RSS

Tag Archives: મસ્જિદ

(565) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૧ (આંશિક ભાગ – ૧) દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત… (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ * વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

(‘વેબગુર્જરી’ ઉપર ઘણા લાંબા સમયથી ગ઼ાલિબનું ગ઼ઝલસાહિત્ય પ્રસિદ્ધ થઈ રહ્યું છે. શરૂઆતમાં ‘ગ઼ાલિબની શાયરીમાં ડોકિયું’ એ શીર્ષકે ગ઼ાલિબના છૂટાછવાયા શેરનું આચમન કરાવવામાં આવતું હતું. ત્યારપછી ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શીર્ષક હેઠળ ગુજરાતી લિપિમાં ગ઼ાલિબની આખી ગ઼ઝલો અને તેમાંના કઠિન શબ્દોના માત્ર અર્થ આપવામાં આવતા હતા કે જેથી ‘વેગુ’વાચકો જાતે મથામણ કરીને ગ઼ઝલોનો લુત્ફ લઈ શકે. પરંતુ હવેથી એ જ શ્રેણીને નવીન ઢબે રજૂ કરવામાં આવશે કે જેમાં શેરમાંના કઠિન શબ્દોના અર્થ ઉપરાંત શેરનું અર્થઘટન અને રસદર્શન પણ આપવામાં આવશે. અમે આશા સેવીએ છીએ કે આપ સૌ સુજ્ઞ વાચકો શાયરસમ્રાટ એવા મિરઝા ગ઼ાલિબની ગ઼ઝલોના શેરને ઊંડાણથી સમજીને તેનો આનંદ માણશો. ધન્યવાદ.  – વલીભાઈ મુસા)       

  • * * *   

 દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત (શેર ૧ થી ૩)                                          

દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખ઼િશ્ત દર્દ સે ભર ન આએ ક્યૂઁ
રોએઁગે હમ હજ઼ાર બાર કોઈ હમેં સતાએ ક્યૂઁ (૧)

(સંગ= પથ્થર; ખ઼િશ્ત= ઈંટ)

અર્થઘટન અને રસદર્શન:

ગ઼ાલિબની વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ કે જેને એકાધિક ગાયકોએ ગાઈ છે. ચલચિત્ર કે ટી.વી. શ્રેણીમાં આ ગ઼ઝલનું સ્થાન અચૂક હોય છે. આ દિલ પથ્થર કે ઈંટ નથી એમ કહીને ગ઼ઝલકાર દિલને સંવેદનશીલ હોવાનું જણાવે છે. જડ પદાર્થોને કોઈ સંવેદના હોતી નથી, જ્યારે દિલ તો ઋજુ હોઈ સુખ વખતે આનંદ અને દર્દ કે પરેશાની વખતે દુ:ખ અનુભવ્યા સિવાય ન જ રહી શકે. આમ દુ:ખ ટાણે તે એવું દુભાતું હોય છે કે આંખોમાંથી અશ્રુધારા ટપકી પડતી હોય છે. હવે આ શેરના બીજા મિસરામાં ગ઼ઝલકારની ખુમારી વ્યક્ત થાય છે. તે કહે છે કે અમે અમારા દુ:ખે ભલે હજારવાર રડી લઈશું; પણ મજાલ છે કે કોઈ ત્રાહિત અમને સતાવી જાય! અમારી એવી સતામણી ટાણે અમે આંખોમાંથી અશ્રુ સારવાના બદલે તેનો મુકાબલો કરીશું, તેની સામે કઠોર થઈ જઈશું.      

* * *

દૈર નહીં હરમ નહીં દર નહીં આસ્તાઁ નહીં
બૈઠે હૈં રહગુજ઼ર પે હમ ગ઼ૈર હમેં ઉઠાએ ક્યૂઁ (૨)

(દૈર= મંદિર; હરમ= મસ્જિદ; દર= દરવાજો; આસ્તાઁ= ઉંબરો; રહગુજ઼ર= જાહેર માર્ગ)

અર્થઘટન અને રસદર્શન:

સામાન્ય રીતે ગ઼ાલિબની ગ઼ઝલોનું અર્થકરણ કરવું દુષ્કર બની જતું હોય છે કેમ કે ગ઼ાલિબ અઘરા ઉર્દૂ શબ્દો પ્રયોજે છે. ઉર્દૂભાષી પાઠકો પણ કેટલાક શબ્દોના અર્થ પામવા માટે પોતાના હાથ ઊંચા કરી દેતા હોય છે. વળી શબ્દકોશમાંથી માત્ર શબ્દાર્થને જાણી લેવાથી કામ સરતું નથી, કેમ કે તેના વળી પાછા ઇંગિત અર્થો હોય છે. પ્રખર અભ્યાસુઓ જ એવા શબ્દોના મર્મ પામી શકતા હોય છે. આમ એક રીતે જોવા જોઈએ તો ગુજરાતી સાહિત્યનાં સૉનેટના પિતા તરીકેની ઓળખ પામેલા એવા સ્વ. બળવંતરાય કલ્યણરાય ઠાકોરનાં સર્જનો જેવી ગ઼ાલિબની ગ઼ઝલો પણ નળિયેરના મધુર પાણી જેવી હોય છે. ઉપરથી ઋક્ષ દેખાતા નળિયેરનાં પડ ઉખેળતા ગયા પછી જ એના મિષ્ટ પાણીને પામી શકાતું હોય છે. આ શેરની પ્રાસ્તાવિકા થોડીક દીર્ઘ બની છે તેની પાછળનો આ રસદર્શનકારનો આશય માત્ર  એ છે કે ભાવકો ગ઼ાલિબની  ગ઼ઝલોને પ્રથમ તબક્કે જ વાંચી લઈને નજરઅંદાજ ન કરી લે. હવે આપણે ગ઼ઝલના બીજા શેર ઉપર આવીએ.

ગ઼ાલિબ પોતે એ સ્થાન ઉપર બેઠેલા છે કે જે સ્થળ કોઈ મંદિર, મસ્જિદ, કોઈના ઘરનું દ્વાર કે તેનો ઉંબરો નથી. ઘર કોઈ વ્યક્તિનું હોય કે પછી કોઈ સમુદાયનું ધાર્મિક સ્થળ હોય, પણ એ સ્થાનો ઉપર વ્યક્તિગત માલિકીપણું કે આધિપત્ય હોવાના કારણે અન્ય કોઈને તેમાં પ્રવેશનો અધિકાર નથી મળતો. માલિકની પરવાનગી વગર એવાં સ્થાનોએ પ્રવેશી ગયેલાને હડસેલી દેવામાં આવે છે અથવા તો અપમાનિત કરી દેવામાં આવે છે. પરંતુ હરફન-મૌલા એવા ગ઼ાલિબ તો સાર્વજનિક જાહેર રસ્તા ઉપર બેઠેલા છે અને તેથી જ તો તેઓ બિન્દાસપણે કહી દે છે કે કોઈ કયા સબબ હેઠળ તેમને રસ્તા ઉપરથી ઊઠી જવાનું કહી દઈ શકે છે, કેમ કે એ માર્ગ તો સૌ કોઈનો ગણાય અને તેથી અવરજવરનો કોઈ અવરોધ ઊભો ન થાય તેવી રીતે રસ્તાના એક કિનારે બેઠેલાને કોઈ ઊઠી જવાનું કહી જ ન શકે. ગ઼ાલિબની જીવનકથની ઉપરથી જાણવા મળે છે કે તેઓ આટલા મહાન સર્જક હોવા છતાં તેમની ગરીબીના કારણે તેમને કેટલાક લોકોમાં માન સન્માન મળતાં ન હતાં. આમ ગ઼ઝલના આ બીજા શેરમાં પણ ગ઼ાલિબની ખુમારી અભિવ્યક્ત થાય છે.             

* * *

જબ વો જમાલ-એ-દિલ-ફ઼રોજ઼ સૂરત-એ-મેહર-એ-નીમરોજ઼
આપ હી હો નજ઼્જ઼ારા-સોજ઼ પર્દે મેં મુઁહ છુપાએ ક્યૂઁ (૩)

(જમાલ-એ-દિલ-ફ઼રોજ઼= મનને ઝળહળાવતું રૂપ; સૂરત-એ-મેહર-એ-નીમરોજ઼= મધ્યાહ્નના સૂર્યની જેમ;    નજ઼્જ઼ારા-સોજ઼= નજરને બાળી નાખનાર)

અર્થઘટન અને રસદર્શન:

સંસ્કૃત સાહિત્યના મહાકવિ કાલિદાસની ઉપમાઓ જેવી જ  ઉપમાઓ ધરાવતી ગ઼ાલિબની ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલના ત્રીજા શેરમાં ગ઼ાલિબે માશૂકાના સૌંદર્યને એવી રીતે ઉપસાવ્યું છે કે ભાવકનું દિલ વાહવાહ પોકારી ઊઠે. ગ઼ાલિબ માશૂકાને સંબોધીને કહે છે કે તારા ચહેરાનું સૌંદર્ય મધ્યાહ્નના સૂર્યની જેમ આંખોને આંજી નાખનારું અને મનને ઝળહાળાવી દેનારું છે. જ્યારે સમગ્રતયા તું પોતે જ મારી નજરને બાળી દેનાર  છે અને તેથી જ તો તારી સામે જોઈ જ શકાતું નથી, ત્યારે તારે તારા ચહેરાને ઓઝલ પાછળ છુપાવી દેવાની કોઈ જરૂર નથી. તારો ઝળહળતો ચહેરો એ પોતે જ જ્યારે તારો નકાબ બની જાય છે, ત્યારે તારે મોં છુપાવવા માટે બાહ્ય પડદાની કોઈ જ આવશ્યકતા નથી. અહીં માશૂકાના સૌંદર્યના વર્ણનની પરાકાષ્ઠા જોવા મળે છે.           

નોંધ:-

(આ ગ઼ઝલના  અર્થઘટન માટે મારે રાજેન્દ્ર કૃષ્ણના આ ગ઼ઝલના અંગ્રેજી વર્ઝનનો સહારો લેવો પડ્યો છે. અંગ્રેજીના અભ્યાસુઓ માટે તેમની આ સંપૂર્ણ ગ઼ઝલને હું આ લેખમાળાના ત્રણેય ભાગોમાં વિભાગવાર પરિશિષ્ઠમાં આપીશ.)     

 

મિર્ઝા ગ઼ાલિબ

(ગ઼ઝલ ક્રમાંક – ૧૧૬)                                                [ક્રમશ: આંશિક ભાગ – ૨]

* * *

પરિશિષ્ઠ : (શેર ૧ થી ૩)

Dil Hi To Hai Na Sang-O-Khist 

Heart it is, not a brick or stone
Why shouldn’t it feel the pain?
Let none tyrannize this heart 
Or I shall cry again and again

Neither the temple, nor the mosque
Nor on someone’s door or porch
I await on the path where He will tread
Why others should compel me to go?

The illumined grace that lights up the heart
And glows like the midday sun
That Self that annihilates all sights
When then it hides in the mysterious net?

– By Rajender Krishan  

 

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર) 
(૪) Courtesy –   Rajender Krishan
(૫) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા

 

 

Tags: , , , , , , ,

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

[ડિસ્ક્લેમર – આ લેખ સંપૂર્ણતયા એક ‘નિકમ્મા’ માણસનો આત્મલક્ષી (જાત અંગેનો) વાહિયાત લેખ છે. બ્લૉગવાચકના વાંચનની હરેક પળ કિંમતી હોય છે, તે એની જાણ બહાર ન હોવા છતાં; એ આ ધૃષ્ટતાપૂર્ણ હરકત કરવા કૃતનિશ્ચયી છે ! તો વાચકમિત્રો એને બકવા દો ! (‘વલદા’ ઊર્ફે ‘વિલિયમ’ના આત્માનો અવાજ!]

*   *   *   *   *   *

સર્વ પ્રથમ તો હું આપ સૌ વાચકોને માત્ર ભલામણ જ કરું છું (કોઈ આગ્રહ નથી, હોં !) કે આ ‘નિકમ્મા’ માણસનો ‘નિકમ્મો’ લેખ વાંચવા પહેલાં કે પછી પણ અનુકૂળતાએ તેનો એક લેખ મારો જન્મદિવસ –નવી નજરેને નજરતળે કાઢી લેશો. આમ કરવાથી મિરઝા ગાલિબના આ મતલબના એક શેર “મસ્જિદમાં ગુમાવેલા સમયનું સાટું પીઠામાં જઈને વાળો !” – (વાચ્યાર્થ ન લેતાં એના ગૂઢાર્થને પામવા જેવો છે !) પ્રમાણે તમે કંઈક ફાયદામાં રહેશો !

હવે મારા બકવાસને શરૂ કરવા પહેલાં પોતાના ચિંતનપ્રધાન લેખોથી વાચકોના ચારિત્ર્યઘડતર માટે અખબારોમાં મુલ્યવાન વાંચનસામગ્રી પીરસતા વિખ્યાત સાહિત્યકાર શ્રી કૃષ્ણકાન્ત ઉડનકટના (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ) લેખના એક ઉમદા અંશને તેમની સંમતિની અપેક્ષાએ નીચે આપી રહ્યો છું, જે મારા આગળ આવનારા લખાણને સહ્ય બનાવવા માટે અગાઉથી બેલીરૂપ બની રહેશે !

“રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે ‘વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ’ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે ? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે ? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી !”

સર્વપ્રથમ તો મારા ઉપરોક્ત લેખને ન વાંચનારાઓની જાણ માટે કહી દઉં કે મારી જન્મતારીખ ૭મી જુલાઈ છે અને વર્ષ છે, ૧૯૪૧. ચાલુ વર્ષના જ ગત જુલાઈની ૭મી તારીખે હું મારા જીવનનાં ૭૩ વર્ષ પૂરાં કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ્યો હતો. આમ તો હું મારાં સદગત ત્રણેય માવીતરને હરપળે મારા સાન્નિધ્યમાં જીવંત જ અનુભવતો હોઉં છું, પરંતુ એ દિવસે મારાં શ્રીકૃષ્ણનાં દેવકીમા સમાં મારાં નૂરીમા (My biological mother)ની વિશેષ યાદ આવી ગઈ. (અમારાં ‘જશોદામા’ અર્થાત ‘મલુકમા’ વિષેનો એક લેખ જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય !’ શીર્ષકે મારા બ્લોગ ઉપર વિદ્યમાન છે જ.). નૂરીમાની યાદ આવવાનું કારણ એ હતું કે તેમનું અવસાન ૧૯૭૩ની સાલમાં થયું હતું. જો કે એમની મૃત્યુ તારીખ તો ૦૪-૦૧-૧૯૭૩ જ હતી અને ‘૭૩’ના આંકડા સિવાય અહીં અન્ય કોઈ સામ્ય ન હતું. પરંતુ આંકડાશાસ્ત્રમાં રસ ધરાવતા એવો હું એ તારીખને મારી આદત મુજબ ૭૩-૦૧-૦૪ ગોઠવી બેઠો અને મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વલદા, આ તો ૭૩ વર્ષ ૧ માસ અને ૪ દિવસ જેવું થયું ન ગણાય !’ ! પછી તો તરત જ મેં મારી જન્મતારીખમાં ૧ માસ અને ૪ દિવસ ઉમેરી દીધા અને જુલાઈ માસના ૩૧ દિવસને ધ્યાનમાં રાખીને નવીન તા.૧૧-૦૮-૧૪ને તારવી કાઢી. હવે આ તારીખને મારે શું સમજવું, એમ વિચાર કરતાંકરતાં મને લાગ્યું કે આને હું મારી નવીન જન્મતારીખ તો ન જ બનાવી શકું; કેમ કે કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ તો નિશ્ચિત હોય છે, અફર હોય છે. મારો વિચાર આગળ ધપ્યો અને હું મનોમન તા.૧૧-૦૮-૧૪ને મારી મૃત્યુ તારીખ ધારી બેઠો.

આજે મારા મૃત્યુ માટેની ધારેલી તા.૧૧-૦૮-૧૪ છે અને આજે આ જ તારીખે આ લેખ લખી રહ્યો છું. હું લખતાંલખતાં આટલા સુધી આવ્યો છું અને કોમ્પ્યુટરના ઘડિયાળમાં જોઉં છું, તો ભારતીય સાંજના ૫:૪૦ નો સમય બતાવે છે. હજુ તો મધ્ય રાત્રિના બાર વાગે તારીખ બદલાશે. જો હું અવસાન પામ્યો તો આજની તા.૧૧-૦૮-૧૪ એ મારી મૃત્યુતારીખ બની રહેશે, જેની સાથે મારા મૃત્યુ પછી મારે તો કોઈ મતલબ રહેશે નહિ; કેમ કે હું તો અનંતની યાત્રાએ પહોંચી ગયો હોઈશ ! વળી હું જીવતો રહ્યો, તો પણ આ તારીખ મારા માટે કોઈ ખપની રહેશે નહિ; સિવાય કે એક હાસ્યાસ્પદ તુક્કા તરીકેની મારા માટેની એક તારીખ ! પણ હા, તા.૧૨-૦૮-૧૪નું મારા માટે એક મહત્ત્વ રહેશે ખરું; કેમ કે મારા અંગત મતે જીવતદાન પામ્યા પછીની ફક્ત મારા માટેની જ એ મારી નવીન જન્મતારીખ તો જરૂર હશે !

આમ આજની મધ્યરાત્રિએ હું કુટુંબીજનો આગળ શાબ્દિક રીતે નહિ, પણ સ્વગત આ શબ્દો તો મારા મનમાં લાવીશ જ કે ‘લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!’

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , ,