તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
ભલે બૂરું અમારું છે, અને સારું તમારું છે
નસીબે સાથ દીધો તો, નરસું સારું થવાનું છે.
કરો બે ભાગ ઢગલાના, ગમે તે એકને લઇ લો
કદી મળશે જરા ઓછું, લુટાઈ શું જવાનું છે
તમે થાઓ ભલે રાજા, અભરખો છે નહીં અમને
અમે તો થૈ પ્રજા જીવશું, ફના આખર થવાનું છે
ભલે તલવાર તમ પાસે, અમે ગરદન ઝુકાવી છે
નહીં ડરશું જરીકેયે, ભલા થઇ શું જવાનું છે
તમારા હુંપણા સામે, અમારી મૂછ છે નીચી
કરીશું ના કદીયે ઉફ, ન તો શૂરા થવાનું છે
તમે કો દી જ નહિ સમજો, બડપ્પન તો વળી ક્યાં છે
બડપ્પન પામવા કાજે, ધરા થૈ ઝૂકવાનું છે
અમસ્તા વેડફીશું ના, અમારી શક્તિને ઠાલી
ઘણાં કામો અધૂરાં કાજ અવને જીવવાનું છે
‘વલી’ નમવું અને ગમવું, ખુદાને એ જ તો વાલું
નિભાવી લઇ ન ગમતું સર્વ નિજને જીતવાનું છે.
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
(તા.૧૫૧૧૧૭)
(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા. ૧૯૧૧૧૭)
= = =
રસદર્શન:
કવિ શ્રી, વાર્તાકાર શ્રી વલીભાઈ મુસાના નામથી સોશીયલ મિડીયામાં ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. વેબગુર્જરીમાં સંપાદક તરીકે હોવા ઉપરાંત તેઓશ્રી “William’s Tales” અને “વલદાનો વાર્તાવૈભવ” નામે બ્લોગ પણ ચલાવે છે. આ ગઝલે મારું ખાસ ધ્યાન ખેંચ્યું કારણકે આ ગઝલનાં દરેક શેરમાં કવિ કોઈને કોઈ સલાહ આપી જાય છે.જે જીવનમાં ઉતારવા જેવી છે. મત્લાના શેર માં કવિ કહે છે કે ભલે બધું સારું તમારું અને બધું બુરું અમારું છે. પણ જો નસીબે સાથ અમને આપ્યો તો નરસું પણ સારું થવાનું છે. એટલે બીજાના સારાં નસીબને કોસવાને બદલે આજ તમારાં સારા દિવસો છે તો કાલે અમારાં દિવસો સારાં આવશે ની આશા રાખે છે. બીજા શેરમાં કવિ જે ઈશ્વરે આપ્યું તેમાં સંતુષ્ટ છે કોઈને વધું કોઈને ઓછું ઈશ્વર આપે છે તો કવિ બેધડક કહે છે કે આ બે ઢગલા છે જે જોઈએ એ લઈ લો એક મોટો નાનો હોય તો શું લૂંટાઈ જવાનું છે. ત્રીજા શેરમાં કવિ કહે છે કે ભલે તમે મોટી પદવી પર બેસી જાઓ, રાજા થઈ જાઓ અમે પ્રજા રહીશું..અને રાજા કે પ્રજા છેવટે તો દરેકે ફના થવાનું છે. ચોથા શેરમાં પણ એજ ભાવના બતાવે છે કે ભલે તમારી પાસે તલવાર હોય અમે આ ગરદન ઝૂકાવી છે, મોતની એમને બીક નથી થઈ થઈને શું થઈ જવાનું છે? અને હું કરું હું કરું એજ અજ્ઞાનતાની વાત કરે છે કે તમારાં હું પણ સામે અમે અમારી મૂંછ નીચી કરી છે..આ જુનાં જમાનાની યાદ આપે છે, કોઈના અહમને સંતોષવા પહેલા પાઘડી ઉતારતા મૂંછ નીચી કરતા!! હાં, તો એમાં શું બગડી જવાનું છે!! મૂંછે તાવ દઈ શું શુરા થવાનું..અહીં એક કહેવત યાદ આવી કે ઝુકતે તો ઝિન્દા લોગ હૈ..અકડ તો મુર્દેમે હોતી હૈ!! એ પછીના શેર માં પણ એજ ભાવના બતાવામાં આવી છે.મોટાઈ ધરા થઈ ઝૂકવામાં છે.બીજાની વાતો બીજાની નિંદા અને બીજાના પગ ખેંચવાના કાવત્રા એ બધાંમાં શક્તિ શા માટે વેડફવી? કરમ કીએ જા ફલ કી ઈચ્છા ના કર.જીવનમાં કેટલાં કામ અધૂરાં છે એનાં માટે જીવવાનું છે..લોકોની વાતો સામે કાન આડે હાથ કરી ચાલવાનું છે.મકતાના શેરમાં નમ્યાં તે ખુદાને ગમ્યાં કહેવતને સચોટ રીતે દર્શાવી છે કે નમવું અને ગમવું ખુદાને વાલું છે. એટલે ન ગમતાને પણ નિભાવી લઈ ખુદાની ખુશી મેળવી લેવી છે એ રીતે પોતાની જાતને જીતવાની છે.ખૂબ સુંદર ગઝલ!! કવિ શ્રી વલીભાઈને એક ઉત્તમ વાર્તાકાર તરીકે જાણતી હતી..આ ગઝલ વાંચી સલામ કરવાનું મન થાય છે.
-સપના વિજાપુરા happy new year (‘ધી મેસેજ’ ઉપર પ્રસિદ્ધ)
[…] ક્રમશ: (7) […]