧ વર્ષની વયે અવસાન પામ્યા. બ્રહ્માંડોના સર્જનહારનાં એવાં રહસ્યો હોય છે કે તેનાં જ સર્જનો એવાં આપણા માટે એ રહસ્યોને જાણવાં એ આપણી શક્તિ બહારની વાત હોય છે.
મારો પ્રાસ્તાવિક પ્રથમ ફકરો મારા લેખના શીર્ષક સાથે બંધબેસતો નહિ લાગે, પણ હું તેને મરહુમનો ટૂંકો પરિચય આપવા માટે જરૂરી ગણું છું. પોતાના સાવ ટૂંકા જીવનમાં તેમણે કરેલા સંઘર્ષ અને પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને વર્ણવું તે પહેલાં મેં મારા પોતાના પરિચયમાં દર્શાવ્યા મુજબ મારા એ ભાઈ પણ અમારાં કુટુંબીજન જેવા જ સામાન્ય માણસ હતા. અમે સઘળાં ભાઈ બહેનોએ ઈ.સ. ૧૯૫૭માં અમારા પિતાજીના અવસાનથી માથા ઉપરની છત્રછાયા ગુમાવી, ત્યારે મારા આ ભાઈ માત્ર ચાર જ વર્ષના હતા અને અમે તેમનો પુત્રની જેમ ઉછેર કર્યો હતો.
આ લેખ અમારી ભાવી પેઢી અને અન્યો માટે જીવનના કોઈપણ ક્ષેત્રમાંનાં ઉચ્ચતમ લક્ષાંકો સિદ્ધ કરવા માટે જરૂરી એવા સંઘર્ષ માટે તત્પર રહેવાની પ્રેરણા આપવાના હેતુસરનો છે.
મારી હંમેશની પ્રણાલિ મુજબ, અત્રે આ લેખમાં હું મારા મરહુમ ભાઈશ્રી અલીમહંમદે મને ગુજરાતીમાં લખેલા પત્રનો સહારો લઈશ, કે જેને મારે પાછળથી અંગ્રેજીમાં અનુવાદિત કરવો પડ્યો હતો કે જેથી મરહુમનો પુત્ર આસિફ અને પુત્રી અનિસા એ વાંચીને પ્રેરણા મેળવી શકે; કેમ કે તેઓ તે વખતે ગુજરાતી લખી કે વાંચી શકતાં ન હતાં. જો કે ઈશ્વરકૃપાએ તેઓ હાલમાં થોડીક માત્રામાં બોલાતા ગુજરાતીને સમજી શકે છે અને તેથી અમારાં માત્ર ગુજરાતીભાષી અન્ય કુટુંબીજનો સાથે વાતચીત કરવામાં તેમને કોઈ સમસ્યા નડતી નથી.
હવે આપણે મરહુમે લખેલા મૂળ પત્ર તરફ વળીએ. (આ લેખના હેતુ માટે જરૂરી ન હોય તેવી અંગત બાબતોને અત્રે અવગણવામાં આવી છે.)
“વહાલા વલીભાઈ,
ઘણા લાંબા સમય બાદ, હું મુક્ત મને આ પત્ર લખી રહ્યો છું. વિલંબ બદલ ક્ષમાયાચના. મારા જીવનમાં છેલ્લા આઠદસ મહિના ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા, જેમાંથી હું સાંગોપાંગ પાર ઊતર્યો છું. મારી જુન ૩૦, ૧૯૮૫ના રોજ રેસિડેન્સી પૂરી થયા પછી હું આજે રાહતનો શ્વાસ લઈ રહ્યો છું અને તેથી જ તો ખાસ સમય ફાળવીને શાંતિથી આ પત્ર લખી રહ્યો છું. આ પત્રમાં મારા સારા અક્ષરો જોઈને આપ સમજી શકશો કે હું આજે ઉતાવળમાં નથી. ઘણા લાંબા સમયથી ભેગી થયેલી વાતો અને માહિતીઓ અંગે આ પત્રમાં વિગતે લખવાનો મારો આશય છે.
સર્વ પ્રથમ તો, મારા માટે અને આપના માટે પણ સૌથી મોટા સમાચાર એ છે કે અમેરિકન બોર્ડ ઓફ ઈન્ટરનલ મેડિસિન દ્વારા લેવાતી પ્રમાણપત્ર પરીક્ષા મેં પ્રથમ પ્રયત્ને જ ઉત્તીર્ણ કરી દીધી છે. આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે. અમારી હોસ્પિટલે છેલ્લાં દસ વર્ષથી આ પરીક્ષા માટેની તાલીમ શરૂ કરી છે અને આ સમય દરમિયાન પ્રથમ પ્રયત્ને જ પહેલીવાર આ પરીક્ષામાં પાસ થનારા તરીકે મારો અમેરિકન સહાધ્યાયી અને હું જ નસીબદાર રહ્યા છીએ. હું અભિમાન નથી કરતો, પણ નિખાલસ ભાવે કહું તો મારા જીવનમાં મારા માટે આ મહાન ઘટના છે. આ મારા વિદ્યાર્થી જીવનની આખરી પરીક્ષા હતી અને મને એક ટકો પણ આશા ન હતી કે હું તેને પહેલા જ પ્રયત્ને ઉત્તીર્ણ કરી શકીશ. જો કે હું મારી શક્તિને હંમેશાં ઓછી જ આંકતો હોઉં છું, તેમ છતાંય અમેરિકન ગ્રેજ્યુએટ્સની સરખામણીએ હું ખરો ઊતર્યો કહેવાઉં. આ પરીક્ષાનું મહત્ત્વ અમેરિકન કે વિદેશી ડોક્ટર્સ અને મોખરાની યુનિવર્સિટીઓના ગ્રેજ્યુએટ્સ માટે ઘણું હોય છે. આ પરીક્ષા પસાર કર્યા પછી કોઈપણ માણસ પોતાની જાતને અમેરિકન ગ્રેજ્યુએટ્સની સમકક્ષ ગણી શકે. આ પરીક્ષા એ બેરર ચેક જેવી ગણાતી હોય છે અને તમે જ્યારે કોઈને કહો કે હું બોર્ડ સર્ટિફાઈડ ઈન્ટરનીસ્ટ છું, ત્યારે તમે કોઈ જોબ માટે ઉમેદવારી કરતા હો કે પછી પોતાની પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરવા માગતા હો ત્યારે તમને બીજું કશું જ પૂછવામાં ન આવે કે અન્ય કોઈ પ્રમાણપત્ર પણ માગવામાં ન આવે.
આ હકીકત હજુ ચાલુ રહે છે, કેમ કે આ મારા જીવનની ઐતિહાસિક ઘટના છે. અમારી હોસ્પિટલમાં અમે આઠ ઉમેદવારો હતા, જે પૈકી પાંચ જણને પરીક્ષા આપવા માટે યોગ્ય ગણવામાં આવ્યા હતા. આ પાંચ પૈકીના ત્રણને વધુ એક વર્ષ સુધી અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. છેવટે પાંચમાંથી અમે બે જણ ઉત્તીર્ણ થયા હતા. એક અમેરિકન હતો કે જે ચીફ રેસિડેન્ટ હતો અને હું આસિસ્ટન્ટ ચીફ રેસિડેન્ટ હતો. અમારી હોસ્પિટલની પણ આ એક ઐતિહાસિક ઘટના હતી, કે જ્યાં એકી સાથે બે જણ પ્રથમ પ્રયત્ને જ આ પરીક્ષા ઉત્તીર્ણ કરી હોય. ખેર, મારું એક મુશ્કેલ સ્વપ્ન સાચું પડ્યું. હક તઆલાની અસીમ મહેરબાની કે અહીં અમેરિકા આવ્યા પછીની મારી ત્રણેય પરીક્ષાઓને મેં પ્રથમ પ્રયત્ને અને એ પણ સારા ગુણાંકે પાસ કરી છે. જો કે આ પરીક્ષા નોકરી માટે કે પ્રેક્ટિસ કરવા માટે ફરજિયાત નથી; આમ છતાંય કોઈપણ ડોક્ટર કે જે પોતાની કારકીર્દિ બનાવવા માગતો હોય તો તેના માટે આ અસાધારણ લાયકાત તો ગણાય જ.
હવે મારી પ્રાઈવેટ પ્રેક્ટિસના નિર્ણય ઉપર આવવા માટેના બીજા મહત્ત્વના સમાચાર આ મુજબ છે. મારી રેસિડેન્સીના છેલ્લા ત્રણ માસ મુશ્કેલીભર્યા હતા. હું એવા માનસિક દબાણ હેઠળ હતો કે મારો અભ્યાસ પૂર્ણ થયા પછી મારે શું કરવું. અહીં ઉત્તરોત્તર પરિસ્થિતિ વણસતી જાય છે. નજીકના ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં વિદેશીઓ માટે દરવાજા કાયમી ધોરણે બંધ થઈ જવાની પણ પૂરી શક્યતા છે.
અહીં તમારા માટે બે જ વિકલ્પ છે; એક નોકરી અને બીજો પ્રાઈવેટ પ્રેક્ટિસ. વિદેશી તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ જોખમી છે. અભ્યાસ પતી ગયા પછી કોઈપણ વિદેશી ડોક્ટર પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાની હિંમત કરી શકતો નથી હોતો, કેમ કે તેમાં સફળતાની કોઈ ખાત્રી નથી હોતી. આ સાહસનું સારું પરિણામ આવે કે ન પણ આવે! એવા અનેક દાખલાઓ સાંભળવા મળે છે કે વિદેશી ડોક્ટરોએ પોતાની હોસ્પિટલ કે ઓફિસને છેવટે બંધ જ કરી દેવી પડી હોય છે. પરંતુ મારા આંતરિક આત્મવિશ્વાસ, આપના તરફનો પ્રોત્સાહક ટેકો, એક સાહસિક વેપારીના પુત્ર હોવાનો આપણો ખ્યાલ અને અલ્લાહ ઉપરના અતૂટ વિશ્વાસના બળે ચારપાંચ સારી નોકરીની તકો હોવા છતાં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાના નક્કર નિર્ણય ઉપર હું આવી ગયો છું. હું એક સારી જોબના કોન્ટ્રેક્ટ ઉપર સહી કરવાનો જ હતો, પણ મારો અંતરાત્મા આ માટે સાક્ષી પૂરતો ન હતો. મારા જીવનમાં મેં એક એવું લક્ષ નક્કી કરી રાખ્યું હતું કે ભારતમાં કે વિદેશમાં મારી પોતાની એક હોસ્પિટલ હોય. એ પણ એક હકીકત છે કે તમે એકવાર નોકરીમાં જોડાઈ ગયા પછી તમારા ધ્યેયથી ગયા જ સમજો. પછી તો તમે નોકરી છોડવાની હિંમત જ ન કરી શકો, કેમ કે ખાસ તો આ દેશમાં સફળતાના મુદ્દે પ્રાઈવેટ પ્રેક્ટિસ એક જુગાર જેવું સાહસ ગણાય છે. વળી પોતાની હોસ્પિટલ માટે મોટું મૂડીરોકાણ પણ કરવું પડે અને તે પણ વળતર મેળવવાની કોઈપણ જાતની સંગીન ખાત્રી વગર.
પરંતુ મેં તો અલ્લાહનું નામ ઉચ્ચારીને મારા એમ્પલોયરને ફોનથી જાણ કરી દીધી કે,‘હું દિલગીરીપૂર્વક જણાવું છું કે હું કોન્ટ્રેક્ટ ઉપર સાઈન નહિ કરી શકું.’ અમે જુલાઈમાં લિહાઈટન અવી ગયાં છીએ. આ અગાઉ ૧૯૮૨માં હું એક વર્ષ માટે અહીં હતો. એ વખતે હું આપણા એક ઈન્ડીઅન ડોક્ટરના સહજ સંપર્કમાં આવ્યો હતો. નવી જગ્યા જાણીતી તો હતી, પણ શરૂઆતના બે એક મહિના સુધી હું માનસિક અસ્વસ્થતામાં રહ્યો હતો. થોડીક હતાશાનું કારણ એ હતું કે અહીં તમારે સિનિયર ડોક્ટરો સામે મુકાબલો કરીને પોતાની કારકીર્દિ બનાવવાની હતી. ધીમે ધીમે અને મક્કમતાપૂર્વક હું આગળ વધતો ગયો અને હવે અલ્લાહની મહેરબાનીથી મારી પ્રેક્ટિસ પોસાય તે સ્થિતિમાં આવી ગઈ છે અને અલ્લાહ ચાહશે તો બેત્રણ વર્ષમાં આપણે સંતોષકારક સ્થિતિમાં આવી જઈશું.
મેં લિહાઈટન (Lehighton)અને પામરટન (Palmerton) એમ બે જગ્યાએ ઓફિસ શરૂ કરી દીધી છે. શરૂઆતમાં કેટલાક જણે મને હતાશ કરી દીધો હતો, પણ મેં તેમની સલાહ ધ્યાનમાં લીધી ન હતી. જો કે એ લોકો પણ તેમના પક્ષે અમુક અંશે સાચા પણ હતા. અહીં પ્રાઈવેટ પ્રેક્ટિસમાં જવાબદારીઓનો એક મોટો માનસિક બોજ રહેતો હોય છે. દિનપ્રતિદિન આ દેશમાં વળતર માટેના ખોટા દાવાઓ વધતા જાય છે. આ દાવાઓ સામેના રક્ષણ માટેના વીમાઓનાં પ્રીમિયમ પણ ખૂબ ઊંચાં હોય છે. વિશેષમાં આખું અઠવાડિયું અને ચોવીસે કલાક ફરજ બજાવવા માટે તૈયાર રહેવું પડતું હોય છે. તાકીદની સેવા તરીકે મધ્યરાત્રિએ પણ તમારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે, વળી એટલું જ નહિ ખરાબ હવામાનની સ્થિતિમાં પણ ડોક્ટર દર્દીની વિઝિટ માટે બંધાયેલા હોય છે.
આગામી એપ્રિલ માસમાં મને અહીં પાંચ વર્ષ પૂરાં થશે. મેં એક યંત્રની જેમ અહીં કામ કર્યું છે. હજુ પણ મારી કારકીર્દિમાં સ્થિર થવા માટે બેત્રણ વર્ષ સુધી વધારે ઝઝૂમવું પડશે. અહીં આરોગ્ય જાળવણી માટેના સરકારી રાહે ઘણા ફેરફારો આવી રહ્યા છે. કેટલાંક વર્ષો પહેલાં, અહીં ડોક્ટરનો વ્યવસાય ધીકતી કમાણીનો ગણાતો હતો; પરંતુ હાલમાં તો અમેરિકન ડોક્ટરો પણ આ વ્યવસાય છોડીને ધંધામાં કે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે. આ પલાયનવૃત્તિ માટેનાં મૂળ મોટાં વળતર મેળવવા માટે થતા ખોટા મેડિકલ કેસો અને તેમાંથી ઉદ્ભવતી જવાબદારીના ભયમાં રહેલાં છે. પરંતુ, હું આ બધી ચિંતાઓ કરતો નથી. જે થવાનું હોય તે થાય અને તેના સામના માટે આપે મને માર્ગદર્શન આપ્યું છે તે મુજબ હું તૈયાર જ છું.
હવે, અહીં હું પત્ર સમાપ્ત કરું છું, કેમ કે મધયરાત્રિ પછીના ૨-૩૦ વાગી ગયા છે.
ખુદા હાફિઝ,
બધાંને ‘અમદુ’ના સલામ.” (તા.૩૧-૦૧-૧૯૮૬)
(‘અમદુ’ એ તેમનું બાલ્યકાળથી ચાલ્યું આવતું હુલામણું – Nick name નામ છે.)
સમાપને કહેતાં, હું મારા આ બ્લોગના વાચકોને મુંબઈ ખાતેની અમેરિકન કોન્સ્યુલેટ ઓફિસે લઈ જાઉં છું કે જ્યાં હું મરહુમ હાજી ડો. અલીમહંમદ મુસાની મરણોત્તર ધાર્મિક મિજલસમાં હાજરી આપવા માટે વિઝા મેળવવા મારા દીકરા અકબરઅલી સાથે ઊભો છું. હું વિઝા ઓફિસર આગળ અમેરિકાનાં મુખ્ય સમાચારપત્રોમાં છપાયેલા બે અહેવાલ મૂકું છું. (૧) મરહુમ ડો. મુસા, એક તબીબ કદીય નહિ ભુલાય (Dr. Musa, Physician will be missed) (૨) બધા જ ડોક્ટરો નાણાંભૂખ્યા નથી હોતા. (Not all doctors money hungry). એ ભલા ઓફિસર ખૂબ જ શાંતિથી બંને અહેવાલ પૂરેપૂરા વાંચે છે. કોઈપણ જાતના સાધનિક કાગળોની માગણી વગર એ ઓફિસર દિલગીરી વ્યકત કરીને અમને બંનેને અમેરિકાના વિઝા આપી દે છે.
સમાચારપત્રના ઉપરોક્ત બંને અહેવાલ હું આગામી બ્લોગ પોસ્ટ તરીકે મૂકીશ કે જેથી આજના આ લેખનું શીર્ષક ‘જેનો અંત સારો, તેનું સઘળું સારું’ ન્યાયી ઠરશે. હાલનો લેખ મરહુમના સંઘર્ષને દર્શાવે છે તો આગામી લેખો તેમના સંઘર્ષના પરિણામરૂપ એવી તેમની ભવ્ય સિદ્ધિઓને ઉજાગર કરશે. છેલ્લે અત્યંત મહત્ત્વની એ બાબતની નોંધ લેવાની કે મરહુમ હાજી ડો. મુસાની સફળતા પાછળ તેમનાં પત્ની અનવરીનું પીઠબળ હતું કે જેમણે તેમને સતત આગળ ને આગળ ધપ્યે જવાની પ્રેરણા પૂરી પાડી હતી.
– વલીભાઈ મુસા
તા.ક. લેખકે ઈ.સ. ૧૯૯૪માં અમેરિકા ખાતે મરહુમની ઓફિસની મુલાકાત લીધી હતી. શાનદાર હોસ્પિટલ, બહોળો સ્ટાફ અને માત્ર નવ જ વર્ષના સમયગાળામાં ૩૦૦૦ જેટલી ફાઈલો ધરાવતું કાર્યાલય જોઈને હર્ષ અને દુ:ખ મિશ્રિત એવી અશ્રુધારા ખાળી શકાઈ ન હતી.
(Translated from English version titled as “All’s well that ends well” published on May 21, 2007)
[…] ક્રમશ: (7) […]