RSS

Tag Archives: ભૂલસુધાર

(૪૦૨) ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (અક્ષરનાદ) – મારો પ્રતિભાવ (૧)

મૂળ લેખ : ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી  (ક્લિક કરો)

મારો પ્રતિભાવ (૧) 

મિત્રો, 

વણવિચાર્યા ગુજરાતી ભાષા વિષેના અભિપ્રાયો આપીને ગુજરાતી ભણતા કે શીખતા વિદ્યાર્થીઓ અને ગુજરાતી શીખવતા કે શીખતા (!!!) શિક્ષકોને બેજવાબદાર બનાવશો નહિ. પેલી ચીની કહેવતને સમજીએ :’જો દેશના વિકાસ માટે એક વર્ષની યોજના બનાવવી હોય તો અનાજ વાવો, દસ વર્ષની યોજના બનાવવી હોય તો વૃક્ષો વાવો અને સો વર્ષની યોજના બનાવવી હોય તો બાળકો વાવો.’ આમાં વાત એમ છે કે બાળકોને ભણાવીને જે રીતે તૈયાર કરવામાં આવે તેનું પરિણામ સો વર્ષે મળે. આટલા એક સૈકાના સમયગાળામાં આગળની પેઢીઓ નામશેષ થઈ ગઈ હોય અને પેલાં તૈયાર થએલાં બાળકો જેવી રીતે ઘડાયાં હોય તે પ્રમાણેની દેશની નીતિરીતિ બની રહે. અહીં મેં એ કહેવતનો અભિપ્રેત અર્થ સમજાવ્યો છે.

ચીનને આપણે ૧૯૬૨થી દુશ્મન દેશ ગણતા આવ્યા હોઈ તેની કહેવતને એ જ અર્થમાં ન સમજતાં ‘બાળકો’ અંગેની વાતમાં ગુજરાતી ભાષાના સંદર્ભે વિચારતાં સો વર્ષનો એ સમયગાળો ટૂંકાવીને આપણે દસ વર્ષનો જ કરવો પડશે. જો ગુજરાતી ભાષાને બદલાવ, પરિવર્તન, સમયનો તકાજો એવાં રૂડાંરૂપાળાં બહાનાંઓ થકી ‘ઘઉંમાંથી કાંકરા વીણવા’ના બદલે ‘કાંકરામાંથી ઘઉં વીણવા’ જેવી સ્થિતિમાં લાવી જ દેવાની હોય તો ગુજરાત વિધાનસભામાં ‘મન ફાવે તેમ ગુજરાતી પ્રયોજો’ એવો ઠરાવ જ પસાર કરાવી લઈએ તો દસના બદલે પાંચ જ વર્ષમાં આપણે ધાર્યું પરિણામ મેળવી શકીશું !

અરે મારા ભાઈઓ અને બહેનો (જો તેમનામાંથી પણ કોઈ બહેનો ગુજરાતી ભાષા ઉપર ઝાડુ ફેરવીને તેને કહેવાતી રીતે ચોખ્ખી કરી દેવામાં માનતી હોય તો જ !), આપણી નહિ તો બીજાની છાતી ઉપર હાથ મૂકીને આપણે કહીએ કે આપણે જો અંગ્રેજી ભાષા જાણતા હોઈએ તો આપણે ગુજરાતી માટે હમણાં જે ગાવાવગાડવાનું શરૂ કર્યું છે, તેવી ઠોકંઠોક ત્યાં ચલાવીશું ખરાં ? કોમ્પ્યુટર ઉપર એકાદ લીટી પણ છાપ્યા પછી તરત જ ‘Check Spelling’ ના ખોળાનો આપણે આશરો નહિ લઈએ ? આ જ રીતે આપણે ગુજરાતી લેક્સિકોનનો સહારો લઈને શું આપણે ભૂલસુધાર ન કરી શકીએ ? ભાઈ-બાઈ, ગુજરાતી તો શું દુનિયાની કોઈપણ ભાષા શીખવા જઈશું તો તેની પ્રવર્તમાન પદ્ધતિને જ અનુસરવું પડશે.

અંગ્રેજીમાં તો Spelling ની બાબતમાં એટલી બધી અનિયમિતતાઓ છે કે આપણે  એ બધું અંગ્રેજી શીખવા માટે હરખપદુડા થઈને સાંખી લઈએ. આપણે સ્ટેશન શબ્દમાં Station એમ લખીએ છીએ અને આપણા મગજમાં ‘શ’ માટે tio રૂઢ થઈ જાય અને પછી ટ્યુશન માટે આપણે ‘Tution’ લખી નથી નાખતા, કેમ કે આપણને ખબર છે કે વચ્ચે I (આઇ) ઘૂસી ગયો છે અને તેને બરાબર યાદ રાખીને Tuition જ લખીશું. આવી તો અંગ્રેજીમાં શબ્દેશબ્દે મારામારી છે. આપણે  ‘સાયકોલોજી’માં કાકા કહીને આગળ ‘P’ મૂકીશું. અંગ્રેજીના કેટલાક શબ્દો દેશેદેશે અલગ રીતે બોલાય છે તેને પણ આપણે યાદ રાખીશું. બ્રિટીશ ઉચ્ચારમાં Schedule ને શેડ્યુલ બોલીશું, ભારતીય ઉચ્ચારમાં શિડ્યુલ બોલીશું અને અમેરિકન અંગ્રેજીમાં સ્કેડ્યુઅલ કે સ્કેજ્યુઅલ બોલીશું. ગુજરાતીમાં આ બધી સરખામણીએ ઘણી ઓછી તકલીફો છે. ગુજરાતી બોલીઓને બાજુએ રાખો તો આપણી શુદ્ધ ગુજરાતી દુનિયાના કોઈપણ દેશમાં બોલાય ત્યાં જો બોલવાવાળો સજાગ રીતે બોલે તો બધે જ ‘પત્નીના ભાઈ’ ને ‘સાળા’ તરીકે જ સંબોધશે, શાળો (Looms) નહિ કે સાલો પણ નહિ (નહિ તો સગો સાળો પણ ગાળ સમજી બેસશે !).

આ તો ભાઈ ‘ઘરનો જોગી જોગટો’ જેવી વાત આપણે કરી રહ્યા છીએ ! ફોર્બસ દલપતરામ પાસે ટ્યુશન લઈને શાસ્ત્રીય રીતે ગુજરાતી શીખે, સેમ્યુઅલ હેરી અમદાવાદ આકાશવાણી ઉપર આપણું માથું શરમથી ઝૂકી જાય તેવા ફાંકડા ઉચ્ચારોમાં સમાચારવાંચન કરી શકે, રેવ. ફાધર વાલેસ સરસ મજાના ચારિત્ર્યવિષયક નિબંધો લખે, BBC રેડિયો નિષ્ણાત ગુજરાતીભાષી પાસે ગુજરાતી સમાચારવાંચન કરાવે ! આ બધું કેમ બની શકે ? તો આનો જવાબ એ છે કે તેઓ ગુજરાતીને પરદેશી ભાષા તરીકે સ્વીકારીને પદ્ધતિસર શીખતા હોય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે કે દુનિયાનો કોઈપણ ભાષાનો માણસ માતૃભાષાને બેદરકારીથી જ શીખતો હોય છે. અમેરિકા-ઈંગ્લેન્ડવાળા પણ વ્યાકરણમાં ઢઢ્ઢા જ હોય છે. એ લોકો સ્કૂલોમાં અંગ્રેજી વ્યાકરણ શીખવવા માટે બિનઅંગ્રેજી શિક્ષકો રાખતા હોય છે.

અતિવિસ્તાર થયો હોવા છતાં ઉપસંહારરૂપે એટલું જ કહેવાનું મન થાય છે કે આપણે ‘માતૃભાષા ગુજરાતી’ એમ બોલવાનું બંધ કરીને માત્ર ‘ગુજરાતી’ જ બોલવાનું રાખીએ અને ‘ગુજરાતી’ને પરાઈ ભાષા સમજી લઈને તે જ રીતે વ્યવસ્થિત શીખીશું તો જ શીખી શકાશે. નહિ તો …..!

-વલીભાઈ મુસા

 

 

 

Tags: , , , , ,