(ગતાંક આંશિક ભાગ – ૨ ના અનુસંધાને ચાલુ)
દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૭ થી ૯)
વાઁ વો ગ઼ુરૂર-એ-ઇજ્જ઼-ઓ-નાજ઼ યાઁ યે હિજાબ-એ-પાસ-એ-વજ઼અ
રાહ મેં હમ મિલેં કહાઁ બજ઼્મ મેં વો બુલાએ ક્યૂઁ (૭)
(ગ઼ુરૂર-એ-ઇજ્જ઼-ઓ-નાજ઼= પોતાની શાનનું ગૌરવ; હિજાબ-એ-પાસ-એ-વજ઼અ= પોતાની પ્રણાલિકા બદલી દેવાની શરમ; બજ઼્મ=મહેફિલ, ગોષ્ઠિ)
અર્થઘટન અને રસદર્શન:
ગ઼ાલિબે અગાઉના શેર ક્રમાંક (3) અને (૪) માં માશૂકાના સૌંદર્યને અજીબોગરીબ કલ્પનામઢિત ઉદ્દીપકો કે ઉપમાનો થકી પ્રશંસ્યું છે. તો અહીં વળી આ શેરમાં તેમણે તેના ગુણો દર્શાવીને તેને સામાન્ય કરતાં ઘણી ઊંચી પાયરીની ઓરત ગણાવી છે. તેને પોતાની શાનનું ગૌરવ છે, મિથ્યાભિન નથી. ગૌરવ અને અભિમાન વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. તેણે ગૌરવની મર્યાદાને જાળવી રાખી છે. તે નકાબ ધારણ કરવા જેવી સામાજિક પરંપરાઓને વળગી રહી છે. એ પ્રણાલિકાઓને ત્યજી દેતાં એ શરમ અનુભવે છે. આમ લજ્જા એ તેનું ઘરેણું બની જાય છે. હવે એ માશૂકા ગોષ્ઠિ માટે તેમને બોલાવતી નથી અને તેનો તેમને અસંતોષ કે અફસોસ પણ નથી, કેમ કે તેઓ કદીય માશૂકાને રસ્તામાં મળ્યા પણ નથી. આમ ગ઼ઝલકાર માશૂકાને પ્રત્યક્ષ મળીને કે તેની સાથેની વાતચીત કરીને કોઈ નૈકટ્ય સાધવા નથી માગતા; માત્ર દૂરથી જ તેનો દીદાર (દર્શન) કરી લે છે, કેમ કે તેઓ તેને માત્ર નિખાલસ દિલે ચાહે છે, તે જ તેમના માટે પર્યાપ્ત છે અને તેઓ પોતાની મહોબ્બતને ઉત્કૃષ્ટ કક્ષાએ જાળવી રાખવા માગે છે.
* * *
હાઁ વો નહીં ખ઼ુદા-પરસ્ત જાઓ વો બેવફ઼ા સહી
જિસ કો હો દીન ઓ દિલ અજ઼ીજ઼ ઉસ કી ગલી મેં જાએ ક્યૂઁ (૮)
(ખ઼ુદા-પરસ્ત= આસ્તિક; બેવફ઼ા=વફાદાર નહિ તે; દીન ઓ દિલ= ધર્મ અને હૃદય; અજ઼ીજ઼= પ્રિય)
અર્થઘટન અને રસદર્શન
આ શેરના પહેલા મિસરાના પૂર્વાર્ધ અને અનુગામી મિસરાના પૂર્વાર્ધમાં પહેલી નજરે વિરોધાભાસ લાગી શકે છે, પરંતુ એ બંને બાબતોની કક્ષામાં ફરક છે. પ્રારંભમાં માશૂકાને ખુદાપરાસ્ત અર્થાત્ ઈશ્વરમય ન હોવા તરીકે અને સાથે સાથે તેના પ્રત્યે બિનવફાદાર પણ હોવાનું દર્શાવ્યું છે, જ્યારે પાછળથી તેને તેના મજહબ ઉપર પાબંધ ગણાવી છે. પરંતુ આ બંને બાબતો વિરોધાભાસી જેવી લાગતી હોવા છતાં સાવ જુદી જ છે. ખુદાપરસ્તી એટલે પોતાની જાતને સપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત કરી દેવી જેમાં મજહબપાલનની પરાકાષ્ઠા અભિપ્રેત છે, જ્યારે મજહબ પ્રત્યે માત્ર અત્યંત પ્રેમ હોવો એનો મતલબ એ જ થાય કે તે પોતાના મજહબને ખૂબ જ માનસન્માન આપે છે, તેને દિલોજાનથી ચાહે છે; ભલે ને થોડાઘણા અંશે ઈશ્વર પ્રત્યે બેવફાઈ બતાવાતી હોય. અહીં બેવફાઈ એટલે ઈશ્વરની નયામતો (બક્ષિસો) પરત્વે પૂરા આભારવશ ન થવું. અહીં માશૂકા માટેની ખાસ નયામતોમાં તેના હુસ્ન (રૂપ) અને એક સાલસ ઓરતના તેના ગુણોને ગણાવી શકાય. ઈશ્વર પરત્વેની ઓછી વફાઈ તેનો અક્ષમ્ય અપરાધ ન ગણાય; કારણ કે તે સામાન્ય ઓરતો જેવી એક માત્ર ઓરત જ છે, કોઈ ઊંચા પ્રકારની ઓલિયા ઓરત નથી. વળી તેને પોતાના મજહબ પ્રત્યે પ્રેમ છે અને સાથે સાથે તે પોતાના હૃદયને પણ એટલું જ ચાહે છે. ગ઼ઝલ કાવ્યપ્રકારને તેના પારિભાષિક શબ્દોમાં સમજવી અને સમજાવવી જોઈએ તેમ છતાંય તેને સરળ શબ્દોમાં હું સમજાવતો હોઉં છું. તો આ શેરના બીજા મિસરાનો ઉત્તરાર્ધ આપણે સમજીએ તો તે એમ બતાવે છે કે માશૂકા ભલે ઓલિયા ન હોય, ખુદાપરસ્ત ન હોય; પણ પોતાના મજહબને અને પોતાના દિલને ખૂબ જ ચાહતી હોય એવી તેની ગલીમાં અર્થાત્ નિવાસસ્થાન તરફ માશૂક પોતે જશે જ નહિ. આમ અહીં માશૂકના આત્મસંયમની આપણને પ્રતીતિ થાય છે. આ શેરના અર્થઘટનની સંકુલતાને લઈને મારાથી થયેલા અતિવિસ્તાર બદલ હું ક્ષમાપ્રાર્થી છું.
* * *
‘ગ઼ાલિબ’-એ-ખ઼સ્તા કે બગ઼ૈર કૌન સે કામ બંદ હૈં
રોઇએ જ઼ાર જ઼ાર ક્યા કીજિએ હાએ હાએ ક્યૂઁ (૯)
(‘ગ઼ાલિબ’-એ-ખ઼સ્તા= દુર્દશાગ્રસ્ત ગ઼ાલિબ; જ઼ાર જ઼ાર ક્યા= ધ્રૂસ્કે ધ્રૂસ્કે)
અર્થઘટન અને રસદર્શન
ગ઼ઝલનો આ આખરી મક્તા શેર છે. આને અન્ય રીતે સિગ્નેચર શેર પણ કહી શકાય! અહીં ગ઼ઝલના સર્જકનું તખલ્લુસ (ઉપનામ) મુકાતું હોય છે. ગ઼ાલિબ પોતાને દુર્દશાગ્રસ્ત તરીકે ઓળખાવે છે. તેમના જીવનમાંથી જાણવા મળે છે કે તેઓ આર્થિક રીતે પાયમાલ સ્થિતિમાં જીવતા હતા. આમ પોતે જ પોતાની આવી નિમ્ન ઓળખ આપીને પોતાની નિખાલસતા બતાવતાં પોતાને સાવ નકામા ગણાવે છે. તેઓ પોતાની મૃત્યુ પામવાની કલ્પના કરીને કહે છે કે તેમના આ દુનિયામાંથી ચાલ્યા જવાથી દુનિયાનાં કોઈ કામો સ્થગિત થઈ જવાનાં નથી, દુનિયા તો ચાલતી હશે તેમ જ ચાલ્યા કરશે. તો પછી તેમના અવસાન પછી કોઈએ શા માટે ચોધાર આંસુએ રડવું જોઈએ કે હાય હાય કરીને વિલાપ કરવો જોઈએ?
-મિર્ઝા ગ઼ાલિબ
(ગ઼ઝલ ક્રમાંક – ૧૧૬) [આંશિક ભાગ – ૩ સંપૂર્ણ]
* * *
નોંધ:-
(આ ગ઼ઝલના અર્થઘટન માટે મારે રાજેન્દ્ર કૃષ્ણના આ ગ઼ઝલના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેમની આ સંપૂર્ણ ગ઼ઝલને હું આ લેખમાળાના ત્રણેય ભાગોમાં વિભાગવાર પરિશિષ્ઠમાં આપી રહ્યો છું.)
પરિશિષ્ઠ : (શેર ૭ થી ૯)
Dil Hi To Hai Na Sang-O-Khist
There the pride of modesty resides
Here dwells the social morality
How shall we meet, on which road
Why should he invite me to the abode?
True he is an atheist
Unfaithful and unchaste
Dear to who is faith and heart
Why should he then venture there?
Without the wretched “Ghalib”
Has any activity come to a halt?
What then is the need to cry?
What then is the need to brood?
– By Rajender Krishan
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(૪) Courtesy – Rajender Krishan
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા
* * * * *
[…] ક્રમશ: (7) […]