RSS

Tag Archives: બાઈબલ

(576) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૮ (આંશિક ભાગ – ૪) યે ન થી હમારી ક઼િસ્મત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(ગતાંક આંશિક ભાગ – 3 ના અનુસંધાને ચાલુ)

યે ન થી હમારી ક઼િસ્મત (શેર ૧૦ થી ૧૧)  

ઉસે કૌન દેખ સકતા કિ યગાના હૈ વો યક્તા
જો દુઈ કી બૂ ભી હોતી તો કહીં દો-ચાર હોતા (૧૦)

(યગાના= અનુપમ; યક્તા= અદ્વિતીય; દુઈ= દ્વૈત, દો-ચાર= આમનો-સામનો)

અર્થઘટન અને રસદર્શન

શેરનો વાચ્યાર્થ તો સીધોસાદો આમ જ છે કે કોણ એ માશૂકાને જોઈ શક્યું છે કે  જે અનુપમ અને અદ્વિતીય છે. જો એ બે હોવાનો ઈશારો માત્ર જ હોત તો ક્યાંક ને ક્યાંક તેનો આમનો-સામનો થઈ જ ગયો હોત! આને થોડુંક વધુ સ્પષ્ટ સમજીએ તો તે એકમાત્ર એક જ  હોવાથી તેનો ભેટો થઈ જવાની શક્યતા બહુ જ ઓછી છે, પણ જો એ યથાતથ રૂપે ઓછામાં ઓછી બેની સંખ્યામાં હોત તો તેનું મિલન થઈ જવાની શક્યતા થોડીઘણી પણ વધી જાતા! આખી ગઝલમાં આ શેર સંપૂર્ણ રીતે ઉત્તમોત્તમ છે. સંભવત: ગાલિબે પણ આ વાતને સમર્થન આપ્યું છે. આ શેર હવે પછીના છેલ્લા શેરની આગળ છે અને તેનું તેની સાથે અનુસંધાન અને સાતત્ય પણ છે. હકીકતમાં થોડુંક સાહસ કરીને એમ કહી શકાય કે ગાલિબના સર્વકાલીન ઉત્તમ એવા બે કે ત્રણ શેર પૈકીનો આ શેર છે.

‘દો-ચાર હોના’ એ બોલાતી ભાષાનો પ્રચલિત શબ્દપ્રયોગ છે જેને આ ખૂબસૂરત ગઝલમાં પ્રયોજવામાં આવ્યો છે. જો કે એનો સીધો વાચ્યાર્થ ‘બે-ચાર’ એમ સંખ્યા તરીકે ન લેતાં રૂઢિપ્રયોગ તરીકે તેનો અર્થ તો ‘એકબીજા સાથે ભેટો થઈ જવો’ કે ‘આકસ્મિક ટકરાઈ જવું’ એમ જ લેવો પડશે. હવે આ શેર સમજવો થોડો પડકારજનક હોઈ તેના ગૂઢાર્થને પકડવા માટે હિંમત ધારણ કરવી પડે. અહીં માશૂકા આસાનીથી નજરે પડી જાય તેમ નથી, કેમ કે તેનું એકલીનું સૌંદર્ય એકમેવ છે, કેમ કે તેની અન્ય જોડ મળવી મુશ્કેલ છે. તેના મુકાબલામાં કોઈ આવી શકે તેમ ન હોઈ તે ખાસ મોભો ધરાવે છે. તે એક જ છે, પણ તેની પાસે ઊભી રહે શકે તેવી અન્ય કોઈ એક તે સાથે મળીને એકંદરે બે હોય તો કદાચ તેનાં દીદાર (દર્શન) થઈ શકે અને તેમ થાય તો જ તેને મૂળ અથવા સમાંતર સ્વરૂપે કોઈકવાર અને ક્યાંક કદાચ મેળવી શકાય. અહીં નાજુક અર્થઘટન એ લેવાનું છે કે માશૂકના તરફથી એને મળવાનો કોઈ પ્રયત્ન નહિ હોય પણ પોતે જ પોતાની રીતે દેખા દેશે, શરત માત્ર એ કે તે પોતે બે તરીકે હોય!

અગાઉના શેરોમાં આપણે ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી અંગે જાણી ચૂક્યા છીએ, જે અનુસાર સૂફી મત પ્રમાણે માશૂકની માશૂકા ભૌતિકના બદલે દિવ્ય પણ સમજી શકાય.આ દિવ્ય માશૂકા એટલે કે ઈશ્વર. તેમના મત પ્રમાણે તે દૃશ્ય ન હોઈ આ શેરમાં જે માશૂકા ઉલ્લેખાઈ છે તે માત્ર તે જ હોઈ શકે, કેમ કે તે અદ્વૈત છે. આમ તેને ચર્મચક્ષુથી નહિ, પણ અંતરચક્ષુથી જોઈ તો ન જ શકાય પણ તેની માત્ર અનુભૂતિ જ થઈ શકે. આમ ગ઼ાલિબ કહેવા માગે છે કે ઈશ્વર તો માત્ર એક જ છે, જે  સંખ્યાના અર્થમાં પણ નહિ, પણ એકત્વ તરીકે તેને સમજવો પડે. જો એકને સંખ્યા તરીકે લઈએ તો તેના પછી બે અને આગળ તેથી અધિક સંખ્યાઓ આવી શકે, પરંતુ તેમ હરગિજ નથી. જો તે સ્થૂળ હોય તો જ તે ગણતરીમાં આવી શકે. પરંતુ તે તો દિવ્ય છે, નિરાકાર સ્વરૂપે છે. આમ તેને માત્ર અને માત્ર તે જ તરીકે ગણવો પડે. ભક્તજનો પણ તેને ‘તુંહી’ તરીકે જ ઓળખે છે. ધર્મશાસ્ત્રોમાં પણ તેને આમ જ સમજાવાયો છે. સારાંશે ઈશ્વર એકમેવ હોઈ તેના સિવાય અન્યના હોવાપણાનો વિચાર સુદ્ધાં પણ ન કરી શકાય. આમ ગ઼ાલિબ અહીં અદ્વૈત વિચારધારાનો પુરસ્કારકર્તા જણાય છે. વળી તે કદાચ કર્મે નહિ, તો જન્મે પણ મુસ્લીમ હોઈ ઈસ્લામિક અદ્વૈતવાદને સ્વીકારે તે સ્વાભાવિક પણ છે. વળી આ અદ્વૈતવાદ હિંદુ વિચારધારામાં પણ એક મત તરીકે પ્રવર્તમાન છે. બાઈબલમાં પણ ‘No man can serve two masters’નું કથન છે.

છેલ્લે આપણે તત્ત્વદર્શનના સમાપને આવીએ તો ગ઼ાલિબ ગૂઢાર્થમાં સંતવાણી ઓચરે છે અને અદ્વૈતવાદને ટેકો પૂરો પાડે છે. ગ઼ઝલના આગામી છેલ્લા શેરમાં આ શેરના સાતત્ય અને અનુસંધાન અંગે અગાઉ જણાવી દેવાયું છે. આ શેરના વિવરણના અતિવિસ્તાર માટે હું ક્ષમાપ્રાર્થી છું.

* * *

યે મસાઈલ-એ-તસવ્વુફ઼ યે તિરા બયાન ગ઼ાલિબ
તુઝે હમ વલી સમઝતે જો ન બાદા-ખ઼્વાર હોતા (૧૧)

(મસાઈલ-એ-તસવ્વુફ઼= ભક્તિની સમસ્યાઓ; બયાન= વર્ણન; વલી= ઋષિ, મુનિ, સંત ; બાદા-ખ઼્વાર=  શરાબી)

અર્થઘટન અને રસદર્શન

ગ઼ઝલનો આ આખરી શેર ‘જરા હટકે’ છે અને મર્મહાસ્ય પણ નિષ્પન્ન કરે છે. ગ઼ઝલનો આ મક્તા શેર ‘ગ઼ાલિબ’ દ્વારા રચિત જ છે, પણ તે ચાહકો, ભાવક કે પાઠક પક્ષે રજૂ થયો હોવાનો આભાસ થાય છે. ગ઼ઝલના બયાન અંગે જાણે કે ગ઼ાલિબના ચાહકો તેમને એક વલી (સંત) તરીક સ્વીકારી લેવા માગે છે, બાશરત કે જો તે શરાબી ન હોત તો!!! ગ઼ાલિબ શરાબી હતા એ જગજાહેર છે અને તેમણે  નિખાલસપણે તેમની આ એબનો અનેક જગ્યાએ સ્વીકાર પણ કરેલ છે. આમ પોતે કબૂલ કરે છે કે તેઓ કદીય તે વલી કે સંતની હરોળમાં આવી શકે નહિ. માનવીના ગુણો કે અવગુણોને ઈશ્વર તો જાણે જ છે તો પછી તેના બંદાઓથી એ વાત કેમ છૂપી રાખવી જોઈએ? હિંદી વિખ્યાત ચલચિત્ર ‘મોગલે આઝમ’ના એક વિખ્યાત ગીતના અવિચલ શબ્દો પણ છે કે ‘પર્દા નહિ જબ કોઈ ખુદાસે, તો બંદોસે પર્દા કરના ક્યા’. આમ આ નિખાલસ કબૂલાતથી ગ઼ાલિબ એમ જણાવે છે કે કોઈ માનવી કદીય સપૂર્ણ તો ન જ હોય, કેમ કે સંપૂર્ણ તો એક માત્ર ઈશ્વર જ હોય અને તેથી જ ‘સંપૂર્ણ કેવલો હરિ’ એમ કહેવાય પણ છે. આમ ગ઼ઝલ અને શેરની આખરી પંક્તિ ગ઼ઝલના શિરમોર સમી બની રહે છે.

* * *

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૨૧)                                                  [આંશિક ભાગ ૪ સંપૂર્ણ]

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

 

Tags: , , , ,

(૪૯૩) “કોરો કાગળ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૪) -વલીભાઈ મુસા

A piece of blank paper

A Muslim wrote “Quran”
A Christian wrote “Bible”
A Jewish wrote “Torah”
A Hindu wrote “Gita”.
On a piece of blank paper

Everyone claimed
their version of the truth
to be the real truth
the only truth.

A pandemonium ensued
peace unraveled
Tempers flared
Chaos erupted

In great agony
the paper screamed
stop these hatred
these unholy wars
stop it all

let me be
let me just be
a blank piece of paper.

– Vijay Joshi

* * * * *

કોરો કાગળ

(અછાંદસ)

મુસ્લીમે લખ્યું ‘કુરાન’
ને ખ્રિસ્તીએ લખી ‘બાઈબલ’.
યહુદીએ લખ્યું ‘તોરાહ’
તો વળી, હિંદુએ લખી ગીતા;
કોરા એક કાગળ ઉપર.

દાવો દરેકનો એકસરખો;
કે તેમનો ગ્રંથ સત્ય,
આખરી સત્ય
ને એક માત્ર સત્ય.

કોલાહલ ઊઠ્યો,
શાંતિ ડહોળાઈ,
મિજાજ ભડક્યા,
અંધાધૂંધી ફાટી, સઘળે.

તીવ્ર પીડાએ
કાગળ ચીસ્યો :
આ ધિક્કાર બંધ કરો,
આ નાપાક યુદ્ધોય બંધ કરો.
આ સઘળુંય બંધ કરો.

મને રહેવા દો,
ખરે જ મને રહેવા દો,
કોરા કાગળનો એક ટુકડો જ !

– વિજય જોશી (કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

કોરો કાગળ (સંક્ષેપ)

કાગળનો કોરો ટુકડો કોરા કાગળ તરીકે જ અસ્તિત્વમાં આવ્યો અને લહિયાઓએ પ્રાચીન ધર્મગ્રંથોની હસ્તપ્રતો તેના ઉપર લખી કાઢી. તેમણે ઈરાદાપૂર્વક પોતપોતાની તરફેણ અને વિરુદ્ધનાં અવળાં અર્થઘટનો એ કાગળમાં લખી નાખ્યાં; જેનું પરિણામ એ આવ્યું કે ધર્મયુદ્ધો, દલીલબાજીઓ, ધિક્કારની ભાવના, ધર્માંધતા વગેરે વગેરે ઊગી નીકળ્યાં. અહીં રૂપક તરીકે લેવાયેલો કોરા કાગળનો ટુકડો ધર્મગ્રંથોનાં ખોટાં અર્થઘટનો સામે બળવો પોકારી ઊઠ્યો અને આજીજી કરવા માંડ્યો કે તેને એકલો છોડી દેવામાં આવે, કોઈપણ ધર્મ સાથેના જોડાણથી તેને મુક્ત રાખવામાં આવે અને તેને માત્ર અને માત્ર એક કોરા કાગળ તરીકે જ રહેવા દેવામાં આવે.

 – વિજય જોશી (કવિ)

 – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

* * * * *

 

Tags: , , , , , , , , ,

(૪૨૬) તાંહળેતાંહળે પીજો ! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

રબારી વાસે,

સંવાદ ભજવાય બે જણ વચાળે કંઈક આવો :

‘ભાયા, ઊંટના લબડતા હોઠની જ્યમ મોંઢું લટકાઈને ચ્યમ બેઠો સે ?’

‘અલ્યા બીજલિયા, ઊંટ ખોવાયું સે !’ ચેહરો વદે.

’તીં કાંઈ હોધખોળ્ય કરી કે બસ ઈંમ બગલમું હાથ ઘાલીનં બેહી રિયો સે !’

’આખો વગડો ફરી વળ્યો, લ્યા, પણ કાંય પતોપજેરું મળતું નથ !’

’અલ્યા બગલમાં સોરું અનં ગોંમમું ઢોલ વગડાવવા જેવું તો નથ થ્યું !’

‘તારા કેવાનો અરથ હું લ્યા ?’

‘એટલ કે, ઘેર આવી તો નથી ગ્યું ને !’

‘અલ્યા, ઘેર તો ગુડાંણો સું ! અનં વાડોય જોઈ વળ્યો, હંધાંય ઊંટ પણ ગણી લીધાં, બે બે વાર !’

’એમ કર્ય, તું દસેક કપ દેહાઈણી પાહે ચા મેલાવ્ય અને હું ભઈબંધોને પકડી લાવું સું,

ફરી વગડો ખૂંદી વળીએ ! ગદ્ધીનું ચ્યમ નોં જડે ?’ વદે બીજલ.

*     *     *

‘અલ્યા, બધા ઘરમું ચ્યમ પેહી જ્યા સો, અનં ફેદમફેદ કરીનં હું હોધો સો ?’ પૂછે દેહાઈણી.

‘પુસ્ય તારા ચેહરિયાને, તમારુ ઊંટ હોધાં સ વળં !’ એક કડિયલ જવાન વદે.

’અલ્યા, અતારના પોરમાં અફેણકહુંબો વધારે સબડક્યો સે કે શું,

ઘરમાં ઊંટ ? બધાની ચસકી તો નથ ન !’

‘આ તો વગડે રખડવા પેલાં ઘર જોઈ લેવું હારું !’ એક કહેવાતો ડાહ્યો વદે.

’તમે દહે જણા પેલા ડૂબી મરેલા અવગતિયા તો નથં કે !’

’એ કુંણ વળી ?’

’દહ માથોડાં નદીમું હઉના વરાડે એક આવે ઈમ કેઈનં ડૂબી મર્યા’તા તીં વળી !’

’અમે એ નથં ! લૂલી હલાયા વગેર અમારી ચા મેલ્ય અને કોંમ કરવા દે.’ ચેહરો વદે.

’પણ મન હાંભળસો કે, અકલના દેવાળિયાઓ; પણ..પણ,,, ચેહરા, મોરિયામાં હું ઢૂંઢે સે ?’

’ઊંટ જ તો વળી !’

’અલ્યા, એવડું મોટું ઊંટ અને મોરિયામાં ! અરે રોંમ, તમે તો સોકરાંય વટ્યા !’

’જોય લેવામું હું ખાટુમોળુ થાય, હંતોક તો થઈ જાય એક વાતનો !’

’અરે મુઆઓ, મનં બોલવા તો દિયો. પશાદા’ના કુએ મીં ઈનં બોંધી આઈ સુ !’

’હેં પણ ચ્યમ અનં ચ્યારં ?’ ચેહરો પૂછે.

’તમે *ખરચે જ્યા તા તાણં. ઘેઘુર લેબડો હોર્યો સે ઈંયાં, ચારો લાદવો’તો, ઈ વેગાઈ મારાથી **ઝેકર્યો જ નઈ 1’

‘પણ મારી વાટ્ય તો જોવી’તી, મુઈ !’

’પણ પશાદાઈ કીધું, ભાગ્ય’લી મેંનડી, નીં તો બીજો હાવરી જાહે !’

‘હત્તારીની ! પણ, હાંભળ્યું કે ? આ કોઈનં કેતી નીં, ની તો અમારી ફજેતી થાહે !’

‘ભલ, અસ્તરીની જાત તોય મું તો નીં કું, પણ તમ ***મોરિયામાં ઊંટ હોધવાવાળા  સોકરડોંનો હું ભરુંહો, તમે જ ભહી મરસો !’,

હાથના લહેકે મેનાં દેહાઈણીએ હસતાંહસતાં મેણું માર્યું.

શરમના માર્યા ટપોટપ સૌ વિખરાવા માંડ્યા,

પણ ચેહરો કે’ કે ‘અલ્યા, ચા પીનં જોવ !’

‘તમ બેઉ તાંહળેતાંહળે પીજો, એ રોંમ રોંમ !’

-વલીભાઈ મુસા

(તાંહળું = તાંસળું (પિત્તળનું છીછરું વાસણ)*ખરચુ = જાજરૂ ; ઝેકારવું = ઊંટ બેસાડવું ; ***મોરિયો = માટીનો ઘડો)

નોંધ : –
“બાઈબલમાં છે કે ‘ઈસુએ કહ્યું હતું કે ‘ધનવાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશે એના કરતાં ઊંટ સોયના નાકામાં થઈને જાય એ સહેલું છે.’”. આ ક્થનની યાદ આવી જતાં ઉપરોક્ત કાવ્યરચના સર્જાઈ ગઈ છે.

(‘વેબગુર્જરી’ ઉપર પ્રકાશિત તા.૦૨-૦૩-‘૧૪)   

 

Tags: , , ,