RSS

Tag Archives: પ્રિયતમ

(592) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન  અને રસદર્શન -૨૨ (આંશિક ભાગ – ૧) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ (શેર ૧ થી ૩)

નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ ઉસ કો સુનાએ ન બને
ક્યા બને બાત જહાઁ બાત બતાએ (બનાયે) ન બને (૧)

(નુક્તા-ચીં = દરેક વાતમાં દોષ કાઢવાવાળો; બાત બનના= મનોકામના પૂરી થવી; બાત બનાના= સુફિયાણી વાત કરીને કોઈને છેતરવું, જૂઠું બોલવું, મીઠી મીઠી વાતો કરવી)

 

ગ઼ાલિબની ખૂબ જ વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ ચલચિત્રો, ટી.વી. શ્રેણીઓ અને મહેફિલોમાં અચૂક સ્થાન પામી છે અને એકાધિક ગાયકોએ પોતાના મધુર કંઠે તેને ગાઈ છે. દર્શકો અને શ્રોતાઓની દાદ દ્વારા પોરસાયેલી આ ગ઼ઝલનો મત્લા શેર લાજવાબ છે. શેરના ઉલા (પ્રથમ) મિસરા ‘ઉસ’ને અનુલક્ષીને કહેવાયો છે, જે ‘માશૂકા’ માટે અભિપ્રેત છે. ઉર્દૂમાં ‘માશૂક’ શબ્દ પ્રિયતમ અને પ્રિયતમા બંને માટે સામાન્ય તરીકે પ્રયોજાય છે, આપણે બેઉ માટે અનુક્રમે માશૂક અને માશૂકા એમ જ રાખીશું. શાયરની માશૂકા દરેક વાતમાં દોષ કાઢવાવાળી અર્થાત્ આલોચક છે અને તેથી તે પોતાના દિલની ગમગીનીને તેની આગળ બયાન કરવાનું મુનાસિબ સમજતા નથી. આમ જ્યારે માશૂકા સાથે કોઈ વાત થતી જ ન હોય તો પછી પોતાના દિલના દર્દને હળવું કરવાની તેમની વાત કઈ રીતે બને, અર્થાત્ તેની મનોકામના કઈ રીતે સિદ્ધ થઈ શકે.

* * *

મૈં બુલાતા તો હૂઁ ઉસ કો મગર ઐ જજ઼્બા-એ-દિલ
ઉસ પે બન જાએ કુછ ઐસી કિ બિન આએ ન બને (૨)

(જજ઼બા-એ-દિલ= મનોભાવ, મનનો આવેશ)

‘ન બને’ રદીફ અને તેની પૂર્વેના કાફિયા – શબ્દાંતે ‘આએ’ પ્રાસ થકી ગ઼ઝલ સુમધુર અને મનનીય બની રહે છે.  ગ઼ઝલકારની રદીફ અને કાફિયાની યોગ્ય પસંદગી એ ગ઼ઝલની અર્ધી મંઝિલ સર કરી શકે છે. ગ઼ઝલના આ બીજા શેરમાં કમાલની વિભાવના પેશ થઈ છે. શાયર પોતાના મનોભાવને અભિવ્યક્ત કરવા માશૂકાને પોતાની પાસે બોલાવે તો છે, પણ તેણીના પક્ષે એવું કંઈક બની જાય છે કે તે આવતી નથી અને દૂરી જ નિભાવે છે. આમ શાયર અફસોસ કરે છે કે તેના આવ્યા વગર તેનો મનોભાવ તો કેવી રીતે પ્રગટ થઈ શકે. ગ઼ાલિબની ગ઼ઝલોના શેરમાં આવા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સંવેગો ગુંથાતા હોય છે કે આપણે આફરિન આફરિન પોકારી ઊઠીએ. ગ઼ાલિબ માનવીય વર્તણૂકો (Human behavior)ના એવા અભ્યાસુ છે કે આપણે ભાવુકો તેમને બિરદાવ્યા વગર રહી જ ન શકીએ.

* * *

ખેલ સમઝા હૈ કહીં છોડ઼ ન દે ભૂલ ન જાએ
કાશ યૂઁ ભી હો કિ બિન મેરે સતાએ ન બને (૩)

શેરના ઉલા મિસરામાં માશૂક  એવી ભીતિ મહસૂસ કરે છે કે માશૂકા ઇશ્કને ખેલ સમજીને તેનાથી દૂર ભાગી જાય કે તેને ભૂલી પણ જાય. પરંતુ તરત પાછા સાની મિસરામાં મન મનાવી લેતાં માશૂક કહે છે કે માશૂકા પક્ષે પોતાના તરફની અવહેલના ત્યારે જ શક્ય બને, જ્યારે કે તે તેને સતાવતા હોય કે પરેશાન કરતા હોય! ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં વિપ્રલંભ (વિયોગ) શૃંગાર રસ પ્રયોજાયેલો જોવા મળે છે અને તેથી જ તો તેમની ગ઼ઝલોમાંથી આપણે લુત્ફ લઈ શકીએ છીએ. આમેય કહેવાય પણ છે જ ને કે ‘જો મજા ઇંતઝારમેં હૈ, વો પાનેમેં નહીં’.

* * *

– મિર્ઝા ગ઼ાલિબ                                                                             (ક્રમશ:)
(ગ઼ઝલ ક્રમાંક – ૧૯૨)

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org (અંગ્રેજી વર્ઝન)

* * *

English Version :

I cannot pour my heart to her, for she does criticize
How can I get my goal when I, cant even verbalize (1)

I do call out to her, my feelings, but what can I say
Something happens and she cant help but stay away (2)

She should not forsake forget me, for it is no play
Without my teasing, if only, she found it hard to stay (3)

– Courtesy : https://rekhta.org

 

Tags: , , , , ,

(536) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૪)

(આ અગાઉ મારી ‘વલદાની વાસરિકા’શ્રેણીએ “હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૧/3)”, “હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૨/3)” અને “હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૩/3)” શીર્ષકે ત્રણ લેખ આપ્યા હતા, જેમાં હળવા અંદાજમાં મારાં કેટલાંક હાસ્યહાઈકૂમાંથી હાસ્યદર્શન કરાવવામાં આવ્યાં હતાં. હવે એ જ સિલસિલો મારી નવીન શ્રેણી ‘વ્યંગ્ય કવન’માં ચાલુ રહેશે, જેનું શીર્ષક તો એ જ રહેશે, પણ તેના છેડે ક્રમાંક (૪) આપ્યો છે અને તે પ્રમાણે આગળ વધતો રહીશ. ધન્યવાદ. – વલીભાઈ મુસા)
* * *
તવ ઉંબરે

થૈ પગલૂછણિયું

સ્પર્શું તળિયાં!

‘દુનિયાના શાહ’ (શાહજહાં)એ પ્રેમના પ્રતીક રૂપે મોમતાજ (મીણના તાજ!) માટે કંઈક ઘુમ્મટ અને મિનારાવાળી કબર બનાવી તેવું હમણાં હાદ ઉપર વાંચવામાં આવ્યું છે! લખનારે ભલે લખ્યું; પણ અમારો વેધક સવાલ છે પેલા ‘દુનિયાના શાહ’ભાઈને, કે તેમણે પ્રજાના પૈસે કંઈક બનાવ્યું તો ખરું, પણ તેઓ પોતે મોમતાજની યાદમાં કંઈ બન્યા ખરા? ફકીર, જોગી, જતિ, ફૂલ, અગરબત્તી, મીણબત્તી, દિવાસળીની પેટી વગેરેમાંથી ગમે તે કંઈ!

પ્રેમદીવાનાઓ કે પ્રેમદીવાનીઓની અવનવી આરજુઓ કે પરિકલ્પનાઓથી આપણે સુવિદિત છીએ; કોઈ પ્રિયતમાના આંગણિયે મોર બની કલા કરવા ચહે, તો કોઈ પ્રિયતમના ઘરના છાપરે કોયલ બની ટહુકવા માગે; કોઈ ફૂલ બની ફોરમ ફેલાવવા ઇચ્છે, તો વળી કોઈ આ, તે કે પેલું થવા ઝંખે!

આપણા હાઈકુ-હીરો(Hero)એ માશુકાના ઘરે એવી કોઈક તુચ્છ વસ્તુ બનવાની તમન્ના કરી છે. તેઓશ્રી એ તુચ્છ વસ્તુ બન્યા કે ન બન્યા એ વાત બે નંબરમાં, પણ તે બનવા માટેનો ઈરાદો તો તેમણે અવશ્ય કર્યો છે; જે સૌ વાચકોને એ હાઈકુ વાંચવાથી સમજાઈ તો ગયું જ હશે, કેમ ખરું ને!

* * *
ધબકે ઉર,

પડઘા ઝીલે, પ્રિયા

કે સ્ટેથોસ્કોપ!

સાચાં પ્રેમીયુગલોના દેહ જુદા હોય છે, તેમની છાતીઓનાં પિંજરાં પણ જુદાં જ હોય ને! વળી એ પિંજરાંની માંહ્ય આવેલાં હૃદય પણ નોખાં જ હોય, એ પણ અદ્દલ વાત! પરંતુ હાઈકુકારે પ્રિયતમ અને પ્રિયતમાનાં હૃદયોના ધબકાર તો એકરૂપ જ કલ્પ્યા છે. હૃદયના ધબકારા જાણવા માટે તબીબો સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા હોય છે. પ્રિયતમની પ્રિયા કે પ્રિયાનો પ્રિયતમ એકબીજા માટેનાં જીવતાં જાગતાં સ્ટેથોસ્કોપ જ હોય  છે, જે એકબીજાંના હૃદયના ધબકાર ઝીલતાં હોય છે. આ હાઈકુના હાસ્યદર્શન ઉપરાંત બોનસમાં એક આડવાત મૂકીને મારું કામ તમામ કરીશ.

‘એક ડાગટર શાબે ગોમડે દવાખાનું ખોલ્યું. પેનટરને ગુજરાતીમાં પાટિયું બણાવવા કાગળિયામાં લસીને આલ્યું ‘કાન, નાક અને ગળાના ખાસ ડાકટર’.

પેલો પાટિયું ચીતરીને લાયો ‘કાન, નાક અને ગળાના ખાસડા કટર’

એ ‘પેલો’ ઊજાવાળો તો ની હોય! હાહાહા…હાહા..હા,

* * *

મેઘવિરામે,

છત્તર સમેટતાં,

જાણ્યું ખોવાણી!

સામાન્ય રીતે ચોમાસામાં છત્રીઓ ભુલાઈ જતી હોય છે. જ્યારે વરસાદ વરસવો શરૂ થાય, ત્યારે જ આપણને આપણી ભુલાયેલી છત્રી યાદ આવતી હોય છે. પરંતુ, જગતમાં એવા પણ ધૂની માણસો હોય છે કે ધોધમાર વરસાદમાં પલળતા ચાલ્યા જતા હોય કે ઊભા ઊભા પલળતા હોય અને વરસાદ બંધ થયેથી છત્રી બંધ કરવા તેઓ ડાબા હાથે છત્રીનો હાથો પકડીને તથા જમણો હાથ ઊંચો કરીને છત્રી બંધ કરવા માટેની કળ દબાવવાની ચેષ્ટા કરવા જાય, ત્યારે જ તેમને ભુલાયેલી છત્રીની યાદ આવતી હોય છે !

આવા કેટલાક નમૂનાઓના થોડાક વધુ નમૂના જોઈએ!!!

ભરચક બસમાં એક હાથમા પુસ્તકો અને બીજા હાથે સળિયો પકડીને ઊભેલા Absent Minded  પ્રોફેસરે ટિકિટ લેવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢવા કન્ડક્ટરની સળિયો પકડી રાખવાની મદદ માગતાં પેલાએ ‘જરૂર, જરૂર, કેમ નહિ’ કહેતાં સળિયો પકડી લીધો અને બસ ખાડામાં ખાબકતાં પ્રોફેસરની શી વલે થઈ હશે તે તો તેઓ જ જાણે! બાકી કંડક્ટરે તો સળિયો મજબૂતીથી પકડી રાખેલો જ હતો.

શેઠે હાથમાં Walking Stick  સાથે પોતાના ખંડ તરફ જતાં નોકરને પીવાનું પાણી આપી જવાની સૂચના આપી. ટ્રેમાં પાણી સાથે નોકર ખંડમાં પ્રવેશે છે તો તેના આશ્ચર્ય વચ્ચે પલંગ ઉપર આડી Walking Stick પડેલી છે અને શેઠ બારણા પાસેના ખંડના ખૂણામાં ઊભેલા છે.

ઘણાએ (જાહેરમાં ધૂમ્રપાન નિષેધના કાયદા પહેલાં) ધૂમ્રપાન કરનારાઓને મોઢામાં દિવાસળી અને બીડી કે સિગારેટને ખોખાની ખરબચડી સપાટી સાથે ઘસતા જોયા હશે! [કડક સૂચના : ધૂમ્રપાન તંદુરસ્તી માટે હાનિકર્તા છે. કડક સૂચના પૂરી!]

* * *

પડછાયોયે

લઈને ચાલ્યાં, મૂકી

ટળવળતા!

જેમનામાં નખશિખ રમૂજવૃત્તિ (Sense of humor) હશે, તેઓ જ સત્તર અક્ષરીય આ હાઈકુમાં રહેલા અતિ સૂક્ષ્મ હાસ્યને ગ્રહી શકશે. જો પગના નખથી માથાની શિખા (ચોટી) સુધી રમૂજવૃત્તિ હોવાના બદલે જો હાથના નખથી માથાની ચોટી સુધીની રમૂજવૃત્તિ કોઈનામાં હશે તો તેટલા ઓછા પ્રમાણમાં તેઓ હાસ્યને માણી શકશે. હાથપગના મોજાઓથી નખ ઢંકાયેલા હશે અથવા કોઈને તાજા જ નખ કાપ્યા પછી આ હાઈકુ વાંચવાનું બન્યું હશે, તેમ જ બીજા અથવા એ કોઈએ માથાનો પોષાક (Headdress) પહેરવાના કારણે કોઈના કેશ અને/અથવા ચોટી દૃશ્યમાન નહિ હોય તો તેમને પણ આ હાઈકુમાંના હાસ્યથી હાથ ધોઈ નાખવા પડશે.

દેવો અને દાનવોએ સંયુક્ત સમુદ્રમંથન થકી ચૌદ રત્નો મેળવ્યાં હતાં. અહીં આ હાઈકુના આપણા સંયુક્ત મંથનથી સાહિત્યના નવેનવ રસ તો નહિ, પણ માત્ર અમૃતરૂપી હાસ્યરસ તો અવશ્ય મેળવી શકીશું. અહીં હાઈકુનાયિકા ચાલી જાય છે એમ સીધેસીધું સમજવાના બદલે એમ સમજવું પડશે કે તે નાયકને છોડીને જતી રહે છે. વળી તેણી પાછળ પડછાયો છોડી દઈને એકલી જતી રહી હોત તો પણ હાઈકુનાયક તેણીના પડછાયાથી પણ સંતોષ માની શકે તેમ હતા, પરંતુ અફસોસ કે તેમ થતું નથી. નાયિકાનો પડછાયો દિવસે સામા કે પાછળ સૂરજે અથવા રાત્રિ હોય તો એ જ પ્રમાણેના પ્રકાશે જ પડછાયો શક્ય બને. આમ ધોળા દિવસે અથવા રાત્રિના પ્રકાશે હાઈકુનાયકની નજર સામેથી નાયિકા પડછાયા સમેત ઓઝલ થઈ જાય ત્યારે તેમની વ્યાકુળતાનો હિસાબ આપણા જેવા ત્રાહિતોથી તો માંડી જ ન શકાય. અને એથી જ તો વિરહપીડિત હાઈકુનાયક માટે હાઈકુકારે ‘ટળવળતા’ શબ્દ પ્રયોજ્યો છે!

કવિઓની દુનિયા અને તેમની કલ્પનાઓ નિરાળી હોય છે. જેમ ફાર્માસ્યુટિકલ કંપનીઓ કડવી દવાના પાવડરને કેપ્સુઅલમાં આપે, તેમ કવિઓ પણ શબ્દોની માયાજાળમાં મૂર્ખાઈભરી વાતોને લપેટીને એવી રીતે આપતા હોય છે કે વાચકો આસાનીથી મૂર્ખ બની શકે. આ હાઈકુકારે (બીજા કોઈ નહિ, મેં હોં કે!) પણ વાચકો માટે ‘પડછાયોયે લઈને ચાલ્યાં’ શબ્દો દ્વારા એ જ ખેલ પાડી બતાવ્યો છે! ભલા, કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને પાછળ મૂકી દઈને સ્થળાંતર કરી શકે ખરી! સુજ્ઞ વાચકો, તમને નથી લાગતું કે ‘કહતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના!’

નોંધ : –

વ્હાલાં ‘વેગુ’જનોને  વિનંતી કે  આ લેખમાં (Temperament) લાવવા માટે કોમેન્ટ બોક્ષમાં Free Style મિજાજે (Mood) વડે સૌ કૂદી પડો અને આનંદ લૂટો. આ પ્રકારની Robbery કાયદા હેઠળ ગુન્હાપાત્ર ગણાતી નથી.

* * *

તાલીસંકેતે

સ્થિર પાદ, લાગી શું

વેક્યુમ બ્રેક?

‘આ હાઈકુના સીધા પઠનમાં હાસ્યનો છાંટોય નથી અને એના વિવેચક (બબુચક!)ના પિષ્ટપેષણમાં તો કંટાળા સિવાય કંઈ જ હાથ લાગશે નહિ!’ એમ પ્રારંભે જ કહી દેવું સારું! તાજેતરમાંજ માર્ક ટ્વેઈન (Mark Twain) ની જન્મજયંતી ગઈ જેમનું આ જ મતલબનું એક વ્યંગકથન હતું – “વિનોદ અથવા રમૂજનો અભ્યાસ કરવો એટલે જીવવિજ્ઞાનના અભ્યાસમાં દેડકાને ચીરવું કે જ્યાં આપણે દેડકા વિષે ઘણું બધું જાણી તો શકીએ, પણ તેનો અંત તો મરેલા દેડકાથી જ આવે!”

પીઠ પાછળથી આવતો તાલીસ્વર એ પુરોગામીઓ માટેનો શ્રાવ્યસંકેત છે અને અનુગામી તાલીવાદક માટે કોઈકનું ધ્યાન દોરવાનું માધ્યમ છે. નગરમાર્ગે આપણી આગળ ચાલ્યા જતા કોઈકને વગડામાં હોઈએ તે રીતે ઘાંટા કાઢીને કે બરાડા પાડીને બોલાવવું એ જંગાલિયતની નિશાની ગણાય અને એટલે જ તો તાલી વગાડીને વાધરી માટે ભેંસ મારવાની જેમ કોઈ એક માટે બધાયને પાછળ જોવડાવવામાં આવે છે. મેટ્રિક પછી તરત જ ધંધા અર્થે મદ્રાસ જવાનું થતાં મારા રમૂજી યજમાન મિત્રે ભરચક માર્ગે ચાલ્યા જતા સઘળા લોકોને તાળી વગાડીને પાછળ જોવડાવ્યું હતું!

ખેર! આપણે આપણા હાઈકુએ આવીએ તો અહીં પ્રણયકાવ્ય, પ્રણયરાગ કે પ્રણયચિત્રની જેમ અહીં પ્રણયતાળી છે! આગળ ચાલી જતી હાઈકુનાયિકાને તેનો પ્રેમીસગલો તાલીસંકેતે જાણ કરે છે કે પોતે તેની પાછળ પાછળ આવી રહ્યો છે. પેલી નારી પણ પોતાના પ્રિયતમની તાળીને પીઠ ફેરવ્યા વગર જ લાખોકરોડો તાળીઓના અવાજોમાં શ્રવણમાત્રથી ઓળખી પાડે છે અને કોઈ વાહનની વેક્યુમ બ્રેકની જેમ તેના પગ ત્યાંને ત્યાં જ સ્થિર થઈ જાય છે!

અહીં મારા ચકોર વાચકો એ દલીલે મને ચૂપ કરવાનો પ્રયત્ન કરશે કે હાઈકુમાંથી ક્યાં એવું ફલિત થાય છે કે તાળી વગાડનાર ભાઈડો છે અને આગળ ચાલ્યે જતી બાઈડી છે! આનો સીધો અને સરળ ખુલાસો એ છે કે જાહેર માર્ગે કદીય કોઈ પૂર્ણ નારી તાળી વગાડે નહિ અને હા, કોઈ અર્ધ નર કે નારી હોય તો એ જુદી વાત છે!!!

નોંધ : –

વ્હાલાં ‘વેગુ’જનોને  વિનંતી કે  આ લેખમાં લહેરીપણું (Temperament) લાવવા માટે કોમેન્ટ બોક્ષમાં Free Style મિજાજે (Mood) વડે સૌ કૂદી પડો અને આનંદ લૂટો. આ પ્રકારની Robbery કાયદા હેઠળ ગુન્હાપાત્ર ગણાતી નથી.

 

Tags: , , , , , , ,

(231) હાસ્યહાઈકુ : ૧3 – હાદના દાયરેથી (૮)

બ્લોગ જગતમાં હાસ્યનો હાહાકાર મચાવતા હાદજનો,

આજે તો હાઈકુ પ્રથમ આપીને ગપસપ પછી રાખી છે. આમેય મને ખબર તો પડી જ ગઈ છે કે વાંચનમાં તમે બધાં એમ જ કરો છો!

હાસ્યહાઈકુ – 13

કોલ દીધેલ

રોટલા ટીપવાના,

પેઈંગ ગેસ્ટ!
=============

વિધિની વક્રતા તે આનું નામ! પ્રેયસીએ પ્રણયફાગ ખેલતાં ખેલતાં પ્રિયતમને વચન તો આપી જ દીધું હતું કે ‘તારા રોટલા તો હું જ ટીપીશ!’ અને સાચે જ એમ બનીને જ રહ્યું! ભાઈને પેલી બાઈના ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે જમવાના દહાડા આવ્યા, કેમ કે તે પરાઈ થઈ ચુકી હતી!

વિધાતા પણ કેટલીક વાર ભક્તજનોની પ્રાર્થનાઓના વાચ્યાર્થ પકડીને એમનું યાચેલું જરૂર આપે છે, પણ અન્ય સ્વરૂપે! આવા હજાર દાખલા સાંભળવા મળશે, પણ અહીં સ્થળસંકોચના કારણે 998 પડતા મૂકું છું.

એક જણાએ એવું માગ્યું કે મને એવો ધનિક બનાવ કે હું નોટો ગણતાં થાકું અને ભાઈને પહેલા જ ઈન્ટરવ્યુએ બેંકના કેશિયરની નોકરી મળી ગઈ. તો વળી બીજા એક ભાઈને ટ્રાફિક પોલીસની નોકરી એટલા માટે મળી ગઈ હતી કે તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તેમની આગળ અને પાછળ ગાડીઓ જ ગાડીઓ હોય!

આ હાઈકુ આપવામાં હસાવવાનો હેતુ ઓછો છે, પણ સલાહનો હેતુ વધુ છે કે ઈશ્વર પાસે કોઈ વરદાન માગો તો ચારેય બાજુની બધી જ શક્યતાઓનો ખ્યાલ રાખજો, નહિ તો મનની મનમાં જ રહી જશે!


– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: , , , , , ,