RSS

Tag Archives: ફિઝિશ્યન

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ (Dr. Musa, a Physician will be missed)

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ  (Dr. Musa, a Physician will be missed)

Click here to read in English

તા. ૦૭ જુલાઈ, ૧૯૯૪ ને ગુરૂવારના રોજ ડો. મુસા જ્યારે ટેનિસ રમી રહ્યા હતા, ત્યારે તેમના ઉપર પહેલો અને છેલ્લો હૃદયરોગનો જીવેલેણ હુમલો થયો હતો અને તેમણે ઘટનાસ્થળે જ છેલ્લો શ્વાસ લીધો હતો. તેમનાં પોતીકાં અને પોતીકા સરખાં સઘળાં સ્નેહીજનો માટે એ આઘાતજનક સમાચાર હતા. તેમનું આમ અચાનક અવસાન પામવું એ મધ્યાહ્ને સૂર્યાસ્ત સમાન હતું, કેમ કે એ જ મહિનાની ૨૫મી તારીખે તેઓ પોતાની જિંદગીનાં માત્ર ૪૧ જ વર્ષ પૂરાં કરવાના હતા.

તા. ૧૧ જુલાઈ, ૧૯૯૪ના “ધી ટાઈમ્સ ન્યૂઝ” સમાચારપત્ર દ્વારા ઉપરોક્ત શીર્ષકવાળા ન્યૂઝ રિપોર્ટ થકી મરહૂમ ડો. મુસાને નીચે પ્રમાણે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી :

“પામરટન હોસ્પિટલના સ્ટાફ ફિઝિશ્યન ડો. અલીમહંમદ મુસાના મૃત્યુના સમાચાર સમગ્ર વિસ્તારમાં શુક્રવારના દિવસે ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયા હતા. માત્ર ૪૧ જ વર્ષની ઉંમર ધરાવતા ડો. મુસા ગુરૂવારના દિવસે જ્યારે ટેનિસ રમી રહ્યા હતા ત્યારે હૃદયરોગના હૂમલાથી અવસાન પામ્યા હતા.

ઘણા લોકો ડો. મુસાને એક માત્ર ફિઝિશ્યન કરતાં પણ કંઈક વિશેષ તરીકે ઓળખતા હતા. દર્દીઓ કબૂલે છે કે જ્યારે તેઓ તેમની પાસે સારવાર માટે જતા ત્યારે તેઓ બહુ જ કાળજીપૂર્વક તેમને ખાસ કેસ તરીકે તપાસતા હતા. તેઓ ગમે તેટલા કાર્યમગ્ન હોય, છતાંય ક્યારેય તેઓ દર્દીઓની અવગણના કરતા ન હતા. તેઓ દર્દીના દરેક પ્રશ્નનો સાદી ભાષામાં એવી શાંતિથી જવાબ આપતા હતા કે જેથી તેઓ સારી રીતે સમજી શકે. તેઓ દર્દીએ કરવાની રહેતી દરેક પ્રક્રિયાને વિગતવાર સમજાવતા. તેઓ હંમેશાં દર્દી સાથે સહાનુભૂતિથી વર્તતા અને દર્દીના ભયને હળવો બનાવી દઈને તેની દરેક સમસ્યાનો ઉકેલ બતાવતા. જ્યારે કોઈ દર્દી અવસાન પામે ત્યારે તેઓ તેનાં સગાંવહાલાંને દિલસોજી વ્યક્ત કરતો અંગત ફોન અચૂક કરતા અને મરનારના કુટુંબને હૈયાધારણ આપતા. તેઓશ્રી પોતાની એવી ભલી વર્તણૂક બતાવતા કે આપણને જૂના સમયના ડોક્ટરોની આત્મીયતા યાદ આવી જાય કે જે આજકાલ ખૂબ જ ઝડપથી અદૃશ્ય થતી જાય છે.

ડો. મુસા ૧૯૮૫ની સાલમાં પામરટન હોસ્પિટલમાં જોડાયા હતા. હોસ્પિટલના પ્રબંધક મિ. પિટર કર્ને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ડો. મુસાના મૃત્યુથી તેમના સાથી ડોક્ટરો, હોસ્પિટલનો આખોય સ્ટાફ અને કેટલાય મિત્રો ચિર કાળ સુધી શોકગ્રસ્ત રહેશે. તેમણે વધારામાં કહ્યું હતું કે ખાસ તો એવા અસંખ્ય દર્દીઓ કે જે તેમને ભલા, લાગણીશીલ અને કાળજીભરી સારસંભાળ લેનારા તબીબ તરીકે ઓળખતા હતા તેમને તો તેમની અસહ્ય ખોટ સાલશે જ.

ડો. મુસાની પ્રેક્ટિસ પામરટન હોસ્પિટલ પૂરતી સીમિત ન હતી. પામરટનમાં ડેલાવેર ખાતે તેમની પોતાની ઓફિસ પણ હતી. તેઓ નિયમિત રીતે ‘મેહનીંગ વેલી નર્સિંગ એન્ડ કોનવેલસન્ટ સેન્ટર’ ખાતે વિઝિટે જતા હતા અને ત્યાં પણ દર્દીઓની સારવાર કરતા હતા. તેમનો સૌમ્ય મિજાજ, દર્દીઓ પરત્વેની તેમની સહાનુભૂતિ તથા દર્દીઓની સમસ્યાઓને સમજવાની તેમની નૈસર્ગિક શક્તિ એ બધાં તેમના વ્યક્તિત્વનાં ઊડીને આંખે વળગે તેવાં પાસાં હતાં. સમાજમાં જ્યારે લોકો દોડધામ અને ધમાલભર્યું જીવન જીવતા હોય છે, ત્યારે ડો. મુસામાં આવું બધું જોવા મળતું ન હતું. તેઓ પોતાનો સુખી પરિવાર ધરાવતા હતા. તેઓ પોતાના કુટુંબને ખૂબ જ ચાહતા હતા અને કોઈ દર્દી તેમનાં પત્ની કે બાળકો વિષે કોઈ પ્રશ્નો પૂછે તો તેઓ નિ:સંકોચપણે અને આનંદભેર પ્રત્યુત્તર વાળતા હતા.

ડો. મુસા માત્ર પોતાના દર્દીઓની જ કાળજી લેતા ન હતા, તેઓ પોતાના સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી લેતા હતા. તેઓ ઊંચા, આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવતા અને તંદુરસ્તીના પ્રતીક જેવા ખડતલ હતા. પરંતુ તેમના દુર્ભાગ્યે તેમના ઉપર જબદદસ્ત પ્રહાર કર્યો. તેઓ જ્યારે પોતાની તંદુરસ્તીને જાળવવાની પ્રવૃત્તિમાં જ લાગેલા હતા, ત્યારે જ હૃદયરોગે તેમના ઉપર હુમલો કરીને તેમના જીવનને હણી લીધું. તેમના મૃત્યુએ શિષ્ટ અને અન્યોની કાળજી લેનાર એવા માણસ કે જેમને મળવું સૌ કોઈને ગમે એવા તેમને તેમના દર્દીઓ અને તેમના કુટુંબ વચ્ચેથી ચૂપચાપ ઊઠાવી લીધા. એમના પેંગડામાં પગ ઘાલી શકે તેવો ભાગ્યે જ કોઈ માણસ મળી શકે.

એવા દર્દીઓ કે જેમની ડો. મુસાએ સારવાર કરી હતી તેઓ એવા ભાગ્યશાળી પુરવાર થયા કે તેઓ ઓછામાં ઓછા તેમને ઓળખી તો શક્યા અને હકારાત્મક ગુણો ધરાવતા એવા તેમનો લાભ લઈ શક્યા. ખરે જ ડો. મુસા એક એવી ખાસ વ્યક્તિ તરીકે હંમેશાં યાદ રહેશે. કે જે તેમની ભલાઈ અને સેવાભાવનાના ગુણો થકી તેમના દર્દીઓ, મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરોમાં પ્રિય રહ્યા હતા.

સાચે જ ડો. મુસા કદીય નહિ ભુલાય.”

* * *

પામરટન હોસ્પિટલના પ્રેસિડેન્ટ શ્રી એડવર્ડ જે. મિલર, એમ. ડી. દ્વારા મરહૂમનાં કુટુંબીજનોને નીચેના શબ્દોમાં શોકસંદેશો અને સહાનુભૂતિ પાઠવવામાં આવ્યાં હતાં :

“૭મી જુલાઈ અને ગુરૂવારના રોજ મારું કુટુંબ અને હું વર્જિનિયા ખાતે એક નાનું વેકેશન માણી રહ્યાં હતાં. રાત્રિના લગભગ અગિયાર વાગે જ્યારે અમે ઊંઘવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે અમારા રૂમમાં ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. હું જ્યારે ફોન ઊઠાવવા જઈ રહ્યો હતો ત્યારે મને ફાળ પડી કે ચોક્કસ કંઈક દુ:ખદ ઘટના બની હોવી જોઈએ અને એવી કોઈ સમસ્યા હશે તો જ મને રાત્રે ફોન કરવામાં આવ્યો હશે અને આમ સાચે જ મારી ધારણા સાચી પડી અને મારા સહકાર્યકર ડો. મુસાના અવસાન અંગેના દુ:ખદ સમાચાર મને સાંભળવા મળ્યા. મારી પત્ની જોય અને હું ન માની શકાય તેવા સમાચાર સાંભળીને અમારી આંખમાંનાં આંસુઓને રોકી ન શક્યાં અને અમારી આખી રાત ઊંઘ્યા વગર જ પસાર થઈ. હું ડો. મુસાને છેલ્લાં આઠ વર્ષથી એકદમ નિકટથી ઓળખતો આવ્યો હતો. તેમને હું ખૂબ જ માન સન્માન આપતો હતો અને અસાધારણ સામર્થ્ય ધરાવતા શક્તિશાળી અને સૌમ્ય મહાનુભાવ તરીકે તેમને ઓળખતો હતો.

તેમના સૌમ્ય વ્યક્તિત્વનો મતલબ કે ખરે જ એ ખૂબ જ નમ્ર માણસ હતા અને તેમને શક્તિશાળી ગણાવતાં તેઓ હકીકતમાં બુદ્ધિમાન, સમભાવી અને પોતની ફરજને સમર્પિત હતા. હું કલાકોના કલાકો સુધી સતત ફરજ બજાવ્યે જતા તેમના પરિશ્રમને યાદ કરતો રહ્યો. હોસ્પિટલની અનંત એવી કેટલીય રાત્રિઓ દરમિયાન ફરજ ઉપરના એક ફિઝિશ્યનને જે વારંવાર સાંભળવા મળે એવા ‘તમારો આભાર’ શબ્દો કર્ણપટ ઉપર સંભળાતા રહ્યા. અલી કટોકટીના સમયે ત્વરિત નિર્ણય લઈ શકવાની શક્તિ ધરાવતા હતા અને નિરાશાના સમયે ધૈર્ય ધારણ કરી શકતા હતા. તેમના જીવનની કરૂણાંતિકા એવી ઘટી કે તેઓ પોતાના તાજેતરમાં જ નવીન બનાવેલા આલિશાન નિવાસ સ્થાનમાં આનંદપૂર્વક જીવી રહ્યા હતા અને જે હંમેશાં પોતાનાં સંતાનો વિષેની હર્ષભેર વાતો કર્યે જતા હતા એવા તેવાના સુખમય જીવનમાં અણધાર્યું અને કઠોર ભાગ્ય સમું એ મૃત્યુ આવ્યું.

આગળ એક અવતરણનો સહારો લઈને એમણે ઉમેર્યું કે આમ છતાંય આપણે યાદ રાખવું જોઈએ કે આપણા જીવનને કોઈ એક લાગણીશીલ માણસ સ્પર્શી જાય છે અને તેના ચાલ્યા જવાથી એની માત્ર મધુર યાદો જ બાકી રહી જતી હોય છે. એવી એ વિભુતિઓ આપણા જીવનમાં અનુભવાતા અંધકારને એ પોતાના થોડાક જ પ્રકાશ વડે પણ ઝળહળાવી દઈને દેદિપ્યમાન બનાવી દેતા હોય છે. એ માણસ આપણી વચ્ચે જ રહીને વિકાસ પામ્યો અને એક પ્રભાવશાળી અને મજબૂત માણસ તરીકે જ આપણી વચ્ચે જ અવસાન પામ્યો. આવનારાં વર્ષોમાં આપણે ભૂતકાળ તરફ નજર નાખીશું તો આપણને હંમેશાં એમ જ લાગશે કે આપણે એક યુવાન ફિઝિશ્યનને ગુમાવ્યા છે અને માત્ર એટલું જ વિચારતાં આપણે તેમના મહત્ત્વને ઘટાડી નાખ્યું ગણાશે. અલબત્ત, આપણે ડો. અલીને આપણી યાદોમાં જીવંત રાખીશું. આપણે તેમના હાસ્યને, તેમના સ્મિતને, તેમને પસંદ એવી તેમની વસ્તુઓમાં તેમને યાદ કરતા રહીશું. એ કોણ હતા અને કેવા હતા તે આપણે યાદ રાખીશું અને તો જ આપણે તેમને યુવાન અને જીવિત વ્યક્તિ રૂપે આવનારાં વર્ષોમાં સમજી શકીશું.”

પાછળથી સમગ્ર મેડિકલ સ્ટાફ વતી ડો. મિલરે ડો. અલી મુસા મેમોરિયલ ફંડ ઊભું કરવાની જાહેરાત કરી અને હોસ્પિટલમાં યોગ્ય જગ્યાએ સ્મૃતિચિહ્ન તરીકે ધાતુની તકતી મૂકવાનું નક્કી કર્યું.

લેખ સમાપન પૂર્વે હું ભારે હૃદયે મરહૂમ ડો. અલી મુસાના એક દર્દી – રિચર્ડ સેડોફ અને તેમનાં પત્ની બોબના કેટલાક શબ્દોને ટાંકીશ – “મેં તો ધાર્યું હતું કે મારા મૃત્યુના કોઈક દિવસે તેઓ (ડો. મુસા) મારી મૃત્યુશય્યા પાસે હાજર હશે, પણ અણધાર્યું એવું તે શું બની ગયું કે તેઓ મારી પહેલાં આ દુનિયાને છોડીને જતા રહ્યા! હું મારી એસ્પિરિનની ટીકડી લેતો હોઉં છું, ત્યારે મને ડો. મુસાની યાદ આવી જાય છે. એવા એ ભલા માણસ હતા કે જે દૂર દૂર ઇન્ડિયાથી અહીં ડોક્ટર થવા માટે આવ્યા હતા અને તેમની તરક્કીના એ ઉજ્જ્વળ સમયે જ મૃત્યુ તેમને તેમનાં વહાલાં કુટુંબીજનો, મિત્રો અને એમના વહાલા દર્દીઓ પાસેથી છીનવી ગયું.”

મારા પક્ષે સમાપને કહેતાં, સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે. સુવર્ણ પૃથ્વીના પેટાળમાંથી આવે છે, પણ સહાનુભૂતિ તો સ્વર્ગમાંથી આવે છે. સ્વર્ગ એ ધરતીથી ઉપર છે અને તેથી જ તો સહાનુભૂતિ એ સુવર્ણ કરતાંય મૂલ્યવાન છે.(એક અંગ્રેજી કાવ્ય ઉપર આધારિત)

અત્રે, મરહૂમ ડો. અલીમહંમદ મુસાના જીવન અને મૃત્યુને લગતા સતત ત્રણ લેખો થકી આ લેખમાળાને પૂર્ણ કરું છું. વળી મારા સુજ્ઞ વાચકોને ખાત્રી આપું છું કે મારા બ્લૉગ ઉપર જુદા જુદા વિષયો ઉપર ભવિષ્યે કંઈક ને કંઈક અવનવું આપતો રહીશ.

– વલીભાઈ મુસા
(તા.૨૩-૦૫-૨૦૦૭)

સૌજન્ય : “ધી ટાઈમ્સ ન્યૂઝ” (USA)

(Translated from English version titled as “Dr. Musa, a Physician will be missed” published on May 23, 2007)

 

Tags: , ,