RSS

Tag Archives: ભજંકીર્તન

(૩૩૬) ડો. ચન્દ્રવદન મિસ્ત્રી- એક વિશિષ્ટ વ્યક્તિત્વ

(૩૩૬) ડો. ચન્દ્રવદન મિસ્ત્રી- એક વિશિષ્ટ વ્યક્તિત્વ

કેલિફોર્નીઆ (અમેરિકા) સ્થિત નિવૃત્ત ડો. ચન્દ્રવદન મિસ્ત્રી (M.D. – Internal Medicine) ભલે દૈહિક રીતે અમેરિકા ખાતે રહેતા હોય, પણ તેમનો આત્મા અહર્નિશ માદરે વતન એવી ભારત ભોમકાને જ ઝંખ્યા કરતો હોય છે. વિદેશોમાં વસતા મારા અસંખ્ય બ્લોગર-નેટર મિત્રો પૈકીના કેટલાક કે જેમની સાથે મારે રોજબરોજનો વધુ સંપર્ક રહેતો હોય છે, તેમનામાંના એક છે આ મિ. ચમિ. અમે કેટલાક મિત્રો ‘હાસ્યદરબાર’ બ્લોગ સાથે સંકળાએલા છીએ અને ત્યાંની પ્રણાલિ મુજબ અમે એકબીજાને ચમિ, સુજા, રાત્રિ, વમુ, હજા એવાં ટૂંકાં નામે સંબોધતા હોઈએ છીએ.

ઈન્ટરનેટમાં આજકાલ બહુ જ પ્રચલિત અને લોક્ભોગ્ય એવી બ્લોગિંગ પ્રવૃત્તિ વિશ્વભરના લોકોને એકબીજાની નજીક લાવવાનું કામ કરે છે. ભાઈશ્રી ચમિ અને હું (વમુ) બસ આ જ રીતે એક્બીજાને ઓળખતા થયા. ઈ.સ. ૨૦૦૭માં પાલનપુર ખાતે આવી ચૂકેલા તેમને એ વખતે હું ઓળખતો ન હતો. ત્યાર પછી અમારા મિત્રભાવે જોડાણ પછી ૨૦૧૨માં શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુર સંચાલિત માતુશ્રી રાજીબા વિદ્યાસંકુલ દ્વારા યોજાએલા તેમના માટેના સન્માન સમારંભમાં તેમની સાથે અતિથિવિશેષ તરીકે મારે પણ જોડાવાનું થયું હતું. મારા રમુજી સ્વભાવ મુજબ મારા પ્રાસંગિક પ્રવચનમાં મેં જણાવ્યું હતું કે પશુપાલકોની ગાયભેંશની ખરીદી ટાણે જેમ જે તે પ્રાણી સાથે તેનું બચ્ચું મફતમાં મળતું હોય છે, તેમ હું મુખ્ય મહેમાન એવા શ્રી ચન્દ્રવદનભાઈ સાથે આ સમારંભમાં મફતમાં આવ્યો છું.

હવે ડો.શ્રીના વ્યક્તિત્વ વિષે વિશેષ કંઈક લખું તે પહેલાં હું માનનીયશ્રી ગોદડભાઈ સાગરાસણીયા સાહેબ વિષે કંઈક લખવાથી મારી જાતને રોકી નથી શકતો. ડો.શ્રીએ પોતાની પાલનપુરની મુલાકાત પૂર્વે શ્રી ગોદડભાઈ સાહેબને મારો ફોન નંબર આપેલો અને આમ વર્ષો બાદ મને તેમની સાથે વાત કરવાનું અહોભાગ્ય સાંપડ્યું હતું. વર્ષો બાદ શબ્દોને હું સમજાવું તો માનનીય શ્રી ગોદડભાઈ સાહેબે પ્રાથમિક શિક્ષક તરીકેની પોતાની કારકીર્દિ કાણોદર ખાતેથી શરૂ કરી હતી. મારા મોટાભાઈ ઉપલા વર્ગોમાં તેમની પાસે ભણેલા, જ્યારે હું નીચલા વર્ગોમાં હતો અને પ્રત્યક્ષ રીતે તેમના હાથ નીચે ભણવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું ન હતું. એ વખતે તેઓશ્રીની ભૂગોળ, હિંદી અને ચિત્રકળા વિષયોની નિપુણતા સમગ્ર જિલ્લામાં પંકાતી હતી.

મારી થોડીક આડવાત બદલ મારા સુજ્ઞ વાચકોની માફી માગતાં મારા લેખના મુખ્ય વિષયે આવું તો ડો.શ્રી ચન્દ્રવદનભાઈ આપણા ગુજરાતી બ્લોગજગતમાં જાણીતી હસ્તી છે; બે રીતે, એક તો પોતાના ‘ચન્દ્રપુકાર’ બ્લોગના બ્લોગર તરીકે અને બીજી મોટાભાગના ગુજરાતી બ્લોગ ઉપર પોતાના પ્રતિભાવ આપનાર પ્રતિભાવક તરીકે. એમના પોતાના બ્લોગ ઉપરની પોતાની રચનાઓ ઉપર મારા પ્રતિભાવની તેમને ખાસ અપેક્ષા રહેતી હતી, એટલા માટે કે તેઓશ્રી મને ઈમેઈલ દ્વારા એમ જણાવતા હતા કે મારા પ્રતિભાવો તેમના માટે એક Asset (અસ્ક્યામત) સમાન છે. આની પાછળનો તેમનો ગર્ભિત આશય એ હતો કે તેઓશ્રી પોતાના લેખનકાર્યમાં મારા/અમારા જેવાઓના પ્રતિભાવો થકી ઉત્તરોત્તર પ્રગતિ કરવા ઈચ્છતા હતા.

મારા તેમની સાથેના નવીન પરિચય વખતે તેમના વિષે વધુ જાણવા માટે હું તેમના બ્લોગનાં લખાણોમાં ઊંડો ઊતર્યો ત્યારે તેમના વ્યક્તિત્વનાં અનેક પાસાંઓ પૈકીનાં બે પાસાંઓએ મને વિશેષ આકર્ષ્યો. તેમના વ્યક્તિત્વનું એક પાસું છે લક્ષ્મી પરત્વેની તેમની નિસ્પૃહતા અને બીજું પાસું છે તેમની સરસ્વતીની ઉપાસના. પ્રથમ પાસા થકી આપણને એ જાણવા મળે છે કે તેમણે કોઈક ઉદ્યોગપતિની જેમ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પોતાની તબીબ તરીકેની કારકીર્દિની નિશ્ચિત આવકમાંથી પણ બેસુમાર દાન કર્યું છે. તેમના વ્યક્તિત્વના દ્વિતીય પાસામાં મેં જે તેમની સરસ્વતીની ઉપાસનાની જે વાત કહી છે તેનું તાત્પર્ય એ કે તેમણે ભજનકીર્તન ઉપરાંત વ્યક્તિલક્ષી અને સંસ્કારલક્ષી કોણ જાણે કેટલીય પદ્ય અને ગદ્ય રચનાઓ લખી છે જે થકી આપણને એમ જ લાગ્યા કરે કે એક તબીબીશાસ્ત્ર એટલે કે વિજ્ઞાનના માણસ આવું સાહિત્ય પણ લખી શકે છે! તેમણે એક ડોક્ટર તરીકેના પોતાના જ્ઞાન-વિજ્ઞાનનો લાભ પોતાના આરોગ્યલક્ષી લેખો થકી પોતાના બ્લોગના વાચકો સુધી પહોંચાડ્યો છે અને આમ તેઓશ્રી પોતાની ડોક્ટર તરીકેની ફરજોમાંથી પણ મુક્ત થયા નથી.

વિવેચન સાહિત્યમાં એક પ્રચલિત સૂત્ર છે કે શીલ તેવી શૈલી. ચન્દ્રવદનભાઈની કાવ્યરચનાઓ ભાવસભર માલૂમ પડે છે. તેમનો સંવેદનશીલ સ્વભાવ અને નાના બાળકશો નિખાલસ ભાવ તેમની રચનાઓમાં ડોકાયા સિવાય રહેતો નથી. કોઈ વ્યક્તિના પરિચય વિષે પોતે કંઈક લખતા હોય કે કોઈક મિત્રના સ્નેહીજનના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે કંઈક લખતા હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ માણસ દિમાગથી નહિ, પણ દિલથી લખે છે. તેમની તાજેતરની પાલનપુરની મુલાકાતટાણે તેઓશ્રી તેમનાં ધર્મપત્ની કમુબહેનને તેમની નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદથી સાથે લાવ્યા ન હતા. તેમને પાલનપુર લાવવા માટેની કામગીરી મારા પુત્ર અકબરઅલીએ સંભાળી હતી. મારા પુત્રે કમુબહેનની તબિયતને જોતાં તેમને એવી સલાહ આપી હતી કે તેઓ પાલનપુરનો કાર્યક્રમ અન્ય દિવસ ઉપર મુલતવી રાખે, પણ તેમણે પોતાનો નિર્ધાર એ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો કે તેઓ પોતાના એ કાર્યક્રમમાં સમયસર ન જઈને પાલનપુરના કેટલાય જણના સમયને તેઓ કેવી રીતે બરબાદ કરી શકે! સમયપાલન અને વચનબદ્ધતા માટે ગમે તેવું જોખમ ખેડી લેવાની તેમની તત્પરતા એ બતાવી આપે છે કે સ્વયંશિસ્તના પાલનમાં તેમની પાસે બાંધછોડને કોઈ અવકાશ રહેતો નથી.

પાલનપુરનો કાર્યક્રમ પતાવ્યા પછી અમદાવાદ પાછા ફરતાં તેમણે સામે ચાલીને કાણોદર ખાતે મારા ઘરની અને મારાં કુટુંબીજનો તેમજ ગામની વિવિધ સંસ્થાઓની ઊડતી મુલાકાત અને ફોટોગ્રાફી કરી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સઘળું બતાવી આપે છે કે તેઓશ્રી પોતાનાં કુટુંબીજનો અને એમાંય ખાસ કરીને પોતાનાં અર્ધાંગનાથી પણ વિશેષ અન્ય માનવીય સંબંધોને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં માને છે. આ પ્રકારના ઉમદા વ્યક્તિત્વને વિકસાવવું એ અલ્પ સમયની નિપજ કદીય હોઈ શકે નહિ. જીવનભરની સાધના જ માનવીને માનવીય સંબંધોના આ મુકામ સુધી લાવી શકે. પોતાનું મોટા ભાગનું જીવન અમેરિકામાં પસાર થયું હોવા છતાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવી જાણનાર આ જણ સંતોષી તો ખરા જ, પણ સાથે સાથે ઈશ્વરમાં અતુટ શ્રદ્ધા ધરાવતા હોવાના કારણે તેઓ હર હાલતમાં ખુશ રહેવામાં માનતા હોઈ તેમણે પોતાની જિંદગીમાં કદીય કોઈ ગિલાશિકવાને સ્થાન આપ્યું નથી.

તેમના જીવન અને જીવનકાર્ય ઉપર માનનીય ગોદડભાઈસાહેબ એક પુસ્તક લખી રહ્યા હોઈ તેમની દાનભાવના અને દાનધર્મનાં કામો વિષે તેઓશ્રી વિગતે લખવાના હોઈ તેમના વ્યક્તિત્વના એ પાસા વિષે હું અહીં એટલા માટે વિશેષ કંઈ લખતો નથી કે જેથી કરીને લખાણમાં પુનરાવૃત્તિ ન થાય. મુરબ્બીશ્રી સાગરાસણીયા સાહેબે તેમના એક પત્રથી મને જણાવ્યું કે હું ડો.શ્રી ચન્દ્રવદન મિસ્ત્રી વિષે કંઈક લખું કે જેથી તેમના વિષેના પુસ્તકમાં મારા આ લખાણને એક પ્રકરણ તરીકે સ્થાન આપી શકે. ડોક્ટર સાહેબનું સમગ્ર જીવન આ લઘુલેખમાં સમાવવું એ મુશ્કેલ કાર્ય છે, આમ છતાંય મેં ગાગરમાં સાગર સમાવવા જેવી મેં મારી અલ્પ મતિ મુજબની યથાશક્તિ કોશીશ કરી છે. મને આશા છે કે આ પુસ્તકના વાચકોને મારા આ પ્રકરણમાં તેમની અપેક્ષા મુજબનું વાંચવા ન મળ્યું હોય તો મને દરગુજર કરશે.

સમાપને, ડો.શ્રી ચન્દ્રવદન મિસ્ત્રી સાહેબ માટે પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે તે તેમને તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય બક્ષે કે જેથી તેમના તન, મન અને ધન થકી વધુ ને વધુ માનવતાનાં કાર્યો થતાં રહે. અસ્તુ.

– વલીભાઈ મુસા (કાણોદર)

“William’s Tales”  (https://musawilliam.wordpress.com)

 

Tags: , , , ,