(હઝજ – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા)
રડે જો આપ્તજન આખર પળે જીવતર સફળ જાણું
રડે જો દિલ દઈને તો જ મુજ વળતર સફળ જાણું
નિભાવ્યો સાથ જીવનભર સુખેદુ:ખે ભલે સૌએ
મરણવેળે તજું હું મોહ તો ભવતર સફળ જાણું
ન કેવળ જાત ખાતર જીવવું શીખ્યા અમે એ તો
રહીએ એ ઉસૂલે સજ્જ તો રળતર સફળ જાણું
ઉછેર્યાં અવ તણાં વારસ ભણાવી નીતિના પાઠો
હવે જીવી બતાવે તો જ એ ઘડતર સફળ જાણું
ગ઼ઝલ કાવ્યો સરજિયાં ખૂબ જીવનભર લખીને તો
અમર જો થાય એકાદુંય તો કવતર સફળ જાણું
ભણીને પ્રેમનું ભણતર અને ડાહી ઘણી વાતો
નિભાવું એક પણ જો તોય મુજ ભણતર સફળ જાણું
ઉછીના શ્વાસ લઇને તો ‘વલી’ જીવ્યા ભલે જગમાં
હિસાબો હોય ચોખ્ખા તો જ તુજ ગણતર સફળ જાણું
-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)
તા.૨૩૧૧૧૭
(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૩૧૧૧૭)
[…] Click here to read in English […]