હજ઼ારોં ખ઼્વાહિશેં ઐસી કિ હર ખ઼્વાહિશ પે દમ નિકલે (શેર ૪ થી ૬)
ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કા
અગર ઇસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ કા પેચ-ઓ-ખ઼મ નિકલે (૪)
[ભરમ= રહસ્ય (Secrecy); જ઼ાલિમ= ઘાતકી, જુલ્મી; ક઼ામત= શરીરની ઊંચાઈ, મહત્તા, વ્યક્તિત્વ; દરાજ઼ી= અધિકતા, લંબાઈ, મોટાઈ; તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખ઼મ= સ્ત્રીઓને પહેરવાની ખાસ હૅટ(મુગટ)માં પરોવાતું પીછું; પેચ-ઓ-ખ઼મ= વક્રતા કે સ્થિરતાનો વળ]
માશૂકમુખે મુકાયેલો આ શેર ગ઼ાલિબે હળવા હૈયે લખ્યો લાગે છે, કેમ કે તેમાં માશૂકાની ભારોભાર ટીખળી કરવામાં આવી છે. પ્રથમ તો માશૂકાને અહીં જુલ્મી તરીકે સંબોધવામાં આવે છે, તેમાં માશૂકનો કોઈ નકારાત્મક કટુભાવ નથી, પણ પ્રેમાળ સંબોધન છે. માશૂકાની નખરાંબાજી જ કંઈક એવી છે કે માશૂકનું દિલ હચમચી જાય છે; અને ઘાતકી નહિ, પણ મીઠડો એવો દિલ ઉપરનો ઘાવ માશૂકને માશૂકાને જાલિમ તરીકે સંબોધવા પ્રેરે છે. પહેલા મિસરામાં માશૂકાની દૈહિક આભાસી ઊંચાઈની મશ્કરી કરતાં માશૂક કહે છે કે તારી અધિક દેખાતી ઊંચાઈનો ભેદ હમણાં ખૂલી જશે.
બીજા મિસરામાં માશૂકાની ઊંચાઈનો ભેદ ખૂલી જવાનું કારણ આપવામાં આવ્યું છે. માશૂકાએ શૃંગારના ભાગરૂપે માથે પીછાની કલગીવાળો મુગટ ધારણ કરેલો છે અને તેના કારણે તે વાસ્તવમાં છે તેના કરતાં વધારે ઊંચી દેખાય છે. હવે જો કોઈ કારણે એ કલગીની સ્થિરતાનો વળ ખૂલી જવા પામે અને કલગી નીચે ઊતરી જાય તો તેના કારણે વધારાની દેખાતી ઊંચાઈ ઘટી જાય અને તેની વાસ્તવિક ઊંચાઈ છતી થાય. આમ માશૂકાની વધારે પડતી દેખાતી આભાસી ઊંચાઈ ઉપરના રહસ્યનો પડદો આપમેળે ઊંચકાઈ જાય.
અહીં ગ઼ઝલરસિકોને એમ લાગશે કે ગ઼ાલિબ જેવા કદાવર ગજાના શાયરે માશૂકાની ઊંચાઈ જેવા ક્ષુલ્લક મુદ્દાને આમ પ્રાધાન્ય આપીને આ શેરને સાવ પ્રભાવહીન કેમ બનાવ્યો હશે! પરંતુ વાસ્તવમાં એવું નથી, કેમ કે કોઈપણ રૂપસુંદરીની ઊંચાઈ તેના વ્યક્તિત્વને જાજરમાન બનાવે છે અને તેથી તેના સૌંદર્યમાં ઇજાફો થતાં તેના જોનાર ઉપર તેની આંખને આંજી દેતો પ્રભાવ પડતો હોય છે. પરંતુ અહીં ગ઼ાલિબ તો માશૂકાની આભાસી ઊંચાઈને નિમિત્ત બનાવીને માશૂક દ્વારા થતો માશૂકાનો ઉપહાસ દર્શાવવા માગે છે. વળી આ ઉપહાસના શબ્દો પણ કેવા રમૂજી છે – ‘ભરમ ખુલ જાએ જ઼ાલિમ તેરે ક઼ામત કી દરાજ઼ી કા!’
* * *
મગર લિખવાએ કોઈ ઉસ કો ખ઼ત તો હમ સે લિખવાએ
હુઈ સુબ્હ ઔર ઘર સે કાન પર રખ કર ક઼લમ નિકલે (૫)
[ – ]
ગ઼ાલિબનો આ અતિમૂલ્યવાન શેર છે. આ શેરમાં ઉર્દૂનો અઘરો એકેય શબ્દ ન હોઈ તેના વાચ્યાર્થને પામવો તો અત્યંત સહેલો છે, પરંતુ આ શેરના ઇંગિત અર્થોને માણવાની મજા તો કંઈક ઓર આવશે. બીજો મિસરો તો ગમે તેવા ધીરગંભીર વાચકને પણ હસાવ્યા સિવાય રહેશે નહિ. માશૂક કહે છે કે પોતાની માશૂકા ઉપર અન્ય કોઈ પ્રેમીએ પ્રેમપત્ર લખવો હોય તો મારી પાસે લખાવે, હું તેનો લહિયો બનીને એ પત્ર લખી આપવા રાજીખુશીથી તૈયાર છું. કોઈ પણ પ્રેમી કે પ્રેમીઓને પ્રેમપત્ર લખી આપવાની સેવા આપવા હું વહેલી સવારથી જ કાન ઉપર કલમ ખોસીને મારા ઘરેથી બજારમાં નીકળી પડ્યો છું. કાન પાછળ કલમ ખોસી રાખવાની માશૂકની ક્રિયા આપણને સુથારીકામ કરતા મિસ્ત્રીઓની યાદ અપાવ્યા વગર રહેશે નહિ. એ લોકો પેન્સિલ ખોવાઈ ન જાય અને હાથવગી મળી રહે તે માટે તેમ કરતા હોય છે.
અહીં ભલે આપણે માશૂકની બાલિશ લાગતી આ હરકતને હસી કાઢીએ, પરંતુ તેમાંની માશૂકની ભારોભાર ઘુંટાયેલી વેદનાને આપણે ઉવેખવી પડશે. અહીં માશૂકા ઉપરનો એવો કટાક્ષ છે કે તે પોતે તો પ્રેમપત્ર લખી શકતો નથી, પણ બીજાઓને પ્રેમપત્ર લખી આપીને હું આત્મસંતોષ મેળવી લઈશ. પોતે પ્રેમપત્ર લખી ન શકવાનાં સંભવિત બે કારણો હોઈ શકે. એક, પોતે માશૂકા તરફથી સતત અવહેલના પામતો હોઈ તેને હિંમત નથી થતી કે તે પત્ર લખીને વધુ અપમાનિત થાય; અને બે, પોતે પ્રેમપત્ર લખવામાં સંકોચ અનુભવે છે અને છતાંય તેની તુષ્ટિ માટે બીજાઓનો પ્રેમપત્ર લખી આપીને પોતે મનોમન સંતોષ મેળવી લે. વળી મારા મતે ત્રીજી સંભાવના એ પણ હોઈ શકે કે માશૂક અન્ય હરીફ પ્રેમીઓને એવો સંદેશો આપવા માગે છે કે ‘જુઓ, હું મારી માશૂકાનો ખરેખરો પ્રેમી હોવા છતાં તેને પત્ર લખી શકવાની હિંમત ધારણ કરી શકતો નથી અને તમારા લોકો માટે એ કામ કરી આપવાની હું તૈયારી બતાવું છું તે ઉપરથી તમારે સમજી લેવું ઘટે છે કે તમારે પ્રેમપત્ર લખવાનું દુ:સાહસ ન કરવું જોઈએ અને તમારે મારી માશૂકાથી દૂરી રાખવી જોઈએ.’
* * *
હુઈ ઇસ દૌર મેં મંસૂબ મુઝ સે બાદા-આશામી
ફિર આયા વો જ઼માના જો જહાઁ મેં જામ-એ-જમ નિકલે (૬)
[દૌર= યુગ, સમય; મંસૂબ= સંબંધ બંધાવો, સગાઈ થવી, નાતો જોડાવો; બાદા-આશામી= મદ્યપાન, શરાબસેવન; જામ-એ-જમ= જમશીદનો પ્યાલો]
આ શેરને ચર્ચાની એરણ ઉપર લેવા પહેલાં આપણે ‘જામ-એ-જમ’ એટલે કે જમશેદના પ્યાલા વિષેની જાણકારી મેળવી લઈએ. આમાં ‘જમ’ એ ‘જમશીદ’ નામનું ટૂકું રૂપ છે, નહિ કે જમ યાને જમરાજ. પ્રાચીન પર્સિયન દંતકથામાંનો જમશીદ નામે એક બાદશાહ કે જે ઘણી પર્સિયન કવિતાઓ કે વાર્તાઓમાં પાત્ર તરીકે આવે છે. જમશીદ પાસે નળાકાર બાહ્ય સપાટી ઉપર સાત બંગડી આકારના નકશીકામવાળો એક પ્યાલો (Seven ringed cup) હતો. આ પ્યાલામાં અમરત્વ પ્રાપ્ત કરવા માટેનું અમૃત ભરેલું રહેતું અને તેમાં નજર નાખીને તે બ્રહ્માંડનાં સાત સ્વર્ગ (જન્નત)ને જોઈ શકતો અને આમ પૃથ્વી ઉપર રહ્યે રહ્યે તે સાત સાત જન્નતોના દીદાર (દર્શન)નો અનેરો આનંદ તે માણી શકતો.
હવે આપણે મૂળ શેર ઉપર આવીએ તો પ્રથમ મિસરામાં ગ઼ાલિબ કહે છે કે હાલના આ સમયમાં મારો શરાબસેવન સાથે અતૂટ નાતો બંધાઈ ગયો છે. તો વળી બીજા મિસરામાં તરત જ આપણને સાનંદાશ્ચર્ય આપતાં એ જણાવે છે, જાણે કે જામ-એ-જમનો એ જમાનો ફરી પાછો આવી ગયો! અહીં ‘નિકલે’ રદીફ એવી સરસ રીતે પ્રયોજાયો છે કે તેને ‘નીકળ્યા’ એમ બહુવચનમાં સમજતાં તેનો અર્થ એવો થાય કે પેલા જમશીદની પાસે તો માત્ર એક જ અલૌકિક પ્યાલો હતો, પણ હાલના આ દૌરમાં તો અનેક પ્યાલાઓ નીકળી આવ્યા છે વળી આપણે જામ-એ-જમ અને સાંપ્રત શરાબના પ્યાલાઓની સરખામણીની વધુ એક એવી કલ્પના પણ કરી શકીએ કે પેલો જમશીદ તો માત્ર તેના પ્યાલામાં સાત જન્નતોને જોઈ જ શકતો હતો, પણ અમારા યુગના આ પ્યાલામાંના શરાબના સેવન થકી અમે મસ્તીમાં એવા તો ઝૂમી ઊઠીએ છીએ કે અમે પ્રત્યક્ષ જન્નતનો આનંદ માણી શકીએ છીએ.
મારા અગાઉ જણાવ્યા મુજબ ગ઼ઝલમાં શરાબ અને સુંદરી અભિન્ન રીતે જોડાયેલાં રહેતાં હોય છે અને તેમના વગર ગ઼ઝલ સંભવી શકે જ નહિ. વળી મોટા ભાગના શાયરો પણ શરાબના નશાનો ભોગ બનતા જ હોય છે અને તેથી જ તો તેમની ગ઼ઝલોમાં તેઓ શરાબને ખૂબ લાડ લડાવતા હોય છે અને તેથી જ શરાબ સાથે સંબંધિત એવા શેરમાં જીવંતતા લાવી શકતા હોય છે. ગ઼ાલિબ પણ દારૂની લતમાંથી બાકાત રહી શક્યા ન હતા. એટલે જ તો તેઓ પોતાનો એક શેર આમ સંભળાવે છે : “યે મસાઈલ-એ-તસવ્વુફ઼ યે તિરા બયાન ‘ગ઼ાલિબ’ / તુઝે હમ વલી (અલ્લાહનો નેક બંદો) સમઝતે જો ન બાદા-ખ઼્વાર હોતા (બાદા-ખ઼્વાર= શરાબી)”. દિલાવર ફ઼િગાર નામના એક શાયર પણ ગ઼ાલિબના આ શેરના સમર્થનમાં પોતાનો શેર આપે છે કે “’ગ઼ાલિબ’ કી શખ઼્સિય્યત મેં મહાસિન (ગુણ – virtue) હૈં બે-શુમાર / યે આદમી વલી થા ન હોતા જો બાદા-ખ઼્વાર”. આ બંને શેરનો મતલબ એક જ છે કે જો ગ઼ાલિબ શરાબી ન હોત તો તેમનામાં બેસુમાર એટલા બધા ગુણ હતા કે તેમને અલ્લાહના નેક બંદા ગણવામાં આવતા.
(ક્રમશ: આંશિક ભાગ-૩)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
-વલીભાઈ મુસા (રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક – 220)
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૭) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ
* * *
[…] Click here to read in English […]